8. જો ધ્યાન, ચોવીસ કલાક ચાલતી પ્રક્રિયા છે, તો જીવન વ્યવહાર શી રીતે ચાલે ? જો હું હંમેશા 'કેવળ મારા હોવાપણાં' પર એકાગ્ર રહું, તો હું મારા કોઈપણ કામો કેવી રીતે કરી શકું ?
Section 1
જો ધ્યાન, ચોવીસ કલાક ચાલતી પ્રક્રિયા છે, તો જીવન વ્યવહાર શી રીતે ચાલે ? જો હું હંમેશા 'કેવળ મારા હોવાપણાં' પર એકાગ્ર રહું, તો હું મારા કોઈપણ કામો કેવી રીતે કરી શકું ?
ધ્યાન ક્રિયા વિરોધી નથી !
તમે એક વખત તમારા 'સ્વ'માં ખલેલ પામ્યા વગર રહેવાનું કૌશલ્ય ખીલી લો, પછી તમે એ જ સ્થિતિમાં રહીને ગમે તેટલા કાર્યો કરી શકો છો, બાહ્ય ક્રિયા કે ક્રિયાનો અભાવ અપ્રસ્તુત છે.
આ પ્રક્રિયાના બે પગથિયાં છે.
પ્રથમ તમારે તમારા આંતરિક અસ્તિત્વના સંપર્કમાં રહેવાનું છે. તમને એ જ્ઞાન થવું જોઈએ કે આવું કંઈક છે. કેવળ અસ્તિત્વની સ્થિતિને માણતાં શીખો. પ્રારંભમાં તમે જયારે ધ્યાન ધરવા બેસો, ત્યારે દરરોજ માત્ર અડધો કલાક કે એક કલાક આ રીતે કરો.
એક વખત તમને આ સ્થિતિ અનુકુળ થઈ જાય, પછી વિધિપૂર્વકના ધ્યાનના સમય સિવાયના સમયમાં પણ પ્રયત્નપૃર્વક તેને વિસ્તારો.
ધ્યાન તરફ આગળ વધવાનો ખારો માર્ગ કયો છે ?
સરસ પ્રશ્ન છે.
પહેલી વાત એ કે, તમે એ તરફ ખરા દિલથી વળો.
ધ્યાનમાં માનો કે ન માનો એવું કશું જ હું તમને કહેતો નથી.
હું તમને નથી કહેતો કે તેમાં શ્રદ્ધા રાખો.
હ્યું તમને વિશ્વાસ રાખવાનું કહ્યું છું.
શ્રદ્ધા એટલે કશાકને માટે તૈયાર કરેલી માન્યતા. વિશ્વાસ એટલે, પ્રયોગો માટેની મોકળાશ.
આથી ધ્યાનને એક તક આપો. તમારા મનને ખુલ્લું રાખો.
ઉત્સાહી બનો, મનને હચમચાવી દે એવી ઘટના માટે તૈયાર રહો ! બીજું, આશાવાદી બનીને આગળ વધો.
આનંદની સ્થિતિ એ કંઈ યોગીઓ કે સંન્યાસીઓનો ઈજારો નથી.
આનંદ એ સંપૂર્ણતયા તમે સિદ્ધ કરી શકો તેવું ધ્યેય છે. – પછી ભલે તમે ધ્યાનથી તદ્દન અપરિચિત હો.
હું તમને કહું છું, ધ્યાન માટે કોઈ પૂર્વયોગ્યતાની આવશ્યકતા નથી.
એક વખત એક માણસ મહાન આધ્યાત્મિક ગુરુ શ્રી રમણ મહર્ષિ પાસે ગયો અને પૃછ્યું ,
"ભગવન્ ! આધ્યાત્મિક જીવન માટે મારામાં યોગ્યતા છે ?"
રમણ મહર્ષિએ પ્રશ્નાત્મક પ્રત્યુત્તર આપ્યો : "તમે જીવતા છો ?" માણસ ચમક્યો.
"હાસ્તો !"
25
"એટલું જ પૂરતું છે." રમણ મહર્ષિએ ઉત્તર આપ્યો : "તમારામાં આધ્યાત્મિકતા માટે પહેલેથી જ જરૂરી યોગ્યતા છે."
માત્ર જીવંત હોવું એ જ આધ્યાત્મિકતા માટેની યોગ્યતા છે !
જયારે દિવ્યતત્ત્વ તમારા પર કોઈ બંધનો લાદતું નથી. ત્યારે તમે તમારા પોતાના પર શા માટે બંધનો લાદો છો ? તમે પ્રારંભ કરતાં પહેલાં આટલું સ્પષ્ટ સમજી લો : તમારી સામે એક નિશ્ચિત ધ્યેય છે અને તમે ત્યાં સુધી પહોંચવાના જ છો.
ત્રીજું, હળવાશ અનુભવો !
ધ્યાન એક મોટો રોમાંચક અનુભવ છે. ખરેખર તો એ તમારા જીવનનો સૌથી મોટો પ્રયોગ છે. ધ્યાન માટે ગંભીર બનવું એ તો સમગ્ર ઉદ્દેશ કે હેતુ જ ચુકી જવા જેવું છે. આધ્યાત્મિકતા કોઈ ગંભીર કાર્યક્ષેત્ર નથી. ધ્યાન એવું સમજવા માટે છે કે જીવન બીજૂં કશું નથી માત્ર દિવ્ય લીલા છે. તો પછી તેમાં ગંભીર થઈ જવા જેવું શું છે ?
ધ્યાનનો ઉત્સવ કરો.
માત્ર આનંદ માણો.
ચોથું, ધીરજ રાખો.
તમારા ધ્યાનની પ્રથમ બેઠકમાં જ દિવ્યતત્ત્વ તમારા પર વરસી પડવાનું નથી !
ધ્યાન શરૂ કરતાંની સાથે જ પરિણામની ચિંતા કરવાનું શરૂ ના કરો.
એક નાનકડી વાર્તા :
ત્રણ વાંદરાઓને એક વખત પાકી રસીલી કેરી મળી.
અન્ય વાનરોની જેમ તેઓ થોડીવાર કેરી માટે ઝઘડ્યા. પછી, કોઈક કારણસર, તેમને ક્ષણિક સ્પષ્ટતા, પ્રબુદ્ધતાનો અનુભવ થયો.
તેમણે ઝઘડવાને બદલે બુદ્ધિપૂર્વક કંઈક કરવાનો નિર્ણય લીધો.
અત્યારે કેરી ખાઈ જવાને બદલે, તેમણે કેરી વાવવાનું નક્કી કર્યું. એક વખત ગોટલીને અંકુર ફટે અને આંબો થાય, તો ત્રણેયને પર્યાપ્ત અને પુષ્કળ કેરીઓ મળે.
દરેક વાનરે આંબાના છોડની સંભાળ રાખવાની કામગીરીનો એકેક ભાગ ઉપાડી લેવાનો નિર્ણય કર્યો.
પ્રથમ વાનરે કહ્યું : "હું છોડને દરરોજ પાણી પાઈશ."
બીજાએ કહ્યું : ''હું માટીને કસદાર રાખીશ, ખાતર નાખીશ અને છોડ સરસ રીતે ઊગે તેની કાળજી રાખીશ."
ત્રીજા વાનરે કહ્યું : ''હું કાળજીપૂર્વક છોડની રખેવાળી કરીશ અને ખરાબ હવામાન અને પ્રાણીઓથી તેનું રક્ષણ કરીશ. "
એક મહિનો પસાર થઈ ગયો. બીજો ગયો. ત્રીજો ગયો. બીજમાંથી છોડ ઊગવાનાં કોઈ ચિહ્નો દેખાયાં નહિ.
આથી ત્રણેય વાનરોએ દરેકે લીધેલી જવાબદારી અને તેના અમલીકરણની ચર્ચા કરવા એક તાકીદની મિટિંગ બોલાવી.
પ્રથમ વાનરે જાહેરાત કરી : ''મેં આપેલા વચન પ્રમાણે હું પ્રતિદિન બીજને પાણી પીવડાવું છ્રું.''
બીજા વાનરે બૂમ પાડી : "મેં આપેલા વચન પ્રમાણે હું ખાતર નાખું છું અને માટીને કસદાર બનાવું છું."
ત્રીજા વાનરે કહ્યું : ''મારા વચન પ્રમાણે બીજની ખુબ જ કાળજીપૂર્વક ચોકી કરું છું. એટલૂં જ નહિ, હું પ્રતિદિન બીજને બહાર કાઢીને જોઉં છૂં કે અંકૂર ફટચો કે નહિ !"
માટે પ્રથમ જ સત્રમાં કોઈ ચમત્કારની અપેક્ષા ન રાખો. ધ્યાનની પ્રક્રિયાને તમારી અંદર વિકસવા થોડો સમય આપો ! જો તમે તાત્કાલિક પરિણામનો લોભ રાખો છો, તો તમે એ પ્રક્રિયાને તમારી અંદર સ્થિર થતાં રોકો છો. તમે આખી પ્રક્રિયાને અવરોધો છો, ધીરજ રાખો !
પાંચમું, એકાંત ને માણો.
શક્ય હોય ત્યાં સુધી અંતર્મુખ સ્થિતિને જાળવી રાખો. એકાંતમાં રહો, દરરોજ થોડો સમય મૌન ધારણ કરો. આંતરિક વાતાવરણને અનુભવવાનો તમારી જાતને અવસર આપો. જ્યારે ધ્યાન તમારા જીવનનો હિસ્સો બની જાય, ત્યારે આપોઆપ આ સ્થિતિ વિકસિત થાય છે. પણ પ્રારંભ કરનારાઓએ સભાનપણે આ સ્થિતિ જાળવી રાખવી પડશે.