4. જો આપણે સમગ્ર જીવન દરમ્યાન આનંદને શોધી રહ્યા છીએ, તો આજ સુધી આપણે તેને કેમ મેળવી શક્યા નથી ?
# જો આપણે સમગ્ર જીવન દરમ્યાન આનંદને શોધી રહ્યા છીએ, તો આજ સુધી આપણે તેને કેમ મેળવી શક્યા નથી ?
કારણ કે આપણે અભાનપણે શોધી રહ્યા છીએ. આપણામાંના ૯૯ ટકા લોકોને તો એ ખ્યાલ જ નથી કે આનંદ જ આપણું ખરું ધ્યેય છે.
આપણામાંના મોટાભાગના લોકોને એટલો જ ખ્યાલ છે કે આપણા જીવનમાં કંઈક ખૂટે છે, કોઈક એવો ખાલીપો છે, જે આપણે ધનથી, સંબંધોથી કે માલ-મિલકતથી ભરી શકતા નથી.
મને કહો, તમે બાહ્ય દુનિયામાંથી એવું શું મેળવ્યું છે, જે કાયમ માટે ટકી રહે ?
હજુ પણ આપણી શોધ ચાલુ જ છે.
અને કારણ કે આપણે અજાણ છીએ, તેથી આપણે આપણી જાતની બહાર શોધ કરીએ છીએ. આપણે દ્દુનિયામાં સર્વત્ર એવું કંઈક શોધી રહ્યા છીએ, જે પહેલેથી જ આપણી અંદર છે ! તમે માનો કે ન માનો, આનંદ આપણો જન્મસિદ્ધ હક્ક છે !
આનંદ આપણો મૂળભૂત સ્વભાવ છે !
એક નાનકડી વાર્તા :
એક સાંજે, કુંવર કુલજીત પોતાના ઘરની સામેના આંગણામાં કંઈક શોધી રહ્યો હતો. જયારે તેની પત્નીએ પૂછ્યું, "'શું શોધો છો ?'' ત્યારે તેણે કહ્યું, ''મારો સિક્કો પડી ગયો છે.'' તેની પત્ની પણ શોધવા માંડી. થોડી જ વારમાં બીજા લોકો પણ એકઠા થયા અને બધા જ પડોશીઓ ખોવાયેલા સિક્કાને શોધવામાં લાગી ગયા.
એકાએક એક યુવાને કુલજીતને પૂછયું, ''ચોક્કસ કઈ જગ્યાએ તમારો સિક્કો પડી ગયો છે ? આપણને હજુ સુધી મળ્યો કેમ નહિ ?"
"ઓહ !" ફુલજીતે કહ્યું, "સિક્કો તો ઘરમાં ખોવાયો છે."
"તો પછી તમે અહીં શા માટે સિક્કો શોધો છો ?" યુવાને નવાઈથી પૂછવું. "સમસ્યા એ છે", કુલજીતે ઉત્તર આપ્યો, "મારા ઘરની અંદર દીવો નથી. અહીં શેરીનો દીવો તો છે. તેના પ્રકાશમાં આપણે શોધી શકીએ !"
આપણે આપણા જીવનમાં બરાબર આવું જ કરતા હોઈએ છીએ ! આપણે આપણા પ્રશ્નોના ઉકેલ ખોટી જગ્યાએ શોધવામાં નિષ્ણાંત છીએ ! આપણે આપણને સર્વત્ર શોધીએ છીએ - ધનમાં, સત્તામાં, સંબંધોમાં, વિચારસરણીઓમાં - પણ સ્પષ્ટ રીતે દષ્ટિગોચર થતી દિશામાં, આપણી અંદરની તરફ વળતાં નથી.
તમે સિક્કો તમારા પોતાના ઘરની અંદર જ ખોયો છે, એનો બોધ થવો એ જાણકારીનું પ્રથમ પગથિયું છે. પછી તમે સ્વયં તેને શેરીઓમાં શોધવાનું છોડી દેશો !
ધ્યાન એ બીજું કશું જ નથી, પણ તમારી અંદર પહેલેથી જ રહેલા આનંદની ઉપસ્થિતિની શોધ માટેની પૂર્વ તૈયારી છે.
જે ક્ષણે તમે આનંદને શેરીઓમાં શોધવાની પ્રક્રિયાની નિરર્થકતા સમજી જાવ છો, તે જ ક્ષણે, સ્વાભાવિક જ તમે ધ્યાન માટે પરિપક્વ થઈ જાવ છો.