14. ધ્યાનનો આનંદ કેવી રીતે માણવો
# ધ્યાનનો આનંદ કેવી રીતે માણવો
સમય કાઢો
ચોક્કસ પણે નક્કી કરો કે દરરોજ, ઓછામાં ઓછો અડધો કલાક
ધ્યાન માટે ફાળવવો. તમે કોઈપણ સમયે – કોઈપણ સ્થળના ધ્યાનની પ્રેક્ટિસની યોજના કરો, તો પણ અડધો કલાકની બેઠક-પદ્ધતિને સામેલ કરો. પ્રારંભમાં તમારે ધ્યાનમાં શિસ્ત કેળવવાની રહેશે. તેમ જ સભાનતાપૂર્વક, ધ્યાનની પ્રેક્ટિસ માટે નિશ્ચિત વાતાવરણમાં, પ્રેક્ટિસ કરવાની રહેશે.
આ સમય દરમ્યાન તમને ખલેલ ન પડે એની ખાતરી કરી લો. કોઈપણ કામ માટેની મુલાકાત ન સ્વીકારો. તમારા ફુટુંબ અને મિત્રોને જાણ હોવી જોઈએ કે, આ સમય દરમ્યાન તમે એકલા રહો એ બહુ અગત્યનું છે. દરરોજનો એક જ સમય નિશ્ચિત કરવો એ હિતાવહ છે. શરીર અને મન બહુ જલ્દીથી નિત્યક્રમથી ટેવાઈ જાય છે. તમે જો દરરોજ નિશ્ચિત સમયે અભ્યાસ કરશો, તો તમે જોશો કે તે નિશ્ચિત સમયે તમે વધારે સરળતાથી ધ્યાનમાં સરી જશો.
સ્થળ તૈયાર કરો
ધ્યાન માટે સ્વચ્છ, ધાંધલ વગરનું શાંત સ્થળ પસંદ કરો. શક્ય હોય તો, તમારા ઘરમાં ધ્યાન ખંડ તરીકે એક ઓરડો ફાળવો. જો તમારા ઘરમાં પહેલેથી જ પ્રાર્થનાખંડ હોય તો, તે આદર્શ સ્થળ બની રહેશે. જે સ્થળ ભક્તિ કે ધ્યાન માટે પહેલેથી જ વપરાયું હોય, તેમાં શક્તિની કક્ષા ઘણી ઊંચી હોય છે, જે તમને ધ્યાનમાં ઘણી મદદરૂપ થશે. એક જ સ્થળે રોજ ધ્યાન ધરવું વધારે સારું છે. જો એ સ્થાન બંધ ઓરડો હોય, તો તેમાં
પરતો સૂર્યપ્રકાશ અને મોટી હવાબારી હોય એવી ખાતરી કરો. જો તમે બહાર ખુલ્લામાં, ધારો કે બગીચામાં ધ્યાન ધરતા હો, તો એટલી ખાતરી કરો કે એ અંગત માલિકીની જગ્યા હોય, જયાં બગીચાના ઘોંઘાટથી ખલેલ ન પહોંચે.
સ્વસ્થ રહો
તમે શારીરિક દષ્ટિએ સ્વસ્થ નહિ હો, તો કોઈપણ રીતે ધ્યાન નહિ ધરી શકો.
ધ્યાનને માટે દેહને ભૂલી જવાનો છે. અને જો તમારું શરીર તમને પીડા આપતું હોય, તો તમે તેને ભૂલીને તેનાથી પર કેવી રીતે જઈ શકો ?
ઘણી પદ્ધતિઓમાં તમારે જમીન પર પલાંઠી વાળીને બેસવાનું હોય છે. જો તમને એવી ટેવ ન હોય, તો ખુરશીનો ઉપયોગ કરો. સૂઈને કરવાની પદ્ધતિમાં ખુલ્લી જમીન પર ન સૂઓ. ગાલીચો, ગોદડી કે ચટાઈ વાપરો.
ભોજન લીધા પછી ઓછામાં ઓછા બે કલાક વીત્યા હોવા જોઈએ.
શરૂઆતમાં તમને ધ્યાન દરમ્યાન નિદ્મા આવશે. આ તમોગુણ છે, જે તમારા શરીરતંત્ર પર જુલમ કરે છે. નિદ્રા સામે લડવાનો પ્રયત્ન ન કરો - તેમાં છેવટે તમે ન તો સૂઈ શકશો કે ન તો ધ્યાન ધરી શકશો. અને નિદ્રા આવે, એથી તમે તમને દોષી ન ગણો. જો તમને નિદ્રા આવે તો બસ, સૂઈ જાવ. જયારે તમારી નિદ્રા પૂરી થાય, ત્યારે તમે ઊઠીને ધ્યાન ધરી શકો છો. એટલું બસ છે.
76
77
પ્રશ્ન : ધ્યાન પણ એક ક્રિયા નથી ?
શરૂઆતમાં એ ક્રિયા છે. માત્ર શાંતિથી બેસી રહેવું એ પણ કાર્ય છે. તમારા શ્વાસને તમે નિહાળો એ પણ એક ક્રિયા જ છે.
હકીકતમાં, શરૂઆતમાં ધ્યાન અન્ય કંઈ લાગવા કરતાં કાર્ય જેવું લાગશે - કારણ કે તમે એવું કરી રહ્યા છો, જે તમારે માટે સ્વાભાવિક નથી.
જયારે તમે સંપૂર્ણ રીતે સ્વાભાવિક હોય એવું કંઈક કરતા હો - દા.ત., કેવળ બેસવાનું - એ તમારા પર ઔપચારિક રીતે લાદવામાં આવ્યું હોય, તો તમને એ પરિશ્રમ જેવું લાગશે.
શું તમે જાણો છો કે 'કેવળ બેઠક' નામની એક ઝેન ધ્યાન પદ્ધતિ છે ?
પરંતુ તેમાં પણ સહભાગી થનારે તે પામવા માટે ઝઝૂમવું પડે છે !
હા, પ્રારંભમાં એ ચોક્કસ પરિશ્રમ છે. પરંતુ ગહન અર્થમાં ધ્યાન એ કરવાની બાબત નથી – કારણ કે જયારે તમે તે યોગ્ય માર્ગે કરો છો, જયારે તમે ખરેખર ધ્યાન ધરવામાં સફળ થાઓ છો, ત્યારે બધા જ પરિશ્રમો અદેશ્ય થઈ જાય છે. જ્યારે તમે સંપૂર્ણતયા તણાવમુક્ત થાવ છો, જયારે તમે પરિણામો મેળવવાના પ્રયત્નો છોડી દો છો, જયારે તમે ધ્યાનને કેવળ માણો છો, ત્યારે ધીમે ધીમે તમે ધ્યાન ધરી રહ્યા છો એ બાબતથી પણ અજ્ઞાત હશો. પછી ધ્યાન એ કરવાની બાબત નહિ રહે !