KAILASA Library/પવનને અંદર આવવા દો! (Pavanane Andar Aavava Do!)/આભાર નહિ !Sign in
પવનને અંદર આવવા દો! (Pavanane Andar Aavava Do!)

આભાર નહિ !

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

કહો નહિ, મહેસૂસ કરો

Smiling person with turban

તમારો આભાર ! આ શબ્દપ્રયોગ તમે જિંદગી આખી કરો છો.

બાળપણથી જ તમારો આભાર એમ કહેવાનું તમને શીખવવામાં આવ્યું છે.

સમય જતાં બાળક પુખ્તવયનું થાય છે. પછી આ શબ્દપ્રયોગ તેના જીવનનો એક ભાગ બની જાય છે.

એક વ્યવસાયી ઢબે આ શબ્દનો આપણે યંત્રવત્ પ્રયોગ કરીએ છીએ.

તમારો આભાર એ શબ્દોમાં કૃતજ્ઞતાની અપેક્ષિત લાગણી આપણને ભાગ્યે જોવા મળે છે.

વાસ્તવમાં આપણું આખું જીવન કૃતજ્ઞતાની વિરુદ્ધની લાગણી પર એટલે કે અપેક્ષા પર નિર્ભર છે.

સંબંધોમાં આપણે પ્રેમની અપેક્ષા રાખીએ છીએ. લોકોનું ધ્યાન આપણા તરફ કેન્દ્રિત થાય એવી સમાજ પાસે આપણે અપેક્ષા રાખીએ છીએ. આપણે વધુ ને વધુ સારો દેખાવ કરીએ એવી પોતાની પાસે પણ અપેક્ષા રાખીએ છીએ. જગતની કોઈ વ્યક્તિ આપણને ક્યારેય આપી ન શકે એવી દરેક વસ્તુની માગણી આપણે પરમાત્મા પાસે કરીએ છીએ.

આપણી પાસે જે કાંઈ છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કર્યા વિના આપણે હંમેશાં માગતાં જ રહીએ છીએ.

કૃતજ્ઞતા એ તમારા પર લાદેલી કોઈ નૈતિકતા નથી.

એ તમારા પોતાના સુખ માટે એક મૂળભૂત સિદ્ધાંત છે.

જ્યાં સુધી માગ્યા કરશો ત્યાં સુધી તમે બાહ્ય પ્રસંગોના નિયંત્રણ હેઠળ રહેશો. કૃતજ્ઞતાપૂર્વક જીવશો તો કોઈ પણ પદાર્થ કે વ્યક્તિ તમારા સુખને સ્પર્શ નહિ કરી શકે.

અપેક્ષા સાથે જીવશો તો અપેક્ષાઓ અને તેની પૂર્તિ એ બંને વચ્ચે જરૂર મોટી ખાઈ ઊભી થશે. એક ઇચ્છા સંતોષાશે એટલામાં બીજી દસ ઇચ્છાઓ ઉછળીને બહાર આવશે.

અલબત્ત, દરેકના જીવનમાં ઉતારચડાવ આવતાં જ હોય છે. કેટલીય ઇચ્છાઓ હંમેશાં અતૃપ્ત રહેતી હોય છે અને એ સ્વાભાવિક છે. સવાલ એ છે કે પ્યાલો અધૂરો છે કે ભરેલો છે ? એને કેવી રીતે જોવો એ તમારી પસંદગીનો વિષય છે.

તમારી પાસે જે નથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરશો તો જીવનમાં ખાલીપો લાગશે. 'મને જોઈએ છે...' આ શબ્દો બ્લૅક હોલ જેવા છે. એ તમારી પાસેની તમામ વસ્તુને ગળી જશે અને અંતે રહેશે ખાલીપો.

એક વાર એક માણસ રમણ મહર્ષિ પાસે આવ્યો અને કહ્યું,

ભગવન્, મને શાંતિ જોઈએ છે !

રમણે જવાબ આપ્યો, તારા પોતાના વાક્યમાંથી 'મને' શબ્દ કાઢી નાખ, 'જોઈએ છે' શબ્દોને દૂર કર. પછી જે બાકી રહેશે તે છે શાંતિ !

અહમ્ને દૂર કરો, અપેક્ષાને તિલાંજલી આપો – અને શાંતિ તમારી પાસે જ છે.

તમે શિવ અને બ્રહ્મકપાલની વાર્તા સાંભળી છે. આ બ્રહ્મકપાલ આપણા સૌની અંદર રહેલો છે. એ આપણા અહમ્ સિવાય બીજું કાંઈ નથી. અહમ્ એવું છે કે જે દરેક વસ્તુને ગળી જાય છે.

અત્યારે તમને જે વસ્તુની ઇચ્છા થાય છે તેનો વિચાર કરો અને તેની એક યાદી તૈયાર કરો.

હવે તમારી પાસે જે વસ્તુ છે તેની એક યાદી બનાવો. કઈ યાદીથી તમને ખુશી થાય છે અને કઈ યાદી તમને વ્યથિત કરી મૂકે છે ?

જવાબ સ્પષ્ટ છે.

તો કહો, તમારે કઈ યાદી પર ધ્યાન આપવું જોઈએ ?

પોતાના સુખને જાળવી રાખવાની સમજણ દરેક જીવંત વસ્તુમાં હોય છે. તોપછી

આપણી પાસે કેમ ન હોય ?

તમારા જીવનનો આધાર કેવળ માગણી પર હોય કે કૃતજ્ઞતાની લાગણી પર હોય એવું ઇચ્છો છો ? એ તમારા પર નિર્ભર કરે છે.

વિશ્વમાં બે પ્રકારના ધર્મ છે : પ્રાર્થના પર આધારિત અને કૃતજ્ઞતા પર આધારિત બહુજનસમાજ પ્રાર્થનાધર્મને અનુસરે છે. કૃતજ્ઞતાનો ધર્મ અમુક ચુનંદા વ્યક્તિ જ અનુસરી શકે છે.

પ્રાર્થનામાં યાચના અને અપેક્ષાનો ભાવ હોય છે અને કૃતજ્ઞતામાં અધ્યાત્મભાવ હોય છે.

સૂફી અને હસીડી સંપ્રદાયનો પણ આ જ સિદ્ધાંત છે. કૃતજ્ઞતાપૂર્વક જીવન જીવવું એ એક કળા છે. એ દરેક વસ્તુને પવિત્ર બનાવી દે છે. સૂફીઓ અને બાઉલો ઇશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ગાન કરે છે અને નૃત્ય કરે છે. ગાયન અને નૃત્ય એ પ્રાર્થનાના જ રૂપ છે.

કૃતજ્ઞતા દર્શાવવી એનો અર્થ પૂજામાં કલાકો ગાળવા એવો નથી. કેવળ પ્રસન્ન રહો. જીવન ઇશ્વરની દેન છે એ વાતનું જાણપણું રાખો. આટલું પૂરતું છે.

કૃતજ્ઞતા દર્શાવવી એ ફરજ કે વિધિ બની ગઈ છે. તેથી સાચી કૃતજ્ઞતા કેવી હોય તે આપણે ખરેખર ભૂલી ગયા છીએ. જિંદગી આખી તમને એક વાત શીખવવામાં આવી છે કે તમારા માતાપિતાના, તમારા શિક્ષકોના, મિત્રોના અને અપરિચિતોના આભારી રહો. આ એક આદત બની ગઈ છે. કૃતજ્ઞતાની સાચી લાગણી જાગે ત્યારે જ એ બંને વચ્ચેનો બહુ મોટો તફાવત સમજાય ! કૃતજ્ઞતા એ આનંદ અને અનુકંપામાંથી ઊઠતાં મોજાં છે. એ તમારા હૃદયમાંથી તમારી જાણ વિના વહે છે; તમે એને અટકાવી પણ શકતાં નથી !

આપણે કૃતજ્ઞતાની મીઠાશ માણી નથી. ઇશ્વર પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવો ત્યારે પરિતૃપ્તિની અદ્ભુત લાગણીનો અનુભવ થશે.

એક નાની વાર્તા :

સૂફી ગુરુ જુનૈદ દરરોજ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા ઇશ્વરને પાંચ વાર પ્રાર્થના કરતા. એક વાર જુનૈદ અને તેમના શિષ્યો જે ગામમાં કોઈ જ સૂફી ધર્મમાં માનતું નહોતું ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પહેલા ગામમાં લોકોએ તેમને ભિક્ષા આપવાની ના પાડી દીધી. આથી તે દિવસે તેમને ભૂખ્યા રહેવું પડ્યું. બીજે દિવસે પણ એમ જ બન્યું. ત્રીજે દિવસે જે ગામમાંથી પસાર થયા ત્યાં લોકોમાં તેમને માટે એટલા વેર અને વિરોધ હતા કે લાકડી અને પથ્થર મારીમારીને તેમને કાઢી મૂક્યા. તે રાત્રે રોજની જેમ જુનૈદે ઘૂંટણિયે પડી ઇશ્વરને પ્રાર્થના કરી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી. આ જોઈએ તેમના કેટલાક શિષ્યો ગુસ્સે થઈ ગયા.

ગુરુજી, ત્રણ દિવસથી આપણે ખાધાપીધા વગર ભૂખે મરીએ છીએ. વળી આજે તો ગામના લોકોએ આપણને કુતરાની જેમ હડ હડ કરીને કાઢી મૂક્યા. શું એ માટે તમે ઇશ્વરનો આભાર માનો છો ? શિષ્યોએ ગુરુને પ્રશ્ન પૂછ્યો.

જુનૈદે જવાબ આપ્યો, કોઈ ખાસ કારણસર મેં ક્યારેય ઇશ્વરનો આભાર માન્યો નથી. કોઈ કારણસર હું ક્યારેય આભારવશ થયો નથી. તોપછી આજે હું આભારની લાગણી દર્શાવવાનું શા માટે બંધ કરું ? કૃતજ્ઞતાની લાગણી માટે મને કારણ કે નિમિત્તની જરૂર નથી. મારામાં કૃતજ્ઞતાનું ઝરણું આપોઆપ વહે છે.

જીવન એ ઇશ્વર પાસેથી મળેલી અમૂલી ભેટ છે. કૃતજ્ઞ થવા માટે જીવન એ જ પર્યાપ્ત કારણ છે. ઇશ્વર આપણા પર મહેર વર્ષાવે છે ! સૂર્યપ્રકાશ, ફૂલ, તમારું શરીર, તમારું જીવન – આમાની એક પણ વસ્તુ માટે તમે ક્યારેય માગણી કરી હતી ?

જીવન આપવાને લાયક બનવા માટે તમે ક્યારેય કઠોર પરિશ્રમ કર્યો હતો ?

કોઈ એમ કહી શકશે કે ઇશ્વરના રસોડામાં કે બાગમાં થોડો સમય તેણે મહેનત કરી છે. તેથી ઇશ્વરે તેને આ જીવન બક્ષ્યું છે ?

ના.

જીવન આપણને કેવળ ભેટરૂપે મળ્યું છે.

તેથી જ આપણે તેનું મૂલ્ય ઊણું આંકીએ છીએ, તેથી જ આપણે જીવનને હળવાશથી લઈએ છીએ.

શરૂઆતમાં બધા જ ધર્મોએ અને સંસ્કૃતિઓએ જીવન પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવી જોઈએ એ વાત પર ભાર મૂક્યો હતો, પણ ધીરેધીરે એ વાતને આપણે ભૂલી ગયા. ભારતમાં એક સૂત્ર છે : અન્નમ્ બ્રહ્મ (અન્ન દેવ છે.) ખ્રિસ્તીઓ અને યહૂદીઓ દરેક વખતે ભોજનની પહેલાં 'કૃપા' એમ બોલે છે, પણ ખરેખર કેટલી વાર કૃતજ્ઞતાની લાગણી આપણે મનમાં અનુભવીએ છીએ ? મોટે ભાગે આદતને કારણે આ શબ્દો બોલી નાખીએ છીએ.

મારા એક શિષ્યે મને આ સત્ય વાર્તા કહી હતી : આ વાત ખરેખર તેના જીવનમાં બની હતી. રોજ બપોરે જમવાના સમયે તે ઑફિસમાંથી પત્નીનો ફોન કરતો. છેલ્લે ફોન મૂકતાં પહેલાં તે હંમેશાં તેની પત્નીને કહેતો, હું તને ચાહું છું.

એક દિવસ બરાબર જમવાના સમયે તેના માલિકનો ફોન આવ્યો. ફોન પર વાત પૂરી થઈ અને રોજની ટેવ પ્રમાણે કાંઈ પણ વિચાર્યા વિના તે બોલી પડ્યો, હું તને ચાહું છું !! કમનસીબે એની માલિક એ સ્ત્રી હતી.

પછી શું બન્યું હશે તે તમે કલ્પી શકશો.

શબ્દના અર્થનું અનુસંધાન કર્યા વિના કેવળ આદત પ્રમાણે જ કામ કરો તો આવું જ બને. જેમ પ્રેમની લાગણી વિના 'હું તને ચાહું છું' એ શબ્દો કહેવાની એક ટેવ પડી ગઈ હતી તેમ કૃતજ્ઞતાની સાચી લાગણી વિના આપણે પણ તમારો આભાર એમ કહીએ છીએ.

તંત્રવિજ્ઞાનમાં પ્રેમ કરતાં પહેલાં બે વ્યક્તિ એકબીજાની પૂજા કરે છે ! કારણ કે બે દિવ્ય શક્તિના મિલનમાં તેઓ પ્રવેશવાના છે. બંને આદર અને કૃતજ્ઞતાથી એકબીજાનું સ્વાગત કરે છે.

મૈથુન, પ્રેમ અને કરુણા વચ્ચે તફાવત છે. આ હકીકત સંબંધને લાગુ પડે છે અને જીવન પ્રત્યે તમારું વલણ કેવું છે તેનું મૂલ્યાંકન પણ કરે છે.

આપ-લેના સંબંધમાં એકબીજા માટે આદર ન હોય અને કેવળ અપેક્ષાની જ ભાવના હોય તો તમારો જીવન સાથેનો સંબંધ મૈથુન જેવો ગણાય. એ ક્ષણજીવી આનંદ આપે પણ દીર્ઘકાલીન હતાશામાં જરૂર પરિણમવાનો.

આપ-લેના સંબંધમાં અપેક્ષાની સાથે આદરભાવ ભળે તો તેને પ્રેમ કહેવાય. આપણામાંના મોટા ભાગના લોકો આ રીતે જીવે છે. આપણે જીવનનો આદર કરીએ છીએ પણ આપણને જે જોઈએ છે તે જીવન પાસેથી ન મળે તો આપણને ઠેસ પહોંચે છે.

કરુણામાં કોઈ જ અપેક્ષા હોતી નથી - મુક્તમને અને રાજીખુશીથી કેવળ આપવાનું. કોઈ કદર કરશે કે નહિ તેનો સહેજ પણ વિચાર કર્યા વિના ફૂલ ચોમેર સુગંધ ફેલાવે છે તેમ કોઈ કદર કરે કે ન કરે એના વિચાર વિના કરુણાના પ્રવાહમાંથી પ્રેમનું ઝરણું વહે છે.

પરંતુ એમ ન વિચારશો કે અપેક્ષા વગર આપો તો તેનું તમને કાંઈ જ વળતર નહિ મળે ! વાત એનાથી વિપરીત છે. કૃતજ્ઞભાવે જીવન જીવશો તો જીવન તમને ધન્ય કરી દેશે.

કરુણામાં, તમે જે કાંઈ આપો તેનો સામી વ્યક્તિ સ્વીકાર કરે, સહભાગી થવામાં મદદ કરે અને પ્રેમનો બોજ હળવો કરે તે માટે તમે કૃતજ્ઞ થઈ જાઓ છો. આવો વિચાર તમે ક્યારેય કર્યો છે ? તમને કોઈ પ્રેમ ન કરે એ સ્વીકારવું ઘણું અઘરું છે, પણ તમને પ્રેમ કરવા ન દે એ તો તેથીય ખરાબ છે ! કોઈ પ્રેમનો બદલો ન વાળે એ તમે સાંખી શકો, પણ તમારા પ્રેમનો સ્વીકાર જ ન કરે એ તમે સાંખી શકો ? આપણે સૌ આપવા માટે જન્મ્યા છીએ; પણ આપણને તેનો ખ્યાલ જ નથી.

પશ્ચિમમાં કોઈએ ક્યારેય સાંભળ્યો ન હોય એવો એક સુંદર વિચાર આપણી પાસે છે. ભારતમાં આપનાર વ્યક્તિ ‘તમારો આભાર’ એમ કહે છે !

કારણ કે સામી વ્યક્તિએ તેને કંઈક આપવાની તક આપી, તમે આપેલી વસ્તુ તેણે સ્વીકારી. ભારતમાં લેવું એ પાપ ગણાય છે; આપવું એ અધિકાર ગણાય છે. તેથી આપનાર વ્યક્તિ લેનારનો તમારા પર અનુગ્રહ કરીને તમારી વસ્તુ સ્વીકારી તે માટે આભાર માને છે, પણ આપવું અને લેવું નિરપેક્ષભાવે થાય તો બંને પવિત્ર કર્મ બને છે. શેક્સપિયરે કરુણા વિશે એક વાત બહુ સુંદર કહી છે : આપનાર અને લેનાર બંને ધન્ય છે.

કૃતજ્ઞતા એ ઈશ્વર સાથે અને વાસ્તવિકતા સાથે જીવંત સંપર્ક રાખવાની એક શ્રેષ્ઠ રીત છે.

જ્યારે કૃતજ્ઞતા સાથે તમે પ્રેમ કરો કે વહો ત્યારે ઈશ્વરની અદ્ભુત શક્તિ તમારામાં વહે છે એવો તમને અનુભવ થશે.

‘તમારો આભાર’ એમ ન કહો, તમે ‘આભાર’ બની જાઓ.

કૃતજ્ઞતા ન દર્શાવો, તમે સ્વયં કૃતજ્ઞતા બનો !

આ છે તથાત - જીવન જે કાંઈ આપે તેનો આદર અને કૃતજ્ઞતા સાથે સ્વીકાર કરવો. કૃતજ્ઞતા એ આજીવન સુખનો સૌથી સરળ ઉપાય છે.

તમારો આભાર !