કાંઈ જ રહસ્યમય કે ગૂઢ નથી !
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
—
પરંપરાના રહસ્ય પરથી પડદો ઊઠે છે.

પ્ર. સ્વામીજી, આપ મૂર્તિપૂજા સાથે સંમત છો ?
સૌથી પહેલાં મનમાં એક વાતની સ્પષ્ટતા રાખો : જેને આપણે મૂર્તિપૂજા કહીએ છીએ એ મૂર્તિઓની પૂજા નથી !
એ મૂર્તિઓ દ્વારા પૂજા (ઈશ્વરની) છે.
દેખીતી રીતે કોઈ પણ મૂર્તિપૂજક મૂર્તિની કે પૂતળાની પૂજા નથી કરતો. મૂર્તિ દ્વારા દૃષ્ટિગોચર ઈશ્વરની પૂજા કરે છે.
શું એ મૂર્ખાઈ છે ?
આ બાબતમાં આપણે થોડા ઊંડા ઉતરીએ.
આપણે જાણીએ છીએ કે સમગ્ર સૃષ્ટિનું ઉદ્ગમ એક જ છે.
વિશ્વની દરેક વસ્તુ એક જ કાચી સામગ્રીમાંથી બને છે અને દરેકની આંતરિક રચના સમાન છે. તેનું અંતર્ગત માળખું એકસરખું છે. તમને આ વાતનો કદાચ ખ્યાલ નહિ હોય, કારણ કે આપણે કેવળ બાહ્ય તફાવત જ જોતા હોઈએ છીએ. વિશ્વના એક અંશ તરીકે આપણે સૌ નાના અરીસા જેવા છીએ, જેમાં વિશ્વનાં સંરચના અને સંયોજનના આબેહૂબ પ્રતિબિંબ પડે છે.
આ વિચારને સ્પષ્ટપણે સમજો :
સૃષ્ટિમાં દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે.
વિશ્વ એ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ મુખ્ય તત્ત્વોનું (પાંચ મુખ્ય શક્તિઓનું) બનેલું છે.
આ તમામ તત્ત્વો (સંસ્કૃતમાં તેને ‘પંચ મહાભૂત’ કહે છે.) એ વૈશ્વિક શક્તિ જેને આપણે દિવ્ય, ઈશ્વર કે પરાશક્તિ કહીએ છીએ તેનાં જ વ્યક્ત રૂપ છે. મનુષ્ય સ્વયં (પિંડ કે આત્મા) વિશ્વ (બ્રહ્માંડ કે બ્રહ્મન્) ના આ ગુણોને પ્રતિબિંબિત કરે છે. મનુષ્ય આ પાંચ મુખ્ય શક્તિમાંથી શક્તિ મેળવે છે, એ પણ આ પાંચ તત્ત્વોનો બનેલો છે. એ આ તત્ત્વોમાંથી બને છે, એમાં જીવે છે અને અંતે એ આ તત્ત્વોમાં મળી જાય છે.
મનુષ્ય પોતાના મૂળ સ્થાન પર પાછા ફરવા, ‘ઘેર પાછા ફરવા’ આખી જિંદગી ઝંખ્યા કરે એ સ્વાભાવિક છે.
આ મૂળ શક્તિઓ સાથે મનુષ્ય પોતાની જાતનો સુમેળ સ્થાપવાનો પ્રયાસ કરે છે.
મનુષ્ય અને આ જીવનશક્તિઓ એ બંને વચ્ચે એકતા નિર્માણ કરવાની પ્રક્રિયાને ધર્મ કહે છે.
પૃથ્વી તત્ત્વ એ વૈશ્વિક શક્તિનું સ્થૂળતમ રૂપ છે. મનુષ્યમાં, શરીર એ પૃથ્વી તત્ત્વનું પ્રતીક છે.
ઈશ્વર સાથે એકતા સ્થાપવાના પ્રથમ પગલાંરૂપે માણસ માટીની મૂર્તિઓને મનુષ્યાકારે બનાવીને પૃથ્વી તત્ત્વ સાથે અનુસંધાન સાધવાનો પ્રયત્ન કરે છે.
ઈશ્વર સાથે એકતા સ્થાપવા માટે મનુષ્યને આ ‘રૂપ’ કે ‘આકાર’ની જરૂર પડે છે.
આધ્યાત્મિક યાત્રામાં નવા પથિકને માટે ઈશ્વરને અમૂર્તરૂપે વિચારવું અતિશય દુષ્કર થઈ પડે છે.
પોતે સમજી શકે અને સંપર્ક સાધી શકે તે માટે ઈશ્વરને મૂર્તિનું રૂપ આપવામાં આવે છે. મૂર્તિ દ્વારા તે પોતાને પરિચિત હોય એ ભાષામાં વાતો કરીને ઈશ્વર સાથે એકતા સાધી શકે છે.
સેંકડો હિંદુ દેવતાઓ ઈશ્વરનાં જ રૂપો છે. કોઈ પણ વ્યક્તિ તેમની સાથે વાતો કરી શકે, પ્રાર્થના કરી શકે કે તેમની સાથે ક્રીડા કરી શકે, આશ્વાસન મેળવી શકે કે કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી શકે. ભક્તને સુખ આપવા ઈશ્વરનું અતિ આદરણીય અને અમૂર્ત રૂપ અર્ચાર્રૂપે પૃથ્વી પર આવે છે.
સામાન્ય વ્યક્તિ માટે ઈશ્વરનું અમૂર્ત રૂપ એક ભીતિપ્રેરક વિચાર છે.
વધારે સૂક્ષ્મ અને ઊંડા ઉતરીએ તો બીજો એક સંદેશ પણ જાણવા મળશે કે તમારી સમક્ષ રહેલી મૂર્તિ ભલે મનુષ્યરૂપે હોય તો પણ તે દિવ્ય છે.
એ તમારા વિશે શું કહે છે ? તે વિશે વિચાર કરો !
તેથી અધ્યાત્મમાં ‘પ્રથમ પગલા’ રૂપે, સ્પ્રિંગીંગ બૉડરૂપે મૂર્તિઓ અનિવાર્ય અને આવશ્યક છે.
જેમ આધ્યાત્મિક વિકાસ થતો જશે, જેમ ધ્યાનમાં ઊંડા ઉતરતા જશો તેમ તમારી નજર સમક્ષ ભૌતિક રૂપ ન હોવા છતાં તમે ઈશ્વર સાથે એકતા સાધી શકશો. જેમ બાળકો મોટા થઈ જાય પછી તેઓ ઢીંગલી સાથે રમવાનું છોડી દે છે તેમ સમય આવ્યે તમને મૂર્તિની જરૂર નહિ પડે. આ છે ધર્મનું પરમ લક્ષ્ય !
પ્ર. સ્વામીજી, આપ ભગવાં વસ્ત્રો કેમ ધારણ કરો છો ?
આ એક પ્રશ્નનો મારે દરરોજ ઓછામાં ઓછી દસ વાર જવાબ આપવો પડે છે !
ખાસ કરીને ભારતમાં ભગવો રંગ સનાતન હિંદુધર્મ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. મારાં ભગવાં વસ્ત્રો (વાસ્તવમાં તે આછા પીળા રંગનાં છે.) એ સંશયવાદીઓ, વિશેષે આધુનિક યુવાવર્ગને અનેક પ્રશ્નો પૂછવા માટે આકર્ષે છે.
રંગચિકિત્સા નામનું એક નવું ક્ષેત્ર અસ્તિત્ત્વમાં આવ્યું છે. એ વિશે તમે સાંભળ્યું છે ?
રંગચિકિત્સા એક હકીકત પર આધારિત છે : રંગમાં સૂક્ષ્મ ગુણો રહેલા છે, જે તમારી મનની સ્થિતિ પર ઊંડી અસર કરી શકે છે. તમને ખ્યાલ આવે કે ન આવે પણ જુદા જુદા રંગો તમારામાં જુદા જુદા વિચારો અને ભાવનાઓ ઉત્પન્ન કરે છે.
આ હકીકત અંગે એક ચોક્કસ વૈજ્ઞાનિક ખુલાસો છે :
જેને આપણે વસ્તુનો રંગ કહીએ છીએ તે પ્રકાશની તરંગ લંબાઈ જ છે, જેને તે પરિવર્તિત કરે છે. આપણી પોતાની આસપાસ એક અદૃશ્ય વિદ્યુત્ ચુંબકીય ક્ષેત્ર છે. (તેને આપણે 'તેજોવલય' - Aura કે જીવનરસ દેહ - Plasma body કહીએ છીએ.) આપણું પોતાનું ચુંબકીય ક્ષેત્ર જુદા જુદા રંગના તરંગોને પ્રતિક્રિયા આપે છે અને તેનાથી પ્રવાહ કે રાસાયણિક પ્રક્રિયાનું નિર્માણ થાય છે. આ પ્રવાહ માટે આપણે 'સંવેદના' કે 'ભાવના' એવો અર્થપૂર્ણ શબ્દપ્રયોગ કરીએ છીએ. દા. ત. કોઈ એક રંગની તરંગ લંબાઈ અને વ્યક્તિના ક્ષેત્રની સમયાવધિ એ બંનેનો એકબીજા સાથે મેળ બેસે ત્યારે સુમેળ અને શાંતિની લાગણીનું નિર્માણ થાય છે.
અલગ અલગ લોકો રંગોને અલગ અલગ પ્રતિભાવ આપે છે. જોકે, તેમાં કેટલીક સામાન્ય સમાનતા દેખાય છે. બેસલમાં વિકસાવેલી લ્યૂશર કલર ટેસ્ટ જુદા જુદા પચીસ રંગોને નકશાથી દર્શાવે છે કે અમુક ચોક્કસ વ્યક્તિત્ત્વ ધરાવતા મોટા ભાગના લોકો સમાન રંગો પસંદ કરે છે.
આ પ્રતિભાવો કેવળ ભાવનાત્મક જ નથી. આપણે શરીરમાં પણ ફેરફારો જોઈ શકીએ છીએ. ઘણુંખરું શરીરમાં ફેરફાર થાય તે પરથી આપણે કહી શકીએ કે અમુક રંગ ખતરનાક, સુખદાયક કે શાંતિપ્રદ છે.
લોકોની સામે લાલ રંગ હોય ત્યારે તેમના શ્વાસ, હૃદયના ધબકાર અને લોહીનું દબાણ વધી જતું જોવામાં આવે છે. તેથી સ્વાભાવિક રીતે આપણે એમ વિચારીએ છીએ કે લાલ રંગ ઉત્તેજનાત્મક અને ખતરનાક છે.
નજર સમક્ષ શુદ્ધ વાદળી રંગ હોય ત્યારે શરીરની પ્રતિક્રિયા તદ્દન વિપરીત (લાલ રંગથી) જોવા મળે છે. સામાન્ય અનુભવમાં વાદળી રંગ શાંતિકારક ગણાય છે. દરેક માતા જાણે કે બાળકને ઊંઘવાની તકલીફ હોય ત્યારે રૂમમાં વાદળી રંગનો નાઈટલૅમ્પ રાખવાથી બાળક (માતા) ને સારી ઊંઘ આવે છે.
આ રીતે અમુક રંગો પરંપરાગત રીતે અમુક ભાવના અને ગુણ સાથે જોડાયેલા છે. ‘રંગચિકિત્સા’ એ નામ આપ્યા વગર આપણે એ ચિકિત્સાપદ્ધતિનો સદીઓથી પ્રયોગ કરતા આવ્યા છીએ!
ભારતમાં આહારથી લઈને માનવસ્વભાવ સુધીની દરેક વસ્તુનું તેમના જન્મજાત ગુણના આધારે ત્રણ વિભાગમાં વર્ગીકરણ કર્યું છે : સાત્ત્વિક (શાંત), રાજસિક (સક્રિય) અને તામસિક (નિષ્ક્રિય). એ જ રીતે રંગોનું પણ ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરી શકાય. દા. ત. લાલ રંગ રાજસિક છે. તે મગજમાં ક્રિયાને ઉત્તેજિત કરે છે. તેથી લાલ રંગ ભયસૂચક રંગ કહેવાય છે; પ્રેમનો રંગ પણ લાલ છે.
સફેદ સાત્ત્વિક રંગ છે. સફેદ વસ્ત્ર ધારણ કર્યાં હોય ત્યારે શક્તિનો સુંદર પ્રવાહ વહે છે. સફેદ રંગ મનુષ્યને વધારે શાંત અને ગ્રાહ્ય બનાવે છે. માહિતીને સારી રીતે આત્મસાત્ કરવામાં સફેદ રંગ મદદરૂપ થાય છે. તેથી સમગ્ર વિશ્વમાં શાળાના ગણવેશ માટે સફેદ રંગને પસંદ કરવામાં આવે છે. તે જ પ્રમાણે ભગવા રંગમાં પણ શાંતિ નિર્માણ કરવાની શક્તિ રહેલી છે. એ તમારી જીવનશક્તિને ઉદ્દિપ્ત કરે છે અને પહેરનાર અને જોનાર બંનેના મનમાં ધ્યાનાવસ્થા જેવી શાંતિનું નિર્માણ કરે છે. અધ્યાત્મ ગુરુઓ ભગવા રંગનાં વસ્ત્રો ધારણ કરે એવી એક સામાન્ય પ્રથાની પાછળ આ કારણ રહ્યું છે. જોકે એને હિંદુત્વ સાથે કોઈ સંબંધ નથી.
બિલકુલ સ્પષ્ટ રહો : જૂના વિધિવિધાનોમાં કોઈને કોઈ વૈજ્ઞાનિક તથ્ય રહેલું છે. વિધિવિધાન અનેક પ્રબુદ્ધ ગુરુઓનાં તપ અને સદીઓના જ્ઞાનના સત્ત્વરૂપ છે. આજે વિધિવિધાનો તેમની વિશ્વસનીયતા ખોઈ બેઠાં છે, કારણ કે કાળાંતરે આપણે તેનો સાચો અર્થ જ ભૂલી ગયા છીએ. વિધિવિધાનનું બાહ્ય કોચલું રહી ગયું પણ તેનો અંદરનો પ્રાણ ચાલ્યો ગયો છે.
આજે વિજ્ઞાન પણ સંમત થાય છે કે અમુક રંગ, અવાજ કે ક્રિયા એ આપણા મનની સ્થિતિ પર ઊંડી અસર કરી શકે છે, મગજના ઇચ્છનીય ભાગને કાર્યાન્વિત કરી શકે છે અને આપણી ચેતનાનો વિસ્તાર પણ કરી શકે છે. કર્મકાંડ અને વિધિવિધાન પાછળ રહેલા વિજ્ઞાનને સમજી ન શકવાથી તેના મહત્ત્વનો અનાદર કરવો એટલે બૅક્ટરિયાને તમે પોતે જોયા નથી તેથી તેના અસ્તિત્ત્વનો સ્વીકાર કરવાની ના પાડવી એના જેવી વાત થઈ.
આજે તમને કર્મકાંડ ભલે અસંગત લાગે પણ તેની સાચી શક્તિને ક્યારેય ઊણી ન આંકતા. વિધિવિધાન યથાર્થ રીતે કરવામાં આવે તો મનુષ્યને પરિવર્તન અને જાગૃતિના એક અકલ્પનીય સ્તર સુધી લઈ જવાની તેનામાં અદ્ભુત શક્તિ રહેલી છે.
ફરી એક વાર કાંઈ જ રહસ્યમય કે ગૂઢ નથી !
પરંપરા પરથી રહસ્યનો પડદો ઊઠે છે.

પ્ર. સ્વામીજી, આધ્યાત્મિક જીવન જીવવા માટે શાકાહાર જરૂરી છે ?
હા !
હવે તમે વિચાર કરતા થઈ ગયા હશો કે શા માટે ?
મારા અંગત અનુભવના આધારે હું તમને કહી રહ્યો છું એમ કહીશ તો કદાચ તમને મારી વાત માનવામાં ન પણ આવે.
કારણ કે દરેક વસ્તુ માટે 'વૈજ્ઞાનિક પુરાવા' માગવાની આપણા મનને એક આદત પડી ગઈ છે. આઇન્સ્ટાઇનની ‘દેશ-કાળ' ની સંકલ્પના હોય કે ક્વોન્ટમ ફિઝિક્સના સિદ્ધાંતો હોય - આ તત્ત્વોને આપણા રોજિંદા જીવનમાં ક્યારેય જોયા નથી. (ક્યારેય જોશું પણ નહિ.) તો પણ તેને સ્વીકારી લઈએ છીએ, કારણ કે પ્રયોગશાળામાં તે વિશે પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેના સમર્થનમાં કેટલીક હકીકતને આંકડામાં (જે કદાચ તમે સમજી ન પણ શકો) રજૂ કરવામાં આવી છે. તેથી આપણે માની લઈએ છીએ.
જોકે, વિશ્વનાં મહત્તમ સત્યોને વિજ્ઞાન પુરવાર કરી શકતું નથી : એ સત્યો વિજ્ઞાનથી પર છે.આઇન્સ્ટાઇન અને અત્યાધુનિક ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રીઓ પણ એ વાત સાથે સંમત થશે!
ચાલો અધ્યાત્મ જીવનમાં શાકાહારના લાભો વિશે મને વૈજ્ઞાનિક સ્પષ્ટતા કરવા દો.
આ વાત સારી રીતે સમજવા માટે સૌથી પહેલાં માનવમગજ કઈ રીતે કામ કરે છે તે વિશે તમારે કંઈક જાણવું પડશે.
પ્રવૃત્તિને મગજ સૂક્ષ્મ વિદ્યુત્પ્રવાહમાં નોંધે છે. મગજ માહિતી મેળવે છે કે અમુક કામગીરી બજાવે છે ત્યારે તે વિવિધ લય અને પુનરાવર્તનના નિયતક્રમમાં વિદ્યુત્પ્રવાહો પેદા કરે છે. આ પ્રવાહોને મગજના તરંગો કહેવામાં આવે છે.
વિવિધ પ્રવૃત્તિને સમાંતર ચાર પ્રકારના મૂળભૂત મગજના તરંગો છે.
ડેલ્ટા તરંગ (ગાઢ નિદ્રાવસ્થામાં ઉત્પન્ન થાય છે.), આલ્ફા તરંગ (ધ્યાનાવસ્થામાં ઉત્પન્ન થાય છે.), થેટા તરંગ (પ્રબળ લાગણીની અવસ્થામાં ઉત્પન્ન થાય છે.) અને બેટા તરંગ (જટિલ ગાણિતિક કે વિશ્લેષણાત્મક કામ દરમિયાન મગજનો અગ્રભાગ કાર્યાન્વિત થાય ત્યારે ઉત્પન્ન થાય છે.)
આલ્ફા તરંગોથી શાંતિ, વિશ્રાંતિ અને સ્વસ્થ એકાગ્રતાની લાગણીનો અનુભવ થાય છે. આ પ્રકારની લાગણીનો અનુભવ એ ધ્યાન અને ટેલિપથીની ખાસ વિશેષતા છે. ધ્યાનની તમામ ટેકનિકો, સભાન કે અભાનપણે, મગજમાં આલ્ફા તરંગો પેદા થાય તે માટે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવાનો પ્રયાસ કરે છે.
આલ્ફા તરંગોની એક વિચિત્રતા એ છે કે જ્યારે મગજમાં ઑક્સિજનનો પુરવઠો ઓછો હોય ત્યારે મગજ આ તરંગો ઉત્પન્ન કરે છે. સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે ઑક્સિજનનો પુરવઠો ઓછો હોય ત્યારે મગજની પ્રવૃત્તિ ઓછી થઈ જાય. પરંતુ હકીકત એ છે કે મગજમાં ઑક્સિજનનો પુરવઠો ઓછો હોય તે સમય દરમિયાન મગજ વધારે કામ કરે છે. મગજમાં રહેલી રક્તવાહિની પહોળી થાય છે અને લોહીના વધારે પ્રવાહને અંદર આવવા દે છે. આથી આરામદાયક લાગણીનું નિર્માણ થાય છે. સાથે સાથે મગજ ‘આરામદાયક’ આલ્ફા તરંગો ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે.
તેથી આલ્ફા તરંગ નિર્માણ કરવા માટેની એક મુખ્ય શરત એ છે કે મગજના ઑક્સિજનના પુરવઠાને ઓછો કરવો. આ થઈ આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ તેનાથી વિપરીત વાત. તેનાથી મગજને કોઈ પણ રીતે અવળી અસર થતી નથી.
હવે આહારના વિષય પર આવીએ.
અતિશય અમ્લતા એ માંસનો ગુણધર્મ છે. તે લોહીમાં સીધું અમ્લતાનું પ્રમાણ વધારે છે. આને પહોંચી વળવા ફેફસાં ઓછા પ્રમાણમાં કાર્બનડાયોક્સાઈડ લે છે (એ પણ આમ્લિક છે.) અને વધારે પ્રમાણમાં ઑક્સિજન લે છે. તેથી મગજને પહોંચતાં લોહીમાં ઑક્સિજન વધારે અને કાર્બનડાયોક્સાઈડ ઓછો હોય છે.
એથી ઊલટું શાકભાજી લોહીની અમ્લતાને ઓછી કરે છે. લોહીમાં pH નું સંતુલન (એસિડ – આલ્કલી સંતુલન) જાળવી રાખવા ફેફસાં વધારે આમ્લિક કાર્બનડાયોક્સાઈડ લે છે. તેથી મગજને પહોંચતાં લોહીમાં ઑક્સિજન ઓછો જોવા મળશે. આનાથી આલ્ફા તરંગો ઉત્પન્ન કરવા માટે મગજને માટે સંપૂર્ણ પરિસ્થિતિ નિર્માણ થાય છે. આ પરિસ્થિતિ ધ્યાનમાં પણ મદદરૂપ થાય છે.
હવે તમને ખ્યાલ આવશે કે પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ શા માટે ઑક્સિજનનું સ્તર ઓછું હોય એવી વધારે ઊંચાઈએ ( દા.ત. હિમાલય) રહેવાનું પસંદ કરતા હતા.
જોકે, જૂજ લોકો શાકાહાર પાછળ રહેલા વિજ્ઞાનને જાણે છે અને જાણવાની જરૂર પણ નથી. શાકાહાર લેશો એટલે તમને આપોઆપ ફરક જોવા મળશે.
એક વાર નિયમિત ધ્યાન શરૂ કરશો એટલે શરીર ધીરે ધીરે શુદ્ધ થવા માંડશે અને તે વિશેષ ધ્યાનને યોગ્ય થતું જશે. પેટમાં ગરબડ હોય ત્યારે ક્યો ખોરાક ન ખવાય તેની શરીરને ખબર પડે છે તેમ ધ્યાન માટે ક્યો આહાર બાધારૂપ છે તે તમને ખબર પડશે એટલે તમે તેને આપોઆપ છોડી દેશો.
પણ હું તમને કહું છું કે શાકાહાર તમારા પર બળજબરીથી ઠોકી બેસાડશો નહિ. તેમ કરવાથી દબાયેલી ઈચ્છાઓ વધારે પ્રબળ બનશે અને તેની અસરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ પડશે.
વધારે તકલીફ વિના આસાનીથી માંસાહાર છોડી શકતા હોત તો છોડી દો. નહિતર આગળ વધો અને ચિંતા કે અપરાધભાવ વિના મજા માણો.
મહેરબાની કરીને એ માટે મનમાં અપરાધભાવ ન લાવશો !
કારણ કે માનસતંત્રમાં શક્તિને રૂંધવાનું સૌથી મોટું કારણ અપરાધભાવ છે અને એ માંસ કરતાં પણ વધારે નુકસાન પહોંચાડી શકે છે.
તમારું શરીર એ માટે તૈયાર થશે તો એ આદત આપોઆપ છૂટી જશે.
પ્ર. સ્વાસ્થ્ય માટે ઉપવાસ ખરેખર લાભદાયી છે ?
હા.
ઉપવાસ યોગ્ય રીતે કરવામાં આવે તો એનાથી ચોક્કસ ફાયદો થાય છે.
દિવસેદિવસે આપણી આહારની ટેવો એટલી બગડતી જાય છે કે તેને લીધે આજે આપણને ઉપવાસનું મહત્ત્વ સૌથી વધારે જણાય છે !
એમ ન વિચારશો કે ઉપવાસની પાછળ કેવળ ધાર્મિક ઉદ્દેશ્ય હોય છે. આ બધી વિધિઓ પાછળ અમુક ચોક્કસ વૈજ્ઞાનિક કારણો રહેલાં છે.
સંસ્કૃતમાં કહ્યું છે : ‘અન્નમ્ બ્રહ્મ’ - અન્ન દેવ છે.
અન્ન એ શક્તિ છે અને તે આપણા શરીરને ટકાવે છે. ભોજન ભક્તિભાવપૂર્વક કરવું જોઈએ.
પરંતુ સામાન્ય રીતે આપણે પેટ સાથે કેવો વ્યવહાર કરીએ છીએ ? જે તે વસ્તુ પેટમાં હોમીએ છીએ !
મનુષ્ય સિવાય બીજું કોઈ પણ પ્રાણી બે કે ત્રણ પ્રકારના ખોરાકથી વધારે ખાતું નથી.
હકીકતમાં પાલતું પ્રાણી સિવાયનાં બીજાં પ્રાણીઓ તો આખી જિંદગી કેવળ એક જ પ્રકારનો ખોરાક લે છે. સિંહ કેવળ માંસ જ ખાય છે, હરણ ફક્ત ઘાસ જ ખાય છે. એક જ ખોરાકમાંથી તેમનાં શરીરને જરૂરી પોષણ મળી રહે છે.
એટલું જ નહિ, દરેક પ્રાણી એક સમયે જરૂરિયાત પૂરતું જ ખાય છે, એથી સહેજે વધારે નહિ. ‘ખાવાનો લોભ’ એવી વાત પ્રાણીજગતમાં ક્યારેય સાંભળવામાં આવી નથી. શિશુને જુઓ. ગમે તેટલું દબાણ કરશો તો પણ તે જરૂરિયાત કરતાં એક પણ ટીપું વધારે દૂધ નહિ પીએ. જ્યારે પેટ આપણને ગમે તેટલાં ચેતવણીનાં સંકેતો આપ્યાં કરે પરંતુ આપણે તેને કાને ધરતાં જ નથી. તમામ પ્રકારનો ખોરાક અને જરૂરિયાત કરતાં પણ વધારે પેટમાં ઠાંસીઠાંસીને ભરીએ છીએ. પેટ જાણે ખોરાક ઠાલવવા માટેની કચરાપેટી ન હોય !
આહારનો હેતુ શું છે ? શરીરને તાકાત મળે.
પરંતુ સામાન્ય રીતે જમ્યા પછી આપણને તાકાતનો અનુભવ થાય છે ? ના ! મોટે ભાગે જમ્યા પછી આપણને આડે પડખે થવાની ઇચ્છા થાય છે. જમ્યા પછી ઊંઘ આવે છે એમ કહેવું એટલે સૂરજ ઊગવાથી અંધકાર વધે છે એમ કહેવા બરાબર છે. એ તદ્દન અસ્વાભાવિક છે.
આપણે શું ખોટું કરી રહ્યા છીએ ?
ખોરાકથી આપણા પાચનતંત્રને રૂંધી નાખીએ છીએ !
આહારથી જેટલી શક્તિ છૂટી થાય છે તેના કરતાં પાચનક્રિયામાં શક્તિ વધારે વપરાય છે. આમ ખરેખર તો જમ્યા પછી શક્તિમાં ઘટાડો થાય છે !
શરીરની પાચનશક્તિ જઠરાગ્નિ તરીકે ઓળખાય છે - મૂળભૂત અગ્નિતત્ત્વ.
પંચમહાભૂત પૈકી અગ્નિ એ પદાર્થ અને શક્તિનું મિલનબિંદુ છે. અગ્નિમાં એટલું સામર્થ્ય છે કે તે પદાર્થનું શક્તિમાં રૂપાંતર કરે છે.
સામાન્ય દિવસોમાં અતિશય અને અવિચારીપણે ખાઈને પેટમાં દાટો કરીએ ત્યારે જઠરાગ્નિની તમામ શક્તિ તે ખોરાકને પચાવવામાં અને શરીરમાં ફેલાયેલા ઝેરને દૂર કરવામાં જ ખર્ચાઈ જાય છે. આમ જઠરાગ્નિની શક્તિને કેવળ 'જાળવણી' ના કાર્યમાં જ રોકાઈ રહેવું પડે છે. આથી જઠરાગ્નિને તેની અન્ય મહત્ત્વપૂર્ણ ફરજો બજાવવાની તક જ મળતી નથી.
જઠરાગ્નિ એ શરીરને શુદ્ધ કરનાર એક પરિબળ છે. ઉપવાસ કરીએ ત્યારે જઠરાગ્નિ શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને બાળી નાખે છે તેમજ શરીરમાં ભેગી થયેલી નકારાત્મક શક્તિને પણ દૂર કરી નાખે છે.
જેમ આહારની ખોટી આદતો ચરબીનું નિમિત્ત કારણ છે તેમ આપણી દબાયેલી લાગણીઓ સૂક્ષ્મ શરીર પર એક આવરણ ઊભું કરે છે. વર્ષો પછી જેમ કોલેસ્ટ્રોલ ધમનીને રૂંધી નાખે છે અને હૃદય સુધી વહેતા લોહીના પ્રવાહને અસ્તવ્યસ્ત કરી નાખે છે તેમ 'શક્તિના અવરોધો' શરીરમાં મુક્તપણે વહેતી શક્તિમાં વિક્ષેપ ઊભા કરે છે.
જે દિવસે પેટને આરામ આપીએ તે દિવસે શક્તિના અવરોધોને ઓગાળવા માટે અને નકારાત્મક શક્તિને સકારાત્મક શક્તિમાં ફેરવી નાખવા માટે જઠરાગ્નિ ઉપલબ્ધ હોય છે.
એટલા માટે ઉપવાસને દિવસે મોટા ભાગે શરીરમાં હળવાશ અને સ્ફૂર્તિ લાગે છે; થાક નહિ !
પ્રયત્ન કરી જુઓ.
હકીકતમાં ઉપવાસને દિવસે ઈલાજ અને ધ્યાન એ બંનેનું પણ ખરેખર સારું પરિણામ જોવા મળે છે.
પરંતુ મધુપ્રમેહ કે અમ્લપિત્તના દર્દીએ ઉપવાસ કરતાં પહેલાં ડૉક્ટરની અવશ્ય સલાહ લેવી.
અમુક દિવસે ઉપવાસ કરવો એ જરૂરી નથી. એ તો કેવળ સામાજિક રૂઢિ છે. જોકે, ચોક્કસ દિવસે ઉપવાસ કરવાની પ્રથાનું અનુસરણ કરવાથી જીવનમાં જાગરુકતા અને નિયમિતતા સહેલાઈથી આવે છે. (દા. ત. દર શુક્રવારે કે દર પૂર્ણિમાના દિવસે)
પખવાડિયામાં ઓછામાં ઓછો એક વાર ઉપવાસ કરવો એ શરીરશુદ્ધિ માટે શ્રેષ્ઠ ઉપાય છે. સંપૂર્ણ ઉપવાસ (કેવળ પાણી પીને) ઉત્તમ છે, પણ તેમ ન થઈ શકે તો ફળના રસ અને ફળના આહાર પર ઉપવાસ કરી જુઓ.
આ તમે ધારો છો એટલું અઘરું નથી. કકડીને ભૂખ લાગે તે પછીના થોડા કલાકમાં ભૂખ એની મેળે શમી જાય છે.
ચિંતા ન કરો. તમને કાંઈ નહિ થાય – તમે મરી નહિ જાઓ !
તમે જાણો છો, એક તંદુરસ્ત માણસ માત્ર પાણી પર ૯૦ દિવસ સુધી ટકી શકે છે; ૯૦ દિવસ સુધી ચાલે એટલી તાકાત આપણા શરીરમાં અનામત હોય છે. હું એટલું જ કહું છું, ૨૪ કલાક પૂરતો તમારા પેટને આરામ આપો !