KAILASA Library/પવનને અંદર આવવા દો! (Pavanane Andar Aavava Do!)/કર્મ એટલે શું ?Sign in
પવનને અંદર આવવા દો! (Pavanane Andar Aavava Do!)

કર્મ એટલે શું ?

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

કર્મનો નિયમ સમજીએ

portrait of a man with turban, thinking with hand on mouth

કર્મ એક પૌર્વાર્ત્ય તાત્ત્વિક વિચાર છે. એ સૌથી વધારે પ્રસિદ્ધ છે, પરંતુ તે વિશેની જાણકારી બહુ અલ્પ છે.

કર્મ શું છે એ વિશે આજે પશ્ચિમમાં પણ લગભગ દરેકને સારો એવો ખ્યાલ છે (કે એમ વિચારે છે).

પણ આ પ્રકરણમાં કર્મ વિશે તાત્ત્વિક વિચારણા આપેલી છે એવી અપેક્ષાથી વાંચશો તો તમે કદાચ નિરાશ થશો !

કર્મ એક કાર્યકારણના નિયમથી વિશેષ કાંઈ નથી. જેમ ગુરુત્વાકર્ષણ બળ કે વિદ્યુત્બળ એક નિયમ છે તેમ કર્મ પણ પ્રકૃતિનો નિયમ છે.

જો તમે ઈંટ તમારા પગ પર ફેંકશો તો તમને નક્કી ઈજા થવાની. પણ શું તમે એમ વિચારો છો કે આ ઈજા એ ઈંટ ફેંકવા માટેની સજા છે ? ના !

આ કાર્યકારણ સંબંધ છે - સાવ સરળ વાત.

કર્મ પણ આ જ રીતે કામ કરે છે. પૂર્વે અમુક કામો કર્યા તેનું સ્વાભાવિક પરિણામ એટલે કર્મ. જેમ બાઈબલમાં કહ્યું છે, જેવું વાવો તેવું લણો.

ફરક ફક્ત એટલો જ કે કર્મ એ એક પ્રકારની ‘વિલંબિત અસર’ છે.

કર્મ પણ જિંદગીના અંત સુધી કામ કરે છે. એનો અર્થ એ કે કારણનું અસ્તિત્ત્વ એક ભવમાં હોય પણ તેનું પરિણામ બીજા ભવમાં કદાચ ભોગવવું પડે. (અહીં એક સ્વાભાવિક પ્રશ્ન ઊઠે છે, શું ખરેખર પુનર્જન્મ હોય છે ? પણ આ પ્રશ્નની ચર્ચા ફરી કોઈ વાર કરીશું ! )

મનુષ્ય હોવાને કારણે પૂર્વ જન્મમાં બનેલાં કારણ આપણને યાદ ન હોય એ સ્વાભાવિક છે. વળી આપણી દૃષ્ટિ મર્યાદિત હોવાને કારણે આપણે ફક્ત પરિણામને જ જોઈએ છીએ અને તેથી આ શા માટે બન્યું તે સમજી શકતા નથી.

પ્રાચીન સમયથી આપણી સમજણની બહાર હોય એવી કોઈ પણ વસ્તુ બને તો તેને આપણે ઈશ્વરે આપેલી સજા તરીકે ઘટાવીએ છીએ. આજે પણ કેટલીય સંસ્કૃતિઓમાં અતિવૃષ્ટિ અને ધરતીકંપ જેવી કુદરતી આફતોને દેવોએ કોપિત થઈને આપણને આપેલી સજા તરીકે જોઈએ છીએ.

આ રીતે કર્મને આપણે નૈતિક દૃષ્ટિકોણ આપ્યો છે. પૂર્વ જન્મના ‘પાપ’ ની સજા તરીકે કર્મનું નિરૂપણ કરવા માટે સમાજ સંપૂર્ણપણે જવાબદાર છે.

આમ જોવા જઈએ તો આ એક મનના સમાધાનની ટેકનિક છે. તમારી કમનસીબી માટે તમારા પોતાનાં જ કુકર્મ (પૂર્વ જન્મનાં) જવાબદાર છે એમ માની લો તો કમનસીબી સહી લેવાનું આસાન બની જાય છે.

પાપ અને સજાનો વિચાર પણ સમાજે જ ઘડયો છે, અમુક અંશે સમાજનું કામકાજ કુશળતાપૂર્વક ચાલે તે માટે. લોકોને સજાનો ડર ન હોય તો સમાજમાં અરાજકતા વ્યાપી જાય અને સમાજનું અધઃપતન થાય.

સત્ય એ છે કે આપણને આપણા પાપ માટે સજા નથી મળતી પણ આપણાં પાપ જ આપણને સજા આપે છે. દરેક પાપકર્મ પોતાની સાથે સજાને લઈને જ આવે છે. આ એક પૅકેજ ડીલ છે !

જેટલી વાર ગુસ્સે થાઓ ત્યારે તમારા શરીરનું નિરીક્ષણ કરો. તમારા નાડીના ધબકારા વધવા માંડે છે. બી.પી. ઊંચું થઈ જાય છે અને શરીરમાં તાણની સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિમાંથી બહાર આવતાં કલાકો વીતી જાય છે. એટલું જ નહિ અંતે મનમાં અપરાધીભાવ પણ જન્મે છે. ગુસ્સે થવા માટે તમને સજા કરવા કોઈ બહારની વ્યક્તિની જરૂર પડતી નથી. તમારો ગુસ્સો જ તમને બરાબર સજા કરે છે.

વધારે પડતું પીઓ તો યકૃતના રોગથી પીડાવું પડે. મદ્યપાન માટે સજા કોઈ બહારનું પરિબળ નથી કરતું પણ તમારી પીવાની આદત જ તમને સજા કરે છે, જો આને તમે સજા ગણશો તો. અલબત્ત ડૉક્ટરની દૃષ્ટિએ આ રોગ એ મદ્યપાનનું જ પરિણામ છે.

કર્મ પણ આ જ રીતે કામ કરે છે પણ કર્મને સમજવામાં વધારે મુશ્કેલી પડે છે. તેનું કારણ એ છે કે કર્મ ઈંટના પડવાની જેમ કેવળ ભૌતિક સ્તરે જ કામ નથી કરતું. વ્યાપક અર્થમાં કર્મ ભૌતિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્તરે કામ કરે છે.

ધારો કે તમે આ એક ભવમાં એકાદ ઇચ્છા પૂરી ન કરી શક્યા અથવા અમુક કામ અધવચ્ચેથી મૂકી દેવાની તમને ફરજ પડી - આ અતૃપ્ત ઇચ્છા કે અધૂરું કામ તમારા જીવનમાં એક પ્રકારના ભાવનાત્મક કે ખાલીપાનું નિર્માણ કરે છે. એ ખાલીપો 'ખેંચવાના પરિબળ' (સક્શન ફોર્સ) તરીકે કામ કરે છે અર્થાત્ એ અતૃપ્ત ઇચ્છા કે અધૂરાં કામને પૂરાં કરવા માટે એ તમને ભાવિ જીવન તરફ ખેંચે છે.

તેથી ભાવનાત્મ અને માનસિક સ્તરે, કર્મ એટલે તમામ અતૃપ્ત ઇચ્છાઓ અને અધૂરાં કાર્યોનો સરવાળો - પૂર્વ જન્મનાં બિસ્તરાપોટલાં.

અને દરેક જીવનમાં તમે પૂર્વ જન્મનાં કર્મોને ખપાવો છો. એની સાથે હાલ તમારી પાસે બિસ્તરાપોટલાં છે તેમાં નવી ઇચ્છાઓ ઉમેરતા જાઓ છો. એ તમારા આગલા જીવનનાં કર્મો બનશે. આ રીતે કર્મ એ અનંત ચક્ર છે.

તોપછી કર્મમાંથી બહાર નીકળવાનો રસ્તો કયો ?

જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી તો કર્મમાંથી છૂટકારો નથી, કારણ કે જીવવું એટલે ઇચ્છા હોવી અને આપણે આપણી તમામ ઇચ્છાઓ એક જ ભવમાં પૂરી કરી શકવાનાં જ નથી.

જોકે, ચેતનાને જાગ્રત કરી કર્મની અસરને સાવ ઓછી કરી નાખવી એ તમારા હાથમાં છે. કર્મનું સાચું સ્વરૂપ અને કર્મની કામ કરવાની રીત આ બંને બરાબર સમજાઈ જાય તો આપણે એમાંથી માર્ગ કાઢી શકીએ.

શ્રી રામકૃષ્ણ પરમહંસ એક સુંદર વાર્તા દ્વારા બૌદ્ધિક સ્પષ્ટતા આપે છે : આ વિષય અંગે વાસ્તવિકતા કે અનુભવ પર આધારિત સ્પષ્ટતા કોઈ પણ વ્યક્તિ તમને આપી શકે નહિ. કેવળ બોધિજ્ઞાનથી આ વિષયનું સમાધાન મળી શકે, પણ એક વાર બોધિજ્ઞાન આવે પછી તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી, કારણ કે બોધિજ્ઞાન શબ્દાતીત છે.

ચાલો ફરી પાછા કર્મની વાર્તા તરફ વળીએ:

લાંબા દોરડાથી થાંભલા સાથે બાંધેલી ગાય જેવી આપણી સૌની સ્થિતિ છે. દોરડાની અંદરના પરિસરમાં ગાય બેસે છે, ઊભી રહે છે, ચરે છે અને જે ગમે તે કરે છે. આપણું પણ એવું જ છે. એક વાત સાચી છે કે કર્મ અમુક પ્રકારના બંધનનું નિર્માણ કરે છે, જીવનને અમુક પ્રકારનું માર્ગદર્શન આપે છે અને અમુક રીતે કામ કરવા માટે આપણને ફરજ પાડે છે. આપણી પાસે સ્વતંત્રતા મર્યાદિત પ્રમાણમાં છે; બાકીનું બધું ઈશ્વરના હાથમાં છે. પરંતુ અહીં રામકૃષ્ણ એક વાત ઉમેરે છે કે જો સ્વતંત્રતાનો આપણે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીએ તો શક્ય છે કે ઈશ્વર આપણા દોરડાને થોડું લાંબું કરે અથવા એ દોરડામાંથી આપણને મુક્ત પણ કરે. જોકે, બંધનમાં રહેવું છે કે મુક્ત થવા માટે કામ કરવું છે – પસંદગી તમારા હાથમાં છે.

કર્મ અને ધર્મ વચ્ચે ગાઢ સંબંધ છે.

ધર્મ શબ્દ વિશે પણ ઘણી ગેરસમજ રહેલી છે. સામાન્ય રીતે ધર્મનો અર્થ ‘કર્તવ્ય’ એવો કરવામાં આવે છે પણ એ તદ્દન ખોટું છે. એ ધર્મનું સામાજિક કે નૈતિક અર્થઘટન છે. ધર્મનો સૌથી નજીકનો પર્યાય શબ્દ ‘મૂળભૂત સ્વભાવ’ એ છે. દા. ત. અગ્નિનો ધર્મ (મૂળભૂત સ્વભાવ) બાળવું એ છે, પાણીનો ધર્મ ભીનું કરવું એ છે. પાણી બાળવાનો પ્રયત્ન કરે તો એ કશુંક અસ્વાભાવિક કે અઘટિત છે.

જ્યાં સુધી ધર્મ પ્રમાણે કામ કરશો તો તમે કર્મને આકર્ષી નહિ શકો.

સરળ ભાષામાં કહેવું હોય તો સ્વાભાવિક બનો. તમારા મૂળ સ્વભાવ પ્રમાણે કામ કરો.

વાત સરળ લાગ છે ને ? ના !

એમ કરવું અતિ મુશ્કેલ છે, કારણ કે આપણે આપણા મૂળભૂત સ્વભાવને ઓળખી જ શકતા નથી. જીવનમાં આપણી આસપાસની દરેક વ્યક્તિની ઈચ્છાઓ અને ચારિત્ર્યને આપણે અપનાવી લઈએ છીએ - અને અંતે ખરેખર આપણું શું છે અને ઉછીનું લીધેલું શું છે તેને ઓળખી શકતા નથી.

એ વાત આ પ્રમાણે છે : ધારો કે તમને ટીવીની જરૂર છે અને ટીવી ખરીદવા માટે સુપર માર્કેટ જાઓ છો. ત્યાં એક વ્યક્તિ વૉશિંગ મશીન ખરીદી રહી છે, બીજી વ્યક્તિ રેફ્રિજરેટર ખરીદી રહી છે અને ત્રીજી ‘મ્યુઝિક સિસ્ટમ’ ! આ જોઈને તમારું મન એ બધું જ ખરીદવા માટે લલચાય છે ! તમને ખ્યાલ પણ હોતો નથી કે આસપાસના લોકોની ઈચ્છાઓ તમે ઉછીની લીધી છે અને એક જ ભવમાં સેંકડો લોકો પાસેથી ઉછીની લીધેલી ઈચ્છાઓને પૂરી કરવાના પ્રયત્નો કરો છો. આ તમારી સ્વાભાવિક ઈચ્છાઓ નથી; બીજાઓમાંથી ઉછીની લીધેલી ઈચ્છાઓ છે. તેથી તે સહેજે કર્મને આકર્ષે છે.

આમ તમામ કર્મો અજ્ઞાનમાંથી જન્મે છે - તમારા મૂળ સ્વભાવના અજ્ઞાનમાંથી.

અધ્યાત્મની પરિભાષામાં, તમારા જીવનમાં જે ગુણનું પ્રભુત્વ હોય તે તમારાં કર્મનો નિર્ણય કરે છે.

આધ્યાત્મિકતા એ ચેતનાને જાગ્રત કરવાનું, તમારા સાચા સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાનું વિજ્ઞાન છે.

તમારા સમગ્ર જીવનને ચેતનાને જાગ્રત કરવા તરફ વાળી દેશો તો તમે અજ્ઞાનની ચુંગાલમાં નહિ ફસાઓ.

તમારામાં જાગરૂકતા અને સ્પષ્ટતા હશે તો તમે તમારી મૂળ ઈચ્છાઓને અને સાચા સ્વરૂપને ઓળખી શકશો.

મૃત્યુની અંતઘડીએ આ જ્ઞાન ખૂબ અગત્યનું છે.

યોગ અને ઝેનના મતે ધ્યાન એટલે મૃત્યુની અંતઘડી માટેની તૈયારી.

મૃત્યુ સમયે જાગૃતિની સ્થિતિમાં હશો તો આવતા જન્મમાં તમે જાગૃતિ સાથે પ્રવેશ કરશો; અજ્ઞાનમાં નહિ. જાગરૂકતા સાથે જીવનમાં પ્રવેશ કરશો તો નક્કી સમજો કે શક્ય એટલાં ઓછાં કર્મોનું નિર્માણ કરીને તમે તમારું જીવન જાગરૂકપણે જીવી શકશો.

તમામ કર્મો અજ્ઞાનતામાંથી જન્મે છે; તમારા મૂળ સ્વરૂપ વિશેના અજ્ઞાનમાંથી !

આ સત્ય છે.

મારી અંદર જાગૃતિનો વિસ્ફોટ થયો હતો તે અંગત અનુભવમાંથી હું આ વાત કહું છું.

ક્યારેક તમને પોતાને પણ આ જ્ઞાન થશે.

તમારી ચેતનાને જગાડવાનું પહેલું કદમ ઉઠાવો. એ તમને કર્મમાંથી મુક્ત કરશે.