પ્રકરણ - ૩ : બીજાનું આપણી તરફ ધ્યાન ખેંચવાની જરૂરીયાત છોડી દેવી.
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
આપણે હવે 'અનાહત ચક્ર'માં દાખલ થઈશું. આ ચક્ર હૃદયના વિસ્તારમાં આવેલું છે.
સંસ્કૃતમાં 'અનાહત' નો અર્થ થાય છે 'જેનું સર્જન કરી શકાય નહીં'
તમે જ્યારે બીજા તમારી તરફ ધ્યાન કેન્દ્રીત કરે તેવું ઈચ્છો અને બીજાઓ પાસેથી પ્રેમની અપેક્ષા રાખો છો, ત્યારે આ ચક્ર બંધ થઈ બીડાઈ જાય છે, અને તમે જ્યારે કોઈપણ જાતની અપેક્ષા વગર નિસ્વાર્થ પ્રેમ વ્યક્ત કરો છો, ત્યારે તે ખીલી ઉઠે છે!
(તિબેટના બૌધ્ધોની પધ્ધતિ - મહામંત્ર મેડિટેશન)
‘અનાહત ચક્ર’નો સંબંધ પ્રેમ, સંવેદના અને તેના જેવી બીજી લાગણીઓ સાથે હોય છે. આપણે જ્યારે આપણી જાતમાંથી પ્રેમને પ્રવાહિત કરવાને બદલે, બીજાઓ સતત આપણાં તરફ ધ્યાન આપે તેવી અપેક્ષાઓ રાખીએ છીએ, ત્યારે ‘અનાહત ચક્ર’ બંધ થઈ જાય છે. બીડાઈ જાય છે. તેનો ગહન મતલબ છે કે ‘જેનું સર્જન થઈ શકતું નથી.’ ઈશારો કરે છે કે સાચો પ્રેમ બહાર પેદા કરીને આપણી અંદર મુકી શકાતો નથી. તે ફક્ત તમારી અંદર બની શકે છે. બસ. એ ત્યારે જ બને છે. જ્યારે તમારી અંદર ગહન જાગૃતતાનો પ્રવેશ થાય છે.
જ્યારે સાચો પ્રેમ ઉત્પન્ન થાય છે, ત્યારે આપણે કોઈ આપણી તરફ ધ્યાન આપે તેવી અપેક્ષાઓ છોડી દઈએ છીએ અને આપણી જાત જ શક્તિનો સ્ત્રોત બની જાય છે.
કોઈ આપણી તરફ ધ્યાન આપે તેવી અપેક્ષા રાખવી એટલે શું ?
તમે જોઈ શકો છો. આપણે જે કંઈ કરીએ છીએ, જે કંઈ પણ વિચારીએ છીએ, તેના માટે આપણે અજાગૃત પણે આપણી આસપાસના લોકો પાસે સંમતિ અને પ્રમાણની માંગણી કરીએ છીએ. આપણે બધાં બીજા બધાં પાસેથી સારું નામ કમાવા માટે ખૂબ જ આતુર હોઈએ છીએ. આપણે કદાચ આ દેખીતી રીતે નહીં કરતાં હોઈએ, પરંતુ જોતમે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરશો તો ખ્યાલ આવશે કે, જો તમારી આપપાસના લોકો તમારી કદર ના કરે અને તમારું સમર્થન કરતું પ્રમાણપત્ર નહીં આપે, તો તમે ખુશ નહીં રહી શકો. આ પ્રમાણપત્ર, આ સંમતિને ધ્યાન ખેંચવાની અપેક્ષા કહેવાય છે.
આપણી ૮૦% સમસ્યાઓ આમાંથી પેદા થાય છે. જો તમે શાંતિથી બેસીને એક કાગળ પર તમારી બીજાનું ધ્યાન ખેંચાય તેવી જરૂરીયાતો વિષે લખશો તો તમને ખ્યાલ આવશે કે, દિવસમાં તમે સારું નામ મેળવવા માટે, સમાજમાં તમારી આબરૂ જાળવી રાખવા માટે કેટલું બધું કરો છો.
તમારા બધા જ પ્રયાસો, પ્રવૃત્તિઓ, તમારી આસપાસના લોકો પાસેથી પ્રમાણપત્ર મેળવવા માટેની હોય છે. એક મોટા રજીસ્ટરમાં તમે ખાનાં બનાવો છો. સારો પિતા - તમારા બાળકો માટે બધું જ કરો છો અને તેમની પાસે સારા પિતા તરીકેના ખાનામાં તેમની સહીની અપેક્ષા રાખો છો ! પછી, તમે પત્નિ, તમારો બોસ, તમારા મિત્રો પાસે જાવ છો, સારો કર્મચારી, સારો મિત્ર વગેરે... અને તેઓ તેમાં સહી કરે તેની રાહ જુઓ છો. તમે બધો જ સમય સહી કરવા માટે વિનંતીઓ કરતા રહો છો. બસ.
અલબત્ત, આ બધા લોકો પણ તમારી પાસે સહી કરાવવા આવે છે ! અને તમારે પણ તમને લાગુ પડતાં ખાનામાં સહી કરવાની જરૂર પડે છે. આપણામાંના દરેક સતત સહી ઝુંબેશમાં લાગેલા હોઈએ છીએ. આપણને સમાજ પાસેથી જેટલાં મળે તેટલાં સારા અભિપ્રાયો ભેગાં કરવા હોય છે અને આપણી જાત અને સમાજ સામે આપણે આપણી કિંમત સાબિત કરવી હોય છે.
આપણી આસપાસના લોકોના અભિપ્રાયો માટે આપણે આટલા ચિંતિત શા માટે હોઈએ છીએ ? શા માટે આપણે આપણી તાકાતનું મુલ્યાંકન જાતે નથી કરતાં અને આપણું કામ ચાલુ નથી રાખતાં ? આપણે શા માટે બીજામાંથી તાકાત મેળવીએ છીએ ? આ બધું બે કારણો થી બને છે. એક આપણે આપણી જાત વિષે કશું જ જાણતાં નથી. આપણે આપણી જાતને ફક્ત બીજાએ આપણને આપેલા અભિપ્રાયોથી જ જાણીએ છીએ. ફક્ત બીજાઓના પ્રમાણપત્રોથી ! બીજું : જ્યારે બીજા આપણને તેમનું ધ્યાન અને સંમતિ આપે છે, ત્યારે તેઓ હકીકતમાં આપણને આગળ વધવાની શક્તિ આપે છે. ધ્યાન શક્તિ છે ! તેથી જ તેઓ જ્યારે આપણને મહત્વ આપે છે, ત્યારે આપણે ઉત્તેજિત થઈ જઈએ છીએ.
કોઈપણ સ્વરૂપનું એટેન્શન આપણા માટે જરૂરી હોય છે. મોટાભાગના ઘરોમાં સાસુ-વહુ સતત ઝઘડતા રહેતાં હોય છે. તેઓ સતત, ગરીબ બિચારો પુરુષ; પછી તે પુત્ર હોય કે પતિ હોય-તેને એક બીજાની વિરુધ્ધ ફરિયાદો કરતી હોય છે. પરંતુ બેમાંથી એક જ્યારે થોડા દિવસ માટે બહાર ગામ જાય છે. ત્યારે શું થાય છે ? બીજું પહેલાંની ગેરહાજરી અનુભવવાની શરૂ કરે છે. તેઓ કાયમ ઝઘડતાં રહેતાં હોવાં છતાં એકબીજાની ગેરહાજરીમાં એક-બીજા વિના એકલતા અનુભવે છે !
આવું કેમ બને છે ? જ્યારે તેઓ બધી વખત લડતાં રહેતાં હોય છે, ત્યારે તેઓ પોતાના તરફ બીજાનું ધ્યાન ખેંચી શકતા હોય છે. એવું ન માનતા કે ફક્ત હકારાત્મક ધ્યાન જ શક્તિ પેદા કરે છે ! કોઈપણ સ્વરૂપનું ધ્યાન શક્તિ પેદા કરે છે. તેઓ બન્ને જણાં અભાનતામાં જ એ ધ્યાનનો લડતી વખતે આનંદ લેતાં હોય છે. પરંતુ તેઓ એક બીજાની એકલતામાં પ્રેમની ઓછપ અનુભવે છે. તેઓ એવું કહે છે કે તેઓ પ્રેમને લીધે એકબીજાની ગેરહાજરીમાં દુઃખ અનુભવે છે!
ચોક્કસ આ પૂર્ણ પણે શક્ય છે. પરંતુ હું તમને એ સમજાવવા માંગુ છું કે ધ્યાન એક શક્તિ છે. એ રહસ્યમય રીતે આપણામાં શક્તિ પેદા કરે છે. અને આપણે આ વાતથી બિલકુલ અજાણ હોઈએ છીએ. જુઓ અને સમજો. જ્યારે આપણને ‘કંઈક’ જોઈએ છે ત્યારે એ ‘કંઈક’ પ્રેમ નહીં, પણ કોઈકનું ધ્યાન જોઈતું હોય છે. તમને પ્રેમની જરૂર નથી. તમે પોતે જ પ્રેમ છો. તેથી તમે જ્યારે કહો છો કે તમને પ્રેમ જોઈએ છે, તમે જ્યારે કહો છો કે કોઈ તમને પ્રેમ કરે, ત્યારે તમને હકીકતમાં બીજાના ધ્યાનની જરૂર હોય છે. પ્રેમની નહીં.
લોકો મારી પાસે આવીને કહે છે કે અમારાં છોકરાં છોકરી અમારી વૃધ્ધ ઉંમરે અમને પ્રેમ કરતાં નથી. હકીકતમાં તેમના કહેવાનો અર્થ શું હોય છે.? એજ કે તેમના સંતાનો તેમનું ધ્યાન નથી રાખતાં, તેમની વૃધ્ધ ઉંમરે જે શક્તિ જોઈએ તે એમને નથી મળતી.
હકીકતમાં જોવા જઈએ તો આપણી ઉંમર વધવાની સાથે આપણે વધારે ને વધારે આપણી જાતમાં કેન્દ્રીત થવું જોઈએ અને આપણી વધતી સંવેદનાથી આપણી અંદર રહેલી આપણી મૂળભૂત અસ્તિત્વની શક્તિ પણ વધવી જોઈએ. પરંતુ શું બને છે? આપણે આખી જીંદગી બીજાનું ધ્યાન અને શક્તિના આધારે જીવ્યા હોઈએ છીએ. કારણ કે આપણે માનીએ છીએ, કે પ્રેમ માત્ર સંબંધોમાં જ અસ્તિત્વ ધરાવે છે કારણ કે આપણે આપણી અંદર રહેલી સંવેદનશીલતા અને જાગૃતતાથી નથી જીવતાં, માટે જ્યારે આપણે વૃધ્ધ થઈએ છીએ, ત્યારે પ્રેમની કમી અનુભવીએ છીએ. જે બહારથી મળતો હતો અથવા તો ધ્યાન જે બહારથી આવતું હતું. તમારું કુટુંબ બીજી બાબતોમાં તેમના કામમાં રોકાઈ જાય છે. તેથી તેઓ પહેલાંની જેમ તમારી સાથે વાતોનું આદાન- પ્રદાન કરી શકતું નથી. તેથી ઉંમરની ફરીયાદ કરવાનું શરૂ કરી દો છો.
તમે હકીકતમાં ફરીયાદ કરો છો, કારણ કે તમારા કહેવાતા અનુભવોને તમે સમજ્યા નથી હોતાં અને તમારામાં એટલી જાગૃતતા નથી હોતી. તમારી શક્તિનો સ્ત્રોત તમારી અંદર જ પડેલો છે. બહાર ક્યાંય બીજે નહીં. માટે જ વધતી ઉંમરની સાથે જીંદગી વધારે શક્તિ અને આનંદ સાથે જીવવાને બદલે ઘટતી જતી શક્તિથી જીવો છો. તમારી શક્તિનો સ્ત્રોત તમારી આસપાસના લોકો હોય છે જે તમને પહેલાંની જેમ વધારે શક્તિ આપતાં નથી.
તમે જ્યારે શક્તિ માટે બહારના સ્ત્રોતો પર આધારીત હો છો, ત્યારે તમે માનસિક વિકલાંગ હો છો. તમને જ્યારે શારીરિક આધારની જરૂર હોય ત્યારે તમે શારીરિક વિકલાંગ હો છો, તેવી જ રીતે તમને જ્યારે માનસિક આધારની જરૂર પડે છે ત્યારે તમે માનસિક વિકલાંગ છો. બસ.
તમે જ્યારે શારીરિક વિકલાંગ હો છો, ત્યારે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે તમે વિકલાંગ છો. પરંતુ માનસિક વિકલાંગ હો છો, ત્યારે તમે જાણતા પણ નથી કે તમે વિકલાંગ છો ! એ બાબતે જાગૃત પણ હોતા નથી. તમે જ્યારે તેને જાણતાં જ નથી. તેથી તેની અસરમાંથી કેમ બહાર આવવું તે પણ જાણતાં નથી. જ્યારે તેની અસરો થાય છે અથવા રોગ થાય છે ત્યારે તમને નવાઈ લાગે છે કે આના કારણો શું હશે.
તમે બાળકોને પત્તાં સાથે રમતાં રમતાં, તેનો મહેલ બનાવતાં જોયા હશે. તેઓ એક ચોક્કસ ખૂણા પ્રમાણે પત્તાં ગોઠવે છે. અને એક પર એક પત્તાંના થર ગોઠવીને પિરામીડ આકારનો મહેલ બનાવે છે. તે જોવામાં ખુબ જ સુંદર લાગે છે. પરંતુ જો તમે મહેલમાંથી કોઈપણ એક પત્તું પણ ખસેડી લો કે તરત જ આખો મહેલ તૂટી પડે છે ! મહેલ જેટલો વધારે ઉંચો બનાવ્યો હશે, તેટલી તેની તૂટી પડવાની શક્યતાઓ વધારે.
આવી જ રીતે આપણે આપણાં માટે, લોકોના અભિપ્રાયોના આધારે, પત્તાનાં મહેલની જેમ આપણી છબી બનાવીએ છીએ. આપણે આપણાં પિતા, માતા, બોય ફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, શિક્ષક, મિત્રો અને સમાજ પાસેથી પ્રમાણપત્રો ભેગાં કરીને તેને ગોઠવીને આપણી છબીનો સુંદર મહેલ તૈયાર કરીએ છીએ. છબી ખુબ જ સુંદર લાગે છે અને આપણને ખુશીનો અનુભવ થાય છે.
પરંતુ એક વ્યક્તિ પણ પોતે આપેલું સર્ટિફિકેટ પાછું ખેંચી લે અથવા સહીને ભૂંસી નાંખે. પછી શું બને છે ? મહેલ તૂટી પડે છે ! તમારી જાત માટે તમે દુઃખી દુઃખી થઈ જાવ છો. તમે હતાશ થઈ જાવ છો. તમને લાગે છે કે આખી દુનિયાનો અંત આવી ગયો છે.
તમે જોયું બાળકોની રમતમાં તો બાળકો અંતે પોતાના પતાં થી જ રમે છે. પરંતુ આપણે આપણો મહેલ બીજાનાં પત્તાઓથી બનાવીએ છીએ. બીજાના પ્રમાણપત્રોથી બનાવીએ છીએ ! આપણું આપણા મહેલ ઉપર નિયંત્રણ હોતું નથી. કારણ કે બીજા લોકોના સર્ટિફિકેટોથી બનેલો છો !
આથી આપણે શું કરીએ છીએ ? આપણે મહેલને ટકાવી રાખવા, તેનું રક્ષણ કરવા, સખત મહેનત કરવાનું શરૂ કરી દઈએ છીએ. આપણે એવી રીતે વર્તવાનું શરૂ કરી દઈએ છીએ કે લોકો તેમણે આપેલાં પ્રમાણપત્રો પાછાં ન ખેંચી લે. આપણે લોકોની મંજુરીની મહોર મેળવવા માટે દરેક બાબત કરવાનું શરૂ કરી દઈએ છીએ, કારણ કે તેમની મંજુરી જ આપણી જીવન શક્તિ બની ગઈ હોય છે.
એક નાની વાર્તા :
એક સ્ત્રી તેના પતિ સાથે ખરીદી કરવા ગઈ. તેને પોતાના માટે એક કોટ ખરીદવો હતો.
બન્ને ઘણી દુકાનોમાં ફર્યા. પરંતુ સ્ત્રીને જેવો જોઈતો હતો તેવો કોટ ન મળ્યો પતિ થાકી ગયો તેણે પૂછ્યું; “ડાર્લિંગ તું જાણે છે કે ખરેખર તારે કેવો કોટ ખરીદવો છે ?”
પત્નિએ જવાબ આપ્યો; “ચોક્કસ, ડીયર મારે ડ્રોપ-ડેડ કોટ ખરીદવો છે.”
પતિ સમજી શક્યો નહીં કે તેણી શું કહેવા માંગે છે. તેણે પૂછ્યું; “આ ડ્રોપ ડેડ કોટ શું છે ?”
પત્નિએ જવાબ આપ્યો; “જ્યારે લોકો જોશે ત્યારે તેઓ ડ્રોપ ડેડ થઈ જશે.”
આપણે હંમેશા લોકો પાસેથી પ્રમાણપત્રો ભેગા કરવામાં લાગેલા રહીએ છીએ ! આપણી બધી જ પ્રવૃત્તિઓ લોકો શું કહેશે; લોકો કેવી પ્રતિક્રિયા આપશે; અભાન પણે તેને સંબંધિત જ હોય છે.
દાખલા તરીકે એક બેગ તમને તમારા બજેટમાં મળે છે તેની ઘણી ઉપયોગીતા પણ છે. પરંતુ અભાન પણે તમે મનમાં જુઓ છો કે જ્યારે એ બેગ લઈને તમે જતાં હશો ત્યારે લોકો તેના માટે શું વિચારશે; પછી તમે નક્કી કરશો કે મારા હાથમાં આ બેગ લોકોને એટલી બધી સારી નહીં લાગે. તમે બીજી શોધવાની શરૂ કરો છો ! પરંતુ તમે એ કબૂલ નહીં કરો કે તમે પ્રમાણપત્રની શોધ કરો છો. કારણ આ પ્રક્રિયા તમારી જાણ બહાર તમારી અંદર બને છે!
આપણે મોટે ભાગે કાનખજૂરા જેવા બની ગયા છીએ. કાન ખજૂરાને ચાલવા માટે ૧૦૦ પગની જરૂર પડે છે. આવી જ રીતે આપણી જીંદગી આગળ ચલાવવા માટે આપણને વારંવાર લોકોના પ્રમાણપત્રોની જરૂર પડે છે. કાન ખજૂરાનો એક પગ બરાબર નહીં હોય તો શું થશે ? કાન ખજૂરો નિરાધાર થઈને ત્યાં જ પડી રહેશે. આપણી સાથે પણ શું થાય છે ? એકાદ સર્ટિફિકેટ પણ મેળવવામાં નિષ્ફળ જઈએ તો, આપણે હતાશ થઈ જઈએ છીએ.
જો આપણે આટલાં બધા બીજા ઉપર જ આધારિત હોઈએ, તો આપણી હતાશ થઈ જવાની શક્યતા અતિશય વધી જાય છે. જે લોકો હતાશાથી પીડાય છે, તે લોકો હકીકતમાં કોઈ તેમના પ્રત્યે ધ્યાન આપે તેની જરૂરીયાતથી પીડાતા હોય છે. કંઈક એવું બને કે તેમના તરફ પુરતું ધ્યાન ન અપાય, ત્યારે આ લોકો એવી સ્થિતિ સાથે કામ પાડી શકતાં નથી. આપણને હતાશ કરી દેવા માટે બસ એક શબ્દ જ પૂરતો છે. પરંતુ આપણી હતાશાનું સાચું કારણ આપણે જાણતાં નથી. તેથી આપણે શું કરીએ છીએ ? હતાશામાંથી બહાર આવવા માટે આપણે દવાઓ લેવાનું ચાલુ કરી દઈએ છીએ.
તે તમને કઈ રીતે સાજા કરે ? હતાશાનું કારણ તમારી અંદર છે અને તમે બહારની દવાની મદદ લો છો. હતાશ થઈને લોકો જ્યારે મારી પાસે આવે છે ત્યારે હું તેમને સરળ મહામંત્ર મેડિટેશન કરવાનું કહું છું અને ધીમે ધીમે દવાઓ બંધ કરી દેવાનું કહું છું.
આ લોકોને બતાવવાની જરૂર છે કે શક્તિનો સ્ત્રોત તમારી અંદર જ છે અને મેડિટેશન તેમને એ બતાવી શકે છે.
તેઓ જેટલી દિલની સચ્ચાઈથી મેડિટેશન કરે છે, તેના આધારે સરળતાથી તેઓ તેમની અંદરની શક્તિનો તેટલો ઉપયોગ કરી શકે છે. એ સમજી જવાની જરૂર છે કે દવાઓ તેમને વધારે નિસ્તેજ બનાવે છે.
હું તમને કહી દઉં; તમે શક્તિ બહારથી મેળવો છો. ત્યારે તે તમારા પર પાયમાલી નોતરે છે. તમે માત્ર એક કઠપૂતળી બની જાવ છો.
હું તમને એક વાર્તા કહું છું : હકીકતમાં શિકાગો યુનિવર્સિટીમાં આ પ્રયોગ કરવામાં આવ્યો હતો.
ઘણીબધી વ્યક્તિઓ પર.
એક યુવાન, તંદુરસ્ત અને બુદ્ધિશાળી માણસ પોતાના કામ પર જવા માટે તૈયાર થઈ ગયો છે. તેની પત્ની તેની સાથે ધ્યાનથી જૂએ છે અને કહે છે; “તમે થાકેલા દેખાવ છો. તમારી તબિયતતો સારી છેને ?” માણસ ઉશ્કેરાટ અનુભવે છે અને પત્નીને કહે છે; “આવી કલ્પનાઓ કરવાનું બંધ કર”. અને ઓફિસ જવા નીકળે છે.
જેવો તે ગેરેજમાંથી કાર બહાર કાઢે છે, તેનો પડોશી તેની સામે જોઈ રહ્યો છે, તે બૂમ પાડે છે; “તારી તબિયત સારી છે ને ? તું નબળો દેખાય છે !”
માણસ આ વખતે નવાઈ પામે છે અને તેને કહે છે; “હું બરાબર છું”. અને કાર બહાર હંકારી જાય છે. તે ઓફિસમાં દાખલ થાય છે. રીસેપ્સનીસ્ટ તેના તરફ ચિંતા ભરી નજરથી જુએ છે અને કહે છે; “સર તમે બિમાર લાગો છો, તમે ઓફિસ શું કામ આવ્યા ?”
માણસ જવાબ આપે છે; “મને લાગે છે કે મને સારું છે જોઈએ શું થાય છે. અને તે પોતાની કેબિનમાં જતો રહે છે. તે પોતાનું કામ ચાલુ કરે છે અને તેનો સહકર્મચારી અંદર આવે છે અને આશ્ચર્યથી બોલી ઉઠે છે; “એય તું આટલો ઢીલો કેમ દેખાય છે ? તને તાવ કે એવું કંઈક છે કે શું ?”
હવે માણસ માટે આ ઘણું વધારે થઈ જાય છે. તેને બિમાર હોવાનો અને અસ્વસ્થતાનો અનુભવ થવા માડે છે. થોડીવાર પછી તેનો બોસ તેને બોલાવે છે, અને તે અંદર જાય છે. બોસ તેના તરફ એક નજર નાંખીને કહે છે; “તારી તબિયત ખરેખર સારી નથી લાગતી. તને લાગે છે કે તું આખો દિવસ કામ કરી શકીશ ? તું ડૉક્ટરને કેમ નથી બતાવતો ?”
બસ આ માણસ માટે આટલું પુરતું હતું. તેને હવે ખરેખર માંદગીનો અનુભવ થવા લાગે છે. તે કહે છે કે મારે ઘરે જવું છે અને જતો રહે છે. તેની કારમાં જેવો તે ઘરે પહોંચે છે. તેને લાગે છે કે તેનું ટેમ્પરેચર વધી રહ્યું છે.
તે જ્યારે ઘરે પહોંચે છે ત્યારે તેને પાછો આવેલો જોઈને તેની પત્નીને નવાઈ લાગે છે. તે તેની પાસે આવીને કપાળ પર હાથ મૂકે છે, તેને ખબર પડે છે કે તેના પતિને તાવ આવ્યો છે !
જે માણસ સવારે તંદુરસ્ત અને ખુશ હતો, તે બપોર પછી બિમાર થઈ ગયો ! અને તે કેવી રીતે બિમાર થઈ ગયો?
ફક્ત લોકો એ તેને કહ્યું કે તું બિમાર છે ! લોકો એ તેને વારંવાર કહ્યું કે તું બિમાર છે. અને શું બન્યું ? તે ખરેખર બિમાર થઈ ગયો ! આ પ્રયોગ અગિયાર લોકો પર કરવામાં આવ્યો હતો અને અગિયારે અગિયાર માણસો બિમાર પડી ગયા હતા.
તમારી અંદરની તમારી શક્તિમાં તમે જ્યારે કેન્દ્રીત નથી હોતાં, ત્યારે આવું જ બને છે. તમે બહારના અભિપ્રાયોથી ઉપર નીચે જાવ છો. પરંતુ જ્યારે આપણે આપણી જાતમાં કેન્દ્રીત હોઈએ, ત્યારે બહારની કોઈ બાબત આપણને હલાવી શકતી નથી.
આપણે વખાણ અને પ્રમાણપત્રો મેળવવા માટે જ સતત બધી બાબતો કરતાં હોઈએ છીએ. પરંતુ આપણે તે પ્રેમ અને ફરજના નામે કરીએ છીએ. લોકો મને કહે છે; “માસ્ટર અમે આ બધું વખાણ કે પ્રમાણપત્ર માટે નથી કરતાં; અમે કરીએ છીએ કારણ કે એ અમારી ફરજ છે.”
સ્પષ્ટતાથી સમજી લો, તમે જે ક્ષણે દાવો કરો છો કે તમે ફરજ નિભાવો છો; તમે એ કરો છો, કારણ કે જો તમે ફરજ નહીં નિભાવો તો તમારા લોકો તમને પ્રમાણપત્રો આપતાં અટકી જશે. તમારા લોકો; તમે જ્યાં સુધી તમારી પાસેથી રાખેલી તેમની નાનામાં નાની અપેક્ષાઓ પુરી કરતાં રહેશો, ત્યાં સુધી જ તમને પ્રમાણપત્ર આપશે. તમે જે કરી રહ્યા છો, તેમાં તમારી એક નાનકડી ભૂલ થશે પછી તમે જોઈ શકશો કે, તમારા તરફના તેમનાં સંબંધોમાં તરત જ ફરક પડી જશે. તમે આ જાણો છો અને તેથી જ તમે તમારી ફરજ નીભાવો છો.
તમે કહેશો; “માસ્ટર હું તેનો પિતા છું. તેમની જરૂરીયાતો હું પૂરી નહીં કરું તો કોણ કરશે ?” જુઓ તમે સમજવાનો પ્રયત્ન કરો. હું એમ નથી કહેવા માંગતો કે તમે તેમને માટે કશું જ ન કરો. તમે તેમને જન્મ આપ્યો છે. તેઓ જ્યાં સુધી પોતાના પગ પર ઊભા રહીને પોતાના માટે બધું કરી શકે નહી, ત્યાં સુધી તમારે તેમની જરૂરીયાતો પૂરી કરવી જોઈએ. પરંતુ તમે શું કરો છો ? સામે તેઓ કંઈક કરે, તેવી અપેક્ષાઓ રાખો છો. જે કંઈ પણ કરો તે અપેક્ષાઓ વગર કરો. તેને ફક્ત કર્મ રહેવા દો. જે તમારી અંદરના પ્રેમની શક્તિની અભિવ્યક્તિ બની જાય.
હવે તમે એમ કહેશો કે અમે કોઈ જ અપેક્ષાથી કરતાં નથી. પરંતુ જ્યારે તમને પારસ્પરિક કર્તવ્યમાં સામી તરફથી થોડી ખામી દેખાય છે, ત્યારે તમે જાણો છો શું થાય છે; તમારી અંદર તણાવ પેદા થાય છે. તમારી અંદર ખળભળાટ પેદા થાય છે. તમે અસ્વસ્થ બની જાવ છો, તેનું તમે નિરીક્ષણ કરી શકો છો. આ ખળભળાટ, આ તણાવ, આ અસ્વસ્થતા, તમે જ્યારે ફરજ નિભાવતા હતા, ત્યારે જે અપેક્ષાઓ તમારી અંદર હતી તેને કારણે હોય છે. દરેક વ્યક્તિએ એની માત્રામાં અને પ્રમાણમાં ફરક હોઈ શકે, પરંતુ આ સ્થિતિમાં આવું અમુક પ્રમાણમાં થાય જ છે.
આનો મતલબ છે: આવું જ્યારે થાય જ છે, ત્યારે તમે જે કંઈક કરો છો તે ફક્ત તમારી અંદર રહેલા પ્રેમની શક્તિની અભિવ્યક્તિ માટે નથી કરતાં; તમે પ્રમાણમાં ઓછું, તમે ફરજ અથવા કહેવાતા પ્રેમથી કરો છો. આ તમારા મૂળભૂત અસ્તિત્વની શક્તિ કે જે તમારી અંદર છે તેની અભિવ્યક્તિ નથી, પરંતુ એ ફક્ત બહારની દુનિયાની લેવડદેવડ હોય છે. બસ.
ભગવદ્ ગીતામાં ખૂબ જ સુંદર રીતે કહ્યું છે કે :
કર્મણ્યેવા ધિકારસ્તે મા ફલેશુ કદાચન:
આનો અર્થ થાય છે: તમારે માત્ર કર્મ કરવાનું છે. ફળની આશા રાખવાની નથી. તમારે આ રીતે કર્મ કરવાની જરૂર છે. કારણ કે તમારામાં અમર્યાદ પ્રેમની શક્તિ રહેલી છે. તમે કોઈપણ કારણ કે અપેક્ષા વગર એ શક્તિને બહાર વહેવા દો. તમે જ્યારે આ સ્થિતિમાં હો છો, ત્યારે તમને ફળની ચિંતા હોતી નથી.
હું જ્યારે કહું છું કે તમે ફળની ચિંતાના બોજ વગરના હો છો. ત્યારે મારો કહેવાનો અર્થ એ નથી કે હતાશ કે શૂન્ય થઈને ચિંતા વગરના હો છો. મારો કહેવાનો અર્થ એ છે કે, તમે સતત હરતા ફરતાં તમારી અંદરની દિવ્ય શક્તિની અભિવ્યક્તિ એવી રીતે કરતાં રહો છો કે, તમે ફળની અપેક્ષા કરવાનું જાણતા જ નથી, બસ. તેથી આપણે એવું પણ નથી કહેતાં કે ફળની આશા ન રાખો. તમે બસ આનંદ પૂર્વક વહેતા રહો છો. આટલું જ. અને આ વહેતી શક્તિ જ સાચો પ્રેમ છે.
જ્યારે તમે બીજા લોકો પાસે અપેક્ષા રાખો છો, ત્યારે તેનો કોઈ અંત હોતો નથી. અને મને કહેવા દો. તમારી આસપાસના બધાં જ લોકોને સંતોષવા તે અતિ મુશ્કેલ કામ છે. તમને એવું લાગે છે કે, તમે બધાં જ લોકોને સંતોષ આપી શકો ? કાયમ માટે ? ક્યારેય નહીં !
એક નાની વાર્તા :
એક પતિ પત્નિ તેમનાં લગ્નની પચાસમી વર્ષ ગાંઠ ઉજવી રહ્યાં હતાં.
આ પ્રસંગ માટે પત્નીએ પતિને બે શર્ટ ભેટમાં આપ્યા.
પતિ ખૂબ જ લાગણીવશ બની ગયો, અને કહ્યું કે આજે આપણે ઘરે રસોઈ કરવાને બદલે ડીનર માટે બહાર જઈશું તે નાહી ધોઈને તાજો-માજો થઈ ગયો અને પત્નીને ખુશ કરવા માટે પત્નીએ આપેલાં શર્ટમાંથી એક પહેરીને રૂમની બહાર આવ્યો.
જેવો તે બહાર આવ્યો, તેની પત્નીએ તેની તરફ જોયું અને મુસ્કુરાઈ. પરંતુ તરત જ તેના હાવભાવ બદલી ગયા અને કહ્યું; “કેમ બીજું શર્ટ સારું નથી એમને ?”
બીજાને સંપૂર્ણ પણે ખુશ રાખવા તે શક્ય નથી. સૌથી પહેલાં તમે તમારી જાતને સંતોષ આપો. તમને તમારી અંદર પરિપૂર્ણતા લાગવી જોઈએ. આટલું પુરતું છે. અને આ પૂર્ણતાને આસપાસના લોકો સાથે કશું જ લાગતું વળગતું ન હોવું જોઈએ. તમારી અંદરની શક્તિને બહાર આવવા દો; બહારના લોકોની અને શરતોની પરવા કર્યા વગર. આટલું બસ છે.
બીજાઓ માટે કંઈક કરવું સારું છે; બીજાઓ તરફ ધ્યાન આપવું, બીજાને માન આપવું સારું છે. પરંતુ તે ગહન શક્તિશાળી પ્રેમથી થવું જોઈએ; ડરથી નહીં; એ લોકો તેમણે આપેલાં પ્રમાણપત્રો પાછાં લઈ લેશે તે બીકથી નહીં. બીજાના અભિપ્રાયો માટે એટલા બધા આધારીત ન બની જાવ, કે તે લોકો જ તમારા જીવનનું કેન્દ્ર બની જાય. બીજાને તમારી શક્તિનો સ્ત્રોત ન બનાવો. તમારા માનસિક અસ્તિત્વ માટે બીજા પર આધાર ન રાખો.
તમારા સુખ માટે તમે જ્યારે બીજા પર આધારીત હો છો, ત્યારે તમે તમારા જીવનું નિયંત્રણ બીજાને સોંપી દો છો. તમારી શક્તિ અને પ્રેરણાંના સ્ત્રોત તમે પોતે જ બનો. સ્પષ્ટ સમજણ પર આવી જાવ કે જ્યારે આપણું કેન્દ્ર બીજા પાસે હોય છે, ત્યારે સાચો આનંદ મેળવવો શક્ય જ નથી. જો તમે આ સમજી જાવ તો, અર્ધાથી વધારે સમસ્યાઓનો ઉકેલ આવી જાય.
મેં તમને પહેલાં કહ્યું તેમ તમે તમારી જાત વિશે કશું જાણતા નથી. એટલે તમે જવાબ માટે સમાજ તરફ વળો છો. અને સમાજ ખુશીથી તમારા પર લેબલ મારે છે; તમે સારા પિતા છો, તમે સુંદર દેખાવ છો, તમે નિષ્ફળ છો, અને બીજું શું શું નહીં.
જેવી રીતે યોગ્ય સરનામા વગરના પાર્સલને સિક્કા મારી મારીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકેલવામાં આવે છે, તેમ આપણે સમાજમાં ક્યાંય રોકાવાના સ્થાન વગર, આ બધી જગ્યાએ સિક્કા મરાવતા રહીએ છીએ.
આપણે આપણી અંદર સ્થિત નથી. આપણે જાણતાં જ નથી કે આપણે ફક્ત લેબલો નથી. પરંતુ પાર્સલની અંદર જે માલ છે તે છીએ. આપણે આ જાણતાં નથી, માટે આપણે રસ્તો મેળવવા સોસાયટીના, સમાજના સિક્કા ઉપર આધાર રાખીએ છીએ. ધીરે ધીરે આપણે સંપૂર્ણપણે ભૂલી જઈએ છીએ કે, આપણે અંદર નો માલ છીએ નહીં કે લેબલ. આ રીતે આપણે આપણી અંદરની મૂળભૂત શક્તિથી વિખૂટા પડી જઈએ છીએ.
જ્યારે ‘અનાહત ચક્ર’ ખૂલી જાય છે, ત્યારે અંદર રહેલી મૂળભૂત શક્તિ પ્રગટે છે અને બહાર પ્રસરે છે. અને તમારી અંદરથી કોઈપણ અપેક્ષાઓ વગરના પ્રેમનો પ્રવાહ, આનંદનો પ્રવાહ દરેકે દરેક તરફ, દરેક વસ્તુ તરફ, સમગ્ર વિશ્વ તરફ વહેવા માંડે છે.
એક નાની વાર્તા :
માનવ જાત માટેનું એક મહાન પુસ્તક છે ‘બ્રહ્મસૂત્ર’.
દુનિયાની ફિલોસોફીનું તે બેજોડ પુસ્તક છે. જેમાંથી બીજી બધી જ ફિલોસોફીઓ આવેલી છે : તે પુસ્તકોમાંનું શ્રેષ્ઠ પુસ્તક છે.
આ પુસ્તક ભારતના મહાન જ્ઞાની વેદ વ્યાસે લખેલું છે.
આ એન્લાઈટેન્ડ ગુરુએ આ પુસ્તક તેના એક શિષ્ય વાચસ્પતિ મિશ્રાને આપીને તેના પર વિવેચના કરીને તેનો અહેવાલ તૈયાર કરવાનું કહ્યું, એ જ વખતે ગુરુએ તેની દિકરી ભામતિના તેની સાથે કરાવી આપ્યા, અને તરત જ મૃત્યુ પામ્યા.
વાચસ્પતિ મિશ્રાએ તરત જ પૂરી ગંભીરતાથી પોતાને સોંપાયેલું કામ શરૂ કરી દીધું.
તે સતત લખવામાં જ રોકાયેલો રહેવા માંડ્યો. તેને માટે આ કામ તીવ્ર લાગણી ભર્યું બની ગયું. અને તે કામ મેડિટેશનમાં ફેરવાઈ ગયું.
તે મહીનાઓ સુધી લખતો રહ્યો, મહીનાઓ વરસોમાં ફેરવાતાં ગયા અને વરસો દસકામાં ફેરવાઈ ગયા.
અંતે તેણે એ મહાન પુસ્તક પુરુ કર્યું. ફક્ત પુસ્તકનું નામ-શિર્ષક આપવાનું બાકી રહ્યું. તેણે પોતાના કામમાંથી ઉંચે જોયું.
તેણે જોયું એક મોટી ઉંમરની સ્ત્રી તેની બાજુમાં દિવો લઈને ઊભી રહી હતી.
વાચસ્પતિ મિશ્રાને નવાઈ લાગી. તેણે સ્ત્રીને પૂછ્યું; “તમે કોણ છો ?”
સ્ત્રીએ જવાબ આપ્યો; “તમે મારી બાબતમાં ચિંતા ન કરો, તમારું કામ ચાલુ રાખો.”
તેણે કહ્યું; “પુસ્તક પુરું થઇ ગયું છે. મને કહો તમે કોણ છો ?”
સ્ત્રીએ કહ્યું; “હું તમારી પત્ની છું.”
વાચસ્પતિ મિશ્રા શું બની ગયું છે, તે વિચારીને આઘાત પામી ગયો.
તે પોતાની પત્નીનો વિચાર કર્યા વગર જ ત્રીસ વરસ સુધી લખતો જ રહ્યો હતો. તે પોતે આ વાત માની શકતો નહોતો.
તે રડી પડ્યો; “આ બધું તેં મને એક પણ વખત યાદ કેમ ન અપાવ્યું !?”
“શા માટે ? તમે પુસ્તકમાં પૂરેપૂરા ડૂબી ગયા હતા. મને તમને ખલેલ પહોંચડવાનું યોગ્ય ન લાગ્યું” સ્ત્રીએ શાંતિથી જવાબ આપ્યો.
વાચસ્પતિ મિશ્રાએ કહ્યું; “તેં માણસ જાત માટે, તારી આખી જીંદગીનું બલિદાન આપી દીધું છે હું તેના બદલામાં તારે માટે શું કરું ?”
બામતીએ જવાબ આપ્યો; “તમારી સેવા મારો આનંદ બની ગયો હતો. તમે જ્યારે આ મહાન પુસ્તક લખતાં હતાં, અને એ વખતે મને તમારી સેવા કરવાનો અધિકાર મળ્યો છે, તેને માટે મને ગૌરવનો અનુભવ થાય છે. મારે વધારે કશું જ જોઈતું નથી.” વાચસ્પતિ મિશ્રાની આંખમાં આનંદના આંસુ વહેવા લાગ્યા.
તેણે તેની પત્નીને મહાન રીતે બિરદાવીને અંજલિ આપી. તેણે આખું પુસ્તક પત્નીના કામને અર્પણ કરી દીધું. અને તેનું શિર્ષક આપ્યું. ‘બામતી’.
તેની નિસ્વાર્થ ભક્તિ અને પ્રેમને કારણે બામતી અમર બની ગઈ. તે તેની જાતમાં જ સંપૂર્ણ હતી. એવું નહોતું કે તે તેના પતિને ખલેલ પહોંચાડવા નહોતી માંગતી. તેને જરૂર જ નહોતી ! આ બે બાબત વચ્ચે બહુ મોટો ફરક છે. મોટા ભાગે આપણને બીજાના ધ્યાનની જરૂર હોય જ છે, પરંતુ આપણે શાંતિ રાખીએ છીએ, વિચારીએ છીએ કે સામેની વ્યક્તિને ખલેલ ન પહોંચાડવી જોઈએ અથવા આપણે તેને માટે ન્યૂસન્સ ન બનવું જોઈએ.
પરંતુ આપણે અહીં એવી વ્યક્તિની વાત કરીએ છીએ કે, જેને પોતાના તરફ કોઈ ધ્યાન આપે તેની જરૂર જ નથી. અને આ જ ફરક છે ! તેણીને ક્યારેય એવું ન લાગ્યું કે તેની જુવાની વેડફાઈ રહી છે; તે કોઈ સમાધાન કરતી નહોતી. તે ફક્ત તેની સ્વાભાવિક, કુદરતી જાત જ બની રહી. બસ અને એ જ એના માટે પૂરતું હતું. તેને પતિને ખલેલ ન પહોંચાડવા માટે કોઈ મુશ્કેલી, મહેનત કે પોતાની જાત સાથે સમાધાન નહોતું કરવું પડ્યું. તે પોતાની આંતરિક શક્તિમાં જ એટલી બધી કેન્દ્રીત હતી કે, તેને બીજી બધી બાબતોની જરૂરત જ નહોતી.
બામતી મૃત્યુ પામ્યા પછી આજ પણ જીવી રહી છે. જ્યારે આપણે બધાં જીવતા હોવાં છતાં દરેક મિનિટે મરતાં રહીએ છીએ. આજે આપણા ઘરમાં આપણે શાંતિથી અર્ધો કલાક છાપું પણ વાંચી શકીએ છીએ ?
તમારી પત્ની અર્ધો કલાક શાંતિથી તેની ટી.વી. સિરીયલ જોઈ શકે છે ? તમે જ્યારે છાપું વાંચતા હશો ત્યારે એજ ગઈકાલે ઘરમાં બનેલી બધી જ બાબતો તમને કહેવાનું શરૂ કરી દેશે અને તમને ફરીયાદ કરશે કે તેના પર પુરું ધ્યાન નથી આપતાં. એ કહેશે; તમે તો બધો સમય છાપમાંજ ઘુસી જાવ છો.
અને જ્યારે તમારી પત્ની ખરેખર તેને ખૂબ જ ગમતી ટી.વી. સીરીયલ જોતી હશે, એજ વખતે તમને ભૂખ લાગશે અને તમે તેને ખાવાનું પીરસવાનું કહેશો. તમે ટી.વી. વાળાને ખોટા સમયે સીરીયલો પ્રસારીત કરવા માટે ગાળો ભાંડશો. આ પ્રકારની દલીલો ઘરમાં કાયમ ચાલ્યા કરે છે.
એક નાની વાર્તા :
એક માણસ તેની પત્ની સાથે એક રેસ્ટોરંટમાં બેઠો હતો.
તેમણે જમવાનો ઓર્ડર આપ્યો અને આવે તેની રાહ જોઈ રહ્યા હતાં.
પત્નીએ ફરીયાદ કરી; ડિયર આપણે અહીં આવ્યા ત્યારથી તમે આ છાપું જ વાંચી રહ્યા છો.
પતિએ માફી માંગી; “સોરી ડિયર, અને તેણે વેઈટરને ઈશારો કર્યો; પ્લીઝ મને બીજું છાપું આપો.”
તમે જોયું આપણે બધા સતત બીજાનું આપણાં તરફ ધ્યાન ખેંચવામાં જ પ્રવૃત્ત હોઈએ છીએ. આપણાં જીવનમાં પેદા થતાં ગુસ્સો, અસ્વસ્થતા અને હતાશાનું આ મૂળ કારણ છે.
આપણે માગવાનું બંધ કરીને આપવાની શરૂઆત કરવાની જરૂર છે. આપણે બહારથી શક્તિ માંગવાને બદલે, આપણી અંદરની શક્તિને બહાર પ્રસારિત કરવાની જરૂર છે. પરંતુ આપણે એ જાણતાં નથી કે આપણી જાત ઉપરથી બીજા ઉપર ધ્યાન કેવી રીતે લઈ જવું. આપણે બીજાનાં ધ્યાનનું કેન્દ્ર છીએ, એ રીતે જોવા ટેવાયેલાં છીએ. આપણે બહારની દુનિયા તરફ આપણું ધ્યાન પ્રસારિત કરવું શરૂ કરવું જોઈએ. આ કેવી રીતે કરવું ?
હું ઈચ્છું છું કે, હવે પછીના થોડા દિવસો સુધી તમે બધાં આ એક નાની પ્રવૃત્તિ કરો. અહીં હાજર છે તેમાંથી તમારી જાતિનો જ એક સાથીદાર પસંદ કરી લો. તે સાથીદાર પર જ સંપૂર્ણ ધ્યાન આપો. તમારો પહેલો ઈરાદો બીજી વ્યક્તિને હંમેશા વધુમાં વધુ અનુકૂળ બનવાનો હોવો જોઈએ. તમારે હંમેશા એજ જોવાનું છે કે તમારો સાથી હંમેશા ખુશ અને સુખ ચેનમાં રહે. આ માટે તેને કંઈ વધારેની જરૂર હોય તો તે શોધી કાઢો. નાસ્તાની પ્લેટ કે જમવાનું પણ તમારા માટે પહેલાં ઝડપી લેતાં પહેલાં તમારા સાથીને આપો અને પછી જ તમે લો. તમારા રૂમમાં ગરમ પાણી ન આવતું હોય, તો તેના રૂમમાં પણ આવે છે કે નહીં તે જુઓ અને પહેલાં તેના માટે વ્યવસ્થા કરી આપો.
અને હા, તમારે સાથીદાર તમારા મિત્રો કે સંબંધીઓમાંથી પસંદ કરવાનો નથી. એવો સાથી પણ પસંદ કરવાનો નથી, જેની સાથે તમે ભવિષ્યમાં મળવા માટે સરનામાની આપ લે કરી શકો. જેની સાથે પણ તમે મિત્રતા કેળવી લો. બસ, એકદમ અજાણી વ્યક્તિને સાથી તરીકે પસંદ કરો. કોઈપણ જાતના આગળ પાછળના ધ્યેય વિના પસંદ કરી લો.
મોટે ભાગે આપણે આખી જીંદગી આપણી જ ચિંતા કરતા હોઈએ છીએ. વધુમાં વધુ આપણે નજીકના કુટુંબીઓની ચિંતા કરતાં હોઈએ છીએ, અને એ એટલા માટે કે આપણે તેને આપણી ફરજ સમજીએ છીએ. અને આપણે સમજીએ છીએ કે આ પ્રેમ છે ! આ કસરત દરમ્યાન તમને એ જાણવા મળશે કે નિસ્વાર્થ પ્રેમ શું હોય છે! એ નિસ્વાર્થ છે, કારણ કે તમે તમારા સાથી પ્રત્યે કોઈ જ અપેક્ષા રાખતાં નથી.
(શિબિરમાં ભાગ લેનારાઓ સાથીદાર પસંદ કરી લે છે અને બાજુબાજુમાં બેસી જાય છે)
સાચો પ્રેમ એટલો ગહન, એટલો શક્તિશાળી હોય છે કે, તમે જ્યાં સુધી તેનો અનુભવ ના કરો ત્યાં સુધી તમે તેને જાણી શકતાં નથી. પ્રેમ શક્તિની અભિવ્યક્તિ છે.
પ્રેમનો ધંધો કરી શકાતો નથી. મને એક વાત કહો - તમે જે લોકોને પહેલી વખત જ મળતા હો તેને પ્રેમ કરી શકો ?
“ના માસ્ટર !”
“શા માટે નહીં ?”
“જ્યારે આપણે તેને જાણતાં જ ન હોઈએ, તેને આપણે પ્રેમ કેમ કરી શકીએ ?”
બરાબર છે. તમે આજ વિચારો છો. હું તમને થોડી બુદ્ધિ પૂર્વકની સમજણ અને મેડિટેશન વિષે જણાવું છું. જેથી તમારાં મનમાં ઉતરી શકે કે તમે આસાનીથી કોઈપણ કારણ વગર પ્રેમ કરી શકો છો ! તમે રસ્તા પરના ઝાડોને પ્રેમ કરી શકો છો. તમે તેને આલિંગીને, વહાલ કરીને તમારી અંદરથી શક્તિના પ્રવાહનો અનુભવ કરી શકો છો. તમે રસ્તા પર પસાર થતાં લોકો ને જાણતાં પણના હો, છતાં પ્રેમ કરી શકો છો ! પ્રેમ એ તમારો મૂળભૂત સ્વભાવ છે! તમે શોધીને બહારથી લાવેલો ગુણ નથી.
આજે પ્રેમનો જેટલો ખોટો અર્થ સમજવામાં આવે છે, તેટલો બીજી કોઈ બાબતમાં સમજવામાં આવતો નથી. આજે પ્રેમ એક ધંધાદારી વ્યવહાર સિવાય બીજું કશું જ નથી. જો તમને કોઈ તમારા વિશે સારું સારું કહેશે, તો તમે તેને પ્રેમ કરશો, બીજા દિવસે તેને તમારામાં એ બાબતની ખામી દેખાશે અને તે કંઈક કહેશે, તો તરત જ તમારો પ્રેમ ઓછો થઈ જશે. અથવા મોટે ભાગે તમે તેને નફરત કરવા લાગશો.
અરે, તમે તમારા જીવનનો મિત્ર, કે જેની સાથે રોજ કોમ્પ્યુટર પર ગપસપ કરતાં રહો છો. જે તમારી જીંદગીનો એક ભાગ બની ગયો હોય છે; તે જ્યારે, તમે તેની સાથે સંમત ન હો તેવું કંઈક કહી દે છે તો તરત જ તમને એ એટલો અંગત નથી લાગતો. તમે પહેલાં તેની સાથે જે તીવ્ર લાગણીથી ગપસપ કરતાં હતાં, તે સ્તરે પહોંચવા માટે તમને ઘણો સમય લાગે છે. આ વખતે તમારો પ્રેમ ક્યાં હોય છે ? તેણે તેટલા સમય પુરતું સહન કર્યું હોય છે !
આવી રમતો તમે રમ્યા કરો છે : એવી રમત જેમાં એક બીજાની વચ્ચે પ્રેમ અને નફરત થતી રહે છે. અને આ પ્રેમ નફરતના સંબંધો સાચો પ્રેમ નથી જ. સ્પષ્ટ રીતે સમજી લો. એ માત્ર, આપણે સામી વ્યક્તિને અથવા પરિસ્થિતિ ને આપેલી પ્રતિક્રિયા છે. બસ આટલું જ. આને આપણે પ્રેમ કહીએ છીએ. એ ફક્ત શરતી પ્રેમ છે. બસ.
સાચો પ્રેમ સ્થૂળ હેતુ ને જાણતો જ નથી. હેતુ હોય કે ન હોય. એ બસ હોય છે ! સાચો પ્રેમ પોતે જ પદાર્થ છે. તે કોઈ હેતુ જોતો જ નથી. તમે પદાર્થ છો અને તમે જ પ્રેમ બની ગયા છો. બસ. જે કોઈ પણ તેના સંપર્કમાં આવે છે તે તેનો અનુભવ કરે છે. જેવી રીતે નદીનો પ્રવાહ કુદરતી જ વહ્યા કરે છે અને લોકો તેનો વિવિધ જગ્યાએ એક સરખો આનંદ માણી શકે છે. તેવી જ રીતે વ્યક્તિની અંદરથી પ્રેમનો પ્રવાહ વહેતો રહે છે અને તેની આસપાસના લોકો તેનો અનુભવ કરી શકે છે.
સાચા પ્રેમમાં ક્યારેય કોઈપણ પ્રકારની શરતો માટે જગ્યા હોતી જ નથી. તમારી અંદરની શક્તિ એની મેળે જ પ્રેમ સ્વરૂપે છલકાઈને વ્યક્ત થવી જોઈએ. અને પછી જ તમે સંબંધોની મર્યાદાઓ ઓળંગીને, પૂર્ણ પણે સુંદર રીતે પ્રેમ સ્વરૂપે વ્યક્ત થાવ છો. તમને સમજાય છે ?
અને એક વધારે વાત : આપણે પ્રેમ અને માન વચ્ચે ગુંચવાઈ જઈએ છીએ. જ્યારે તમે સમગ્ર પણે પ્રેમ કરો છો, ત્યારે તમે એવું કશું જ નથી કરતાં, જે અપમાન જેવું લાગે. તમે માન બાબતમાં બારીકાઈથી નિરીક્ષણ કરશો તો તમને ખ્યાલ આવશે કે, જ્યારે અમુક લોકો અમુક બાબત કરે છે ત્યારે તે તદ્દન સામાન્ય લાગે છે, જ્યારે આવું બીજી કોઈ વ્યક્તિ કરે છે તો, તે અપમાન જનક લાગે છે. વ્યક્તિની કંઈપણ કરવા માટે તેની પાછળ રહેલી શક્તિ, માન અને અપમાનનું કારણ બનતી હોય છે.
જ્યારે તમારી પાછળ સમગ્ર શક્તિ હોય, ત્યારે તમે કંઈપણ સફળતા પૂર્વક કરી શકો છો. જ્યારે તમે તમારી જાત વિષે ચોક્કસ નથી હોતાં, ત્યારે તમે માન અપમાનના સવાલોમાં જકડાઈ જાવ છો. હું તમને ઉધ્ધત બનવાનું નથી કહેતો. જ્યારે તમે પ્રેમથી થનગનતા હો છો, રણકતા હો છો, ત્યારે તમારા શરીરની અભિવ્યક્તિ જ એવી હોય છે કે તમે ક્યારેય ઉધ્ધત દેખાવ જ નહીં.
પરંતુ તમે જ્યારે પ્રેમને બદલે માન અપમાનમાં પકડાવ છો, ત્યારે તમે આખી વાત ચૂકી જાવ છો. પછી પ્રેમ કરવાને બદલે દંભ કરવાનું શરૂ કરો છો અને જ્યારે તમે દંભી હો છો ત્યારે તમે સમગ્ર હોતાં નથી.
તમે જ્યારે માનમાં કેન્દ્રીત થાવ છો, ત્યારે તમે દંભી હો છો, કારણ કે માન સામાજીક બાબત છે અને તેની વ્યાખ્યા બદલાતી રહે છે. પરંતુ જો તમે પ્રેમમાં કેન્દ્રીત હો છો, પછી આદરભાવ, માન એક આનંદપૂર્ણ વધારાની અભિવ્યક્તિ બની જાય છે. માટે તમારી જાતને પ્રેમમાં કેન્દ્રીત કરો અને આદરભાવ આપોઆપ વ્યક્ત થવા માંડશે.
યાદ રાખો : આદરભાવ મૃત બાબત છે. પ્રેમ જીવંત છે. આદરભાવ, અંતર વધારે છે. પ્રેમમાં દૂરનજીક જેવું કશું હોતું જ નથી.
લોકોને ભગવાન માટે આદરભાવ અને ભય રાખવા માટે પ્રશિક્ષિત કરી દેવાયાં છે. તેમને ભગવાનને પ્રેમ કરવાનું ક્યારેય શીખવવામાં જ નથી આવ્યું. તેમને મંદિરોમાં મૂર્તિને હાથ પણ લગાવવા દેવામાં આવતો નથી. તેમની પાસે મૂર્તિથી દૂર રહીને વાંકા વળીને આદરભાવ વ્યક્ત કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. તમને ભગવાન બાબતમાં સાવધાન રહેવાનું શીખવી દેવામાં આવ્યું છે. સમજી લો : બાળકને સૌથી પહેલી વાત એ શીખવવી જોઈએ કે ભગવાન પ્રેમ છે.
જો તમે ભગવાનને ભેટી ન શકો, અપનાવી ન શકો, તો પછી અપનાવવા જેવું કશું બાકી રહેતું જ નથી. કારણકે ભગવાન બધું જ છે ! તમે જ્યારે તમારા બાળકને શીખવો છો કે ભગવાનને આલિંગન ન કરાય, ત્યારે હકીકતમાં તમે તેને એ શીખવો છો કે ભગવાન બાકીના બીજા બધાંથી અલગ છે. ભગવાનને પાયામાં ધકેલી દઈને તમે તમારી જાતને આખા બ્રહ્માંડના અસ્તિત્વથી અલગ કરી નાંખો છો. તમે બધું જ ગુમાવી દો છો ! ચૂકી જાવ છો !
અમુક પ્રમાણમાં આદરભાવ રાખો અને જ્યારે જરૂર પડે, ત્યારે બુધ્ધિપૂર્વક તેનો સમાજમાં ઉપયોગ કરો. બસ. આટલું પુરતું છે. અને આ પ્રકારનો આદરભાવ ગહન જાગૃતતા અને બુધ્ધિથી આવે છે. એ તમને તમારા કેન્દ્રમાંથી ચલિત નહીં કરે. એ તમારો પ્રેમ ઓછો થવાનું કારણ નહીં બને. એ કેવળ બુધ્ધિપૂર્વકનું કાર્ય હશે. બસ.
એક નાની વાર્તા :
એક માતા તેની બાળકી સાથે સામાજિક પ્રસંગમાં ગઈ.
કોઇ કારણસર બાળકી તેનાથી છુટી પડી ગઇ અને બન્ને ટોળામાં અલગ થઇ ગયા.
માતા એકદમ હેબતાઇ ગઇ અને ચારેબાજુ બાળકીને શોધવા માંડી.
એકાએક તેની પાછળ તેને અવાજ સંભળાયો; “મારીયા !” તે પાછળ ફરી તો તેની બાળકી જ હતી.
તે તેની પાસે દોડી ગઇ. તેને બાથમાં લઇ લીધી અને પૂછ્યું; “પણ તેં મને મમ્મી કહીને બૂમ પાડવાને બદલે મારીયા કહીને કેમ બૂમ પાડી ?”
બાળકીએ જવાબ આપ્યો; “તેનાથી કંઈ ફાયદો ન થાત. અહીં ચારે બાજુ ઘણી બધી મમ્મીઓ છે !”
બાળકો હજુ પણ પોતાની જાતમાં કેન્દ્રીત હોય છે અને તેઓ આપણાં કરતાં વધારે જીવંત અને સચેત હોય છે. તેમની નિખાલસતા, તેમનો પ્રેમ, તેમની શારીરિક અભિવ્યક્તિ, તેમનાં વતી બોલતાં હોય છે. તેમના શબ્દો નહીં. એટલા માટે, તેઓ જે કંઈ કહે છે અથવા કરે છે એ ઉધ્ધત નથી લાગતું. તેઓ સરળતાથી અસ્તિત્વને માણે છે. એક વખત આપણું મન સામાજીક બાબતોથી ટેવાઈ જાય પછી આપણી નિખાલસતા અદૃશ્ય થઇ જાય છે; પછી આપણે મિથ્યા આડંબર અને શબ્દોથી કામ લેતા થઇ જઈએ છીએ. કારણ કે આપણે સમગ્ર અને નિખાલસ કેમ બનવું તે ભૂલી ગયાં હોઈએ છીએ.
જ્યારે પ્રેમ ફરજ બની જાય છે, ત્યારે એ બોજ બની જાય છે. અને જ્યારે એ બોજ બની જાય છે; પછી તમે તેને ઉત્સવની જેમ માણી શકતા નથી, તમે દબાણમાં હો છો. મા-બાપ બાળકોને કારણોથી પ્રેમ કરવાનું શીખવે છે. નાની ઉંમરથી જ કારણો સાથે જ પ્રેમ શીખવવામાં આવે છે.
આપણે તેને ક્યારેય દુનિયાને ચાહવાનું શીખવીએ છીએ ? પરંતુ આપણે તેને આપણા સંબંધીઓને જ ચાહવાનું શીખવીએ છીએ. તેમને આપણને ચાહવાનું શીખવીએ છીએ. તેને જે કોઇપણ રસ્તે ઉપયોગી થઈ શકે તેમ હોય, તેવાં લોકો ને જ ચાહવાનું શીખવીએ છીએ.
જો તમે તેમને કુદરતને ચાહવાનું, સ્વીકારવાનું શીખવો છો, તો તમે તેમનામાં સાચા પ્રેમનું બીજ રોપો છો. તમારે બાળકની અંદર સાચું બીજ રોપીને, પ્રેમ પૂરેપૂરો ખીલી શકે તેવી પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ. અહીં તમને મેડિટેશન મદદ કરે છે. મેડિટેશન બીજ રોપવામાં અને તેને ખીલવા માટેનું સુંદર વાતાવરણ બનાવવામાં મદદ છે. બહારથી કશું લાદી શકાતું નથી. જે ક્ષણે તમે બહારથી લાદવાની કોશિશ કરો છો, તે જ વખતે કાં તો એ પ્રતિકાર કરશે અથવા ફરજ બની જશે. એક બોજો બની જશે.
આપણે બધા સામાન્ય રીતે જેને પ્રેમ કહીએ છીએ, તે ફક્ત મનોવૈજ્ઞાનિક ગુલામી છે. તમે પ્રેમના નામે વ્યક્તિને ગુલામ બનાવો છો. અને તે અમુક ચોક્કસ રીતે જ વર્તવા માટે મજબૂર બની જવાનો અનુભવ કરે છે. શારીરિક ગુલામીમાં તમને એટલી તો ખબર જ હોય છે કે તમે ગુલામ બનાવાયા છે. પરંતુ મનોવૈજ્ઞાનિક ગુલામી એટલી બધી છેતરામણી છે કે, જ્યાં સુધી તમે એવી કોઈ પરિસ્થિતિમાંથી પસારના થાવ અને તેને સમજવા જેટલા પરિપક્વ ન હો, ત્યાં સુધી તમને ખબર નથી પડતી કે તમને ગુલામ બનાવવામાં આવ્યા છે.
આપણા બધામાં આટલી બધી દોષ ભાવના છે, એવું તમે શા માટે વિચારો છો ? એ છે કારણ કે આપણે જેને પ્રેમ તરીકે જાણીએ છીએ તે હંમેશા દોષિત થઈને આવે છે. જ્યારે પ્રેમ સમગ્ર હોય છે; જ્યારે પ્રેમ તમારી હોવાપણાની શક્તિમાંથી આવે છે, ત્યારે તે ક્યારેય દોષાભાવના લાવતો નથી. તમને હંમેશા ગુનાહિત ભાવના થાય છે. કારણ કે તમે હંમેશા એવું અનુભવો છો કે, તમે પૂરેપૂરો પ્રેમ નથી અનુભવ્યો, તમે ક્યાંક પ્રેમમાં નિષ્ફળ ગયા છો. અને તમને શા માટે પુરેપુરા પ્રેમનો અનુભવ નથી થયો ? કારણ કે તમને ફક્ત સામાન્ય પ્રેમ જ શીખવવામાં આવ્યો છે. સમગ્ર પ્રેમ ક્યારેય નહીં.
એક નાની વાર્તા :
સ્કૂલના શિક્ષક ભાગાકારના દાખલા શીખવી રહ્યા હતા.
શિક્ષકે એક છોકરાને પૂછ્યું; “જો એક કેક હોય અને આપણે તેના પાંચ ટૂકડા કરીએ અને કુટુંબના દરેક વ્યક્તિને વહેંચી દઈએ તો તને કેકના કેટલા ટૂકડા મળશે ?”
છોકરાંએ જવાબ આપ્યો; “પાંચમાંથી બે ”
શિક્ષકે પૂછ્યું; “કેવી રીતે ? તું ભાગાકાર બરાબર શીખ્યો નથી ?”
છોકારાએ જવાબ આપ્યો; “મેમ્ મને જો કેક ગમતી હશે તો મારી મમ્મી તેનો ભાગ મને આપી દેશે.”
તમે જોયું. મા તેનાં બાળકો માટે ભોગ આપવા માંગે છે. બરાબર છે. પરંતુ ભોગ આપવાનો જે અભિગમ છે, એ આપણે જે વાત કરી રહ્યા છીએ તે વિષે છે. તેમણે તે ફક્ત પોતાની અંદરથી ઉભરાઈને આપવું જોઈએ. નહીં કે કોઈ છુપી અપેક્ષાઓ રાખીને. જો તેમણે આંતરીક છલકાયેલ પ્રેમના ઉભરાથી આપ્યું હશે, તો આ પ્રસંગ તેમનાં મનમાં ક્યારેય રેકોર્ડ નહીં થાય અને કદાચ રેકોર્ડ થયો હશે, તો પણ કોઈપણ સંજોગોમાં વળતો બદલો લેવાના ભાવથી સપાટી પર આવશે નહીં. ફક્ત જ્યારે તેઓ આ બધું ફરજથી બંધાયેલા પ્રેમથી કરે છે. ત્યારે જ તેમનું મન આવા પ્રંસગો રેકોર્ડ કરે છે અને જરૂર પડે પાછા યાદ કરે છે.
સામાન્ય પ્રેમ હંમેશા અપેક્ષાઓ સાથે વિકસે છે. આનો કોઈ ઈન્કાર કરી શકે નહીં. છતાં પણ દરેક જણ આ બાબતનો પૂરા આવેશથી ઈન્કાર કરવાનો પ્રયત્ન કરશે. અપેક્ષાઓ પ્રેમની સાથે એટલી બધી વણાઈ ગઈ છે, કે તેને સમજવું અતિ મુશ્કેલ છે. અને જ્યારે કોઈ આવું કહે, ત્યારે એ માનવું પણ અતિ મુશ્કેલ થઈ જાય છે.
હકીકતમાં જ્યાં સુધી બધું બરાબર સરળતાથી ચાલતું હોય, ત્યાં સુધી આ વાત માનવી ખુબ જ મુશ્કેલ છે. પરંતુ આપણે ઘણાં કિસ્સાઓમાં સાંભળીએ છીએ કે, છોકરો કે છોકરીને સાદા કારણસર ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે ! તેઓએ પોતાની જ્ઞાતિની બહાર લગ્ન કર્યા હોય છે અથવા બે કુટુંબો વચ્ચે વેરઝેર હોય અને તેમના છોકરાં-છોકરીએ લગ્ન કર્યા હોય.
આ સમયે તેમનો પ્રેમ ક્યાં અદ્રશ્ય થઈ જાય છે ? આવો કોઈ પ્રસંગ બન્યા પહેલાં, તેજ છોકરો-છોકરી પોતાના કુટુંબને અતિશય વહાલાં હોય છે. કહેવાતો પ્રેમ પરાકાષ્ઠા પર હોય છે. એકાએક શું થાય છે ? શા માટે તે અદ્રશ્ય થઈ જાય છે? જો એ સાચો પ્રેમ હતો, તો તે એકાએક અદ્રશ્ય કેમ થઈ ગયો ? આવી પ્રતિક્રિયા સાચો પ્રેમ ક્યારેય નથી કરતો. સાચો પ્રેમ ક્યારેય બીજી બાબતો સાથે સંકળાયેલો હોતો નથી. કારણ કે બીજી કોઈ વાત તેના પ્રવાહને રોકી શકતી નથી ! તે કાર્ય કારણના ચક્રથી બંધાયેલો નથી.
તમે કુટુંબની સુકોમળ બાબતો પર પણ ગહન જાગૃતતાથી જોશો, તો તમને સમજાશે કે તમારો પ્રેમ કેટલો બંધાયેલો છે. તમારા જીવનની થોડી બાબતોને ફક્ત ફરીથી ગોઠવવાનો પ્રયત્ન કરો અને પછી જુઓ તમારું કુટુંબ કેવી પ્રતિક્રિયા વ્યક્ત કરે છે.
તમે તમારાં બાળકોને જ્યાં સુધી પ્રેમને નામે બધું પુરું પાડો છો, ત્યાં સુધી જ તેઓ પ્રેમના નામે તમારાથી વિરુદ્ધ નથી જતાં. જ્યાં સુધી તમે એકબીજાને તમને અયોગ્ય લાગે તેવી રીતે ઘર્ષણમાં નથી આવતાં, ત્યાં સુધી જ કહેવાતો પ્રેમ ટકે છે. જો તમારામાંથી કોઈ પક્ષ અપેક્ષાની વિરુદ્ધમાં વર્તન કરે, તો પ્રેમનો મૂડ તરત જ બદલાઈ જાય છે. આખી સુગંધ બદલાઈ જાય છે. તેને માટે વધારે સમય અથવા પ્રયાસો કરવાની જરૂર પડતી નથી, કારણ કે એ કુદરતી સુગંધ નથી એ કૃત્રિમ સુગંધ છે, કૃત્રિમ રંગોની સાથે !
જે પ્રેમ સતત ભયમાં રહેતો હોય, તે સાચો પ્રેમ નથી. અને ગોઠવણી કરેલું કંઈ પણ ક્યારેય સમગ્ર હોતું નથી. એક હોતું નથી. એક જેવું દેખાય છે પણ હોતું નથી. અને કંઈક જ્યારે સમગ્ર ન હોય ત્યારે તે સતત અલગ પડી જવાના ભય નીચે જ રહે છે. પ્રેમમાં ઉજવણીની જરૂર છે. ફરજની નહીં.
હું તમને કહું છું : જો તમે સમગ્ર પણે પ્રેમ કર્યો હશે, તો તમને ક્યારેય ગુનાહિત ભાવ નહીં જાગે; જ્યારે કોઈ મૃત્યુ પામશે ત્યારે ઉદાસી નહીં આવે. હા, શારીરિક સ્તરે જુદાપણું તમને જરૂર ઉદાસ બનાવશે. પરંતુ તેઓ જીવતાં હતા ત્યારનું બધું જ ગુમાવી દીધું છે તેવો ભાવ ક્યારેય નહીં જાગે. જ્યારે હું સમગ્ર પ્રેમ, પૂર્ણ પ્રેમ કહું છું ત્યારે મારો એ કહેવાનો અર્થ નથી કે તમે તેમની બધી જ અપેક્ષાઓ પરિપૂર્ણ કરી દીધી છે. મારો કહેવાનો મતલબ એ છે કે, તમે તમારી જાતમાં સારી રીતે કેન્દ્રીત રહીને તેમના તરફ તમારો શક્તિશાળી પ્રેમનો પ્રવાહ વહાવ્યો છે. તેઓ અસ્તિત્વનો એક ભાગ છે. એ દૃષ્ટિએ તેમને સમજીને, આદર કરીને પૂર્ણ પ્રેમ આપ્યો છે.
જો તમે આવી રીતે પ્રેમ કર્યો હશે, તો તમે તેમને આનંદથી ભરપૂર અનુભવ્યા હશે. અને તેઓ જ્યારે જતા રહેશે ત્યારે તમને કોઈ પણ દોષની લાગણી નહીં થાય. કુટુંબ હંમેશા તમારામાં દોષિત ભાવ પેદા કરે છે, કારણકે તે તમારું નિયંત્રણ કરી શકે. આપણી ઘણી બધી દબાયેલી લાગણીઓ કે જેને તમે પૂરેપૂરી વ્યક્ત ન કરી શક્યા હો, તેના અતિ દબાણ સિવાય, દોષ ભાવના બીજું કશું જ નથી. દોષભાવનાને તમારો કબજો ક્યારેય ન લેવા દો.
હું એ નથી કહેતો કે, તમારા મનમાં જે આવે તે બધું જ કરો અને તેના માટે દોષ ભાવના ન અનુભવો. તમારે તમારી અંદરના કેન્દ્રમાંથી ગહન જાગૃતતા અને સમજણ સાથે પૂર્ણપણે જીવવું જોઈએ. પછી ત્યાં દોષ ભાવના માટે અવકાશ જ નહીં હોય. બસ આટલું જ.
સાચો પ્રેમ હંમેશા કોઈપણ પરવા કર્યા વગર જ આપે છે. અને માંગવાનું તે જાણતો જ નથી. તે ફક્ત આપવાનુંજ જાણે છે. એને ક્યારેય પેદા કરી શકાતો નથી. આ કંઈક આવું છે : તમે પ્લાસ્ટીકનું ગુલાબ બનાવી શકો. પરંતુ તેમાં સાચા ગુલાબની સુગંધ હશે ? ના ! આવી જ રીતે સાચો પ્રેમ ક્યારેય બનાવી શકતો નથી. તમે તમારી રોજીંદી જીંદગીમાં જે કહેવાતો પ્રેમ કરો છો તે સુગંધ વગરના ગુલાબ જેવો છે. તે સાચા જેવો દેખાય છે. પરંતુ તેમાં સુગંધ નથી.
સાચા ગુલાબને વિકસવા માટે તમારે યોગ્ય વાતાવરણ પેદા કરવું પડે, યોગ્ય ખેડાણવાળી જમીન જોઈએ, યોગ્ય પ્રમાણમાં પાણી જોઈએ, વગેરે. અને પછી તે આપો આપ પોતાની જાતે વિકસશે. આની જેમજ સાચા પ્રેમને વિકસવા માટે, તમારે તમારી અંદર જાગૃતતા, સ્પષ્ટતા અને ગહન સમજણ કેળવવી જોઈએ. અને તમારી અંદરથી પ્રેમ ખીલી ઉઠશે.
એક કોલેજના મેળાવડામાં મને એક છોકરીએ પૂછ્યું; “માસ્ટર તમે પ્રેમમાં નિષ્ફળ જવાને કારણે સન્યાસી બની ગયા છો ?”
મેં તે છોકરીને કહ્યું; “ મારા સન્યાસી બનાવાનું કારણ પ્રેમની સફળતા હતું !” પ્રેમની નિષ્ફળતા ફક્ત દેવદાસ પેદા કરી શકે, ‘સન્યાસી’ નહીં. તમે જ્યારે આખી દુનિયાને ચાહી શકો, ત્યારે જ સન્યાસી બની શકો. આખી દુનિયાને ચાહવી એજ સાચો પ્રેમ છે.
સાચો પ્રેમ સંબંધોને જાણતો નથી. ફક્ત સામાન્ય પ્રેમ જ સંબંધોને જાણે છે. તમે તમારા પિતાને પ્રેમ કરો છો. કારણ કે તે તમારી જરૂરીયાતો પૂરી પાડે છે. તમે તમારી માતાને પ્રેમ કરો છો કારણ કે તે તમારી કાળજી લે છે. તમે તમારા બોયફ્રેન્ડને ચાહો છો, કારણ કે તે તમને માનસિક આનંદ આપે છે. સામાન્ય પ્રેમ માટે આવા વિવિધ કારણો હોય છે.
સાચો પ્રેમ આવો હોતો નથી. એ એમ નથી કહેતો કે; “આ મારા પિતા છે માટે તેમને પ્રેમ કરવો જ જોઈએ. સાચો પ્રેમ તો દરેક જણ અને દરેક વસ્તુને સતત પ્રેમ કરવાનું જ જાણે છે. બસ. આટલું જ. સામાન્ય પ્રેમમાં સફળતા અને નિષ્ફળતા હોય છે. સાચા પ્રેમમાં સફળતા અથવા નિષ્ફળતા જેવું કશું હોતું જ નથી. એ ફક્ત ‘હોય છે.’ બસ. આ શોધી કાઢવા માં જ સફળતા છે !
લોકો વિચારે છે કે, જ્યારે તમારે કશું કરવાનું નથી રહેતું. જ્યારે પ્રેમ નથી રહેતો, ત્યારે તમે સન્યાસી બની જાવ છો. સન્યાસીઓ હતાશાથી બધું ત્યાગી દે છે એવું માનવામાં આવ છે. હું તમને કહું : જ્યારે હું લોકોને આવું વિચારતા અને કહેતાં સાંભળું છું ત્યારે મને એ લોકો માટે ખુબ જ દુઃખ થાય છે. તેઓ ખરેખર કેટલા અજ્ઞાની છે. અને પોતાના અજ્ઞાનને લીધી કેવા ચુકાદા આપે છે. સન્યાસ અંતિમ લગ્ન છે ! સમગ્ર દિવ્યતા સાથે કરેલા લગ્ન!
સાચો સન્યાસી એટલો બધો પ્રેમાળ અને કરુણામય હોય છે કે, કહેવાય છે કે એ જ્યારે ચાલે છે, ત્યારે ઘાસ પણ મરતું નથી. આ કોઈ વાર્તા નથી. આ સત્ય છે. સાચો સન્યાસી સમગ્ર અસ્તિત્વ તરફ સતત પ્રેમ અને કરુણા વહાવતો રહે છે. સન્યાસી જાણે છે કે, પ્રાર્થના જ પ્રેમ છે અને પ્રેમ એજ પ્રાર્થના છે.
તમે જ્યારે સાચો પ્રેમ શોધો છો, ત્યારે તમારી પ્રાર્થના તેની અભિવ્યક્તિ બની જાય છે. મીરાંના ભજનો શું છે? એ મીરાંની બહાર આવેલી પ્રેમ વર્ષા છે. મીરાં ભારતની એન્લાઈટેન્ડ સ્ત્રી છે. તે સમગ્ર અસ્તિત્વ સાથે ઝણઝણી ઉઠી. અને તેનામાંથી પ્રેમના ફૂવારા છૂટવા માંડ્યા. માટે જ મીરાંના ભજનો આજે પણ આટલાં પ્રખ્યાત છે. તેની પાછળની શક્તિ ક્યારેય ઝાંખી નહીં પડે. કારણ કે એ સમગ્ર બ્રહ્માંડની શક્તિ છે. સામાન્ય પ્રેમનો અનુભવ આટલા બધાં વરસો સુધી આટલા બધાં લોકો કરી શકતા નથી. ફક્ત શુધ્ધ પવિત્ર પ્રેમ જ આવી શક્તિ પ્રસરવી શકે છે.
અને મીરાં માટે તેનાં ભજનો તેની પ્રાર્થના હતી. તમે જ્યારે સાચો પ્રેમ પ્રાપ્ત કરી લો છો, ત્યારે કોઈ બીજો રસ્તો હોતો જ નથી. પ્રાર્થના પ્રેમ બની જાય છે. અને સાચો પ્રેમ માંગવાનું જાણતો જ નથી. તે ફક્ત પૂર્ણ પણે વહેવાનું જ જાણે છે. તમે જ્યારે તમારી પ્રાર્થનામાં માંગવાનું બંધ કરી દો છો; તમે સાચો પ્રેમ શોધી લીધો છે.
સામાન્ય પ્રેમ જેને તમે જાણો છો તે માત્ર મોહ છે ; ફક્ત હોર્મોન્સનો ત્રાસ છે. તમારા હોર્મોન્સ મનમાંથી બહાર ધક્કો મારે છે બસ. તમારી મનોવૈજ્ઞાનિક છાપને સંતોષ આપનારું બહાર તમને કોઈક જોઈએ છે. એવું કોઈક જે તમને મનોવૈજ્ઞાનિક ટેકો આપી શકે. તમને આધાર માટે કોઈનો ખભો બે મિનિટ માટે જોઈએ છે.
તમારી જરૂરીયાતોનું ધ્યાન રાખે એવું તમને કોઈક જોઈએ છીએ. તમે પડી ગયા હો, ત્યારે તમને કોઈ બળ આપીને ઊભા કરે તેવું કોઈ જોઈએ છીએ. તમારી ચિંતાઓ ઓછી કરે અને તમારા તરફ સહાનુભૂતિથી વર્તે એવું તમને કોઈક જોઈએ છીએ. કોઈ તમારા માટે આવું કરે તેને તમે પ્રેમ કહો છો. સાચો પ્રેમ સ્વરૂપો અને નામોથી પર હોય છે. તે શરીર અને મનથી પર હોય છે. આ બધી બાબતોથી પર થઈને જે વ્યક્તિ આખા વિશ્વને ચાહી શકે, તે જ સન્યાસી બની શકે, વિવેકાનંદ બની શકે !
વિવેકાનંદના જીવનમાંથી એક વાર્તા :
એક રાતે વિવેકાનંદ વહેલી સવારે બે વાગ્યે જાગી ગયા અને તેમના શિષ્યોને પણ જગાડ્યા.
તેમના શિષ્યો વ્યગ્ર બની ગયા અને શું બન્યું છે તે જાણવા માટે બેચેન થઈ ગયા.
વિવિકાનંદે કહ્યું કે દુનિયાના કોઈભાગમાં ભયંકર કુદરતી હોનારત થઈ રહી છે. જેને કારણે મારા શરીરમાં સખત દુઃખાવો થઈ રહ્યો છે.
બીજા દિવસે સવારના અખબારોમાં સમાચાર આવ્યાં કે, રાતના બે વાગ્યે ક્યૂબામાં વિનાશકારી ધરતીકંપ થયો છે જેને લીધે અનેક લોકો મૃત્યુ પામ્યા છે.
એ એટલા બધા ઉર્મિલ હતા કે હજારો માઈલ દૂર દુનિયાના ખૂણામાં થયેલી કુદરતી હોનારતની તેમના પર અસર થઈ હતી ! તમે વિચારી શકો છો સામાન્ય માણસ આટલો સેન્સીટીવ, સંવેદનશીલ ઉર્મિલ હોઈ શકે! અરે આપણો પાડોશી બિમાર પડી ગયો હશે તો એની અસર પણ આપણા પર નહીં થાય !
એક વાર્તા :
એક માણસે તેના ફેમિલી ડોક્ટરને ફોન કર્યો અને કહ્યું; “તમે મારા ઘરે વિઝિટે આવો. મને લાગે છે કે તમારે મારી પત્નીનું ચેક-અપ કરવું પડશે.”
ડોક્ટરે પૂછ્યું; “શા માટે ? શું તેની તબિયત બરાબર નથી ?”
માણસે જવાબ આપ્યો; “મને એવું લાગે છે. ડોક્ટર ગઈકાલે સવારે તે તેના રોજિંદા સમયે ઊઠી ગઈ, સ્નાન કર્યું, રસોઈ બનાવી, બાળકોને તૈયાર કરીને સ્કૂલે મોકલ્યા, કામવાળી નહોતી આવી એટલે આખું ઘર સાફ કર્યું, અમારા બધાંના કપડાં ધોયાં, સ્કુલેથી બાળકોને લઈ આવી, તેમને હોમવર્ક કરાવ્યું અને સૂઈ ગઈ. તે ફરીયાદ કરતી હતી કે થાકી ગઈ છે. લાગે છે કે તેને ચેક-અપની જરૂર છે.”
આપણે એટલા બધાં લાગણીહીન બની ગયા છીએ કે જે વ્યક્તિ આપણી સાથે ચોવીસ કલાક અને ૩૬૫ દિવસ રહે છે તેની સાથે પણ આપણે એકરૂપ નથી. આપણે ઘણાં બધાં વધારે લાગણીશીલ અને જીવંત બનવાની જરૂર છે. જ્યારે તમે પોતે જ પ્રેમ બની જાવ છો, ત્યારે એ આપોઆપ બની જાય છે. તમને કોઈએ કશું કહેવાની જરૂર પડતી નથી, તમે સરળતાથી બધું અનુભવો છો અને તેમને મદદ કરો છો. તમારા માટે આ ખૂબ જ સ્વાભાવિક બાબત બની જાય છે.
અલબત્ત એવા લોકો હોય છે, જે બીજાનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે જ બધાં વલખાં મારતા હોય છે કે, માંદા પડવાનો દંભ પણ કરતાં હોય છે. એમના માટે કશું જ કરવાની જરૂર નથી. હું જે લાગણીની વાત કરૂં છું તેને માટે તમારે સમગ્ર અસ્તિત્વ સાથે એકરૂપ થવું પડે છે, જોડાવું પડે છે. અને તેમાં લાગણીશીલતા તમારો સામુહિક જાગૃતતા સાથેનો સદ્ગુણ બની ગયો હોવો જોઈએ.
વિવેકાનંદ સાથે જે બન્યું તે સહાનુભૂતિની પરાકાષ્ઠાની પરાનુભૂતિ હતી. ખ્યાલ રાખો. તે સહાનુભૂતિ જ નહોતી. તે પરાનુભૂતિ હતી. સહાનુભૂતિ ઘણો જ છીછરો શબ્દ છે. સહાનુભૂતિ તો આપણે બધાં જ દર્શાવી શકીએ છીએ. જ્યારે કોઈ આવીને તેનું દુઃખ તમારી સમક્ષ વ્યક્ત કરે છે, ત્યારે તમે તેના દુઃખમાં સંમત થાવ છો જ. આ સહાનુભૂતિ છે !જો તમને કોઈ કહે કે તેનો પતિ ઘણો બિમાર છે. તમે તેને કહેશો, “ઓહ ! કેટલી ખરાબ વાત છે. તમને ખૂબ જ દુઃખ થતું હશે. ચિંતા ન કરો, બધું જ બરાબર થઈ જશે.” સહાનુભૂતિના નામ પર, આપણે તેના દુઃખમાં સહમત થઈએ છીએ અને તે આપણને બદલમાં કહે છે કે આપણે તેમના પ્રત્યે ઘણી કાળજી અને પ્રેમ રાખીએ છીએ.
હકીકતમાં, આપણે જ્યારે તેમને કહીએ છીએ કે તમે ખૂબ જ દુઃખી છો, ત્યારે તેમને સારું લાગે છે. અને તેથી તે આપણને પ્રેમ કરે છે; આમાં તેમને તેમની અંદરનો અહમ્ ધક્કો મારે છે. તેમને સારું લાગે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે તેઓ કેટલી બધી ચિંતાઓ વચ્ચે કામ કરી રહ્યા છે. આને સમાજ સહાનુભૂતિ કહે છે.
મહાન ગુરુઓ જે અનુભવે છે તે ક્યારેય આવી સહાનુભૂતિ નથી હોતી. બીજાનું દુઃખ જ્યારે તમારી જાતમાં પીડા પેદા કરે છે ત્યારે સહાનુભૂતિની પરાકાષ્ઠા હોય છે. પરાનુભૂતિ હોય છે. આમાં વ્યક્તિએ તેનું દુઃખ કહેવાની જરૂર પડતી નથી. પરંતુ તમે સરળતાથી તમારી અંદરની મૂળભૂત શક્તિથી જાણીને તેના દુઃખનો અનુભવ કરો છો.
ગુરુઓ તમારી સાથે એકરૂપ હોય છે કારણ કે તેઓ પૂરા અસ્તિત્વ સાથે એકરૂપ હોય છે; ફક્ત તમને એ અલગ દેખાય છે. તેઓ તમારી સાથે એકરૂપ હોવાથી તમારું દુઃખ તેઓ પોતાના હૃદયમાં અનુભવે છે. તેઓ બીજો કોઈ રસ્તો જાણતા નથી. અને ગમે તેટલાં દુઃખો આવે તેને સ્વીકારવાની તેમનામાં ક્ષમતા પણ હોય છે.
સામાન્ય પ્રેમ બાળકને જન્મ આપે છે, જ્યારે સાચો પ્રેમ તમારી સાચી જાતને જન્મ આપે છે. તમે તમારી જાતને નવો જન્મ આપી શકો છો. પૂર્ણ પરિવર્તન લાવી શકો છો. સામાન્ય કીડો જે રીતે પતંગિયામાં પરિવર્તિત થાય છે. માણસ એવી જ રીતે સાચા આત્મા તરીકે પ્રગટ થાય છે. તમારી અંદર સુષુપ્ત પડેલી પ્રેમ રૂપી શક્તિ જાગૃત થઈ જાય છે.
વિવેકાનંદ જ્યારે કહે છે; “જાગો અને ઉભા થાવ !” એનો મતલબ શું એમ છે કે આપણે સૂઈ રહ્યા છીએ ? અલબત્ત આપણે ઊંઘી જ રહ્યા છીએ. અને જાણતા પણ નથી કે આપણે ઊંઘમાં છીએ. આવી જ ઊંઘમાં આપણે અભિપ્રાયો આપીએ છીએ. ચર્ચાઓ કરીએ છીએ. દોષારોપણ કરીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે આપણે જાગતાં છીએ, અને ચર્ચા-દોષારોપણ કરીએ છીએ. આપણે એવું વિચારીએ છીએ કે, પ્રેમ અને બીજી દરેક બાબતમાં બધું જ જાણીએ છીએ. આપણે વિચારીએ છીએ કે આપણે જાણીએ છીએ તેજ સાચો પ્રેમ છે.
એક નાની વાર્તા :
એક માણસને એક શ્રીમંત કાકી હતી જેની તે નિયમિત મુલાકાત લેતો હતો.
તેની નજર કાકીની મિલકત પર હતી. તેથી તે તેને દરેક વાતે ખુશ કરવાનો પ્રયત્ન કરતો હતો.
કાકી પાસે બે બિલાડીઓ હતી, જે તેને અતિશય પ્રિય હતી.
પેલો માણસ કાકીનું દિલ જીતવા માટે બિલાડીઓની પૂરી શ્રધ્ધાથી કાળજી લેતો હતો.
તેના મનમાં છૂપી ઇચ્છા હતી કે કાકી જ્યારે વિલ કરશે ત્યારે મિલ્કત તેના નામે કરી જશે.
તે દરરોજ આવતો, બિલાડીઓને દૂધ પાતો. તેની સાથે રમતો, તેની કાળજી લેવામાં ઘણો બધો સમય ત્યાં વિતાવતો અને પાછો ચાલ્યો જતો.
તે જે રીતે બિલાડીઓની કાળજી રાખતો હતો, તે જોઇને વૃધ્ધ કાકી ખુબ જ ખુશ હતી.
એકાએક તે ગુજરી ગઈ. પેલા માણસને બન્ને બિલાડીઓ વારસામાં આપતી ગઈ.
કાકીએ જોયું કે, આને બન્ને બિલાડીઓ ખૂબ જ વહાલી છે. એટલે એ તેને વારસામાં આપતી ગઈ !
તમે કલ્પના કરી શકો છો કે પેલા માણસની હાલત શું થઈ હશે ! તેણે પ્રેમ કરવામાં જે આટલા બધા મહિના વડૅફી નાખ્યાં, તે બદલ તેણે ભયંકર યાતનાનો અનુભવ કર્યો હશે ! તેણે પોતાને છેતરવામાં આવ્યો છે તેવું અનુભવ્યું હશે! તે ગુસ્સો અને અસ્વસ્થતાથી સળગી ગયો હશે !
સામાન્ય પ્રેમમાં તમને છેતરાયાની ભાવના થવાની બધી જ શક્યતાઓ છે. લોકો માલ મિલકત માટે, કોઇ તેમના માટે કંઈક કરે તેના માટે, તેઓ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે સલાહના શબ્દો માટે, લોકોના એવા ભૂલાઇ ગયેલા રસ્તાઓ માટે, જેનો પોતે ઉપયોગ કરી શકે, અને બીજા ઘણાં બધાં માટે પ્રેમ કરતાં હોય છે. પ્રેમ હંમેશા કારણો સાથે આવતો હોય છે. અપેક્ષાઓ સાથે આવતો હોય છે.
પરંતુ લોકો આ વાતને હકીકત તરીકે ક્યારેય નહીં સ્વીકારે. લોકો નહીં સ્વીકારે, કારણ કે તેઓ પોતે જ પોતાનાં સામાન્ય પ્રેમથી ભ્રમિત હોય છે. તેઓ વિચારે છે કે, પ્રેમ આવી રીતે જ થાય છે. અને તેઓ વિચારે છે કે, પોતે ખૂબ જ પ્રેમાળ છે. અને હું સરળતાથી તેમના કહેવાતા પ્રેમને નીચે લાવી દઉં છું.
તમે જો શાંતિથી બેસીને પ્રામાણિકતાથી વિચારશો, તો તમને સમજાશે કે હું જે કંઈ કહું છું તે સત્ય જ કહું છું. તમારી જાતની પ્રામાણિકતાથી ચકાસણી કરો. તમે જાણી જશો. બેસીને મનમાં કલ્પના ચિત્ર જુઓ કે તમારા પિતા, માતા અથવા બહેન તમારી સાથે ખરાબ રીતે વર્તે છે. બસ આટલું જ. પછી તમને સમજાશે કે હું શું કહું છું.
આપણને બધાંને બધો જ સમય, બીજા પાસેથી કંઈક જોઈએ છે, તેથી આપણે તેમની પાસેથી તે સરળતાથી કઈ રીતે મેળવી શકાય તેના રસ્તા શોધતાં હોઈએ છીએ. આ સરળ રસ્તાને આપણે પ્રેમ કહીએ છીએ. એવું ના વિચારતા કે આપણે ખાલી ભૌતિક સંપત્તિ માટે જ આવું કરીએ છીએ. તમે જ્યારે કોઈ ચોક્કસ પ્રકારના વર્તનની અપેક્ષા રાખો છો અને તમે તેમની સાથે તે પ્રમાણે વર્તન કરો છો. ત્યાં સુધી બન્ને એક બીજા સાથે આ રીતે વર્તવાનું ચાલુ રાખો છો. તમે એકબીજાને પ્રેમ કરો છો. બે માંથી એક જો ક્યાંક ચૂકી જાય છે, તમારો પ્રેમ એ વખતે તેટલા સમય પૂરતો ગાયબ થઈ જાય છે.
દાખલા તરીકે, તમે બધાં જ કહો છો કે તમે મને ખૂબ જ ચાહો છો. તમારા દરેકના મનમાં મારે તમારી સાથે કઈ
રીતે વર્તવું તેનો એક વિચાર હશે. હું સરળતાથી તમારા દરેકના વિચારની અપેક્ષા પ્રમાણે દરેક સાથે વર્તી રહ્યો છું. જે અત્યારે હકીકતમાં કરી રહ્યો છું. હવે શું બને છે? હું એક વખત તમારી સાથે હસું નહીં અથવા તમારા વિચારોની ફ્રેમમાં ન બેસે તેવું કંઈક કહી દઉં, તમે તરત જ વિચારવાનું શરૂ કરી દેશો કે, હું તમને ચાહતો નથી. થોડી ક્ષણો માટે મારા તરફ તમે પ્રેમનો અભાવ અનુભવશો.
તમે વિચારવાનું શરૂ કરશો, કદાચ હું એટલો પ્રેમાળ નથી. થોડી ક્ષણો માટે તમે જેને પ્રેમનો વ્યવહાર કહો છો તે ખોરવાય છે. મેં જે બાબતે તમને કંઈ કહ્યું હશે, તમારી તે બાબતમાં તમે વિચારવાનું શરૂ કરી દેશો. અથવા હું તમારી સામે હસ્યો કેમ નહીં તે વિચારશો.
હું કદાચ કોઈ બીજા સાથે વાત કરી રહ્યો હોઉં અથવા કદાચ એમ જ હું તમારી સામે હસ્યો ન હોઉં. તમારા અહમ્ને જરા સ્થિર-ઠરીઠામ કરવા ન હસ્યો હોઉં બસ. પરંતુ તમે આખી રમત ચૂકી જાવ છો. અને તમારી પ્રેમની ડીક્ષનેરી પ્રમાણે મારા વર્તનનો અર્થ બેસાડવા લાગી જાવ છો. શુ બનશે ? તમે ઊંડા દુઃખમાં સરી પડશો.
તમે આવી રીતે પ્રેમને ગૂંચવી નાંખો છો. મારો પ્રેમ જ્યારે તમારી તરફ આવે છે, ત્યારે તેમાં કોઈ ગૂંચવણો ઉમેરાતી નથી, કારણ કે પરમાત્માની કૃપાથી હું સામાન્ય પ્રેમથી પર છું. કલ્પના કરો કે તમે લોકો આપસમાં આવી રીતે વિચારતા હશો ત્યારે શું થતું હશે ? ત્યાં સંપૂર્ણ અંધાધૂંધી હશે ! ત્યાં તમે સરળતાથી નીચા પ્રેમમાંથી ઉંચા પ્રેમમાં અને ઉંચામાંથી નીચા પ્રેમમાં ફર્યા કરતા હશો. બસ.
તમે તમારી લાગણીઓ બાબતમાં એકબીજાના ખૂબ જ આધારીત બની ગયા છો. ખાસ કરીને પ્રેમમાં. તમારાં એકબીજા પર આધારીત બની જવાનાં કારણો છૂપાં અને નિર્ણાયક હોય છે તમે તેને જાણી શકો ત્યાં સુધીમાં તમારા પ્રેમને તે ખંડિત કરી નાંખે છે. જો તમે ફક્ત કોઈપણ કારણ વગર પ્રેમ કરી શકો, તે શુદ્ધ પ્રેમ હોય છે. બસ. આટલું જ. શુદ્ધ પ્રેમ બીજી કોઈ પણ બાબત પર આધારીત હોતો નથી. તે ફક્ત તમારી જાત પર જ આધારીત હોય છે. સ્પષ્ટતાથી સમજી લો.
લોકો મને કહે છે; “માસ્ટર, અમે અમારાં બાળકોને પ્રેમ કરીએ છીએ.”
આ પ્રેમ જ્યારે તેનાં તોફાની વર્તન સામે મૂકવામાં આવે છે, ત્યારે આપણે કેટલી બધી વખત તેમને ખખડાવીએ છીએ? કેટલી વખત શાપ આપીએ છીએ, અપશબ્દો બોલીએ છીએ? એક સ્ત્રી મને આશ્રમમાં કહેતી હતી; “મારી માતા મારાં બાળકો જો સારું વર્તન કરે તો તોજ તેને પ્રેમ કરે છે. મારી માતા તેની બહેનપણીઓને બતાવવા માટે તેનાં પૌત્ર પાત્રીઓને સાથે લઈ જાય છે. એ બાળકો ત્યાં જ્યારે ભાગદોડ મચાવે છે ત્યારે આવીને મને ઝાટકી નાંખે છે !”
તમે જ્યારે બાળકોને જુઓ છો ત્યારે તેની નિર્દોષતાથી તેના તરફ ખેંચાવ છો. તે એક બાબત છે. બીજી બાબત છે; તે તમારા ગર્વને, તમારો અહમ પોષવા માટે બળ આપે છે. તમે જુઓ છો તે તમારું સર્જન છે. અલબત્ત તમે તેની જરૂરીયાતો પૂરી કરીને તેમને ખુશ રાખો છો. પરંતુ હું એ કહેવા માંગુ છું કે આ પ્રેમ પણ અમુક મર્યાદાઓ અને અગત્યતાઓ સાથે જ આવે છે. તે બાળકો સાથે કરવાની રીત કરતાં તદ્દન વિપરીત છે.
એક નાની વાર્તા :
એક માણસ રોડ ઉપર કોન્ક્રીટનું સ્તર બનાવી રહ્યો હતો.
એણે હજુ સ્તર બનાવવાનું પુરુ કર્યું હતું, ત્યાંજ બાજુમાંથી આવેલું બાળકોનું એક ટોળું તેણે બનાવેલા રોડ ઉપર દોડ્યું. અને સ્તર પર પગલાં પડી ગયાં.
માણસ ખૂબ જ ગુસ્સે થઈ ગયો, અને બાળકોને ગાળો દેવા માંડ્યો.
તેના મિત્રે તેને પૂછ્યું; “એય શું બાબત છે ? તને તો બાળક ખૂબ જ ગમે છે.”
માણસે જવાબ આપ્યો; “હા મને ગમે છે, પરંતુ કોન્ક્રીટ ના રોડ ઉપર નહીં.”
સામાન્ય પ્રેમ હંમેશા કોઈક શરતો સાથે આવે છે. અમુક સ્થાપિત હિતો સાથે આવે છે. કાંઈક સુંદર છાપ સાથે આવે છે. હું આ કહેવા માંગુ છું. આપણે લોકોને નામ, જગ્યા, મૂડ અને પરિસ્થિતિ પ્રમાણે ચાહીએ છીએ. એ ખૂબજ હેતુલક્ષી હોય છે.
બીજી તરફ ગુરુઓનો પ્રેમ શુધ્ધ, સાચો હોય છે. તે કોઈપણ સવાલો પૂછ્યા વિનાજ વરસતો રહે છે. તે કોઈ નામ, જગ્યા, મૂડ અથવા પરિસ્થિતિને જાણતો નથી. ગુરુના મુખમાંથી બોલાયેલો દરેક શબ્દ તમારા તરફનો પ્રેમ હોય છે. તમારા પોતાના વિકાસ માટે., ગુરુની દરેક ક્રિયા પ્રેમથી ભરેલી હોય છે. ગુરુની એક જ સ્વાભાવિક લાગણી હોય છે. પ્રેમ. તેમનામાં બીજી જે લાગણીઓ હોય છે,તે તમે જે ભાષા જાણો છો, તે ભાષામાં તમને સમજાવવા માટેનો સદ્ભાવ હોય છે.
મારા શિષ્યોને હું હંમેશા કહું છું; “હું તમારી સાથે ચાલાકી વાપરું છું ત્યારે, કરૂણામય હોઉં છું અને જ્યારે તમને ધમકાવું છું, ત્યારે તમને શીખવતો હોઉં છું. ગમે તે રસ્તે પણ તમે વિકસો ! અમુક વખતે હું મારી કરુણા ખૂબ જ પ્રેમાળ રીતે વ્યક્ત કરું છું, જેથી હું તમને મારી પરિવર્તન કરાવતી આંગળીઓથી વધારે સારો ઘાટ આપી શકું તેવા બનો; જેથી તમે વધારે પૂર્ણ પરિવર્તિત થઈ શકો. અમુક વખતે હું તમારા પર કટાક્ષો ફેંકીને પ્રેમ વ્યક્ત કરું છું જેથી તમે આંચકા સાથે, ધક્કા સાથે ગહન જાગૃતતામાં પ્રવેશી શકો. બન્ને કિસ્સાઓમાં તમારા પ્રત્યેનો શુધ્ધ પ્રેમ જ કારણરૂપ હોય છે.
ગુરુ અસીમ પ્રેમનો મહાસાગર હોય છે. તે ફક્ત આપવાનું જ જાણે છે. તે પોતે જ સ્વયંભૂ અસ્તિત્વ હોય છે. તમે જો તેમની પાસે એક નાનું પ્યાલું લઈને જશો તો તે, પ્યાલું ભરીને તમને પાછું આપશે. તમે જો મોટું પીપડું લઈને જશો તે પીપડું ભરી આપશે. આ બધું જ તમે કેટલા તરસ્યા છો તેની પર આધાર રાખે છે; બસ. તમે જેટલા તરસ્યા હો અને જેટલું મોટું પાત્ર લઈને જાવ, તે ભરી દે છે.
તમે જ્યારે અલગ અલગ માપના પાત્રો લઈને તેની પાસે જતાં હો છો, ત્યારે એ તમારી અચોક્કસતા પર પોતાના મનમાં હસતા હોય છે. તમારા મનની રમત તરફ, તમારા તર્કો તરફ, તમારી સ્થિતિઓ ઉપર, જે તમે તેમની સામે રજુ કરો છો!
જુઓ સ્પષ્ટતાથી સમજી લો : હું તમને કોઈ ભગવાન અથવા કોઈ ગુરુને પ્રેમ કરવાનું કહેતો નથી. તમે ભગવાનને જાણતાં પણ નથી. પછી તમે તેને પ્રેમ કઈ રીતે કરી શકો ? તમે જેને જોયો જ ન હોય તેને પ્રેમ કરવો તમારે માટે ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ તમે જેને જુઓ છો, તે બધાને પ્રેમ કરી શકો છો. ખરું કે નહીં ? તમે પ્રાણીઓને પ્રેમ કરી શકો છો. વનસ્પતિને પ્રેમ કરી શકો છો. લોકોને અને બીજી બધી બાબતોને કરી શકો છો. કોઈપણ જાતના કારણ વગર માત્ર પ્રેમના આનંદ ખાતર પ્રેમ કરો.
માત્ર તેમની સાથે ગાઢ જોડાણનો અનુભવ કરો. અને તેમને પ્રેમ કરો. એક વખત તમે આવું કરવાનું શરૂ કરશો, એટલે તમારામાં અસ્તિત્વ પ્રત્યે શ્રધ્ધા વિકસશે. કારણ કે અસ્તિત્વ આ બધી જ વસ્તુઓમાંથી પસાર થતો સામાન્ય તાર છે. શ્રધ્ધા એવી બાબત છે જેને તમારા ઉપર લાદી શકાય નહીં. જો તમારા પર તેને લાદવામાં આવશે, તો તમે તેનો પ્રતિકાર કરશો. તમને તે ત્રાસદાયક લાગશે અને તમારામાં શ્રધ્ધાની વિરૂધ્ધ અણગમો પેદા કરશે. તમને એવું લાગે છે કે તમને કોઈ બહારની બાબત પ્રત્યે આધારીત બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ શ્રધ્ધા જ્યારે તમારો પોતાનો અનુભવ બની જાય છે ત્યારે એ સંપૂર્ણ અલગ વાત હોય છે.
જ્યારે આવી શ્રધ્ધા પેદા થાય છે, ત્યારે ધીમે ધીમે તમને અસ્તિત્વ પ્રત્યે, ભગવાન પ્રત્યે અથવા જીવનની શક્તિ પ્રત્યે કે બધી જ વસ્તુઓનો જે સામાન્ય તાર છે, તેના પ્રત્યે તમને પ્રેમ થવા લાગે છે. પછી જ સમગ્ર અસ્તિત્વ તરફ તમારો પ્રેમ વહેવા લાગે છે. અને તમારી અંદર સાચો ધર્મ મૂળીયાં નાંખે છે. એ છે સમગ્ર અસ્તિત્વ પ્રત્યે લાગણી ભરી આભારવશતા, અથવા કૃતજ્ઞતા અને પ્રેમનો ધર્મ.
કૃતજ્ઞતા અને પ્રેમ વચ્ચે ગાઢ સંબંધ છે. તમે જ્યારે તમારી જાતના તળીયેથી કૃતજ્ઞતાનો અનુભવ કરો છો, ત્યારે તમારી અંદર ફકત પ્રેમ જ હોય છે. બીજું કશું જ નહીં. આ છે સાચા પ્રેમનો અનુભવ કરવા માટેનું પહેલું પગથિયું.
કૃતજ્ઞતાનો અનુભવ કરવાનો હોય છે. તમારી સીસ્ટમમાં જ્યાં સુધી અસંતોષની ભાવના હશે, ત્યાં સુધી તમે પ્રેમ બની શકતાં નથી. કૃતજ્ઞતા અને પ્રેમ એકસાથે ચાલે છે. આપણે જ્યારે છેલ્લું ચક્ર, સહસ્ત્રાર ચક્ર વિશે વાત કરીશું, ત્યારે કૃતજ્ઞતા વિશે ઉંડાણપૂર્વક વાત કરીશું.
જ્યારે લોકોને હું આ બધું કહું છું, ત્યારે તેઓ મને કહે છે; “માસ્ટર હું આખી દુનિયાને ચાહું છું. એક નાની કીડીને પણ ઈજા પહોંચાડતો નથી ...”
આ બધું કહીને તમે તમારી જાતને છેતરવા શું કામ માંગો છો ? તમે તમારા પાડોશીને પૂરાહૃદયથી ચાહી શકો છો? હું કહું છું ; લોકો માટે આખી દુનિયાને પ્રેમ કરીએ છીએ તેમ બોલવું સહેલું છે. કારણ કે એમાં તમને કશું વાસ્તવિક રીતે સાબિત કરવાનું હોતું નથી !
તેઓ કહેતા ફરે છે કે, અમે દુનિયાને પ્રેમ કરીએ છીએ, અને ત્યાં ના ત્યાં જ રહે છે ! તે બતાવવા માટે તેમને કંઈ ખાસ કરવાનું હોતું નથી. વિશ્વ આખરે સાબિત ન કરી શકાય એટલું અસીમ છે; એ કશુંક નિરાળુ ભાવાત્મક છે; એ સ્પષ્ટ રીતે વ્યક્ત થતું નથી.
પરંતુ તમે જ્યારે કહો છો કે, તમે તમારા પડોશીને પ્રેમ કરો છો. સમસ્યા શરૂ થઈ જાય છે ! તમારે રોજ તેના ચહેરો જોવાનો હોય છે. તેને તમે પ્રેમ કરો છો એ માટે કંઈ સાબિત થઈ શકે તેવું કરવું પડે છે. પછી એજ સમસ્યા બની જાય છે!
અને તમે કીડીને ઈજા નથી પહોંચતા તે બદલ કેટલી મહાનતા અનુભવો છો ? કીડી તમને અથવા તમારી મિલકતને નુકસાન કરવા શક્તિશાળી છે ? તે તમારા પ્રેમની પરીક્ષા કરી શકે છે ? એ બિચારી આંખથી દેખતી પણ નથી. અને તમે મારી પાસે તેના વિશે વાત કરો છો. આ મજાક લાગે છે ! નથી લાગતી ? હું એક કીડીને પણ ઈજા નથી પહોંચાડતો એવો દાવો કરવો ! આ બધા સત્યમાંથી છટકી જવાના રસ્તા છે.
એક વાત સમજવાનો પ્રયત્ન કરો. તમારો પ્રકૃતિદત્ત સ્વભાવ પ્રેમ છે. પ્રેમ સનાતન છે. બીજી બધી જ લાગણીઓ તો આવે છે અને જાય છે. બસ આટલું જ. તમે એવું વિચારો છો કે બીજી બધી જ લાગણીઓ સાચી છે. અને તે જ પ્રેમનો નાશ કરે છે. પ્રેમનો ક્યારેય નાશ થતો નથી. જો પ્રેમનો નાશ થઈ શકતો હોત તો તે જમાનાઓ પહેલાં જ લુપ્ત થઈ ગયો હોત.
તમે જ્યારે ખરેખર પ્રેમમાં હો છો, ત્યારે વિરોધી લાગણીઓ તમારા મનમાં પ્રવેશી શકતી નથી. એ સરળતાથી બહાર વહી જાય છે. ઓરડામાં તેજસ્વી પ્રકાશ હોય તો તેની અંદર અંધારું લાવી શકાય ? ના. ફક્ત તમે જ્યારે પ્રકાશને ઝાંખો કરો છો, ત્યારે જ અંધારું પ્રવેશી શકે છે. આવી જ રીતે તમે જ્યારે પ્રેમથી છલોછલ હો છો, ત્યારે તેમાં બીજી લાગણીઓ પ્રવેશી શકે જ નહીં. અને આ ‘અનાહત ચક્ર’ તમને પ્રેમથી છલોછલ કરી શકે છે. કારણ કે છલકાતી, શક્તિની સ્ફૂરણા કરતી, પ્રેમ એક અદ્ભૂત શક્તિ છે.
તમને અનુભવ થયો હશે, તમે જ્યારે કંઈક અત્યંત લાગણીવશ બનીને કરતા હો છો, ત્યારે તમે તમારી જાતને ભૂલી જાવ છો. તમારા જીવનમાં તમે આવો અનુભવ ઘણી વખત કર્યો હશે. પછી તે ગમે તે કરતાં હો, પછી તે સાદું રંગકામ હોય અથવા ચિત્રકામ હોય અથવા વાંચન હોય ... અથવા કોઈપણ બાબત હોય. તમે જ્યારે તેમાં જ ઊંડા ઉતરી જાવ છો, ત્યારે તમે તમારી જાતને ભૂલી જાવ છો. જ્યારે તમને ખૂબ જ માથું દુઃખતું હોય; ત્યારે કંઈક તમને મનગમતું કાર્ય પૂરી લાગણીથી, ગહનતાથી કરવા લાગી જાવ, તમારો માથાનો દુઃખાવો ગાયબ થઈ જશે.
તમે જોશો કે તમે સતત જ્યારે માથાના દુઃખાવા તરફ જ ધ્યાન આપો છો, ત્યારે દુઃખાવો તમને સતત ચિંતા કરાવે છે. જે ક્ષણે તમે કોઈક બીજી બાબતમાં ગહનતાથી ખૂંપી જાવ છો, અને તમારા માથાના દુઃખાવા તરફની જાગૃતતા છોડી દો છો, તમારું માથું સરળતાથી દુઃખતું બંધ થઈ જાય છે. તમે જ્યારે ફક્ત તમારા માથાને યાદ કરો છો, ત્યારે જ તમને દુઃખાવો થાય છે. તમે જ્યારે કોઈ લાગણીમાં ઊંડા ખૂંપી જાવ છો, ત્યારે એજ લાગણી રહે છે અને તમારું અસ્તિત્વ ત્યાં જ અટકી જાય છે. આપણે જેને સંપૂર્ણતા કહીએ છીએ એ આ અર્થમાં.
તમારી જાતને ભૂલી જવાની, અદ્રશ્ય થઈ જવાનો, અનુભવ થોડી સેંકડો માટેનો હોઈ શકે છે. પરંતુ જો દરેક બાબત ગહન લાગણીશીલતા અને સમગ્ર બની જાય છે, તો આ અનુભવ તમે વારંવાર અને લાંબા સમય સુધી પણ કરી શકો છો! પછી તમે તમારી ઇચ્છાને તમારી મરજી પ્રમાણે ચાલુ બંધ કરી શકો છો. તમે બહાર જે કામ કરી રહ્યા હો છો તેનાથી તમે સ્વતંત્ર બની જાવ છો.
આવી જ રીતે તમે જ્યારે પ્રેમની ટોચ પર હો છો, ત્યારે તમને તમારી જાતનો અનુભવ થતો નથી. તમારાપણાંનો અનુભવ થતો નથી. ત્યારે તમારી આસપાસની દરેક બાબત અને દરેક વ્યક્તિ તરફ તમારામાંથી આપો આપ પ્રેમનો પ્રવાહ વહેવા માંડે છે. તમે તમારી આસપાસની ખૂબ જ મોટી જવાબદારી ઉઠાવી લો છો. આ જવાબદારી લોકોની સેવા કરવાના તમારા અહમ્ માંથી નથી આવતી, પરંતુ તમારા પ્રેમ, તમારી આંતરિક શક્તિમાંથી જે ધોધનો પ્રવાહ છૂટે છે તેમાંથી આવે છે.
પ્રેમ અને જવાબદારી હંમેશા સાથે ચાલે છે. તમે જ્યારે પૂર્ણપણે ચાહો છો, ત્યારે જે હોય તેની સંપૂર્ણ જવાબદારી લઈ લો છો. લોકો એવું વિચારે છે કે સન્યાસીઓ જવાબદારીથી ભાગી છૂટેલાં હોય છે. મને કહેવા દો; તમે જ્યારે તમારા પોતાના કુટુંબની જવાબદારીમાંથી અવકાશ મેળવો છો, ત્યારે જ તમે વધારે મોટા કુટુંબની જવાબદારી ઉઠાવી શકો છો. પૂરી માનવજાતની, જે તમારા પોતાના કુટુંબ કરતાં લાખો ગણું મોટું કુટુંબ છે; તેની જવાબદારી ઉઠાવી શકો છો. લોકો આ વાત સમજતાં નથી અને દોષારોપણ કર્યા કરે છે.
તમે જેટલી વધારે જવાબદારી ઉઠાવો છો, એટલાં તમે વધારે વિસ્તરો છો. જવાબદારી કંઈક એવી બાબત છે કે જેને ખભા ઉછાળીને સરળતાથી ખંખેરી શકાય છે. પરંતુ જો તમે તેને ખંખેરી ન નાંખો અને તમારા ખભા પર જ ઉઠાવી રાખો તો, તમે વિસ્તરો છો અને તમારી અંદરથી આપોઆપ દિવ્ય શક્તિનો પ્રવાહ વહેવા લાગે છે. અને તમે જ્યારે આ શક્તિના પ્રવાહને છલકાઈને બહાર આવતો અનુભવો છો, ત્યારે તમે વધારે અને વધારે જવાબદારીઓ ઉઠાવી શકો છો. હું મારા હીલર્સને તેમની મીટીંગમાં આજ કહું છું, કે તેમની આસપાસના સહન કરતાં અને દુઃખી લોકોની જેટલી વધારે લઈ શકાય તેટલી વધારે જવાબદારી લઈને તેમને સાજા કરવાનો પ્રયત્ન કરો.
તમે જ્યારે એવું અનુભવશો કે તમારી આસપાસના દુઃખો માટે તમે જવાબદાર છો, ત્યારે તમે આપોઆપ એક યા બીજા રસ્તે તેને ઓછું કરવાનો પ્રયત્ન કરશો. મોટેભાગે લોકો એવું જ વિચારતા હોય છે કે તેઓ પોતાના કુટુંબ માટે કરે છે તેટલું પુરતું છે. આ સંકોચાવાનો રસ્તો છે. વિસ્તરણનો નહીં. તમારે વિકસવા માટે વિસ્તરવું પડે છે.
તમે જ્યારે જવાબદારી સાથે ઊભા થાવ છો ,ત્યારે તમારી અંદરથી શક્તિ પ્રસારીત કરી શકો છો. તમે જ્યારે જવાબદારી ઉઠાવો છો, ત્યારે તમારા દ્વારા આપોઆપ અસ્તિત્વનો ધોધ વહે છે. લોકો કહેશે; “માસ્ટર હું મારા કુટુંબને યોગ્ય રીતે નિભાવી શકું તોય ઘણું છે.” હું કહું છું : આ તમારી જાતની આસપાસ એક મર્યાદાની દિવાલ બાંધવાનું બહાનું છે; તમારી જાતને સંકોચવાનો રસ્તો છે.” તમે બૌધ્ધ ધર્મની પ્રખ્યાત લીટીઓ સાંભળી હશે.
બુધ્ધમ્ શરણમ્ ગચ્છામિ
ધમ્મમ્ શરણમ્ ગચ્છામિ
સંઘમ્ શરણમ્ ગચ્છામિ
તેનો અર્થ છે :
હું બુધ્ધને શરણે જાવ છું :
હું ધર્મના શરણે જાવ છું; બુધ્ધના ઉપદેશના શરણે જાવ છું :
હું બુધ્ધે પેદા કરેલી સંસ્થાના શરણે જાવ છું.
બુધ્ધના અથવા કોઈ ગુરુના શરણમાં જવું ખૂબ જ સહેલું છે. તમારે તેના માટે કંઈ વધારે પડતું કરવું પડતું નથી. ગુરુઓ તેમની દિવ્યતાના, સદ્ભાવના ગુણ માટે ખૂબ જ પ્રલોભક હોય છે. તેથી તેઓ તમને શરણમાં લેવા માટે તમારી પાસેથી કશું વધારે લેતાં નથી. લોકો મને જોતાંની સાથે જ કહે છે ; તે લોકોને મારામાં ચોક્કસ શ્રધ્ધા અને માન્યતા હોય છે - અમને શરણમાં લઈ લો. હું તેમને કહું છું આ કોઈ મોટી વાત નથી ! મારી અંદરથી બહાર વિસ્તરવાની અસ્તિત્વની શક્તિ તમને મારા તરફ ખેંચી લાવે છે. બસ આટલું જ !
પછીનું વિધાન છે : બુધ્ધના ઉપદેશના શરણે જાવ છું. આ પહેલાં કરતાં થોડું મુશ્કેલ છે. કારણ કે જે ક્ષણે તમે આ કહો છો, તમારે તેનો અમલ કરવાનું શરૂ કરવું પડે છે ! દાખલા તરીકે હું તમને કહું દિવ્ય આનંદ મય બનો. આ મારો ઉપદેશ છે. પછી તમે શું કહેશો ?” ના ના માસ્ટર આ વ્યવહારૂ નથી ...” સાફ સમજી લો. હું ફક્ત વ્યવહારૂ જીંદગી વિશે કશું જાણતો નથી. ના તમે ખોટા છો. હું એન્લાઈટેન્ડ છું અને કહેવાતી વ્યવહારૂ બાબતો જ કહું છું. તમે વિચારવાનું શરૂ કરી દો છો.
હું ફક્ત એવી જ બાબતો માટે કહું છું ; જે તમારી રોજિંદી જિંદગીમાં બની શકે છે. હું જ્યારે કહું છું કે દિવ્ય આનંદ મય બનો, ત્યારે હું તમારી સાથે મારો અનુભવ વહેંચી રહ્યો છું. હું ફક્ત ઉપદેશના શબ્દો જ નથી કહેતો. પહેલાં આ વાત સમજી લો. જ્યારે હું દિવ્ય આનંદમય બનવાનું કહું છું, ત્યારે હું જે અનુભવી રહ્યો છું તે તરફ તમને લઈ જઈ રહ્યો છું. અને એ સંપૂર્ણ પણે વ્યવહારૂ છે. કારણ કે હું તમારી સામે જીવતો જ હાજર છું.
આગળ વધીએ, ત્રીજી લીટી કહે છે હું બુધ્ધે પેદા કરેલી સંસ્થાના શરણમાં જાવ છું. અહીં જ મુખ્ય મુશ્કેલી ઊભી થાય છે. આ માટે વ્યક્તિએ પોતાના માથે જબરદસ્ત જવાબદારી ઉપાડવાની જરૂર પડે છે.
સમજી ગયા : ગુરુઓ પોતાના શરીર કરતાં પોતે જાતે સ્વીકારેલા જીવન ધ્યેયમાં વધારે જીવતાં હોય છે. તેમના શરીરમાં ફક્ત ૩૦% શક્તિ હોય છે. બાકીની ૭૦% શક્તિ તેમના ધ્યેય અને ઉપદેશમાં હોય છે. આ જવાબદારી સાથે તેઓ જીવતા હોય છે.
હું લોકોને હંમેશા કહું છું : હું મારી શક્તિ હું જે ખોરાક લઉં છું તેમાંથી નથી મેળવતો, હું મારી શક્તિ મારા જીવન ધ્યેયમાંથી, મારી ચળવળમાંથી મેળવું છું.
ગુરુઓ ક્યારેય પોતાની અતૃપ્ત વાસનાઓ પૂરી કરવાં માટે અથવા તેમનાં કર્મોને લીધે જન્મ નથી લેતાં. કારણ કે તેમને કોઈ કર્મ બંધનો હોતાં જ નથી. તેઓ નિર્ભેળ કરુણા, શુધ્ધ પ્રેમથી લોકોમાં દિવ્યતાની જ્યોત પ્રગટાવવા માટે જન્મ લે છે. ગુરુઓની લાંબી આવરદા તેમનાં મિશનની તીવ્રતા અને ઝડપ માટે દૃઢનિશ્ચયી હોય છે. અને તેમનો જન્મ લેવાનો આજ મુખ્ય હેતુ હોય છે.
ગુરુઓ તેમના શરીર કરતાં તેમના શબ્દો અને તેમની ચળવળમાં વધારે જીવતાં હોય છે. આટલા માટે હું હંમેશા કહું છું; મારા સ્વરૂપને છોડી દો અને મારી અંદરની શક્તિ સાથે લાગણીશીલ બનો.
પરંતુ તમે શું કરો છો ? તમે હંમેશા મારી કોણી પકડી રાખવાની કોશિશ કરો છો ! મારું કાર્ય હકીકતમાં જે તમારું જ કાર્ય છે, તે કરવાને બદલે મારો છેડો પકડીને મારા શરીર સાથે રહેવા માટે પાછળ પાછળ ફર્યા કરો છો. હું જે કહેવા માંગુ છું તે તમે ક્યારેય સમજતા નથી.
આ સમજી લો કે તમે જ્યારે દિવ્ય હેતુ માટે કામ કરો છો ત્યારે તમે બે બાબતો કરતાં હો છો. પહેલી છે : તમારા પોતાનાં આધ્યાત્મિક ઉત્કર્ષ માટે મેડિટેશન અને બીજી જવાબદારી સાથે સમાજ સેવા. બીજી તો ફક્ત આપોઆપ થતી પેદાશ છે. તમે જ્યારે કામ કરતાં હો છો, ત્યારે તમારામાં જે પરિવર્તન આવે છે, તેથી હકીકતમાં મારું જે કામ છે, તમે તે જ કરો છો.
મારું કામ તમને સતત પરિવર્તન કરવાનું છે અને તે વિવિધ રસ્તે બનતું રહે છે. તેમાંનો એક રસ્તો એ છે કે તમે મારા મિશનનું કામ કરો. હું જે કહેવા માંગુ છું, તે તમને સમજાય છે ?
માટે આનંદથી જવાબદારી ઉઠાવી લો ! તમે જ્યારે ઉપલક દૃષ્ટિએ ઊંચી જવાબદારીઓનો સામનો કરો છો, ત્યારે પણ તમે સંમતિસૂચક તમારું માથું નમાવો છો. કોઈપણ પ્રકારના પ્રતિકાર વગર માથું નમાવવું પણ પુરતું છે. બાકીની સંભાળ અસ્તિત્વ પોતે જ લે છે.
તમે પ્રખ્યાત ભારતીય મીઠાઈ મૈસુર પાકનું નામ સાંભળ્યું છે ? તે દેખાવમાં ભારે લાગે છે પણ મોંમા મૂકતાંની સાથે જ ઓગળી જાય છે. અને નવી શક્તિનો સ્ત્રોત ખુલી જાય છે. આવી જ રીતે તમે જ્યારે કોઈ જવાબદારી સ્વીકારવા સંમત થાવ છો કે, તરત જ તેને પાર પાડવા માટેની શક્તિ તમારામાંથી પેદા થાય છે. જવાબદારી ઉપાડવાની દરેક ક્રિયા તેને માટે જરૂરી શક્તિ તમારામાંથી બહાર લાવે છે. આજ તમારા અસ્તિત્વની પ્રેમશક્તિ છે. જેને તમારે તમારી અંદર શોધવાની છે.
જવાબદારી ઉઠાવવા માટે તમારે સમગ્ર અસ્તિત્વને ભેદભાવ વગર પ્રેમ કરવાની જરૂર હોય છે. જ્યારે તમે ભેદભાવ વગર પ્રેમ કરો છો, ત્યારે તમે ભેદભાવ વગર જ જવાબદારી ઉઠાવી શકો છો. જવાબદારી ખેલદિલીપૂર્વક પ્રતિભાવ આપવા સિવાય બીજું કશું નથી. જ્યારે તમે, વિચાર્યા વગર, યોજના વગર, તમારી અંદરની ખેલદિલીથી, કોઈપણ બાબતને પ્રતિભાવ આપી શકો છો; ત્યારે તમે પહોંચી ગયા છો ! સફળ થઈ ગયા છો !
યસ ... હજુ કોઈ પ્રશ્ન છે ?
“માસ્ટર હું પ્રેમાળ બનવા માગું છું, પરંતુ હું જતું કરી શકતો નથી ....”
સંપૂર્ણ પ્રેમાળ બનવું એ અહમ્ માટે બહુ મોટો પડકાર છે. સંપૂર્ણ પ્રેમાળ બનવું, એટલે સમગ્ર બ્રહ્માંડ સાથે એકરૂપ બની જવું. અહમ્ માટે આ મહાન મુશ્કેલી છે. તમે અત્યારે ટૂકડાઓમાં વહેંચાયેલા છો. તમે અખંડ નથી. તમે જ્યારે વિભાજીત હો છો ત્યારે તમે વિવિધ ટૂકડા સાથે રમો છો. અને છટકી જાવ છો. બસ. આટલું જ. પ્રેમાળ બનવાનો અર્થ છે, એકસૂત્રી બનવું. અખંડ બનવું. તમે જ્યારે એકસૂત્રી બનો છો, અખંડ બનો છો, ત્યારે તમે પૂર્ણતાથી વિકસો છો.
પરંતુ અખંડ બનવા માટે તમારે મરીને નવો જન્મ લેવો પડે છે. તમે વિશાળ સ્વસંત્રતાનો અનુભવ કરશો, તમારી જાતને અંદરથી મુક્ત થયેલી અનુભવશો. તમારે જતું કરવાની હિંમત કેળવીને પ્રેમાળ બનવાની જરૂર છે. પ્રથમ પગલાં માટે તમે ગહનતાથી અંદરથી જાગૃત થઈ જાવ : પછી તે આપોઆપ બનશે. જાગૃતતા તાળું ખોલવાની ચાવી છે.
સમજી ગયા. તમે જ્યારે નામ અને સ્વરૂપથી પર થઈને પ્રેમાળ બનો છો, ત્યારે કશું જ ગુમાવતાં નથી સિવાય કે; તમે જે નથી. તમારો જે ભ્રમ છે તેને જ ગુમાવો છો. અને તમે જે મેળવો છે. તે તમારી વાસ્તવિકતા છે. માટે જ્યારે તમારી જાતને સમગ્રમાં ઓગાળો ત્યારે ડરો નહીં અને પૂરી શ્રધ્ધા રાખો.
સંપૂર્ણ અસ્તિત્વ અને તમારી વચ્ચેની એકરૂપતાને ક્યારેય અવગણો નહીં. બસ, જતું કરો અને તમારી અંદર થતાં પરિવર્તનનું નિરીક્ષણ કરો. પછી તમને ખ્યાલ આવશે કે તમે કેવી મૂર્ખતાથી તમારા અહમને પકડીને બેઠાં હતાં; પછી તમને ખ્યાલ આવશે કે તમે અહમના મહોરાં પાછળ હતાં ત્યારે તમે કેટલું બધું ગુમાવી દીધું છે.
અને સમજી લો. સાચો પ્રેમ ક્યારેય ગણતરીઓ કરતો નથી. મગજ ગણતરીઓ કરે છે. હૃદય ગણતરીઓ કરતું નથી. આ જ સમય છે, તમારે મગજમાંથી હૃદય તરફ જતાં રહેવાનો. તમે તમારા મનને પુરતું સાંભળી લીધું છે. અત્યારે જ નક્કી કરો, અને હવેથી હૃદયને સાંભળો. પછી તમે દિલગીર નહીં હો. તમે જ્યારે તમારા હૃદય સાથે જીવતા હશો, ત્યારે તમને કોઈ બાબત દિલગીર બનાવી નહીં શકે. કારણ કે તમે એટલી પૂર્ણતા સાથે જીવો છો એટલી સમગ્રતાથી જીવો, છો કે અધૂરપનો અહેસાસ થતો જ નથી. અને દિલગીરીને અવકાશ હોતો નથી.
તમે તમારા મનને સાથે રાખીને પ્રેમનો અનુભવ ક્યારેય કરી શકો નહીં. તમે ફક્ત હૃદયથી જ તેનો અનુભવ કરી શકો. પ્રેમનો અનુભવ તમારી જાતના મૂળભૂત કેન્દ્રમાં થવો જોઈએ. તમારી જાતનું કેન્દ્ર પૂર્ણપણે શાંત હોય છે; તે કોઈ શબ્દો કે વિચારોને જાણતું નથી. કોઈ વિચાર તેને ભેદીને તેમાંથી સોંસરવો નીકળી શકતો નથી. તે પ્રેમની ભાષા સિવાય બીજી કોઈ ભાષા સમજતું નથી.
એટલા માટે જ દરેક ગુરુઓ વારંવાર તમને કહે છે કે, તમારી જાતને શોધવા માટે તમારી અંદર જ ઊંડા ઉતરો. આ કેન્દ્ર જ તમારો સાચો સ્વભાવ છે. આ જ ખરા ‘તમે’ છો. પરંતુ તમે તમારી જાતને વિવિધ જગ્યાઓ અને સંબંધોમાં શોધો છો અને દરેક વખતે સતત ચૂકતા રહો છો. આ સમયે તમે અંદર જોયું છે, આ સમયે તમે બહાર જોવાનું બંધ કર્યું છે. અત્યાર સુધી તમે તમારી જાતને ખોટે માર્ગે દોરી છે. તે ઘણું છે. હવે આ સમયે જ સાચા રસ્તે આગળ વધો.
આપણે સતત પ્રેમ વિશે જ વાતો કરીએ છીએ, કારણ કે આપણે તેને ચૂકી ગયા છીએ; કારણ કે આપણને તેના સ્વાદની ખબર જ નથી. આ આવું છે : જ્યારે માણસ તરસ્યો હોય છે, ત્યારે બધો જ સમય પાણી વિશે જ વાતો કરે છે. તેનાં જ સ્વપ્ના જુએ છે. જે ક્ષણે તેની તરસ છીપી જશે, તે તેના વિશે વાત કરવાનું બંધ કરી દેશે. આપણે જતું કરીને સાચા પ્રેમનો અનુભવ લેવાની જરૂર છે. એ પ્રેમ, જે આપણને સમગ્ર સાથે એકરૂપ બનાવે છે. અને પછી આપણે તેના વિશે વાતો કરવાનું બંધ કરી દઈશું.
અસ્તિત્વ હાથ ફેલાવીને, તમારી આસપાસ ફરીવળીને, તમને તેની અંદર ઓગાળી દેવા માટે તમારી રાહ જોઈ રહ્યું છે. પરંતુ જો તમે જતું કરવા તૈયાર હો તો. ખુલ્લા હૃદયે જતું કરવાની હિંમત કરો. તમે અસ્તિત્વને મળીને તેમાં એકરૂપ બની જશો.
તમે જ્યારે અસ્તિત્વને પ્રેમપૂર્વક ભેટવા માટે તૈયાર હો છો, ત્યારે તમે ઉંચા વિમાનમાં વિહાર કરતાં હો છો; પૂર્ણ જાગૃતતાના વિમાનમાં. તમે એવા અવકાશમાં પ્રવેશો છો, કે જેને તમે કદી જાણ્યું પણ નથી. અસ્તિત્વ સાથે તમે હંમેશા વિકસતા રહો છો.
પ્રેમ હકીકતમાં પૂર્ણ શરણાગતિ છે. પરંતુ આપણામાંના મોટાભાગના માટે તે લડાઈ બની જાય છે. આપણે આપણી જાત સાથે લડીએ છીએ અને અસ્તિત્વ સાથે પણ લડીએ છીએ. હું જ્યારે શરણે થવાનું કહું છું, ત્યારે મારો હેતુ પરાણે માની લઈને શરણે થવાનો નથી. પરંતુ ગહન સમજણ સાથે શરણે થવાનો છે. તમે જ્યારે માની લઈને શરણે થાવ છો. ત્યારે તમે સમાધાન કરો છો. પ્રેમ ક્યારેય સમાધાન બની શકે નહીં. આ વાત સમજી લો, જે ક્ષણે તમે સમાધાન કરો છો, તમે પ્રેમ કરતાં નથી. તમે જ્યારે પૂરી સમજણપૂર્વક ઓગળી જાવ છો. ત્યારે તમે જ પ્રેમ બની જાવ છો.
તમે જ્યારે ગુરુ સાથે હો છો, ત્યારે પ્રેમ શોધવાની જીવનભરની તક હોય છે; તમારી પાસે મરીને પણ સાચા પ્રેમ સાથે પુનર્જીવિત થવાની તક હોય છે. ગુરુની હાજરીથી તમારી અંદર જે પ્રક્રિયા બને છે, તેનાથી તમે મરીને સાચા પ્રેમ સાથે નવો જન્મ લઈ શકો છો. આ માટે તમારે મરીને તેમનામાં ઓગળી જવાની જરૂર હોય છે. તમે જ્યારે આ માટે તૈયાર હો છો; તમારામાં આ કરવાની હિંમત હોય છે; તમે સંપૂર્ણ જાગૃતતામાં છલાંગ લગાવવા તૈયાર હો છો; ત્યારે ગુરુની હાજરીમાં પૂર્ણ પ્રેમ સાથે તમારો નવો જન્મ થાય છે.
પ્રેમ કોઈ પદાર્થ નથી; તે આત્મલક્ષી અનુભવ છે. જે તમે છો. તમે પ્રેમ બની જાવ છો. બસ, પછી તમે કોઈ પણ કારણ વગર પ્રેમ કરવાનું શરૂ કરો છો. તમે વૃક્ષોને, ફૂલોને, પૃથ્વીને, સમગ્ર અસ્તિત્વને પ્રેમ કરો છો. તમારામાંથી બસ, પ્રેમ પ્રસારીત થયા કરે છે. પછી તમે સમગ્ર બ્રહ્માંડ સાથે એકરૂપ બની જાવ છો. બધી જ સીમાઓ અદ્રશ્ય થઈ જાય છે. અને તમે અસ્તિત્વમાં ભળી જાવ છો.
તમે સમજો. તમે જ્યારે પ્રેમમાં વિકસો છો, ત્યારે તમે દરેક બાબત અને દરેક દરેક વ્યક્તિને સામેલ કરવાનું શીખી જાવ છો. તમે જ્યારે ગુરુને જુઓછો, ત્યારે સમજી શકો છો કે તેઓ કેટલા ઘેરાયેલા હોય છે. તે કોઈ વ્યક્તિને બાકાત રાખતા જ નથી. તે કોઈમાં અપૂર્ણતા જોતાં જ નથી. તેઓ શુધ્ધ પ્રેમ હોય છે. બસ. અને શુધ્ધ પ્રેમ અપૂર્ણતાઓ જોતો નથી.
અસ્તિત્વ શુધ્ધ પ્રેમ છે. અને સમાજ હંમેશા શુધ્ધ પ્રેમની વિરુધ્ધમાં હોય છે. ખૂબ ઊંડાણમાં હકીકતમાં સમાજ, અસ્તિત્વ અથવા ભગવાનની વિરુધ્ધમાં હોય છે. તેની બધી જ ભક્તિ માત્ર પાખંડ હોય છે. તે ભક્તિને નામે પોતાને છૂપાવે છે. કોઈપણ બાબતને ઊંડાણ પૂર્વક ન અનુસરવા માટેનો સારામાં સારો રસ્તો તેની ભક્તિ શરૂ કરી દેવાનો છે ! સમાજ ભક્તિના નામે છટકીને ભાગી જાય છે. તમે જ્યારે ભક્તિ કરો છો ત્યારે તમારે બીજુ કશું કરવાની જરૂર રહેતી નથી ! લોકો તમને કોઈ તકલીફ નહીં પહોંચાડે, કારણ કે તમે ભક્તિ કરો છો ! પરંતુ તે વખતે તમારી અંદરની જગ્યામાં શું બનતું હોય છે ? કોઈ વિકાસ થતો નથી અને એ જેમ હતું તેમજ રહે છે.
જો તમે જતું કરશો અને દરેક વનસ્પતિ અને પ્રાણીઓને અસીમ પ્રેમ કરશો, તો સમાજ તમને સ્વીકારશે નહીં. તે કહેશે તમે પાગલ થઈ ગયા છો. સમાજ ફકત સામાજીક પ્રેમ, આપવા અને લેવાથી નિયંત્રિત થતો પ્રેમ, કારણોથી થતો પ્રેમ જ સ્વીકારશે.
પરંતુ હું તમને કહું છું : છોડી ન દો. તમારા પૂરા હૃદયથી પ્રેમ કરવાનું ચાલુ રાખો. બધામાં અસ્તિત્વને જુઓ. વનસ્પતિને કોમળતાથી તમારામાં અનુભવો. પ્રાણીઓને તમારાં પોતાનાંજ છે તે રીતે જુઓ. દરેક માનવીને ભગવાનના અંશરૂપે જુઓ. આ જ સાચી ભક્તિ છે. મંદિરમાં ભગવાની ભક્તિ કરવી તો ખૂબજ સહેલી છે. દરેક બાબતને ભગવાન સ્વરૂપે જોવી તે જ સાચી ભક્તિ છે ! તમારા પાડોશીને પણ ભગવાનરૂપે જોવો તે સાચી ભક્તિ છે.
લોકો ક્યારેય કોઈ બાબતના મૂળ સુધી જતાં જ નથી, આજ સમસ્યા છે. ભગવાનનું મૂળ પ્રેમ છે. ભગવાનનું મૂળ તેને દરેક બાબતમાં રહેલો જોવો તે છે. લોકો મૂળ સુધી જતાં ડરે છે. અને તેથી તેઓ ઉપર છલ્લી બાબતોમાં પડી રહીને પોતાની જાતને છેતરે છે. તેમની જીંદગીનાં ચોક્કસ બિંદુઓની બહાર જઈને વિસ્તરવાની તેમનામાં હિંમત નથી હોતી. આને લીધે જ તેઓ તેમને પોતાને પણ વિસ્તરવા નથી દેતાં. તેઓ તમને કહે છે કે; અમે શોધ્યું છે તેજ સત્ય છે. તેઓ તમને કહે છે; અમે જેટલું કહીએ છીએ તેને અનુસરો એટલું પૂરતું છે.
પ્રેમમાં અને દરેક બાબતમાં ઊંડાણમાં ઉતરવા માટે હિંમત જોઈએ. તમે જે કાંઈ જુઓ છો તે બધાની વચ્ચે તમને અસ્તિત્વનો એક જ સામાન્ય તાર દેખાશે. તમે આપોઆપ બધાંને કોઈપણ મુશ્કેલી વગર ચાહવા લાગશો. કારણ કે તમને દરેક બાબત અને દરેક વ્યક્તિમાં ફક્ત એક જ અસ્તિત્વ સંકળાયેલું દેખાય છે.
અલબત્ત તમારે તમારી અંદર આ પરિવર્તન થવા દેવું જોઈએ, ફકત પછી જ આવું બનશે. જો કોઈપણ ફરક પડે છે, તો તે તમારી જાગૃતતામાં પડે છે. પ્રેમ એક જ એવી બાબત છે કે જેમાં તમને, તમે અસ્તિત્વના જ એક ભાગ લાગો છો. તેવો અનુભવ કરાવે છે.
તમે વરસોના વરસો સુધી ભગવાન અને અસ્તિત્વની વાતો કરી શકો છો, પરંતુ તેનો હજુ પણ અનુભવ કરી શકતાં નથી. અલબત્ત તમારો અહમ્ સુંદર અને મજબૂત બનશે. કારણકે તમને લાગશે કે તમે ભગવાન વિશે ઘણું બધું જાણો છો. પરંતુ તમે અંદર જોશો, ત્યાં કોઈ ઠોસ અનુભવ નહીં હોય. અને તમને ઠોસ અનુભવ ના હોવાથી તમે શબ્દોમાં જકડાઈ જાવ છો. કારણ કે જો તમે વાત કરવાનું બંધ કરી દો, તો તમારી પાસે કશું જ બચતું નથી. તમને મજા આવતી નથી.
અસ્તિત્વ તરફ પ્રેમનો અનુભવ કરવા માંડો અને તમને તમારી દરેક નાની બાબતોમાં ભગવાનનો અનુભવ થવા માંડશે. કારણ કે અહીં તમે બધા હાજર છો. હું તમારા માટે જ કહું છું. જો તમે અહીં નહોત તો હું આ વડલાના ઝાડ સાથે વાત કરત. અને બીજા બધા છોડવાઓ સાથે વાતો કરવાનું ચાલુ રાખત ! અહીંનું દરેક પાંદડું મારી સાથે વાત કરે છે અને આ જ સાચા પ્રેમની ભાષા છે !
લોકો તમને કહે છે કે તમે પ્રાણીઓની સુધરેલી આવૃત્તિ છો. સ્પષ્ટતાથી સમજી લો. પ્રાણીઓ પણ પ્રાણીઓ નથી. આ પૃથ્વી પરનો અણુએ અણુ દિવ્યતાનો અંશ છે, અસ્તિત્વનો ભાગ છે. જો તમે આ સ્પષ્ટતાથી સમજી લો તો તમને તમારી આસપાસની બધી જ વસ્તુઓ પ્રત્યે લાગણી થવા માંડશે.
tમારા શરીરને પ્રેમની જરૂરીયાત નથી. પણ તમારી જાતને પ્રેમની જરૂરીયાત છે. પ્રેમ એક એવું સાહસ છે, જેમાં તમે તમારું વિસર્જન કરવા જઈ રહ્યા છો. ‘તમે’ જ્યારે નથી હોતા ત્યારે પ્રેમ હોય છે. આપણામાં ‘હું નથી’ થવાની હિંમત નથી હોતી, તેથી આપણે ‘હું’ ને પકડી રાખીએ છીએ. જે આપણને બિન - શરતી પ્રેમ કરતાં રોકી રાખે છે.
જે લોકો વિસર્જીત થવાનું સાહસ કરે છે, સમગ્રનો અનુભવ કરવાનું સાહસ કરે છે, તેઓ ખૂબ જ બહાદૂર છે. તમે જે સામાન્ય પ્રેમને જાણો છો, તે તો ફક્ત ચાર દિવાલ વચ્ચેની લડાઈ છે. તમે સંપૂર્ણ સલામત રહીને લડો છો. સાચો પ્રેમ તો, ખુલ્લી શેરીઓમાં, કડકડતી ઠંડીમાં લડીને જીતવું તે છે. તમે જ્યારે ચાર દિવાલોની વચ્ચે લડો છો, ત્યારે તમે સલામત જરૂર હો છો. પરંતુ તમે મરેલા હો છો. તમે જીવતી લાશ જેવા હો છો. તમે જ્યારે ખુલ્લી શેરીઓમાં લડવા તૈયાર હો છો, ત્યારે તમે જીવનથી ભરપૂર અને જીવંત હો છો.
ફરી વખત સમજી લો. તમારે ખુલ્લામાં લડવાનો ડર રાખવાની જરૂર નથી. તમે જો એ સમજીને લડશો કે અસ્તિત્વની કરુણામય આંખોની નીચે તમે લડી રહ્યા છો તો તમને ડર નહીં લાગે. કારણ કે જો તમે પડી જાવ છો, તો પણ તમે અસ્તિત્વના ખોળામાં જ પડો છો ! પરંતુ તમારી ઊભા થવાની અને લડવાની હિંમત હોવી જોઈએ. આ એક પગલું છે, જે તમે તમારા તરફથી ભરી શકો છો. પછી અસ્તિત્વ જ સંભાળી લેશે.
આવું બનશે. જો તમે જાણવા માટે ઉત્સુકતા કરતાં કંઈક થોડાં વધારે હશો. એકલી ઉત્સુકતા પુરતી નથી. જો તમે ફક્ત ઉત્સુક હશો. તમે આવશો, ખોટી પ્રણય ચેષ્ટા કરશો અને બહાર જતાં રહેશો. જો તમે ઉત્સુક કરતાં કંઈક વધારે હશો; જો તમારામાં એકાદ વખત પણ બળબળતી ઈચ્છા સપાટી પર આવી હશે; તો તમે સત્યને જાણવાનું અને અનુભવવાનું શરૂ કરી દેશો. જો તમે ફક્ત ઉત્સુક હશો, તો તમારામાં સાચી ભક્તિ અથવા સમર્પણ ભાવના નહીં હોય. જો ત્યાં આગ હશે, તો ત્યાં ભક્તિ અને સમર્પણ હશે. સમર્પણ ભાવના તમને વારંવાર અહીં ખેંચી લાવશે.
તમે અહીંથી દૂર ભાગી જવાનો ગમે તેટલો પ્રયાસ કરશો, પણ તેમ નહીં કરી શકો, તમે મારાથી કદાચ થોડા દૂર રહી શકશો. પરંતુ તમારી અંદરની બળબળતી ઇચ્છા, તડપ તમને વારંવાર મારા તરફ ખેંચી લાવશે. સાચો પ્રેમ શોધવા માટે તમારામાં તીવ્ર ઉત્કંઠા હોવી જોઈએ.
બદલામાં કંઈ મેળવવાની ભાવના વગર, જેટલો કરી શકો તેટલો પ્રેમ કરો. કારણ માટે પ્રેમ કરવો તે પ્રેમ નથી; તે ફક્ત ધંધાદારી સોદો છે. તમે જ્યારે કારણ વગર પ્રેમ કરી શકો છો, તમે જ્યારે તમારા રસ્તામાં કોઈપણ વસ્તુ કે કોઈપણ વ્યક્તિ આવે તેને પ્રેમ કરી શકો છો. ત્યારે તમે તમારી અંદરથી અદ્ભૂત શક્તિ અને સુંદરતા બહાર વહેતી મૂકો છો. તમે શારીરિક રીતે સુંદર હો કે નહીં તમે અદ્ભૂત સુંદર દેખાવ છો.
એક વધારે વાત : એવું ન વિચારતા કે બિનશરતી પ્રેમ તમને વળતરમાં કશું જ નથી આપતો. તે તમને હજારો રસ્તેથી દરકે બાબત આપે છે. પરંતુ એ વસ્તુઓને તમારી તરફ આવતી જોઈને તમારી મોજુદગીને ખૂલવા દેવી જોઈએ. અને તેનાથી અલિપ્ત રહેવું જોઈએ. અને પ્રેમને ખાતર પણ સતત પ્રેમ કરવાનું ચાલુ રાખવું જોઈએ. તમારું જ્ઞાન તમને વસ્તુઓ મળતી બતાવશે અને એજ જ્ઞાન તેમાંથી અલિપ્ત રહેવામાં દિવ્ય આનંદ અપાવશે.
તમારા હૃદયમાં ક્રાંતિકારી ફેરફાર થશે અને તમે એક નવા જ વ્યક્તિ બની જશો. તમે તમારામાં ફેરફાર જોશો તેથી, બીજા લોકોમાં પણ ફેર પડેલો જોઈ શકશો. લોકોને તમારા પ્રત્યે નવા જ પ્રકારનું માન ઉપજશે. તેઓ જોશે કે તમે તેમની અંદર કંઈક ન સમજાય તે રીતે ખીલી રહ્યા છો. તમે જે શક્તિ પ્રસારીત કરો છો તેનો તેઓ અનુભવ કરી શકશે.
બિનશરતી પ્રેમ કરવા માટે તમારે મુક્ત રહેવું જરૂરી છે. તમે જ્યારે મુક્ત અને સ્વાધીન હો છો, ત્યારે તમે ચિંતા અને કારણ વગર પ્રેમ કરી શકો છો. સ્વતંત્રાનો મારો અર્થ શું છે ? જાતિ, જ્ઞાતિ, સંપ્રદાય, ધર્મ, કુટુંબ સગા સંબંધીઓ અને એવી બીજી બધી બાબતોથી તમે બંધાયેલા ન હોવાં જોઈએ. કારણ કે તમે જો આ બધાથી બંધાયેલા રહેશો, તો તમારો પ્રેમ પણ બંધાયેલો રહેશે. અને બંધાયેલો પ્રેમ સાચો પ્રેમ હોતો નથી. તમે મર્યાદાઓ સાથે કઈ રીતે પ્રેમ કરી શકો ? તે પ્રેમની મૂળભૂત વ્યાખ્યાથી વિરુદ્ધ છે.
હું એમ નથી કહેતો કે; તમારે તમારું કુટુંબ, ધર્મ વગેરેને ભૂલી જવા જોઈએ. બસ, પ્રેમને આ બધાના સંદર્ભમાં ન જુઓ. બસ, આટલું જ. તમે જ્યારે પ્રેમ કરો, ત્યારે તમે સંપૂર્ણ મુક્ત થઈ ગયા છો તે રીતે પ્રેમ કરો. તમને મુક્ત થયાનો અનુભવ ક્યારે થાય છે ? જ્યારે તમે આ બધી જ વસ્તુઓથી મુક્ત હો છો; જ્યારે તમે તમારી ઓળખાળ કોઈ ચોક્કસ બાબત સાથે નથી આપતાં; તમે જ્યારે એવું વિચારો છો કે તમે સમગ્ર અસ્તિત્વ સાથે સંકળાયેલા છો: પછી તમે કોઈપણ સીમાઓ વગર પ્રેમ કરી શકો છો.
હું લોકોને હંમેશા કહું છું : જો તમે મારો પ્રેમ એક બીજામાં અનુભવી શકશો તો પછી તમને સાચા પ્રેમની ઝલક મળશે જ. કારણ કે મેં જેમ તમને કહ્યું કે મને પ્રેમ કરવો ખુબ જ સહેલો છે ! પરંતુ એવો જ પ્રેમ તમે અનુભવી શકો જેવો તમે મારા પ્રત્યે અનુભવો છો. અને એવો જ પ્રેમ બીજા ભક્તો સાથે પણ અનુભવી શકો, તો પછી તમે સાચા પ્રેમની દોરી પકડી લીધી છે. પછી તમે દરેક બાબતમાં સમગ્ર અસ્તિત્વને અનુભવવાનું શરૂ કરી દીધું છે; પછી ધીમે ધીમે તમે દરેકે દરેક બાબત અને દરેકે-દરેક વ્યક્તિને અસ્તિત્વના અંશ તરીકે સ્વીકારવા આગળ વધી રહ્યા છો.
યસ... આપણે હવે સરળ અને ખૂબ જ અસરકારક મેડિટેશન પધ્ધતિ કરવા જઈ રહ્યા છીએ જે મહામંત્ર મેડિટેશન કહેવાય છે તે અનાહતા ચક્ર માટે છે.
મહામંત્ર મેડિટેશન (Mahamantra Meditation)
(સમય : ૩૦ મિનિટ)
મહામંત્ર મેડિટેશન પ્રાચીન તિબેટીયન બૌધ્ધોની પધ્ધતિ છે. જે હૃદયના વિસ્તારમાં આવેલા ‘અનાહતા ચક્ર’ને જાગૃત કરે છે. આ મેડિટેશનથી તમારૂં મન સ્થિર અને મજબૂત બને છે. તમારૂં મન હંમેશા વિચારોમાં આમથી તેમ ઝુલતું રહે છે. આ મેડિટેશન તમને અ-મનની સ્થિતિમાં લઈ જાય છે. અને મનને સ્થિર કરે છે. આ (જંપીંગ બોર્ડ) કૂદકો મારવાના પાટીયા પરથી અનંતતામાં છલાંગ મારવા જેવું છે.
આ મેડિટેશન તમારી અંદરથી શક્તિનો પ્રવાહ પેદા કરે છે. આ પધ્ધતિથી તમે તમારી અંદરની શક્તિથી છલોછલ થઈ જાવ છો જેથી તમે બીજા લોકો તમારી તરફ ધ્યાન આપે એવું ઈચ્છવાનું બંધ કરીને, તમારી છલકતી શક્તિથી બીજાને પ્રેમ આપવાનું શરૂ કરો છો. મેડિટેશન દરમ્યાન તમારી અંદર પેદા થયેલી શક્તિનો આ પધ્ધતિ સંગ્રહ કરવામાં મદદ કરે છે.
આ મેડિટેશન ભૂખ્યા પેટે અને વહેલી સવારે કરવું જોઈએ. અથવા જમ્યા પછી બે કલાક બાદ જ કરવું જોઈએ. તે એકલા અથવા જુથમાં પણ કરી શકાય છે. જ્યારે જુથમાં કરવામાં આવે છે ત્યારે જે જગ્યામાં કરો છો તે જગ્યાને શક્તિના તરંગોથી ભરી દે છે.
હું તમને મહામંત્ર મેડિટેશનની પધ્ધતિ સમજાવું છું.
પલાંઠી વાળીને અનુકૂળ સ્થિતિમાં નીચે બેસો. તમારૂં માથું ગરદન અને કરોડરજ્જુ સીધી લીટીમાં રહેવાં જોઈએ. જે લોકો જમીન પર ન બેસી શકતા હોય, તેઓ ખુરશી પર બેસી શકે છે. રીલેક્સ થઈને આંખો બંધ કરી દો. આંખો બંધ થવા છતાં પણ પોપચાંની પાછળ આપણે કલ્પના ચિત્રો જોઈએ છીએ. તેને બંધ કરવા માટે એવી કલ્પના કરો કે આંખોના પોપચાં પથ્થર જેવાં થઈ ગયાં છે. માનસિક દબાણ આપીને તેને સખત બનાવી દો. પછી છાપો ભૂંસાઈ જશે. આપણી આંખોનું હલનચલન આપણાં મનમાં ચાલતા વિચારો સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. તેથી જ તમને આંખના ડોળાઓને ફરતા બંધ કરી દેવાનું કહ્યું છે. તેને બંધ રાખવા માટે વધારે પડતી ચિંતા કરવાની જરૂર નથી. મેડિટેશનની ક્રિયા ચાલુ રાખો.
તમારા બન્ને હોઠ બંધ રાખો અને અંદરથી (Humming) હમમ ...... નો અવાજ કરો. તમે એલ્યુમિનિયમના વાસણની અંદર મોં રાખીને અવાજ કરો, ત્યારે જેવો અવાજ આવે છે તેવો અવાજ હશે. ધ્યાન રાખો આ હમ … કે ઓમ … નો ઉચ્ચાર નથી. આ ફક્ત હોઠ બંધ રાખીને મ… મ… નો અવાજ છે. બીજો શ્વાસ લો તે પહેલાં હર્મીંગ જેટલું લંબાવી શકાય તેટલું લંબાવવાનું છે. તે જેટલું ઉંડાણથી, નાભિના કેન્દ્રથી કરી શકાય તેટલું અને જેટલું મોટેથી કરી શકાય તેટલું કરવાનું છે.
dરેક અવાજ પછી ઊંડો શ્વાસ લેવાનો પ્રયાસ ના કરો. શરીરને જ્યારે જરૂર પડશે ત્યારે તે પોતે જ શ્વાસ લઈ લેશે. બિલકુલ તણાવવમાં ન આવો. તમારી પૂરી જાત અને શક્તિ આ ધ્રુજારી પેદા કરવામાં લગાડી દો. ફક્ત હર્મીંગ બની રહો. તમારા પૂરા શરીરને હર્મીંગની ધ્રુજારીથી ભરી દો. થોડા સમય પછી તમને લાગશે કે તમારા કોઈપણ પ્રયાસવગર હર્મીંગ ચાલી રહ્યું છે. અને તમે ફક્ત તેને સાંભળનાર બની ગયા છો.
૨૦ મિનિટ પછી હર્મીંગ અટકાવી દો. જો તમે કેસેટ સાંભળતા હશો તો તે તમને સ્ટોપ કહેશે તરત જ અટકી જાવ.
હર્મીંગ બંધ કર્યા પછી તમારી આંખો બંધ રહેવા દઈને, મુસ્કુરાતા ચહેરે, આનંદી મૂડમાં શાંતિથી નિષ્ક્રીય ૧૦ મિનિટ સુધી બેસી રહો. મનમાં જો કોઈ વિચાર આવે, તો ફક્ત તેને જેમ તમે ટી.વી. જુઓ છો તે રીતે જોતા રહો. તેનો કોઈ પ્રતિકાર ન કરો, અભિપ્રાય ન આપો. સાક્ષી બની રહો. શાંત અને આનંદપૂર્ણ બની રહો. આ સમય દરમ્યાન ૨૦ મિનિટ હર્મીંગ કરવાથી જે શક્તિ પેદા થઈ હશે તે તમારી અંદર પ્રવેશીને ખૂણે ખૂણાને પૂરેપૂરા શુધ્ધ કરી નાંખશે.
(જુથમાં સંગીત સાથે પ્રેક્ટીસ કરવામાં આવે છે.)
ઓમ શાંતિ શાંતિ શાંતિ ધીમેથી, ખૂબજ ધીમેથી આંખો ખોલો. આ શાંતિ તમારી સાથે લઈ જાવ.
આપણે બીજી બેઠકમાં મળીશું