KAILASA Library/સચોટ ઉકેલો/પ્રકરણ - ૭ ઈર્ષામાંથી મુક્તિSign in
સચોટ ઉકેલો

પ્રકરણ - ૭ ઈર્ષામાંથી મુક્તિ

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

આપણે હવે ‘વિશુદ્ધિ ચક્ર’ માં જોવા જઈ રહ્યાં છીએ જે ગળાના વિસ્તારમાં આવેલું છે.

‘સંસ્કૃત’ માં ‘વિશુદ્ધ’ એટલે ‘શુધ્ધતા અને અશુધ્ધતા’ની ઉપરનું.

આ ‘ચક્ર’ સરખામણી અને ઈર્ષાને લીધે બંધ થઈ ગયું હોય છે અને જ્યારે આપણે બીજાઓની ચિંતાઓ કર્યા વગર આપણી ઓળખ પ્રદર્શિત કરી શકીએ, આપણી સંપૂર્ણ ક્ષમતા, વિશિષ્ટતા અને સર્જનાત્મકતા વ્યક્ત કરી શકીએ ત્યારે તે ખીલી જાય છે.

(મેડિટેશન પધ્ધતિ : શક્તિ સાગર મેડિટેશન - ઝેન બુદ્ધિઝમ પધ્ધતિમાંથી)

આપણે આપણી જાતને હંમેશા બીજા સાથે સરખાવતાં હોઈએ છીએ અને ઘણી વાર બીજાઓ પાસે જે છે અથવા તેઓ એ જે મેળવ્યું છે તે આપણાં કરતાં વધારે છે એવું માનીને આપણે ઈર્ષાની લાગણી અનુભવવાનું શરૂ કરીએ છીએ. જ્યારે આપણે બીજાની શ્રેષ્ઠતા સહન કરી શકતાં નથી ત્યારે આપણે ઈર્ષાળુ બની જઈએ છીએ. સરખામણી ‘બીજ’ છે અને ઈર્ષા તેનું ‘ફળ’ છે !

સરખામણી અને ઈર્ષાનું હકીકતમાં અસ્તિત્વ જ નથી ! આપણે જ તેને પેદા કરીએ છીએ અને તેમાંથી બહાર કેમ આવવું તેની અંતહીન વાતો કર્યા કરીએ છીએ. આ ખ્યાલને સમજવા માટે ‘ચક્ર’નું નામ, જે ‘વિશુદ્ધિ’ છે, તેને સ્પષ્ટતાથી સમજવું પડે.

‘શુદ્ધિ’નો અર્થ છે ‘પવિત્ર’. ‘અશુદ્ધિ’નો અર્થ છે ‘અપવિત્ર’. ‘વિશુદ્ધિ’નો અર્થ છે આ બન્નેની ઉપરનું. નામ જ બતાવે છે કે આ ‘ચક્ર’ ક્યારેય અપવિત્ર થતું જ નથી અને તેથી તેને ક્યારેય શુદ્ધ કરવાની જરૂર પડતી નથી. માટે સરખામણી જે આ ‘ચક્ર’ને બંધ કરી દે છે, તે પદાર્થ વગરનો પડછાયો છે. ત્યાં સરખામણી માટેનો કોઈ આધાર જ નથી. તે સ્પષ્ટ રીતે આપણી કલ્પનાએ બનાવેલ કાલ્પનિક બાબત છે.

એક નાની વાર્તા :

એક માણસ એક સંગીત જૂથનો સભ્ય હતો. જે આખી દુનિયામાં સંગીતના પ્રોગ્રામો કરતું હતું. એક ચોક્કસ સ્ટેજ પ્રોગ્રામમાં તેણે અમુક ગીતો માટે ચોક્કસ પ્રકારની કાળી વીગ અને અમુક ગીતો માટે લાલ રંગની વીગ પહેરવાનું નક્કી કર્યું.

તેણે વારાફરતી વીગ બદલી અને પ્રોગ્રામનો અર્ધો ભાગ પૂરો કર્યો.

ઈન્ટરવલ દરમ્યાન, શો નો ડાયરેક્ટર તેની પાસે આવ્યો અને તેને કહ્યું; “તમારે પ્રોગ્રામના બાકી રહેલા ભાગમાં લાલ રંગની વીગ પહેરવાની છે.”

માણસને નવાઈ લાગી અને પૂછ્યું શા માટે.

ડાયરેક્ટરે જવાબ આપ્યો; “લોકોને કાળા રંગના વાળ વાળી વ્યક્તિના અવાજ કરતાં લાલરંગના વાળવાળી વ્યક્તિનો અવાજ વધારે ગમે છે !”

આપણે બધો સમય સરખામણીઓ કરવામાં એટલાં બધાં રોકાયેલા હોઈએ છીએ કે આપણે વસ્તુઓ જેવી છે તેવી જોતાં નથી ! આપણું મન સરખામણીઓમાં એટલું બધું જકડાયેલું હોય છે કે, તે જે જુએ છે તેની 'સાચી' ગુણવત્તા ચૂકી જાય છે. બાબતો જેવી છે તેવી જ તેને જોવા માટે આપણે સરખામણી કરવાનો અભિગમ છોડી દેવાની જરૂર છે.

સરખામણી શું છે ?

મને કોઈ કહેશે? સામાન્ય રીતે, તમે જેમાં સરખામણીઓ કરતાં હો છો ? મને ખાત્રી છે કે તમે આ બાબતમાં કહેવા માટે તૈયાર જ હશો !

(ઓડિયન્સ સાહસ કરે છે)

‘સુંદરતા માસ્ટરજી ...’

હા. સુંદરતા ! દરેકને પોત પોતાના સરખામણીના વિસ્તારો હોય છે ! બરાબર પછી !

‘મિલકત ...’

‘નામ અને કિર્તી ...’

‘શક્તિ અને પ્રતિષ્ઠા ...’

‘જ્ઞાન ...’

‘સ્વાસ્થ્ય ...’

બરાબર છે, આ બધી જ બાબતો એવી છે જેમાં સામાન્ય રીતે આપણે આપણી જાતને બીજાઓ સાથે સરખાવીએ છીએ. ખરૂં ને ? આપણે આ બાબતોને ચાર મુખ્ય વિભાગોમાં વહેંચી શકીએ : પૈસા, જ્ઞાન, સુંદરતા જેમાં સ્વાસ્થ્ય આવી જાય છે, અને મોભો કે પ્રતિષ્ઠા. તમારી બધી જ સમસ્યાઓ, તમારી બધી જ મુંઝવણો આ ચાર બાબતો સિવાય બીજું કશું જ નથી.

હું સાચો છું ?

હવે ... જરા કહો, દુનિયાના બધાં જ લોકોને તેમની પાસેના પૈસાના પ્રમાણમાં ક્રમ વાર લાઈનમાં ઊભાં રાખવામાં આવે છે, જેમાં તમે પણ સામેલ છો. તમને શું લાગે છે તમારું સ્થાન ક્યાં હશે ?

‘ક્યાંક અધવચ્ચે માસ્ટરજી ...’

બરાબર છે ! તમે ક્યાંક વચમાં હશો, બરાબર છે ? તમે કદાચ તમારી બીજી બાજુ લાઈનમાં ઉભેલા લોકોની સંખ્યા કદાચ ગણી પણ નહીં શકો. તમારી આગળ અને પાછળ બન્ને બાજુ ઘણાં બધાં લોકો હશે.

અને કદાચ લોકોની જગ્યાઓ પણ અદલ બદલ થતી રહેશે કારણ કે તેમની પાસેના પૈસામાં પણ દરેક વખતે વધારો ઘટાડો થતો રહેશે. હવે તમારે તમારા વિચારથી નક્કી કરવાનું છે કે, તમારે તમારી આગળના લોકોની લાઈન જોઈને ઈર્ષાભાવ અનુભવવો છે કે પાછળની લાઈનમાં રહેલાં લોકોને જોઈને રીલેક્સ થઈને ભગવાનનો આભાર માનવો છે ! આ તમારા જ હાથની વાત છે.

તમે સારી રીતે જાણો છો કે તમે લાઈનમાં ક્યાં છો તે કોઈ ચોક્કસ કહી શકે તેમ નથી. પરંતુ આ વિચાર તમને બધોજ વખત ખલેલ પહોંચાડે છે ! જે ખ્યાલનું અસ્તિત્વ જ નથી તેની જ પાસે આપણે વારંવાર જઈએ છીએ ! તેનું નકારાત્મક અસ્તિત્વ છે !

નકારાત્મક અસ્તિત્વ એટલે શું એ હું તમને સમજાવું છું. મારી બાજુમાં આ ઘંટડી પડી છે. જો ઘંટડી ને મારે ખસેડવી હશે, તો હું સરળતાથી ઊંચકીને રૂમની બહાર મૂકી દઈશ, અને એ અહીં નહીં હોય. હું બરાબર કહું છું ? આ ઘંટડીનું હકારાત્મક અસ્તિત્વ છે. અને તેથી હું તેને ઉંચકીને બહાર મૂકી શકું છું. હવે સમજો કે આ રૂમમાં અંધારું છે. તમે અંધારાને ઉંચકીને રૂમની બહાર મૂકી શકો ?

“ના ...”

પરંતુ આ રૂમમાં હું પ્રકાશ લાવું તો, અંધારું જાતે જ અદ્રશ્ય થઈ જશે, બરાબર ? કારણ કે અંધારાનું હકારાત્મક અસ્તિત્વ નથી; તેને નકારાત્મ અસ્તિત્વ છે. તેનું નકારાત્મક અસ્તિત્વ છે એટલે આપણે તેને ખસેડી શકીએ નહીં.

આવી જ રીતે, સરખામણીનું હકારાત્મક અસ્તિત્વ નથી. તે ફક્ત તમારા મનમાં અસ્તિત્વ ધરાવે છે; આપણા મનમાં જ્યારે ચોક્કસ વિચાર આવે છે ત્યારે જ તે હોય છે. કારણ કે સરખામણીનું હકીકતમાં અસ્તિત્વ જ નથી, તમે તેને જતા રહેવાનું કહીને તેમાંથી બહાર ના આવી શકો. તમે તમારા મનમાં તેના વિષે સમજણ લાવીને જ તેમાંથી બહાર આવી શકો. જેવી રીતે પ્રકાશ અંદર લાવવાથી અંધારું અદ્રશ્ય થઈ જાય છે.

સંસ્કૃતમાં, ભ્રમ શબ્દને માયા રૂપે અનુવાદિત કરવામાં આવ્યો છે.

આપણે કહીએ છીએ. ‘યા મા ઇતિ માયા’, જેનો અર્થ છે, ‘જેનું અસ્તિત્વ નથી તે માયા’

એ કે જેનું અસ્તિત્વ નથી છતાં પણ સતત ખલેલ પહોંચાડે છે ! એ ‘માયા’ ની મિલકત છે ! તમે તેને સરળતાથી જીંદગી આપી દો છો, બસ આટલું જ. સરખામણી શુધ્ધ ભ્રમ છે. યસ ... ?

“માસ્ટરજી, આપણે લાઈનની બીજી બાજુ ન જોઈએ એ તેજ સારું છે.”

તમે આવું શા માટે કહો છો ? અને ગમે તે રીતે, તમે જોવાથી શા માટે ડરો છો ? તમે જોવાથી ડરો છો એજ બતાવે છે કે તમે તમારા પોતાના મનમાંથી દૂર ભાગી જવા માંગો છો. જો તમે જોઈ શકો , પરંતુ જે જુઓ છો તેની અસર જો તમારા પર ના થાય તો પણ તમે સાચો રસ્તો શોધી લીધો છે.

તમે જ્યારે દરેક બાબતને જોઈ શકો છો. તમારી પાસે જે છે તેને અને બીજા પાસે જે છે તેને, અને તમને કાયમ પરિપૂર્ણતાનો અનુભવ થાય છે, ત્યાર પછી આ ‘ચક્ર’ શક્તિશાળી સ્થિતિમાં હશે. જુઓ ખૂબ જ સ્પષ્ટ બની જાવ: હું ‘સંતોષ’ શબ્દ વાપરતો નથી. ઘણીવાર લોકો કહે છે. ‘સંતોષ માનતા શીખી જાવ’. તમે ક્યારેય સંતોષી બનવાનું શીખી શકો નહીં.

સંતોષ, સરખામણી અને ઈર્ષાની સમજણના અનુભવથી ખીલવો જોઈએ. તમને જે આપવામાં આવ્યું હોય તેના તરફની ઊંડી કૃતજ્ઞતાની લાગણીથી ખીલવો જોઈએ. તેને બહારથી લાદી શકાય નહીં. તે તમારી અંદરથી ખીલવો જોઈએ.

તમને જે કહેવામાં આવે છે તેને સ્પષ્ટતાથી સમજવાનો પ્રયત્ન કરો. સત્યને વારંવાર સાંભળવાથી તમે તમારી અંદર એક અવકાશ પેદા કરી શકો છો. જ્યાં તમે તેનો અનુભવ કરી શકો. તમે જો ખૂબ જ ઊંડાણપૂર્વક અને ગંભીર મનથી જુઓ તો, દરેક સમસ્યાનો ઉકેલ તેની અંદર જ સમાયેલો હોય છે. તમે જો સરખામણી અને ઈર્ષાની અંદર જરા નજર કરશો તો, તમે જોઈ શકશો કે એ ફક્ત મનની રમત સિવાય બીજું કશું જ નથી.

તમે જ્યારે તમારાં પોતાના ઘરમાં હો છો ત્યારે વિચારો છો કે તમારી પાસે ઘર અને કાર છે, તે તમારા માટે પુરતું છે. આ વિચારથી તમે રીલેક્સ બનો છો. તમે કૃતજ્ઞતા અને પરિપૂર્ણતાની ક્ષણોને અનુભવો છો. થોડા સમય પછી તમે જ્યારે તમારી કારમાં બહાર નીકળો છો, અને ટ્રાફિક લાઈટ પાસે ઊભા રહો છો. ત્યારે શું બને છે ? તમારી બાજુમાં મર્સિડિઝ બેન્ઝ આવીને ઉભી રહે છે ... અને તમારું મન વિચારવાનું શરૂ કરે છે. તમારી કાર એટલી સારી નથી. માટે બીજી નવી કાર લેવાનો સમય થઈ ગયો છે. ભલે મર્સિડિઝ બેન્ઝ નહીં પણ બીજી નવી ગાડી તો લેવી જ જોઈએ.

થોડી મિનિટો પહેલાં તમે તમારી વસ્તુઓ સાથે સુખી હતાં, પરંતુ હવે શું બની ગયું ? તમે નવી ઈચ્છા ઉપર કામ કરવાનું શરૂ કરી દીધું. ઉછીની લીધેલી ઈચ્છા પર. સ્પષ્ટ બની જાવ : આ તમારી પોતાની ઈચ્છા નથી. તમે બીજા પાસેથી ઉછીની લીધેલી ઈચ્છા છે. તે મર્સિડિઝના માલિકની ઈચ્છા છે. આવી રીતે તમે બીજાઓની ઈચ્છાઓ પર, સરખામણી અને ઈર્ષાના પરીણામે તમારા મનમાં કામ કરવાનું ચાલુ કરી દો છો.

તમને તમારા ઘરમાં ક્યારેય રેફ્રીજરેટરની જરૂરીયાત નહીં લાગી હોય, પરંતુ જો તમારો પડોશી રેફ્રીજરેટર ખરીદશે, તો તરત જ તમને લાગશે કે તમારે તેના વગર નહીં ચાલે ! રેફ્રીજરેટરની જરૂરીયાત માટેનાં દુનિયાભરનાં કારણો તમે તરત જ શોધી કાઢશો. આજ સુધી તમે રેફ્રીજરેટર વગર ચલાવતાં જ હતાં ! કશું જ બદલાયું નથી. પરંતુ શું બને છે ? તમારું મન સરખામણી સાથે પગલાં ભરે છે.

અલબત્ત, તમારી પોતાની ઈચ્છા ઉછીની ઈચ્છાઓ લેવાની ક્યારેય હોતી નથી. આ તમારા મનમાં અજ્ઞાત રીતે બને છે. અને ઉછીની ઈચ્છાઓનો મૂળ સ્ત્રોત વણ કહ્યો રહી જાય છે. આ મનની ચાલાકી ભરી અને રહસ્યમય રમત છે. અને આપણે હંમેશા કહીશું કે અમે બીજાઓની પરવા કરતાં નથી.

એક નાની વાર્તા :

એક માણસ પોતાના બાજુના ગામમાં દસ વરસ પછી પાછો ગયો.

તેણે તેના મિત્ર સાથે આખા ગામમાં લટાર મારી.

આ જગ્યામાં થયેલા ફેરફારોથી તેને ખૂબ જ નવાઈ લાગી.

તેણે તેના મિત્રને વિવેચન કર્યું : “સમૃધ્ધિએ આખા ગામનો ચહેરો બદલી નાંખ્યો છે !”

મિત્રે જવાબ આપ્યો; “ના, સમૃધ્ધિએ નહીં, માત્ર સાદી ઈર્ષાએ.”

આપણે બધો જ સમય બીજાને હરાવવાનો પ્રયત્ન કરતાં હોઈએ છીએ. તમે જ્યારે ઉછીની ઈચ્છાઓની પાછળ હો છો, ત્યારે તમે ક્યારેય અટકશો નહીં. કારણ કે તેમાંથી એકાદ પૂરી કરવાની લગોલગ હો છો, ત્યાં જ ક્યાંયથી બીજી ઉછીની ઈચ્છા આવીને ઉભી રહે છે અને તમે પાછા પાટા પર વધારે દોડવા લાગો છો !

તમે દોડવાનું ચાલુ રાખો છો, કારણ કે તમે તમારી જાતમાં કેન્દ્રિત નથી. તમારું કેન્દ્ર બદલાતું રહે છે. તમારું કેન્દ્ર બીજા લોકો હોય છે, તમે પોતે નહીં ! અને તેમનું કેન્દ્ર ક્યાંક બીજે ઠેકાણે હોય છે. તેમની પોતાની અંદર નહીં! કલ્પના કરો તમારે કેટલું દોડવું પડે છે, તમારે બાહ્ય કેન્દ્રી વિચારો અને લાગણીઓ વચ્ચે કેટલું ઝુલવું પડે છે ! તમે કઠપુતળી બની જાવ છો.

હું તમને કહું છું : દરેક વખતે તમને કંઈક ને કંઈક જોઈએ છે. તમારી જાત સાથે બેસો અને પૂછો કે ખરેખર તમને તે જોઈએ જ છે કે પછી બીજા પાસે તે છે, માટે તમને જોઈએ છે. તમારી દરેક ઇચ્છાઓનું જ્યારે તે સપાટી પર આવે ત્યારે, પ્રામાણિક પણે વિશ્લેષણ કરો. તમારા બધા જ પ્રતિષ્ઠાના સવાલોને છોડી દો અને તમારી જાતનું વિશ્લેષણ કરો. તમે જ્યારે એકલા હો ત્યારે જો તમારી પ્રતિષ્ઠાના સવાલોને ના છોડી શકતાં હો તો લોકોની વચ્ચે તમે કઈ રીતે છોડી શકશો ?

જો તમે ફક્ત ‘તમારી’ જ ઇચ્છા માટે જીવશો તો તમે શાંતિપૂર્ણ મૃત્યુ પામશો, પછી તે રેલ્વેના પ્લેટફોર્મ પર આવ્યું હશે તો પણ પૂર્ણ સંતોષકારક હશે. જો તમે તમારી આખી જીંદગી ઉછીની લીધેલી ઇચ્છા પ્રમાણે જીવશો તો, પછી તમને ક્યારેય પરિપૂર્ણતા જોવા નહીં મળે અને તમે કદાચ આરસ પહાણના મકાનમાં રહેતાં હશો તો પણ તમને મોતને લંબાવવાની ઈચ્છા થશે, ખેંચતાણમાં રહેશો, તમારી ઉછીની લીધેલી અપૂર્ણ ઇચ્છાઓમાંથી મુક્તિ નહીં મેળવી શકો.

જૈન ધર્મમાં માન્યતા છે, કે તમે જ્યારે જન્મો છો, ત્યારે તમારી આખી જીંદગીની જરૂરીયાત પુરતો ખોરાક અને શક્તિનો જથ્થો તમારી સાથે જ મોકલવામાં આવે છે. તમારી આ જન્મમાં જે કોઈ સાચી જરૂરીયાતો હોય તેને પુરુ કરવાની શક્તિ તમને આપીને જ અસ્તિત્વ તમને આ પૃથ્વી પર મોકલે છે.

પરંતુ તમે જ્યારે આ શક્તિનો ઉપયોગ ઉછીની લીધેલી ઇચ્છાઓ પૂરી કરવામાં કરો છો, ત્યારે તમને એવું લાગવા માંડે છે કે તમને કશું જ આપવામાં નથી આવ્યું; અને આ ‘કશુંજ નથી’ પુરતું છે. તમે થાકનો અનુભવ કરો છો, તમે નંખાઈ ગયેલા અને નાસીપાસ હો છો, કારણ કે પેલું ‘કશું જ નથી’ આપવામાં આવ્યું તેની પાછળ તમે હો છો. આવી રીતે જ સમસ્યાની શરૂઆત થાય છે.

તમે સમજો : ‘જરૂરીયાતો’ અને ‘ઇચ્છાઓ’ વચ્ચે ફરક છે. તમારી જરૂરીયાતો કોઈપણ રસ્તેપુરી થઈ શકે છે. તમારી ‘જરૂરીયાતો’ સંતોષવી શક્ય છે, પરંતુ તમારી ‘ઇચ્છાઓ’ પુરી કરવી અશક્ય બની જાય છે. કારણ કે તે હંમેશા બદલાતી રહે છે, એ અસ્પષ્ટ હોય છે. દરેક વખતે એક પૂરી થાય ત્યાં જ બીજી સેંકડો નવી ઉભી થઈ જાય છે.

અંતહીન ઇચ્છાઓ કરવી તે આપણો સ્વભાવ છે, કારણ કે આપણે બીજાઓ પાસે શું છે તે સતત જોયા કરીએ છીએ અને એ બધાંની આપણે માટે ઇચ્છા કરીએ છીએ. તમે આ હકીકત સ્વીકારવા તૈયાર નહીં થાવ, પરંતુ જો તમે તમારી જાતનું ગહનતાથી નિરીક્ષણ કરશો, તો તમે જોશો કે આ જ સાચું છે. તમારું મન એવી ચાલાકીથી આ રમત રમે છે કે પહેલી વખત કહેવાથી જ આ વાત માનવા કોઈ તૈયાર નહીં થાય.

દાખલા તરીકે : તમે તમારા ઘર માટે એક પંખો ખરીદવા દુકાનમાં જાવ છો. પરંતુ રસ્તામાં તમને અમુક મિત્રો મળે છે, જે તમને કહે છે બીજી દુકાનમાં કોઈબીજી વસ્તુઓ ખરીદવા જઈ રહ્યાં છે. તરત જ તમને તે વસ્તુઓ ખરીદવાની ઈચ્છા થશે અને તમે તમારો રસ્તો બદલી નાંખશો અને તમે તેમની સાથે જઈ ખરીદી કરશો. પછી તમને

ખ્યાલ આવશે કે તમારી પાસે પંખો ખરીદવાના પૂરતા પૈસા બચ્યા નથી !

જો તમે સરખામણી કરીને બીજાની ઇચ્છાઓ જીવવાનું શરૂ કરો છો, તો તમે તમારી જાતને મોટી મુશ્કેલીમાં મૂકો છો, કારણ કે તમે ક્યાં છો તેજ તમે જાણતાં નથી. હંમેશા તમારી જાતને તમારી પોતાની જ પટ્ટીથી માપો. બીજાની પટ્ટીઓથી ક્યારેય નહીં. એ સૌથી મૂર્ખતાભર્યું અને જોખમી કામ છે !

ભારતમાં અમુક જગ્યાએ તમે જોઈ શકો છો : ત્યાં અમુક વાંદરાઓને તાલીમ આપનારા હોય છે અને તેના પર તેમનો જીવન નિર્વાહ ચાલે છે.

તે લોકો તેમની સાથે એક લાકડી રાખે છે અને તેની અણીનો ઉપયોગ, વાંદરા પાસે તેમને જે કરાવવું હોય તે કરાવવા માટે કરે છે.

તેઓ લાકડી ઊંચી કરીને હલાવીને બૂમો પાડશે, “નાચ રામા નાચ !” અને વાંદરો નાંચવા માંડશે ! પછી તેઓ કહેશે; “ગાડાનું પૈડું ફેરવ રામા ! ગાડાનું પૈડું ફેરવ !” અને વાંદરો ગાડાનું પૈડું ફેરવશે વાંદરો લાકડીના ઈશારે સરળતાથી નાચ કરશે.

આવી જ રીતે, આપણે ‘સરખામણી’ની લાકડીને આપણી જાતને દોડાવવા દઈએ છીએ. આપણે તેના તાલે નાચીએ છીએ, એવી બાબતો કર્યા કરીએ છીએ જે આપણી પોતાની નથી પરંતુ લાકડીએ બતાવેલી બાબતો છે.

સરખામણીનો ક્યારેય અંત હોતો નથી, અપેક્ષાઓનો ક્યારેય અંત હોતો નથી. હંમેશા આપણે વધારે, વધારે અને વધારે માંગીએ છીએ. તમે સતત ઉંદરોની દોડની હરીફાઈ જેવી હાલતમાં હો છો. તમે પછી રીલેક્સ, આનંદિત અને પરિપૂર્ણ કેવી રીતે રહી શકો ? અને ઉંદરોની દોડમાં રહેવું એટલે, ‘જો તમે જીતી જાવ છો, તો પણ તમે ફક્ત ઉંદર જ રહો છો !’

પરંતુ ગમે તે રીતે, જીંદગીમાં મોડેથી, અમુક બિંદુ પર, તમે સમજો છો કે ઉંદરોની દોડની જીત તમને પરિપૂર્ણતાની લાગણી આપતી નથી; પરંતુ સફળતા તમને ગહન અસંતોષ તરફ પણ લઈ જાય છે. આવું બને છે કારણ કે તમે કદાચ બહારની દુનિયાની તમારી બધીજ ભૌતિક ઇચ્છાઓ પૂરી કરી હોય, પણ તમે હંમેશા તમારી જાતની અવગણના કરી હોય છે.

અસંતોષનો અવાજ તમારા ‘સ્વ’માંથી, તમારા અંતરાત્મામાંથી આવે છે. તમને જ્યારે આ સમજાય છે ત્યારે તમે આધ્યાત્મિકતા તરફ વળો છો ઘણું મોડું થઈ ગયું હોય તો પણ. પરંતુ જો તમે આ સમજતાં નથી તો તમે હતાશા (ડિપ્રેશન) તરફ વળો છો કારણ કે તમને ખબર નથી હોતી કે તમે ક્યાં ચૂકી જાવ છો; તમે જાણતાં જ નથી કે તાર ક્યાં છે; તમે જાણતાં જ નથી એને તમે ક્યાં ગુમાવી દીધો છે; તમે જાણતાં જ નથી કે તમે ક્યાં ગલત છો.

હું તમને મારા અનુભવથી કહી શકું છું - અસ્તિત્વ આપણા ઉપર હંમેશા વરસી રહ્યું છે. અમીવર્ષા કરી રહ્યું છે, ત્યાં સમૃદ્ધિની પુષ્કળ રેલમછેલ છે ! પરંતુ આપણે અસંતોષની લાગણીથી ખૂબ જ તાલીમ બધ્ધ થઈ ગયા છીએ ! આપણે જે મળ્યું છે તેના તરફ સંવેદનહીન બની ગયાં છીએ. આપણને હંમેશા વધારે જોઈએ છે. કારણ કે કોઈકની પાસે અથવા બીજાઓ પાસે વધારે છે, કારણ કે સરખામણી આપણી અંદર ચાલતી અભાન પ્રક્રિયા બની ગઈ છે; કારણ કે આપણે આપણી જાતમાં કેન્દ્રીત થઈને જીંદગીને પરિપૂર્ણતાથી કેવી રીતે જીવવી તે જાણતાં નથી.

એક નાની વાર્તા :

એક માણસ ભગવાનને પોતાની સામે પ્રકટ કરવા માટે જંગલમાં ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યો હતો.

ભગવાન તેના પર પ્રસન્ન થયાં અને તેને જે કંઈ માંગવું હોય તે માંગવા માટે કહ્યું.

માણસ આનંદના અતિરેકમાં આવી ગયો અને તેણે કહ્યું કે તે ખૂબ જ મોટો જાગીરદાર હતો અને તેણે તેની બધી જ જમીન ગુમાવી દીધી છે. અને તેણે પાછા શ્રીમંત બનવાની ઇચ્છા પ્રગટ કરી.

ભગવાને તેના પર દયા કરી અને કહ્યું, કે આવતીકાલે આખા દિવસમાં તું દોડીને જેટલા વિસ્તાર ફરતો આંટો મારીને પાછો મૂળ જગ્યાએ પાછો આવી જઈશ તેટલી જમીન તારી થઈ જશે.

માણસ અતિશય ખુશ થઈ ગયો.

બીજે દિવસે તેણે સૂર્યોદય પહેલાં જ દોડવાનું શરૂ કરી દીધું.

તે જેટલી ઝડપથી દોડી શકતો હતો તેટલી ઝડપથી દોડ્યો.

બપોર થવા આવી તેને સખત ભૂખ લાગી પરંતુ, તેણે તેના તરફ ધ્યાન ના આપ્યું અને તેણે દોડવાનું ચાલુ રાખ્યું.

સાંજ થતાં પહેલાં તરસ અને થાકે તેને બરાબર પકડી લીધો, પરંતુ તેના મનમાં બાજુવાળા જમીનદાર પાસે ઘણાં એકર જમીન છે તેનો જ વિચાર સવાર થઈ ગયો હતો, તેના મનમાં પડોશીની સમૃદ્ધિનાં ચિત્રો આવ્યાં અને તેણે દોડવાનું ચાલુ રાખ્યું.

સૂર્યાસ્ત થવાને થોડી વાર હતી. તે લોથ પોથ થઈ ગયો હતો, અતિશય નબળાઈને લીધે તેને ચક્કર આવવા લાગ્યાં, પરંતુ પડોશી કરતાં વધારે જમીન મેળવવા માટે તે થોડા ડગલાં વધારે દોડ્યો.

સૂર્યપ્રકાશ ઝાંખો થયો અને તે લથડ્યો … અને તે પડ્યો અને ત્યાંજ મૃત્યુ પામ્યો.

આપણે બધાં, આવી રીતે જ આપણી જીંદગી જીવીએ છીએ. આપણે સતત દોડ્યા જ કરીએ છીએ, અટકીને એ પણ વિચારતાં નથી કે આપણે શા માટે દોડી રહ્યા છીએ ! આપણે દોડીએ છીએ, કારણ કે બીજાં બધાં જ દોડી રહ્યાં છે! શંકરાચાર્ય આનું સુંદર રીતે વર્ણન કરે છે, ‘તત્ કિમ્, તત્ કિમ્ …’ જેનો અર્થ છે ‘પછી શું, પછી શું …’ આપણે બધાં હમેશાં આજ વિચારતાં હોઈએ છીએ ‘પછી શું’ આ આપણી દોડની પાછળનું કારણ છે.

બીજી નાની વાર્તા :

ચંદા બસુ તેના ઘરના દરવાજાનાં પગથીયાં પર બેસીને રડી રહ્યો હતો.

તેના મિત્રે પુછ્યું કે તું શા માટે રડી રહ્યો છે.

તેણે કહ્યું; “મારાં ઘરડાં કાકી તેમની બધી જ મિલકત મને આપીને ગુજરી ગયાં છે.”

મિત્ર મુંઝવણમાં પડી ગયો અને પૂછ્યું; “પરંતુ તેઓ ઘણાં જ વૃધ્ધ હતાં, આ ઉપરાંત તે તેમની બધી મિલકત તને આપી ગયાં છે. પછી તું શા માટે પડે છે ?”

ચંદાએ જવાબ આપ્યો; “તું જાણતો નથી. અઠવાડિયા પહેલાં જ મારા કાકા મૃત્યુ પામ્યા અને તે પોતાની મિલકત મને આપતાં ગયાં છે.”

મિત્ર વધારે મુંઝવણમાં પડી ગયો અને પૂછ્યું; “પછી તું શા માટે રડે છે?”

ચંદાએ કહેવાનું ચાલુ રાખ્યું; “અને તેનાં પહેલાંના અઠવાડિયે મારા બીજાં કાકી ગુજરી ગયાં અને તે પણ તેમની બધી જ મિલકત મારા માટે છોડતાં ગયા”.

મિત્રની સમજમાં જ નહોતું આવતું કે આ બધી બાબતો ચંદાને રડાવે છે કેમ.

તેણે પૂછ્યું; “ચંદા, મહેરબાની કરીને તું મને કહે આ બધાં માટે તું કેમ રડે છે?”

ચંદાએ કહ્યું; “તું જાણતો નથી, હવે મારું એકપણ સગું સંબંધી બચ્યું નથી જે મારા માટે મિલકત મૂકીને મરી જાય!”

અલબત્ત, આ અતિશયોક્તિ વાળી વાર્તા છે. પરંતુ ‘આપણે’ આવાં જ છીએ, આપણે બધાં દરેક મિનિટે જીંદગીમાં સ્વાર્થીપણે કેટલું વધારે પડાવી લેવું તે જ જોઈએ છીએ. આપણો બધો જ કહેવાતો પ્રેમ ધંધાદારી સોદા સિવાય બીજું કશું જ નથી. અમુક કિસ્સાઓમાં તે અતિપ્રમાણમાં હોવાથી બહાર દેખાય આવે છે, અને બીજા બધાં કિસ્સાઓમાં તે છૂપાયેલો હોય છે અને પહેલી નજરે દેખાતો નથી. હકીકતમાં, તમે અભાન પણે આ કરતા હોવાથી તમે એવું વિચારો છો કે આ સાચો પ્રેમ છે.

સરખામણીનું પાયાનું કારણ એ છે કે, આપણે આપણી જાતમાં પરિપૂર્ણતા અનુભવતાં નથી; આપણી પાસે જે છે તેનાથી આપણે ખુશ નથી. માત્ર ચોવિસ કલાક માટે, સવાર થી સાંજ સુધી કલ્પના કરો કે તમે આંખો ગુમાવી દીધી છે. તમારી આંખો બંધ રાખીને તમારાં રોજીંદા કામો કરવાની કોશિશ કરો. થોડી મિનિટોમાં જ તમને ભાન થશે કે તમારા રોજીંદા કામની હાલત તમે કલ્પના પણ નહીં કરી હોય તેટલી ખરાબ થઈ જશે. તમે જ્યારે આંખ ખોલશો ત્યારે કેવી રાહતનો અનુભવ કરશો અને દુનિયાને ફરીથી જોવાનો આનંદ મેળવશો. પછી તમે મોટાભાગે તમને આંખો આપવા બદલ ભગવાનનો આભાર ચોક્કસ માનશો !

તમે ક્યારેય તમારી જાતની સરખામણી આંધળા માણસ સાથે કરી છે? તમે તમને દૃષ્ટિ આપવા બદલ ભગવાનનો આભાર માન્યો છે ? તમે ક્યારેય તમારી આંખો માટે ખેલદિલીપૂર્વક આભારવશતાની લાગણી અનુભવી છે ? ના! શા માટે નહીં? કારણ કે તમને જે કંઈ આપવામાં આવ્યું છે, તેને ‘હંમેશા’ એમ જ મળી ગયું છે, એવું જ તમે સમજો છો. તમને તેની કિંમત નથી. આ જ કારણ છે. તમે વિચારો છો : ‘જે છે તે તો છે જ, ‘પછી શું,’ તેને માટે આપણે આગળ વધો’.

આપણી દરેક પ્રવૃત્તિ આ ત્રણ ધરીની આસપાસ ફરે છે : ‘કરવું’ ‘જોઈએ’ અને ‘થવું’. જોઈએ માટે ‘કરવું’. આનંદ માણ્યા વગર ‘થવું’. આપણા બધાં જ દુઃખોનું મૂળ કારણ આ જ છે. ‘કરવું’ ક્યારેય ‘જોઈએ’ ને પકડી શકતું નથી! દરેક વખત આપણે એક ઇચ્છા પૂરી કરવા સખત મહેનત કરીએ છીએ, ત્યાં જ બીજી વધારે ઈચ્છાઓ આપણને દોડાવે છે.

એવું ક્યારેય ના વિચારો, ‘મને અત્યારે કામ કરી લેવા દો, હું પછી આનંદ કરી લઈશ’. એવું ન વિચારતાં કે તમે પાછા આવશો અને પછી આનંદ માણી શકશો ! હું તમને કહું છું, આવું ક્યારેય બનવાનું નથી. દરેક આવતીકાલ ફક્ત આજના સ્વરૂપમાં જ આવે છે. ‘કરવું’ હંમેશા દરેક ક્ષણે થવું તરફ જ હોવું જોઈએ, ફક્ત પછી જ તમે સાચા રસ્તે છો.

જીવવાનું મુલતવી ન રાખો ! તેની ઉજવણી કરો ! જીંદગીનો આનંદ માણો. અત્યારે જ અથવા ક્યારેય નહીં. આપણે બધાં આખી જીંદગીભર એવું વિચારીને જ દોડતાં રહીએ છીએ કે, પછીથી આનંદ માણી લેશું, પરંતુ અંતે એમ જ આપણે કબરમાં પહોંચી જઈએ છીએ. તમે જ્યારે દોડવાના પાટા પર ચડી જાવ છો, ત્યારે તમે તમારી આનંદ માણવાની સાચી ક્ષમતા ગુમાવી દો છો. તમે આનંદ કેવી રીતે માણવો તે જ ભૂલી ગયા હો છો.

કહેવાય છે કે, ‘પ્રાપ્ત કરી લેવા કરતાં તેનો પીછો કરવામાં વધારે આનંદ આવે છે !' હંમેશા તમે જ્યારે કંઈક મેળવવા તેની પાછળ દોડો છો ત્યારે તે બાબત તમને આખી દુનિયા જેટલી કિંમતી લાગે છે. પરંતુ તે તમને મળી ગયા પછી, ગમે તેમ, પણ તમને તે એટલી મહત્વની નથી લાગતી ! જો તમે તમારી જાત પ્રત્યે જાગૃત થઈ જાવ અને ખરેખર તમને શું જોઈએ છે. તે સમજી જાવ, અને ‘તે’ જ કરવાનો પ્રયત્ન કરો, તો તમારી જાતને આવી વિરોધાભાસી અને ગુંચવણભરી સ્થિતિમાં ક્યારે નહીં જુઓ.

રમણ મહર્ષિ ખુબ જ સુંદર રીતે કહે છે :

‘અ દૈ વા દાર મુન્નુ કુડુગેય અન્નાલુમ્ મલાયાય કાર્ટી

અ દૈન્દા પીન મલાયેય અન્નાલુમ્ કુડુગાઈ કટ્ટુમ માયા મનમ’

આનો અર્થ છે : મન એવું ભ્રમિત કરે છે કે, જ્યાં સુધી મળી ન જાય, ત્યાં સુધી રાઈનો નાનો દાણો પણ પહાડ જેટલો મોટો લાગે છે, અને પહાડ મળી ગયા પછી તે રાઈના દાણા જેવો મામુલી લાગે છે !

આ પ્રકારના અભિગમનું મૂળભૂત કારણ સરખામણી છે. મન હંમેશા તેની આસપાસ જ જુએ છે અને રમે છે. હું તમને તમારી બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરવાનું કહતો નથી. હું તમને સરખાવવાની ના પાડતો નથી. હું માત્ર આટલું જ કહું છું : બીજાઓ દોડે છે, માટે તમે દોડો નહીં. બસ આટલું જ.

લોકો મને પૂછે છે; “માસ્ટરજી, સરખામણી કર્યા વગર અમને કેમ ખબર પડે કે અમે ક્યાં છીએ ?”

તમે સમજો : સરખામણી બે પ્રકારની હોય છે : રચનાત્મક સરખામણી અને ખંડનાત્મક સરખામણી. રચનાત્મક સરખામણીમાં, બીજાઓ પાસે જે છે તેમાંથી અમુક વિચાર અથવા એવી માહિતી લેવી જેના વિષે તમે જાગૃત નથી. તમે તમારી આસપાસની બાબતો જોઈને તમારૂં વ્યવહારૂં જ્ઞાન વધારી શકો છો. તમને દરેક બાબતે વધારે સારી રીતે કઈ રીતે કરી શકાય તેનો ખ્યાલ આવે છે.

હકીકતમાં આને સરખામણી ના કહી શકાય; આને જ્ઞાન મેળવવું અથવા તમારી વ્યવહારૂં જાગૃતતા વધારવી એમ કહી શકાય. આવું કરતી વખતે, બીજાઓ પાસે જે છે તે જોઈને તમને ઈર્ષા અને અનિચ્છનીય લાગણીઓનો અનુભવ થતો નથી. આમાં આજ સૌથી મહત્વની બાબત છે.

આપણે જે સરખામણીની વાત કરીએ છીએ, તે ‘ખંડનાત્મક સરખામણી’ ની વાત છે. જે આપણી અંદર હોય છે. તમે બીજા પાસે જે છે તેને જુઓ છો અને તે તેમની પાસે છે તેને તમે સ્વીકારી શકતાં નથી. તમે તેમને તેનો આનંદ ઉઠાવતાં જોઈ નથી શકતાં, પછી તે સુંદરતા હોય, પૈસા હોય, જ્ઞાન હોય અથવા પ્રતિષ્ઠા હોય. પછી તમે આ બાબતને તમારી માલિકીની બનાવવાના પ્રયત્નો શરૂ કરો છો; અને ઉછીની પ્રતિષ્ઠાઓના વર્તુળમાં ફસાઈ જાવ છો. જે તમને ઈર્ષા તરફ લઈ જાય છે.

આખી દુનિયામાં, તમે કંઈપણ કરો, તમારાથી એક વ્યક્તિ તો વધારે સારી ચોક્કસ હોવાની. ૯૯% શક્યતા એવી હોવાની કે તમે દુનિયાના સૌથી સારા એન્જીનીયર, સૌથી વધારે દોડનાર અથવા સૌથી પ્રતિભાશાળી ચિત્રકાર ના બની શકો. એનો મતલબ એવો ઓછો છે કે તમારે આ બાબતનો આનંદ ઓછો ઉઠાવવો ? માત્ર તમે જ્યારે એવું વિચારો કે બીજાઓ વધારે આનંદ કરે છે અને તમને ઓછો મળે છે ત્યારે તમે આનંદ ઓછો કરવાનું શરૂ કરો છો! જે ક્ષણે તમારા મનમાં વિચાર આવે. ‘બીજા તમારા કરતાં વધારે આનંદ કરે છે’ તમારો આખો સ્વાદ બદલી જાય છે. તમે અસ્વસ્થ થઈને ઈર્ષાણુ બની જાવ છો. તમે સમજો ગરીબી ‘પોતે’ આપણને તકલીફ નથી આપતી. એવો વિચાર કે જે ‘આપણે ગરીબ છીએ’ તે આપણને તકલીફ આપે છે. આપણે કદાચ જેવા હોઈએ તેમાં શાંતિપૂર્ણ જિંદગી જીવતાં હોઈએ, પરંતુ પેલો ‘વિચાર’ આપણે ગરીબ છીએ જેવો પ્રવેશ કરે છે, આપણે દુઃખી થઈ જઈએ છીએ. આ આવો વિચાર કેવી રીતે આવે છે ! બીજાને જોઈને અને સરખામણી કરીને. આપણને આવું લાગે છે કારણ કે આ વિચાર સીધો જ આપણાં અહમ્ પર ઘા કરે છે અને આપણે શોષાઈ જઈએ છીએ. કેરીની જેમ.

એક નાની વાર્તા :

એક શેરીમાં સામ સામે બે દુકાનો હતી, જેમાં એક સરખી જ વસ્તુઓ વેચાતી હતી. બન્ને વેપારીઓમાં હંમેશા સખત હરીફાઈ રહેતી હતી.

એક દુકાનદારે એક દિવસ બહાર આવીને પોતાની દુકાનની બહાર એક પાટીયું મુક્યું જેમાં લખ્યું હતું; ‘૧૯૨૯માં સ્થાપના થયેલી’.

સામેનો દુકાનદાર પોતાની દુકાનમાંથી આનું નિરીક્ષણ કરી રહ્યો હતો.

બીજે દિવસે, તે બહાર આવ્યો અને પોતાની દુકાન આગળ પાટીયું મૂક્યું : ‘બધો જ તાજો જથ્થો. જુનો માલ નહીં’.

જો તમે તમારી જાતને બીજા સાથે સરખાવીને તેની પ્રતિક્રિયા કરો છો, તો તેનો અર્થ એ થાય છે કે તમે તમારી જાતની પૂરી કિંમત કરતાં નથી. તમે તમારા ઉપરના મનથી જ પ્રતિક્રિયા કરો છો તેનો સીધો અર્થ એ થાય છે કે તમે તમારી જાતની પૂરી કિંમત કરતાં નથી. તમે તમારા ઉપરના મનથી જ પ્રતિક્રિયા કરો છો તમારી બુદ્ધિથી નહીં. તમારૂં અભાન મન આ બધું જુએ છે અને તમારા માટે હિસાબ સમજવા તૈયાર હોય છે. અને તે બિન તાર્કિક રીતે પ્રતિક્રિયા કરે છે. જ્યારે તમારી આંતરીક બુદ્ધિ બાબતોને જેવી છે તેવી જ જુએ છે અને આગળ વધે છે.

જ્યારે, તમને જે ક્ષમતા મળેલી છે તેને તમે સમજતાં નથી; જ્યારે તમે તમારી રીતે જ પૂરતાં છો તે શોધી શકતાં નથી, ત્યારે આપો આપ જ તમારી અંદર જે છે તેના પર તમને વિશ્વાસનો અનુભવ થતો નથી, અને તમે બીજાઓનું અનુકરણ કરવાનું શરૂ કરો છો.

બુધ્ધ કહે છે : ‘સંબંધો સિવાય કશાનું અસ્તિત્વ જ નથી’. ધારો કે કોઈ નવા ગ્રહ પર તમે એકલાં જ હો તો તમે તમારી જાતને, તમે લાંબા છો અથવા ટૂંકા છો તેમ કહી શકો ? કદરૂપા છો અથવા સુંદર છો તેમ કહી શકો ? મને કહો! તમે તમારી જાતને કેવાં પણ નહીં કરી શકો, હું સાચો છું ? તમે માત્ર ‘તમે’ જ હશો ! બસ આટલું જ ! સમજી ગયા : આ જ સત્ય છે. તમે ‘આ’ પૃથ્વીના ગ્રહ પર હો તો પણ.

દરેક વ્યક્તિ તેની રીતે વિશિષ્ટ છે. તમે ઘોડાની અને સિંહની સરખામણી કરી શકો ? આપણે ક્યારેય આપણી જાતને ફૂલો સાથે, પક્ષીઓ સાથે અથવા પર્વતો સાથે સરખાવીએ છીએ ? આપણે માત્ર તેની સુંદરતાનો આનંદ માણીએ

છીએ બસ. ખરૂં કે નહીં? આવી જ રીતે તમે બીજાં માણસોને જોઈને તેનો આનંદ શા માટે ના માણી શકો?

દરેક માણસો એક સરખાં દેખાતાં હોવા છતાં, દરેક વિશિષ્ટ છે અને અલગ અલગ રસ્તે મુસાફરી કરે છે. જ્યાં સુધી તમે પણ તમારા રસ્તા પર પૂરી એકાગ્રતાથી મુસાફરી કરો છો, ત્યાં સુધી તમે દરેક મિનિટે પરિપૂર્ણતાનો અનુભવ કરો છો. તમે એ પણ જાણવાં માંગતા નથી કે બીજી વ્યક્તિના રસ્તે જોવાનો શું અર્થ છે.

એક નાની વાર્તા :

એક માણસ ગામડાંના અંધારામાં પોતાની ગાડી ચલાવી રહ્યો હતો. ત્યાં સ્ટ્રીટ લાઈટો પણ નહોતી અને તેની ગાડીની લાઈટ બગડી ગઈ હતી.

તેણે પોતાની સલામતી માટે આગળ જતી કારની પાછળ પાછળ ગાડી ચલાવવાનું નક્કી કર્યું. જેથી તે સલામત રીતે ગાડી ચલાવી શકે.

તેઓ થોડું અંતર ચાલ્યા અને આગળની કાર અચાનક ઉભી રહી ગઈ.

પાછળવાળો માણસ પેલી આગળની ગાડી સાથે અથડાઈ ગયો.

તેણે ચીસ પાડી; “તમારે ગાડી ઉભી રાખવી હતી તો સિગ્નલ કેમ ન આપ્યો?”

આગળના માણસે કારમાંથી માથું બહાર કાઢ્યું અને પૂછ્યું; “મારા પોતાના ગેરેજમાં પણ મારે સીગ્નલ આપવાનો છે?”

જો તમે તમારા પોતાના માર્ગ પર જ એકાગ્રતા રાખો તો તમે સતત પ્રગતિ કરો છો અને તમે તમારી ક્ષમતા વિસ્તારતા રહો છો. તમારે માત્ર તમારી સરખામણી તમારી જાત સાથે જ કરવાની જરૂર છે. બીજાઓ સાથે ક્યારેય નહીં. તમારે તમારી જાત સામે જ જીતવાનું છે, બીજાઓ સામે નહીં. બીજાઓ સાથે સરખામણી કરવામાં બગાડેલી દરેક મિનિટ, તમારી પોતાની ‘પ્રગતિ’માંથી એટલો સમય બગાડવા બરાબર છે.

બીજી નાની વાર્તા :

એક માણસ ૧૦૦૦ મીટરની દોડની હરીફાઈમાં દોડી રહ્યો હતો.

૨૦૦ મીટર દોડ્યા પછી, તેણે પાછળ ફરીને જોયું તો બાકીના દોડવાવાળા તેનાથી ઘણાં પાછળ હતાં. તે ખુશ થયો અને દોડવા લાગ્યો.

૫૦૦ મીટર પછી તેણે ફરી વખત પાછળ જોયું અને તેને ખુશી થઈ કે તે હજુ પણ આગળ હતો અને તે દોડવા લાગ્યો.

દરેક થોડા થોડા મીટર દોડ્યા પછી તેણે આવી રીતે પાછળ જોયા કર્યું અને છેલ્લે તે નજીવા ફરકથી જ હરીફાઈ જીતી શક્યો.

જો આ માણસે પાછળ ન જોયું હોત અને માત્ર ઝડપથી દોડવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો તે બહુ મોટા ફરકથી જીતી શક્યો હોત. મોટેભાગે તે નવો રેકોર્ડ બનાવી શક્યો હોત ! આવી જ રીતે આપણી જીંદગીમાં પણ જો આપણે બીજાઓ તરફ ધ્યાન આપવાને બદલે હંમેશા આપણી પ્રગતિ પર જ પૂરી એકાગ્રતા રાખીએ તો, આપણે આપણી પૂરે પૂરી ક્ષમતાનો ઉપયોગ કરી શકીએ. પરંતુ આપણે બીજાઓ તરફ ધ્યાન આપવામાં આપણી પૂરી ક્ષમતાનો ઉપયોગ કરવાનું ચૂકી જઈએ છીએ.

જરા તમારી જાતને બંધરૂમમાં પૂરીને વિશ્લેષણ કરો કે તમે બીજાઓ સાથે સરખામણી કરવામાં તમારી કેટલી શક્તિ અને સમય બગાડો છે; મને ખાત્રી છે કે ૬૦% થી પણ વધારે. ખાસ કરીને બીજી કોઈપણ બાબત કરતાં, સરખામણી અને ઈર્ષા તમારી શક્તિને વધારે ખલાસ કરી નાંખે છે. તમારૂં મન બીજાઓ પાસે જે છે, તે તેમણે કઈ રીતે મેળવ્યું તેની ગણતરીઓમાં રોકાયેલું રહે છે. તમારૂં મન ખૂબ જ ઉકળેલું રહે છે. આવી અનિચ્છનીય ગણતરીઓ પાછળ જ તમારી આખી સિસ્ટમ ખલાસ થઈ જાય છે. સરખામણી અને ઈર્ષાને કારણે તમે તમારી શક્તિ એમ જ ગટરમાં વહાવી દો છો.

આપણે બધો જ સમય પેટ્રોલ, પાણી અને ઈલેક્ટ્રીસીટીના બગાડની વાતો કરીએ છીએ. આપણી પોતાની શક્તિના બગાડનું શું ? આપણી પોતાની શક્તિને યોગ્ય રસ્તે વાપરવાનું શું ? આપણે આપણી પોતાની શક્તિ માટે સભાન કેમ નથી ? આપણને આપણી શક્તિ ઉપકાર રૂપે મળી છે એવું આપણે માનતા નથી. આ જ કારણ છે. આપણને બહારની શક્તિનાં સ્ત્રોતો વેડફાઈ જતાં લાગે છે, કારણ કે આપણે તે શક્તિને ભૌતિક રૂપે જોઈ શકીએ છીએ. પરંતુ આપણી પોતાની શક્તિને ગહન અજ્ઞાનતામાં ગમે તે રસ્તે વેડફી નાંખીએ છીએ અને પછી ફરીયાદ કરીએ છીએ કે આપણને પૂરતી શક્તિ મળી નથી.

જો તમે તમારા પોતાના વિસ્તરણ માટે તમારી બધી શક્તિનો ઉપયોગ કરો તો, જરા કલ્પના કરો કે તમે કેટલું બધું પ્રાપ્ત કરી શકો. તમે મુક્તિની લાગણી સાથે વિસ્તરી શકો અને તેનો આનંદ માણી શકો.

જરા સમજો, સરખામણી બાબતમાં એવું છે કે, તમે હંમેશા તમારી સૌથી નબળી કડી અથવા કાર્યને માપો છો. આ જ મુશ્કેલી છે. તમે આવું શા માટે કરો છો ? તમે તમારી જાતને ક્યારેય નબળી કડીથી માપો નહીં. તમારે મિથ્યાભિમાની બનીને તમારી જાત માટે મહાનતાનો દાવો કરવો ના જોઈએ. પરંતુ અમુક સ્વભિમાન હોવું જોઈએ અને જુઓ કે તમે તમારી જાત પૂરતાં વિશિષ્ટ છો. પછી તમારે તમારી જાતને આ રીતે માપવી નહીં પડે.

જ્યારે તમને સ્વમાન હોય છે ત્યારે તમે દરેકને વિશિષ્ટ અને કિંમતી ગણો છો અને સમજો છો કે આમાં સરખામણીને અવકાશ જ નથી. આપણી જાત માટે કંઈક હોવાની લાગણી અનુભવવા માટેનું આ પહેલું પગલું પણ છે !

એક નાની વાર્તા :

એક રાજા, પોતાના પાડોશી રાજાઓથી વધારે શક્તિશાળી બનવાની જાદુઈ શક્તિ મેળવવા એક ગુરુ પાસે ગયો.

તે ગુરુની સામે બેઠો અને પોતાની મુલાકાતના હેતુ વિષે કહેવાનું શરૂં કર્યું.

ગુરુએ ધીરજથી રાજાને સાંભળ્યો.

પછી તેણે રાજાને કહ્યું કે, તમે મારા બગીચામાં જાવ. બગીચામાં ગુલાબનો છોડ અને સાયપ્રસનો છોડ બાજુ બાજુમાં જ ઉગીને વિકસી રહ્યાં હતાં. ગુરુએ કહ્યું; “આ તમારા શિક્ષકો છે. તમારે જે શીખવાની જરૂર છે તે તમને શીખવશે.

રાજા બગીચામાં ગયો, તેણે બન્ને છોડને જોયાં અને તેની પાસેથી શું શીખવાનું છે તે સમજી શક્યો નહીં. તે ગુરુ પાસે પાછો આવ્યો અને પૂછ્યું : “ગુરુ તમારો કહેવાનો મતલબ શું છે ? તે બે છોડ મને શું શીખવે છે તે હું સમજી શક્યો નહીં”.

ગુરુ રાજનને છોડવા પાસે લઈ ગયો અને સમજાવ્યું; “આ સાયપ્રસનો છોડ ઘણાં વરસોથી ગુલાબના છોડની બાજુમાં ઉગેલો છે. તેણે ક્યારેય એવી ઇચ્છા વ્યક્ત કરી નથી કે તેને ગુલાબનો છોડ બનવું છે. આવી જ રીતે ગુલાબના છોડે પણ ક્યારેય સાયપ્રસ બનવાની ઇચ્છા વ્યક્ત કરી નથી. તેઓ બસ રોજ વધવાની, ખીલવાની પોતાની ફરજ બજાવે છે. જો માણસ સાયપ્રસનો છોડ હોત તો, તેણે પોતાની જાતને ગુલાબ સાથે સરખાવી હોત અને ઈર્ષા અનુભવી હોત કે ગુલાબ તરફ લોકો વધારે ધ્યાન આપે છે અને મારા તરફ ઓછું. અથવા જો માણસ ગુલાબ હોત તો, તેણે સાયપ્રસ તરફ અદેખાઈથી જોયું હોત અને વિચાર્યું હો કે સાયપ્રસને કેવી શાંતિ છે લોકો તેનાં ફૂલ તોડીને તેને ત્રાસ આપતાં નથી” !

છેલ્લે ગુરુએ કહ્યું : “આ જાદુઈ શક્તિ છે જે તમે મેળવી શકો છો !”

તમે જોયું : બન્ને છોડ સારી રીતે વિકસી રહ્યાં હતાં કારણ કે તેઓ પોતાની બધી જ શક્તિનો ઉપયોગ પોતાના વિકાસમાં કરી રહ્યાં હતાં. પોતની શક્તિનો એક કણ પણ બીજાના વિકાસનું વિશ્લેષણ કરવામાં વેડફતાં નહોતાં.તેમણે પોતાની પાસેની સોએ સો ટકા શક્તિ પોતાના જ વિકાસ માટે વાપરી હતી.

આવી જ રીતે, જો તમે તમારી બધી જ શક્તિ જાત સાથેની હરીફાઈમાં વાપરો તો તમે અસીમ વિકાસ કરી શકો છો. અને જ્યારે તમે પાછળ જોશો ત્યારે તમે માની પણ નહીં શકો કે તમે આટલો બધો વિકાસ કરી શક્યા છો. ખલેલ વગરની અને કાયમી શાંતિ પ્રાપ્ત કરવાનો આ જ એક માત્ર રસ્તો છે.

સમજી ગયા, ‘ખલેલ વગર’ની શાંતિ કેટલી મહત્વની છે. તમે જ્યારે બીજા સાથે દોડો છો ત્યારે તમને ટૂંકા સમયની શાંતિ મળે છે, જે માત્ર દરેક ઇચ્છાપુરી થાય ત્યાં સુધી જ ટકે છે અને જે ક્ષણે બીજી સરખામણી કરો છો કે તરત જ તે શાંતિ અદૃશ્ય થઈ જાય છે. બીજી બાજુ જ્યારે તમે ફક્ત તમારી જાત સાથે જ દોડો છો અને અસરકારક રીતે વિકસો છો, ત્યારે તમારી અંદર ખલેલ વગરની શાંતિ હોય છે.

બીજાઓ દ્વારા ‘ખલેલ વગરની’ શાંતિમાં અદ્ભૂત મુક્તિનો અનુભવ થાય છે. સ્પષ્ટતાથી સમજી લો : જે ક્ષણે તમને એમ લાગે કે તમને બીજી વ્યક્તિથી ખલેલ પહોંચે છે, તેનો અર્થ છે ક્યાંય કોઈ અડચણ છે, કંઈક તમારી સમજણમાં જ ખામી છે.

‘સમાજ’ જ એક એવું નામ છે જે તમને તમારી પોતાની નબળાઈઓ આપે છે; તમારી સ્પષ્ટતાઓમાં ઉપણ લાવે છે. સમાજ જેવી કોઈ બાબત જ નથી. આકાશ જ સીમા છે અને આકાશ બીજી કોઈ બાબત નથી ! વિસ્તરવું એજ જીવન છે! સંકોચાવું તે મૃત્યુ છે. તમે તમારી અંદર જ સ્પષ્ટ નથી તેથી તમે તેને માટે લોકોને દોષ આપો છો.

જે ક્ષણે, તમે બીજાઓનાં સ્વપ્નાંને તમારી વાસ્તવિકતા બનાવવાનાં વર્તુળમાં ફસાઈ જાવ છો, તે ક્ષણથી જ તમે ઉંદરોની દોડની હરીફાઈમાં છો. સરખામણી અને ઈર્ષા, બીજાઓનાં સ્વપ્નાઓને પોતાના માટે હકીકતમાં ફેરવવાનો પ્રયત્ન કરવા સિવાય બીજું કશું જ નથી. આ ઉંદરોની દોડમાં દોડવા માટે શક્તિ જોઈએ છે. શક્તિ તમારા સ્વપ્નાંઓને હકીકતમાં ફેરવે છે. પરંતુ સાચી પ્રાપ્તિ એ છે કે ‘વાસ્તવિકતા’ તમારું ‘સ્વપ્નું’ છે એમ સમજવું. આ સમજવા માટે તમારે શક્તિની જરૂર પડતી નથી; તમને બુદ્ધિ અથવા જ્ઞાનની જરૂર પડે છે.

શક્તિ તમારાં સ્વપ્નાને હકીકતમાં ફેરવે છે જ્યારે જ્ઞાન તમને એ સમજાવે છે કે હકીકત જ ‘તમારું સ્વપ્નું છે’. જ્ઞાન તમને સમજાવે છે કે તમારે જે જોઈએ છે તે ‘તમે છો’ જ. તમારે તેના પ્રત્યે બસ જાગૃત થવાનું છે, અને તમે બીજું જે કાંઈ હકીકતમાં મેળવવાનો પ્રયત્ન કરો છો તે ફક્ત ઉછીનું લીધેલું છે અને ભ્રમિત છે.

સૌથી પહેલાં સમજો, તમારે કોઈની પાસેથી પદવી મેળવવાની જરૂર નથી. તમારી પોતાની બુદ્ધિમાં વિશ્વાસ મુકો અને તમારી ગુણવત્તા નક્કી કરો. અલબત્ત દુનિયામાં પણ માનવજાતની સેવા કરવા માટે ઘણું બધું મેળવવાનું છે અત્યારે તમે મને જે માઈક્રોફોનથી સાંભળી રહ્યાં છો તે વિજ્ઞાનની જ સિદ્ધિ છે.

પરંતુ એ પણ સમજી લો કે, તમારી અંદરની દુનિયામાંથી ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે. બહારની દુનિયાની બધી જ પ્રાપ્તિઓ આકસ્મિક છે. તે તમને નામ, કિર્તી અને પૈસા આપશે. સાચી પ્રાપ્તિ તો અંદરની દુનિયામાં છે.

તીવ્ર જાગ્રતતા સાથે તમારી જાતને તમારામાં કેન્દ્રીત કરો અને તળાવમાં જેમ કમળ પાણીને સ્પર્શ કર્યા વગર જ ખીલે છે, તેવી જ રીતે બહારની દુનિયાની પ્રવૃત્તિઓમાં સરળતાથી ભાગ લો. પરીઘ પરનાં કામોમાં ખલેલ પહોંચાડ્યા વગર જ તમે તમારી અંદર જ કેન્દ્રીત રહો. પછી જ તમે બહારની દુનિયાના કાર્યો વધારે સારી રીતે કરી શકશો, કારણ કે તમારી આંતરીક બુદ્ધિનો વિકાસ થતો રહેશે જે તમને કામ કરવામાં અને તેનાં જે પરિણામો આવશે તેના ફક્ત સાક્ષી બની રહેવામાં માર્ગદર્શન આપશે. પછી તમે આપોઆપ બહારની દુનિયાની પ્રાપ્તિઓ વચ્ચે ઝુલતા અટકી જશો અને તમારી જાતમાં કેન્દ્રીત રહીને સ્થિરતા અને આનંદનો અનુભવ કરશો. સરખામણી અને ઈર્ષામાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો તમારું કેન્દ્ર શોધી લેવું તે જ છે.

આજે કેટલાં જાણીતાં સફળ વેપારીઓ, પોત પોતાની (ડિપ્રેસન) હતાશાનો સામનો કરીને સફળ થયા છે ? તેમણે તેમને જે જોઈતું હતું તે બધું જ મેળવ્યું છે; તેમણે તેમનાં પોતાના અને ઉછીનાં લીધેલા સ્વપ્નાઓ સાકાર કર્યા છે. બધું જ મેળવ્યું છે. પરંતુ તમને પરિપૂર્ણતાને અનુભવ થતો નથી; તેમની અંદરતો શૂન્યાવકાશ જ છે.

તેઓ શા માટે આટલું બધું દોડ્યા છે તેની તેમને નવાઈ લાગે છે. જે ઈચ્છાઓ અને લાગણીઓએ તેમને ઉંદરોની દોડની હરીફાઈમાં ધકેલ્યા છે તે હવે વધારે નથી રહી. તેઓ પોતાની જાત માટે જ ગુંચવણમાં પડી ગયા છે. તેમને એવું લાગે છે ધંધા વખતે તેમની પોતાની જાત પર જે પકડ હતી તે નબળી પડતી જાય છે.

આમ થવાનું કારણ એ છે કે તેઓ જાગૃતતા વગર દોડ્યા છે, પોતાની જાત માટે સમય કાઢીને, અટકીને, પોતાની જાતની કોઈ તપાસ કર્યા વગર જ દોડ્યા છે. પરીણામે, જ્યારે તેઓ દોડવાનું બંધ કરે છે અથવા એકાએક તેઓ વધારે દોડી શકતાં નથી, ત્યારે તેઓ પોતાની જાત પાસે આવે છે અને અચાનક તેમને ખ્યાલ આવે છે કે, તેઓ પોતાની જાત સાથે સ્વસ્થ નથી, આ ‘ડિપ્રેસન’ અથવા ‘રોગ’ બની જાય છે. ‘અસ્વસ્થતા’ બની જાય છે.

તમે જ્યારે ડીપ્રેસન પર સફળતા મેળવવામાં પડો છો, તમે ત્રણ રીતે તે કરી શકો છો. એક છે, ડ્રગ્સની આદત જે તમને વધારે ડીપ્રેસન તરફ લઈ જાય છે. બીજી રીત છે, આત્મહત્યા - જે ભાગેડુ વૃત્તિ છે, કાયરતા છે. ત્રીજો રસ્તો છે મેડિટેશન : ઉકેલ માટે પોતાની અંદર જોવું. બુદ્ધિશાળી વ્યક્તિ ત્રીજો રસ્તો જ પસંદ કરે છે.

પોતાની જાતની તપાસ કરવી તેજ હતાશામાંથી બહાર આવવાનો ખાત્રી બંધ રસ્તો છે. સમસ્યા અંદર છે. જ્યારે તમે તેનો ઉકેલ બહાર શોધો છો. તમે તમારી જાતની ઘણા બધા સમયથી ઉપેક્ષા કરી છે. અને તમને જે ડીપ્રેસનહતાશાનો અનુભવ થાય છે, તે તમારી જાત તમને હાંક મારીને બોલાવે છે. આટલા માટે ગુરુઓ તમારી જાતને તમારા ‘સ્વ’માં કેન્દ્રીત કરવાની પધ્ધતિઓ વારંવાર આપે છે અને તમને પરિઘ પરથી કેન્દ્રમાં આવવાનું શીખવે છે.

જ્યારે આ વાત, તમે જ્યારે તમારી કારકીર્દીની ટોચ પર હો ત્યારે જો કહેવામાં આવશે તો તમે તેના પુરતું ધ્યાન જ નહીં આપો, કારણ કે તમારી પાસે પૂરતી શક્તિ હોય છે, તમે જેટલી શક્તિ સાથે લઈને આવ્યા છો તે બધી શક્તિ કે જેનાથી તમે કેન્દ્રની બહાર રહેવાથી ઉભી થતી પડતીઓનો સામનો કરી શકો. એક વખત તમારી આ શક્તિ નબળી પડવાનું શરૂ કરે, એટલે તમને એવું લાગવા માંડે છે કે, ક્યાંય કશુંક ખોટું છે અને આ 'કશુંક' એ છે, જેના વિષે ગુરુઓ તમને વારંવાર કહે છે.

મહાન ભૌતિક વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન તેની મરણ પથારી પર સૂતો હતો.

તેની આજુબાજુમાં થોડા અંગત લોકો બેઠા હતાં.

તેમાંથી એક જણાએ તેને પૂછ્યું, તમને ફરી વખત જન્મ લેવાનું મળે તો તમે શું બનવાનું પસંદ કરો.

બધાંને એવી અપેક્ષા હતી કે આઈન્સ્ટાઈન એમ કહેશે કે, અત્યારે છે તેનાથી મહાન વૈજ્ઞાનિક બનાવાની અથવા એના જેવું બીજું કંઈક બનવાની ઈચ્છા રાખું છું.

આઈન્સ્ટાઈનને જવાબ આપ્યો; “જો મારે પુનર્જન્મ લેવાનો થશે તો હું પલમ્બર તરીકે જન્મવાનું પસંદ કરીશ.”

તેણે વિચાર્યું કે, મેં મેળવવા જેવું બધું જ મેળવી લીધું, પરંતુ પોતાના માટે જે મેળવવાનું હતું તેનું શું ? તે તેને નહોતું મળ્યું. તેણે જગતને મહાન સત્યો આપ્યાં, પરંતુ તેને લાગ્યું કે તેની પોતાની જીંદગી એક જુઠાણું બની ગઈ. તેના છેલ્લા દિવસો દરમ્યાન, તેણે પોતાની વિતીગયેલી આખી જીંદગી વિષે વિચાર્યું, તો તેને લાગ્યું કે બહારની દુનિયાના બનાવોમાં શું બને છે તે શોધવામાં ફસાયેલો રહ્યો અને અસ્તિત્વ સાથેનો ગહન સંબંધ ગુમાવી બેઠો.

આટલા માટે જ તેણે બીજા જન્મમાં પ્લમ્બર બનવાનું કહ્યું અને ફરી વખત વૈજ્ઞાનિક નહીં. તમે જ્યારે તમારી બહારની દુનિયાની પ્રવૃત્તિઓમાં ટોચ પર હો ત્યારે પણ તમારી જાતને મશીન ના બનવા દો. આ કામ આધ્યાત્મિક વ્યક્તિ માટે સહેલું અને ભૌતિકવાદી વ્યક્તિ માટે મુશ્કેલ છે.

તમે સમજો, સરખામણી અને દોડની આખી પ્રક્રિયામાં હકીકતમાં તમે મશીન બની જાવ છો. તમારી મોટાભાગની રોજીંદી ક્રિયાઓ અભાનતામાં જ થતી હોય છે. તમે સભાન પણે પ્રયત્નો કર્યાવગર જ કાર ચલાવી શકો છો. તમે કારની જેવા મશીન બની જાવ છો.

સવારે બ્રશ કરવાથી શરૂ કરીને રાત્રે પથારીમાં જતાં સુધી, તમે અગાઉથી ચાવી દીધેલાં રોબોટની જેમ કામ કરો છો, તમારી જાત પ્રત્યે બિલકુલ જાગ્રતતા બતાવ્યા વગર જ. તમે જે કોઈ કામ કરો છો. તે પૂરી કુશળતાથી કરો છો. તેમાં શંકા નથી. પરંતુ તમે તમારું માનવપણું ગુમાવી દીધું હોય છે ! તમે જે હેતુ માટે આ દુનિયામાં જન્મ્યા છો તેનાથી તમે ઘણાં બધાં દૂર જતાં રહ્યાં હો છો. તમે તમારા પોતાના 'સ્વ'થી ઘણાં વિખુટા પડી ગયા હો છો !

તમે જ્યારે સતત જાગ્રતતામાં હો છો, ત્યારે તમે દરેક બાબત માત્ર પુરી કુશળતાંથી જ નથી કરતાં, પરંતુ તમારી સમગ્રતાથી કરો છો; પરિપૂર્ણતાની લાગણી સાથે કરો છો. કારણ કે તમારો 'સ્વ' અસ્તિત્વ સાથે જોડાયેલો હોય છે; તમે પૃથ્વી પર મૂળીયાં રાખીને ઊડી રહ્યા હો છો. તમે જ્યારે આના વગર ઉડો છો, ત્યારે તમે હંમેશા ગમે તે ક્ષણે પડી જવાશે તેવા ભયમાં હો છો. માટે સમજી લો, જાગ્રતતા સાથે કામ કરવાથી તમે ફક્ત તમારી કુશળતાજ નથી વધારતા પરંતુ તમને ખાત્રી હોય છે કે તમે તમારા 'સ્વ'થી ભટકી નથી જતાં. તમે તમારી જાતમાં પૂરેપૂરાં કેન્દ્રીત રહી શકો છો.

બરાબર છે. હવે આપણે ઈર્ષા વિષે વધારે વાત કરીએ ! તમે બધાં જાણો છો તેમ ઈર્ષા સરખામણીમાંથી આવે છે. કોઈપણ બાબતમાં જ્યારે આપણે બીજાની શ્રેષ્ઠતા સહન નથી કરી શકતાં ત્યારે આપણે ઈર્ષા કરવાનું શરૂ કરી દઈએ છીએ. ઈર્ષા થવા માટેનાં ઘણાં બધાં કારણો હોય છે.

દાખલા તરીકે, જે ક્ષણે તમે જુઓ છો કે, બીજી વ્યક્તિ તમારા કરતાં વધારે સુંદર છે. ત્યારે તમે તે બાબત સહન કરી શકતાં નથી, તમારી અંદર ધમસાણ મચી જાય છે. અને તમને લાગે છે કે ઈર્ષા થવી સ્વાભાવિક છે, કારણ કે બીજી વ્યક્તિ તમારા કરતાં વધારે સુંદર છે.

સૌથી પહેલાં એક વાત સમજી લો : ભગવાન કલાકાર છે. એન્જીનીયર નથી. જો તે એન્જીનીયર હોય તો, તેણે દરેક સ્ત્રી અને દરેક પુરુષની આકૃતિ એક સરખી જ બનાવી હોત. મોટે ભાગે તો તેણે દરેક સ્ત્રીને ભુતપુર્વ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય જેવી જ બનાવી હોત ! તેને અતિશય સુંદર સ્ત્રી માનવામાં આવે છે. ખરૂં ને ? અને તેણે દરેક પુરુષને ઋતિક રોશન અથવા શાહરૂખ ખાન જેવો જ બનાવ્યો હોત !

પરંતુ ભગવાન એન્જીનીયર નથી. તે કલાકાર છે. તેણે દરેકને વિશિષ્ટ રીતે બનાવ્યા છે.

તમે તમારી જાત પૂરતા પૂરેપૂરાં સુંદર છો. દરેક વ્યક્તિ સુંદર છે. તમે સુંદરતાને કઈ ફૂટપટ્ટીથી માપો છો ? તેનું કોઈ ચોક્કસ માપ જ નથી. આ બધા તમારા વિચારો અને ખ્યાલો છે અને જરા વિચારો, જો તમારા કહેવાતા સુંદર ફિલ્મી કલાકારો તમારો આદર્શ હોય તો, તમને તેમના તરફથી એક ચાનો કપ પણ આનંદ કરવા માટે મળવાનો છે.

તમને ખબર છે ? જે આંખો બીજાના શરીર તરફ લંબાયેલી નથી હોતી, તે આંખોમાં એક ચોક્કસ પ્રકારની સુંદરતા અને નિખાલસતા હોય છે ? ભગવાને તમને જેવા બનાવ્યા છે તેમાં શ્રધ્ધા રાખો. તમને જ્યારે તેનામાં શ્રધ્ધા નથી હોતી ત્યારે જ તમે બધા પ્રકારની બુધ્ધિ વગરની પધ્ધતિઓમાં ડૂબેલા રહો છો. તમે જ્યારે તમારી જાતનો સંપૂર્ણ પણે સ્વીકાર કરી લો છો, ત્યારે તમારામાં એક ચોક્કસ પ્રકારનું આકર્ષક લાવણ્ય આવે છે. આ લાવણ્ય તમારી કહેવાતી સુંદરતા કરતાં અતિશય શ્રેષ્ઠ હોય છે.

તમે સમજો શારીરિક સુંદરતા એક બાબત છે અને લાવણ્ય બીજી જ બાબત છે. શારીરિક સુંદરતા તો ગમે તે અર્થમાં મેળવી શકાય છે. સૌંદર્ય પ્રસાધનો, પ્લાસ્ટીક સર્જરી, અને બીજી સર્જરીની પધ્ધતિઓ. પરંતુ, લાવણ્યતો અદ્ભૂત આત્મવિશ્વાસમાંથી અને તમારી અંદરની શાંતિમાંથી આવે છે; જ્યારે તમારી અંદર તૃષ્ણા નથી હોતી; જ્યારે તમે તમારી સાથે પૂરા અનુકુળ હો છો.

તમે જ્યારે તમારી જાતનો સમગ્રતાથી આનંદ માણો છો, ત્યારે તમારામાં લાવણ્ય આવે છે અને તમે તમારી આજુબાજુના કહેવાતા સુંદર લોકો કરતાં વધારે સુંદર દેખાવ છો. તમે પછી તમારી પોતાની જ ફેશન ઉપસાવો છો.

હું જ્યારે પહેલી વખત અમેરિકા ગયો હતો ત્યારે એરપોર્ટ પર મને ઓફિસરો એ પૂછ્યું હતું કે, તમે આવો કેસરી લાંબો ઝભ્ભો પહેર્યો છે અને તમે બોલશો તો લોકો તમને કેવી રીતે સાંભળશે. મેં તમને કહ્યું; “મને એક અઠવાડિયાનો સમય આપો હું આ પોશાકને અમેરિકાની ફેશન બનાવી દઈશ.” લીડર એજ બની શકે છે જેણે પોતાની જાતને સંપૂર્ણ પણે સ્વીકારી લીધી હોય. તમે જ્યારે તમારી જાતને સ્વીકારી લો છો ત્યારે તમે એક વિશિષ્ટ પ્રકારનું ફુલ બની જાવ છો અને તમારામાં અદ્ભુત સ્વતંત્રતા અને વિશ્વાસ આવી જાય છે. તમારા શરીર પ્રત્યેનો તમારો બધો જ ધિક્કાર અને દોષભાવના, શુધ્ધ આત્મવિશ્વાસ અને લાવણ્યમાં રૂપાંતરિત થઈ જાય છે.

તમારા પોતાનાં શરીર સાથે જીવતાં શીખી જવું તે અતિ મહત્વનું છે. જે ક્ષણે તમે એવું વિચારો છો કે, બીજાનું શરીર અથવા બીજાનો નાક નકશો તમારાં કરતાં વધારે આકર્ષક છે, એ જ ક્ષણે તમે તમારા શરીર અને તમારી જાત વચ્ચે અવકાશ ઉભો કરો છો.

મેં એવા લોકોને જોયાં છે, જે પોતાના રૂમની દિવાલો ઉપર મોડેલોના ફોટાઓ લગાવી રાખે છે અને પોતાના શરીરનો આકાર મોડેલ જેવો બનાવવા માટે કસરત કરતાં હોય છે. સ્પષ્ટતાથી સમજી લો : તમે જ્યારે એવું વિચારો છો કે બીજાનું શરીર વધારે સુંદર છે, ત્યારે તમે તમારી અને તમારા ‘સ્વ’ વચ્ચે અંતર પેદા કરો છો.

અભાનપણે બીજાના શરીર તરફ જોવાથી તમારી જાત પર અનિચ્છનીય આડ અસરો પેદા થાય છે. આપણામાંનાં

કોઈપણ પોતાનાં શરીરને ગહનતાથી ચાહતા નથી. આપણે તેને એક બોજની જેમ ઉઠાવીને ફરીએ છીએ, બસ આટલું જ. આપણા માટે તે એક લૉજિંગ-બોર્ડીંગના ખ્યાલ જેવું જ છે બસ. આપણે ક્યારેય પૂરેપૂરાં આપણાં શરીરમાં હોતા નથી કારણ કે આપણે તેને ધિક્કારીએ છીએ. આપણે આપણાં શરીરમાં હોવાને બદલે બીજે બધે જ હોઈએ છીએ. આથી જ આપણે સતત અસ્વસ્થ હોઈએ છીએ અને આપણે ગમે ત્યારે અંદરથી ફાટવા માટે તૈયાર હોઈએ છીએ.

દાખલા તરીકે : તમારો ડ્રાઈવર કોઈ નાની સરખી ભૂલ કરે છે, તો તમે તેના પર તૂટી પડો છો. અને તમારા કામ પર પણ તમે ખરાબ મૂડમાં હો છો. એવું ન માનો કે, આનું કારણ તમારી આસપાસના લોકોમાં છે. લોકો મને કહે છે; “માસ્ટર, મારા બધા જ કર્મચારીઓ કુશળતા વગરનાં છે એટલે જ હું ઉશ્કેરાઈ જાવ છું.” મહેરબાની કરીને સમજી લોઃ તમારા ઉશ્કેરાટનું આ કારણ નથી, એ ખૂબ જ છૂપું કારણ છે અને તેથી જ તેને સમજવું મુશ્કેલ છે.

તમારે સતત તમારો દેખાવ બદલવો હોય છે. સમજી લો, તમારું શરીર ભગવાન તરફથી મળેલી ભેટ છે તમે જ્યારે એવું વિચારો છો કે, તમારામાં ઉણપ છે એ વખતે તમે સૌથી પહેલાં તમારી જાતને જ નુકસાન પહોંચાડો છો.

યસ કોઈ પ્રશ્ન ?

“માસ્ટર, તમારો ચહેરો મને દરેક વખતે બદલાયેલો લાગે છે. આ મારી કલ્પના છે કે એ સાચું છે ?”

જુઓ, અને સમજો; મારી જાત કોઈપણ અહમ્ વગરની પ્રવાહી છે. હું બસ અસ્તિત્વની સાથે પ્રવાહિત થતો રહું છું અને હું જે કંઈ વ્યક્ત કરું છું, એ એક પ્રવાહની જેમ વહ્યા કરે છે. અને તમને તે મારા ચહેરામાં દેખાય છે. માટે જ તમને મારો ચહેરો દરેક વખતે બદલાયેલો લાગે છે. આપણે જ્યારે હવે પછીના ‘ચક્ર’ ‘આજ્ઞા (Ajna) ચક્ર’ વિષે વાત કરીશું, ત્યારે તમને સમજાશે કે અહમ્ વગરની સ્થિતિ કેવી રીતે પ્રવાહીત થઈને વ્યક્ત થાય છે.

યસ . . .

“માસ્ટર, આપણે ઈર્ષા અને માલિકીપણાંના ભાવમાંથી બહાર કેવી રીતે આવી શકીએ ?”

હા. આપણે તેમાંથી કેવી રીતે બહાર આવી શકીએ. તમે આ પ્રશ્ન પૂછ્યો છે એ જ બતાવે છે તમે વધારે સમજણ મેળવવા તૈયાર છો.

એક બાબત સમજી લો : માણસ જાત પર ક્યારેય કબજો કરી શકાતો નથી. તમે જ્યારે તેને કબજામાં લેવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે હકીકતમાં તેમાં વસ્તુનું આરોપણ કરો છો. તમે વ્યક્તિને મૃત વસ્તુ બનાવી દો છો. અને માત્ર મૃત વસ્તુઓનાં જ માલિક બની શકાય. આ ખૂબ જ સ્પષ્ટ સમજી લો. પછી તમે તમારી અંદર પેદા થતાં માલિકી ભાવ અને ઈર્ષાથી મુક્ત થઈ જાવ છો.

તમે સમજો દરેક માણસ વહેતી નદી જેવો છે, અને તેની પાસે જે છે તેમાં ખુશ છે, બસ. તમે નદીને કબજામાં લેવાની કોશિશ કરી શકો ? તમે જો પાણીને તમારા હાથમાં પકડવાનો પ્રયત્ન કરો તો, તમે તે મુર્ખાઈભર્યું કામ કરો છો, ખરૂ કે નહીં ? આવી જ રીતે લોકોનાં માલિક બનવાની કોશિશ ના કરો. તેઓ જે છે તેમાં જ આનંદ લો બસ. અને તમે ઈર્ષાની પકડમાંથી મુક્ત થઈ જશો.

પછી તમે સમજી જાવ છો કે, માલિકી પણાંનો ભાવ, તમારા ખૂબ જ ગુંચવાડા ભરેલા મને પેદા કર્યો છે અને તેણે જ તેને આટલી બધી શક્તિ આપી છે.

તમે જ્યારે કોઈ વ્યક્તિને કબજામાં લેવાનો પ્રયત્ન કરો છો, ત્યારે તે પેલી વ્યક્તિ માટે પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તમે તમારા બધાં જ વિચારો તેના પર થોપવાનું શરૂ કરો છો. અને તેને તમારા જ વિચારો પ્રમાણે વર્તવું પડે છે. તેને કેદમાં પુરાયા છીએ તેવું લાગશે. તે તેનાં વ્યક્તિત્વમાં વિભાજીત થઈ જાય છે. તે તમારી સાથે તેના કુદરતી ‘સ્વ’ સાથે રહી શકે નહીં.’ અને આને સંબંધ કહી શકાય નહીં !

જો તમે વ્યક્તિને ખરેખર પ્રેમ કરતાં હો, તો તેને મુક્ત રાખો ! તેના માલિક બનવાનો પ્રયત્ન ના કરો; ત્યાર પછી જ સાચો સંબંધ ખીલી શકે છે; પછી સંબંધ, ગહન પ્રેમ સિવાય બીજી કોઈ બાબત પર અવલંબિત હોતો નથી. તમે જ્યારે તેને કોઈ બાબત સાથે લટકાવી દો છો, ત્યારે તમે તેને ચૂકી જાવ છો. કોઈપણ જાતના બંધન વગર, બસ પ્રેમ કરો.

મને એક વાર્તા યાદ આવે છે :

દક્ષિણ ભારતમાં એક દૂરનાં ગામમાં, જ્યાં લોકો સંસ્કૃતિનું અસ્તિત્વ પણ નહોતાં જાણતાં, ત્યાં એક યુગલ રહેતું હતું. ગામમાં પહેલી વખત મેળો ભરાયો હતો.

પેલો માણસ મેળમાં ગયો અને મેળમાં પ્રદર્શનમાં મૂકેલી બધી જ ચીજો જોઈ.

એણે અરીસો ઊંચક્યો અને તેની અંદર જોતાં જ ભયથી ચકિત થઈ ગયો !

તેણે જીંદગીમાં ક્યારેય પહેલાં અરીસો જોયો જ નહોતો.

તે તેને પોતાની સાથે ઘરે લઈ ગયો.

એ તો વારંવાર આવતા જતાં અરીસો લઈને અંદર જોતો અને તેની પત્ની જુએ તે પહેલાં જ પાછો મૂકી દેતો.

ગમે તેમ પણ તેની પત્નીના ધ્યાનમાં આ વાત આવી ગઈ અને જ્યારે એક દિવસ તેનો પતિ બહાર ગયો હતો ત્યારે તેણે અરીસો લઈને તેની અંદર જોયું.

તે મોટેથી બરાડી ઉઠી; “બીજી સ્ત્રી ! હું વિચારતી હતી તે સાચું જ હતું !”

આપણી કલ્પનાઓનો ક્યારેય અંત આવતો જ નથી તેનું કારણ છે આપણી માલિકી ભાવના અને ઈર્ષા ! મોટેભાગે ક્યારેય આપણી કલ્પનાઓનો વાસ્તવિકતા સાથે કોઈ મેળ જ હોતો નથી.

આપણે જો જરા અટકીએ અને ઈર્ષાની અંદર ગહનતાથી જોઈએ તો, તો આપણે સમજી શકીએ કે તે પાયા વગરની અને બિન જરૂરી છે.

અલબત્ત તમે કહી શકો; “માસ્ટર, મારો પતિ અથવ મારી પત્ની બીજા સાથે આંખો લડાવે અને, હું શાંત કઈ રીતે રહી શકું.” જો ખરેખર તમારો પતિ અથવા પત્ની બીજાં સાથે આંખો લડાવતાં હોય તો, આખી બાબતમાં ગંભીરતાથી જુઓ અને એ પણ પૂરી જાગૃતતા સાથે, અભાનતામાં કોઈપણ પગલું ભર્યા વગર. તમે જ્યારે માલિકી ભાવ અને ઈર્ષામાં જાગ્રતતા સાથે જુઓ છો ત્યારે તમે વધુ પડતી અજુગતી કલ્પનાઓ અને લાગણીઓથી જકડાયેલાં નથી હોતાં. તમે દરેક બાબતને યોગ્ય રીતે જોઈ શકો છો અને યોગ્ય રીતે વર્તો છો અને યોગ્ય નિર્ણય લો છો.

તમે તમારી જાતને મારે ઈર્ષા નથી કરવી, એમ કહીને તમે તેમાંથી બહાર આવી શકો નહીં. જો તમે આખી બાબતમાં જાગ્રતતા લાવો અને તેનો ગહનતાથી સમજો તો જ તમે તેમાંથી બહાર આવી શકો.

એક વખત તમે સમજી જાવ કે ઈર્ષા, વસ્તુ વગરનો પડછાયો છે, પછી તમને ભાન થાય છે કે તે કેવી અર્થહીન છે અને તેણે તમને કેટલો માનસિક સંતાપ આપ્યો છે. ઈર્ષામાંથી મુક્ત થવું એ વ્યક્તિએ જીવનમાં મેળવેલી મહાન મુક્તિ છે.

તમારી ઈર્ષાને દોષિત ઠરાવીને તેનો વિરોધ પણ ન કરો. માત્ર ઈર્ષાને દોષિત ઠરાવીને તેનો વિરોધ કરવાથી ઈર્ષામાંથી મુક્ત થવાતું નથી, કારણ કે તમે જ્યારે તેનો વિરોધ કરવાનું શરૂ કરો છો એ જ બતાવે છે કે અંદર ક્યાંક ઘા છે, જેને તમે ઢાંકવાનો પ્રયત્ન કરો છો.

તમે કોઈ એક બાબત માટે ઈર્ષાને દોષિત ઠરાવીને તેનો વિરોધ કરીને કદાચ તમે તે એક ચોક્કસ બાબત માટે ઈર્ષામાંથી મુક્ત થશો, પરંતુ તમે સરળતાથી બીજી બાબતની ઈર્ષામાં ફસાઈ જશો. બસ આટલું જ. આ ‘દ્રાક્ષ ખાટી છે’ કહીને બીજા દ્રાક્ષના બગીચામાં જવા જેવું છે ! માટે કોઈ બાબત પ્રત્યેની ઈર્ષામાંથી બહાર આવવાનો પ્રયત્ન કરવો તે સમસ્યાનો સાચો ઉકેલ નથી. તમારે એક જ બાબત પર કામ કરવાની જરૂર છે અને તે છે ‘તમે પોતે.’

હંમેશા યાદ રાખો : તમને એવું લાગતું હોય કે અમુક લાગણી તમારા વિકાસમાં અવરોધરૂપ છે અને તમારે તેમાંથી બહાર આવવું હોય તો, તે લાગણીનો પ્રતિકાર ન કરો. તમે જ્યારે તેનો પ્રતિકાર કરો છો ત્યારે તમે તેને વધારે શક્તિશાળી બનાવો છો. તમે જ્યારે કહો છો; “મારે ઈર્ષા કરવી જોઈએ નહીં.” ત્યારે તમે જેટલી શક્તિ “કરવી જોઈએ નહીં” શબ્દોને આપો છો, તેટલી શક્તિ ‘ઈર્ષા’ને પણ આપો છો.

માટે આવું કશું કહો નહીં. તમારી જાતને એવું કહો કે; “હું દરેક પ્રત્યે અનુકંપા દાખવીશ.” ‘ઈર્ષા’ શબ્દનો ક્યારેય ઉપયોગ કરવો નહીં. લાગણીનો નકાર કરવાથી તમારે જે જોઈએ છે, તે તમે મેળવી શકતાં નથી. તે જ બાબતમાં કશુંક હકારાત્મક કહો. બસ આટલું જ.

ઈર્ષાની ઉપેક્ષા કરવી અથવા તેનાથી દૂર ભાગી જવાને બદલે, તેને બરાબર જાગૃતતાથી જીવો. તમે જ્યારે તેની ઉપેક્ષા કરવાનો પ્રયત્ન કરો છો, ત્યારે તે પાછી બીજા કોઈ સમયે તમારી સામે વધારે તીવ્રતાથી આવશે એકવાત યાદ રાખો, ગહન જાગૃતતાથી યાદ રાખો કે ઈર્ષા તમારો સાચો સ્વભાવ નથી, સમાજે તમને ઈર્ષાળુ બનવાનું શીખવ્યું છે.

બસ એટલું જ. માની લો કે, તમે ઈર્ષા નથી. આટલું જ પુરતું છે પછી તેમાં સંકળાયા વગર તેના પર તમે હસશો. તમે જ્યારે તેના પર હસી શકો છો, તેનો મતલબ એ છે કે તમે તેના ભાગ બનવાને બદલે તમે તેના સાક્ષી બની રહ્યા છે. જે ક્ષણે તમે સાક્ષી બની જાવ છો, તે ક્ષણે ગમે તે બાબતની ઉપર ઉઠવું સહેલું બની જાય છે.

તમે જ્યારે આખા અસ્તિત્વને એક દિવ્ય રમત તરીકે જુઓ છો, ત્યારે જોઈ શકો છો કે, કહેવાતી ઈર્ષાની લાગણી પણ દિવ્ય રમત છે અને તેની પોતાની કોઈ વાસ્તવિકતા નથી. ઈર્ષામાં પકડાયા વગર બસ તેને એક વસ્તુ તરીકે જુઓ. આપોઆપ તમારા પરની તેની શક્તિ ખલાસ થઈ જશે.

જો તમે સમજી જાવ કે તમે વિશિષ્ટ છો અને તમારા જેવું દુનિયામાં બીજું કોઈ નથી, તો સરખામણી કરવાના તમારા સ્વભાવનો કોઈ અર્થ જ નહીં રહે અને તમે આપોઆપ ઈર્ષાનો અનુભવ કરતાં અટકી જશો. માત્ર એટલું સમજવાની કોશિશ કરો કે અસ્તિત્વ બધાને પ્રેમ કરે છે અને તેની નજરમાં બધાં સરખાં છે.

યસ ...

“માસ્ટરજી, ગુરુઓ અમને વારંવાર ઈર્ષામુક્ત પ્રેમ કરવાની અને સારી સમજણ રાખવાની તેમજ બીજાઓનો ન્યાય નહીં તોળવાનો અભિગમ રાખવાની પ્રેરણા આપે છે. પરંતુ અમારામાં સમજણ શા માટે આવતી નથી ?”

તમે જુઓ આમાં બે બાબતો છે.

જ્યારે આપણે ગુરુના સિધ્ધાંતોને પકડી આપણી જાતનું પરિવર્તન કરવાનો ગંભીર પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે સાચો રસ્તો પકડી લીધો હોય છે અને આપણે દિવ્ય આનંદમાં પ્રવેશીએ છીએ ! પરંતુ બને છે એવું કે, આપણે આવું કરવાને બદલે ગુરુના વ્યક્તિત્વને જ મહત્વ આપવાનું ચાલુ કરી દઈએ છીએ. તમારે ગુરુના સિધ્ધાંતો અને તેમની ફીલોસોફીને મહત્વ આપવું જોઈએ. જો તમે તેના વ્યક્તિત્વને જ મહત્વ આપશો, તો તમે તેમને પુરેપૂરા ચૂકી જશો; તમે તેમના સંદેશાને પૂરોપૂરો ચૂકી જાવ છો.

જુઓ અને સમજો : જો તમે ઉપદેશને અનુસરશો તો આધ્યાત્મિક ફળ બનશો, જો તમે તેમના વ્યક્તિત્વને વળગી રહેશો, તો તમે માત્ર કહેવાતા ધાર્મિક બીજ બની રહેશે. અને ધાર્મિક બીજ એવી બાબત છે જે ગુંચવાડો અને વિરોધાભાસો પેદા કરે છે અને બીજ જેમ હોય તેમ જ રહી જાય છે.

પછી તે ભગવદ્ગીતામાં કૃષ્ણનો સંદેશ હોય કે પવિત્ર કુરાનમાં મહંમદનો સંદેશ હોય અથવા પવિત્ર બાઈબલમાં ઈશુનો સંદેશ હોય, સંદેશો એક જ રહે છે; માત્ર અભિવ્યક્તિ અલગ હોય છે. તમારે કોઈપણ ગુરુને અનુસરવાનું હોય, અનુસરો. પરંતુ તમે જ્યારે તેમના સંદેશાને બદલે તેમના વ્યક્તિત્વને અનુસરવાનું શરૂ કરો છો, ત્યારે કૃષ્ણ ભગવદ્ગીતા કરતાં વધારે મહત્વના બની જાય છે ત્યારે તમે તમારા માટે અને બીજાઓ માટે મુશ્કેલીઓ પેદા કરવાનું શરૂ કરો છો.

જ્યારે કૃષ્ણ અને ઈશુ ખ્રિસ્ત મળશે ત્યારે તેઓ ચોક્કસ એકબીજાને આલીંગન આપશે. પરંતુ જ્યારે કૃષ્ણની ગાય અને ઈશુનું ઘેટું મળશે ત્યારે લડાઈ સો ટકા થવાની !

દરેક અનુયાયી એવો દાવો કરીને શાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે કે તેમનાં ગુરુની ફિલોસોફી જ શ્રેષ્ઠ છે. પછી શું બને છે ? શાંતિ ફેલાવવાને બદલે આપણે ટૂકડાઓમાં વિભાજીત થઈ જઈએ છીએ. તમે જ્યારે તમારી કહેવાતી શાંતિને બીજા પર લાદવાનો પ્રયત્ન કરો છો, ત્યારે જ સમસ્યા શરૂ થઈ જાય છે. આવી રીતે આપણે બાબતોને ગુંચવી નાંખીએ છીએ ને ફકત આ જન્મમાં જ નહીં પણ ઘણાં જન્મો સુધી સંદેશાને ગુમાવી દઈએ છીએ.

ગુરુઓ તેમની કરુણા સાથે પૃથ્વી પર આવતાં રહે છે. માણસ તેમને ગમે તે રીતે બચાવી લેવાનો પ્રયત્ન કરે છે અને તેમના સંદેશને ભૂલી જાય છે.

બીજીવાત : બીજાઓ તરફ આંગળી ચીંધવાને બદલે અથવા સારા સમયની રાહ જોવાને બદલે, જો આપણાંમાંના દરેક જે ક્ષણે સાંભળે તે ક્ષણથી જ તેનો અમલ કરવાનું શરૂ કરી દે તો આપણી આસપાસ આપોઆપ બધું બનવા માંડશે.

દાખલા તરીકે, હું તમને કહું છું તેમ છોડવાઓ, પ્રાણીઓ, વૃક્ષો, અને માણસોને પ્રેમ કરવાનું શરૂ કરી દો. આનો અમલ કરવા માટે યોગ્ય સમયની રાહ જોવાને બદલે તમે મેં જે કહ્યું તેને આત્મસાત કરીને આ ક્ષણથી જ તેનો અમલ કરવાનું શરૂ કરી શકો છો.

શરૂઆત કરવાનો સરળ રસ્તો એ છે કે જ્યારે રસ્તા પર ચાલતા હો ત્યારે કુદરતને ગાળો દેવાનું બંધ કરી દો. ઘરમાં

હો ત્યારે પણ આમ જ વર્તો. આપણાંમાંના ઘણાંને એવી આદત છે કે ચાલતાં ચાલતાં કારણ વગર જ ઝાડનાં પાંદડા તોડશે અથવા ફૂલને તોડશે. તમે ગંભીરતાથી આવું કરવાનું બંધ કરી શકો છો અને આ બધી વસ્તુઓ પ્રત્યે જાગ્રતતાથી અને પ્રેમથી જોઈ શકો છો. તમે કુદરતને ભેટીને શરૂઆત કરી શકો છો. આનંદ મેળવવાનો આ ખાત્રી બંધ રસ્તો છે અને પૂરેપૂરો સ્વીકાર્ય છે. ઈર્ષ્યાની લાગણી અનુભવવાને બદલે આટલું કરો.

ગુરુના સંદેશને ના ચૂકવા માટેના આ રસ્તાઓ છે.

પરંતુ તમે શું કરો છો ? તમે અહીં આવીને મને બોલતાં સાંભળો છો અથવા અમુક પુસ્તકો ખરીદીને વાંચો છો અને એક સારા વક્તા તરીકે મારાં વખાણ કરીને પછી બધું ભૂલી જાવ છો. અથવા તમારા મિત્રોને મારાં વ્યાખ્યાનો સાંભળવાની ભલામણ કરીને તમે પાછા પહેલાં જે કરતાં હતાં તે જ કરવામાં લાગી જાવ છો. પછી શું થઈ શકે ? મહેરબાની કરીને સમજી લો : હું બીજાઓને ઉપદેશ આપવા નથી માંગતો, હું ઇચ્છું છું તમે તેનો અમલ કરો.

એક નાની વાર્તા :

એક માણસ રજાઓમાં આફ્રિકા ગયો.

એક દિવસ તે તેના પાછળના વાડામાં ચાલી રહ્યો હતો, તેવામાં તેને સિંહનો સામનો થયો અને સિંહે તેના તરફ તરાપ મારી.

પેલો માણસ ઝડપથી ગુલાંટ મારીને બાજુમાં ખસી ગયો અને સિંહ બાજુના ઝાડી ઝાંખરાંમાં પડ્યો અને જતો રહ્યો.

બીજે દિવસે માણસ ફરી વખત ચાલવા નીકળ્યો અને પાછો સિંહ દેખાયો અને તેણે ફરી વખત હુમલો કર્યો. પરંતુ ફરી વખત પેલો માણસ ગુલાંટ મારીને દૂર ભાગી ગયો, સિંહ પાછો ઝાડી ઝાંખરાંમાં જતો રહ્યો. પછીના દિવસે માણસ પોતાનાં ઘરમાં રહ્યો અને બહાર જોયું કે ક્યાંય સિંહ દેખાય છે કે નહીં. તેને ઝાડી ઝાંખરાંની પાછળ સિંહ દેખાયો.

નવાઈ વચ્ચે તેણે જોયું કે સિંહ નાના કુદકા મારવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

જુઓ તમે જે જ્ઞાન મેળવો છો તેનો અમલ કરો છો ત્યારે જીવનમાં તમે વિકસો છો. જ્યારે તમે ફક્ત જ્ઞાન જ ભેગું કરો છો ત્યારે તે કોઈ કામનું નથી હોતું. જો તમે ફક્ત જ્ઞાન ભેગું જ કરો છો, તો તમારી યાદ શક્તિ વિકસશે પરંતુ તમારો ‘સ્વ’ નહીં :

મેળવેલા દરેક જ્ઞાનનો તમારા આંતરિક વિકાસ માટે ઉપયોગ કરવો જોઈએ. નહીંતર તમે એક હાલતી ચાલતી લાઈબ્રેરી સિવાય બીજું કશું જ નહીં બની શકો. મેં એવા લોકોને જોયાં છે - જેઓ એકાંતરીયાની જેમ વાંચે છે અને અનેક લોકોના ફીલોસોફીના વ્યાખ્યાનો સાંભળે છે અને તેના પર વિસ્તારપૂર્વક વાતો કર્યા કરે છે. પરંતુ જ્યારે તેનો અમલ કરવાની વાત આવે છે ત્યારે તેઓ તેમાંનું કશું જ નથી કરતાં. તેઓ ફક્ત બીજા લોકો માટે સંદર્ભ માટેનાં પુસ્તકો બનીને રહી જાય છે. તેઓ વાંચે છે, પરંતુ તેને પચાવતાં નથી, તેઓ માત્ર બીજાઓ સામે તેનું વોમિટ કરી નાંખે છે. આનો શું મતલબ છે?

તમે જ્યારે ફક્ત જાગ્રતતા સાથે વિકસો છો ત્યારે જ તમે તમારી જાતને અને બીજાઓને મદદ કરી શકો છો.

તમારામાં પ્રાયોગિક સમજણ હોવી જોઈએ. તમે અહીં જે સાંભળો છો તે બહારની દુનિયામાં અમલ કરાવવા અને તે લોકોના ફાયદા માટે નથી; અહીં જે સાંભળો છો એને તમારી જાત પર અજમાવીને જાણવાનું છે કે બહારની દુનિયા માત્ર ભ્રમ છે અને જે મેળવવાનું છે તે તમારી અંદર જ છે. બહારની દુનિયામાંથી મેળવેલી સિધ્ધિઓ પછી આખી પ્રક્રિયા દરમ્યાન એક સામાન્ય અકસ્માત બની જાય છે.

તમે જ્યારે ગુરુની વાતો સાંભળો ત્યારે તેને સંપૂર્ણ પણે શોષીને તમારી અંદર ગ્રહણ કરી લો. ગુરુઓ હંમેશા સત્ય જ બોલતા હોય છે.

આ આવું છે : એક ગાઢ અંધારભર્યું વિશાળ જંગલ છે અને તમે તમારા નાનકડાં મનનાં દિવાથી તેને ઉઘાડવાની કોશિશ કરો છો.

નાના દીવાની મદદથી તમે માત્ર થોડાં ડગલાં જેટલું જોઈ શકો છો અને તમે તેને સત્ય માની લો છો.

વૈજ્ઞાનિકો આવું જ કરે છે.

તેઓ થોડા ડગલાં આગળ જુએ છે અને એક સિધ્ધાંત આજે નક્કી કરી દે છે.

થોડા સમય પછી, તેઓ થોડાં વધારે ડગલાં આગળ જાય છે; એ જ દીવા સાથે પહેલાં જે જોયું હોય તેનાથી વધારે આગળ જુએ છે.

પછી તેઓ ગઈકાલે જે જોયું હોય તે સત્યને નકારીને નવું સત્ય જાહેર કરે છે.

સ્પષ્ટતાથી સમજીલો : ગઈ કાલે જે સત્ય હતું તે આજે અસત્ય બની જાય છે અને આજનું સત્ય પણ આવતીકાલે એજ સત્ય નહીં હોય.

ગમે તે રીતે તેઓ પોતાના મનની મદદથી અંધારા જંગલને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરે છે.

પરંતુ કલ્પના કરો, જ્યારે આકાશમાં માત્ર વિજળીનો એક ઝબકારો થાય છે અને આખું જંગલ ફક્ત એક જ ઝબકારામાં જોઈ શકાય છે !

પછી તમે આખા જંગલને જાણી જાવ છો અને જ્યારે અને જેટલી જરૂર હોય તે પ્રમાણે તમે દરેક બાબતને સમજાવી શકો છો.

આને જ એન્લાઈટ્ન્મિન્ટ કહેવાય છે ! પ્રકાશના એક જ ઝબકારામાં આખા જંગલને જોવું !

એક વખત આ બની જાય, તમે ‘સરળતાથી’ સમજી જાવ છો.

માટે જ એક ગુરુ માટે જે સત્ય હોય, તે બીજા ગુરુ માટે પણ સત્ય જ હોય છે. તેમની અભિવ્યક્તિ અલગ હોઈ શકે. પરંતુ આખરી અનુભવ તો એક જ હોય છે. આ તમે માત્ર અનુભવથી જાણી શકો, અથવા તમે ‘જાણતાં જ નથી’. તમે જ્યારે બુધ્ધિથી જવાબો આપવાનો પ્રયત્ન કરો છો, ત્યારે તમે ફીલોસોફીઓ પેદા કરે છો. માટે ફીલોસોફીમાં ઉતર્યા વગર સમજણને તમારા અનુભવમાં ફેરવવાનો પ્રયત્ન કરો.

ભારતનાં દૂરનાં ગામડાંની ચાની દુકાનોમાં તમને એક સામાન્ય જાણીતું દૃશ્ય જોવા મળશે : ત્યાં અમુક એવા ધરાકો રોજ આવીને બેઠાં હોય અને દુનિયાભરની ફીલોસોફીઓની ચર્ચા કરતાં રહેતા હોય છે. બધાં જ મુખ્ય ભગવાનો ગુરુઓ અને રાજકારણીઓને એ લોકો બરાબર ચાવીને પચાવી ગયા હોય છે.

શહેરમાં બનેલા બધાં જ અત્યાચારોની કોઈપણ અપેક્ષાઓ વગર ચર્ચા થાય છે. કોઈપણ જાતના ક્રમ અને શિસ્ત વગર આખી દુનિયાની ચર્ચા ચાલ્યા કરે છે. અંતે જે માણસ બોલતો હશે તે ચા પૂરી કરશે અને મેં જે ચા પીધી છે તેના પૈસા આવતીકાલે આપીશ એમ કહીને જતો રહેશે.

જે માણસ પોતાની ચાના પૈસા પણ ચૂકવી શકતો નથી, તે ચાની દુકાન પર બેસીને પહેલા પાનાથી શરૂ કરીને છેલ્લા પાના સુધી આખું છાપું વાંચશે અને તેણે જે વાંચ્યું હશે તેના પર ચૂકદાઓ આપશે. અરે છાપાના સંપાદકે પણ આખું છાપું આ રીતે નહીં વાંચ્યું હોય !

આ પ્રકારના લોકો ચાની દુકાનની જે બેન્ચો પર બેસીને જેટલો સમય ગાળે છે તેનાથી ત્યાંની બેન્ચો પણ ડીપ્રેસનમાં આવી જતી હશે ! તે લોકો પોતાનો બધો જ સમય આવી રીતે જ ગાળતાં હોય છે. તેઓ કશુંક મેળવવા પાછળ એક ક્ષણ પણ નહીં આપતાં હોય.

માટે તમારે આટલું જ કરવાનું છે; હું જે કહું છું તેને આત્મસાત કરો અને તેની પાછળના સત્યનો અનુભવ કરો. પતંજલિ કહે છે; “જો તમે આજે પાંચ ઈંચ વળશો તો તમે આવતીકાલે અર્ધો ઈંચ વધારેવળી શકશો. આવી જ રીતે હું તમને જે કહું છું તે સત્યનો સ્થિરતાથી અનુભવ કરવો જોઈએ. નહીં તો તમે પણ ચાની દુકાન પર બેસતાં લોકો કરતાં વધારે સારા નહીં હો. એ લોકો ત્યાં બેન્ચો પર ડીપ્રેસન પેદા કરે છે અને તમે અહીં શેતરંજી પર કાણાં પાડો છો. બસ આટલું જ !

સમસ્યા એ છે કે, મોટેભાગે, જ્યારે આપણે ડહાપણના શબ્દો સાંભળીએ છીએ ત્યારે આપણને હંમેશા એવું લાગે છે કે, આપણો મિત્ર અથવા સંબંધી જે આ વ્યાખ્યાન સાંભળી રહ્યાં છે, તેમને જ આ બરાબર લાગુ પડે છે ! આપણે એ શબ્દો એમના માટે છે એમ સમજીને છૂપી રીતે આશા રાખીએ છીએ કે તેમને સંદેશો મળી ગયો હશે. આવું કરવામાં તમે સંદેશને ચૂકી જાવ છો. બસ આટલું જ ! હું તમને કહું છું; હું જ્યારે વાત કરૂં છું ત્યારે હું ‘તમારી’ સાથે જ વાત કરૂં છું. સભાગૃહમાં હજાર લોકો હોય તો પણ, હું ‘તમારી સાથે જ’ વાત કરૂં છું. મહેરબાની કરીને આને સમજવાની કોશિશ કરો.

મારો દરેક શબ્દ શક્તિથી ભરેલો છે જે તમારા માટે કામનો છે. માટે મહેરબાની કરીને એવા વિચારો સાથે સાંભળો નહીં. ખાસ કરીને જ્યારે પતિઓ અને પત્નીઓ સાંભળવા આવે છે ત્યારે. જ્યારે હું તેમના જીવનને લગતી થોડી બાબતો કહું છું, તો પતિ એવું વિચારે છે કે ‘તેણીએ આ સાંભળવું જોઈએ’. અને પત્ની એવું વિચારશે કે તેના પતિએ આ સાંભળવું જોઈએ ! અને છેલ્લે બન્ને જણાં ખરો સંદેશ ચૂકી જાય છે.

પુરુષનો વારસાગત સ્વભાવ પૈસા અને ભૌતિક ચીજો ભેગી કરવાનો છે. આ જ સમયે અમુક બાબતમાં તેને એવું લાગે છે કે એ પૈસાથી મેળવી શકાતી નથી. મિલકત ભેગી કરવાની તેની ધૂન આપોઆપ ઘટી જાય છે. પછી તે શબ્દો અથવા બુધ્ધિયુક્ત જ્ઞાન ભેગું કરવા માંડે છે. આ પ્રક્રિયા કોઈપણ રીતે ક્યારેય અટકતી નથી. તે વધારે ને વધારે શબ્દોનો લાલચુ બની જાય છે.

જે વ્યક્તિ મિલકત અને શબ્દો ભેગા કરવાનું બંધ કરી દે છે, તે સાચું જ્ઞાન શોધવાનું શરૂ કરે છે. ઘણી વખત આપણે વધારે જાણવા માટે નહીં પરંતુ શબ્દો ભેગા કરવાના લોભમાં જ સવાલો પૂછતાં હોઈએ છીએ અથવા અમે કંઈક જાણીએ છીએ એવું બતાવવા માટે પૂછતાં હોઈએ છીએ.

જો તમે ગહનતાથી અંદર જોશો તો, ફક્ત એક પ્રશ્ન ઉઠશે અને તે તમારી જાતને ઓળખવા માટેનો મૂળભૂત પ્રશ્ન. જો એ સવાલનો જવાબ મળી જાય તો તમે એન્‍લાટેન્ડ થઈ ગયા !

એક માણસે મને પૂછ્યું; “માસ્ટર ભગવાન શું છે ?”

મેં ધીરેથી વિષય બદલીને તેના કુટુંબ અને ધંધા વિષે પૂછવાનું ચાલુ કર્યું.

અમે લગભગ બે કલાક સુધી વાતો કરી. આ બે કલાકમાં એ તેના મૂળ પ્રશ્ન પર એક પણ વખત પાછો આવ્યો નહીં. અંતે મેં તેને કહ્યું; “અરે ! તમે મને આવતાંની સાથે જ એક પ્રશ્ન પૂછ્યો હતો. મેં તેનો જવાબ આપ્યો નથી. કારણ કે એ તમારી અંદરના ઊંડાણમાંથી આવેલો પ્રશ્ન નહોતો.”

જો આપણી અંદરના ઊંડાણમાંથી પ્રશ્ન ઊભો થયો હોય તો, જ્યાં સુધી તેનો સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી આપણે તેને ક્યારેય ભૂલતાં નથી. અમુક લોકો પ્રશ્નો પૂછે છે. પોતાની જાતે જ પોતાને જવાબ આપે છે અને પછી મને પ્રશ્ન પૂછે છે ! તેઓ માત્ર પોતાના જવાબના ટેકા માટે વધારાના શબ્દો જ ભેગાં કરતાં હોય છે. બસ આટલું જ.

પ્રશ્નો હકીકતમાં આપણાં માટે શબ્દોને ભેગાં કરીને આપણી અંદર સંગ્રહ કરવા માટેની ઝૂંટા ઝૂંટ છે. એ શબ્દો આપણે ભેગા કરી લઈએ છીએ ત્યારે આપણે મહાનતાનો અનુભવ કરીએ છીએ. પરંતુ આવું કરવામાં આપણે મહાન સત્ય ચૂકી જતાં હોઈએ છીએ ! આપણે સત્ય કરતાં શબ્દોને વધારે મહત્વ આપીએ છીએ. આવી રીતે આપણે ગુરુને ચૂકી જઈએ છીએ; આવી રીતે જ ગુરુના શબ્દો પાછળની સમજણ આપણે ચૂકી જઈએ છીએ.

લોકો મને પૂછે છે; “માસ્ટર અમે સરખામણી અને બીજું બધું બંધ કરી દઈએ, તો બધું ત્યાગીને આધ્યાત્મિક બની જઈએ?”

મોટાભાગના લોકો, હું જ્યારે સરખામણીઓ બંધ કરવાનું કહું છું, દોડવાનું વગેરે બંધ કરવાનું કહું છું ત્યારે તેઓ એવું જ સમજે છે કે તેમણે દુનિયાદારીની બધી બાબતોમાંથી ભાગી છૂટવું જોઈએ અને આધ્યાત્મિક બની જવું જોઈએ. ખાસ કરીને જ્યારે હું આ ‘વિશુધ્ધિ ચક્ર’ વિષે વાત કરતો હોઉં છું ત્યારે તેઓ આવું બધું સમજવા લાગે છે.

તમે સમજો, આધ્યાત્મિકતા અથવા ‘સન્યાસ’ નો મતલબ બધાંનો ત્યાગ કરવો તેવો નથી. તેનો અર્થ છે ગહન જાગૃતતા હોવી, જે આપઆપ તમારી ગાંડી ઇચ્છાઓને નાની કરી દે છે અને તેને પૂરી કરવાની શક્તિ આપે છે. તેમજ તમને તમારી અંદરની તરફ વાળે છે.

બહારની દુનિયામાં કરવું જરૂરી હોય તે કરવું જ જોઈએ. તેમાં કોઈ શંકા નથી. તમારે જીવવા માટે કમાવું જોઈએ; તમારે તેને લગતી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારે શરીરને જીવીત રાખવું જોઈએ. હું જે બધું કહુ છું તેનાથી આ બધામાં ગહન જાગૃતતા લાવો. જેથી બહારની દુનિયાનો બિન જરૂરી માલિકી ભાવ અદૃશ્ય થઈ જાય અને તમે તમારા જન્મ અને જીવનના મુળભૂત હેતુની સ્પષ્ટ સમજણથી જીવી શકો.

બધાં જ પ્રકારના ભ્રમો, બધી જ ઉછીની લીધેલી ઇચ્છાઓ, બધાં જ સ્થાપિત ભય, બધા જ પ્રકારની ઈર્ષા અને સરખામણીઓ, કામ વાસનાઓ અને લાલસાઓમાં સંપૂર્ણ પરિવર્તન આવી જશે અને એ બધું જ તમારા માટે દિવ્ય આનંદમય શક્તિ બને જશે.

એક નાની વાર્તા :

એક ગુરુ તેના શિષ્ય સાથે ચાલતાં ચાલતાં નદી કિનારે આવ્યા.

શિષ્યને નવાઇ લાગી અને તેણે પૂછ્યું; “ગુરુજી આપણે આ નદીને અત્યારે પાર કરવા જઈ રહ્યાં છીએ ?”

ગુરુએ શાંતિથી જવાબ આપ્યો; “હા. પરંતુ તારે ધ્યાન રાખવાનું છે કે તારા પગ ભીના ન થાય !”

ગુરુ શું કહેવા માંગે છે તે શિષ્ય સમજી શક્યો નહીં ! ગુરુ કહી રહ્યા હતાં કે સંસાર સાગરને પાર કરતી વખતે પગને ભીના ન થવા દેવા તે જ સાચી આધ્યાત્મિકતા છે. આ તળાવમાંના કમળ બની રહેવા જેવું છે. પાણીમાં હોવા છતાં તેને સ્પર્શ કર્યા વગર રહેવું. દુનિયાદારીથી દૂર ભાગી જવું તે આધ્યાત્મિકતા નથી. આ બાબત પૂરી સ્પષ્ટતાથી સમજી લો.

આધ્યાત્મિકતા જીવનનું એન્જીનીયરીંગ છે. કોલેજમાં તમને બીજા પ્રકારનું એન્જીનીયરીંગ શીખવવામાં આવે છે. તે ફક્ત તમારું મગજ વેચીને મેળવેલાં સર્ટિફિકેટ છે. જીવનનું એન્જીનીયરીંગ આપણે બધાંએ શીખવું જોઈએ. આધ્યાત્મિકતા તમને ‘પરમહંસ’ની જેમ જીવતાં શીખવે છે. અથવા વ્યક્તિને એવી હકીકત શીખવે છે કે ભૌતિક દુનિયામાં ગળાડૂબ રહેવાં છતાંય સંપૂર્ણ નિસ્પૃહતાથી કેવી રીતે જીવી શકાય છે.

એ તમને, કોઈ વસ્તુ કે વ્યક્તિને નુકસાન પહોંચાડ્યા વગર, પૂરી લાગણીવશતા અને પૂરી ભરપૂરતાથી જીવન જીવતાં શીખવે છે. એ તમને તમારી બુદ્ધિથી અલગ થઈને, સમગ્ર અસ્તિત્વને ખુલ્લી આંખે નિખાલસતાથી જોતાં શીખવે છે. એ તમને સરખામણી, ઈર્ષા, વાસના વગેરે ભ્રમો વગર અસ્તિત્વને નિહાળતાં શીખવે છે. એ તમને અસ્તિત્વ સાથે અને યોગાનુયોગ બનતી ઘટનાઓની શક્તિના લયમાં રહીને જીવતાં શીખવે છે, જેમાં તમે દરેક બાબતમાં તમારા આંતરિક આનંદનો પડઘો અનુભવી શકો છો.

એ તમને હંમેશા પ્રાર્થનામય અને કૃતજ્ઞભાવના મૂડમાં રહેતાં શીખવે છે અને અસ્તિત્વને સ્વીકારવાના રસ્તા બતાવે છે. તે તમને દરેક ક્ષણોનો તમારા ‘સ્વ’માંથી આનંદ ઉઠાવતાં શીખવે છે, તે તમને બહારની પરિધ પરની લાગણીઓ વચ્ચે ઝુલતા કેમ અટકવું તે શીખવે છે. તે તમને કોઈપણ જાતનાં કારણ વગર જીવનનો ઉત્સવ ઉજવતાં શીખવે છે.

તે તમારી આંતરીક બુદ્ધિ ને પ્રકાશિત કરીને તમારા બહારની દુનિયાના કામોમાં ઊંચી શ્રેષ્ઠતા અપાવે છે. તે તમારી જાગૃતતાને જગાડે છે અને તમને ગહન સભાનતામાં લઈ જાય છે. તે તમને વાસનામાંથી પ્રેમ તરફ, ચિંતાઓમાંથી આશ્ચર્ય તરફ, અસત્યમાંથી સત્ય તરફ, દુઃખમાંથી પરમ આનંદ તરફ અને ઈર્ષામાંથી ઉત્સવની ઉજવણી તરફ લઈ જાય છે.

એક વધારે વાત : લોકો એવું વિચારે છે કે આધ્યાત્મિકતા માટે વધારાનો સમય ફાળવવાની જરૂર પડે છે; બિલકુલ નહીં. મેં હમણાં તમને જે કહ્યું, તેમાંથી જ તમે સમજી ગયા હશો, આમાં વધારાનો કોઈ જ સમય ફાળવવાની જરૂર નથી. જે લોકો વધારાનો સમય ફાળવવાની જરૂર છે એવો દાવો કરે છે તેઓ હકીકતમાં આધ્યાત્મિક નથી, તેઓ ધાર્મિક લોકો છે.

ધર્મોને સમયની જરૂર પડે છે કારણ કે તેમાં ક્રિયાકાંડો અને વિધિઓ કરવાની હોય છે. આધ્યાત્મિકતાને સમય અને જથ્થા સાથે કશું જ લાગતું વળગતું નથી. તેમાં તમારે તમારા જીવનની ગુણવત્તા પર કામ કરવાનું હોય છે. જો તમારામાં સત્યને પામવાની ગંભીરતા હોય, તો એજ પુરતું છે. તમે દરેક કામને મેડિટેશન બનાવીને બધો જ વખત ભક્તિ કરી શકો છો અને તમારું ધ્યેય પ્રાપ્ત કરો છો. તમે આપોઆપ તમારા કામમાં, ઘરમાં, આંતર વૈૈયક્તિક સંબંધોમાં, ઈર્ષા અને સરખામણી જેવા અવરોધો વગર જ ઝળક્યા કરો છો, પ્રકાશિત થયા કરો છો.

તમે તમારી આસપાસની પરિસ્થિતિઓમાં સરળતાથી તમારા ‘સ્વ’માં સ્થિર રહી શકો છો. તમને દરેક જગ્યાએ અને કોઈપણ પ્રકારના લોકો સાથે ઘર જેવું જ લાગે છે. તમારા માટે તમે રહો છો તે જ ઘર નથી રહેતું પરંતુ આખું અસ્તિત્વ તમારું ઘર બની જાય છે. તમે તમારાં માનસિક અને શારીરિક બંધનો તોડીને અસ્તિત્વ સાથે એકરૂપ બની જાવ છો.

સમસ્યા એ છે કે લોકો માત્ર ધાર્મિક ક્રિયાઓમાં જ સંતોષ માની લે છે. એ લોકો જે કરે છે તેમાં જ ચોક્કસ પ્રકારની સલામતી અનુભવે છે. ક્રિયાકાંડો પાછળનું વિજ્ઞાન લોકો જાણતાં નથી, પરંતુ ધાર્મિક ક્રિયાકાંડો તેમના અહમ્‌ને પોષણ જરૂર આપે છે. ક્રિયાકાંડો ગુંચવાડા ભરેલા હોય છે. અને આપણે હંમેશા તેની સાથે ચાલવાને પડકાર સમજીએ છીએ.

લોકો મારી પાસે એમની સમસ્યા લઈને આવે છે અને તેનો ઉકેલ પૂછે છે. હું તેમને કહું છું કે હું સંભાળ રાખીશ અને તેમને આશ્રમમાં આવેલા વડલાના ઝાડ નીચે થોડીવાર બેસવાનું સૂચન કરું છું. આશ્રમમાં આવેલું વડલાનું ઝાડ શક્તિ-ક્ષેત્ર છે. પરંતુ તેઓ આ જવાબથી ખુશ થતાં નથી. તેઓ મને બાબતોને વધારે સારી કરવા માટે ક્યા ક્યા ધાર્મિક ક્રિયાકાંડો કરવા જોઈએ તે વિષે પૂછે છે.

હું જો તેમને કહું કે તમારે આશ્રમના વડલાના ઝાડ ફરતે ૧૦૮ વખત પરિક્રમા કરવાની છે તો લોકો ખૂબ જ ખુશીથી કરશે ! તમે સમજો, જ્યારે તમે વડલાની આસપાસ ૧૦૮ વખત ફરો છો ત્યારે તે તમારા અહમ્‌ને સંતોષ આપે છે. ત્યાર પછી તમને લાગે છે કે તમે સખત મહેનત કરી છે, અને તમને તેમાંથી ફાયદો મળશે એવું લાગે છે. આવી રીતે જ આપણે આપણાં મગજને ધર્મો પ્રત્યે માન આપવા માટે તાલિમ બધ્ધ કર્યા છે.

ધર્મો અને તેના ક્રિયાકાંડોમાં પણ મેં જોયું છે કે - લોકો એકબીજા સાથે સ્પર્ધા કરે છે ! જો તમારા પાડોશીએ ચોક્કસ મંદિરમાં કોઈ ચોક્કસ પ્રસાદ ચડાવ્યો હશે તો પછી તમે પણ એ જ મંદિરમાં જઈને પ્રસાદ ચડાવી આવશો. તમારું લક્ષ્ય ક્યાં હોય છે ? દેવતા અથવા પડોશી ? આવું બધું કરીને તમે આખી બાબત જ ચૂકી જાવ છો !

લોકો એવું કહીને ગર્વ કરે છે કે અમે દુનિયાના બધાં જ મહત્વનાં ધાર્મિક સ્થાનોની યાત્રા કરી છે. તેઓ જ્યાં જ્યાં ગયા હોય તે બધાં મંદિરોનું લીસ્ટ આપી દે છે. તરત જ જે માણસ આ વાર્તાઓ સાંભળતો હોય છે, તે આનાથી વધારે યાત્રાઓ કરવા માટેનાં પ્રયાસો ચાલુ કરી દે છે.

આટલાં બધાં ધાર્મિક સ્થાનોની મુલાકાત લીધાં પછી પણ તમારો અહમ્ મજબૂત હોય છે અને તમારું ‘વિશુધ્ધિ ચક્ર’ બંધ જ હોય છે ! આના વિષે તમે ક્યારેય વિચાર કર્યો છે ? આ બધી બાબતો ફક્ત તમારી આંતરિક દુનિયામાં પ્રગતિ કરવા માટે અને સરખામણી અને ઈર્ષા જેવી બીજી બાબતોમાંથી મુક્ત થવા માટે કરવી જોઈએ, પરંતુ અહીં જ તમે મુખ્ય મુદ્દો ચૂકી જાવ છો અને તમે વારંવાર બહારની દુનિયાને બતાવવા માટે આવી જ બાબતો કર્યા કરો છો.

મેં લોકોને દેવી દેવતાઓ સામે મંત્રો જપતાં જોયાં છે. તેઓ થોડીવાર મંત્રો બોલશે ત્યાં જ તેમના મનમાં આવશે કે મેં મારી પત્નીને જે કામ સોંપ્યું હતું તે પુરું કર્યું હશે કે નહીં. અથવા તેઓ થોડી લીટીઓ વાંચશે અને જોશે કે

હવે કેટલાં પાનાં પૂરા કરવાનાં બાકી છે ! આવી રીતે તેઓ ભગવાન સાથે જોડાય છે અને તેઓ સંતોષ માને છે કે દિવસ દરમ્યાન તેમણે પૂરા મંત્રો વાંચી લીધાં છે.

અને આ બધાંની ઉપર તેઓ આ મંત્રો ૨૧ દિવસ સુધી વાંચશે કારણ કે તેમણે આવું કરવાની બાધા લીધી હોય છે. પછી તેઓ ગર્વ સાથે પોતાના પાડોશી અથવા સગા સંબંધીને જઈને કહેશે કે અમે આવી કઠિન બાધા પૂરી કરી છે!

આપણે દરેક બાબતો, બીજાને કહેવા માટે કે મેં આ કર્યું છે, તેમ કહેવા માટે જ કરીએ છીએ અને તેમનામાં સરખામણીના બીજ વાવીએ છીએ. તમે સમજો, જો તમે ધાર્મિક વિધિ કરવાનું નક્કી જ કર્યું હોય તો તેને કમ સે કમ ગંભીરતાથી તો કરો. અસ્તિત્વ સાથે ગહન જોડાણ અનુભવીને કરો. તમે આવી રીતે કરો છો, ત્યારે તમે તેના વિષે વાતો તો નહીં કરો!

તમે જ્યારે ધાર્મિક ક્રિયાકાંડોનો માર્ગ અપનાવવાનું નક્કી કરો છો, ત્યારે વચન બધ્ધતા અને ગંભીરતા તમારી ચાવી બની જાય છે. માટે તેને પૂરી ગંભીરતાથી કરો. આજે ભક્તિ કરવા માટેની હજારો વિધિઓ છે. તમારે કઈ વિધિને અનુસરવું તે માટે ગુંચવણમાં ના પડવું જોઈએ. બસ કોઈપણ વિધિ નક્કી કરો અને તેને પૂરી ગંભીરતાથી અનુસરો અને પૂરી વચનબધ્ધતાથી તેને પૂરી કરો. તમને જે ફાયદો કરાવે છે તે તમારી વચનબધ્ધતા કરાવે છે નહીં કે વિધિ પોતે.

અને એક વધારે વાત : તાત્કાલિક પરિણામ માટે આશા ન રાખો. આજે દરેક માણસ ઈન્સ્ટન્ટ ચા અને ઈન્સ્ટન્ટ કોફીની જેમ, ઈન્સ્ટન્ટ પરિણામોની આશા રાખે છે ! આપણાંમાંનાં મોટાભાગનાં એવું માને છે કે આપણાં કરતાં બીજાં લોકોની પ્રાર્થનાનો જલ્દી જવાબ મળે છે. માટે આપણે આપણી પ્રાર્થનાનો પ્રકાર બદલીને બીજા લોકો જેવો કરવો જોઈએ ! આ બધું મૂર્ખતા ભર્યું છે. ભક્તિમાં પણ આટલી બધી સરખામણી ! તમે જે કંઈ કરો તે પૂરી શ્રધ્ધા અને વચનબધ્ધતાથી કરો અને બીજું બધું ભૂલી જાવ. બધું જ આપોઆપ બનશે.

તમે જ્યારે ધાર્મિક ક્રિયાકાંડોને અનુસરો છો ત્યારે તેની પાછળના વિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરો જેથી તમારૂં મન માત્ર ક્રિયાકાંડોમાં જકડાઈ જવાને બદલે તેની સાથે લયમાં રહેશે. દરેક ધર્મ અથવા દરેક વિધિનું અંતિમ ધ્યેય અસ્તિત્વ સાથે લયમાં રહેવાનું જ હોય છે. કોઈપણ બાબતમાં આ સમજી લેવું જરૂરી છે.

ધાર્મિક વિધિઓ ભગવાનને અપાયેલી લાંચ નથી. તે તમારી જાતને રક્ષણ આપતું બેંક બેલેન્સ નથી. તે કોઈ હરીફાઈ નથી, જેમાં તમારે બીજી કોઈ કરતાં વધારે કરવાનું હોય છે. માટે સરખામણી બંધ કરી દો અને તમે જે કંઈપણ કરો તે પૂરીતીવ્રતા અને ગંભીરતાથી કરવાનો પ્રયત્ન કરો.

મને એક વાર્તા યાદ આવે છે :

ત્રણ માણસો એ સાથે મળીને ધંધો શરૂ કર્યો.

તેઓએ ભગવાનને ધંધામાં ભાગીદાર તરીકે સામેલ કરવાનું નક્કી કર્યું.

તેઓ એ વાતમાં સંમત થયા કે જે કંઈપણ નફો કરશે તેમાંથી અમુક ટકા ભગવાન માટે આપશે.

તેમણે ધંધો ચાલુ કર્યો અને અપેક્ષા કરતાં ઘણો બધો વધારે નફો થયો.

પછી સમસ્યા ઉભી થઈ : “ભગવાનને આટલું બધું કેવી રીતે આપી દેવું ?”

ત્રણે જણાંએ સૂચનો કર્યા.

પહેલાં માણસે કહ્યું; “બરાબર છે. આપણે એક વર્તુળ દોરીએ અને બધા જ પૈસા ઉપર ઉછાળીશું. જેટલા વર્તુળની અંદર પડશે તેટલા ભગવાનનાં, અને વર્તુળની બહાર પડશે તે આપણાં”.

બીજા માણસે સૂચન કર્યું; “ના. હું તમને વધારે સારો આઈડીયા આપું છું. આપણે ખરેખર ખુબ જ મોટું વર્તુળ બનાવીશું અને આપણે પૈસા ઉછાળીશું. જેટલા વર્તુળમાં પડશે તેટલાં આપણાં અને બહાર પડે તેટલાં ભગવાનના”.

ત્રીજા માણસે કહ્યું; “જુઓ મને સાંભળો, ગમે તેમ પણ ભગવાન આપણી ઉપર રહે છે. આપણે બધા જ પૈસા ઉપર ઉછાળીએ. તેને જેટલાં જોઈએ તેટલાં લઈ લેશે. જેટલાં નીચે આવશે તેટલાં આપણાં !”

આપણને જ્યારે કંઈક જોઈતું હોય ત્યારે આપણે ભગવાનને તેના માટે લાંચ આપીએ છીએ. જેવું આપણને એ મળી જાય છે કે તરત જ આપણે તેને છોડી દઈએ છીએ અને બીજી જરૂરીયાત ઉભી થાય એટલે પાછા તેને પકડી લઈએ છીએ. આપણને આવું જ કરવાનું શીખવવામાં આવ્યું છે.

યસ … તમારે કંઈ પૂછવું છે ?

“માસ્ટર, આપણે જ્યારે ધાર્મિક વિધિઓની વાત કરી રહ્યાં છીએ, ત્યારે તમે મહેરબાની કરીને અમને વિધિઓના માર્ગ વિષે અને મેડિટેશનના માર્ગ વિષે વધારે કહેશો ?”

યસ …

જુઓ ધાર્મિક વિધિઓમાં કંઈક ચોક્કસ છે. તેનું ચોક્કસ બંધારણ હોય છે, તમારે તેને ક્યારે શરૂ કરવી અને ક્યારે પૂરી કરવી. તમે તે ક્યાં કરવાના છો. શાના માટે કરવાના છો. વગેરે … આ વિધિઓમાં તમે ઉતરો છો અને પહેલાં જેવાં હતાં, તે જ સ્વરૂપે પાછા બહાર આવો છો. આખી પ્રક્રિયામાં કોઈ ચોક્કસ બાંહેધરી નથી. માટે જ તે આટલી બધી ફેલાયેલી છે. વિસ્તાર પામી છે. આવી રીતે દરેક બાબત વિસ્તરે છે.

પરંતુ મેડિટેશનમાં શું થાય છે ? સૌથી પહેલાં તો કોઈપણ ધાર્મિક વિધિઓ કરતાં મેડિટેશન કરવું સહેલું છે અને વધારે લાભ કારક છે. લોકો મને હંમેશા પૂછે છે કે અમારે આશ્રમમાં ધાર્મિક વિધિઓ શા માટે કરવી જોઈએ. હું તેમને કહું છું, જો હું લોકોને એમ કહું કે બસ તમે આવીને વડલાના ઝાડ નીચે બેસીને મેડિટેશન કરો આટલું પુરતું છે, તો શું એ લોકો સાંભળશે ?

જો અહીં ‘દક્ષિણામૂર્તિ’ની મૂર્તિ અને ‘નટરાજ’ની મૂર્તિ ન હોત, જો એ લોકો આ મૂર્તિઓ ત્યાં નહીં જુએ તો શું એ લોકો માત્ર ખુલ્લી જગ્યા અને વડલાંનું ઝાડ જોવા માટે અહીં આવશે ? મોટે ભાગે તો હું એકલો જ વડલાંના ઝાડ નીચે બેસીને મેડિટેશન કરતો હોત !

લોકોને તેમની અંદરની મુસાફરીનું પહેલું પગલું ચલાવવા માટે તેમના મનમા જે ગ્રંથિઓ છે તેમાની એકાદ ગ્રંથિ બતાવવી પડે છે. નહીંતર હું લોકોને આકર્ષી શકું નહીં, મારે તેમની સાથે તેમની જ ભાષામાં વાત કરવી પડે છે.

તે લોકો વડલાના ઝાડ નીચે ‘દક્ષિણામૂર્તિ'ની મૂર્તિ જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. તે લોકો એ બાબતથી બિલકુલ અજાણ હોય છે કે, ‘દક્ષિણામૂર્તિ'ની મૂર્તિ વગર પણ વડલાના ઝાડની નીચે શક્તિક્ષેત્ર હોય જ છે. આ વડલાનું ઝાડ જીવંત શક્તિ છે. તેની શક્તિ તરંગીત શાંતિ છે. તમે તેની નીચે મેડિટેશનના મૂડમાં માત્ર બેસો એટલું જ પુરતું છે. તમારે ગૂંચવાડા ભરેલી કોઈ ક્રિયાઓ કરવાની જરૂર જ નથી. તેની દરેક ડાળીઓ અને પાંદડાં મારી સાથે વાત કરે છે.

સમજો,તમે જ્યારે મૂર્તિપૂજા કરવાનું ચાલુ રાખો છો, ત્યારે તમારે અસ્તિત્વની અદ્ભુત હાજરી બાબતમાં વધારેને વધારે જાગૃતતા લાવવી જોઈએ, કારણ કે મૂર્તિ દ્વારા તમે જેની સાથે જોડાવા જઈ રહ્યા છો. પછી આપોઆપ ભગવાનને દરેક જગ્યાએ જોવાનું શરૂ કરો છો. તમે સમજતાં થશો કે આ ફક્ત એક મૂર્તિ નથી પરંતુ સમગ્રનો સર્જનહાર તેમાં બેઠેલો છે. પછી તમે આખા અસ્તિત્વ સાથે જોડાવાનું શરૂ કરો છો.

મેડિટેશન બાબતમાં, જો તમે ગંભીરતાથી મેડિટેશનમાં જાવ છો તો બહાર શું આવશે તે ચોક્કસ નથી હોતું. કદાચ તમારું વ્યક્તિત્વ બદલાઈ જાય. તમે એક બીજી વ્યક્તિ તરીકે ઉભરી આવો. આ એક મોટું જોખમ લેવા જેવું છે! એ જુગાર રમવા જેવું છે. પરિવર્તન થવાની શરૂઆત થાય છે. એ એવું પરિવર્તન છે જેને માટે હકીકતમાં તમે તલસો છો, પરંતુ તે જ્યારે થાય છે ત્યારે તમને ડર લાગે છે.

તમને તમારી ધાર્મિક વિધિઓમાં સલામતીનો અનુભવ થાય છે. વિધિઓ તમારી રોજંદી જીંદગીઓનો ભાગ બની જાય છે; તમે જે મૃત વર્તુળને અનુસરો છો તેનો તે ભાગ બની ગઈ છે. ગમે તેમ પણ તે તમને કશુંક કર્યાનો સંતોષ આપે છે અને તમે જ્યાં છો ત્યાંના ત્યાં જ રહો છો. મેડિટેશનમાં તમારા આદર્શો થોડા ધ્રુજી જાય છે અને તમને ભેખડની ધાર ઉપર ઉભા હો તેવું લાગે છે. વરસોથી તમારી અંદર જે માન્યતાઓ બંધાઈ ગઈ છે તે એકાએક ધ્રુજતી લાગે છે. તમને એવું લાગે છે કે તમે વધારે અજાણ્યા રસ્તા પર ખસી રહ્યા છો અને તેને કારણે તમારામાં ભય પેદા થાય છે.

આવી રીતે તમે ક્યારેય ન પ્રવેશ્યા હો તેવા અવકાશમાં વધારેને વધારે ઊંડા ઉતરતાં જાવ છો; એવી જગ્યા, જેના વિષે સમાજ કશું જાણતો પણ નથી; એવી જગ્યા જેનાથી સમાજ સાવચેત રહે છે; એવી જગ્યા જે પહેલેથી જ તમારી અંદર છે પરંતુ બંધ તાળામાં છે; એવી જગ્યા જેના તાળાની ચાવી તમે શોધી રહ્યા છો, પરંતુ જેનાથી તમે અજાણ છો, ફક્ત આ જન્મમાં જ નહીં પણ ઘણાં જન્મોથી. તમે જ્યારે આ જગ્યાને શોધી લો છો, તમે એન્લાઈટેન્ડ થઈ ગયા !

આ કંઈક આવું છે :

એક ગાય એવા દોરડાંથી બંધાયેલ છે જેને ગોળ ગોળ ફરવા માટે થોડાં મીટરની લંબાઈ છે.

તે આજુબાજુ ગોળગોળ ફર્યા કરે છે અને તે પોતાની પુખ્ત બુદ્ધિ પ્રમાણે જાગૃત રહે છે.

પછી દોરડું થોડું ઢીલું થાય છે અને તેને ફરવા માટે થોડા વધારે મીટર મળે છે.

તે પાછી ફરીથી ફરવાનું ચાલુ કરે છે અને તે દોરડાંની વધારે લંબાઈ મેળવવા માટે વધારે બુદ્ધિશાળી બને છે.

ગાયની બુદ્ધિ અને જાગૃતતાના પ્રમાણમાં તેને એ વખતે વધારે ફરવા માટે છોડવામાં આવે છે ! માણસમાં પણ આવું જ બને છે માણસની આસપાસની સીમા પણ તેની સભાનતા ઉપર જ આધાર રાખે છે. જે જેટલો વધારે સભાન બને છે તેટલો તે મુક્તિનો આનંદ મેળવી શકે છે અને એટલી તેની સભાનતા વિકાસ પામે છે.

જુઓ, તમારી શક્તિનું કેટલું પરિવર્તન કરવું તે તમારી ઇચ્છાનો સવાલ છે અને આ એક જ રસ્તે તે થઈ શકે છે.

પરંતુ જ્યારે આ થાય છે, ત્યારે સમાજ તમને કહેશે તમે અમારાથી દૂર ખસી રહ્યા છો. તે તમને કહેશે કે જે સાચું છે તેનાથી તમે દૂર જઈ રહ્યા છો. પછી ગૂંચવાડો શરૂ થાય છે. જ્યારે આવું થાય ત્યારે તમારામાં તમારી જાત અને અસ્તિત્વમાં શ્રધ્ધા હોવી જોઈએ અને હિંમતથી આગળ વધી જવું જોઈએ.

અહીં જ તમને, કોઈપણ પુસ્તક અથવા વ્યાખ્યાનો કરતાં, ગુરુ તમને ‘યોગ્ય દંડો-ટેકણ લાકડી આપીને તમારી જાતે ઊભા રહેવામાં મદદ કરી શકે છે. આધ્યાત્મિકતાના રસ્તે ચાલતાં તમને દરેક વખતે એવું લાગશે કે તમને દંડી રહ્યા છે તમને જ્યારે એવો અનુભવ થાય કે તમે બહુમતિની વિરુધ્ધમાં જઈ રહ્યાં છો, ત્યારે ગુરુ તમને તેની પોતાની રીતે ખેંચી લે છે અને તમને આગળ વધવાનું કહે છે.

નબળી ક્ષણોમાં તમને અણી ઘોંચવાની જરૂરીયાત હોય છે અને ગુરુ તમને તમે ઊંચુ માથું કરીને ફરીથી આગળ વધો એ માટે તેમની અણીયાળી લાકડી ઘોંચે છે. લથડીયાં ખાવાની દરેક ક્ષણે લાકડી તમારી મદદ માટે તૈયાર હોય છે.

ગુરુના ટેકાથી, તમે એક વ્યક્તિ તરીકે ઊભા થઈ શકો છો, સ્વતંત્ર વ્યક્તિ તરીકે. તમારી પોતાની વિશિષ્ટતા શોધીને. એનો મતલબ એ નથી કે તમે ગુરુના આધારીત જ બની જાવ છો; બિલકુલ નહીં. આ એક બીજો ખોટો ખ્યાલ છે. લોકો એવું વિચારે છે કે તેઓ જીવનભર બીજી એક વ્યક્તિને આધારિત બની જાય છે.

આ કંઈક આવું છે. તમે કોઈ ખાસ જગ્યાને શોધવાનો તમારી રીતે પ્રયત્ન કરી રહ્યા છો. જો તમારા પર જ છોડી દેવામાં આવે તો તમે વિવિધ જગ્યાએ માર્ગદર્શન માટે પૂછ્યા કરો છો. ક્યારેક તમને ખોટી દિશા બતાવવામાં આવે છે અને ત્યાંથી તમે પાછા વળીને બીજાને પૂછો છો અને તમે તે રીતે ભટકીને તમે તમારી મંઝિલે પહોંચી જાવ છો. આવું કરવામા કદાચ તમને ઘણો બધો સમય લાગે છે, પરંતુ તમે પહોંચો છો. પરંતુ જો તમારી પાસે નકશો અથવા ગાઇડ છે જે રસ્તો જાણે છે. તમે જે જગ્યાની તલાશમાં છો એ જગ્યા પર એ જઈ ચૂક્યા હોય છે અને એ માટે તમને માર્ગદર્શન આપવા માટે હાજર છે.

જો તમારી પાસે ધ્યેય પ્રાપ્તી કરવા માટે માત્ર સમર્પણ ભાવના જ હશે તો તમારે સખત મહેનત કરવી પડશે. પરંતુ જો તમારામાં સમર્પણ ભાવના સાથે હિંમત પણ હશે, તો તમે તમારા ધ્યેય તરફ છલાંગ લગાવી શકશો. આ હિંમત તમારામાં તો જ આવશે જો તમે બીજાઓ સામે જોવાનું બંધ કરીને તમારી જાતની અંદર જ જોવાનું રાખશો જો તમે તમારી જાતને બીજાઓ સાથે સરખાવવાનું બંધ કરી દો છો, અને તમારી જાગૃતતાથી નિરીક્ષણ કરો છો, તો તમારી સિસ્ટમમાં છૂપી રીતે થતાં ફેરફારો જોઈ શકો છો. હિંમતથી ઊભા થવા માટે તમારે તમારા રસ્તા માટે દૃઢ નિશ્ચયની જરૂર પડે છે. આવો દૃઢ નિશ્ચય કરવાની હિંમત તમારામાં ત્યારે જ આવે છે, જ્યારે તમે કોઈની સાથે સરખામણીઓ કર્યા વગરજ તમારી જાતમાં મજબૂત રીતે કેન્દ્રીત હો,

સમાજ તમને તેમની જાણીતી ઘરેડોમાં ધક્કો મારવા માટે રાહ જોઈને બેઠો હોય છે. એવા દુઃખોમાં ધકેલવા માટે જેને તેઓ જાણે છે અને સાંભળી શકે છે; તે તેમને જાણીતા અને ઘસાઈને જીર્ણ થઈ ગયેલા રસ્તા પર ધકેલવા માટે રાહ જોઈને બેઠા હોય છે. આ રસ્તે ચડી જવું ખુબ જ સહેલું છે અને તેમાં હિમતની જરૂર પડતી નથી. પરંતુ આધ્યાત્મિકતાના વણખેડાયેલા રસ્તે આગળ વધવા માટે હિંમતની જરૂર પડે છે. હું જ્યારે હિંમત કહું છું, ત્યારે હું સામાન્ય હિંમત નહીં પણ સમગ્ર માનસિક હિંમતની વાત કરું છું.

જીપ્સીઓની માળા પહેરવા માટે હિંમતની જરૂર નથી પડતી, પરંતુ ‘રૂદ્રાક્ષ’ની માળા પહેરવા માટે અસાધારણ હિંમતની જરૂર પડે છે. હું મારા જે ભક્તોને પહેરવી હોય તેમને ‘રૂદ્રાક્ષ’ ની માળા આપું છું. આ ‘રૂદ્રાક્ષ’ની માળાઓ શક્તિના સંગ્રહસ્થાનો છે. તે તમારા માટે વૈશ્વિક શક્તિનો સંગ્રહ કરે છે. તે તમારા માટે બેટરી હાઉસ જેવી છે અને જ્યારે તમારામાં શક્તિનું સ્તર નીચું હોય ત્યારે તે તમારી અંદર જરૂરી શક્તિ પૂરી પાડે છે. પરંતુ સમાજ આ માળાઓને ‘સન્યાસ’ની સ્પષ્ટ નિશાની તરીકે જુએ છે ! ત્યાગની સમજણ વગર જ સમાજ માળાને બધું ત્યાગી દીધું છે, માટે પહેરવામાં આવી છે એ રીતે જ જુએ છે.

સમાજ અને કૌટુંબીક જીવનમાં રહીને ‘રૂદ્રાક્ષ’ પહેરનારા લોકોને વખોડે છે. પરંતુ તેઓ જ્યારે મૂર્તિઓ અથવા સાધુઓએ રૂદ્રાક્ષની માળા પહેરેલી જુએ છે ત્યારે તેઓ ખુશ થાય છે અને તેમની પૂજા કરે છે. ઘણા જુવાન ભક્તો મને આવીને, માળા બાબતમાં તેમના કુટુંબી જનોએ વ્યક્ત કરેલી પ્રતિક્રિયાઓ વિષે વાત કરે છે. આ બધાં ખણખોદીયાઓ આના વિષે અંતહીન વાતો કરે છે અને તેના વિષેની વાર્તાઓ ફેલાવ્યા કરે છે. આ મૂર્ખાઈ નથી ? તેઓ જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે તેઓ વૈશ્વિક શક્તિને પ્રાર્થના કરતાં હોય છે. પરંતુ જ્યારે એજ શક્તિ તેમને સરળ સ્વરૂપમાં મળતી હોય છે, ત્યારે તેઓ તેને લેવા માટે તૈયાર હોતાં નથી ! તેઓ તે મેળવવા માટે પ્રાર્થના કરે છે. પરંતુ તેનાથી જ દૂર ભાગે છે !

જો તમે આનું ઉંડાણપૂર્વક અવલોકન કરશો, તો તે તમને બેહૂદું અને મૂર્ખાઈભર્યું લાગશે. તેઓ પોતાને ભગવાનથી ખૂબજ અલગ જુએ છે; આ જ સમસ્યા છે. તેઓ ‘પોતે જ’ ભગવાન છે તે સ્વીકારવા તેઓ તૈયાર નથી. હવે હું તમને કહું છું : તમે જાણતાં હો કે ન જાણતાં હો, તમે સ્વીકારો કે ન સ્વીકારો, તમને ગમે કે ન ગમે, તમે માને કે ન માનો, ‘તમે ભગવાન છો’. આ ‘વિશુધ્ધિ ચક્ર’ નો મૂળભૂત પાયો છે - તમારો વિશિષ્ટ ‘સ્વ’ અને અનંત શક્તિને શોધવા જ્યારે તમારી હિંમત વધે છે ત્યારે સમાજ આપોઆપ અર્થહીન બનીને નમી જાય છે. જ્યારે તમારી હિંમત ઓછી હોય છે, ત્યારે સમાજ તમારા પર શક્તિ ચલાવે છે. આ બધું જ તમારા મનમાં છે. તમે સમાજ ને જેટલી શક્તિ આપશો એટલી જ શક્તિ તે તમારા પર વાપરશે. કોઈપણ વાત માટે સમાજનો દોષ ક્યારેય ન કાઢો.

પસંદગી હંમેશા તમારે જ કરવાની હોય છે. તમારામાં હિંમતની ઉણપ હોય તો તમારે સમાજ કહે તેમ કરવું પડે છે, અને તમે સરખામણીની ખેંચતાણમાં પડીને એકબીજાને હરાવવામાં લાગી પડો છો અને પછી તમે તેના માટે સમાજનો વાંક કાઢો છો. આમ તમે સૌથી બેહૂદું કામ કરો છો. યાદ રાખો પસંદગી હંમેશા તમારી જ હોય છે.

માત્ર જાગૃતતામાં આવો, અનંતતા સરળતાથી ખૂલી જશે. આવું જ્યારે બને છે ત્યારે તમે ગભરાવ છો, કારણ કે આવો ખુલ્લો અવકાશ જોવા તમે ટેવાયેલાં જ નથી. તમે હંમેશા સીમાડાઓ જોવાં જ ટેવાયેલાં છો. હવે તમને ક્યાંય સીમાઓ દેખાતી જ નથી. તમે ભયથી સાવધ બનવાનું શરૂ કરી દો છો.

તમે તરત જ વિચારવા માંડો છો કે, તમે ખોટી જગ્યામાં પ્રવેશી ગયા છો. વાસ્તવિકતા પચાવવી અતિશય અઘરી લાગે છે. તમને અસલામતી લાગવા માંડે છે. તમને તમારા ભૂતકાળના હૂંફાળા ભ્રમોમાં અને માન્યતાઓમાં પાછા ફરી જવાનું મન થાય છે. સમાજે જ્યારે તમને કહ્યું કે તમે ખોટે માર્ગે જઈ રહ્યાં છો, ત્યારે સમાજની વાત ન માનીને તમે ભૂલ કરી હોય તેવું તમને લાગે છે. અને તમે પહેલાંની જેમ શંકાઓ પછી શંકાઓ કરવા લાગો છો.

જીંદગી એકાએક ધ્રુજી ગઈ હોય તેવું લાગે છે. તમને ખબર જ નથી પડતી કે તમે ક્યાં જઈ રહ્યાં છો. તમને, રણમાં એકલાં છોડી દીધેલાં બાળક જેવો અનુભવ થાય છે. આ જ સમયે તમારે અસ્તિત્વ તમારી સાથે છે તે યાદ કરવાની જરૂર હોય છે અને તમારી હિંમત ને મજબૂત બનાવવની જરૂર હોય છે અને અસ્તિત્વ સાથે હાથમાં હાથ મેળવીને, તેમાં શ્રધ્ધા રાખીને આગળ વધવું પડે છે. પછી બધું જ બરાબર થઈ જાય છે. શ્રધ્ધા તમારી હિંમતને ટેકો આપવાની લાકડી બની જાય છે.

તમારામાં સમૂળગી ક્રાંતિ ન થાય ત્યાં સુધી તમે બીજ મટીને વૃક્ષ ક્યારેય બની શકતાં નથી. આપણાંમાંના મોટાભાગનાં બીજ જ રહી જાય છે અને મૃત્યુ પામે છે, કારણ કે તેમનામાં હિંમત નથી હોતી. આપણે હંમેશા ફળ અને ફુલ જોવા માટે બીજને જ ખોલી નાંખીએ છીએ. આ રીતે ક્યારેય બીજ વૃક્ષ બને ? ના. બીજને વિકસવા માટે જમીનમાં દટાઈને તેમાં ઓગળી જવું પડે છે. આવી જ રીતે, જ્યારે મૂળભૂત પરિવર્તન થાય છે; જ્યારે માણસની અંદર ક્રાંતિનું સર્જન થાય છે, ત્યારે માણસને અંદરથી ફૂટીને વિકસવું પડે છે. બધી જ મેડિટેશન પધ્ધતિઓ બીજને ફાટીને અંકુરીત કરવા સિવાય બીજું કશું જ નથી.

તમે જ્યારે અંકુરીત થવાનું શરૂ કરો છો, ત્યારે તમારી બધી જ પ્રાથમિકતાઓ બદલી જાય છે. પહેલાં જે ખૂબ જ મહત્વની બાબતો હતી તેની કશી જ કિંમત રહેતી નથી. ફક્ત તમારી અંદરની જાતને પોષણ આપે તે જ બાબત મહત્વની રહે છે. તમારો આખો અભિગમ બદલાઈ જાય છે. તમારી સમગ્ર હાજરી જ બદલાઈ જાય છે.

તમારી હાજરી જ લોકોને તમારી તરફ ખેંચી લાવશે. ભલે તે લોકો તમને મંજૂર નહીં કરતાં હોય તો પણ ! તમારી અંદરથી જે કિરણો ફેલાતા હશે તે લોકોને તીવ્ર જિજ્ઞાસાથી તમારા તરફ આકર્ષીને ખેંચી લાવશે. લોકો તમારા બદલાયેલા અભિગમની ટીકા કરશે તો પણ તમારી હાજરીથી જ એક અલગ પ્રકારનું વાતાવરણ પેદા થશે.

જ્યારે પરિવર્તન થતું હોય ત્યારે બસ ભૂતકાળની બધી જ બાબતોની અવગણના કરો. ભૂતકાળ તમને વારંવાર તેની જૂની જાણીતી ધરેડોમાં ખેંચવાનો પ્રયત્ન કરશે અને તમને બાંધવાની કોશિશ કરશે. તમે જ્યારે બીજાના શબ્દો સાંભળો છો, ત્યારે તમે તમારી જાતને બંધનમાં નાંખો છો. તમારી અંદર થતાં પરિવર્તનની ઉર્મીના ઉછાળાને દૃઢતાથી પકડી રાખો. આ જ તમારી સૌથી મહાન પરીક્ષા છે. તમારા સંપૂર્ણ પરિવર્તન માટેના ધૈર્યની પરીક્ષા છે. સંપૂર્ણ પરિવર્તન થઈ જાય ત્યાં સુધી મંડ્યા રહો.

આ એક બાબત સમજી લો : એક વૈશ્વિક શક્તિ છે જે આખા બ્રહ્માંડને ભરી દે છે અને એજ શક્તિ તમને પણ ભરી દે છે. તમારી અંદરની શક્તિ અને વૈશ્વિક શક્તિ વચ્ચે જીવંત સંબંધ સ્થાપિત કરવો તેનું નામ જ આધ્યાત્મિકતા છે. જ્યારે તમારી વ્યક્તિગત સભાનતા બ્રહ્માંડીય સભાનતા સાથે એકરૂપ થઈ જાય છે, ત્યારે તમે એન્લાઈટેન્ડ બની જાવ છો.

માત્ર એન્લાઈટેન્ડ થવાની ઇચ્છાથી જ આ બની જતું નથી. તે માટે સભાન નિર્ણયની જરૂર પડે છે. તમે સમજો સમાજ સામાન્ય ઇચ્છાઓ, લાલસાઓ સિવાય કશું જ નથી. એ તમને તમારા ખાસ નિશ્ચિત ધ્યેય તરફ ગતિશીલ કરી શકે નહીં. સભાન નિર્ણય જ તમને તમારા ધ્યેયની પ્રાપ્તિ માટે કામ કરવાનું બળ પૂરું પાડી શકે.

લોકો આ બાબતો યોગ્ય રીતે સમજતાં નથી અને સપાટી પરની વાતો જ કર્યા કરે છે. તમે જ્યારે સમજતાં નથી ત્યારે તમે ગેરસમજ કરો છો. પરંતુ તમે એમ માનો છો કે તમે બરાબર સમજી લીધું છે અને સમસ્યા શરૂ થઈ જાય છે.

આધ્યાત્મિકતા વિજ્ઞાન છે, જે આપણને આપણું શરીર, આપણું મન અને આપણાં આત્માની ગહન સમજણ આપે છે. તમે જ્યારે તેમાં જાગૃતતા સાથે પ્રવેશો છો, ત્યારે બહારની દુનિયા ધીરેથી ઓગળી જાય છે. લોકો તમને જ્યારે બહારથી જુએ છે ત્યારે તેઓ વિચારે છે કે તમે બધું ત્યાગી દીધું છે. ફક્ત ‘તમે’ જ જાણો છો કે તમે કશાનો ત્યાગ કર્યો નથી, બહારની દુનિયાની બાબતો આપોઆપ તેમની જાતે જ ઓગળી ગઈ છે. બધાં ભ્રમો અદૃશ્ય થઈ જાય છે અને તમે તેની બેહોશીમાંથી હોશમાં આવી જાવ છો.

અમારા એક કાર્યક્રમમાં મેં પૂછ્યું; કેટલા જણાને એવું લાગે છે કે મેં તેમને હીપ્નોટાઈઝ કર્યા છે. સમોહિત કર્યા છે. એંશી જણાના જૂથમાંથી ત્રણ જણાએ પોતાના હાથ ઊંચા કર્યા હતા. એક છોકરી જેણે પોતાનો હાથ ઊંચો કર્યો હતો તે એક મહિલાનો હાથ પકડીને બેઠી હતી અને છોકરી હસતી હતી. મેં છોકરીને પૂછ્યું કે તું શા માટે હસે છે. જેણે હાથ ઊંચો કર્યો હતો તે છોકરી એટલી પ્રામાણિક તો હતી જ.

મને ખાત્રી છે કે એ જૂથમાંથી ઘણાંને હાથ ઊંચા કરવાની ઈચ્છા થઈ હશે, પરંતુ ‘હું શું કહીશ’ એવા ડરથી તેમણે પોતાનો હાથ ઊંચો નહીં કર્યો હોય. ગમે તેમ પણ ત્રણ જણાએ હાથ ઊંચો કર્યો હતો. મેં તેમને કહ્યું કે મેં તમને સંમોહિત નથી કર્યા, પણ સંમ્મોહનમાંથી મુક્ત કર્યા છે.

તેમને એવું લાગવા માંડ્યું કે તેમનો ભ્રમ ભાંગી ગયો છે. તેઓ માયામાંથી બહાર આવી ગયા છે. પરંતુ એવું બને છે કે તમે ભ્રમની સ્થિતિમાં રહેવા ટેવાઈ ગયેલાં છો, એટલે જ્યારે સ્પષ્ટતા થવા લાગે છે ત્યારે તમે વિચારો છો કે કંઈક ખોટું થઈ ગયું છે ! સમસ્યા એ છે કે, જ્યારે લોકોને ઘણી બધી સમજણ અને સત્યની પહેલીવાર ઝાંખી થાય છે, ત્યારે તેમની અંદર અમુક પ્રકારનો ભય પેસી જાય છે. અજ્ઞાનની છત્રછાયામાં જે અનુકુળતાઓનો આનંદ મળતો હતો, તે જતો રહેવાની બીક લાગે છે.

જુઓ જેટલા પ્રમાણમાં તમારું અજ્ઞાન ઓગળશે, એટલાં જ પ્રમાણમાં તમે ભગવાન અથવા અસ્તિત્વની છાયામાં હશો. તમારી રોજિંદી જિંદગીમાં તમારો દરેક પ્રયાસ તમારા અજ્ઞાનને ખાલી કરવાનો હોવો જોઈએ, જેથી તમે અસ્તિત્વથી ભરાતાં જાવ. જીવનમાં બીજુ બધું આકસ્મિક અને ક્ષુદ્ર છે. આટલું યાદ રાખો.

તમારો દરેક શ્વાસ તમારી જાગૃતતા અને સભાનતા વધારવા તરફ હોવો જોઈએ. હકીકતમાં ફક્ત ત્યાર પછી જ તમે ભગવાન અથવા અસ્તિત્વનો અનુભવ કરવાનો ગંભીર નિર્ણય કર્યો છે એમ કહેવાશે. જો આ રીતનો દૃઢ સંકલ્પ તમારામાં નહીં હોય, તો પછી હજુ તમે માત્ર અનુભવ મેળવવાનો ઢોંગ કરો છો, બસ આટલું જ. તમે બસ તમારી જાતને છેતરો છો. એક ક્ષણ માટે પણ એવું ન વિચારતાં કે તમે બીજાંને છેતરો છો. તમે તમારી જાતને જ છેતરી રહ્યા છો.

બહાર જવાને બદલે પોતાની અંદર તરફ વળવું તે પ્રથમ પગલું છે. પાછા વળવાની આ ક્ષણ ખૂબ જ મહત્વની અને અર્થસૂચક છે. ખ્યાલમાં રાખો કે તમારી જાગૃતતા જ કહેશે કે તમે પાછા વળી ગયા છો. ત્યાં સુધી તમારું મન એક પછી એક બહાના ઊભા કર્યા કરશે. જેવાં કે, લોકો, પરિસ્થિતિઓ અને બહારની દુનિયાના સંજોગોને લીધે હું એક સૂત્રી નથી બની શકતો વગેરે.

એક વખત તમે પાછા વળી જાવ, પછી આ બધી જ બાબતો મામુલી બની જશે. તે ધીરે ધીરે તેની વિશિષ્ટતા ગુમાવી દેશે. તે હાજર હશે તેમાં શંકા નથી, પરંતુ તમે સ્થિરતાથી તેને ઓળંગીને આગળ વધતાં જશો. તે જેમ જેમ તેનો ભાગ વધુ પડતી ચોકસાઈથી ભજવશે, તેમ તમે વધારે અસરકારક સાક્ષી બનતાં જશો, નિરીક્ષક બનતા જશો. પહેલું

પગલું ઉપાડવું અથવા પાછા વળવું જ અતિ મુશ્કેલ બાબત છે. તમે જ્યારે પાછા વળી જાવ છો, અર્ધું કામ ત્યાં જ પુરું થઈ જાય છે. પછી તમે અસ્તિત્વના રસ્તામાં તમને પોતાને આકાર આપી શકો એવા બની જાવ છો.

તમે જ્યારે પાછા વળી જાવ છો ત્યારે દરેક બાબત મેડિટેશન બની જાય છે. તમે ચાલતા હો, અથવા વાતો કરતાં હો, અથવા ગાતાં હો કે નાચતાં હો, કપડાં પહેરતાં હો કે બદલતાં હો, બધીજ બાબત મેડિટેશન બની જાય છે અને આ બધું વધતી જતી જાગૃતતા સાથે થાય છે.

તમે આ બધું જ કરતી વખતે તમારી જાતના સાક્ષી બની જાવ છો અને ધીરે ધીરે સમજતાં જાવ છો કે આખી દુનિયા એક ભ્રમ છે. તમે જ્યારે તમારી અંદરની યાત્રા માટે પહેલું પગલું ઉઠાવો છો ત્યારે એ પગલાંમાં છલાંગ લગાવવાની અસરમાં હો છો કારણ કે, પહેલું પગલું જ સાચી છલાંગ છે. જ્યાં સુધી તમે છલાંગ નથી લગાવતાં, ત્યાં સુધી તમે ફકત ફીલોસોફીની વાતો કરીને તમારી જાતને અને બીજાઓને એવુ સાબિત કરવાની કોશિશ કરો છો કે મારે અનુભવ કરવો છે અને તમે ગુંચવાઈ જઈને દિવસે દિવસે તમારા સંકલ્પમાંથી ઢીલા પડતાં જાવ છો.

તમે જ્યારે પહેલું કદમ ઉઠાવો છો ત્યારે જ તમે તમારી જાતને જીતવા માટે તૈયાર હો છો. બીજાઓને જીતવા ખૂબ જ સહેલાં છે. થોડાં હથીયારો લઈ લો અથવા જીભ વાપરો અને તોડી પાડીને નીચે પછાડી દો, બસ આટલું જ. પરંતુ તમારી જાતને જીતવા માટે જ ખરી હિંમતની જરૂર હોય છે. આ ‘વિશુધ્ધિ ચક્ર’ની બધી જ બાબતો તમારી જાતને જીતવા વિષે છે.

તમે જ્યારે તમારી અંદર જુઓ છો, ત્યારે તમે તમારી જાતને જીતવા તૈયાર હો છો. અલબત્ત, તમે જ્યારે તમારી અંદરના રસ્તે આગળ વધો છો, ત્યારે તમે અત્યારે જે રીતે તમારી આસપાસના લોકોને વળગી રહ્યાં છો, તેવું કદાચ નહીં કરવું પડે. ફકત ‘તમે’ જ જાણતાં હશો કે તમારી અંદર કશુંક બની રહ્યું છે અને બહાર નહીં; તમારી અંદર થઈ રહેલી ક્રાંતિ માટે માત્ર ‘તમે જ’ સભાન હશો. માત્ર ‘તમે જ’ તમારી અંદર વિકસી રહેલાં જ્ઞાન વિષે કહી શકશો.

તમે જે આનંદનો અનુભવ કરી રહ્યા હશો તેને તમારી આસપાસના લોકો સમજી જ નહીં શકે. હું તમને કહું છું : તમે તમારી અંદર વિકસી રહ્યા છો અને બીજા કોઈને સાબિતી આપવાનો પ્રયત્ન ક્યારેય ના કરતાં તમે તમારા આધ્યાત્મિક મિત્રો સાથે તમારો અનુભવ ચર્ચી શકો છો કારણ કે તેમના અને તમારા વિચારો મળતાં આવતા હોય છે. પરંતુ જો તમે તમારા અનુભવો એવા બીજા લોકો સાથે વહેંચશો કે જેઓ અંદરની મુસાફરી પ્રત્યે બેદરકાર છે, તો તમને ફકત દુઃખો જ મળશે.

જરા તમારી અંદર અનુભવ થવા દો; બીજાઓને પકડી પણ ના રાખો અને તેમની પાછળ દોડો પણ નહીં. તેમને તમારા પર વરાળની જેમ કામ કરવા દો, જેથી તમે પૂરેપૂરા પાકીને તૈયાર થઈ જાવ. જો તમે તેમને પકડી રાખશો તો અમુક બિંદુ પર તમે ગતિશૂન્ય થઈ જશો અને આખી બાબત ચૂકી જશો.

યાદ રાખો કે આ બધાં જ અનુભવો, તમે તમારી આંતરીક યાત્રા પર સારી રીતે જઈ રહ્યા છો તેની નિશાનીઓ છે. એ તમે રસ્તા પર જે સાઈન બોર્ડ જુઓ છો તેનાં જેવાં છે. તમે સાઈન બોર્ડને વળગી જઈને કહેશો કે તમને મંઝિલ મળી ગઈ છે ? ના. તેમને વળગી ના પડો. તમારી મંઝિલ તરફ આગળ વધતાં રહો.

સંપૂર્ણ વચનબધ્ધતા અને દ્રઢ સંકલ્પની જરૂર પડશે અને તમે જ્યારે તૈયાર હો છો ત્યારેતે આપોઆપ આવી જાય છે; તમે જ્યારે તમારા મનને કે જે સમાજ છે તેને છોડવા તૈયાર હો છો. તમારા હૃદયથી જીવો; તમે જ્યારે બીજાઓ તરફ આંગળી ચીંધવાનું બંધ કરવા તૈયાર હો છો અને તમારી તરફ જોવા તૈયાર હો છો; જે થવું હોય તે થાય; જ્યારે તમે તમારા અનુભવોથી સમજી જાવ છો કે તમારૂં મન સામાજીક છે અને તમારૂં હૃદય કુદરતી છે ત્યારે તમારામાં આપોઆપ દ્રઢ સંકલ્પ અને વચન બધ્ધતા આવી જાય છે.

અને એક વધારે વાત : જ્યારે લોકો તમારી પાસે તમારા અનુભવની સાબિતી માંગે ત્યારે તમારે તેમને કશું જ સાબિતી કરી આપવાની જરૂર નથી. તમારા અનુભવો એટલા આંતરીક અને વ્યક્તિગત હશે કે તમે બીજી વ્યક્તિને અસરકારક રીતે સમજાવી નહીં શકો. હકીકતમાં તમે એવું કરવા જશો તો તમે આખા અનુભવને ઓછો કરી નાંખશો. અને બીજી વ્યક્તિ તમે જે કહેશો તે કદાચ માનવા પણ તૈયાર નહીં થાય. તેઓ કદાચ તમને આખી બાબત તાર્કિક રીતે સમજાવવાનું કહેશે.

તર્ક આ અનુભવને ક્યારેય સમજાવી શકે નહીં. ભગવાન તર્કથી પર છે. જો તર્ક ભગવાનને સમજાવી શકે તો પછી તર્ક ભગવાન કરતાં ચડિયાતો બની જાય; પરંતુ અત્યારે એ વાત નથી; માટે રીલેક્સ થઈ જાવ અને તમારી અંદર અનુભવ થવા દો. જ્યારે તમને કોઈ વ્યક્તિ પ્રશ્નો પૂછે ત્યારે તેમની સામે મુસ્કુરાઈને આગળ વધી જવાની પુખ્તતા કેળવી લો. તમે જે ઘણાં બધાં શબ્દોથી સમજાવી નથી શકતાં તે કામ એક મુસ્કુરાહટ કરી શકે છે.

મહાન એન્લાઈટેન્ડ ગુરૂઓ એ અસ્તિત્વ સાથે લયમાં રહીને અદ્ભુત આનંદનો અનુભવ કર્યો હોય છે. લોકો મને મારા અનુભવોનું વર્ણન કરવાનુ કહે છે. પરંતુ હું તમને કહું છું, તે એટલો બધો આત્મીય અને વ્યક્તિગત હોય છે કે હું શબ્દોમાં તેને સમજાવી શકતો નથી. હું તમને માર્ગદર્શન આપી શકું. તમને રસ્તો બતાવી શકું કે આ રસ્તે જશો તો તમે મારા જેવો અનુભવ કરી શકશો. જે ક્ષણે હું સમજાવવાનું શરૂ કરીશ તે જ ક્ષણે તે અનુભવ દૈહિક બની જશે.

પરંતુ એક વાત : હું તમને પૂરેપૂરી ખાત્રી આપી શકું કે જો તમારી અંદર આગ હશે તો તમે તે અનુભવ ચોક્કસ કરી શકશો. ત્યાં પહોંચવા જોઈતી શક્તિ માટે ગુરૂનું વચન જ પુરતું છે.

તમે કોઈપણ કારણ વગર આનંદનો અનુભવ કરી શકશો. લોકો તમને કારણ વગર આનંદિત થતાં જોઈને એવું વિચારશે કે તમે પાગલ થઈ ગયા છો. તે લોકો એવું જ સમજે છે કે સંબંધોના કારણો અને અસરોથી જ આનંદ મળી શકે છે. તેમના મત પ્રમાણે બહારના કારણો જ તમારી અંદર આનંદ માટે કારણરૂપ છે.

હું તમને કહું છું, મેડિટેશન અને આધ્યાત્મિકતા વિષે તમે પૂછેલા સવાલોના જવાબો રૂપે આ બધી જ વાતો છે. તમે કદાચ એવું વિચારતા હશો કે આપણે મુખ્ય વિષયથી બહાર જઈ રહ્યા છીએ. ના. આ ‘ચક્ર’, આ ‘વિશુધ્ધ ચક્ર’ને અને તમારી જાતને ખીલવવા વિષે જ છે; તમારી વિશિષ્ટ જાતને શોધવા માટે, પૂરી જાગૃતતા અને એવી સમજણ સાથે કે જીવનમાં સરખામણી અને ઈર્ષા માટે હકીકતમાં કોઈ જગ્યા જ નથી. મેં જે કહ્યું છે તેને તમારી અંદર ઉતારો અને તેની પાછળ રહેલી શક્તિને તમારૂં પરિવર્તન કરવા દો. હું તમને કહું છું, તમારી અંદર ચમત્કાર થશે ! તે તમારી જાતની સંપૂર્ણ ગુણવત્તા બદલી નાંખશે.

બરાબર છે. હવે આપણે જે ચર્ચા કરી તેમાંથી તમે સમજી ગયા છો કે સરખામણી અને ઈર્ષાનું નકારાત્મક અસ્તિત્વ છે અને તેને તમારી સાથે હકીકતમાં કોઈ સંબંધ નથી. હવે હું તમને ‘વિશુધ્ધ ચક્ર’ અને તેની અંદર રહેલા શક્તિના સ્ત્રોત વિષે થોડું વધારે સમજાવું છું.

જુઓ : આપણી અંદર શક્તિના ત્રણ સ્તરો હોય છે. પહેલુંસ્તર છે આપણા મનની શક્તિનું. જે આપણે રોજિંદી ક્રિયાઓ માટે સવારથી સાંજ સુધી વાપરીએ છીએ. એક વખત આ શક્તિ વપરાઈ જાય પછી તમે થાકી જાવ છો અને જો વધારે કામ કરવાનું કહેવામાં આવે તો તમે ઉશ્કેરાઈ જાવ છો.

બીજું સ્તર છે કટોકટી માટે સંગ્રહાયેલી શક્તિનું સ્તર. આ શક્તિ તમારી લાગણીઓમાંથી ઉદ્ભવે છે. કટોકટીના સમયે આ શક્તિ બહાર આવે છે. ધારો કે તમે રસ્તા પર ચાલી રહ્યાં છો. અને એક કૂતરું તમારી પાછળ દોડે છે. ભયની લાગણી સપાટી પર આવી જશે અને તમે શું કરશો ? તમે સામાન્ય સ્થિતિમાં જેટલું દોડી શકતા હશો એનાં કરતાં ઘણી બધી વધારે ઝડપથી દોડવા માંડશો, ખરૂં કે નહીં? તમે થાકીને લોથપોથ થઈ ગયા હશો, તમે એક ડગલું પણ આગળ વધવા અશક્ત હશો, તો પણ એકાએક કૂતરું તમારી પાછળ દોડશે તો તમે અલગ જ પ્રકારની શક્તિથી દોડવા માંડશો. આ કટોકટી માટેની શક્તિ છે. જે લાગણીમાંથી ઉદ્ભવે છે.

ત્રીજા સ્તરની શક્તિ તમારા ‘સ્વ’ની આંતરિક શક્તિ છે. આ જ તમારી અંદરની શક્તિનો અસીમ સ્ત્રોત છે, જેનો તમે બિલકુલ ઉપયોગ જ કરતાં નથી. આ શક્તિના સ્તરને ગહન મેડિટેશનથી ખોલીને તેનો અનુભવ કરી શકાય છે. તમે આ સ્વીકારો અથવા ન સ્વીકારો, તમે શક્તિના આ ત્રણેય સ્તરો સાથે જોડાયેલાં છો. આ ‘વિશુધ્ધ ચક્ર’ પાસે આ શક્તિઓને ઊંચા સ્તરે લઈ જવાની ચાવી છે.

હું તમને મારા પરિભ્રમણ દરમ્યાન બનેલા એક બનાવનું વર્ણ કરૂં છું.

હિમાલયમાં આલ્મોડા નામની એક ખુબ સુંદર જગ્યા છે. ત્યાં એક નાના આશ્રમમાં મેડિટેશન કરવા માટે થોડી નાની ઝૂંપડીઓ બનાવેલી છે.

આ જગ્યામાં રાતના ઘણીવાર વાઘ આવી ચડે છે !

હું મારા ભ્રમણના સમયમાં થોડો સમય ત્યાં રોકાયો હતો. હું ત્યાં કલાકો સુધી મેડિટેશન કર્યા કરતો.

તેમણે એવી સિસ્ટમ બનાવી હતી કે આશ્રમના વડાને વાઘ આવ્યો છે તેવી જાણ થાય કે તરત જ તેઓ ઘંટ વગાડતાં, જેથી બધાં સાધુઓ પોતાની ઝુંપડીમાં જતા રહીને અંદરથી દરવાજો બંધ કરી દે અને જ્યાં સુધી બહાર આવવાનું કહેવામાં ન આવે ત્યા સુધી ખોલે નહીં.

એક વખત રાતના સમયે, અમે જ્યારે મેડિટેશન કરતાં હતાં, ત્યારે બેલ વાગ્યો એટલે અમે બધાં પોત પોતાની ઝુંપડીમાં જતાં રહ્યાં.

બીજે દિવસે સવારે આશ્રમના વડા અમે બધા બરાબર છીએ કે નહીં તે તપાસવા માટે નીકળ્યા.

તેમણે જોયું કે એક ઝૂંપડીનો દરવાજો બંધ હતો અને તેની બારીમાંથી સન્યાસી દરવાજો ખોલવા માટે બૂમો પાડી રહ્યો હતો.

અમે બધા ત્યાં દોડી ગયા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ ખુલ્યો નહીં.

અંતે અમે થોડાં બારીમાંથી ઝૂંપડીમાં દાખલ થયા.

અમારા આશ્ચર્ય વચ્ચે, તેણે અનાજ દળવાની ઘંટીનો મોટો પત્થર દરવાજાની આડો મૂકી દીધો હતો જે તેનાથી કોઈપણ રીતે ખસતો નહોતો.

અમે બધાએ સાથે મળીને તે પથ્થર ખસેડ્યો અને દરવાજો ખોલ્યો.

એકાએક અમને મનમાં ચમકારો થયો કે આટલો મોટો પથ્થર આ એકલા માણસે દરવાજાની આડો કઈ રીતે મૂક્યો હશે? અમે તને પૂછ્યું કે તમે આ પથ્થર ખસેડીને કઈ રીતે મૂક્યો હતો ?''

તેણે જવાબ આપ્યો; “ખસેડ્યો હતો ? મેં બસ ઊંચકી લીધો અને દરવાજાની આડો મૂકી દીધો હતો !''

જ્યારે તેણે વાઘ આવ્યો છે તે સાંભળ્યું એટલે બસ પથ્થર ઊંચકીને દરવાજાની આડો મૂકી દીધો, બસ આટલું જ !

કટોકટીના શક્તિના સ્તરની હું જે વાત કરૂં છું તેનો મતલબ આ છે. સામાન્ય સંજોગોમાં પેલો સાધુ આ પથ્થર ક્યારેય ના ઊંચકી શક્યો હોત. તમને સમજાય છે ? બનાવ બની ગયા પછી કટોકટી જતી રહી અને પછી તે પોતે જ પથ્થર ખસેડીને દરવાજો નહોતો ખોલી શકતો !

અતિશય ભય અથવા અતિશય તીવ્ર તૃષ્ણાની હાલતમાં આ શક્તિનું સ્તર ખુલી જાય છે. દાખલા તરીકે જો તમારી કોઈ અગત્યની મીટીંગ હશે તો તમે થાકનો અનુભવ કરશો ? ના. તમે જીવંત અને તાજા હશો. મુલાકાતની ઉત્કંઠા તમને શક્તિથી ઉભરાતાં રાખશે.

‘વિશુદ્ધિ ચક્ર’, આ ત્રણેય શક્તિઓને ખોલીને બહાર લાવવાનો દરવાજો છે, પરંતુ તમે તેનાથી અજાણ છો, કારણ કે, તમે ઘણાં બધા સમયથી શક્તિના આ સ્તરોનો અસરકારક ઉપયોગ કર્યો નથી.

આ કંઈક આવું છે : દરેક બંદરોમાં એક બોટ જેટ્ટી હોય છે. જ્યાં બોટોને રાખવામાં આવે છે. એવું કહેવાય છે કે જો બોટને લાંબો સમય સુધી પાણીમાં ફેરવ્યા વગર જેટ્ટીમાં રાખી મૂકવામાં આવે છે તો બોટ ભૂલી જાય છે કે તે પાણી સાથે સંલગ્ન છે !

આવી જ રીતે, તમે તમારી શક્તિના સ્તરનો લાંબા સમયથી ઉપયોગ જ કર્યો નથી એટલે તમે ભૂલી ગયા છો કે આ શક્તિ તમારી અંદર છે અથવા એ શક્તિ તમારી સાથે સંલગ્નછે. મેડિટેશન તમારા માટે શક્તિનું ત્રીજું સ્તર ખોલી આપે છે. તમે જો આ ‘ચક્ર’ને શુધ્ધ સ્થિતિમાં રાખી શકો તો, તમે બહારની દુનિયામાં મહાન ઉંચાઈઓ પ્રાપ્ત કરી શકો છો. અને તમારી અંદરની દુનિયાની ગહનતામાં પ્રવેશી શકો છો. જ્યારે તમારામાં ઈર્ષા હોય છે અને આત્મવિશ્વાસની ઉણપ હોય છે ત્યારે આ ‘ચક્ર’ બંધ થઈ જાય છે. અને ઓછો આત્મ વિશ્વાસ જ ઈર્ષાને પેદા કરે છે, બસ આટલું જ. તમારામાં આત્મવિશ્વાસ ઓછો હોય એટલે ઈર્ષા કાર્યરત થાય છે. અને આ બન્ને સરખામણીને કારણે થાય છે ઓછા આત્મવિશ્વાસને લીધે તમને એવું લાગે છે કે તમે સારા નથી અને તમે તમારી જાતને બીજાને આધારે છોડી દો છો. ઈર્ષામાં, તમે આ બાબત સહન કરી શકતાં નથી એટલે પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરો છો; બસ આટલો જ ફરક હોય છે.

એક વાત સમજી લો : તમને તમારી જાતમાં જેટલો વિશ્વાસ ઓછો હોય છે તે એજ બતાવે છે કે તમને એટલો ભગવાનમાં વિશ્વાસ ઓછો છે, કારણ કે તમે જ ‘ભગવાન છો’. માટે જ હું કહું છું કે તમારી જાતની કોઈ બીજા સાથે સરખામણી કરવાની કોઈ તક જ નથી.

તમારે આ ‘ચક્ર’ માં છુપાયેલા શક્તિના બીજા અને ત્રીજા સ્તરનો અનુભવ કરવાની જરૂર છે. જેથી તમે સમજી શકો કે તમારામાં અનંત શક્તિ છુપાયેલી પડેલી છે. આ ‘ચક્ર’ હકીકતમાં આપણાં માટેની શક્તિની બેઠક છે. જ્યારે આપણે તેના પર એકાગ્રતા કેળવીએ છીએ ત્યારે આપણને તેમાંથી શક્તિનાં કિરણો ફેલાઈ રહ્યાં હોય એવું લાગે છે.

હું હિમાલયમાં જ્યારે ભ્રમણ કરતો હતો, ત્યારે ઘણાં બધા માઈલો પગપાળા જ ચાલતો હતો. હું મારા ‘વિશુધ્ધ ચક્ર’ ઉપર એકાગ્રતા કેળવીને ધીમી ગતિથી ચાલવાનું શરૂ કરતો. ‘ચક્ર’ ઉપર એકાગ્રતા રાખીને જ હું ઝડપ પકડતો અને કોઈપણ પ્રયાસ વગરજ ઝડપથી ચાલવા લાગતો. અમુક બિંદુ પર પહોંચ્યાં પછી મારું શરીર હવામાં તરતું હોય એ રીતે આગળ વધતું અને હું ફક્ત તેનો સાક્ષી બની રહેતો ! આ રીતે મેં ઘણાં બધા માઈલોની મુસાફરી કરી લીધી છે.

તમે જે બધો જ ખોરાક લો છો અથવા કસરતો કરો છો, તે ફક્ત તમને શક્તિના પહેલા સ્તરે જ મદદરૂપ થાય છે. ખોરાક એકલો તમને શક્તિ આપતો નથી. ખોરાક તમને શક્તિ આપે છે તે સામાન્ય રીતે ખોટો ખ્યાલ છે. ખોરાક શક્તિના સ્ત્રોતોમાંનો એક સ્ત્રોત છે બસ આટલું જ.

તિબેટમાં ‘યોગીઓ’ બિલકુલ ખાતાં જ નથી. તેઓ માત્ર ‘બિલ્વા’ના ફળની કાચલીમાંથી પાણી જ પીએ છે. હું હિમાલયમાં આવી રીતે છ મહીના સુધી રહ્યો છું. હું મારી શક્તિ સૂર્યમાંથી, નહાતી વખતે પાણીમાંથી, શ્વાસ લેતી વખતે હવામાંથી મેળવતો હતો. આ બધી ‘યોગીક’ પધ્ધતિઓ છે. એન્લાઈટેન્મેન્ટ માટે તમે જે ‘તપસ્યા’ કરો છો, તે તમે આખી જીંદગીમાં જે કર્યું હોય છે, તેનું પ્રાયશ્ચિત હોય છે. એ તપસ્યા જ તમારી જાતમાં તરંગો પેદા કરે છે.

તમે જ્યારે બીજાઓ સાથે હરીફાઈ કરો છો, ત્યારે તમે તમારી જાતને ભૂલી જાવ છો. તમે તમારી જાતને મજબૂત કરવાનું ભૂલી જાવ છો. જે ખરેખર તમારા માટે ખુલ્લો શક્તિનો સ્ત્રોત છે. તમારી પાસે શારીરિક અને બુધ્ધિની શક્તિ હશે, પરંતુ આત્મશક્તિ વગર આ બન્ને શક્તિનો કોઈ જ ઉપયોગ નથી. તમે જ્યારે તમારી આત્માની શક્તિ શોધી લો છો, ત્યારે તમે તમારી જીવન શક્તિના સ્ત્રોતને સ્પર્શી લો છો. યસ …

“માસ્ટરજી, અમે એક વખત ઈર્ષા વગરના થઈ શકીએ, પછી એકાએક ઉણપમાંથી પણ સંપૂર્ણપણે મુક્ત થઈ શકીએ?”

અલબત્ત, જો તમે તમારામાં એવી જગ્યા જોઈ શકો છો કે જ્યાં કામવાસના અને ઈષા વગર જ પ્રેમ હોય છે, તો તમે ચોક્કસ આગળ વધી ગયા છો, પરંતુ તમારે સતત સંપૂર્ણ જાગ્રતતા સાથે જ આગળ વધવું જોઈએ. કારણ કે તમે પાછા ખૂબ જ સરળતાથી તમારી જુની અભાનતામાં લપસી શકો છો અને તમે તમારી જાતને ફરી વખત બધી જ જુની લાગણીઓમાં ડૂબાડી દો છો.

નવી મેળવેલી જાગૃતતાને પકડી રાખો અને તેની સાથે જ આગળ વધો. તે તમને વિસ્તરવા માટે ઘણાં સુંદર માર્ગો

ખોલી આપશે. એક જ જગ્યાએ ચીપકી ન જાવ. થોડાંક અનુભવો મજબૂત છે એમ વિચારીને તેને જ વળગી રહેવું, તે જ સૌથી મોટું જોખમ છે.

ગુરુઓ ક્યારેય તેમનાં શિષ્યોને કોઈ એક અનુભવ પર ચીટકવા દેતાં નથી. તેઓ તેમને અણી ઘોંચીને હંમેશા ધક્કો મારતાં રહે છે, જેથી શિષ્ય શોધખોળમાં ઊંડે ઉતરતો જાય છે. જે લોકોને દેવ કે દેવીનું દર્શન થાય છે, તેઓ ઘણીવાર તેમની આધ્યાત્મિક યાત્રામાં ત્યાં જ અટકી જાય છે. તેમને લાગે છે કે હવે જોવા જેવું કશું જ બાકી નથી અને તેથી એ અનુભવને પકડીને ત્યાં જ રોકાઈ જાય છે. આવું ક્યારેય બનવા ના દેવું જોઈએ.

તમે સમજો જ્યાં સુધી તમે આત્મસાક્ષાત્કાર નથી કરી લેતાં અથવા ‘દિવ્ય આનંદ’ની સ્થિરતામાં નથી પહોંચતા, ત્યાં સુધી તમે ગમે ત્યારે ટોચ પરથી પાછા ખીણમાં ગબડી શકો છો. માટે આ યાદ રાખીને તમારી જાગૃતતાને ત્યાં સુધી પોષણ આપ્યા કરો જ્યાં સુધી તમે, ગહનતાથી મૂળભૂત સપાટીની સમજણ ન મેળવી લો.

એક વાત સમજી લો : ગુરુનું કામ ખૂબ જ કોમળ અને નાજુક હોય છે. તેણે તમારામાંના દરેકને અતિશય કાળજી અને નાજુકતાથી સંભાળવાના હોય છે. તેણે જોવાનું હોય છે કે તમારામાંના દરેક ક્યા રસ્તે વિકસીને ખીલી શકે છે. તમે દરેક ઘણાં બધાં જન્મોમાંથી પસાર થયાં છો અને ઘણાબધા અજ્ઞાનનો સંગ્રહ કર્યો છે. તેણે આ બધાં પર કામ કરીને તમને જાગૃત કરવાનાં હોય છે.

અને એક વાત ખાસ યાદ રાખો :

જીવન ઘણાં બધાં ઉકેલો લઈને જ આવે છે, પરંતુ તેમાં તમારા માટે યોગ્ય અમુક જ હોય છે. તમારા માટે શું યોગ્ય છે તે શોધી કાઢવામાં જ સાચું જ્ઞાન રહેલું છે. તમે જ્યારે તમારું પોતાનું જ્ઞાન વાપરીને તે શોધી કાઢો છો, ત્યારે તમે તેનો પૂરો આનંદ ઉઠાવી શકો છો. જેવા તમે બીજાઓ તરફ જોવાનું શરૂ કરીને તેમના ઉકેલો તમારી જાત પર અજમાવવાનું શરૂ કરો છો, તેવા જ તમે ક્યાં ઊભા રહેવું તેનો રસ્તો ગુમાવી દો છો.

એક નાની વાર્તા :

દૂરનાં ગામડાંમાં એક વૃધ્ધ સ્ત્રી તેના જૂના ઘરની ધૂળ સાફ કરી રહી હતી.

એકાએક દરવાજો ખૂલ્યો અને એક યુવાન સેલ્સમેન અંદર દાખલ થયો. સ્ત્રીને ધૂળ સાફ કરતી જોઈને તે ઉત્તેજનાથી બોલવા લાગ્યો.

તેણે કહ્યું કે તમારા ઘરને સાફ કરવાનાં મારી પાસે ઘણાં કરામતી સાધનો છે.

વૃધ્ધ સ્ત્રીએ કહ્યું; “પરંતુ ...”

પેલા માણસે સ્ત્રીને વચ્ચે જ બોલતી અટકાવીને તેના થેલામાંથી ઘણી બધી ચીજોનો ઢગલો ફરસ પર કરી દીધો.

વૃધ્ધ સ્ત્રીએ ફરી કહેવાનો પ્રયત્ન કર્યો; “પરંતુ ...”

પેલા માણસે સ્ત્રીને કહ્યું કે બાજુમાં ઊભા રહો અને જુઓ, તેણે એક સાધન લીધું અને સમજાવવા માંડ્યું; “તમે આ

મશીન જોયું ? આ મશીન ગમે તેટલી ધૂળને ચપટી વગાડતાં જ સાફ કરી નાંખે છે. આ વજનમાં એકદમ હલકું છે એટલે, તમારે આ ઉંમરે તેને વાપરવું બહું જ સરળ પડશે. હું તમને વાપરીને બતાવું છું.”

વૃધ્ધ સ્ત્રીએ ફરી પ્રયત્ન કર્યો; “પરંતુ ...”

પેલા માણસે તેને રોકીને કહ્યું; “બસ મને ઈલેક્ટ્રીકનો પ્લગ બતાવો.”

સ્ત્રીએ અંતે કહ્યું; “પરંતુ ... અમારા ગામમાં હજુ ઈલેક્ટ્રીસીટી આવી જ નથી !”

જીવનમાં આપણે આપણા માટે શું સૌથી વધુ યોગ્ય છે તે નક્કી કરવાની ક્ષમતા કેળવવાની જરૂર છે.

જો આપણે આ બાબતમાં સ્પષ્ટ હોઈએ, તો આપણે કોઈપણ જાતની ચિંતા વગર વિકસી શકીએ છીએ. પરંતુ મોટેભાગે, આપણે પારકી વસ્તુની ઝંખના રાખીએ છીએ અને બીજાઓનાં ઉકેલોને આપણી ઉપર અજમાવીએ છીએ. અને પછી દુઃખી થઈએ છીએ.

જો આપણે ક્યાં ઉભાં રહેવું છે અને આપણને શું જોઈએ છે, એ બાબતમાં સ્પષ્ટ હોઈએ તો આપણે એકધારો સતત વિકાસ કરી શકીએ છીએ. આ રસ્તે જીવનમાં જો પ્રગતિમાં કોઈ અડચણ પણ આવે તે આપણને વધારે બુધ્ધિપૂર્વક કેમ જીવવું તે શીખવી જાય છે. આ રસ્તામાં તમે તમારી પોતાની બુદ્ધિથી ચાલ્યા હોવાથી તે તમારી પોતાની અનુભવની સમજણ બની જાય છે.

તમે જ્યારે બીજાના ઉકેલોને અનુસરો છો, ત્યારે તમારી અંદર કશું બનતું નથી. તમે માત્ર બહાર પરિઘની સપાટી પરથી કામ કરતાં હો છો. જ્યારે તમારી અંદર કંઈ જ બનતું નથી ત્યારે તમે વિકસી શકતા નથી; આટલું યાદ રાખો. જ્યારે હું એમ કહું છું કે, તમે વિકસી શકતાં નથી, ત્યારે મારો કહેવાનો મતલબ છે તમે તમારી અંદર ક્રાંતિ કરી શકતાં નથી. બહાર કામ કરવાથી ભૌતિક ફાયદાઓ થશે. પરંતુ અંદરથી તમે મૃત હશો.

એક વાત યાદ રાખો : ફક્ત તમે જ્યારે અંદરથી વિકસો છો, ત્યારે જ તમે ખરા અર્થમાં વિકસો છો. બહારની દુનિયાની હરિફાઈની દોડમાં ભયંકર રીતે ફસાઈ ન જાવ. તેને માત્ર એક રમત તરીકે જુઓ અને રમો. ભૌતિક બાબતો જીવવા માટે જરૂરી છે. પરંતુ આ બધું બહારના પરીધ પર જ રહેવું જોઈએ. તમારી અંદરનો ‘સ્વ’ સતત વિકાસ પામતો રહેવો જોઈએ. આ ‘સ્વ’ જ તમને બહારની રમતમાં માર્ગદર્શન આપશે.

તમે જ્યારે તમારાં પોતાના જ્ઞાનથી ટકોરા મારતાં શીખી જાવ છો, ત્યારે તમે જોઈ શકો છો કે બીજાની પ્રગતિ અથવા પ્રવૃત્તિઓ સામે જોવું કેટલું અપ્રસ્તુત છે. તમે આખી બાબતનું વાહિયાત પણું સમજી શકો છો. જેમ જેમ તમારૂં જ્ઞાન વધે છે, તેમ તેમ તમે સમજતાં જાવ છો કે દરેકે પોતાની જાત સાથેની હરીફાઈમાં જ દોડવાનું હોય છે. નહી કે એકબીજાની હરીફાઈમાં ! સાચી દોડની હરીફાઈ તમારા અસીમ જ્ઞાનને શોધી કાઢવા માટેની હોય છે. આમાં સરખામણી કરવાની તક જ ક્યાં છે ?

તમારા અસીમ જ્ઞાનને શોધી કાઢવું એજ જીંદગી છે. માટે જ હું હંમેશા કહું છું : જીંદગી એક રસ્તો છે. ધ્યેય નથી. જેમ તમારૂં જ્ઞાન વધે છે તેમ તમે વધારે આનંદિત બનો છો અને જીંદગીની રમત વધારે અસરકારક રીતે રમી શકો છો. માટે સરખામણી કરવાનુ બંધ કરી દો અને તમારા સાચા વિકાસનો રસ્તો શોધવાનું ચાલુ કરી દો.

‘વિશુદ્ધિ ચક્ર’ શ્રેષ્ઠ સર્જનાત્મકતાની બેંક છે. જ્યારે આ ‘ચક્ર’ની શક્તિ ખુલી જાય છે, ત્યારે તમે સર્જનાત્મકતાનો પ્રચંડ પ્રવાહ તમને મળેલો જોઈ શકો છો.

તમે જ્યારે તમારી ‘જાત’ની ગુણવત્તા બદલી નાંખો છો ત્યારે સ્વાભાવિક રીતે જ તમારી ‘કાર્યશક્તિ’ની ગુણવત્તા પણ બદલી જાય છે. તમે જે કંઈ કરો છો, તે શ્રેષ્ઠ કાર્યદક્ષતાથી, શ્રેષ્ઠ સર્જનાત્મકતાથી કરો છો. પરિણામે તમારી પાસે જે ‘હોય’ છે તેની ગુણવત્તા પણ બદલી જાય છે. તમારા રસ્તામાં જે કંઈપણ આવશે તેનાથી તમે સુખી હશો અને જોશો કે ભૌતિક સંપત્તિ અને સફળતાનો પ્રવાહ તમારી તરફ કુદરતી રીતે જ આવી રહ્યો છે. માટે સરખામણી બંધ કરી દો અને તમારી જાત તરફ પાછા વળી જાવ અને તમારી અંદરના ‘દિવ્ય આનંદ’ અથવા ‘નિત્યાનંદ’ ને શોધી કાઢો.

યસ ... હવે આપણે ‘શક્તિ સાગર મેડિટેશન’નામની મેડિટેશન પધ્ધતિમાં પ્રવેશ કરવાનાં છીએ. તે તમને તમારા ‘વિશુદ્ધિ ચક્ર’માં રહેલી પ્રચંડ શક્તિના સ્ત્રોતનો કઈ રીતે ઉપયોગ કરવો તેનો અનુભવ કરાવશે.

શક્તિ સાગર મેડિટેશન

(કુલ સમય : ૩૦ મિનિટ)

‘શક્તિ સાગર’ મેડિટેશન ઝેન બુદ્ધિઝમ માંથી લેવામાં આવ્યું છે, જે તમને બ્રહ્માંડીય શક્તિ (કોસ્મીક એનર્જી)ને મેળવવામાં મદદ કરશે. આ મેડિટેશનની ચાવી, જ્યારે શરીર હલન ચલન કરતું હોય ત્યારે મનને ‘વિશુદ્ધિ’ પર સ્થિર રાખવું તે છે. તમે જ્યારે આ મેડિટેશન કરો છો. ત્યારે તમે સીધા જ બ્રહ્માંડીય શક્તિમાં પ્રવેશો છો.

આંખો બંધ કરીને તમારા “વિશુદ્ધિ ચક્ર” પર ધ્યાન કેન્દ્રીત કરો. ખુરશીની પાછળ અથવા કોઈ ટેકા સાથે ઉભા રહો. અને તને પકડી રાખો. ધીમે ધીમે ઉભા ઉભા જ ચાલવાનું શરૂ કરો, ખૂબ જ ધીમે થી શરૂ કરો. હવે ધીરે ધીરે તમારી ચાલની ઝડપ વધારતાં જાવ. એજ જગ્યાએ વધુને વધુ ઝડપથી ચાલવાનું રાખો. તમારી પૂરેપૂરી ક્ષમતા તેમાં લગાવી દો. કોઈપણ જાતની પ્રતિકુળતા વગર તમારી જાતને કોઈપણ સમયે વધારે પડતી ખેંચો નહીં. આ બધો જ સમય ધ્યાન ‘વિશુદ્ધિ ચક્ર’ પર જ કેન્દ્રીત રાખો. તમને લાગશે કે તેમાંથી શક્તિ બહાર આવી રહી છે. મહત્વની બાબત એ છે કે એક વખત ઝડપ વધાર્યા પછી એકપણ બિંદુ પર તેને ધીમી કરવાની નથી. ૨૦ મિનિટ પછી અટકી જાવ.

પછીની ૧૦ મિનિટ માટે તમે જ્યાં છો, ત્યાં જ શાંતિથી બેસી રહો. તમારી આંખો બંધ રાખો અને તમારું ધ્યાન ‘વિશુદ્ધિ ચક્ર’ પર જ કેન્દ્રીત રાખો. તમે આ હલન ચલન વખતે પેદા થયેલી શક્તિને તમારી અંદર શોષી લેશો.

આ મેડિટેશનની એક ચાવી છે, તે એ છે કે તમારું શરીર હલતું હોય ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ‘વિશુદ્ધિ ચક્ર’ પર કેન્દ્રીત હોવું જોઈએ. તમે જ્યારે આમ કરો છો, ત્યારે બ્રહ્માંડિય શક્તિ તમારા ‘વિશુદ્ધિ ચક્ર’માં થઈને તમારી અંદર પ્રવેશ કરે છે અને તમારા માટે પ્રચંડ શક્તિનો સ્ત્રોત બની જાય છે.

તમે આ મેડિટેશન કરતી વખતે તમારા ગળામાં તમારી માળા પહેરી શકો છો. એ મેડિટેશન દરમ્યાન પેદા થયેલી શક્તિનો સંગ્રહ કરવાનું કામ કરશે.

જુથમાં શક્તિ સાગર મેડિટેશન કરવાનું હોય ત્યારે સંગીત સાથે કરવું

અંતમાં માસ્ટરજી મંત્ર બોલે છે !

ઓમ્ શાંતિ, શાંતિ, શાંતિ હી

ધીમે થી, ખૂબ જ ધીમે થી, તમારી આંખો ખોલી નાંખો. આપણે બીજી બેઠકમાં મળીશું. આભાર.