KAILASA Library/સચોટ ઉકેલો/પ્રકરણ - ૫ વિચિત્ર-વિલક્ષણ કલ્પનાઓમાંથી બહાર આવવું.Sign in
સચોટ ઉકેલો

પ્રકરણ - ૫ વિચિત્ર-વિલક્ષણ કલ્પનાઓમાંથી બહાર આવવું.

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

આપણે હવે 'મૂલાધાર ચક્ર' વિશે વાત કરીશું જે કરોડરજ્જુના પાયામાં આવેલું છે.

સંસ્કૃતમાં મૂલાધાર નો અર્થ થાય છે 'અસ્તિત્વનું મૂળ અને પાયો : 'મૂલા' એટલે મૂળીયાં અને 'આધારા' એટલે પાયો.

આ ચક્ર વિચિત્રતાઓ અને કલ્પનાઓથી બંધ પડેલું હોય છે. અને તમે જ્યારે વાસ્તવિકતાને આવકારો છો અને વિચિત્ર કલ્પનાઓ છોડી દો છો ત્યારે ખીલી ઉઠે છે.

(મેડિટેશન પધ્ધતિ : 'દુઃખ હરણ મેડિટેશન' - કુલ્લાર્ણવા તંત્રમાંથી લેવામાં આવી છે.)

'મુલાધાર ચક્ર' સેક્સ, વિચિત્ર વિલક્ષણતાઓ અને કલ્પનાઓ સાથે સંબંધિત હોય છે.

સેક્સ એક એવો વિષય છે જેના પર સૌથી વધારે બોલાયું છે, વિચારાયું છે અને લખાયું છે. સૌથી વધારે ગેરસમજો, સૌથી વધારે ખોટા અર્થો અને સૌથી વધારે ગુંચવાયેલો જો કોઈ વિષય હોય તો તે છે સેક્સ ! આપણે કાંતો આ વિષયની ઉપેક્ષા કરીએ છીએ અથવા તો તેમાં ડૂબી જઈએ છીએ. સેક્સ આપણાં અભાન મનના ઉંડાણમાં સતત સળગતો રહે છે. અત્યાર સુધીમાં આપણને કોઈએ સેક્સના સત્ય વિષે જાગૃત કર્યા નથી.

બીજા બધા જ વિષય કરતાં સેક્સના વિષય પર સૌથી વધુ જાણકારીનો પ્રકાશ ફેંકવાની જરૂર છે. અને આ પ્રકાશ પૂરી જાગૃતતા સાથે ફેંકવાની જરૂર છે.

અત્યારે આપણી હાલત અમાસની અંધારી રાતોમાં જંગલમાં ભૂલા પડેલા માણસ જેવી છે. ક્યાંક એટલો મોટો ખાડો ખોદીને રાખવામાં આવ્યો છે જેમાં આપણે પડવા માટે અટવાયા કરીએ છીએ. જે માણસ આ વિષયની ઉપેક્ષા કરવાનો પ્રયત્ન કરે છે તે સંપૂર્ણ અજ્ઞાનમાં છે. તે એ પણ જાણતો નથી કે ખાડો ક્યાં છે ? પછી તે તેની ઉપેક્ષા કઈ રીતે કરી શકે?

જે માણસ આ વિષયમાં ઊંડે સુધી ડૂબેલો છે તે ખાડાને જાણે છે, પરંતુ તેમાં સીધો ભૂસકો કઈ રીતે મારવો તે જોઈ શકતો નથી.

આ સિવાય બીજો કોઈ ઉકેલ હોઈ શકે ? શું કરવું જોઈએ ?

માણસે પહેલા ખાડો ક્યાં છે, તે જાણવું જોઈએ અને પછી યોગ્ય પગલાં લઈને તેની આજુબાજુ આંટો મારવો જોઈએ.

સેક્સના વિષયને હંમેશા કાર્પેટની નીચે સંતાડી દેવામાં આવે છે. આ કંઈ ધુમ્રપાનનો મુદ્દો છે ? વાલીઓ તેમના સંતાનો સાથે સેક્સની ચર્ચા નહીં કરે ! સૌથી પહેલા તો વાલીઓ પોતે જ આ વિષયની મહત્વની સાચી હકીકતો જાણતાં નથી ! કોઈપણ વિષયમાં તમારે તેના અધિકૃત જાણકાર માણસને પૂછવું જોઈએ, નહીંતર તમે સાચી સમજણ ચુકી જાવ છો અને તમે સાચી સમજણ ચૂકી જાવ છો એટલે ગેરસમજ કરો છો.

એક સ્ત્રીને તેના પુત્રની સ્કુલ ટીચરનો પત્ર મળ્યો.

ટીચરે લખ્યું હતું કે છોકરો બોર્ડને બરાબર જોઈ શકતો નથી અને તેથી તે લખતો હોય છે ત્યારે ભૂલો કરે છે.

સ્ત્રી તાબડતોડ છોકરાને આંખના ડોક્ટર પાસે લઈ ગઈ.

ડોક્ટરે છોકરાને તપાસ્યો અને ચીઠ્ઠી લખી આપી.

તેમાં લખ્યું હતું. વાળ કપાવી નાંખો !

આપણને આ વાતનું હસવું આવે છે. પરંતુ આપણે આપણી જીંદગીમાં પણ જોઈશું તો, જો તમે પહેલી જ વખત કોઈ યોગ્ય વ્યક્તિ પાસે જશો તો તમે સાચો ઉકેલ મેળવી શકો તો ઠીક, નહીંતર તમે કહેવાતા જાણકારો પાસે ફર્યા કરશો અને તેમણે શીખવેલી નકામી રીતોનો અમલ કર્યા કરશો અને તમારી જીંદગી વેડફી નાંખશો.

એના કરતાં પણ વધારે ખરાબ એ થશે કે તમે એ રીતો તમારી ભવિષ્યની પેઢીને પણ શીખવશો. આવી રીતે પ્રણાલિકાઓ પોતાનું સ્વરૂપ ઘડે છે. તમે જ્યારે પ્રણાલિકા પડવા દો છો ત્યાર પછી તેને તોડી તેમાંથી મુક્ત થવા માટે અગાધ બળની જરૂર પડે છે, કારણ કે વરસો જતાં પ્રણાલિકા જ સત્ય બની ગઈ હોય છે.

જ્યારે ગુરુ પ્રગટ થાય છે ત્યારે તેમનું પહેલું કામ તમારી કરેલી આવી બધી બાબતોને મીટાવવાનું હોય છે. ફક્ત પછી જ એ તમારામાં ઊતરવાનું શરૂ કરી શકે ! ફક્ત પછી જ એ તમને બતાવશે કે તમે હકીકતમાં શું છો. તેને માટે આ મુશ્કેલ કામ હોય છે કારણ કે તમે તમારા પોતાના રસ્તે ખૂબ જ આગળ વધી ગયેલા હો છો. તમે એટલા બધા આગળ નીકળી ગયા હો છો કે તમને નવાઈ લાગે છે કે તમે ખોટા રસ્તે કઈ રીતે હોઈ શકો !

આપણે મૂળ વાત પર પાછા આવીએ : સેક્સ શું છે ?

સેક્સ પ્રચંડ સર્જનાત્મ શક્તિ છે. તે મેડિટેશન શક્તિ છે. આખી દુનિયા સેક્સની શક્તિમાંથી ઊભી થઈ છે.

આપણા પ્રાચીન ગુરુઓ, ઋષિઓએ આ વિષયમાં આપણને અતિશય સ્પષ્ટતા આપેલી છે. વાત્સાયન- જેમણે કામસૂત્ર-સેક્સના વિજ્ઞાન વિશે પુસ્તક લખ્યું છે તે સન્યાસી હતા તે તમે જાણો છો ? તેઓ અપરિણીત હતા ! બ્રહ્મચર્ય પાળતા હતા !

હકીકતમાં તેમણે ‘કામસૂત્ર’ તેમની પોતાની માતાને સંભળાવ્યું હતું.

તેમના આત્મ સાક્ષાત્કાર પછી; પૂર્ણ જાગૃતતા પ્રાપ્ત કર્યા પછી તેઓ એક દિવસ તેમની માતા પાસે પાછા આવ્યા.

તેમની માતાએ કહ્યુંકે જો તું પૂર્ણ જાગ્રત બની ગયો હો, તો તારી પાસે આ દુનિયાના કોઈ એક વિષયનું ઊંડુ જ્ઞાન હોવું જોઈએ.

તેઓ સંમત થયા, અને પૂછ્યું, એ તમને હું સંભળાવીશ તો ગમશે.

તેણીએ કહ્યું; “તારી માતા તરીકે હું જાણું છું કે તું જન્મથી જ બ્રહ્મચારી છે. તું સેક્સના વિષય પર કશું જ જાણી શકે તેવી કોઈ તક નથી. તું મને આ બાબતમાં શું કહી શકીશ ?”

વાત્સાયન મુસ્કુરાયા અને કામસૂત્ર-સેક્સનું વિજ્ઞાન સંભળાવ્યું !

વાત્સાયનને એક વખત પૂછવામાં આવ્યુ; “આ વિષય પર બોલવાનો તમને કયો અધિકાર છે ?”

સ્વાભાવિક સવાલ છે. મને લાગે છે કે તમારામાંના ઘણા બધાં શાંતિથી પોતાના મનમાં મારા માટે પણ આજ સવાલ પૂછતા હશે !

વાત્સાયને જે જવાબ આપ્યો તે આ હતો; “હું આજના જમાના પ્રમાણે આજની ભાષામાં તેનું રૂપાંતરણ કરૂં છું.”

એક ઈલેક્ટ્રીકનો વાયર મેન તમારા ઘરમાં આવે છે ત્યારે તે જાણતો હોય છે કે દરેક રૂમની દરેક ઈલેક્ટ્રીક સ્વીચ ચાલુ બંધ કરતી વખત શું બન્યું હશે.

તે દિવાલની અંદર છૂપાયેલા પૂરા વાયરીંગને જાણતો હોય છે.

જો તેમાં ક્યાંય સમસ્યા હોય તો તે સમસ્યા ક્યાં છે તે માપી લે છે અને તેનો ઉકેલ આપે છે.

ખરૂં કે નહીં ?

તે ઈલેક્ટ્રીસીટીનું વિજ્ઞાન જાણે છે.

બીજીબાજુ તમે આખો દિવસ આ બધી જ સ્વીચો ચાલુ બંધ કરતાં હો છો. પરંતુ સ્વીચોની પાછળ હકીકતમાં કેવી રચના છુપાયેલી છે તેના વિષે તમે તદ્દન અજાણ હો છો ? હું સાચું કહું છું ?

આપણામાંના મોટાભાગના સ્વીચોને ચાલુ-બંધ કરવા સિવાય કશું જ જાણતા નથી. માટે જ ક્યારેક આપણને ઈલેક્ટ્રીકનો કરંટ લાગી જાય છે ! સમજી ગયા : આપણે ભલે પિતા, માતા કે દાદા-દાદી હોઈએ પરંતુ અત્યાર સુધી સેક્સની બાબતમાં આપણે કશું જ જાણતા નથી.

આપણે બધા સતત હોર્મોન્સના ત્રાસ નીચે જીવીએ છીએ. ટેલિવિઝન અને બીજાં પ્રસાર માધ્યમો વાસનાને વિવિધરૂપે બતાવે છે અને આપણે તે જોઈને વિચારીએ છીએ આપણે સેક્સ અને પ્રેમ વિશે બધું જ જાણીએ છીએ.

ફક્ત એક એન્લાઈટેન્ડ વ્યક્તિ જ તમને સેક્સનું વિજ્ઞાન કહી શકે.

ભારતની સમૃધ્ધિ અને જમીનોને વરસોથી લૂંટવામાં આવી છે. ભારત માટે આ કોઈ મહાન નુકસાન નહોતું અને તે દરેક આક્રમણો પછી સમાજ પાછો ઊભો થઈ ગયો હતો. છેલ્લે, આપણી ‘ગુરુકુલ પધ્ધતિ’, જૂના દિવસોમાં જે ગુરુના ચરણોમાં શીખવાની પધ્ધતિ હતી. તે લુપ્ત થઈ અને કામસૂત્ર-સેક્સનું વિજ્ઞાન બાળકોને શીખવવાનું બંધ થઈ ગયું. આ ભારતને લાગેલો દુર્ભાગ્ય પૂર્ણ ફટકો હતો. આના પછી લોકોએ સેક્સનો અર્થ સમજવાનું બંધ કરી દીધું અને વાસના અને કામની પાછળ દોડવાનું શરૂ કરી દીધું.

તમ બે માણસોને ચેસની રમત રમતાં જોયાં છે ? તમે જ્યારે તે બે જણની રમતનું નિરીક્ષણ કરતાં હો છો ત્યારે તમારી અંદર સાચી ચાલની સ્ફૂરણા થાય છે. પરંતુ ગમે તે કારણે પેલા બે રમનારાને સૂઝતી નથી ! તમારામાંના કેટલાં જણે આવું નિરીક્ષણ કર્યું છે ? આનું કારણ શું હોઈ શકે ? કોણ કહેશે ? કહો ...

“કારણ કે આપણે રમતમાં સંકળાયેલા નથી હોતાં માસ્ટર ?”

યસ, આજ હકીકત છે, જે માણસ સાક્ષી ભાવે જોતો હોય છે તેના મન પર જીતવાનું દબાણ નથી હોતું. દબાણ અને તણાવ મનને નબળું કરી નાંખે છે. માટે જે માણસ રમતમાંથી બહાર નીકળી ગયો હોય છે, જે ફક્ત નિરીક્ષક હોય છે. તે જ તમને તેના વિષે સાચો વિચાર આપી શકે છે. ગુરુ તેમાંના એક છે. જે બધું જ જાણે છે. માટે જ દરેક વિચાર માટે અધિકારી વ્યક્તિ હોય છે.

તો સેક્સ શું છે ?

આજના વિજ્ઞાને સાબિત કર્યું છે કે કોઈ પુરુષ ૧૦૦% પુરુષ હોતો નથી અને કોઈપણ સ્ત્રી ૧૦૦% સ્ત્રી હોતી નથી. પુરુષ ૫૧% પુરુષ અને ૪૯% સ્ત્રી હોય છે. તેવી જ રીતે સ્ત્રી ૫૧% સ્ત્રી અને ૪૯% પુરુષ હોય છે. ફક્ત ૧%નો ફરક હોય છે.

તમારો જન્મ તમારા પિતાનાં ‘મૂલાધાર’ અને તમારી માતાના ‘મૂલાધાર’માંથી થયેલોછે. પછી તમે ફકત પુરુષ અથવા ફકત સ્ત્રી કઈ રીતે હોઈ શકો ? બન્નેના ગુણધર્મો તમારામાં આવે જ ! આવે કે નહીં ?

ભગવાન શિવનું અર્ધનારીશ્વરનું સ્વરૂપ આ પાયાના પ્રતિક રૂપે રજુ થયેલું છે. ભગવાને દેવી પાર્વતીને આ વિષય પર કહ્યું હતું, પાંચ હજાર વરસ પહેલાં નોંધાયેલા ઊંડ જ્ઞાનને આજે બાયોલોજીનું વિજ્ઞાન સમર્થન આપે છે.

સંપૂર્ણ બનવા માટે, અદ્વૈત બનવા માટે, એક બનવા માટે, આપણે પુરુષત્વ અને સ્ત્રીત્વનો કે જે આપણી પ્રકૃતિનો ભાગ છે તેનો સ્વીકાર અને અભિવ્યક્તિ કરી શકીએ તે અનિવાર્ય પણે આવશ્યક છે.

પરંતુ ખરેખર આવું બને છે ? આપણને અભિવ્યક્તિની છૂટ છે ?

જન્મ થતાંની સાથે જ સમાજ તમારા પર સ્ત્રી અથવા પુરુષનું લેબલ મારી દે છે. અને તમે તમારા લેબલ પ્રમાણે વર્તન કરો તેવી અપેક્ષાની શરૂઆત કરી દે છે. છોકરાઓને તેના સ્ત્રીત્વવાળી બાજુની અભિવ્યક્તિ કરવા દેતાં નથી અને છોકરીઓને તેના પુરુષત્વ હિસ્સાની અભિવ્યક્તિ કરવા દેતાં નથી. તદ્દન નાની ઉંમરથી જ આપણા અર્ધા હિસ્સાને દબાવી દેવામાં આવે છે.

સાત વરસની ઉંમર સુધીમાં, જ્યાં સુધી સામાજીક શરતો એ તેના મૂળ વધારે ઊંડા ઉતર્યા નથી હોતાં, ત્યાં સુધી બાળક પુરુષ અથવા સ્ત્રી બનવા વિશે પુરું સભાન હોતું નથી. માટે જ નાના બાળકમાં પૂર્ણતાની લાગણી હોય છે. તે પોતાની અંદર કેન્દ્રીત અને સલામત હોય છે. તે જોવામાં અતિ સુંદર અને આનંદપૂર્ણ લાગે છે ! સાત વરસની આસપાસ બાળક સમાજના નિયંત્રણમાં આવે છે.

છોકરાને ઢીંગલીઓ અને રસોઈના સાધનો સાથે રમવા માટે પ્રોત્સાહીત કરાતો નથી. છોકરીને જ્યારે રેસીંગકાર અને રોકેટ સાથે રમવું હોય ત્યારે તેને એવું કરવાની છૂટ મળતી નથી. અને તેમનાં કપડાંના રંગો અને બીજી ચીજ વસ્તુઓ માટે પણ ભેદ રાખવામાં આવે છે. તમે છોકરા માટે વાદળી અને છોકરી માટે ગુલાબી રંગ પસંદ કરો છો. હું સાચો છું ને ?

પહેલાંના સમયમાં માતાપિતાની જવાબદારી ફકત બાળકોને જન્મ આપવાની હતી. બાળક ચાર વરસનું થાય એટલે તેઓ તેને ગુરુ પાસે ગુરુકુળમાં મૂકી આવતા હતાં. ગુરુકુળમાં બાળકોને ગાયત્રીમંત્ર- એવો મંત્ર કે જેનાથી બુદ્ધિની જ્યોત પ્રગટે - સાત વરસની ઉંમર સુધી શીખવવામાં આવતો. ચૌદ વરસની ઉંમર સુધીમાં તેમને જો કોઈ આધ્યાત્મિક અનુભવ થાય તો, તેમને બ્રહ્મસૂત્ર, જે દુનિયાની ફિલોસોફીનું મહાન પુસ્તક છે, શીખવવામાં આવતું. અને જો આધ્યાત્મિક અનુભવ ન થાય તો તેમને કામસૂત્ર-સેક્સનું વિજ્ઞાન શીખવવામાં આવતું. જેથી તેઓ ગૃહસ્થ જીવનની કળા શીખતા હતા.જો તેઓ એકવીસ વરસની ઉંમર સુધીમાં એન્લાઈટેન્ડ થઈ જતાં, તો તેમને ‘સન્યાસ’ની દીક્ષા અપાતી હતી અને જો એન્લાઈટેન્ડ ન થાય તો તેમને ‘યોગસૂત્ર’ શીખવવામાં આવતું. આવી રીતે બાળકોને તેના પોતાના રસ્તે, ગુરુના પ્રેમ અને માર્ગદર્શન નીચે ખીલવા અને વિકસવા દેવાતા.

પરંતુ અત્યારે બાળકમાં એવી દમનકારી સ્થિતિ પેદા થાય છે કે તેના માટે તે ખૂબ જ નુકસાનકારક છે. બાળકોને સમાજ જેની મંજૂરી નથી આપતો તે હિસ્સાને દબાવી દેવો પડે છે. આપણને તેનો ખ્યાલ નથી હોતો, પરંતુ બાળક માટે તે સમયગાળો અતિશય ત્રાસદાયક હોય છે. તેને એકાએક એવું લાગે છે કે તે મૂળીયામાંથી ઉખડી રહ્યું છે, તેની જાતના અર્ધા હિસ્સાને કાપી નાંખવામાં આવી રહ્યો છે. તે આ દબાવી દીધેલા હિસ્સાને બહાર શોધવા માંડે છે.

તમે સમજો : માણસનો મૂળભૂત સ્વભાવ પરિપૂર્ણતા છે. તે પૂર્ણતામાંથી આવે છે અને તેમાં જ રહેવા માંગે છે માટે તે અભાન પણે જ પોતાના ખોવાયેલા ભાગની શોધ ચાલુ કરી દે છે. તે બહાર પોતાના ખોવાયેલા અર્ધા હિસ્સાની પ્રતિકૃતિની શોધ શરૂ કરી દે છે. છોકરો છોકરીની હાજરી શોધ છે અને છોકરી છોકરાની હાજરી શોધે છે.

અને અહીં જ સેક્સનો આખો ખ્યાલ શરૂ થાય છે. આવી રીતે સેક્સનો વિચાર મૂળીયાં મૂકે છે.

સાત વરસથી ચૌદ વરસ વચ્ચેના સમયગાળામાં બાળક માતાપિતાના સહવાસમાં હોય છે તેથી બાળક આદર્શ પુરુષ અને આદર્શ સ્ત્રી કેવાં હોવા જોઈએ તેની કલ્પનાઓ તેમાંથી બનાવે છે. છોકરાને તેના વ્યક્તિત્વનો દબાયેલો ભાગ તેની માતામાં દેખાય છે અને છોકરીને તેના પિતાની છબીમાં.

માટે જ દરેક છોકરાની પહેલી હિરોઈન તેની માં હોય છે અને છોકરી માટે પહેલો હીરો તેના પિતા હોય છે. આ વણલખ્યો કાયદો છે ! સીગમંડ ફ્રોઈડની મનોવિજ્ઞાનની થીયરીમાં આવતી, કહેવાતી ઓડીપસ અને ઓફૅલીયા ગ્રંથીઓની પાછળ આ અર્ધા હિસ્સાની શોધની તરસ હોય છે. છોકરો પોતાની માતાએ જે રીતે તેની સંભાળ રાખી હોય તેવી જ સંભાળની અપેક્ષા તેની પત્ની પાસે રાખે છે અને છોકરીએ તેના પિતા પાસેથી જે સલામતી અને ખાત્રીનો આનંદ મેળવ્યો હોય તેની અપેક્ષા તેના પતિ પાસે રાખે છે.

છૂટાછેડા અથવા મૃત્યુને કારણે જે બાળકને તેના માતા અથવા પિતા ગુમાવવા પડ્યા હોય તે બાળક અપૂર્ણતાની લાગણી અનુભવે છે. કારણ કે માતા પિતાની તેમના પર પડેલી છાપો સૌથી પહેલી અને ખૂબ જ ઊંડી હોય છે. તમે જુવાન થઈ ગયા પછી તમારે માતા પિતા સાથે ગમે તેટલા મતભેદ હોય તો પણ, તમારી અંદર તમારી જાત પર પડેલી તેમની છાપોને તમે ખસેડી શકતા નથી, ભૂંસી શકતા નથી.

ચૌદ વરસની ઉંમરે બાળક શારીરીક રીતે પુખ્ત બની જાય છે. સ્વાભાવિક જ સમાજ તેમને માતાપિતા સાથેનો પહેલાં જેવો વિરુદ્ધ જાતિ પ્રત્યેનો સહવાસ મંજૂર રાખતો નથી અને તેમની પ્રવૃત્તિઓને પણ તેમની પ્રત્યક્ષ જાતિ તરફ વાળવામાં આવે છે. આ ઉપરાંત તેઓ પોતાના માતાપિતા સાથે વધારે સમય પણ ગાળતાં નથી.

માટે ચૌદ વરસની ઉંમરે પણ શોધ ચાલુ રહે છે, પરંતુ હવે તે બહારની દુનિયામાં ચાલે છે. આજના જમાનામાં આવું ચૌદ વરસ પહેલાં જ શરુ થઈ જાય છે. બાળકો ટેલિવિઝન અને ઇન્ટરનેટને કારણે નાની ઉંમરમાંજ વધારે ખુલી જાય છે. તેથી જ તેઓ માનસિક રીતે વધારે ઝડપથી વિકસી જાય છે. આ તંદુરસ્ત નિશાની નથી. ગમે તે હોય ચૌદ વરસની ઉંમરથી બહારની દુનિયામાં શોધ શરૂ થઈ જાય છે.

બાળકો હવે તેમની કલ્પનાઓ બહારની વ્યક્તિઓ અને પ્રસાર માધ્યમોમાંથી ભેગી કરે છે. પ્રસાર માધ્યમો આ બાબત બરાબર જાણે છે. માટે જ તમે જુઓ છો કે દરેક પ્રકારની જાહેરાતોમાં સેક્સને પ્રદર્શીત કરાય છે આકર્ષક સ્ત્રી અથવા પુરુષ દરેક ઉત્પાદનોનું મોડલીંગ કરે છે, જે તે ઉત્પાદન સાથે તેમને કશું જ લાગતું વળગતું ન હોય તો પણ.

લગભગ દરેક મોટર સાયકલની જાહેરાતમાં સ્ત્રીને દેખાડાય છે. અને કેટલી સ્ત્રીઓ બાઈક ચલાવે છે ? ગમે તે ઉત્પાદન હોય તેમાં તમને સ્ત્રીનો હસતો ચહેરો દેખાશે. અને તમે જ્યારે બજારમાં ખરીદી માટે જાવ છો ત્યારે અભાન પણે તે જ વસ્તુ ખરીદો છો. એ ભૂલી જાવ છો કે પેલી જાહેરાતવાળી સ્ત્રી તે વસ્તુ સાથે નથી આવવાની! અને સાદી ‘પ્યોર મેજીક કુકીઝ’ પણ જાહેરાતમાં ફક્ત સ્ત્રીને જ બતાવે છે ! તમારી દબાયેલી ભાવનાઓની રોકડી કરવાનો પ્રસાર માધ્યમોનો આ સરળ રસ્તો છે.

દરેક પ્રકારના પ્રસાર માધ્યમો સપનાં વેચનારાથી વધારે કશું જ નથી. આપણે આ બધાં સપનાંઓ ભેગાં કરીએ છીએ અને તેનાથી આપણી તરસ છીપાશે તેવું માનીને તેની પાછળ દોડ્યા કરીએ છીએ. શું તમારી પાણીની તરસ મીઠાં થી સંતોષાય ? ના ! જો તમે એમ કરો છો તો ઉલ્ટાની તમારી તરસ વધી જાય છે ? ખરું કે નહીં ?

જો તમે જાગૃત અને સચેત હો તો જાહેરાતો તમને ક્યારેય મૂર્ખ બનાવી ન શકે. અલબત્ત તેને જોઈને તમે બજારની છેલ્લામાં છેલ્લી છેલ્લી વસ્તુઓથી માહિતગાર જરૂર રહી શકો છો, પરંતુ તે તમને ઈરાદાપૂર્વક ભ્રમમાં નાંખી શકે નહીં. પરંતુ જો તમે જાગૃત અને સચેત હો તો !

તમારા પર તેઓ આક્રમણ કરી શકે એટલા નિર્બળ તમે નહીં બનો તો તમે તેને ઉપયોગીતાની દૃષ્ટીએ જોશો અને છોડી દેશો. તમને તેમના તરફ સતત અભાન આકર્ષણ નહીં થાય, તમે તેના તરફ અજાણતાં જ ખેંચાયા નહીં કરો. પરંતુ જો તમે તમારા પ્રતિક્રિયાત્મક મનને તેના નિર્ણયો લેવા દેશો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જાવ છો. તમારે તમારા પ્રતિક્રિયાત્મક મનને વિલીન કરીને તમારી બુદ્ધિથી નવું રૂપ આપવું જોઈએ, જેથી તમે બધો સમય જાગૃત રહી શકો. સભાન રહી શકો. અલબત્ત, મેડિટેશન આ સ્થિતિએ પહોંચવામાં ખૂબ જ મદદ કરી શકે.

અને સમજો, એક બાજુ પ્રસાર માધ્યમો તમારી કલ્પનાઓને ખોરાક પૂરો પાડે છે, અને બીજી બાજુ સમાજ તમારું દમન કરવાનો પ્રયત્ન કરે છે. સમાજ તમારી કલ્પનાઓ અને ઇચ્છાઓને જેટલી વધારે દબાવવાની કોશિશ કરે છે, તેટલી તે વધારે વધતી જાય છે. કારણ કે સમાજ તેના મૂળ કારણને દૂર કરવાને બદલે તેનાં લક્ષણોને દબાવે છે. તમે જ્યારે ઝાડની ડાળીઓનેજ કાપો છો અને તેનાં મૂળને એમ જ રહેવા દો છો ત્યારે શું થાય છે? ઝાડ બીજી વધારે કૂંપળો પેદા કરીને ઝડપથી વધવા માંડે છે. બસ આટલું જ.

ગમે તેમ પણ આ દિવસો દરમ્યાન, આપણે આ પ્રમાણે પ્રસાર માધ્યમો અને બીજા સ્ત્રોતોમાંથી નકશાઓ ભેગા કરીને એક સંપૂર્ણ સ્ત્રી અથવા એક સંપૂર્ણ પુરુષની કલ્પના મૂર્તિ તૈયાર કરીએ છીએ. દરેક વ્યક્તિઓમાંથી આપણે સૌથી સુંદર નાક, સુંદર આંખો, સુંદર વ્યક્તિત્વને ભેગા કરીને આપણી પોતાની ‘આદર્શ વ્યક્તિ’ તૈયાર કરીએ છીએ. આપણે કોમ્પ્યુટરમાં કાપવાની અને ચોટાડવાની પધ્ધતિનો ઉપયોગ કરીએ છીએ એમજ. ખરૂં કે નહીં?

આ તબક્કો સાત વરસ સુધી આપણે વીસ-એકવીસ વરસના થઈએ ત્યાં સુધી ચાલે છે. પછી પ્રસાર માધ્યમોની એકરૂપતા છૂટી જાય છે, પરંતુ ખ્યાલો આપણા મનમાં ઊંડા મૂળીયા નાંખીને પડ્યા રહે છે. પછી તાજી નવી શોધ શરૂ થાય છે. પેલી આદર્શ વ્યક્તિને આપણાં જીવનમાં લાવવાની. આ શોધ આપણા ખ્યાલ પ્રમાણે ‘આવી’ કે ‘આવો’ હોવો જોઈએ તેની હોય છે. અહીંથી અપેક્ષાઓ શરૂ થાય છે પછીના સાત વરસ સુધી આ શોધ ચાલુ રહે છે. એક પછી એક વ્યક્તિમાં આપણે પ્રયત્ન કરીએ છીએ અને નાસીપાસ થઈએ છીએ. અમુક સમજદાર લોકો થોડા સમય પછી સમજી જાય છે કે સપનાંઓ હકીકત બની શકે નહીં. કારણ કે, સપનાંઓ હકીકત બની શકતાં નથી એટલે જ તેને સપનાં કહેવામાં આવે છે ! પરંતુ મોટા ભાગના લોકો શોધ ચાલુ રાખે છે.

એક નાની વાર્તા :

એક નેવું વરસનો વૃધ્ધ માણસ રોજ સવારથી સાંજ સુધી દરીયા કિનારે બેસીને ત્યાંના લોકોનું નિરીક્ષણ કર્યા કરતો હતો.

થોડાં દિવસમાં બીજા એક માણસના ધ્યાનમાં આ આવ્યું એટલે તેણે વૃધ્ધ પાસે જઈને પૂછયું; “તમે દરરોજ અહીં બેસીને હકીકતમાં શું કરો છો ?”

વૃધ્ધ માણસે જવાબ આપ્યો; “મારી પત્ની બની શકે તેવી સ્ત્રીની શોધ કરું છું.”

આ જવાબ સાંભળીને માણસ નવાઈ પામી ગયો. તેણે પૂછયું; “તમે તમારી જુવાનીમાં તેને કેમ ન શોધી ?”

વૃધ્ધે જવાબ આપ્યો; “હું એક સંપૂર્ણ સ્ત્રીની તલાશ કરૂં છું.”

“અને તમને એકપણ ન મળી ?” પેલા માણસે પૂછયું.

“મારા મનમાં જેવી હતી તેવી એક મળી હતી પરંતુ તેની સાથે બરાબર લાંબુ ચાલ્યું નહીં.” વૃધ્ધે જવાબ આપ્યો.

પેલા માણસે પૂછયું; “કેમ ?”

વૃધ્ધે જવાબ આપ્યો; “તે એક સંપૂર્ણ પુરુષની શોધમાં હતી !”

આપણે જ્યારે આપણી અંદર રહેલી કલ્પનામૂર્તિને સંપૂર્ણ મેચ થાય તેવી વ્યક્તિને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આવું જ બને છે.

પરંતુ ઘણાં લાંબા સમયની શોધ પછી આપણને આપણી કલ્પનામૂર્તિને મેચ થાય તેવી વ્યક્તિ; દૂરથી એવી દેખાય છે કે તે મેચ થાય છે. આપણા મનનું ચિત્ર લીલા રંગનું હોય છે. અને જે વ્યક્તિ આપણે જોઈ છે તે પણ દૂરથી લીલા રંગની દેખાય છે. શોધ પૂરી થઈ !

આવા સમયે શું બને છે. જેને આપણે કહીએ છીએ ‘પ્રેમમાં પડવું.’ પ્રેમમાં પડ્યા પાછળનું આ વિજ્ઞાન છે. લખી રાખો તે હંમેશા પ્રેમમાં ‘પડવું’ હોય છે. ‘ઊભા થવું કે વધવું’ ક્યારેય નથી હોતું ! એ એક પ્રેમનો છૂપો વેશ ધરીને આવેલાં હોર્મોન્સના તોફાન સિવાય કશું જ નથી. કારણ કે હકીકતમાં એવું બને છે કે, આપણી તીવ્ર જરૂરીયાત અને અપેક્ષાઓને લીધે આપણે દરેક વસ્તુને આપણને જેવી જોઈએ છે, તેવી જ તે દેખાય છે. આપણા મનની છાપોને બીજાઓ ઉપર બેસાડી દઈએ છીએ.

તેથી ગમે તેમ, પણ દુનિયા લીલોતરી અને સંગીતથી ભરાઈ જાય છે. જીંદગી કવિતા બની જાય છે. કારણકે આપણે આપણી શોધ પૂરી થઈ હોય છે ! આ એવી સ્થિતિ હોય છે જ્યારે આપણે કવિતાઓ લખવા માંડીએ છીએ, એકબીજાનાં ચિત્રો દોરવા લાગીએ છીએ અને બીજું શું શું નથી કરતાં.

જ્યાં સુધી આ અંતર જળવાઈ રહે છે, બધું સરળતાથી ચાલે છે. આપણે આપણી કલ્પનાની છાપો એક બીજા પર ચોટાડવાનું ચાલુ રાખીએ છીએ. પરંતુ ધીરે ધીરે પેલી વ્યક્તિ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ આપણને લાગે છે કે આપણે જેને લીલું સમજ્યાં હતા તે પૂરેપૂરું લીલું નથી, પરંતુ ઝાંખુ લીલું છે. પરંતુ આ બરાબર છે. તમે આગળ વધો છો. થોડા સમય પછી તમે વધાર નજીક આવો છો અને તમને લાગે છે કે આ તો ઝાંખું લીલું પણ નથી, પરંતુ એક જાતનું પીળું છે જે લીલા જેવું દેખાતું હતું.

પરંતુ આ તબક્કે, આપણે આપણી કલ્પના ખોટી હતી તે સ્વીકારવા તૈયાર થતા નથી, તેથી આપણે પરિસ્થિતિમાંથી બહાનાં શોધવાનું શરૂ કરી દઈએ છીએ. આપણે આપણી જાતને કહીએ છીએ; “આ તો જીંદગી છે, બધી બાબત સંપૂર્ણ હોઈ શકે નહીં.” અને વધુતો : વાસ્તવીકતા સાથે જીવવા માટે અપૂર્વ તાકાત અને તીવ્ર બુદ્ધિની જરૂર હોય છે. તેથી આપણે આ બહાનાંઓનો વાસ્તવિકતાથી બચવા માટે બફર તરીકે ઉપયોગ કરીએ છીએ.

છેલ્લે જ્યારે આપણે પૂરેપૂરાં નજીક આવી જઈએ છીએ, ત્યારે આપણને જણાય છે કે આ તો પીળું પણ નથી, પરંતુ ફક્ત સફેદ છે ! આપણી અંદર જે છે તે લીલું છે અને બહાર સામે છે તે સફેદ છે. આપણી વિચિત્ર કલ્પના અને સામેની હકીકત તદ્દન જુદાં હોય છે.

એક નાની વાર્તા :

એક માણસ ત્રીજા માળેથી રસ્તા ઉપર પડી ગયો.

ત્યાંથી પસાર થતો માણસ તેની પાસે દોડી આવ્યો અને પૂછ્યું; “ પડવાથી તમને ઈજા થઈ હશે?”

પેલા માણસે જવાબ આપ્યો; “ના પડતી વખતે મને ઈજા નથી થઈ ; એકાએક અટકી જવાથી ઈજા થઈ ગઈ છે.”

જ્યાં સુધી આપણે પ્રેમ ચેષ્ટાઓમાં અને હવામાં તરતાં હોઈએ છીએ, જ્યાં સુધી આપણી વચ્ચેનું અંતર વધારે, અને મળવાનો સમય ઓછો હોય છે ત્યાં સુધી બધું જ બરાબર હોય છે. આપણે કલ્પનાની દુનિયામાં હોઈએ છીએ; પરંતુ આપણે ફરજના સ્તરે હોતાં નથી. પછી જ્યારે હવામાં તરવાનું બંધ થાય છે, સંબંધો શરૂ થાય છે, અંતર ઘટી જાય છે અને સાથે રહેવાનો સમય વધી જાય છે. સમસ્યાઓની શરૂઆત થાય છે !

તમે જેટલાં વધારે કલ્પનામાં વિહાર કરો છો, જમીન પર પડવામાં એટલો જ વધારે સમય લાગે છે અને તેથી તમને એટલી જ વધારે ઈજા થાય છે. કલ્પના વિહાર જેટલો ઓછો, જેટલી સરખામણીઓ ઓછી, તેટલી ઓછી મુશ્કેલી.

તમારા મનમાં જો કોઈ કલ્પનામૂર્તિઓ ન હોય તો તરત જ તમારા મૂળ સ્વભાવ પ્રમાણેનો જીવન સાથી મળી જાય છે. જો તમારે કોઈ કલ્પના મૂર્તિઓ નહીં હોય તો તમે જે કોઈને પરણશો તે તમારો જીવનસાથી બનીને રહેશે.

આપણે એ સમજવાની જરૂર છે કે કોઈપણ જીવંત વ્યક્તિ આપણા મનની કલ્પનાઓ પ્રમાણે જીવી શકે નહીં, કારણ કે આ કલ્પનાઓ વાસ્તવિકતામાંથી નથી બંધાઈ હોતી. આ કલ્પનાઓ આપણા સપનાની દુનિયાના ટૂકડાઓને કાપીને, ચોંટાડીને બનાવેલ હોય છે ! કોઈપણ કલ્પનામૂર્તિઓ વાસ્તવિકતા સાથે મેચ થઈ શકે નહીં - કારણ કે અંતે તો એ માત્ર આપણો કલ્પના વિહાર જ હોય છે !

તમે વાસ્તવિક જીવનના પાત્રોમાંથી કલ્પનાની છાપો લો, તમારી આજુબાજુના લોકોમાંથી છાપો લો, ત્યાં સુધી તો થોડું પણ બરાબર છે. પરંતુ તમારી કલ્પના મૂર્તિ પ્રસાર માધ્યમોમાંથી બનાવો છો. પ્રસાર માધ્યમ પોતે જ વાસનાઓથી પીડીત હોય છે ! પછી તે તમને કોઈપણ પ્રકારનું માર્ગદર્શન અથવા રાહત ક્યાંથી આપી શકે ?

માટે બધો જ કહેવાતો પ્રેમ મોટે ભાગે અંતે દુઃખમાં પરિણામે છે. આપણને છેલ્લે છેતરાયાની લાગણી થાય છે. બીજાઓએ આપણો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો છે તેવું લાગે છે. આપણો મૂળભૂત હેતુ જે કંઈ બન્યું છે તે માટે બીજાને દોષિત ઠરાવવાનો હોય છે.

પણ શું આ ખરેખર બીજાનો દોષ છે ?

ના ! દોષિત હંમેશા તમે હો છો - કારણ કે તમે અમુક અપેક્ષાઓ રાખી હતી અને તમારી કલ્પનાઓને બીજા ઉપર ઠોકી બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો ? પછી આ નિષ્ફળતા માટે જવાબદાર કોણ છે ?

તમે જુઓ છો, અમુક કિસ્સાઓ એવા પણ હોય છે કે જેમાં એક જ વ્યક્તિ ખરાબ અને અવિચારી રીતે વર્તવાનુ શરૂ કરી દે છે. આવા અપવાદ રૂપ કિસ્સાઓમાં તમારે પોતે જ નક્કી કરવાનું હોય છે કે આવા વર્તનની સાથે તમારે રહેવાનું ચાલુ રાખવું કે નહીં. હું જે કહી રહ્યો છું તેમાં આને વાપરવાનું નથી. અપવાદો હંમેશા હોય છે.

પરંતુ હું જે કહેવા માંગુ છું, તે મોટાભાગના ઘરોમાં જ્યાં બન્ને વ્યક્તિઓ સામાન્ય હોવા છતાં પણ ત્યાં અશાંતિ હોય છે. એની વાત છે. પરંતુ આપણે ક્યારેય તેના ઊંડાણમાં જોવાની કોશિશ નથી કરતાં. આપણને સત્ય સાથે કામ પાડવું ક્યારેય ગમતું નથી ! આપણને દરેક બાબતોને સુંદર કાર્પેટ નીચે સંતાડી દઈને, આપણી જાતને છેતરીને કાર્પેટ પર ચાલવાનું ગમે છે.

જ્યારે ગુમડું થવાની શરૂઆત હોય ત્યારે તેની તરત જ સારવાર કરીને તેમાંથી રાહત મેળવી લેવી જોઈએ.

આ વધારે તાર્કિક અને બુદ્ધિ ગમ્ય છે કે નહીં ? પરંતુ જો તમે આમ કરવાને બદલ તેને તેના પર સોનાની ઢાલ મૂકીને ઉપર રેશમનું કપડું વિંટાળીને એવું માની લો કે તમને તો ગુમડું થયું જ નથી. આ તો તદ્દન મૂર્ખાઈ ભરેલું છે ખરૂ કે નહીં?

માટે હું જે કહેવાનો પ્રયત્ન કરૂં છું, તેને સમજો. તમારો કલ્પના વિહાર છોડી દો અને વાસ્તવિકતા પ્રમાણે જીવવાનું શરૂ કરી દો.

એક નાની વાર્તા :

એક માણસે તેના મિત્રને લગ્નની ભેટરૂપે એક પપ્પી કુતરું આપ્યું.

ત્રણ મહિના પછી શેરીમાં તેનો મિત્ર મળી ગયો.

તેણે મિત્રને પૂછયું; “લગ્ન જીવન કેવું ચાલે છે ?”

મિત્રે જવાબ આપ્યો; “સરસ ! બસ થોડો ફેરફાર થયો છે, બાકી બધું બરાબર છે.

તેણે મિત્રને પૂછયું ; “શું ફેરફાર થયો છે?”

મિત્રે જવાબ આપ્યો; “શરૂઆતમાં તારૂં પપ્પી મારી સામે કાયમ ભસ્યા કરતું હતું અને મારી પત્ની મારા માટે છાપું લાવી આપતી હતી. અને હવે પપ્પી છાપું લઈ આવે છે અને મારી પત્ની મારી સામે ભસ્યા કરે છે !”

એક વખત હનીમૂન પુરું થઈ જાય છે પછી શું બને છે ? આને ‘હનીમૂન’ કહેવાય છે ‘હનીસન’ કહેવાતું નથી તેમાં કોઈ નવાઈ નથી. સુખ પણ ચંદ્રની જેમ પંદર દિવસમાં ધીરે ધીરે ઘટતું જાય છે ! હું તમને કહું છું, જો તમે કોઈ સુપર મોડેલને પણ પરણશો, તો પણ તમારી આંખોમાંથી તેની સુંદરતા પંદર દિવસમાં ઝાંખી પડતી જશે, કારણ કે તમે કંઈક બીજાના જ કલ્પના વિહારમાં હો છો ! અને તમે તેમાંજ રહેવાનું ચાલુ રાખો છો કારણ કે તમને તમારી અંદર પરિપૂર્ણતા જોઈએ છે. પરંતુ કેમ લાવવી તે તમે જાણતા નથી, અને તમે વિવિધ ભ્રમોમાંથી તેને શોધ્યા કરો છો.

એક નાની વાર્તા :

એક સ્ત્રી પોતાની દીકરીને લગ્નની બાબતમાં સલાહ આપી રહી હતી : “સાંભળ બેટી, તું જ્યારે કોઈને પ્રેમ કરે ત્યારે તે જીવન ભર રહેવો જોઈએ ; પછી જ તે સાચો પ્રેમ છે.”

દીકરી માં જે કહી રહી હતી તે સાંભળી રહી હતી.

માંએ કહેવાનું ચાલુ રાખ્યું; “મારી સલાહને ગાંઠે બાંધી લે. હું તને શું કહી રહી છું તે હું બરાબર જાણું છું. આખરે મેં ત્રણ વખત લગ્ન કર્યા છે.”

સમસ્યા એ છે કે દરેકજણ સલાહ આપવા તૈયાર છે. જ્યારે લેવા માટે કોઈ તૈયાર નથી. દરેક માણસ પ્રેમ ઉપર, કલ્પનાઓ ઉપર અને બીજાં બધા પર પ્રવચન આપવા તૈયાર છે, પરંતુ જ્યારે તેમના પોતાના જીવનની વાત આવે છે ત્યારે શું બને છે ? તે એક બીજો કલ્પના વિહાર બનીને રહી જાય છે. બસ આટલું જ !

ગમે તેમ પણ, પરંતુ અંતે આ એક મુદ્દા બાબતમાં જો આપણે વાસ્તવિકતાનો સ્વીકાર કરી લઈએ તો પછી કોઈ સમસ્યા રહેતી નથી. પરંતુ આપણે શાંત રહી શકીએ છીએ ? ના ! આપણે રંગ અને પીંછી લઈને સફેદને લીલું બનાવવાના પ્રયત્નો ચાલુ કરીએ છીએ. આ જ દરેક સંબંધોમાં સૌથી વધુ નુકસાન કરતી બાબત છે. આપણે તેમને આપણી કલ્પનામાં જેવી હોય તેવી કોતરણી તેના પર કરવાનું ચાલુ કરી દઈએ છીએ. આપણે તેને કબજામાં લઈને વસ્તુમાં ફેરવી નાંખીએ છીએ. આપણે વસ્તુમાં શક્તિનું અધઃપતન કરીએ છીએ. અહીંથી જ સમસ્યાઓની શરૂઆત થાય છે. જીવનના અંતહીન યુધ્ધનો અહીંથી જ આરંભ થાય છે.

એક નાની વાર્તા :

એક માણસ ધંધાદારી પેઈન્ટર હતો.

તે તેના મિત્રને કહી રહ્યો હતો; “તને ખબર છે એક દિવસ શું થયું. એક સ્ત્રી મારી પાસે વાદળી-કાળા કલરની પટ્ટી લઈને આવી અને તેનાં ઘરના મોડેલને પટ્ટી જેવો રંગ કરી આપવાનું કહ્યું. મેં વિચાર્યું કે રંગનું મેચીંગ મેળવવાનો પ્રયત્ન કરવામાં મારે ધંધો જતો કરવો પડશે. તેને કોઈપણ રીતે સંતોષ થાય તેવું નહોતું.”

મિત્રે પૂછ્યું “પછી તેં છેલ્લે મેચીંગ કલર કરી આપ્યો ?”

પેઈન્ટરે જવાબ આપ્યો; “હું નસબીદાર હતો. એ જ વખતે તેના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો અને તે મોબાઇલ પર વાત કરતી રહી ત્યાં સુધીમાં મેં ઝડપથી પટ્ટીને જ રંગી નાંખી.”

આખો દિવસ દરેક ઘરમાં, પતિ અને પત્નિને વાત કરતાં ધ્યાનથી સાંભળશો તો તમને બન્ને એકબીજા પર કોતરકામ કરતાં સંભળાશે. મને લાગે છે આપણે લગ્નની ભેટ તરીકે વેડીંગ રીંગ અથવા પવિત્ર દોરો રાખવાને બદલે તેમને કોતરકામ કરવાની છીણી અને હથોડી આપવા જોઈએ.

બીજી નાની વાર્તા :

એક સાંજે એક માણસ અને તેનો મિત્ર સાથે બેસીને ચા પી રહ્યા હતા.

માણસે તેના મિત્રને કહ્યું; “હું મારી પત્નીને છૂટાછેડા આપવાનું વિચારું છું. છેલ્લા મહીનામાં તે મારી સાથે એક શબ્દ પણ બોલી નથી” તેના મિત્રે સલાહ આપી; “આવો કોઈ નિર્ણય લેતાં પહેલાં કાળજી પૂર્વક વિચારજે. આટલો સમય મૂંગી રહી શકે તેવી પત્ની તને બીજી નહીં મળે.”

આપણા જીવનમાં આપણે સતત આપણી અંદરની કલ્પનાની છાપોને બહારની વાસ્તવિકતા સાથે મેચ કરવાનો સતત પ્રયત્ન કરતાં રહીએ છીએ. આપણને ક્યારેય સંપૂર્ણ મેચીંગ મળતું જ નથી. આપણે આપણી અંદરની આ છાપોને છોડી દેવાની જરૂર છે અને આપણને અનંત શક્યતાઓ ખૂલેલી જોવા મળશે.

જો તમે કુંવારા હો તો તમારી કલ્પનામૂર્તિને છોડી દો જેથી તમે તમારો ‘જીવન સાથી’ પસંદ કરી શકો, નહીં કે સપનાંનો સાથી. તમે જ્યારે કોઈ વ્યક્તિને પસંદ કરો ત્યારે તમારી જાતને યાદ અપાવો કે તમારે તેની સાથે આખી જીંદગી ગુજારવાની છે, થોડા મહિનાઓ નહીં. તેને મજા કરીને ફેંકી દેવાનું છે તેમ ન સમજો. આ આખી જીંદગીની બાબત છે.

હમણાંની જેમ, બ્લેક અથવા બ્લુ જીન્સ અથવા ટી-શર્ટ તમારી માનસિક વિલક્ષણતામાં આવશે અને તમે તેના તરફ આકર્ષાશો. પરંતુ સમજી લો કે તે બ્લેક અથવા બ્લુ રંગ છ મહીનાના સમય પછી ઝાંખો પડી જ જવાનો છે !

જો તમે પરણેલા હો તો પણ કલ્પનાની મૂર્તિઓને છોડી દો, ફક્ત પછીજ તમે કોઈપણ વ્યક્તિ સાથે સાચા સંબંધોની શરૂઆત કરી શકશો. તમે જો તેમાં કોતરકામની છીણી અને હથોડી લઈને પ્રવેશશો તો સાચો સંબંધ ક્યારેય બંધાશે નહીં.

તમે સમજો, કોતરકામમાં શું બને છે. તમે કોતરણી શરૂ કરો છો અને જ્યારે તમને લાગે છે કે તમે કોતરણી પૂરી કરી દીધી છે, તરત જ તમારી કલ્પના બદલાઈ જશે. એ વખતે તે કંઈક જુદી જ હશે અને તેથી થોડી બદલાયેલી કલ્પના પ્રમાણે વધારે કોતરણી કરવી પડે છે ! અને આ ક્યારેય પુરું ન થાય તેવું વર્તુળ બની જાય છે !

સંબંધો ક્યારેય પૂરેપૂરા તમારી વિચિત્ર કલ્પનાઓ જેવા થઈ શકે નહીં. તમે એક જ ઘરમાં ચોવિસ કલાક રહો છે, છતાં એકબીજાની આંખમાં નજર માંડીને જોતાં નથી. કારણ કે તમે કલ્પનાઓમાં રહો છો વાસ્તવિકતામાં નહીં. તમે હકીકતમાં સાચી વ્યક્તિ સાથે રહેતાં નથી. બીજી વ્યક્તિ જો બધું જ તમારી કલ્પનાઓ પ્રમાણે કરવા લાગે તો તે એવા નિર્ણય પર આવશે કે તમારું જીવન તમને ભગવાન તરફથી સજા રૂપે મળ્યું છે.

જો તમે કુંવારા હો તો કલ્પનામાં ઉડવાનું બંધ કરી દો અને તમારું લોહી ઠંડુ પડશે. તમે હોર્મોન્સના ત્રાસમાં નહીં આવો. જો તમે વિધુર હો તો તમારી કલ્પના છોડી દો અને તમને એકલાપણાનું દુઃખ નહીં સતાવે.

તમારા સંતાનો ટેલિવિઝન પરના યુગલ ગીતો ન જુએ તેવી પૂરેપૂરી કોશિશ કરો. જો તે લોકો માત્ર સંગીતનો આનંદ માણે અને નાચે ત્યાં સુધી બધું બરાબર છે. પરંતુ તેઓ જે જુએ છે તેને આત્માસાત કરે છે, તેમાંની લાગણીઓ અને બીજું બધુંજ. અહીંથી જ સમસ્યાઓ શરૂ થાય છે. આ બધી જ બાબતોનો સંગ્રહ મુલાધાર ચક્ર, સેક્સ ચક્ર ઉપર થાય છે. પછી એક સૂચન જ પુરતું છે, મુલાધાર તૈયાર થઈ જશે.

અપેક્ષાઓનો સીધો ભાર ‘મુલાધાર ચક્ર’માં ખલેલ પહોંચાડે છે. આવી રીતે આ ચક્ર બંધ થઈ જાય છે. જ્યારે તમે બીજી વ્યક્તિમાં તમારી કલ્પનામૂર્તિને સાકાર કરવાનો પ્રયત્ન કરો છો, અથવા ટેલિવિઝન જોઈને આવો પ્રયત્ન કરો છો; જ્યારે તમે તમારી અપેક્ષાઓ અને કલ્પનાઓ બીજી વ્યક્તિ ઉપર લાદવાનો પ્રયત્ન કરો છો, ત્યારે આ ચક્ર બંધ થઈ જાય છે.

જીંદગીની બહારની સ્થિતિ સાથે કશુંજ કરવાનું નથી. કહેવાતા બ્રહ્મચારી પણાં સાથે કશું કરવાનું નથી. જે કાંઈ કરવાનું છે, ટૂકડાઓમાં વિભાજીત થઈ ગયેલી તમારી આંતરીક જાત સાથે કરવાનું છે.

બ્રહ્મચર્ય શું છે ?

તમારી અંદરના તમારા દબાયેલા અર્ધા ભાગ માટે વલખાં ન મારવા, એ સિવાય બ્રહ્મચર્ય કશું જ નથી. જો તમે પુરુષ છો તો, તમને તમારી અંદર દબાવી દેવાયેલી સ્ત્રીના અર્ધા ભાગની પરિપૂર્ણતાનો અનુભવ કરવાની જરૂર છે. અને જો તમે સ્ત્રી છો તો, તમને તમારી અંદર દબાવી દેવાયેલા પુરુષના અર્ધા ભાગની પરિપૂર્ણતાનો અનુભવ કરવાની જરૂર હોય છે.

એક વખત તમે આ સ્થિતિમાં પહોંચી જાવ, પછી તમે બહારની દુનિયામાં સ્ત્રી સાથે અથવા સ્ત્રી વગર જીવી શકો છો. જો તમે આ સ્થિતિએ ન પહોંચ્યા હો તો તમે પરણેલા હશો તો પણ તમારા પર તમારા પર તમારા હોર્મોન્સનો ત્રાસ ચાલુ જ રહેશે. તમારો હોર્મોન્સનો ત્રાસ, હકીકતમાં તમારી પૂર્ણતા પામવાની ઝંખના સિવાય કશું જ નથી.

તમે જ્યારે આ પૂર્ણતા પ્રાપ્ત કરો છો ત્યારે તમે કુંવારા હો કે પરણેલા તમારા મનમાં શાંતિ હોય છે. પછી તમે વિવાહીત જીવનમાં પણ બ્રહ્મચારી પણાનો અનુભવ કરી શકો છો ! આ જ સાચું બ્રહ્મચર્ય છે.

આના બદલે, લોકો બ્રહ્મચર્ય પાળવાના પોતાના રસ્તાઓ અપનાવે છે અને પોતાની જાતનું વધારે દમન કરે છે અને માનસિક રોગી બની જાય છે.

યસ ... હું જે કહી રહ્યો છું તે બધાને બરાબર સમજાય છે ? કોઈને કંઈ સ્પષ્ટતા જોઈએ છે ?

“પરંતુ માસ્ટર, અમને એવો ખ્યાલ જ નથી આવતો કે અમારી અંદર આવી છાપો લઈને અમે ફરીએ છીએ.”

હા, કારણ કે આપણે ક્યારેય અંદર જોયું જ નથી. આપણે દરેક જગ્યાએ જઈએ છીએ પણ આપણી અંદર ક્યારેય જતાં નથી. તમે જાણો છો આપણી ૮૦% શક્તિ આ ચક્રમાં બંધ પડેલી હોય છે ? આ ચક્રની શક્તિને જાગૃત કરવાની જરૂર પણ નથી. તેને ફક્ત ખોલીને કાર્યરત કરવાની જરૂર હોય છે, અને તેમાંથી જે શક્તિનો પ્રવાહ વહેશે તે તમારી આખી જીંદગીનું પૂર્ણ પરિવર્તન કરી નાંખશે.

તમે જો ઊંડાણ પૂર્વક તમારી અંદર નજર કરશો તો તમને સમજાશે કે તમે જે સહન કરી રહ્યા છો, તેનું કારણ તમે જે જુઓ છો, અને તમારે જે જોવું છે, તે બંને હંમેશા અલગ લાગે છે. આ ‘તમે જે જોવા માંગો છો’ તે તમારી માનસિક છાપો છે, જેને તમે અંદર લઈને ફરો છો.

કમસે કમ હવે પછી, જાગૃતતાથી જોવાનો પ્રયત્ન કરો, તમે જે કંઈ જુઓ છો તેમાં તમારું મન કેવી રીતે રમત રમે છે. તમે જે દ્રશ્ય જુઓ તેમાં તમારું મન દખલ દઈને તેના વિષે અભિપ્રાય આપે તે પહેલાં તે જેવું છે તેવું પકડવાનો પ્રયત્ન કરો. તમને પછી ખ્યાલ આવશે કે તમારું મન રહસ્યમય રીતે અને સળંગ તમે જે જુઓ છો તેમાં કેવો ભાગ ભજવે છે. જેને કારણે હંમેશા તમને એવું લાગે છે કે તમે જુઓ છો તેમાં કશુંક ખોટું છે.

સંસ્કૃતમાં બે શબ્દ રચનાઓ જે આપણને વાસ્તવિકતા વિશે શીખવે છે, ‘દૃષ્ટિ સૃષ્ટિ’ અને ‘સૃષ્ટિ દૃષ્ટિ’. દૃષ્ટિ સૃષ્ટિનો અર્થ છે, દુનિયા જેવી છે તેવી જોવી. તે જેમ આવે તેમ જ લેવી, જે છે તેને આવકારવું. વાસ્તવિકતા તરીકે. સૃષ્ટિ દૃષ્ટિ નો અર્થ છે, દુનિયાને આપણે જેવી જોવી છે તેવી જોવી, આપણા રંગીન ચશ્માથી, આપણી વિલક્ષણતાઓથી. પહેલું વાક્ય આપણને શાંતિપૂર્ણ જીવન તરફ લઈ જાય છે અને બીજું દુઃખી થવા તરફ.

એક નાની વાર્તા :

એક માણસ મારી પાસે આવ્યો અને કહ્યું; “સ્વામીજી, અમારા ઘરમાં અમે બે જ વ્યક્તિઓ છીએ, હું અને મારી પત્ની. તોય શાંતિ નથી.”

મેં તેને કહ્યું; “તમને કોણે કહ્યું કે તમારા ઘરમાં તમે બે જ વ્યક્તિઓ છો ? તમે ચાર વ્યક્તિઓ છો.”

માણસ નવાઈ પામી ગયો.

મેં તેને કહ્યું; “એક તમે અને તમારી અંદરની સ્ત્રી, તમારી પત્ની અને તેની અંદરનો પુરુષ ! માટે જ મેં કહ્યું કે તમે ચાર વ્યક્તિઓ છો. જરા તમારી અંદરની સ્ત્રી અને અંદરના પુરુષને છોડી દેતાં શીખી જાવ અને પછી જુઓ તમારા ઘરમાં કેવો ફરક પડી જાય છે.”

માણસ શાંતિથી જતો રહ્યો. યસ ...

“માસ્ટર, અમે બીજા સંબંધોમાં પણ ખલેલનો અનુભવ કરીએ છીએ, જેવાંકે માતાપિતા અને બાળકો...”

હા. દરેક સંબંધોમાં અપેક્ષાઓ હોય છે. હું નથી માનતો કે આપણો કોઈપણ સંબંધ અપેક્ષા વગરનો હોય.

માતાપિતા સંતાનો ઉપર કોતરણી કરવાનો પ્રયત્ન કરે છે અને સંતાનો માતાપિતા પર. માતાપિતા પોતાની સંપૂર્ણ ઈચ્છાઓ પોતાના સંતાનો થકી પૂરી કરવાની ઈચ્છા રાખે છે. જો તમે આખી બાબતનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરશો તો, તમને સમજાશે કે હું જે કહું છું તે સત્ય છે. માતાપિતા પોતાના સંતાનોને ડોક્ટર અથવા એન્જીનિયર બનાવવા માંગે છે. તેઓ સંતાનમાંથી એવું કેમ નથી શોધી કાઢતા કે તે શું બનવા માંગે છે ? અને પછી તેનું સ્વપ્ન પુરું કરવું? આ તમારા સંતાનને અતિશય મદદરૂપ થશે.

જે દિવસે સંતાન તમને સામો જવાબ આપવાનું શરૂ કરે છે ‘તે’ દિવસથી તે માણસ બની ગયું હોય છે. તમારે તેની સાથે ખૂબ જ કાળજીપૂર્વક કામ લેવું જોઈએ. તેની સાથે સમય ગાળો, તેની સાથે વાતો કરો, તેના સારા મિત્ર બનો અને શોધી કાઢો કે વાસ્તવમાં તેને જીવનમાં શું બનવું છે. તેને ગહન પ્રેમ અને વિશ્વાસથી માર્ગદર્શન આપો. પછી તેની મહત્ત્વકાંક્ષાને તમારી વાસ્તવિકત બનાવી દો અને તેને ત્યાં પહોંચવામાં મદદ કરો.

ઘણાં બધા બાળકો મને કહે છે; “મારા પપ્પા ઈચ્છે છે, કે મારે ડોક્ટર બનવું જોઈએ અથવા મારા પિતા મને વકીલ બનાવવા માંગે છે. અલબત્ત તમારૂં સંતાન પોતાની જાતે નિર્ણય ન લઈ શકતું હોય અને તમારી પાસે માર્ગદર્શન માંગે કે મારે શું કરવું જોઈએ, તો તમે તમારા નિરીક્ષણથી તેનામાં જે આવડત અને ક્ષમતા હોય તે પ્રમાણે તેને સલાહ આપી શકો છો.

તમે તેને સૂચન કરી શકો, પરંતુ પરાણે તમારી વાત તેના ગળે ઉતારવાની કોશિશ કરવી જોઈએ નહીં. બાળકનેએ સમજવાદો કે તે તેની પુખ્તતા પ્રમાણે તેને જે યોગ્ય લાગે તે કરવા સ્વતંત્ર છે. તમે તો ફકત તમને જે યોગ્ય લાગ્યું તે સૂચન જ કર્યું છે. જેથી અંતે એક બીજા પર દોષરોપણ ન થાય. તેનામાં આ સ્પષ્ટ સમજણ લાવવી જરૂરી છે.

તમે જુઓ છો, આપણે હંમેશા આપણી આસપાસના લોકો, આપણા સંબંધીઓ, મિત્રો, અરે અજાણ્યાઓ ઉપર પણ આપણી પોતાની કલ્પનાની છાપો પ્રમાણે કોતરણી કર્યા કરીએ છીએ, અને સામી બાજુ તેઓ પણ આમ જ કર્યા કરતાં હોય છે ? કેવી હિંસા ચાલ્યા કરે છે !

આજના હોમ વર્કમાં તમારે આટલું કરવાનુંછે તમારા વિચાર પ્રમાણે તમારાં માટે સંપૂર્ણ પતિ, સંપૂર્ણ પત્ની, સંપૂર્ણ માતા, સંપૂર્ણ સંતાન અને સંપૂર્ણ મિત્ર કેવાં હોવા જોઈએ તે લખવાનું છે. તમારી જાતને લાગુ પડતાં હોય તેવા પાંચ સંબંધો પસંદ કરો, ઉપર પ્રમાણે તમારો મત લખી નાંખો. પ્રમાણિકતાથી લખજો. મને ખાત્રી છે કે તમે તમારી અભાનતાની અંદર જઈને જોશો તો જણાશે કે આ બધા જ વિચારો તમે જાણીતા પ્રસાર માધ્યમોમાંથી લીધા હશે.

તમે ટી.વી. સીરીયલ જુઓ છો અને તમને કોઈ ચોક્કસ પાત્ર ગમવા માંડે છે. એ પાત્ર તમારા માટે મજબૂત વાસ્તવિકતા બની જાય છે. તમે અભાન પણે જ, તમારી વાસ્તવિક જીંદગીમાં તમારી સાથે સંકળાયેલા પાત્ર પાસે એવી અપેક્ષા રાખવાનું શરૂ કરી દો છો.

તમે જાણો છો ? લોકો તેમના ‘આદર્શ ગુરુ’ માટે કાલ્પનીક છબી લઈને ફરતાં હોય છે ? મોટે ભાગે આવી છાપ એક વૃધ્ધ માણસ, સફેદવાળ અને ફરફરતી દાઢીવાળો હોય. જે તમે પુસ્તક અથવા ટી.વી સિરીયલોમાં જોઈને લીધી હોય છે. અને આવા લોકો આવીને જ્યારે મને જુએ છે ત્યારે આવી જુવાન વ્યક્તિ ગુરુ હોઈ શકે તે વાત સ્વીકારી શકતાં નથી. માટે મારે પણ આવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેઓ મને સ્વીકારે તે પહેલાં તેમની અપેક્ષાઓમાંથી મારે પણ તેમને મુક્ત કરવાં પડે છે.

“પરંતુ માસ્ટર, અમને લાગે છે કે અમારે કોતરણી પડશે. જેમકે અમે અમારા કર્મચારીઓ સાથે કામ પાડતાં હોઈએ છીએ, ત્યારે પછીશું કરી શકીએ ?

તમારું કોતરકામ પૂરી જાગૃતતાથી કરો. તમે જે કરો તેનાથી પૂરા સભાન રહો. તો પછી તમે જરૂર કરતાં વધારે નહીં કરો. તમારા કર્મચારીઓ પ્રત્યેનો તમારો અનુભવ વાસ્તવિક હોવો જોઈએ. બીજો કોઈ વૈકલ્પિક ઉકેલ હોય તો શોધી કાઢો. જ્યારે અત્યંત જરૂર હોય ત્યારે જ બીજી વ્યક્તિને અમુક આકારમાં ઢાળવાનો પ્રયત્ન કરવો જોઈએ.

તમને જે કોઈ સત્તા કે શક્તિ મળી હોય તેનો પૂરી જીતતા સાથે ઉપયોગ કરવો જોઈએ ! ગુસ્સો અને વાસના પણ ભગવાન તરફથી તમને મળેલી શક્તિઓ જ છે. તમે જ્યારે આ શક્તિઓનું સન્માન કરતાં હશો ત્યારે તમે તેને વેડફશો નહીં અથવા તેનો ગેરઉપયોગ નહીં કરો.

તમે ક્યારેય પૈસાનો ગેરઉપયોગ કરો છો ? તમે ક્યારેય પૈસાનો દુરુપયોગ કરતાં નથી કારણ કે તમે તેને માન આપો છો. જો કોઈ માણસ દસ રૂપિયાની કિંમતનું કામ દસ રૂપિયામાં કરી આપશે તો તમે તેને એક પૈસા પણ વધારે આપશો? પરંતુ ગુસ્સો, તમે હંમેશા વધારે કરશો ! જો કોઈ વ્યક્તિ ‘દસ રૂપિયા’ જેટલી ભૂલ કરશે તો, તમે હંમેશા તેના પર પંદર રૂપિયા જેટલો ગુસ્સો કરશો. કરો છો કે નહીં ? શા માટે ? કારણ કે તમે તમારા ગુસ્સાનો ઉપયોગ અભાન પણે કરો છો. જાગૃતતાથી નહીં. હું તમને ખાત્રી આપું છું કે જો તમે જાગૃતતાથી ગુસ્સાનો ઉપયોગ કરશો તો તે તમને હકારાત્મક ફાયદો કરાવશે અને તમારામાં દ્વેષ ભાવના નહીં આવે.

તમારા ગુસ્સાથી તમારે ક્યારેય અશાંત થવું જોઈએ નહીં. તમે જો અશાંત થઈ જાવ છો તો તેનોમતલબ એ છે કે તમે જાગૃતતાથી ગુસ્સે થયા નથી; તમે ગુસ્સાને તમારા પર સવાર થવા દીધો છે. તમે ગુસ્સાનો યોગ્ય ઉપયોગ કર્યો છે કે નહીં તેનું આ માપ છે !

એક નાની વાર્તા :

એક વખત એક સાધુ એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે લોકોએ તેમને એક ઝેરી કોબ્રા સાપે તેમનું જીવન હરામ કરી દીધું છે તેવી ફરીયાદ કરી.

સાધુ પ્રાણીઓ સાથે વાતચીત કરી શકે છે એ માટે જાણીતો હતો, તેથી ગામ લોકોએ તેમની પાસે ભીખ માંગી કે તમે કોબ્રાને કહો કે, તે ગામ લોકોને કરડવાનું બંધ કરી દે. સાધુએ કોબ્રા સાથે વાત કરી, અને કોબ્રાએ વચન આપ્યું કે તે હવે પછી ગામમાં કોઇપણ વ્યક્તિને કરડશે નહીં. લોકોએ સાધુનો આભાર માન્યો અને સાધુ પોતાના રસ્તે આગળ વધી ગયો.

થોડા મહિના પછી સાધુ પાછો એજ ગામમાંથી પસાર થતો હતો, જ્યારે તે કોબ્રા પાસે આવ્યો ત્યારે તેમણે જોયું કે કોબ્રા લોહી લુહાણ હાલતમાં મરવા જેવો થઈને પડ્યો હતો.

સાધુએ તેને પૂછ્યું; “તને આ શું થઈ ગયું ? આટલી બધી ઈજાઓ કેમ થઈ ?”

કોબ્રાએ રડતાં રડતાં જવાબ આપ્યો; “અરે ! સાધુ તમે જ લોકોને કરડવાનું નહીં તેવું વચન મારી પાસેથી લીધું હતું! આજ સુધી મેં મારું વચન પાળ્યું છે. પરંતુ ગામ લોકો જે મારાથી ખૂબ જ ડરતાં હતાં, તેઓએ મારી નરમાશને મારી નબળાઈ સમજી લીધી. તેમણે જોયું કે હું કોઈને કરડતો નથી, તેઓએ મને રોજ ત્રાસ આપવાનું ચાલુ કરી દીધું. મારવાનું ચાલુ કરી દીધું. તમે જુઓ છો તેમણે મારી હાલત કેવી કરી દીધી છે !”

સાધુએ જવાબ આપ્યો; “મારા મૂર્ખ મિત્ર ! મેં તને ફક્ત લોકોને કરડવાની ના પાડી હતી. મેં ફૂંફાડો મારવાની ના થોડી પાડી હતી ?”

તમારે તમારો ગુસ્સો યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં વાપરવો જોઇએ. આપણે જો ગુસ્સાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું જાણતા હોઈએ તો તે એક પ્રચંડ શક્તિ છે.

ગુસ્સા વિષેનું સાચું જ્ઞાન ગુસ્સાને ઘટાડે છે.

ઘણાં લોકો મને આવીને કહે છે; “માસ્ટર હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરૂં છું, માટે હું તેને તેના ભલા માટે સુધરવાનું કહું છું અને તેથી હું તેની સાથે લડું છું.”

હું તેમને કહું છું; “તમે તમારી પત્નીને પ્રેમ કરતાં નથી, તમે તમારા મનમાં કલ્પનામૂર્તિ છે તેને પ્રેમ કરો છો.”

તમે તમારી માનસિક છાપને પ્રેમ કરો છો અને તમારી પત્ની જ્યારે તમારી અપેક્ષા પ્રમાણે વર્તે છે ત્યારે તમે તેને ચાહો છો. તમારો સાચો પ્રેમ તમારી પત્ની પ્રત્યે નથી. તમારી માનસિક છાપ પ્રત્યે છે. જો તમે ખરેખર તમારી પત્નીને ચાહતા હોત તો તમે તમારી માનસિક છાપને તમારી પત્નીની અનુરૂપતા પ્રમાણે બદલી નાંખી હોત. પરંતુ તમે તમારી છાપને ચાહો છો તેથી તમે એવું ઇચ્છો છો કે તમારી પત્ની બદલાઈને તમારી છાપને અનુરૂપ બને.

આપણાંમાંનાં મોટાભાગના આપણી માનસિક છાપોને ચાહતાં હોઈએ છીએ. આ સત્ય છે. આપણા ઘરોમાં અશાંતિ શરૂ થવાનું આ જ કારણ છે. આ જ આંતરીક યુધ્ધનું કારણ છે ? પ્રામાણિકતાથી કહું છું, પ્રેમીઓ આંતરીક દુશ્મનો હોય છે. તેઓ આત્મીય હોય છે પરંતુ સતત ચોકીદાર હોય છે. તેઓ સતત એકબીજાને કાબુમાં રાખવાની કોશિશ કરે છે. તેમની વચ્ચે ખૂબજ નજીકની દુશ્મનાવટ હોય છે. જેને તેઓ આત્મીયતા કહે છે.

સાચી આત્મીયતા તો એ છે કે જેમાં તમે બીજા સાથે રીલેક્સ રહી શકો. આ જ સાચી આત્મીયતા છે.

“માસ્ટર, તમે શું એમ કહેવા માંગો છો કે અમારે બીજી વ્યક્તિને તેની બધી જ ખામીઓ સાથે સ્વીકારી લેવી જોઈએ?”

ના !

‘સ્વીકારવું’ શબ્દમાં નાપસંદગીની લાગણી પણ જોડાયેલી છે. તમે જ્યારે, ‘તેની બધી જ ખામીઓ સાથે’, શબ્દો વાપરો છો ત્યારે તેમાં છૂપી ફરીયાદ રહેલી છે. આ આવું કહેવા બરાબર છે. “બીજું શું થાય આપણે તેની સાથે જ જીવવાનું છે.’’ ના ! હું તમને કહું છું. સામી વ્યક્તિને તે જેવી છે તેવી જ તમારા જીવનમાં આવકારો. આવકારવું અને સ્વીકારવું તેમાં ફરક છે. સ્વીકારવું, સમાધાન કરવા જેવું છે. આવકારવું એટલે બીજી વ્યક્તિ પાસે કોઈપણ અપેક્ષાઓ વગર આપણી જાતને બિનશરતી ખુલ્લી કરવી.

યાદ રાખો : અસ્તિત્વનું બધું જ સર્જન તમને મળેલી ભેટ છે. તેને માનવતા અને કૃતજ્ઞતાપૂર્વક આવકારો. તમે જ્યારે આમ કરો છો ત્યારે ‘મૂલાધાર ચક્ર’ની પ્રચંડ શક્તિ તમારામાં ખૂલી જાય છે. આ ચક્રને ખોલી નાંખવું એટલે શાશ્વત શક્તિના સ્ત્રોતને સ્પર્શ કરવો. અત્યારે જે પ્રચંડ શક્તિ કલ્પનાઓ, અપેક્ષાઓ અને તૃષ્નાઓથી બંધ બડેલી છે તેને સર્જનાત્મકતા, ધંધો, જીંદગી અને વાસ્તવિકતા માટે વાપરી શકાય છે.

આટલું જ નહીં. તમને તમારું ઘર શાંતિ-ક્ષેત્ર બની ગયેલું જણાશે. આપણા ઘરોને ‘ધર્મક્ષેત્ર’ ધાર્મિકતાનાં રહેઠાણ માનવામાં આવે છે, પરંતુ આપણે તેમને ‘કુરુક્ષેત્રો’ બનાવી દીધાં છે. યુધ્ધનાં રહેઠાણ ! હું સાચો છું ને ? અને તે યુધ્ધના રહેઠાણ શા માટે બની ગયાં છે ? કારણ કે આપણે માણસ જાત પર કોતરણી કરીએ છીએ. જો આપણે પથ્થરો અને લાકડાં પર કોતર કામ કરીએ તો, તેમાંથી સુંદર મૂર્તિઓ અને ફર્નિચર બનાવી શકીએ, પરંતુ જો આપણે જીવંત માણસ જાત પર કોતરકામ કરીએ તો ફક્ત તેમાંથી માંસ અને લોહી જ નીકળે.

એક માણસે મને પૂછ્યું; “માસ્ટરજી મહેરબાની કરીને અઢાર હાથવાળી દેવી સાથે સંબંધ કઈ રીતે સ્થાપિત કરી શકાય તે મને બતાવશો.’’

મેં તેને કહ્યું; “પહેલાં તમે બે હાથવાળી તમારી પત્ની સાથે સંબંધ બાંધવાનો પ્રયત્ન કરો અને પછી આપણે અઢાર હાથવાળી દેવી સાથે સંબંધ કેમ સ્થાપિત કરી શકાય તે જોઈશું.’’

બીજો એક માણસ મારી પાસે આવ્યો અને મારી પાસે છૂટાછેડા લેવા માટે આશીર્વાદ માંગ્યા.

મેં તેને કહ્યું કે હું લગ્ન માટે આશીર્વાદ આપું છું. છૂટાછેડા માટે નહીં.

મેં તેને પૂછ્યું કે સમસ્યા શું છે તે કહો આપણે તેનો નિકાલ લાવીશું.

તેણે મને કહ્યું; “માસ્ટર, આજે સવારે મેં તેને કૉફી લાવવાનું કહ્યું. તે કૉફી લઈને એટલી ઉતાવળથી આવી કે કૉફીની છાલક મારા કપડાં પર ઉડી.’’

હું આઘાત પામી ગયો. મેં તેને કહ્યું કે આવા સામાન્ય આકસ્મિક બનાવ માટે છૂટાછેડા થોડા લેવાય.

તેણે આગળ કહ્યું; “માસ્ટર, તમને ખબર નથી. આજે તેણે મારા પર કૉફી ફેંકી, કાલે તે ઍસિડ ફેંકશે.’’

મને ખરેખર આંચકો લાગી ગયો. મેં તેને પૂછ્યું; “અરે ! તમે કોઈ કારણ વગર કૉફીથી ઍસિડ સુધી શા માટે પહોંચી જાવ છો ?” એ થોડી ગુસ્સામાં હશે અને ઉતાવળમાં તમારા પર કૉફી ઢોળાઈ હશે અને આખરે તો તમારાં કપડાં તેણે જ ધોવાનાં છે.’’

પેલા માણસે કહ્યું; “અમારા લગ્ન વખતે અમારે ત્યાં એવો રીવાજ છે કે, ત્રણ વાસણોમાં પાણી ભરવામાં આવે છે અને તેમાંના કોઈપણ એક વાસણમાં વીંટી નાંખેલી હોય છે, જેને નવદંપતીઓએ તેમાં સાથે હાથ બોળીને શોધી કાઢવાની હોય છે. સૌથી પહેલા જે વીંટી શોધી કાઢે તેનો હાથ કાયમ ઘરમાં ઉપર રહે. એ વખતે મારી પત્નીએ તેના નખથી મારા હાથ પર ઉઝરડા પાડી દીધા હતા !

ભારતીય લગ્નોમાં નવદંપતી વચ્ચેનું અંતર ઓછું કરવા માટે આવી રમતો રમાતી હોય છે. પેલો માણસ દસ વરસ પહેલાંની સામાન્ય ઘટનાને પકડીને બેસી રહ્યો હતો !

મેં તેને કહ્યું; “અરે તમે પોલિસની જેમ દસ વરસની નોંધ સાચવી રાખો તો તમારી સાથે તે કેવી રીતે જીવી શકે !

તમે જુઓ; આપણે બે બાબતો કરતાં હોઈએ છીએ પહેલી; આપણે દલીલો વ્યક્ત કરીએ છીએ અને પછી અભિપ્રાય માટેની ઈચ્છા રાખીએ છીએ, જયારે બીજી; પહેલાં અભિપ્રાય આપી દઈએ છીએ અને પછી તેના સમર્થનમાં દલીલો ભેગી કરીઅ છીએ. જેમાં બીજી રીત આપણે ૯૯% વાપરતાં હોઈએ છીએ.

તમે જુઓ ! આપણી આજુબાજુ ઘણી બધી બાબતો બનતી હોય છે. પરંતુ આપણે તેની જ નોંધ લઈએ છીએ જેની આપણે લેવી હોય, હકીકતમાં જે બની રહ્યું હોય તેની ક્યારેય નહીં. આને કારણે તમે વાસ્તવિકતાને ચૂકી જાવ છો. વાસ્તવિકતાનું સતત અસ્તિત્વ હોય જ છે. પરંતુ તમારે જે જોવું હોય તે જ તમે જુઓ છો.

લગ્ન સંબંધોમાં થોડા મહીનામાં સ્ત્રી અથવા પુરુષ, એકબીજા પ્રત્યેનું મંતવ્ય બાંધીને તેના પર અભિપ્રાયો આપી દે છે, પછી બીજી વ્યક્તિ જે કંઈ કરે, તેઓ બંને તેમણે બાંધેલા અભિપ્રાય પ્રમાણે જ જુએ છે. તેઓ પેલા અભિપ્રાય જાળવી રાખવા માટેની દલીલો શોધે છે, અને ભેગી કર્યા કરે છે.

માટે જ એક વખત તમે નક્કી કરી લેશો કે તમારી પત્ની મૂર્ખ છે તો પછી તમને હંમેશા એવી જ દેખાશે. જો તમે નક્કી કરી લેશો, તમારો પતિ તમારા પર કાબુ રાખે છે તો પછી દરેક વખતે તેની દરેક વર્તણુંકમાં તમને એવું જ દેખાશે.

જો તમે આવું કરો છો તો પછી તમે ક્યારેય તમારા જીવનસાથીને વાસ્તવિક દૃષ્ટિકોણથી જોઈ નહીં શકો. તમે તમારા અભિપ્રાયને પોષણ આપે તેવા દૃષ્ટિકોણથી જ જોશો. આ એના જેવું છે; તમે જયારે ભૂખ્યા હો છો, ત્યારે તમારી આંખ ફક્ત રસ્તા પરની રેસ્ટોરંટને જુએ છે. કૂતરાને મારી નાંખતા પહેલાં આપણે શું કરીએ છીએ ? આપણે તેને ગાંડુ જાહેર કરીએ છીએ અને પછી મારી નાંખીએ છીએ.

આવા અભિગમને છોડી દો. પછી તમને દરેક વ્યક્તિ અને તેની દરેક બાબતમાં તાજગી દેખાશે.

એક નાની વાર્તા :

એક માણસ પોતાની પત્ની ત્રણ કલાકથી ખોવાઈ ગઈ છે તેવી ફરીયાદ લખાવવ પોલિસ સ્ટેશનમાં ગયો.

પોલિસે તેને પૂછ્યું; “તમે મને તેની ઊંચાઈ, વજન વગેરેની માહિતી આપશો.”

માણસે કહ્યું; “અરે હું એ તો જાણતો જ નથી.”

પોલિસે પૂછ્યું; “તે જયારે ઘરેથી નીકળી ત્યારે તેણે શું પહેર્યું હતું ?”

માણસે કહ્યું; “મારૂં ધ્યાન નથી રહ્યું સાહેબ, પણ થોભો, તે તેની સાથે કૂતરાને લઈ ગઈ છે તે હું જાણું છું.”

પોલિસે કહ્યું; “કૂતરો કેવો હતો ?

માણસે જવાબ આપ્યો; “ડાલ્મેશન જાતિનો હતો, જેના પર ભૂરાંને બદલે કાળાં ટપકાં હતાં. તેનું વજન ૫૦ પાઉન્ડ હતું અને તેની પૂંછડી એકદમ સફેદ હતી જેનાં પર કોઈ ટપકાં નહોતાં. તેણે ચાંદીની ચેઈનવાળો પટ્ટો પહેર્યો હતો, તેનું નામ સ્પોટ છે.”

પોલિસે કહ્યું; “બસ આટલું પુરતું છે અમે તેને શોધી કાઢશું.”

લગ્ન બાદ પતિ-પત્ની મોટે ભાગે થોડા મહિના સુધી એક બીજા સાથે તાજગીભરી રીતે રહે છે. આ દરમ્યાન તેઓ એકબીજા વિષે અભિપ્રાયો બાંધી લે છે. પછી તેઓ એકબીજા સાથે સંબંધિત નથી રહેતાં. તેઓ બીજી વ્યક્તિને જેવી છે તેવી નથી જોતાં, તેઓ પોતાના અભિપ્રાયો સાથે સંબંધિત રહે છે, બસ આટલું જ.

પતિ તેની પત્ની વિષે જે અભિપ્રાયો ભેગાં કર્યા હોય છે તે પ્રમાણે તેની સાથે વર્તે છે અને પત્ની પણ સામે પક્ષે આમ જ કરે છે. મૂળભૂત પતિ અને પત્ની અલગ હોય છે ! તેઓ એક ઘરમાં ચાર વ્યક્તિઓ બની જાય છે.

એક પ્રામાણિક તપાસ કરો : છેલ્લે કેટલા સમય પહેલાં તમે તમારા પતિ અથવા પત્નીની આંખોમાં લગ્ન પછી તરત જ જે રીતે જોયું હતું તે રીતે જોયું છે અને તે પ્રમાણે વાતો કરી છે ? મને ખાત્રી છે કે ઘણો લાંબો સમય થઈ ગયો હશે અને આપણે વિચારતાં રહીએ છીએ કે જુના દિવસો સોનેરી દિવસો હતાં અને અત્યારે જિંદગી કંટાળા જનક છે. આ તમારો જ અભિગમ છે જે તેને કંટાળાજનક બનાવે છે.

તમે વ્યક્તિને એકરૂપ થવાની બિલકુલ જગ્યા જ નથી આપતા. તેને એક બીબાંમાં ઢાળી દેવાની તમને ઉતાવળ હોય છે. તેનામાંથી તમે કશું નવું લેવા જ નથી માંગતા. હું તમને કહું છું, લગ્નનાં થોડાં વર્ષો પછી તમે તમારા પતિ કે પત્નીને હકીકતમાં જોતાં જ નથી. કારણ કે તમે તેમના માટેની તમારી માનસિક છાપો સાથે જ સુખી હો છો.

પછી શું બનશે, તમારી હાલત પેલા માણસ જેવી થશે જેને પોતાની પત્નીની વિગતો પણ યાદ નથી. પત્નીની ખાસિયતો ન જાણાવી તે સમસ્યાનું સપાટી પરનું સ્તર છે મુખ્ય ખ્યાલ તો તેનાથી ઘણો ઊંડો જાય છે. તમે તમારી સાથે રહેતી સાચી વ્યક્તિને ચૂકી જાવ છો, તમે તે વ્યક્તિના ખ્યાલો સાથે જીવો છો. બસ આટલું જ.

ફકત ૨૪ કલાક માટે, તમારા મનમાં નક્કી કરી લો કે તમે તમારા પતિ અથવા પત્નીને પહેલી જ વખત મળતાં હો તે રીતે જોવાનાં છે. તેની દરેક ક્રિયા અને શબ્દોને કોઈપણ જાતના તારણમાંપડ્યા વગર આવકારો. તમારી અંદર તેના તરફના સ્નેહનો અનુભવ કરો. જો તે તમને ગુસ્સો આવે તેવું બોલે તો પણ તે નિવેદન જાગ્રતતાથી સાંભળો અને શાંતિથી તેનો પ્રતિભાવ આપો, જૂની દલીલો કરવાની આદત પ્રમાણે નહીં. તમે જોશો કે તમે તમારા બન્ને માટે એક સુંદર રસ્તો ખોલી રહ્યા છો. તમે બન્ને એકરૂપ થવા માટે એક બીજાને નવી જગ્યા આપી રહ્યા છો. એકાએક તમને ખ્યાલ આવશે કે બધી જ બાબતો ને તમારો અભિગમ જ દુઃખદાયી બનાવી રહ્યો હતો. અલબત્ત તમે કદાચ એમ કહેશો કે તમારો સાથી તમને બદલામાં ઘણું બધું આપે છે. પરંતુ હું તમને કહું છું : તમારામાં તમારી જાત અને બીજાઓમાં પરિવર્તન લાવવાની શક્તિ છે. ફકત તમારો માનસિક અભિગમ બદલીને તમે ઘણું બધું કરી શકો છો. એક વખત તમે બદલી જવાનું નક્કી કરો છો તે સાથે જ તમારો સાથીદાર પણ આપોઆપ તેનો રસ્તો બદલવા માંડે છે.

એક નાની વાર્તા :

એક દિવસ એક માણસ કબ્રસ્તાનની બાજુમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં તેણે અંદરથી જોરથી રડવાનો અવાજ આવતો સાંભળ્યો. તે અટકી ગયો અને વિચાર્યું કે જોવા દે હું કંઈક મદદ કરી શકું તો તે અંદર ગયો તેણે જોયું કે, કબર પર લગાવેલા સ્મારકના પથ્થરને વળગીને એક માણસ ખૂબ જ મોટેથી રડી રહ્યો હતો અને વારંવાર કહી રહ્યો હતો.; ‘‘તારે આ રીતે જતાં નહોતું રહેવું, આ રીતે જતાં નહોતું રહેવું.’’

પેલો માણસ રડતાં માણસનું દુઃખ જોઈને ખરેખર ઉદાસ થઈ ગયો. તેથી તે તેની પાસે ગયો અને સાંત્વના આપવા માટે પૂછ્યું : ‘‘સર, હું ખરેખર ખુબ જ દીલગીર છું. એ તમારી પત્ની હતી ?’’

રડતા માણસે જવાબ આપ્યો; ‘‘ના ! આ તેનો પહેલો પતિ હતો.’’ !

જ્યારે એકબીજાની કલ્પનાઓ અને હકીકતો એકબીજા સાથે મેચ નથી થતી ત્યારે સંબંધો ત્રાસરૂપ બની જાય છે. અને જ્યારે લોકો એક સંબંધ છોડીને બીજા સંબંધ તરફ એવું વિચારીને જાય છે કે તે તેની કલ્પનામૂર્તિ સાથે મેચ થશે, ત્યારે પહેલાં કરતાં પણ સ્થિતિ વધારે ખરાબ થાય છે. તે બીજા પાસે થોડા વખત માટે જાય છે ત્યારે ત્યાં પણ તેમને કંઈક ખૂટતું દેખાય છે. અને વળી પાછા બીજા એક નવા સંબંધ તરફ જાય છે. એ લોકોને એવું ક્યારેય ભાન થતું નથી કે જે ખામી દેખાય છે તે તેમની પોતાની કલ્પનાઓની અપેક્ષાઓને લીધે છે અને બીજી વ્યક્તિમાં કશું જ ખોટું હોતું નથી.

એ લોકો પોતાની કાલ્પનિક દુનિયામાં એટલા બધાં ગોઠવાઈ ગયાં હોય છે કે તેમને ખરી દુનિયા કલ્પના જેવી લાગે છે! હું તમને કહી રાખું છું, આપણી મુશ્કેલીઓનો શરૂઆતનો મુદ્દો આજ હોય છે. જે દિવસથી આપણે વર્તમાનમાં રહેવાનું શરૂ કરીએ છીએ; એ દિવસે આપણે જાણી શકીએ છીએ કે આપણે કલ્પનાઓના ભારે બોજ નીચે દબાયેલાં હતાં.

આજે યુવાનોમાં એકબીજાને સહન કરવા બાબતની મુશ્કેલીઓમાં વધારો થતો જાય છે અને લગ્નો સરળતાથી તૂટી રહ્યાં છે. આવું બનતું જોવું તે ખરેખર દયાજનક છે. અત્યારે એક જાગૃતતા લાવવાની જરૂર છે. ફક્ત ઊંડાણપૂર્વકની સમજણ જ આવી જાગૃતતા લાવી શકે.

સંબંધોની વાત જ્યારે આવે છે ત્યારે આપણે બીજા તરફ આંગળી ચીંધવા તૈયાર હોઈએ છીએ. આપણે ભૂલી ગયાં છીએ કે તાળી પાડવા માટે બે હાથની જરૂર પડે છે. તમે જ્યારે તમારી જાત ઉપર જ કામ કરો છો, ત્યારે દરેક બાબતને તમારા માટે અને બીજાઓ માટે વધારે સારી બનાવી શકો છો. બીજી વ્યક્તિની ચિંતા ન કરો કે તેને પણ બદલવાની જરૂર છે.

તમે અત્યાર સુધીની બધી જ પ્રેમ કહાણીઓ વાંચશો તો તમને જાણવા મળશે એક પણ સ્ત્રી અને પુરુષ પૂરા સમય માટે, હકીકતમાં ભેગા રહ્યાં જ નથી.

રવીન્દ્રનાથ ટાગોરે લખેલી શાશ્વત પ્રેમીઓની વાર્તામાં નાયક અને નાયિકા શાશ્વત પ્રેમીઓ તરીકે ગંગાના બંને સામ સામેના કિનાર પર રહેવાનું નક્કી કરે છે. અઠવાડીયે એકવાર તેઓ હોડીમાં આવીને, એકબીજાને મળીને પાછાં જતાં રહે છે.

જો તે લોકો આવું કરતાં હશે તો તેઓ મિલન વખતે જરૂર શાંતિમાં રહી શકતાં હશે. દરેક વખતે તેઓ જ્યારે મળતાં હશે ત્યારે બન્નેમાં તાજગી રહેતી હશે કારણ કે તેઓ જાણતા હોય છે કે તેઓ થોડા કલાકો માટે જ સાથે રહેવાનાં છે, આ ક્ષણો કિંમતી બની જાય છે.

bધાં જ શાશ્વત પ્રેમીઓ, પછી તે રોમિયો-જુલિયેટ હોય, લૈલા-મજનુ હોય અથવા અમ્બિકાપથી અને અમરાવથી હોય, તેઓ ક્યારેય હકીકતમાં સાથે જીવ્યા જ નથી ! જો તેઓ સાથે રહીને જીવ્યા હોત તો તેમનાં શાશ્વત પ્રેમની કહાણી કંઈક જુદી જ લખાઈ હોત !

સમસ્યા એ છે કે જીંદગીને બેકગ્રાઉન્ડ સંગીત હોતું નથી ! તમે જ્યારે ટેલિવિઝન પર પ્રેમ કહાનીઓ જુઓ છો ત્યારે તે બેકગ્રાઉન્ડ સંગીત સાથે આવે છે અને તેથી તમે સરળતાથી કાલ્પનિક દુનિયામાં પ્રવેશી જાવ છો. સંગીતમાં તમને પીગાળીને નરમ બનાવીને જેવો ઘાટ ઘડવો હોય તેવાં બનાવવાની શક્તિ છે. તમે જે આ બધાં દ્રશ્યો જુઓ છો, ખાસ કરીને પ્રેમના દ્રશ્યો, પાર્શ્વ સંગીત સાથે આવે છે. તમને તેમાં અતિશય મજા સંગીતને લીધે આવે છે. તમે ટેલિવિઝને ઉભા કરેલાં વાતાવરણમાં સમ્મોહિત થઈ જાવ છો.

વાસ્તવિક જીંદગીમાં તમે સંગીત શોધો છો, પંરતુ મળતું નથી ! કલ્પનામાંથી કવિતા લખવી અને કલ્પનામાં દ્રશ્યો અનુભવીને કવિતા લખવી તેમાં ઘણો ફરક છે.પહેલી બાબત માત્ર કલ્પના છે, તે હવામાં ઉડવા જેવું છે. અક્ષરો હકીકત છે.

યાદ રાખો : તમારાં પતિ અથવા પત્ની ભગવાનનું સર્જન છે. તમારૂં સર્જન ભગવાન સાથે હરીફાઈ કરી શકે નહીં. તેનું સર્જન જ હંમેશા જીતે છે !

આજના સમાજમાં પુષ્કળ પ્રમાણમાં, અશ્લીલતા, વિચિત્ર માનસિકતા, સ્વપ્નાંઓ અને સ્વછંદતા ફેલાયેલાં છે લોકોએ તેમની વિચિત્ર કલ્પનાઓ પરિપૂર્ણ કરવા માટે નબળાં વિકલ્પો તરફ વળવાનું શરૂ કર્યું છે. અશ્લિલ સાહિત્ય જાતીય જીવનને પરિપૂર્ણ કરી શકે નહીં, તે વધારે વિચિત્રતા અને સ્વછંદતાનું સર્જન કરે છે, બસ આટલું જ. પરંતુ વિચિત્ર કલ્પનાઓનો જુલમ અતિ ભારે હોય છે. એક વાત સમજી લો : જો તમે નબળાં અને ઓછી બુધ્ધિવાળાં ન હો તો કોઈપણ બાબત તમારા પર જોરજુલમ કરી શકતી નથી. તમે જ્યારે બુધ્ધિશાળી બનો છો ત્યારે તમે ગમે તે બાબતને છોડી શકો છો.

યસ ... !

(એક મહિલા તેના વિચારો જણાવે છે.) “માસ્ટર તમે કહો છો કે અમે જેવાં છીએ તેવાં જ અમારે થવાનું છે. પરંતુ અમે જેવા છીએ તેવાં જ સમાજમાં કેવી રીતે રહી શકીએ ? મને લાગે છે કે આપણે કુટુંબ અને સમાજ પ્રમાણે બદલવું પડે.”

હા, વ્યવહારુ સ્તરે દરેકને સમસ્યાનો સામનો કરવો પડે છે. તમે કહ્યું; “માસ્ટર મારે બીજાઓને ઠીક લાગે તે પ્રમાણ કામ કરવું જોઈએ. હું તમને પૂછું છું. બીજાઓ તમને ઠીક લાગે તે રીતે કામ કરશે તેની કોઈ ખાત્રી છે ? એ સાચું છે કે સમાજમાં આપણે એકબીજાના આધારિત બનવું પડે છે. તેમાં બીજો કોઈ રસ્તો જ નથી. પરંતુ તમારી મર્યાદાઓ માટે હંમેશા સ્પષ્ટ રહો.

સ્વાધીનતાથી સ્વતંત્ર બનો.

સ્પષ્ટતાથી સમજો. તમારી જગ્યા કઈ છે અને બીજાની કઈ છે. તમારી જીંદગીને ભરપૂર બનાવવાનો મહત્તમ પ્રયત્ન કરો, એકબીજાને ખલેલ પહોંચાડ્યા વગર.

અલબત્ત હું તમને સો ટકા ખાત્રીબંધ ઉકેલ આપી શકું નહીં ... જો હું આવું કરી શકતો હોત તો હું તમને એવો મંત્ર આપત કે જેનો જાપ કરવાથી પતિ અને પત્ની વચ્ચેની બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય તો, હું દુનિયાને સૌથી લોકપ્રિય વ્યક્તિ બની જાત !

“માસ્ટર ... બીજી વ્યક્તિનું ‘મુલાધાર ચક્ર’ ખોલી ન શકાય, જેથી તે તેની અપેક્ષાઓ છોડી દે ?

(સ્વામીજી હસે છે) તમે એ કેવી રીતે કરશો ? તમે માત્ર તમારી બાબતમાં જ ખાત્રી સાથે કહી શકો કે તમારી અપેક્ષાઓ ઘટી ગઈ છે. તેથી જે ઘરમાં ચાર માણસો રહેતાં હતાં તેમાંથી કમ સે કમ એક તો ઓછો થાય !

બીજી વ્યક્તિને કેવી રીતે બદલી શકાય ? આજે લગ્ન વિશેષજ્ઞો હિપ્નોટીઝમની સલાહપણ આપે છે ! મારી દૃષ્ટિએ આ બીજી વ્યક્તિની સ્વતંત્રતામાં નિર્લજ્જ દખલ છે. તે સંપૂર્ણ પણે ખોટું છે.

બીજે દિવસે મેં એક કેસમાં એવું વાચ્યું કે એક સ્ત્રી પોતાના પતિના ગુસ્સાનું સ્તર નીચું લાવવા માંગતી હતી. તમે વાચ્યું હશે - શીકાગો યુનિવર્સિટીમાં અત્યારે એવી શોધ ઉપર કામ થઈ રહ્યું છે જેમાં માણસના મગજમાં ઈલેક્ટ્રોડ બેસાડીને તેના ગુસ્સાને સંપૂર્ણપણે કાબુમાં લાવી શકાય !

તેઓ એ જ્યારે આ શોધમાં ભાગ લેવા માટે સ્વયં સેવકોને પૂછ્યું ત્યારે એવું જાણવા મળ્યું કે, સેંકડો પત્નીઓ પોતાના પતિઓને ઢસડીને જબરદસ્તીથી ત્યાં લઈ ગઈ હતી !

પ્રયોગ પત્યા પછી, ૭૨ સ્ત્રીઓ, આ હકીકત છે. ૭૨ સ્ત્રીઓ યુનિવર્સિટીમાં પાછી આવી અને કહ્યું; “મહેરબાની કરીને આ ઈલેક્ટ્રોડસ્ કાઢી નાંખો, મને મારો જુનો પતિ પાછો જોઈએ છે ! મને મારો ગુસ્સોવાળો પતિ પાછો જોઈએ છે !

સ્ત્રીઓએ કહ્યું; “જીંદગીની મજા જ જતી રહી છે ! અમે ઝઘડ્યા વગર એકબીજા સાથે વાતચીત જ કરી શકતાં નથી.

તે મારા તરફ ધ્યાન જ નથી આપતો !

દરેકને બીજાના ધ્યાનની જરૂર છે ! વર્તણૂંકનું માનસ શાસ્ત્ર કહે છે, કે એક માણસ ખોરાક વગર ૯૦ દિવસ જીવી શકે છે, પરંતુ બીજાના ધ્યાન વગર તે ફક્ત ૧૪ દિવસ જ જીવી શકે છે. તે ચિત્રભ્રમ બનવા લાગે છે.

બન્યું છે એવું કે આપણે એકબીજાને પ્રેમ કરવાનું, એકબીજાની કાળજી લેવાનું જ ભૂલી ગયાં છીએ. પ્રેમ ભૂલાઈ ગયેલી ભાષા બની ગઈ છે ! તેથી એકબીજા સાથે વાતચીત કરવા માટે અને એક બીજાનું ધ્યાન ખેંચવા માટે એકબીજા સાથે લડવા સિવાય બીજો કોઈ રસ્તો જ રહ્યો નથી.

મને લાગે છે કે અહીં બેઠેલાં લોકોમાંથી બેમાંથી એક આધ્યાત્મિક બની જાય તો, તેઓ પાછા આવીને ફરીયાદ કરે કે અમને અમારો જુનો સાથી પાછો આપો !

(લોકો હસે છે અને આવતનો વિરોધ કરે છે.)

બરાબર છે ! તમે એમ કહો છો કે તમે આવાં નથી ! ચાલો આપણે જોઈશું.

આ ‘મૂલાધાર ચક્ર’ની સુંદર વાત એ છે કે આ ‘ચક્ર’ ખૂલી જાય તો તમને જણાશે કે તમારી ૫૦% સમસ્યાઓ અદ્રશ્ય થઈ ગઈ છે ! આ ચક્ર તમારા જીવનનું ૫૦% વધારે નિયમ કરે છે. તમે જે કાંઈ કરો છો તેમાં આ ચક્રના તણાવનો અનુભવ કરો છો ! અરે તમે તમારી સહી પણ કરો છો તો તેમાં પણ આ ચક્રનું ખેંચાણ હોય છે. જ્યારે તમારૂં ‘મૂલાધાર ચક્ર’ ખૂલી જાય છે ત્યારે તમને તમારી સહીમાં પણ ફરક દેખાશે. તમે એક ફૂલ ને ચૂંટશો તો તેમાં પણ તમને ફરક દેખાશે.

તામિલ સંતોનું એક ઘટક છે જેને ‘નયનાર’ કહે છે. એક ગીત છે જેમાં તેઓ કહે છે કે, તેઓ જ્યારે ફૂલને તોડે છે ત્યારે એવી રીતે તોડે છે કે છોડને દર્દનો અનુભવ થતો નથી ! આપણા માટે તેનો અર્થ શું છે ? તમે આવા ઉર્મિલ અને જીવંત બનો છો. જ્યારે આ ચક્ર ખૂલી જાય છે. જ્યારે આ ચક્રની શક્તિ પરિવર્તન પામે છે ત્યારે તે તમારામાંથી છલકાઈને પ્રેમ સ્વરૂપે બહાર વહેવા લાગે છે.

સેક્સ કોલસો છે, પ્રેમ હીરો છે. સેક્સ કાદવ છે, પ્રેમ કમળ છે, જે કાદવમાં જ ખીલે છે. પદાર્થ એક જ છે. તમારે માત્ર તેની પ્રક્રિયા જાણવી જોઈએ. માત્ર તમારી અપેક્ષાઓ છોડી દો અને તમને લગાશે કે તમે પ્રચંડ શક્તિથી ઉભરાઈ રહ્યા છો.

આજે હું ઈચ્છું છું કે તમારે બધાએ ઘરે જઈને આ પધ્ધતિની અજમાયશ કરવાની છે.

નીચે બેસી જાવ અને તમારા ‘મૂલાધાર ચક્ર’ ઉપર તમારું ધ્યાન કેન્દ્રીત કરો. જો તમે તમારૂં ધ્યાન ત્યાં લઈ જશો તો તમને જણાશે કે તમારૂં ‘મૂલાધાર ચક્ર’ હંમેશા તણાવમાં રહે છે. હંમેશા ખેંચાયેલું રહે છે.

આ પાંચ મિનિટમાં તમારા પતિ અથવા પત્નીએ તમને દુઃખ પહોંચાડે તેવું ગમે તે કર્યું હોય તેને માફ કરી દો. ખરા દિલથી માફ કરી દો. રોષના મૂળ સુધી જાવ અને મન દુઃખની લાગણીને છોડી દો. આ સમગ્રતાથી કરો. તે જેવા છે તેવા જ તેનો સ્વીકાર કરો. તેને માફ કરી દો.

તેને તમારો ગહન પ્રેમ આપો.

ફક્ત પાંચ મિનિટ પછી તમને જણાશે કે તમારૂં ‘મૂલાધાર ચક્ર’ રીલેક્સ થઈ ગયું છે.

જો ફક્ત પાંચ જ મિનિટ તમને આવું પરિણામ આપતી હોય તો તમે જરા વિચારો કે તમારો સમગ્ર અભિગમ બદલાઈ જાય તો શું થાય ! તમને કેવી પ્રચંડ શક્તિના પ્રવાહનો અનુભવ થાય !

તમે અત્યારે એવી રીતે જીવી રહ્યાં છો કે તમારી પાસે એક લાખ રૂપિયા જ હતાં, તેમાંથી નેવું હજાર રૂપિયા એવી રીતે રોકાઈ ગયા છે કે તમે પાછા મેળવી શકતા નથી તમે બચેલા દસ હજારમાં તમારી આખી જીંદગી નિર્વાહ કરવાનો પ્રયત્ન કરો છો. પછી તમને સ્વાભાવિક જ એવું લાગે છે કે તમે ખૂબ ગરીબ છો !

આવી જ રીતે તમારી બધીજ શક્તિ ખોટી રીતે રોકાઈ ગઈ છે, તે આ ‘ચક્ર’માં બંધ થઈ ગઈ છે. ગુસ્સામાં, સેક્સમાં અને બીજા ઘણાં બધાંમાં. આપણી પાસે રોજીંદી જીંદગી જીવવા માટે પણ પૂરતી શક્તિ નથી ! એક આ ‘ચક્ર’ખૂલી જશે પછી તમારી જીંદગી શક્તિથી ભરપૂર થઈ જશે. તમે વધારે સારું વિચારી શકશો, વધારે સમજી શકશો, વધારે સારું આયોજન કરી શકશો. તમને અનુભવ થશે કે આ શક્તિ સભાન પણે તમારા પર કામ કરી રહી છે. તમે જેનો ક્યારેય અનુભવ નહીં કર્યો હોય તેવી નવી દિશાઓ તમારા માટે ખૂલી જશે. તમને હકીકતમાં એવી ખાત્રી થઈ જશે કે તમારો પતિ, તમારી પત્ની અને બીજા બધાં જ આધ્યાત્મિક વ્યક્તિઓ છે.

સમજી ગયા : સ્વર્ગ અને નર્ક ભૌગોલિક જગ્યાઓ નથી. તમે તેને નકશામાં દર્શાવી શકો નહીં. તેમનું અસ્તિત્વ ફક્ત માનસ શાસ્ત્રીય છે. તમારા જીવનને સ્વર્ગ બનાવવું કે નર્ક તે તમારા જ હાથમાં છે. તમે જ્યારે અપેક્ષાઓથી ભરેલાં હો છો ત્યારે તમે તમારા માથમાં નર્ક લઈને ફરો છો. માટે તમે જ્યાં જશો ત્યાં તમને એજ દેખાશે, તમારા નર્કનું પાર્સલ તમારી સાથે જ મુસાફરી કરે છે ! જેવી રીતે સર્કસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે ત્યાં પોતાના તંબુઓ ફેલાવીને ઊભા કરી દે છે, તેવી જ રીતે તમે જ્યાં જાવ છો ત્યાં સાથે જ નર્કને લઈ જાવ છો અને પછી તેમાં રહો છો. આમાંથી તમો છટકી શકો નહીં. અને જ્યારે બે વ્યક્તિઓ મળે છે ત્યારે બે નર્કોનું ઘર્ષણ થાય છે, ઘંટડીઓનું નહીં!

આ બોજો તમારે માથે લઈને શું કામ ફરવું જોઈએ ?

જરા વિચારો તમે તમારી અપેક્ષાઓ પ્રમાણેની વ્યક્તિ જેવી જ બીજી વ્યક્તિને બનાવવા માટે તમારી કેટલી બધી શક્તિ વેડફી નાંખો છો. આના કરતાં છીણી હથોડી ફેંકી દેવાં સહેલાં નથી ? મેડિટેશનમાં જો તેમાંની ૧૦% શક્તિ પણ પ્રવાહિત થાય તો પણ તમે પરિવર્તન પામીને સાચી જીંદગી જીવી શકો છો.

જાગ્રતતા અને સ્વતંત્રતાથી જીવનને દોરવું તેજ સાચી જીંદગી છે.

આપણી સામે પસંદગી છે.

આપણી પાસે સભાન થવાની તક છે.

નિર્ણય તમારે લેવાનો છે.

યસ … કોઈ પ્રશ્નો ?

“માસ્ટર, આપણે કામ વાસનાને છોડીને ફક્ત પ્રેમને જ કઈ રીતે પોષી શકીએ ?”

વાસના પણ ગુસ્સાની જેમ જ પ્રચંડ શક્તિ છે. હકીકતમાં જ્યાં સુધી તમે વાસનાને પૂરેપૂરી સમજી ન લો અને તેનું પરિવર્તન કેમ કરવું તે જાણી ન લો, ત્યાં સુધી તમે જે કંઈ કરો છો તે વાસના યુક્ત હોય છે. જો તમે એક પેન પણ ઉંચકો છો તો તેમાં પણ વાસના હોય છે; તમે જો નાના બળકને લાડ લડાવો છો તો પણ વાસનાયુક્ત હોય છે. આમાં અમુક ચોક્કસ પ્રમાણમાં પ્રાણીઓનો સ્વભાવ ભાગ ભજવે છે. કારણ કે તમારી શક્તિ હજુ સુધી તેનાં મૂળભૂત પાયાને આધારીત હોય છે. અને તેનું ઉચ્ચ શક્તિમાં પરિવર્તન થયું હોતું નથી.

જેવી રીતે ગુસ્સા વિષે જ્ઞાન થવાથી, ગુસ્સો ઓછો થાય છે, તેવી જ રીતે વાસના વિષે જ્ઞાન થવાથી વાસના ઓછી થાય છે, કારણ કે બંને શક્તિ એક સરખી જ છે ! વાસના અને સેક્સ સાથે સમસ્યા એ છે કે તેને જે છે તેના કરતાં ખૂબ જ વધારે મોટી કલ્પનામાં આવી છે. દમનને કારણે તેને આવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. અને અહીંથી જ દરેક સમસ્યા શરૂ થાય છે. આખી બાબત પ્રસાર માધ્યમોના અતિશયપણાંએ ભ્રષ્ટ કરી દીધી છે.

અને જ્યારે તમારી વાસનાઓનો બીજી વ્યક્તિ સ્વીકાર કરતી નથી, ત્યારે તે તેની સામેના ગુસ્સામાં ફેરવાઈ જાય છે. માટે જ આપણને છાપાઓમાં સમાચાર વાંચવા મળે છે કે એક તરુણે છોકરીના ચહેરા પર ઍસિડ ફેંકી દીધો, કારણ કે તે છોકરીએ તેના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો.

જુઓ, એકવાત પહેલાં સમજી લો : સમાજ માણસને ઊંચો માણસ અને નીચો માણસ એમ બે ભાગમાં હંમેશા વહેંચી નાંખે છે. કોઈ વ્યક્તિ ઉગ્ર લાલસાવાળી હોય તો, નીચી વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ વાસનાવાળી હોય તો નીચી વ્યક્તિ છે. ઊંચા કે નીચા જેવું કશું જ નથી. માત્ર પરિવર્તન થયું હોય છે. બસ આટલું જ.

જે લોકો નૈતિકતાના આવા ધોરણો બનાવે છે, તેઓ પોતે જ નૈતિકતાનો દંભ કરે છે. તે લોકોની પોતાની અંદર જ પુષ્કળ લાલસા અને વાસના છૂપાયેલી હોય છે. આવા લોકો કાં તો દમન કરીને આવી લાગણીઓને પાછળ ધકેલી દે છે અથવા આવી લાગણીઓ પાછળ જવામાં ગુનાહિત ભાવના અનુભવે છે અને તેથી પોતાની જાતને નૈતિકતાના ઠેકેદાર તરીકે જાહેર કરે છે. આવા લોકો આવા ઊંચ નીચના ધોરણો બનાવીને સમાજમાં બધાં જ દુઃખો પેદાં કરવાનું કારણ બને છે.

કોઈપણ બાબતનો તમે જ્યારે પ્રતિકાર કરો છો. ત્યારે તે વધારે પ્રબળતાથી સામે આવે છે. માત્ર તમારી જાગૃતતાથી તેને પરિવર્તિત થવા દો અને તેનું પરિવર્તન થઈ જશે. તમારામાં જાગૃતતા લાવો અને તમારું પરિવર્તન થશે. ક્યારેય વિશ્લેષણ ન કરો; વિશ્લેષણ હંમેશા વિભાજન કરે છે. તે તમને બે ભાગમાં વહેંચી નાંખે છે, જેથી બન્ને ભાગ એકબીજા સાથે લડતા રહે છે. સમાજ હંમેશા વિભાજિત માણસ જોવા માંગે છે જેથી તે તેને કાબુમાં રાખી શકે.

વિશ્લેણ કરવાનું કામ વૈજ્ઞાનિકો અને શોધખોળ કરનારાઓનું છે, આધ્યાત્મિ વિકાસ કરનારાઓનું નહીં. તમે વિશ્લેષણ અને વિભાજન કરવાથી એટલા ટેવાઈ ગયાં હો છો કે, તમે પૂર્વાપરનો સંબંધ શોધવાનું છોડી શકતા નથી. જ્યારે લોકો તમારા પર લઘુતા અને ઉચ્ચતાની લાગણીઓ લાદવાનો પ્રયત્ન કરે, ત્યારે યાદ રાખો; દરેક બાબત અસ્તિત્વનો જ અંશ છે અને કોઈપણ બાબત લઘુ કે ગુરુ નથી, ઉચ્ચ કે નીચ નથી. તમે ફક્ત જ્યારે અસ્તિત્વને ભૂલી જાવ છો ત્યારે જ આવા શબ્દોનો ઉપયોગ કરો છો.

તમારા શબ્દ ‘વાસના’ પર આવતા પહેલાં આટલું સમજી લો; ફક્ત પ્રેમ જ હોઈ શકે, વાસના ક્યારેય હોતી નથી, આજ સત્ય છે. વાસના ઘોર અજ્ઞાનનું પરિણામ છે.

વાસનાને પ્રેમમાં ફેરવવાની પ્રક્રિયા એક કિમિયા જેવી પ્રક્રિયા છે. કિમિયો એક એવી પ્રક્રિયા છે જે પાયાની ધાતુને ઉચ્ચ ધાતુમાં ફેરવે છે. આવી જ રીતે આપણી પાયાની લાગણીને ઉચ્ચ લાગણીમાં લઈ જવી, જે પ્રેમ છે. અને જેને માટે આપણે સક્ષમ છીએ. એ એક કિમિયા જેવી પ્રક્રિયા છે. એ શ્રેષ્ઠ પ્રક્રિયા છે.

જ્યારે હું હિમાલયમાં વિચરણ કરતો હતો ત્યારે મારી સાથે શું થયું હતું તેનું વર્ણન કરૂં છું. હિમાલયમાં હું મને ગમે ત્યાં ફરી રહ્યો હતો. મારી પાસે ખૂબ જ ઓછાં સાધનો હતાં અને હું ગમે ત્યાં ફરતો રહેતો અને રાત પડે ત્યાં ઊંઘી જતો. આ સમય દરમ્યાન હું ઘણાં જ અનુભવી અને જ્ઞાની લોકોને મળ્યો હતો.

આવા જ એક પ્રસંગે, હું એક જ્ઞાની પુરુષને મળ્યો જેમણે ફક્ત એક લંગોટી પહેરી હતી અને હાથમાં વાળેલી ચટાઈ હતી. તેમનો દેખાવ ખૂબ જ ઉગ્ર હતો. તે ‘નાગા બાબા’ હતાં. જેઓ નાગા સાધુઓની જમાત સાથે સંકળાયેલા હોય છે.

ગમે તેમ પણ મને તેમના તરફ આકર્ષણ થયું અને હું તેમની નજીક ગયો.

એ વખતે હું બરાબર હિંદી બોલવાનું જાણતો નહોતો, પરંતુ તેમની સાથે મેં ભાંગી તૂટી હિન્દીમાં વાત કરવાનું ચાલુ કર્યું. હું તેમની સાથે થોડા દિવસો રહ્યો હતો.

તેઓ આખો દિવસ ચલમ ફૂંક્યા કરતાં. હું તેમને નિહાળ્યા કરતો. તેઓ જે કરી રહ્યા હતા તેમાં જ તલ્લીન હતાં.

તેમણે તેમની ચલમમાં બે તાંબાના સિક્કા નાંખ્યા, થોડો સમય ધુમ્રપાન કર્યું અને પછી ચલમને ખાલી કરી તો બે સોનાના સિક્કા બહાર આવ્યા !

પછી તેઓ બજારમાં ગયા અને સોનાના સિક્કા વેચીને ઘણાં વધારે તાંબાના સિક્કા લઈ આવ્યા અને ઉપર મુજબનો કિમીયો ફરી વખત કર્યો.

મેં તેમને પૂછયું. આવું કેવી રીતે બને છે.

તેમણે જવાબ ન આપ્યો પણ ચલમ મને આપી. ગમે તેમ પણ તમાકુ અને દારૂની ગંધ મને માફક આવતી નથી. હું થોડાં ડગલાં પાછો હટી ગયો.

મેં તેમને કહ્યું કે હું હિમાલયમાં મેડિટેશન અને એન્લાઈટેનમેન્ટ માટે આવ્યો છું મને ધુમ્રપાન અથવા સોનાના સિક્કાઓમાં રસ નથી.

તેમણે મારી સામે જોયું અને પહેલી વખત તામિલમાં બોલ્યા; “આંગમ્ પઝુથાલ થાંગમ્ પઝુકમ્” જેનો સાચો અર્થ છે : જ્યારે તમારી જાત પૂર્ણ રૂપે વિકસે છે, ત્યારે જ સોનું પાકે છે.

હું સ્તબ્ધ બની ગયો.

તેમણે રમતીયાળ પણે મારા ચહેરા પર ધુમાડાનાં વર્તુળો ફૂંક્યા.

આ બન્યા પછીના થોડા ગાળા પછી હું ગહન દિવ્ય આનંદમાં પહોંચી ગયો હતો.

તાંબાને સોનામાં ફેરવવું તે એક કિમીયો છે, પ્રક્રિયા છે. તે બહારની દુનિયાની પ્રક્રિયા છે. અંદરની પ્રક્રિયામાં આપણી પાયાની શક્તિઓ ઉચ્ચતર શક્તિમાં ફેરવવાની પ્રક્રિયા છે. તમે જ્યારે તમારી અંદરની પાયાની શક્તિઓને ઉચ્ચ શક્તિઓમાં ફેરવવાના ઉસ્તાદ બની જાવ છો, ત્યારે તમે તાંબાને સોનામાં ફેરવી શકો છો, એ કોઈ મોટી વાત નથી જ્યારે તમે આંતરીક કિમીયાના ઉસ્તાદ બની જાવ છો, ત્યારે બહારના કિમીયા તેની સામે કશું જ નથી. એ તો તમારા હાથમાં માત્ર બાળકોની રમત જેવું બની જાય છે.

મેં તમને આ બનાવનું વર્ણન ફકત તમને કિમીયાનો ખ્યાલ સમજાવવા માટે જ કર્યું છે એટલા માટે નહીં કે તમે બહારની દુનિયાના કિમીયા પાછળ દોડવા માંડો ! આ વાત બરાબર સમજી લો. બહારની દુનિયાના કિમીયા તો સામાન્ય છે. અંદરની દુનિયાનો કિમીયો તમને સાચા ગુરુ બનાવે છે.

હકીકતમાં આ પ્રક્રિયામાં ધાતુ સાથે શું કિમીયો બને છે ? પહેલાં પાયાની ધાતુમાંથી અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે, પછી તેમાં અમુક ઘટકો ઉમેરવામાં આવે છે અને પછી તેને પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. પ્રક્રિયાને અંતે પાયાની ધાતુ ઊંચી કક્ષાની ધાતુ બની જાય છે.

આપણી પ્રાણી જ શક્તિઓને દિવ્ય શક્તિઓમાં ફેરવવી જોઈએ. આપણા બધામાં વાસના હોય છે, જે પ્રાણી જ શક્તિ છે. એક વધારે બાબત : પ્રાણીઓમાં તો આખરે શુધ્ધ વાસના હોય છે. તેઓ જ્યારે સંબંધોમાં હોય છે ત્યારે બસ. આખી દુનિયાને ભૂલી જાય છે. પરંતુ આપણા માટે, આપણી વાસના શુધ્ધ નથી. તેમાં હંમેશા દોષ ભાવના અને મહેચ્છાઓ ભળેલી હોય છે.

કાંતો આપણી ભૂતકાળની માનસિક સ્થિતિ આપણને દોષ ભાવનાનો અનુભવ કરાવીને આપણને પાછા ખેંચે છે અથવા તો ભવિષ્ય માટેની પ્રગાઢ લાગણીઓ તેમાં વધારે ડૂબવા માટે પ્રેરે છે. જેથી આપણે માત્ર ફરી વખત ગુનાહિત ભાવનાનો અનુભવ કરીએ છીએ. આ એક વિષચક્ર બની જાય છે. જે આપણને ખેંચે પણ છે અને ધક્કો પણ મારે છે અને પરિણામે આપણી વાસના ભ્રષ્ટ અને દુષિત બની જાય છે. આપણી વાસના શુધ્ધ નથી.

તમે જો ધ્યાનમાં લીધું હશે તો ખ્યાલ આવશે કે તમે જ્યારે તમારી કલ્પનાઓ પરિપૂર્ણ કરો છો ત્યારે તમને દોષ ભાવના ઘેરી વળે છે. માટે તમને સેક્સ માણતી વખતે ગુનાહિત ભાવ પેદા થાય છે. જ્યારે તમે નાના બાળક હો છો ત્યારથી જ કુટુંબ તમારામાં આ દોષ ભાવના ભરવા માંડે છે. પછી તમે તમારી જાત માટે ગુનાહિત ભાવના અનુભવવાના ઉસ્તાદ બની જાવ છો.

પહેલાં ગુનાહિત ભાવનાને સમજી લો. જે કોઈ તમને નિયંત્રણ રાખવા માંગે છે તે સૌથી પહેલાં તમારા મનમાં દોષભાવના પેદા કરે છે. તે તમને અમુક બાબતમાં તમે ઉતરતાં છો તેવું તમારા મનમાં ઠસાવી દે છે. પછી તમે આપોઆપ જ તે લોકો જે કહે છે તેનું અનુકરણ કરો છો.

સમાજ ફક્ત ગુનાહિત ભાવના પેદા કરીને જ નિયંત્રણમાં રાખવાનું જાણે છે. હું તમને કહું છું બાળકો માટે નિયમો બરાબર છે. નિયમો સાથે શરૂઆત કરવી તે સારી બાબત છે પરંતુ એ પણ એટલું જ મહત્વનું છે કે તમારી બુધ્ધિનો વિકાસ થાય અને તમે તે પ્રમાણે આગળ વધો. જ્યારે તમારૂં વ્યક્તિત્વ એક સૂત્રી હોય છે ત્યારે તેમાં દોષ ભાવના પેદા કરી શકાતી નથી. હકીકતમાં કોઈ બનાવ તમારામાં દોષ ભાવના પેદા કરતો નથી. બનાવની અસર તમારામાં આવી ભાવના પેદા કરે છે.

લોકો આંખ મીચીને પેઢી દર પેઢી નિયમો લાદી લાદીને તમારામાં આવી દોષ ભાવના પેદા કરે છે. તમારા માથા પર રાજમુગુટની જેમ - દાદાના માથેથી પિતાના માથા પર, પિતાના માથા પરથી પુત્રના માથા પર, પુત્રના માથા પરથી પૌત્રના માથા પર અને આ રીતે આગળ અને આગળ.

દરેક સૌંદર્ય પ્રસાધનો વારંવાર તમને કહે છે કે તમે પુરતાં સુંદર દેખાંતા નથી. તમે જાતે જ તમારા પોતાના શરીર પ્રત્યે ગુનાહિત ભાવ અનુભવવા લાગો છો. તમે શું કરો છો ? તમે જઈને પેલી વસ્તુ ખરીદી લો છો અને તેનો ઉપયોગ ચાલુ કરી દો છો. તમે આપોઆપ તેના નિયંત્રણમાં આવી જાવ છો. એક વખત તમે તેને વાપરો, પછી તમે વળી બીજી દોષ ભાવનામાં ડૂબી જાવ છો. “આ બધી મુશ્કેલીઓમાં મારે શું કામ પડવું જોઈએ ?” જે ક્ષણે તમે કંઈક મેળવો છો. તે ક્ષણે પહેલી લાગણી જે થાય છે તે દોષ ભાવના હોય છે.

વાસના તરફ પાછા આવીએ, તમારી વિચિત્ર કલ્પનાઓ તમને બિન સર્જનાત્મકના વર્તુળમાં જકડાયેલાં રાખે છે. તમે ટેલીવિઝન, ઈન્ટરનેટ, પુસ્તકો વગેરેમાંથી ભેગી કરેલી કલ્પનાઓથી તમારી આસપાસ એક કવચ બનાવી દો છો. તમે હંમેશા આ જ માનસિક કવચમાં જીવો છો. તમે પ્રેમ સંબંધોમાં પણ આ કવચ સાથે જોડાયેલાં રહો છો; તમે સાચા પતિ અથવા પત્ની સાથે જોડાયેલાં નથી હોતાં. સાચા પતિ અથવા પત્ની તમારી માનસિક છાપોની જગ્યાએ ગોઠવાયેલાં વિકલ્પો બની જાય છે. પછી તમારી વાસના ભ્રષ્ટ થઈ જાય છે.

તમે જ્યારે આવી શૈલીઓમાં ડૂબી જાવ છો, ત્યારે વિષયક્રમાં ફસાઈ જાવ છો અને તેથી તેમાં તમે ઊંડાણમાં જતાં નથી અને અંતે તમે બહાર આવી જાવ છો, પરંતુ વધારેને વધારે ઝંખના સાથે પાછા જવા માટે. જો તમે તેના ઊંડાણમાં જાવ છો તો તમે તેમાંથી ખીલીને બહાર આવો છો !

આટલા માટે જ પહેલાંનાં જમાનામાં લોકો ચાલીસ વરસની ઉંમરે વાસનાને છોડી દઈ શકતાં હતા. તેમનામાં ગુંચવાડા ભરી છાપો ક્યારેય નહોતી પડતી. તેઓ સીધા જ તેમના પતિ અથવા પત્ની સાથે સંબંધિત રહેતાં હતાં. તેથી જ તેઓ નાની ઉંમરે પૂરેપૂરા ખીલીને તેમાંથી બહાર આવી જતાં હતા. તેમની વાસના બસ, છૂટી જતી હતી. તેમને છોડવી પડતી નહોતી.

ભારતીય લગ્નોમાં એક સુંદર કાવ્યની કડીઓ છે, જેનું બ્રાહ્મણ નવદંપતી પાસે રટણ કરાવે છે. પત્ની પતિને કહે છે; "તમે મારા અગિયારમાં પુત્ર બનો." અને પતિ કહે છે; "તું મારી અગિયારમી પુત્રી બનજે." આનો અર્થ એવો છે કે લગ્નનાં અગિયારમાં વર્ષ પછી આપણે એક બીજાને પુત્ર અથવા પુત્રી સ્વરૂપે જોઈશું; સંબંધો એવા સ્વરૂપોમાંથી પસાર થયાં હશે કે તેમનામાં પછી આવું પરિવર્તન આવી જાય છે.

તમે જ્યારે તમારા સંતાનોને જુઓ છો ત્યારે તમે કેટલાં આનંદમાં ફૂલી જાવ છો ? ખરૂં કે નહીં ? તમારા પતિ અથવા પત્ની સાથેના સંબંધો એવી રીતે પરિવર્તન પામવા જોઈએ કે તમે જ્યારે એકબીજાને જુઓ ત્યારે તમને તમારા પુત્ર અથવા પુત્રીને જોતાં હો, તેટલો આનંદ તમારામાંથી વહેવા માંડે. પતિ સ્ત્રી માટે પુત્ર બની જાય અને પત્ની પુરુષ માટે પુત્રી બની જાય !

તમે તમારી ઈચ્છાઓ અને વિચિત્ર કલ્પનાઓમાં ગુચવાઈ ગયા છો, એટલે જ તમે જ્યાં પણ છો ત્યાં સુખી નથી. તમે જ્યારે જમીન પર સાદડી પર બેસો છો ત્યારે તમે સુખી નથી, કારણ કે તમે ખુરશીનો વિચાર કરતાં હો છો. તમને જ્યારે ખુરશી મળી જાય છે ત્યારે તમે સિંહાસનનો વિચાર કરતાં હો છો. જ્યારે તમને સિંહાસન મળી જાય છે ત્યારે તમે તેનો આનંદ લેવાની ક્ષમતા ગુમાવી દીધી હોય છે ? હું જે કહી રહ્યો છું, તે તમે સમજી રહ્યા છો ને?

જો તમારી વાસના કોઈપણ ઈચ્છા અથવા દોષભાવના વગરની શુધ્ધ હશે તો, તમે તેની અંદર ઊંડાણમાં જઈ શકશો અને તેમાંથી પૂરેપૂરા ખીલીને બહાર આવશો. જ્યારે તમે ભેગી કરેલી કલ્પનાઓના કવચ સાથે તેમાં ઉતરો છો ત્યારે વાસનામાંથી પૂરેપૂરા ખીલીને બહાર આવવામાં નિષ્ફળ જાવ છો.

તમારું કવચ ફેંકી દો અને તમારા પાતોના શરીરને પ્રેમ કરવાનું શરૂ કરો અને સાથે બીજી વ્યક્તિના શરીરને પણ પ્રેમ કરવાનું શરૂ કરો. દિવ્ય આનંદ તમારામાંથી સતત પ્રગટતો રહે છે. પરંતુ તમે તેને સપાટી પર આવવા દેતાં નથી, કારણ કે તમે તમારી કલ્પનાઓમાં ફસાઈ ગયા છો. તમે જ્યારે તમારા અને બીજાના શરીર વિષેની કલ્પનાઓને છોડી દો છો, ત્યારે તમારી વાસનામાં રહેલી અશુધ્ધિઓ દૂર થઈ જાય છે અને આખી પ્રક્રિયામાં કિમીયાનું પહેલું પગથીયું શરૂ થાય છે.

તમે જ્યારે તમારા શરીરમાં અનુકુળતાનો અનુભવ કરો છો ત્યારે તમારામાં ચોક્કસ પ્રકારનું લાવણ્ય આવે છે. સમજી લો : બધાજ ચામડીના રોગો મોટેભાગે તમારી તમારા શરીર પ્રત્યેની ચોક્કસ પ્રકારની નકારાત્મક ભાવનાઓથી થાય છે. રોગો થાય છે કારણ કે તમારો આત્મવિશ્વાસ અને આત્મ સન્માન તમારા પોતાના શરીર તરફ ખૂબ જ ઓછું હોય છે.

તમે આ સમજતાં નથી, અને ચામડીના રોગોની સારવાર માટે બહાર દોડ્યા કરો છો. આ રોગોનું મૂળ તમે જે વરસોથી કવચ બનાવ્યું છે તેમાં રહેલું હોય છે. તમે હંમેશા બીજાના શરીર સામે જુઓ છો અને એવું ઈચ્છો કે તમારું શરીર એના જેવું હોય. તમે જ્યારે તમારા શરીરને પ્રેમ કરો છો; તમે જ્યારે તેમાં અનુકુળતા અનુભવો છો, ત્યારે જ તમે તેમાં સુંદર દેખાવ છો અને તમે પોતે સુંદરતાનો અનુભવ કરો છો.

તુલસીદાસ કૃત રામાયણમાં કહ્યું છે કે, સીતા જ્યારે જનકના દરબારમાં ચાલી રહી હતી ત્યારે મહાન સંતો અને વસિષ્ઠ જેવા ઋષિઓ સાથે બધાંજ અને સીતા પિતા જનક પણ સીતાને માન આપવા માટે ઊભાં થઈ ગયા હતાં. તેણીમાંથી આવું પ્રભાવશાળી લાવણ્ય પ્રવાહિત થઈને વહી રહ્યું હતું.

તંત્રમાં એક પધ્ધતિ છે જેમાં તમે જ્યારે વહેલી સવારે ઉઠો ત્યારે તમારે તમારા શરીરના દરેક ભાગને ઊંડા પ્રેમથી સ્પર્શવાનો હોય છે અને સૂક્ષ્મ શરીરને તમારા ભૌતિક શરીરમાં જાગૃત કરીને ગોઠવવાનું હોય છે.

ગમે તેમ પણ તમે બહારની દુનિયામાંથી જેટલી વધારે છાપો ભેગી કરી હશે તેટલું તમારા કવચનું પડ જાડું હશે. પહેલાંના જમાનામાં લોકો આટલાં જટીલ અને ગુંચવાયેલા નહોતાં. તેઓ તદ્દન સીધા અને સરળ હતાં. ત્યારે કવચનું અસ્તિત્વ જ નહોતું અને હતું તો તેનું પડ એકદમ પાતળું હતું.

એક વખત તમે તમારા શરીર વિષેની અને બીજાના શરીર વિષેની કલ્પનાઓ છોડી દો છો, ત્યારે જ તમે બીજાના શરીર તરફ કરુણા અને મિત્રતાનો ભાવ અનુભવવાની શરૂઆત કરી શકો છો. વાસનાને પ્રેમમાં બદલાવાના કિમીયાની પ્રક્રિયામાં મિત્રતાની ભાવના ઉમેરવી એક જરૂરી ઘટક છે.

યાદ રાખો : હિંસા સાચો રસ્તો નથી. આપણે સમાજ, રાજ્ય અને દેશની હિંસાની વાતો કરીએ છીએ. આપણાં ઘરોમાં અને આપણા પોતાનાં શરીરોમાં અને મનમાં જે હિંસા સતત ચાલી રહી છે તેનું શું ? હું તમને કહું છું; હિંસાની શરૂઆત ઘરમાંથી થાય છે.

તમે સદાય કહેશો; “પરંતુ માસ્ટર અમે અમારી જીંદગીમાં હિંસક નથી હોતાં.”

હું તમને કહું છું, તમે ફક્ત વિચારો છો કે તમે અહિંસક અને મિત્રતાપૂર્ણ છો. હું જે અર્થમાં મિત્રતાપૂર્ણ શબ્દનો ઉપયોગ કરું છું. તેનો અર્થ તમારા મનમાં રહેલા અર્થ કરતાં જુદો છે. તમારી જાતનું ખૂબ જ નજીકથી અવલોકન કરો : તમે જ્યારે શેરીમાં ચાલતા હો છો અથવા તમારા પોતાના બગીચામાં ચાલતા હો છો, ત્યારે તમે અજાણતાં જ ઝાડની ડાળીઓ ખેંચો છો, પાંદડા અને ફૂલોને તોડો છો; તમે આજુબાજુના પથ્થરોને લાતો મારો છો અને તમે વેલો અને લતાઓને ધક્કો મારો છો અને બીજું શું શું નથી કરતાં. આ બધી જ ક્રિયાઓ હિંસા છે.

ફક્ત એક વખત તમારા બગીચામાંનાં ફૂલો અને પાંદડાઓ તરફ ખૂબજ નજીક જઈને તમારી અંદરના પૂરેપૂરા આદર અને પ્રેમથી જુઓ, તમારા હૃદયમાં તેની સુંદરતાનો અનુભવ કરો અને તેના તરફ પ્રેમાળ નજર નાંખો. તેના દ્વારા અસ્તિત્વના અચરજ સાથે જોડાઈ જાવ. તે નવું જન્મેલું બાળક હોય તેવી રીતે તેને સ્પર્શો. તમારા અંતરના ઊંડાણમાં ઉપસી રહેલી લાગણીઓને અનુભવો.

હવે તમે અત્યાર સુધીમાં અજાણતાં જ તોડીને ફેંકી દીધેલાં ફૂલો અને પાંદડાઓ વિશે વિચારો. તમને બન્ને વખતની લાગણી અને તમારા અભિગમનો ફરક સમજાય છે ? હવે મને કહો, તમે તમારી આસપાસની દરેક વ્યક્તિ અને દરેક વસ્તુ પ્રત્યે મિત્રતાનો ભાવ અનુભવો છો ?

દરેક બાબત તરફ જાગૃતતાથી જુઓ. હવે તમને સમજાશે કે તમે દરેક વસ્તુ તરફ હિંસાત્મક શૈલીથી વર્તતાં હતાં અને તમે જાણતાં પણ નહોતાં કે તમે હિંસક છો. તમે જો તેમની તરફ જાગ્રતતાથી જોશો તો તમને તેમાં અપ્રતિમ સૌંદર્ય દેખાશે અને તમે તેની સાથે પ્રેમાળ વર્તન કરશો.

અને પછી, તમે તમારા શરીરને કેટલી ગાળો દો છો ? તમે વધારે પડતું ખાઈને તમારી અંદર આવેલા સુંદર પાચનતંત્રને ખલેલ પહોંચાડો છો. જ્યારે તમારૂં શરીર આરામ માટે રડી રહ્યું હોય છે, ત્યારે રાતના ઉજાગરા કરીને તેને ત્રાસ આપો છો. તમે જાણો છો કે ધુમ્રપાન અને દારૂ તમારા શરીરને નુકસાન કરે છે તો પણ તમે તેને ચાલુ રાખો છો. શું આ બધી ક્રિયાઓ તમારા શરીર પ્રત્યેની તમારી મિત્રતા બતાવે છે ? તમારામાંના અમુક પોતાના શરીરને નફરત કરે છે અને તેથી તેની ઉપેક્ષા કરે છે.

માટે બહારની હિંસાની વાતો બંધ કરી દો અને તમારી અંદરની હિંસાને બંધ કરવાનું ચાલુ કરી દો. બહારની હિંસા આપોઆપ અટકી જશે. આપણે હંમેશા બીજાઓની અપૂર્ણતાઓ બતાવવા તૈયાર હોઈએ છીએ. આપણી અંદર અસંખ્ય અપૂર્ણતાઓ પડેલી છે તેનું શું ?

એક દિવસ એક માણસ મારી મુલાકાતે આવ્યો અને તેણે તેના કુટુંબ વિષે વાત કરી. તેણે કહ્યું, તેની પત્ની વકીલ છે. મેં પૂછયું; “ઓહ તે કોર્ટમાં દલીલો કરવા જાય છે ?”

તેણે કહ્યું; “ના સ્વામીજી, તે ઘરમાં દલીલો કરે છે !”

આપણે બીજી તરફ આંગળી ચીંધવા માટે અને દલીલો કરવા તૈયાર રહીએ છીએ. આમ બહાર દલીલો કરવાની જરૂર જ નહીં પડે.

તમે એવા શબ્દો સાથે રાખો જે તમારી જાતને અને બીજાને સાજા કરે. બીજાનાં શરીર, મન અને જાત પ્રત્યે મિત્રતા બતાવો. આ જ સાચી ‘આચરેલી આધ્યાત્મિકતા’ છે. પૂજાના રૂમમાં નિયમિત ઘંટડી વગાડવી તે આધ્યાત્મિકતા નથી, ઘંટડી વગાડીને દોલત માટે લક્ષ્મીજીને પ્રાર્થના કરવી તે આધ્યાત્મિકતા નથી. તે લક્ષ્મીજીના ગુણો અને તેના લાવણ્યનું શોષણ છે. સંપત્તિ આપોઆપ આવે છે.

આપણે એવું વિચારીએ છીએ કે આપણે જ બધી પૂજાવિધિઓ કરીએ છીએ અને આપણને જ પરિણામો મળશે. ના ખૂબ જ સ્પષ્ટતાથી સમજી લો : તમે જ્યારે તમારી જાતના પરિવર્તન માટેનું અનુરાગ અને આતુરતા વગર દિવસમાં હજારો વખત રામનામનું રટણ કરો છો, ત્યારે તે દિવસમાં તમે હજારવાર કોકાકોલાનું રટણ કરો છો તેના જેવું જ છે ! પૂજા વિધિઓનો પાયાનો ખ્યાલ તમારી જાતનું સમજણપૂર્વક પરિવર્તન કરવાનો અને ગ્રહણ કરવાનો છે અને પછી ભૌતિક પરિણામો કોઈપણ પ્રયાસો વગર આવે છે.

એક વખત તમે બીજા તરફ મિત્રતાની ભાવના રાખતા થઈ જશો, પૂરી ધીરજ અને સતત ખંતથી પછી તમારી અંદર લાગણીનું પરિવર્તન થવાનું શરૂ થશે અને અંતે તમને અરસ પરસ સર્વોચ્ચ લાગણીઓનો અનુભવ થશે, જે છે પ્રેમ. બીજાઓ પણ તમારી પરિવર્તન પામેલી લાગણીઓનો પ્રતિભાવ આપશે અને પછી તમે પહોંચી ગયા છો ! તમારી જાત દિવ્ય આનંદ બની જાય છે ! પછી તમે મેડિટેશન યોગ્ય રીતે કર્યું છે !

પ્રેમ જ્યારે તમારી જાતનું કેન્દ્ર બની જાય છે. ત્યારે સેક્સ બે જણ વચ્ચેનું અદ્વૈત બની જાય છે. એકત્વ બની જાય છે. સમસ્યા એ છે કે પ્રેમ કવચમાં ઢંકાઈ ગયો છે, અને વાસના એ કબજો લઈ લીધો છે. પરિણામે સમગ્ર અખંડતાથી બેજણ ક્યારેય એક થતાં નથી, ફક્ત બે શરીરો જ મળે છે. સંબંધો સપાટી પરના રહી જાય છે. જે સપાટી પરનું હોય તેને સરળતાથી હલાવી શકાય છે. કોઈપણ બાબતને સ્થિર રહેવું હોય તો તેનાં મૂળ ખૂબ જ ઊંડા ગયેલાં હોવાં જોઈએ. આ એક સાદો તર્ક છે.

વાસના હંમેશા તમને આંધળા પણ કરી નાંખે છે. તે તમને અજાણતાં જ આવેશમાં લઈ જાય છે. પ્રેમ પણ તમને આવેશમાં લઈ જાય છે, પરંતુ તેનો આવેશ તમને ગહન જાગ્રતતામાં લઈ જાય છે. આ અતિ સુંદર સ્થિતિ હોય છે. વાસના અને પ્રેમ એક જ બાબતના બે અંતિમ છેડાઓ છે. કોઈપણ બાબત તમને ગહન જાગૃતતામાં લઈ જાય તે મેડિટેશન છે. કોઈપણ બાબત જે તમને અભાનતામાં લઈ જાય છે તે ઉપકારક નથી. તમે જે અનુભવી રહ્યાં છો, તે સારું છે કે ખરાબ તેનું આ માપ છે.

એક વધારે વાત : તમે જ્યારે ગહન પ્રેમમાં હો છો ત્યારે ઈર્ષાને સ્થાન જ હોતું નથી. ઈર્ષા એટલા માટે હોય છે કે તમને ડર લાગે છે કે છીછરાં મૂળીયાં તમને ઉખેડીને ફેંકી દેશે. જો મૂળીયા ઊંડા હોય તો તમારે ડરવાની શી જરૂર છે ? તમે ઈર્ષાળુ શું કામ બનો ? હું જે કહેવાનો પ્રયત્ન કરૂં છું તે તમે સમજો છો ? તમારા સાથીદારમાં તમારો વિશ્વાસ ડગુમગુ છે, કારણ કે સંબંધો સપાટી પરના જ છે, સંબંધો માનસિક કલ્પનાઓ અને વાસનાઓ આધારિત છે.

રોમાન્સ જો તમે એકજ વ્યક્તિ તરફ અનુભવતા હો તો તે આવો રોમાન્સ નથી. જીંદગી પોતે જ એક રોમાન્સ છે! તમારી મૂળભૂત જાતમાંથી અસ્તિત્વ તરફ રોમાન્સનો ધોધ છૂટવો જોઈએ. જ્યારે તમારી જાત મગજમાંથી વ્યક્ત થાય છે ત્યારે તે બુદ્ધિ હોય છે, તે જ્યારે પોતાની મેળે જ હૃદયમાંથી વ્યક્ત થાય છે, ત્યારે તે કરુણા છે; જ્યારે તે

શરીરમાંથી વ્યક્ત થાય છે ત્યારે તે શક્તિ છે; અને જ્યારે તેને વ્યક્ત નથી થવું પડતું, બસ હોય છે. ત્યારે તે દિવ્ય આનંદ છે !

તમે જ્યારે આ સ્થિતિમાં પહોંચી જાવ છો. ત્યારે તમારે આનંદ માટે બહારની કોઈપણ પ્રકારની બાબત પર આધારીત રહેવું પડતું નથી. તમે બસ, તમારી અંદર આનંદથી રણકતા રહો છો. અલબત્ત, તમે આ આનંદને બહાર બીજા સાથે વહેંચીને તેને અનેક ગણો કરી શકો છો.

તમે જ્યારે કોઈ વ્યક્તિ સાથે ઊંડાણથી જોડાયા હો છો ત્યારે તમારે તેની શારીરિક હાજરીની જરૂર પડતી નથી. તમે ફક્ત તેની સાથેના જોડાણથી જ સુખ અને સંતોષની લાગણી અનુભવો છો. તમને તમારી જાતમાં પૂર્ણતાનો અનુભવ થાય છે અને પરિપૂર્ણતા માટે તમારે બહારની કોઈ બાબત તરફ જોવાની જરૂર પડતી નથી. આ જોડાણને જુદાઈ અથવા કોઈપણ બાબતે સહન કરવું પડતું નથી.

કોઈકની સાથે ઊંડાણના સ્તર સુધી જોડાણની લાગણી અનુભવવી તે સંબંધ છે, બધીજ બાબતો સાથે તમે જ્યારે આ સમજતાં નથી, ત્યારે તમે લોકો સાથે ઘણીબધી શરતો સાથે જોડાવ છો અને પછી તેને સંબંધ કહો છો. તે સંબંધ ડગુમગુ બની જાય છે અને તમે તેને ટકાવી રાખવા સખત મહેનત કરો છો અને અંતે તારણ પર આવો છો કે સંબંધ ત્રાસરૂપ છે!

લોકો મને કહે છે; “સ્વામી હું આવીને આશ્રમમાં રહેવા માંગુ છું, હું ઘરમાં રહીને સુખી નથી.” હું તમને હંમેશા કહું છું કે જો તમે ઘરમાં ચાર માણસો સાથે સુખી નથી રહી શકતા તો આશ્રમમાં સો લોકો સાથે સુખી રહી શકો નહીં ! તમે એવું માનો છો કે આશ્રમ ભાગેડુઓ માટેનું આશ્રય સ્થાન છે, કોઈ લોજ છે ?

સ્પષ્ટતાથી સમજી લો : ઘર તમારી બહારની બાબત નથી. દિવ્ય આનંદમાં રહેવું હોય તેને ઘરમાં કે આસપાસ શું બની રહ્યું છે તેની પરવા હોતી નથી. જો તમે આવા બની શકતાં ન હો તો તમારા માટે ઘર ક્યાંય નહીં હોય.

હું જ્યારે મહીનાઓના મહીનાઓ ૮’ X ૮’ ની ખોલીમાં રહેતો હતો ત્યારે પણ, હું આજે આ સિંહાસન પર બેસીને જેટલા દિવ્યઆનંદમાં છું તેટલો જ દિવ્ય આનંદમાં હતો. મહેરબાની કરીને આ સમજવાનો પ્રયત્ન કરો. એવી સમજણ કેળવવાની જરૂર છે કે સુખને બહારની દુનિયાની વસ્તુઓ સાથે કશું જ લાગતું વળગતું નથી.

એક કૂતરો જ્યારે હાડકું ચાવતો હોય છે ત્યારે તેનાં મોંમાંથી લોહી નીકળે છે. કૂતરો એમ સમજે છે કે, હાડકાંમાથી લોહી નીકળે છે અને ફરી વખત ચાવે છે અને લોહી નીકળે છે. કુતરાનું શું થશે ? માત્ર મોંમા દુઃખાવો થશે તમે પણ આમજ કરો છો. તમે વિચારો છે કે આનંદ અથવા દુઃખ તમારી બહારની વસ્તુઓમાંથી આવે છે અને તમે તેમાં વારંવાર ડૂબકી મારો છો અને વધુને વધુ દુઃખી થતાં જાવ છો. તમને સમજાય છે ? યસ ...

“માસ્ટર આપણે આપણાં બાળકોમાં આવી સમસ્યાઓ ન વિકસે તે માટે તેનું રક્ષણ કઈ રીતે કરી શકીએ?”

નિખાલસતાથી કહું તો, તમે તેને સંપૂર્ણ પણે નિયંત્રિત કરી શકો નહીં. તમે તમારાં સંતાનોને સમાજ સાથે વાતચીત કરતાં રોકી શકે નહીં. પરંતુ અમુક બાબતો એવી છે જેનું તમે ઘરમાં આચરણ કરી શકો છો.

મેં પહેલાં કહ્યું તેમ તમારા સંતાનોના અર્ધા હિસ્સાને દબાવવાનો પ્રયત્ન ન કરો. તેને તેનો વિવિધ રસ્તે અનુભવ લેવા દો અને વ્યક્ત થવા દો. તેને કોઈ એક જ જાતિ પ્રત્યે સભાન થવાનું ન શીખવો.

બાળકોને તેની કુદરતી જાત પ્રમાણે વધવા દો, તેને તેની મૂળભૂત રીતે વિકસવાની તક આપો. બાળકોને જ્યારે સામાજીક શરતોનો સ્પર્શ નથી થતો ત્યારે તેઓ પોતાની અંદર પોતાની કુદરતી સીમાઓમાં ખૂબ જ અનુકુળતાથી વિકસે છે.

તમે કદાચ અવલોકન કર્યું હશે ! કે નાનાં બાળકો પોતાનાં જાતિય અંગો સાથે રમતાં હોય છે, અથવા તેમનો અંગૂઠો મોંમાં મૂકીને ચૂસતાં હોય છે અને આવી બીજી ક્રિયાઓ કરતાં હોય છે. આ બાબતો બતાવે છે કે તેઓ ખુબ જ અનુકુળ સ્થિતિમાં છે અને તેમની પોતાની સીમાઓમાં પ્રેમથી ખુશ છે, અને વિકસે છે. પરંતુ આપણે તેમને આવું કરવા દેતાં નથી. આપણે તેમને તરત જ આવું કરતાં અટકાવી દઈએ છીએ. આપણે તેમને કહીએ છીએ કે આ ખરાબ છે. તેમને તેમની રીતે ખૂલવા અને ખીલવાં દેવાં તે સારી વાત છે.

અને જ્યારે તેમનાં કપડાંની વાત આવે, ત્યારે તેમને આખું કપડું પહેરાવો, નહીં કે બે ભાગમાં વહેંચાયેલું. પછી તેમને તેમની લાગણી પ્રમાણે, તેમની પોતાની રીતે સમય પ્રમાણે તેમના શરીરને બે ભાગનું જ્ઞાન થવા દો. નહીંતર તેઓ ભૂલી જશે અને પોતાના શરીરના નીચલા ભાગ પ્રત્યે અસંવેદનશીલ બની જશે. આ તેમની જાગૃતતાનું વિભાજન છે. આટલા માટે આજે તમને જ્યારે તમે કોણ છો તેમ પૂછવામાં આવે છે ત્યારે તમારા મનમાં તમારા શરીરના ઉપરના ભાગનું જ ચિત્ર આવે છે. તમે તમારા નીચેના ભાગની ઉપેક્ષા કરો છો.

બાળકને જરા તેના રસ્તે મુક્ત રહેવા દો, જો તમને એમાં થોડું જોખમ લાગતું હોય તો પણ તમે તેમ કરવા દો. બાળકોને તેમની પોતાની જ આંતર સ્ફુરણાઓ અને સ્વાભાવિક વૃત્તિઓ હોય છે.

બાળકો તેમની અભિવ્યક્તિમાં સંપૂર્ણ પણ હોય છે. માટે તેમને દબાવો નહીં. આપણે સપાટી પરના અને ટીકાપાત્ર બાબતો છૂપાવવાના ઉસ્તાદ બની ગયા છીએ. આપણે ક્યારેય સંપૂર્ણ પણે વ્યક્ત થતાં નથી.

અને બાળકોને તેમના બન્ને હાથનો મુક્ત રીતે ઉપયોગ કરવા દો. આપણે તેમને ઘણી બધી બાબતો માટે ડાબા હાથનો ઉપયોગ કરતાં રોકીએ છીએ. બાળક બન્ને હાથનો ઉપયોગ કરી શકે તેવું સવ્ય સાચી (અર્જુનનું એક નામ) કેમ ના બની શકે ? તેમાં કશું જ ખોટું નથી. મહાભારતનો અર્જુન બન્ને હાથનો ઉપયોગ કરતો હતો. તમે આ જાણો છો ? જ્યારે આપણે આવી વાતો સાંભળીએ છીએ ત્યારે આદરપૂર્વક સાંભળીએ છીએ, પરંતુ તેને સમજવામાં નિષ્ફળ જઈએ છીએ કે આપણે પણ એવી બધી જ બાબતો સંપૂર્ણ પણે કરવા શક્તિમાન છીએ, જો આપણે આપણી જાતને તક આપીએ તો !

એક વધારે વાત : જો તમારા ધ્યાનમાં આવ્યું હોય તો, બધાં જ બાળકોને ગોળ ગોળ ઘુમવામાં ખૂબ જ મજા આવે છે. ગોળગોળ ઘુમીને તેઓ શક્તિને તેમને રસ્તે કેન્દ્રીત કરતાં હોય છે. તમે પણ મુક્ત રીતે ગોળગોળ ફરી શકો છો. જો તમારું ‘મણિપૂરક ચક્ર’ શુધ્ધ હોય તો, બાળકો બિલકુલ નિખાલસ અને ચિંતા મુક્ત હોય છે તેથી તેઓ કોઈપણ પ્રયાસ વગર જ ગોળગોળ ઘૂમી શકે છે. પરંતુ આપણે તેમને તેમ કરવા દઈએ છીએ ? આપણે જ્યારે તેમને ઘુમતાં જોઈએ છીએ ત્યારે આપણું મગજ પણ ઘુમવા માંડે છે અને આપણે તેમને અટકાવી દઈએ છીએ ! આપણે તેમને કહીએ છીએ; “એક જગ્યાએ બેસી જાવ, તબિયત માટે આ સારું નથી.” અને બીજું ઘણું બધું સમજાવી દઈએ છીએ. હું તમને કહું છું તેમને બસ ઘુમવા દો. તેમની નીચે ધાબળો કે ગોદડું પાથરી દો, જેથી તેઓ પડી જાય તો પણ વાગે નહીં.”

એક વધારે વાત : બાળકના મનમાં ક્યારેય ડર પેસાડો નહીં ! તેને મુક્ત રહેવા દો; તેને થોડો વખત ચડવા દો અને પડવા દો. જો તમે બાળકને સતત ના હિંમત કર્યા કરશો તો તેનામાં ઊંચાઈનો ડર, અંધારાનો ડર અને બીજા બધાં ડરની ગ્રંથીઓ બંધાઈ જશે, જે તેને ભવિષ્યમાં અજાણી બાબતોમાં નિર્ણય લેવામાં બાધારૂપ બનશે. બસ આટલી જ વાતોને અનુસરો.

યસ ... ?

“માસ્ટર તમે કહો છો કે સંપૂર્ણ સાથીદાર જેવું કશું હોતું નથી. તો પછી લગ્ન પહેલાં જન્મ કુંડળીઓ મેળવવાનો શો હેતુ છે ?”

જો હું આ વિષય પર બોલવાનું શરૂ કરી દઈશ, તો મારે આખા જ્યોતિષ શાસ્ત્રને ખેંચી લાવવું પડશે. જ્યોતિષ શાસ્ત્ર પોતે નહીં, પરંતુ આજે આપણે જે રીતે તેનો ઉપયોગ કરીએ છીએ તે મૂર્ખાઈભર્યો અને બુદ્ધિવગરનો છે.

સમજી લો : આ તમારી જીંદગી છે. તમારે તેને જીવવાની છે. તમારે તેના કાર્યકારણોને જાણવાં જોઈએ, પરંતુ તમે તમારી જીંદગી વિષે કશું જ જાણતાં નથી, અને તમે બીજા પાસે જઈને પૂછો છો ! તમારી બુદ્ધિ ક્યાં ગઈ છે ?

અજાણી વ્યક્તિને તમારી જીંદગી સોંપી દેવી, તમારી જીંદગીના નિર્ણયો તેને લેવા દેવા, તે એ જ બનાવે છે કે તમે તમારું જીવન કેમ ચલાવવું તે જાણતાં નથી. સ્પષ્ટતાથી સમજી લો : તમારી જીંદગીની જવાબદારી તમારે જ લેવી જોઈએ.

લોકો મારી પાસે જ્યારે તેમના ભવિષ્ય માટેનો પ્રશ્ન લઈને આવે છે ત્યારે હું તેમને કહું છું, મારી પાસે તમારું ભવિષ્યમાં શું થવાનું છે તેવી વાતો લઈને ન આવો. તમારે જાતે જ આયોજન કરીને તમારું ભવિષ્ય સુધારવું હોય તો જ મારી મદદ લેવા આવો. આ બધાં ભવિષ્ય કથનો નબળાં મનના લોકો માટે છે. આ બાબતમાં ખૂબ જ સ્પષ્ટ બની જાવ.

પ્રાચીન જ્યોતિષશાસ્ત્ર શુધ્ધ વિજ્ઞાન હતું. તેમાં સત્ય હતું.

જ્યોતિષશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો તે હું તમને કહું છું.

ભૂતકાળમાં જ્યારે બાળકને ‘ગુરુકુળ’માં અભ્યાસ કરવા માટે ગુરુ પાસે મોકલવામાં આવતું હતું ત્યારે જ્યોતિષનો ઉપયોગ, તે બાળકનું ભવિષ્ય કેવું છે, તેની વર્તણૂંક કેવી છે તેની કુદરતી ગ્રહણ શક્તિ કેવી છે, આ બધું જાણવા માટે કરવામાં આવતો હતો. અને જેથી તે પ્રમાણે તેને તાલીમ આપી શકાય.

આવી જ રીતે તેમનો વર્ણ કે જાતિ પણ જન્મને આધારે નહીં, પરંતુ તેના ચરિત્ર અને તેની ક્ષમતાને આધારે નક્કી કરવામાં આવતી હતી.

બાળકને જ્યારે ‘ગુરુકુળ’માં પ્રવેશ આપવામાં આવતો, ત્યારે ગુરુ તેનું કુદરતી માનસિક વલણ કેવું છે તે જોતાં હતાં. જો તેનાંમાં ‘બ્રાહ્મણનું’ માનસિક વલણ હોય તો બુદ્ધિ, જ્ઞાન તેનું મુખ્ય પાસું ગણાતું હતું, તેને વેદો ભણાવવામાં આવતા હતા. જો તેનું વ્યક્તિત્વ ‘ક્ષત્રિયો’ જેવું જણાય તો તેનામાં બહાદુરી અને તાકાતના ગુણો વિકસાવવા માટે તેને યુધ્ધની કળાઓ શીખવવામાં આવતી હતી. જો તે ‘વૈશ્ય’ના ગુણો દર્શાવે તો તેને વ્યાપારનું જ્ઞાન આપવામાં આવતું હતું. અને જો તેનામાં ‘શુદ્ર’ના ગુણો હોય તો તેને સામાન્ય કામકાજ શીખવામાં આવતું હતું, જેથી તે સેવાના કાર્યો કરી શકે. ચારેય ભૂમિકાઓનું એક સરખું મુલ્ય હતું અને ચારેયને એક સરખું માન આપવામાં આવતું હતું.

આ હેતુ માટે જ્યોતિષ વિદ્યાનો ઉપયોગ થતો હતો. એ વિજ્ઞાન હતું જેનો ઉપયોગ યોગ્ય નિદાન કરવામાં થતો હતો. આજે તમારી આજુબાજુ જુઓ, મોટે ભાગે દરેક જણ ખોટી જગ્યાએ ગોઠવાયેલાં છે. જેનો સ્વભાવ ડોક્ટરનો છે તે એન્જીનીયર્સ બની ગયા છે અને એન્જીનીયર્સ મેનેજર બની ગયાં છે. અને બીજું શું શું નહીં. માટે જ સમાજમાં આટલી બધી અંધાધૂંધી ફેલાયેલી છે. જેનું મૂળભૂત ચારિત્ર્ય જ વેપારીનું હોય તે માણસ જ્યારે આધ્યાત્મિકતામાં પ્રવેશે ત્યારે શું થાય ? આધ્યાત્મિકતા જ ધંધો બની જાય છે !

“તો પ્રાચીન જ્યોતિષ શાસ્ત્ર સાબિત થયેલું વિજ્ઞાન હતું માસ્ટર ?”

મને આ વાતનો જ ડર હતો ! જ ક્ષણે હું કહીશ. તરત જ તમે બધાં જ્યોતિષ શાસ્ત્ર પાછળ દોડવાનું શરુ કરી દેશો! આવતી કાલે મારી સામે હાથમાં જન્મકુંડળી લઈ ઉભેલા લોકોની લાઇન લાગી જશે અને કહેશે; મહેરબાની કરીને

આ જુઓ અને કહો મારું ભવિષ્ય કેવું છે ? હું તમને કહું છું ; જ્યોતિષ શાસ્ત્રની આટલી બધી ચિંતા ન કરો !

વિવેકાનંદને જ્યારે કોઈએ જ્યોતિષ શાસ્ત્ર વિષે પૂછ્યું, ત્યારે બધાને ખૂબ જ ફાયદો થાય તેવો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું ; “જાવ, સારી રીતે ખાવ, સારી રીતે કસરત કરો, સારી રીતે ઊંઘો. તમે શારીરિક અને માનસિક રીતે મજબૂત બનશો. પછી તમારે આવી બધી બાબતોની ચિંતા નહીં કરવી પડે !”

ફક્ત જે માણસ માનસિક રીતે નબળો હોય છે તે જ જ્યોતિષશાસ્ત્ર પર આટલો બધો આધાર રાખે છે.

“માસ્ટર, શું તેનો મતલબ એ છે કે જે લોકો જ્યોતિષશાસ્ત્રને અનુસરે છે, તે બધાં જ નબળાં મનનાં છે ?”

ના. તમે આવુ કહી શકો નહીં. પરંતુ મોટા ભાગનાં નબળાં મનના હોય છે. ઘણીવાર તો જે લોકો સામાન્ય પણે બુધ્ધિશાળી હોય છે તે લોકો પણ આવી મૂર્ખતા કરતાં હોય છે. તેઓ આવીને મને પૂછે છે; “માસ્ટર હું આ કે તે ગ્રહનું નંગ પહેરીશ તો તે મારા માટે લકી સાબિત થશે ?” તમે કોઈ પથ્થર પર આધાર કેવી રીતે રાખી શકો ? તમે જીવંત જાગ્રતતા છો; તમે ભગવાન સિવાય બીજું કશું જ નથી ! હું કલ્પના નથી કરી શકતો - હું તમને સમગ્ર વૈશ્વિક શક્તિનો ઉપયોગ કરવાનું વિજ્ઞાન શીખવી રહ્યો છું અને તમે મને પથ્થરો વિષે પૂછી રહ્યાં છો !

તમે કદાચ સ્વામી યતીશ્વરાનંદ વિષે સાંભળ્યું હશે. તેઓ એક મહાન વ્યક્તિ હતા. એન્લાઈટેન્ડ વ્યક્તિ હતા. તેઓ જ્યારે પહેલી વખત વિદેશ પ્રવાસે નીકળ્યા ત્યારે તેઓએ તેમની યાત્રાની શરુઆત રાહુકાળ અને દિવસની અશુભ ઘડીમાં કરી હતી. એ પણ ગ્રહોની સ્થિતિની ગણતરી કરીને. કોઈકે તેમને પૂછ્યું; “સ્વામીજી, તમે રાહુકાળમાં મુસાફરી કઈ રીતે કરી શકો ?”

તેમણે જવાબ આપ્યો; “મૂર્ખ માણસ ! હું જ એ શક્તિ છું જે ગ્રહોને ચલાવે છે. તેઓ મારું નિયંત્રણ કેવી રીતે કરી શકે?”

માણસની હિંમત જુઓ ! આ હિંમત ગહન સમજણમાંથી આવે છે.

હું તમને એ વિજ્ઞાન શીખવી રહ્યો છું; જે ગ્રહોને નિયંત્રિત કરી શકે છે ! પછી તમે ગ્રહો ક્યાં છે અને તમને કેવી અસર કરે છે તેની ચિંતા શા માટે કરો છો ? મેડિટેશનનું વિજ્ઞાન ગ્રહણ કરી લો બસ. આટલું જ પુરતું છે. પછી તમને કોઈ સ્પર્શી નહીં શકે.

“પરંતુ આ અમારા મૂલ્યોનો એક ભાગ બની ગયું છે, માસ્ટર ...”

જો તમે સભાન હો, તમે જે કરતાં હો તે બાબતમાં પૂરા જાગૃત હો, તો પછી મૂલ્યો શું કહે છે તેની પરવા કરવાની તમારે જરૂર નથી. તમારે કોઈ નિયમોને અનુસરવાની જરૂર નથી; નિયમો તમને અનુસરશે ! બધી જ પૂજા વિધિઓ, બધી જ આચાર સંહિતાઓ અને આધ્યાત્મિકતા તમે જ બની જશો અને કુદરતી રીતે એ જ સ્થિતિમાં ખીલીને આધ્યાત્મિકતામાં વિહરવા માંડશો.

ગમે તેમ પણ જ્યારે આપણે જાગૃતતા અને આધ્યાત્મિકતામાં વિહરવું જેવા શબ્દો સાંભળીએ છીએ, ત્યારે આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે ના. ના. આ મારા માટે નથી ! કોઈપણ મેડિટેશનની પધ્ધતિનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યા વગર, જાગૃતતા તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યા વગર જ આપણે એવા નિર્ણય પર આવી જઈએ છીએ કે આ આપણાં માટે નથી. માટે જ આપણે પછી કહેવાતી જાગૃતતા, કહેવાતી નૈતિકતા, કહેવાતાં મૂલ્યો, કહેવાતા સિધ્ધાંતો જેવા વિકલ્પો પાસે જઈએ છીએ.

શરૂઆતના તબક્કામાં મૂલ્યો સારાં છે. પરંતુ અંતિમ બિંદુ પર નહીં !

વિવેકાનંદ સુંદર રીતે કહે છે, "ચર્ચમાં જન્મ લેવો તે સારું છે પરંતુ ત્યાં જ મરવું ના જોઈએ !"

સૌથી પહેલાં આપણે એ વિચાર છોડી દેવો જોઈએ કે અધ્યાત્મ ખૂબ જ અઘરું અને અલગ છે. ભગવાન રમણનું એક ગીત છે.

આથી, અતિ સુભલમ્, આત્મવિદ્યાથી, આથી, અતિ સુલભમ્ !

આનો અર્થ છે; ઓહ ! અતિ સરળ છે. આ આત્મવિદ્યા, આ આધ્યાત્મિકતા, ખૂબ જ સરળ છે !

પછીની લીટીમાં તેઓ કહે છે,

જો તમારે પૈસા જોઈતા હોય, તો તમારે સખત મહેનત કરવી પડે છે.

જો તમારે નામ અને કિર્તી જોઈતી હોય. તો તમારે સખત મહેનત કરવી પડે.

જો તમારે આત્મજ્ઞાન જોઈતું હોય તો, તમારે કશું જ કરવાની જરૂર નથી. જ્યાં છો, જેવા છો, તે જ રહો ! જો તમે ગહન નિષ્ક્રિયતામાં ઉતરી શકો, તો તમે દિવ્યતામાં ઉતરી જશો. આ નિષ્ક્રિયતા, આપણે જેને આળસુ પણું કહીએ છીએ તે નથી. આ શારીરિક આળસ નથી. આ એક માનસિક નિષ્ક્રિયતાનો પ્રકાર છે. જો તમે સંપૂર્ણ પણે-હું કહું છું. તેમ પૂરી સમગ્રતાથી તમારી જાતને શાંત કરી શકો, તો તમે ખરેખર આધ્યાત્મિક બની શકો છો.

આધ્યાત્મિક બનવું સરળ પણ નથી અને મુશ્કેલ પણ નથી. એ ફક્ત એક વિચાર છે જે તમારામાં હોવો જોઈએ. જો તમે વિચારો છો કે સરળ છે તો તે સરળ છે. જો તમે વિચારો છો કે તે મુશ્કેલ છે, તો તે મુશ્કેલ છે. તમે જે ‘છો’ તે બનવા માટે શાની જરૂર હોય છે ? તે મુશ્કેલ છે કે સરળ ?

“સરળ માસ્ટર ...”

તમે સરળ શબ્દ પણ વાપરી શકો નહીં ! આપણે જે ‘છીએ’ તે છીએ જ. તમે પહેલેથી એ છો જ. પછી તમે કઈ રીતે કહી શકો કે તે બનવું સરળ છે ?

બસ જરા અંદર જુઓ. અંદર તરફવળો. આધ્યાત્મિકતા અને મેડિટેશનમાં થોડી શ્રધ્ધા. બસ, આટલું પુરતું છે ! તમે જ્યારે આધ્યાત્મિક બનવું મુશ્કેલ છે તેવો ડર છોડી છો, ત્યારે તમારામાં વિશ્વાસ આવે છે કે; “હા હું આધ્યાત્મિક બની શકું છું.” “હું જાગૃત બની શકું છું.” પછી પેલો તમારો પ્રશ્ન “મારા મૂલ્યોને છોડી દેવાં બરાબર છે?”, આ પ્રશ્ન જ ઉભો નહીં થાય.

અત્યારે તમે તમારાં મૂલ્યોને છોડી દેતાં ડરો છો કારણ કે તમારી પાસે બીજું કશું કરવાનું નથી ! આપણે જાણીએ છીએ કે એક વખત આપણે આપણાં મૂલ્યો છોડી દેશું તો, આપણે દમન કરીને દબાવી દીધેલી બધી જ ઈચ્છાઓ કુદીને બહાર આવશે, પેન્ડોરાનું બોક્સ ખુલી જશે ! અને આપણે એ પણ જાણીએ છીએ કે, જો પેન્ડોરાનું બોક્સ ખૂલી જશે તો ત્યાં ફક્ત અંધાધૂંધી જ હશે ! આપણે આપણા અર્ધજાગ્રત મનથી ડરીએ છીએ. અર્ધજાગ્રત મનનો ડર જ આ પ્રશ્ન પેદા કરે છે.

જો તમે સતત મેડિટેશન કરવાનું ચાલુ કરશો તો તમારું અર્ધજાગૃત મન શુધ્ધ થઈ જશે. પછી તમે જોશો કે જો પેન્ડોરનું બોક્સ ખુલી જશે તો પણ તેમાંથી કુદીને કશું જ બહાર નહીં આવે. તમે તમારી અંદર તમારું જ પ્રતિબિંબ જોઈ શકશો; તમે સ્વચ્છ અરીસો જોઈ શકશો. હું જે કહી રહ્યો છું તે તમને સમજાય છે ?

યસ ... હવે આપણે મેડિટેશનની પધ્ધતિમાં પ્રવેશ કરીએ છીએ જેને દુઃખ હરણા મેડિટેશન કહેવાય છે. જે ‘મૂલાધાર ચક્ર’ પર કામ કરે છે અને તેની અંદર રહેલી શક્તિને જાગૃત કરે છે.

દુઃખ હરણા મેડિટેશન

(કુલ સમય; ૩૦ મિનિટ)

આ મેડિટેશનની પધ્ધતિને દુઃખ હરણા કહે છે. અને તેને કુલાર્ણવા તંત્રમાંથી લેવામાં આવે છે. તે તમારી અંદર દમિત થયેલી બધી જ લાગણીઓને બહાર લાવી દે છે. ઘણાં બધા ગુરુઓ એ પહેલાં આ પધ્ધતિનો ઉપયોગ કરેલો છે. તેમાં કુલ ૩૦ મિનિટનો સમય લાગે છે.

શ્વાસોશ્વાસ બ્રહ્માંડ સાથેનો સેતુ છે. આ સિસ્ટમથી તમે તમારા મનમાં જીવો છો. જો તમારું વિચારવાનું શાંત હોય, તો તમારા શ્વાસોશ્વાસ રીલેક્સ હોય છે. જો તમારા શ્વાસોશ્વાસ આક્રમક હોય તો, તમે પણ આક્રમક હો છો. તમારા મનને કાબુમાં લેવા માટે પહેલાં તમારે તમારા શ્વાસોશ્વાસને કાબુમાં લેવા પડે છે.

અત્યારે આપણી દમિત અવસ્થામાં આપણે અર્ધા જીવંત અને અર્ધા મરેલાં હોઈએ છીએ. મેડિટેશનના પહેલા ચરણમાં ઊંડા શ્વાસોશ્વાસથી તમારી દમિત સ્થિતિને વલોવી નાંખવામાં આવે છે. વધારાનો ઓક્સિજનનો જથ્થો અંદર ખેંચીને તમારા મનની સિસ્ટમને જીવંત બનાવવામાં આવે છે; તે વધુ જીવંત બની જાય છે. તમારા કોષોને વધારે શક્તિ મળે છે અને તેથી તે વધારે બાયો ઈલેક્ટ્રીસિટી અથવા જીવશક્તિ પેદા કરે છે. આ શક્તિ બધી જ દમન થયેલી લાગણીઓને બરફની જેમ ઓગળી નાંખે છે. તે ‘મૂલાધાર ચક્ર’નું મંથન કરીને તેને ઉત્તેજીત કરે છે.

તમારે આ પધ્ધતિનો ઉપયોગ ભૂખ્યા પેટે અને ખાસ કરીને સવારે જ કરવો જોઈએ. એકવીસ દિવસ કરેલું દુઃખહરણા મેડિટેશન તમારી જાતનું પરિવર્તન કરી દે છે અને તમારા ચહેરા પર અને શરીર પર ચમક લાવી દે છે. આ મનોવૈજ્ઞાનિક સ્નાન કરવા જેવું છે. તમે તમારી અંદર શાંતિનો અનુભવ કરી શકો છો. તમે જ્યારે દુઃખને મારી નાંખો છો, ત્યારે હંમેશા તમારી અંદર દિવ્ય આનંદ ખીલી ઉઠે છે. અને તમારી અંદરથી સુંદર સુગંધ પ્રસરવા માંડે છે.

આંખો બંધ કરીને ઊભા રહો. તમારા શરીરના ઊંડાણમાંથી તાલબધ્ધ રીતે ફક્ત નાકથી શ્વાસ લો. મોં બંધ રાખો. બન્ને હાથ પહોળા રાખીને, ગોઠણને થોડા વાળીને થોડા ઉભડક બેસવા જતાં હો તે રીતે નીચા વાળો અને પછી ઊભા થઈ જાવ. આવી રીતે પક્ષીની જેમ ઉપર નીચે થાવ. ઉપર અને નીચે. ગોઠણ વળશે અને સીધા થશે, હાથ પક્ષીની ખુલેલી પાંખની જેમ ઉપર નીચે થશે, આ બધું જ તમારા શ્વાસોશ્વાસ સાથે તાલબધ્ધ થવું જોઈએ.

આ હલન ચલનને શ્વાસોશ્વાસ સાથે સાંકળી દો. ઉપર આવો ત્યારે શ્વાસ અંદર ખેંચો અને નીચે જાવ ત્યારે શ્વાસ છોડો. જો તમને હૃદયની સમસ્યા હોય તો ફક્ત તમારાથી થાય તેટલું ધીમે ધીમે સરળતાથી જ કરો, આવી જ રીતે સગર્ભા સ્ત્રીઓ અને બીજી શારીરિક તકલીફવાળી વ્યક્તિઓ એ પણ તેમનાથી જેટલું આરામથી થઈ શકે તેટલું જ કરવાનું છે. આવું દસ મિનિટ સુધી ચાલુ રાખો.

પછીની દસ મિનિટમાં તમારે તમારા શરીરના દરેક ભાગને ખેંચીને ઢીલા છોડવાના છે. પગના પંજાથી શરૂ કરીને ઉપર તરફ આગળ વધતાં જાવ, પછી પીંડી, પછી ગોઠણ આ રીતે અને જે તે ભાગના સ્નાયુઓને ખેંચો. પછી તેને રીલેક્સ કરી દો. એક અવયવને ખેંચો અને રીલેક્સ કરો અને પછી બીજાને આ રીતે આગળ વધતા જાવ. અને છેલ્લે ચહેરો અને મસ્તક સુધી પહોંચો. બીજા અવયવ પર આગળ વધતાં પહેલાં, પહેલાં અવયવને એકદમ રીલેક્સ કરી દો. આ તમારા શરીરના દરેક અવયવની અલગ અલગ કસરત કરવા જેવું છે.

આ દસ મિનિટ પૂરી થશે એટલે તમે તમારી અંદરથી બિલકુલ ખાલી થઈ જશે; તમે શાંત, ઠંડા અને ધીર ગંભીર બની જશો.

પછીની દસ મિનિટ આંખો બંધ કરીને બેસી જાવ અને ‘હૂં’ કારનો આવાજ કરો. ફક્ત ‘હું’ શબ્દનો ઉચ્ચાર કરો. ઊંડાણપૂર્વ અને મોટેથી કરવાની જરૂર નથી. ફક્ત રીલેક્સ મૂડમાં ‘હૂં’ કારનો અવાજ કરો. તમે જ્યારે ‘હું’ કરતાં હો ત્યારે તમારી અંદર અને બહાર જે કંઈ બની રહ્યું હોય તેનું માત્ર નિરીક્ષણ કરો. સાક્ષી બની રહો.

આ પધ્ધતિના પહેલા બે ભાગ આ ત્રીજા ભાગની અગાઉની તૈયારી રૂપે હોય છે. આ ત્રીજો ભાગ જ સાચું મેડિટેશન છે. તમે જ્યારે ત્રીજા ચરણમાં આવશો, એટલે તમે જોશો કે તમારું મન કોઈપણ જાતના પ્રયાસ વગર જ શાંત થઈ ગયું છે. તેની જાતે જ. શાંતિ તમારા પર બહારથી લાદી શકાતી નથી. તે ફક્ત તેની જાતે જ આવી શકે છે.

આ સ્થિતિમાં મુસ્કુરાતા ચહેરે અને આનંદિત મૂડમાં રહો. આ સમય દરમ્યાન તમને ઘણાં બધાં અનુભવો થશે; તેને ફક્ત ટેલિવિઝન જોતાં હો તે રીતે જ જોયા કરો. તમારા મનમાં જો કોઈ વિચાર આવે તો ફક્ત તેનું નિરીક્ષણ કરો. મેડિટેશન દરમ્યાન મુલાધાર પર ક્યારેય ધ્યાન ન લઈ જાવ, નહીંતર તે વિચિત્ર કલ્પનાઓ પેદા કરશે જેને તમે દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. (જૂથમાં મેડિટેશન કરતી વખતે સંગીત સાથે કરો.)

(અંતે સ્વામીજી બોલે છે) ઓમ શાંતિ, શાંતિ, શાંતિહી.

ધીમેથી, ખૂબ જ ધીમેથી તમારી આંખો ખોલો. આ શક્તિ અને શાંતિને તમારી સાથે લઈ જાવ. આપણે પછીના સેશનમાં મળીશું. આભાર