ધ્યાનમય જીવન તરફ
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
લોકો મને પૂછે છે - “તપ શું છે ? ધ્યાનમાં તપ જરૂરી છે ?”
હું તમને જે કહી રહ્યો છું, એ તપ સિવાય બીજું કશું જ નથી !
તમારા શરીર પર, વિચારો પર લાગણીઓ પર કામ કરવું એ - તપ નહિં તો બીજું શું છે ?
તપનો અર્થ એવો નથી કે, પર્વતો પર જવું અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવા માંડવી અને બધા પ્રકારના કર્મકાંડો કરવા મંડી પડવું !
તપનો અર્થ એવો નથી કે અન્નવસ્ત્ર વગર રહેવું, કે અંધારી ગુફામા રહેવું, કે પછી શરીરને ગમે તેમ કરીને રીબાવવું. જ્યારે તમે તમારા શરીરને કોઈપણ રીતે વંચિત રાખો છો, ત્યારે ધ્યાન કરતાં, વંચિત વસ્તુઓ પ્રત્યે લક્ષ કેન્દ્રિત થવાનો હંમેશા ભય હોય જ છે. જો હું તમને માત્ર ૨૪ કલાક અન્ન વગર રહેવાનું કહું, તો તમે ખોરાક લેવાનો બંધ કરશો પણ તમે ખોરાકનું ધ્યાન ધરવા લાગશો. તમે ખોરાક સિવાય બીજા કશાનો વિચાર જ નહિ કરી શકો. સાચા ઉપવાસનો અર્થ એ નથી કે, તમે જે ખોરાક ખાધો નથી તેનું જ ધ્યાન ધર્યા કરો. પણ સાચો ઉપવાસ એ છે કે તમને ખોરાક વિષેનું તદ્દન વિસ્મરણ થાય. પણ બહુ ઓછા લોકો આ ભેદ સમજે છે. એથી જ ત્યાગનો માર્ગ દરેકને માટે નથી.
અલબત્ત, આ બધા શરીરને સંભાળવાના વિવિધ માર્ગો છે, વિવિધ પ્રકાર છે. કેટલાક ધ્યાનઓ ઉગ્ર તપશ્ચર્યા દ્વારા શરીરને શિસ્તમાં લાવવાનો માર્ગ અપનાવે છે. પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ એ જ માર્ગ અનુસરે.
સૌથી કઠોર તપ છે, પોતે પોતાની ઉપર કામ કરવું તે. પોતાની જાતને સમજવી અને પોતાનામાં પરિવર્તન લાવવું.
તમારા શરીરની, વિચારોની, લાગણીઓની શુદ્ધતા કરવી, એ જ સૌથી મોટું તપ છે. અને આ તપ તમે અત્યારે જ કરી શકો છો, તમે જ્યાં ઊભા છો ત્યાં જ કરી શકો છો. આ બધું ધ્યાનનો યોગ્ય પાયો નાખવા માટે, ભૂમિકા તૈયાર કરવા માટે છે.