હાસ્યની અકલ્પનીય શક્તિ
હાસ્યની અકલ્પનીય શક્તિ
એકલ્લી વાર તમે ખરેખર મન મૂકીને ક્યારે હસ્યા હતા ? એટલા આનંદ સાથે કે તમારી જાતને રોકી ન શકો અને પેટમાં વળ ચડે એટલું ખડખડાટ ક્યારે હસ્યા હતા ? કેમ હસવું તે આજે આપણે સાવ ભૂલી ગયા છીએ.
હાસ્ય એ સ્મિતનું જ વિસ્તારિત રૂપ છે; એ એક સામાજિક જરૂરિયાત છે. સામાન્ય રીતે આપણે હસીએ છીએ ખરા પરંતુ કોઈના પર હસીએ છીએ અથવા કેવળ ફરજ તરીકે હસીએ છીએ.
હસવાને બદલે આપણે ખિખિયાટા અને અર્ધહસ્ય જ કરતા હોઈએ છીએ. ઓફિસમાં માલિક એકાદ રમૂજી ટૂચકો કહે છે અને આખો સ્ટાફ ખડખડાટ હસવા માંડે છે, પણ એક યુવતી કંટાળેલી હોય તેમ શાંત બેઠી છે.
શું વાત છે ? તમે કેમ હસતાં નથી ? માલિક આશ્ચર્યથી પૂછે છે.
મને જરૂર લાગી નહિ, તે યુવતી જવાબ આપે છે. આવતા અઠવાડિયે હું ઑફિસ છોડી દેવાની છું.
રમૂજી ટૂચકાની નહિ, પણ અહીં આપણે હાસ્યની વાત કરીએ છીએ. હાસ્યમાં પ્રચંડ શક્તિ રહેલી છે, પણ તેનો કેમ ઉપયોગ કરવો તે આપણે ભૂલી ગયા છીએ.
હાસ્ય એ લોકો સાથે સંબંધ બાંધવાની એક શ્રેષ્ઠ રીત છે.
તમારી આસપાસ જુઓ. સ્માર્ટ માર્કેટિંગ એક્સપર્ટ્સ, ઉત્તમ વક્તાઓ અને સૌથી અસરકારક જાહેરખબરો - એ તમામ પોતાના સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે હાસ્યનો ઉપયોગ કરે છે.
જ્યારે ટીમના લોકો સાથે હસવામાં નેતા પણ જોડાય ત્યારે બંને વચ્ચે રહેલી વાડ સહેલાઈથી તૂટે છે.
સત્ય એ છે કે કોઈ પણ વિચાર ગમે તેટલો ઉગ્ર મતવાદી હોય પણ જો તેની રજૂઆત રમૂજી રીતે કરવામાં આવે તો તે લોકોમાં જલદીથી સ્વીકાર્ય બને છે. એક કહેવત છે : માથા સુધી ભરેલી ચોખાની ગૂણમાં થોડા વધારે ચોખા ભરવા હોય તો તેને થોડીઘણી હલાવવી પડે તેમ ભારેખમ તત્ત્વજ્ઞાનના બોજ નીચે લોકો દબાઈ ગયા હોય (આપણે સૌ દબાયેલા છીએ તેમ) તેવે વખતે થોડુંઘણું હાસ્ય લોકોને 'હલાવવાનું' કામ કરે છે. હાસ્ય તેમના બંધ મનને ખોલે છે, જેથી નવા વિચારો મનની અંદર સરળતાથી ઠરીને ઠામ થઈ શકે.
પહેલાના જમાનામાં રાજાઓ અને પંડિતો હાસ્યના મહત્ત્વને સુપેરે જાણતા હતા. દરેક મહાન રાજા તેમના દરબારમાં એક લોકપ્રિય વિદૂષક રાખતા. તેનું સ્થાન રાજાના સૌથી કુશાગ્ર અને ડાહ્યા સલાહકાર તરીકેનું હતું. શેક્સપિયરનાં નાટકોમાં આવતા 'રાજદરબારના વિદૂષકો' તથા તેનાલી રામનું તથા બીરબલ જેવા આપણા હિન્દુ વિદૂષકો પાસે ગહન સત્યને સહાનુભૂતિપૂર્ણ હાસ્ય દ્વારા ખૂબસૂરતીથી રજૂ કરવાની એક વિશિષ્ટ કળા હતી.
જોકે, હસવાની અને આસપાસના લોકોને હસાવવાની સુંદર આવડત દરેક વ્યક્તિ પાસે હોતી નથી.
આપણાના મોટા ભાગના લોકો ખાસ કરીને અપરિચિતોની હાજરીમાં હસવાથી ડરતા હોય છે, કારણ કે હાસ્ય તમને ખુલ્લા પાડી દે છે.
હાસ્ય તમારી અંદર છૂપાયેલી નિર્દોષ અને નિર્બળ વ્યક્તિને ખૂલ્લી પાડી દે છે. જેમને હસવાનું મુશ્કેલ પડે છે તેમને અહેસાસ નથી કે જીવનની કેટલી મોટી અમૂલ્ય ભેટ તેઓ ખોઈ બેઠા.
મારૂં માનો, હસવાના વ્યવસાય જેવો બીજો કોઈ વ્યવસાય વધારે ગંભીર લેવા જેવો નથી. જીવનમાં હસી શકવું એ વાત અતિ ગંભીર છે !
રમૂજી ટચકામાં કહ્યું છે કે તમારી પોતાની સમસ્યાઓ પર હસતાં શીખો. તેથી હસવા
માટે તમારી પાસે કોઈક વિષય તો હંમેશાં રહેશે !
જે લોકો પોતાની જાત પર હસી શકે છે તે લોકો ધન્ય છે, કારણ કે અહંકારની પેલે પાર જવાનો રસ્તો તેમને મળી ગયો છે.
હાસ્ય એ તંદુરસ્તી કે વિપુલ શક્તિના ઉભરાથી વિશેષ કાંઈ નથી. તમારી જાત સાથે અને આસપાસના વાતાવરણ સાથે હળવાશ અનુભવો ત્યારે સ્વાભાવિકપણે હાસ્ય ખીલે છે. તેથી જ આનંદી અને હસમુખા લોકો સૌથી વધારે સર્જનાત્મક અને સહજ હોય છે.
બાળપણમાં મેં એક શેરીનાટક જોયું હતું તે મને અત્યારે યાદ આવે છે. ભારતમાં ગામડાંઓની શેરીમાં ભજવાતાં નાટકોનો વિષય મોટે ભાગે પ્રાચીન મહાકાવ્યોમાંથી લેવામાં આવે છે.
દ્રૌપદીવસ્ત્રહરણ એ મહાભારતનું સૌથી લોકપ્રિય ઉપાખ્યાન છે. ભર્યા રાજદરબારમાં દુષ્ટ દઃશાસન રાણી દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરે છે. ખલનાયકની કપટવિદ્યાથી દ્યુતની રમતમાં પોતાની પત્નીને હોડમાં હારી ગયા પછી દ્રૌપદીના પાંચે પતિઓ આ દશ્ય નિઃસહાયપણે જોઈ રહે છે. આખરે દ્રૌપદી ભગવાન શ્રીકૃષ્ણને અરજ કરે છે અને શ્રીકૃષ્ણ તેના પર કૃપા વરસાવી સાડીઓનો અખૂટ ભંડાર પૂરો પાડે છે. ખલનાયક દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાના ગમે તેટલા પ્રયત્ન કરતો રહે છે, પણ વસ્ત્રો પૂરીને શ્રીકૃષ્ણ દ્રૌપદીના શીલની રક્ષા કરે છે. આ પ્રસંગનો ભાવાર્થ એ છે કે ઈશ્વરની કૃપા – આશીર્વાદથી દુષ્ટ ખલનાયકની હાર થાય છે. આ અતિ લોકપ્રિય પ્રસંગ અનેકવાર ભજવાયો હતો, પણ એક વાર એવું બન્યું કે શ્રીકૃષ્ણનું પાત્ર ભજવનાર વ્યક્તિ હાજર રહી શકી નહિ. તેથી એક નવી વ્યક્તિને છેલ્લી ઘડીએ શ્રીકૃષ્ણનું પાત્ર ભજવવાનું હતું. ગામડાંઓમાં સ્ત્રી અને પુરુષ એ બંને પાત્રો પુરુષ જ ભજવે એ જૂની પ્રથા હતી. તે મુજબ દ્રૌપદીનું પાત્ર એક યુવાન છોકરો ભજવતો. ફેન્સી સાડીની નીચે તે હંમેશાં પૅન્ટ પહેરી રાખતો. જેવી ખલનાયકે દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચવાની શરૂઆત કરી કે એ દશ્ય જોઈને શ્રીકૃષ્ણનું પાત્ર ભજવનાર
નવો છોકરો એકદમ હેબતાઈ ગયો અને પાર્શ્વભૂમિમાંથી વધારાની સાડીઓ પૂરવાનું મુખ્ય કામ ભૂલી ગયો. પરિણામે સ્તબ્ધ શ્રોતાગણ સામે પૂરી દસ સેકન્ડ ભરતકામવાળું બ્લાઉઝ અને ફાટેલા પૅન્ટ સાથે દ્રૌપદી ઊભી હતી. જોકે, સદ્દભાગ્યે દ્રૌપદીનું પાત્ર ભજવનાર છોકરો કેળવાયેલો હતો અને તેનામાં ભારે વિનોદવૃત્તિ હતી. શ્રોતાઓનો કોઈ પણ પ્રતિભાવ આવે તે પહેલાં જે તેણે ઘૂંટણિયે પડીને પ્રભુને અરજ કરી, હે હરિ ! નિર્બળના રખેવાળ, ભૂલોને ક્ષમા આપનાર, હે શરણાગત ! આપે મારું પુરુષમાં પરિવર્તન કરીને મુજ દ્રૌપદીના શીલની રક્ષા કરી માટે આપનો ખૂબ ખૂબ આભાર !
કહેવાની જરૂર નથી કે લોકોએ તાળીઓના ગડગડાટ અને હર્ષનાદ સાથે આ પ્રસંગનું અભિવાદન કર્યું. દ્રૌપદીવસ્ત્રહરણના આ પ્રસંગની આટલી પ્રશંસા આજ સુધી ક્યારેય થઈ નહોતી.
*****
ગંભીરતા ખરેખર એક રોગ છે.
બાળક ગંભીર હોય એવું તમે ક્યારેય જોયું છે ? કોઈ પણ પરિસ્થિતિમાંથી. ખાસ કરીને, ઘેર મહેમાન આવ્યા હોય ત્યારે કંઈક ને કંઈક રમુજ શોધી કાઢવાની આવડત બાળકમાં હોય છે ! પણ આપણને પુખ્ત વયના લોકોને બાળકની રમૂજ સમજાતી નથી એટલે આપણે તેને ચૂપ કહીને જબરદસ્તીથી હસતાં અટકાવીએ છીએ.
અને અહીંથી જ સમસ્યાની શરૂઆત થાય છે.
હસવું દબાવી દેવું એટલે રોગની શરૂઆત.
થોડા અઠવાડિયા પહેલાં એક ભાઈ તેમના કિશોર વયના દીકરાને લઈને આશ્રમમાં મારી પાસે આવ્યા.
તેમનો દીકરો ભયંકર હતાશાથી પીડાતો હતો. પંદર વરસની ઉંમરમાં તો તે છોકરો ત્રણ વાર આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યો હતો.
હતાશા આપણી સદીની એક વિશિષ્ટ દેન છે. બીજા કોઈ યુગમાં કે સમયમાં તમને તંદુરસ્ત યુવા સ્ત્રીપુરુષો જીવનથી આટલાં બધાં ત્રસ્ત થઈને આત્મહત્યા કરવા પ્રેરાયા હોય એવું જોવા નહિ મળે. પેલા છોકરાના પિતાએ શક્ય એટલા તમામ ઉપાયો અજમાવી જોયા હતા પણ વ્યર્થ. એ છોકરાના ઈલાજ માટે તેણે મને અરજ કરી. મેં તેના પિતાને કહ્યું, તમારા દીકરાને થોડા દિવસ માટે અહીં આશ્રમમાં મારીં પાસે મૂકી જાઓ. દરરોજ તે છોકરા સાથે હું થોડો સમય રમૂજની આપલેમાં ગાળવા લાગ્યો ! રમૂજી ટૂચકાઓની ચોપડીઓ મેં તેને વાંચવા આપી. આશ્રમમાં બધે ફરવાનું કહ્યું. આશ્રમવાસીઓ સાથે હળવામળવાનું કહ્યું. દરરોજ અમે ભેગાં મળીએ એટલે અમારું અનૌપચારિક "હાસ્યસત્ર" શરૂ થાય. દસ દિવસમાં તે છોકરો હતાશામાંથી સંપૂર્ણપણે બહાર આવી ગયો. આ ખરેખર શક્ય બન્યું ! હાસ્યનું ચિકિત્સામૂલ્ય બહું મોટું છે ! આજે સમગ્ર વિશ્વમાં તબીબો અને મનોચિકિત્સકો રોગની સારવાર માટે હાસ્યચિકિત્સાપદ્ધતિને સ્વીકારે છે. વિશ્વના ખૂણેખૂણે મશરૂમના ટોપની જેમ 'હાસ્યક્લબ' વધતાં જાય છે. તે આ વાતનો બોલતો પુરાવો છે !
હાસ્યની અસર હેઠળ આપણે ઊંડા શ્વાસ લઈએ છીએ જેનાથી શરીરમાં સકારાત્મક સ્પંદનો પેદાં થાય છે, પેટ હળવું થાય છે અને પાચનક્રિયા સુધરે છે. નાભિની આસપાસનો વિસ્તાર એ ચિંતા અને હતાશાનું સ્થાન છે. નાભિમાં રહેલા સૂક્ષ્મ ઉર્જાચક્રને મણિપુરચક્ર કહે છે. હાસ્ય તેને વિશુદ્ધ કરે છે. રૂઢ થઈ ગયેલા માનસિક દબાવને મુક્ત કરવાની શક્તિ હસવાની એક તદ્દન સામાન્ય ક્રિયામાં રહેલી છે. હાસ્ય એક નૈસર્ગિક ઉપચાર શક્તિ છે. કુદરતે આપણને તેની ભેટ આપી છે. હાસ્યથી સ્વાસ્થ્ય સિવાયના પણ બીજા અનેક લાભો થાય છે.
હાસ્ય એક સિદ્ધ ધ્યાન ટેકનિક છે.
હકીકતમાં ઝેન આશ્રમોમાં તમામ ભિક્ષુકોએ દરરોજ થોડો સમય હાસ્ય માટે ફાળવવાનું ફરજિયાત છે.
એક નાની વાર્તા :
'સાચા અધ્યાત્મની પરિભાષા' એ વિષય પર બૌદ્ધ ભિક્ષુકોની એક પરિષદ ભરાઈ હતી. દરેક ભિક્ષુકે મંચ પર જઈ એટલું લાંબુંલચક ભાષણ આપ્યું કે તમામ શ્રોતાઓ ઊંઘી ગયા. છેલ્લે એક ઝેન ભિક્ષુકનો બોલવાનો વારો આવ્યો.
તમે વિચારો. તેણે શું કર્યું હશે ?
તેણે કેવળ હસવાની શરૂઆત કરી !
હસવાનું, પોતાનું સમગ્ર શરીરતંત્ર હસવામાં ખળભળી ઊઠે તે રીતે હસવાનું તેમણે શરૂ કર્યું.
હાસ્ય છેક નાભિમાંથી આવતું હતું. હાસ્યથી શરીર પણ તેમના કાબૂમાં રહ્યું નહોતું. ચેપી રોગની જેમ હાસ્યનું મોજું આખરે સૌ શ્રોતાજનોમાં ફરી વળ્યું થોડી જ વારમાં ખંડમાં બેઠેલા તમામ શ્રોતાજનો હસવા લાગ્યા, શા માટે હસી રહ્યા છે તેની જાણકારી વિના.
કોઈ પણ જાતની જાણકારી વિના આટલા બધા ભિક્ષુકોના એકસામટા હસવાના અવાજથી ખંડમાં સકારાત્મક ઉર્જાનું મોટું મોજું ફરી વળ્યું. ભિક્ષુકો એક ઉન્નત સ્થિતિએ પહોંચી ગયા. એ ક્ષણે હાસ્યથી તેમને અ-મનની સ્થિતિની અનુભૂતિ થઈ. તે પછી ઝેન ભિક્ષુકે ઉદ્દઘોષ કર્યો, ''આ છે સાચી આધ્યાત્મિકતા'' હાસ્ય એ સર્વોચ્ચ આધ્યાત્મિક ગુણ છે. એ તમને બોધિજ્ઞાન તરફ લઈ જઈ શકે છે. હકીકતમાં હાસ્ય બોધિજ્ઞાન તરફ લઈ જતો રાજમાર્ગ છે.
હાસ્ય એ સાંસારિક શક્તિને આપણા જીવનની અસીમ શક્તિ સાથે જોડતો સૌથી સરળ અને શક્તિશાળી માર્ગ છે.
તેથી સદા હસતા રહો !
તમારી જેવું બીજું કોઈ નથી !
એમ કહો, પણ ઈર્ષ્યા ન કરો
ેન . સ્વામીજી, બીજા સાથે મારી સરખામણી કરીને દુ:ખી થવાનું હું ક્યારે બંધ કરી શકે ?
ચાલો. તમને એટલું તો જ્ઞાન થયું કે સરખામણી જ દુ:ખને નોતરે છે. આ સારી શરૂઆત કહેવાય. આનો ઉત્તર હું એક વાર્તા દ્વારા આપવા માગું છું :
તમારા જેવો જ એક પ્રશ્ન લઈને એક માણસ તેના આધ્યાત્મિક ગુરુ પાસે આવ્યો. તે જ્ઞાની ગુરૂ તેને બગીચામાં લઈ ગયા. ત્યાં ગુલાબનો છોડ અને કાંટાળો છોડ બંને એકબીજાની આજૂબાજુ ઊગી રહ્યા હતા.
ગુરૂએ કહ્યું, આ તમારા ગુરૂ છે. આ બંને ગુરુ પાસેથી તમને જરૂરી જ્ઞાન મળશે. પેલો માણસ આશ્ચર્ય પામી ગયો.
ગુરૂજી, આપ શું કહેવા માગો છો ? તેણે પૂછયું :
છેલ્લા પાંચ વર્ષથી ગૂલાબનો છોડ અને કાંટાળો છોડ એકબીજાની અડોઅડ છે પણ મેં આજ સુધી ક્યારેય સાંભળ્યું નથી કે ગુલાબના છોડે એવી ફરિયાદ કરી હોય કે મારે કાંટાળો છોડ બનવું હતું અને કાંટાળા છોડે એવી ફરિયાદ કરી હોય કે મારે ગુલાબનો છોડ બનવું છે.
બંને છોડે કોઈ પણ જાતની ફરિયાદ કે સરખામણી વિના પોતાની વાસ્તવિકતા સ્વીકારી લીધી છે.
તેમ તમે પણ તમારી જાતને જેમ છે તેમ સ્વીકારી લો.
ત્યારે જ તમે સંપૂર્ણ અને અખંડ બની શકશો.
તમે સ્વયં સંપૂર્ણ અને વિશિષ્ટ છો એ રીતે તમારી જાતને જોતાં થશો તો સરખામણીની જરૂર જ નહિ રહે.
બુદ્ધ એક અતિ મહત્ત્વપૂર્ણ વિધાન કરે છે. તેઓ કહે છે : સંબંધ વિના કોઈ વસ્તુનું અસ્તિત્ત્વ નથી.
દરેક વસ્તુ સાપેક્ષ છે, અને અન્ય વસ્તુના સંદર્ભ તેને અર્થ પ્રાપ્ત થાય છે. અન્ય સાથે તમારી સરખામણી કરવા માટે ક્યા શબ્દો પ્રયોજો છો ? સુંદર. પામર. હોશિયાર. કમનસીબ. યુવાન. નિર્બળ વગેરે.
હવે કલ્પના કરો કે તમે કોઈ નવા ગ્રહ પર છો અને ત્યાં તમારા સિવાય બીજું કોઈ જ નથી. તોપછી તમે સુંદર કે કુરૂપ હોઈ શકો ? લાંબા કે ટૂંકા ? ગરીબ કે તવંગર ? સરખામણીની શક્યતા જ નથી. તેથી આ તમામ શબ્દો આપોઆપ તેમના અર્થ ખોઈ બેસે છે, કારણ કે આ શબ્દો કેવળ મનઘડંત વિચારો છે અને તેમનું ખરેખર કોઈ અસ્તિત્ત્વ જ નથી.
આ એક વાત અજમાવી જુઓ : થોડી ક્ષણ માટે આંખો બંધ કરો અને વિશ્વમાં તમે તદ્દન એકલા છો એવી કલ્પના કરો. હવે જુઓ. તમે સુંદર છો કે કુરૂપ, મૂર્ખ છો કે પંડિત એવો વિચાર આવે છે ખરો ? તોપછી આ સંકલ્પનાઓ ક્યાં રહેલી છે ? કેવળ તમારું જ અસ્તિત્ત્વ છે એ હકીકત બાકી રહે છે અને એ જ એક માત્ર સત્ય છે. તમારી જાતની અન્ય સાથે સરખામણી કરવી એ નરી મૂર્ખતા છે, કારણકે તમે અન્ય વ્યક્તિ ન હોઈ શકો અને અન્ય વ્યક્તિ તમે ન હોઈ શકે !
રમૂજની વાત એ છે કે આપણે આપણી સરખામણી ફળ, પશુ, પંખી કે પર્વત સાથે ક્યારેય કરતા નથી તોપછી અન્ય લોકો સાથે આપણી સરખામણી શા માટે કરવી જોઈએ ?
કોઈ ગાયક કોયલની ઈર્ષ્યા કરતો હોય કે કોઈ નર્તક મોરની ઈર્ષ્યા કરતો હોય એવા માણસના સંપર્કમાં આવવાનું મારે હજી સુધી બન્યું નથી !
પ્રકૃતિની તમામ સુંદર વસ્તુને જો આપણે આવકારી શકીએ અને તેને મનભરીને માણી શકીએ તોપછી એકબીજાની અનોખી સુંદરતાને કેમ ન માણી શકીએ ? અન્યની સુંદરતા, સંપત્તિ કે આવડતનો આપણને આટલો બધો ડર કેમ લાગે છે ?
સરખામણી કરવી એ વાત સમાજમાં રુઢ થઈ ગઈ છે. આપણો ઉછેર જ સ્પર્ધાત્મક વાતાવરણમાં થયો છે. તેથી હંમેશાં મનમાં એમ વિચારીએ છીએ કે જો બીજા પાસે વધારે હશે તો આપણે માટે ઓછું થઈ જશે.
દલાઈલામાએ જીવનનું સુંદર નિરીક્ષણ કરતાં કહ્યું છે :
મોટા ભાગની લોકો જગતમાં સુખ અત્યંત મર્યાદિત માત્રામાં ન હોય એવી રીતે વર્તે છે. કોઈને સુખી જોઈને આપણને મનમાં એમ થાય છે કે આપણા વ્યક્તિગત સુખનો હિસ્સો ઓછો થઈ ગયો. તેથી વીલું મોઢું કરીને જીવનમાં દુ:ખ અનુભવીએ છીએ. પણ એથી જુદી રીતે વિચારી જુઓ. કોઈને સુખ પ્રાપ્ત થાય ત્યારે તમારા મનમાં જો દરેક વખતે આનંદની લાગણી થશે તો જગતમાં કરોડગણી વસ્તી છે તો તમારો આનંદ પણ કરોડગણો થઈ જશે.
સરખામણી બે પ્રકારની હોઈ શકે : રચનાત્મક સરખામણી અને વિઘાતક સરખામણી. રચનાત્મક સરખામણી અનિવાર્ય અને ઈચ્છનીય છે.
વ્યવહાર દૃષ્ટિએ જોઈએ તો રચનાત્મક સરખામણી આપણું પોતાનું મૂલ્યમાપ કરવા માટે એક માપદંડ છે. એ તમને સુધરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે.
સરખામણી વિના તમે તમારી સાચી કદર કેવી રીતે કરી શકો ?
જીવનની વાસ્તવિકતાને સ્વીકારી ન શકીએ ત્યારે આપણે વિઘાતક સરખામણી કરીએ છીએ. તમે કાંઈ પણ કામ કરો તો તમારા કરતાં કોઈને કોઈ વ્યક્તિ તો ચોક્કસ સારી હોવાની જ ! નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તમે વિશ્વના શ્રેષ્ઠ ગણિતજ્ઞ નથી, સૌથી ઝડપી દોડનાર નથી કે સૌથી નિપુણ ચિત્રકાર નથી. તો શું એનો અર્થ એવો થાય કે આ તમામ વસ્તુનો તમે ઓછો આસ્વાદ લો છો ?
તમારી ત્રૂટિ પર જ ધ્યાન આપશો તો તમારા પર લઘુતાગ્રંથિ સવાર થઈ જશે અને આવું કોઈ ઈચ્છે ખરા ?
તમારી આસપાસ નજર નાખો. તમે એવી કોઈ વ્યક્તિ જોઈ છે જે આબેહૂબ તમારા
જેવી જ હોય ? તમને દેખાતું નથી કે તમે બધાથી અલગ છો. તોપછી બીજા સાથે સરખામણી કરી શા માટે દ્રઃખી થાઓ છો ?
આનો સીધો અર્થ એ થાય કે તમે તમારી જોઈએ તેવી કદર કરતા નથી. એક નાની વાર્તા :
એક ઝેન ગુરૂ પાસે એક બુદ્ધિશાળી, ખંતીલો અને પ્રામાણિક શિષ્ય હતો. પણ એની એક જ તકલીફ હતી કે બોધિજ્ઞાનના વિકટ અને દીર્ઘ માર્ગે ચાલવામાં તેનામાં ધીરજનો અભાવ હતો.
રોજ ગૂર્ પાસે જાય અને પૂછે,
મને બસ એટલું જણાવો કે હું બુદ્ધ જેવો ક્યારે થઈશ ?
ગુરૂ કેવળ સ્મિત કરે પણ જવાબ ન આપે.
દિવસરાત કામ કર્યા પછી. ગરની આજ્ઞા અનુસાર દરેક વિધિનું પાલન કર્યા પછી પણ તેને તેના પ્રશ્નનો કોઈ જવાબ મળતો નહોતો. હવે આ શિષ્ય બોધિજ્ઞાનની પિપાસાથી પાગલ થઈ ગયો.
આખરે એક દિવસ તેણે નક્કી કર્યું કે આ ખોજ જ વૃથા છે. તે ગુરુ પાસે ગયો અને માગણી કરી :
હું આશ્રમ છોડીને જવા માગું છું, પણ તે પહેલાં મને એક વાત કહો કે શું
હું બુદ્ધ જેવો ક્યારેય થઈ શકીશ નહિ ?
જવાબમાં ગુરૂએ તેના ગાલ પર જોરથી એક તમાચો માર્યો.
અને તત્ક્ષણે તેનો મૂળભૂત સ્વભાવ જાગ્રત થયો.
તમાચો મારીને ગુરૂ તેને શું કહેવા માગતા હતા ?
વધારે પડતી આશા રાખવાને કારણે શું ગુરુ ગુસ્સે થયા હતા ?
ના. શિષ્યને જબરદસ્ત આંચકો આપીને ગૂરૂ તેને જણાવવા માગતા હતા કે તું બુદ્ધ જ છો ! તમે જે હો તે ફરી પાછું બનવાનું ?
આંતરિક અસ્તિત્ત્વ સાથે તમારો નાતો તૂટી ગયો છે અથવા તમે ભૂલી ગયા છો કે તમે વાસ્તવમાં અસાધારણ છો !
એક વાર આ સત્ય તમે જાણશો પછી સરખામણી કરવાની ઇચ્છા એની મેળે મરી જશે. -
અને તે છતાં પણ સરખામણી કરવા ઇચ્છતા હો તો એક વાત સમજી રાખો કે દરેક વ્યક્તિ એટલી અલગ છે કે એમાં સમાન બાબત ક્યાંથી દેખાવાની ?
માટે સરખામણી કરવાની વૃત્તિ છોડી દો.
યાદ રાખો કે તમે ખરેખર વિલક્ષણ છો - અન્યની જેમ જ !