Chapter 4

જ્યોતિષશાસ્ત્ર અને તેની પેલે પાર

1 sections

જ્યોતિષશાસ્ત્ર અને તેની પેલે પાર

જ્યોતિષશાસ્ત્રને વૈજ્ઞાનિક આધાર ખરો ?

જ્યોતિષવિજ્ઞાન એક પેચીદો વિષય છે. એ વિષયમાં માનનારા અને ન માનનારાઓની સંખ્યા લગભગ સમાન છે.

ન માનનારાઓને એ દર્શાવવું જરૂરી છે કે જ્યોતિષ એક સિદ્ધ વિજ્ઞાન છે. માનનારાઓને ખાતરી કરાવવાની જરૂર છે કે જ્યોતિષ એ કાંઈ અંતિમ કે સર્વોપરી વિજ્ઞાન નથી - જ્યોતિષશાસ્ત્રની અંગમવાણીની પેલે પાર એક માર્ગ છે.

અહીં હું આ બંને માન્યતા વિશે ચર્ચા કરીશ.

પ્રાચીન સમયથી બેબોલોનિયન, ગ્રીક, રોમન, અરબ અને ભારતીય - વિશ્વની આવી કેટલીય સંસ્કૃતિમાં જ્યોતિષવિદ્યાનું અતિશય મહત્ત્વ હતું.

અવકાશીય પદાર્થો જીવન અને પૃથ્વી પરની ઘટનાને અસર કરે છે – આ છે જ્યોતિષશાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાંત.

આ ખરેખર સત્ય છે.

પૃથ્વી કાંઈ અલગ ગ્રહ નથી. આપણને ખ્યાલ હોય કે ન હોય પણ આપણે સૌ અવકાશયાત્રીઓ છીએ ! બહાર અવકાશમાં ઘટતી ઘટનાઓની આપણા જીવન પર ચોક્કસ અસર પડે છે.

પણ કેવી રીતે ?

સૂર્ય, ચંદ્ર અને અન્ય ગ્રહોને પોતપોતાના ચુંબકીયક્ષેત્ર, ગુરુત્વાકર્ષણબળ અને કિરણોત્સર્ગ હોય છે. એ તમામની પૃથ્વી પરના જીવનલય પર અસર પડે છે.

આપણા રોજબરોજના જીવન પર સૂર્ય અને ચંદ્રની કેટલી અસર છે એ આપણે સૌ જાણીએ છીએ. જેમકે સૂર્યના સ્થાન અનુસાર દરરોજ આપણા શરીરના તાપમાનમાં, હૃદયના ધબકાર વગેરેમાં થતા ફેરફારનો આપણને અનુભવ થાય છે.

પૂર્ણમાસીના દિવસે ગાંડપણના કિસ્સાઓમાં વધારો થયાના પુરાવા વિશ્વભરમાં ઉપલબ્ધ છે. વાસ્તવમાં 'લ્યૂનેટિક' (ગાંડો) શબ્દ 'લ્યૂના' (ચંદ્ર) પરથી ઊતરી આવ્યો છે.

પ્રયોગોએ પુરવાર કર્યું છે કે આ કેવળ માન્યતા જ નથી; હકીકત છે. અમેરિકન ઈન્સ્ટિટયટ ઓફ મૅડિકલ ક્લાઈમેટોલોજી પાસે અસંખ્ય આંકડાકીય પુરાવા છે કે બેકામ ગાડી ચલાવવી, આગ ચાંપવી, ખૂન કરવાં જેવા પાગલ વર્તનના કિસ્સાઓ પૂર્ણચંદ્રના સંબંધ છે: તે મૃત્યુના સમયને પણ પ્રભાવિત કરે છે. આ હકીકત જર્મનીમાં પ્રયોગકારોએ પુરવાર કરી છે.

આપણે એ પણ જોયું છે કે સૂર્યની જ્વાળા કે સૂર્ય પર કોઈ પણ પ્રકારનો ખળભળાટ થાય એ દરમિયાન ગાંડાની હૉસ્પિટલમાં તેજીથી ભરતી થાય છે.

જો સૂર્ય અને ચંદ્ર આપણી શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્થિતિને આટલી પ્રબળ રીતે અસર કરી શકતા હોય તો પછી ગ્રહો પણ અસર કરી શકે એ વાતમાં શંકા શાને ?

રાસાયણિક બંધારણની પરિભાષામાં કહીએ તો મનુષ્ય અને ગ્રહો એક જ પદાર્થમાંથી બનેલા છે. તેથી અન્ય ગ્રહોને કારણે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રમાં ફેરફારો થાય તે પ્રત્યે સ્વાભાવિક છે કે આપણી પણ પ્રતિક્રિયા હોવાની જ !

આ પ્રતિક્રિયા રોજરોજ થાય તે સમજવું સરળ છે, પરંતુ "ગ્રહોની આપણા પર દૂરગામી અસર પણ થઈ શકે છે." આ હકીકત પર જ્યોતિષની ભવિષ્યવાણીનો આધાર છે.

જ્યોતિષની ભવિષ્યવાણી પૂર્વમાં ખૂબ પ્રચલિત છે. ખાસ કરીને ભારતમાં લગભગ દરેક હિંદુ પાસે પોતાની કુંડળી હોય છે. બાળક જન્મે એટલે તરત તેની કુંડળી તૈયાર કરાવવામાં આવે છે. કુંડળીમાં તેના જીવનના સારા કે માઠા સમયની, ક્યો વ્યવસાય કરશે, લગ્ન ક્યારે થશે જેવી અનેક બાબતો અંગે ભવિષ્યવાણી ભાખેલી હોય છે.

અમુક લોકો ગ્રહોની આપણા પર અસર થાય છે એ વાત સાથે સહમત છે, પણ એ અસરોની પહેલેથી આગાહી કરી શકાય છે તે વાત તેઓ માનવા તૈયાર નથી. તેઓની દલીલ છે કે જન્મ સમયે આકાશમાં ગ્રહોની જે સ્થિતિ હોય તેના આધારે જાતકના વ્યવસાય કે લગ્ન વિશે કેવી રીતે જાણી શકાય ?

પણ પ્રયોગોએ આ હકીકત પુરવાર કરી છે !

સ્ટ્રાસબર્ગમાં મનોશારીરિક પ્રયોગશાળામાં પ્રયોગકાર માઈકલ ગોક્વેલીને ૧૦૬૪ વિખ્યાત ડૉક્ટરોનું પરીક્ષણ કર્યું. તેમાં તેને જોવા મળ્યું કે મોટાભાગના ડૉક્ટરોનો જન્મ મંગળ કે શનિના ઉદય સમયે થયો હતો. આ પરિણામ ધાર્યા કરતાં હજારગણા અપેક્ષા મુજબના હતા !

અન્ય એક પ્રયોગમાં અમેરિકન મનોવૈજ્ઞાનિક વર્નન ક્લાર્કે અલગ અલગ વ્યવસાયમાં કામ કરતાં અસંખ્ય લોકોની કુંડળીઓ ભેગી કરી.

આ કુંડળીઓ તેમણે વીસ જુદા જુદા જ્યોતિષીઓને આપી અને કુંડળીઓના આધારે તેમનો વ્યવસાય જણાવવાનું કહ્યું. વીસમાંથી સત્તર જ્યોતિષીઓએ તેમના વ્યવસાય અંગે સચોટ આગાહી કરી. તેમની આગાહી અટકળ કે અનુમાન કરતાં સોગણી વધારે ચોક્કસાઈવાળી હતી !

આ કસોટીનું દરેક વખતે વધારે કડકાઈથી ક્લાર્કે પૂનરાવર્તન કર્યું. તેમ છતાં એટલાં જ આશ્ચર્યકારક પરિણામ મળ્યાં !

પ્રાચીન સમયથી ભારતમાં જ્યોતિષનો ઉપયોગ ખાસ આ કામ માટે એટલે કે જાતક જીવનમાં ક્યા માર્ગને અનુસરશે તેનો નિર્ણય કરવા માટે થતો હતો.

બાળક ગુરુકુળ (શાળા) માં પ્રવેશે એટલે જયોતિષી તેની કુંડળી પરથી દર્શાવે કે તેનું વ્યક્તિત્વ કેવું છે, તેનું માનસિક વલણ કેવું છે, તેની સ્વાભાવિક રૂચિ શેમાં છે વગેરે.

તે પ્રમાણે તેને શાસ્ત્રનું અધ્યયન, યુદ્ધની કલા, વ્યાવસાયિક કલાકૌશલ કે તેની રૂચિને અનુરૂપ ક્ષેત્રમાં તાલીમ આપવામાં આવતી – આને લીધે ભારતમાં જ્યોતિષ બહુ પ્રચલિત બન્યું હતું

આ પ્રકારની આગાહી શક્ય કેવી રીતે છે ?

જેમ ચંદ્રની પ્રવૃત્તિ અમુક અંશે આપણા મનોભાવ નક્કી કરે છે તેમ ચંદ્ર અને ગ્રહોની અસર બાળકના જન્મ પહેલાં પણ તેના પર પડે છે. અમુક તરંગ લંબાઈના કિરણોત્સર્ગ મગજના અમુક વિસ્તારને ઉદ્દીપ્ત કરી શકે છે. તે પરથી બાળક ગણિતમાં આગળ વધશે કે કલામાં રૂચિ રાખશે વગેરે બાબતો નક્કી થાય છે. તેથી આપણને જો જાણ હોય કે બાળકના વિકાસ સમયે ક્યા ગ્રહો સક્રિય હતા તો તેના ભાવિનો નિર્ણય આપણે ચોકસાઈપૂર્વક કરી શકીએ. તમારી સમજણ માટે આ એક પાયાનો ખુલાસો અહીં કર્યો છે.

તદ્દપરાંત બીજી એક વાત એ કે બધા જ પદાર્થો એક જ મૂળભૂત દ્રવ્યોના બનેલા છે. આ મૂળભૂત દ્રવ્યો ગ્રહ, વૃક્ષ કે મનુષ્યમાં સમાન રીતે વર્તે છે. જેમ ક્વોન્ટમ મિકેનીક્સે પુરવાર કર્યું છે કે પદાર્થને પણ એક પ્રકારની તરંગગતિ હોય છે. તેથી દરેક ગ્રહને એક વિશિષ્ટ તરંગગતિ હોય છે. જુદી જુદી તરંગ લંબાઈના બે તરંગો (જુદા જુદા ગ્રહોના) એકબીજાને મળે અને એકબીજા પર ગોઠવાય ત્યારે કેટલાક 'ઉચ્ચબિંદુઓ' જોવા મળશે. (આ ઉચ્ચબિંદુઓ દરમિયાન તરંગો સંવાદિતામાં હોય છે અને તેમના ગુણોમાં વધારો થતો હોય છે.) અને કેટલાક 'નિમ્નબિંદુઓ' પણ જોવા મળશે (નિમ્નબિંદ્રુઓ દરમિયાન તરંગો એકબીજાની અસરનો છેદ ઉડાડી દે છે). આ રીતે વિવિધ ગ્રહોની સંયુક્ત અસરની ગણતરી કરવામાં આવે છે.

કારણ કે તરંગોનો પૂનરાવર્તન ક્રમ નિયમિત હોય છે. સંવાદિતા અને વિચ્છેદનો અવધિકાળ પણ નિયમિત અંતરે થાય છે. આ હકીકતના આધારે જ્યોતિષીઓ તમારા જીવનમાં ઉતારચડાવની આગાહી કરી શકે છે.

જ્યોતિષના પાયામાં જાદુ નથી; ગણિત છે.

જ્યોતિષ એક સમીકરણ છે. તેમાં સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની સ્થિતિને ચલિતભાવ (Variables) તરીકે જોઈ શકાય, તેમની આ સ્થિતિ અને અસરના આધારે સૂક્ષ્મ ગણતરી કરીને નિષ્ણાત જ્યોતિષીઓ ચકાસણી કરી શકાય એવાં પરિણામો ચોક્કસપણે મેળવી શકે છે.

અન્ય માહિતીની જેમ જ્યોતિષની વિગતોનું પણ આંકડાકીય દૃષ્ટિએ પૃથક્કરણ અને ક્વોન્ટિફીકેશન થઈ શકે.

પરંતુ મુખ્ય સમસ્યા એ છે કે અસંખ્ય ચલિતભાવમાંથી મળતી વિગતોને જોડવી પડે, તેનું મહત્વ જાણવું જોઈએ અને ખૂબ મહેનત કરીને અનેક પ્રકારના અવળા ક્રમમાં ગણતરી કરીએ તો જ પરિણામ મળે. ગ્રહોની વ્યક્તિગત અને સંયુક્ત અસરને પણ ધ્યાનમાં લેવી પડે. તદપરાંત ગ્રહોનો કેવળ આપણા પર જ નહિ પરંતુ એકબીજા પર પણ પ્રભાવ રહ્યો છે.

આ એક અતિ કઠીન કામ છે. તેથી આજકાલ મોટાભાગના જયોતિષીઓ થોડાઘણા મૂળભૂત ચલિતભાવનો જ ઉપયોગ કરે છે. તેને કારણે અનિશ્ચિત પરિણામો મળે છે. વળી આ પરિણામો વિશે વિવિધ અર્થઘટનો થઈ શકે છે, જે સમગ્ર જયોતિષવિજ્ઞાનની વિશ્વસનીયતાને ઘટાડે છે. આ તમામ કારણોને લીધે જ્યોતિષશાસ્ત્રની એક પ્રતિષ્ઠિત વિજ્ઞાન તરીકે ગણના થતી નથી.

હું અહીં જ્યોતિષને સાચું કે ગલત પુરવાર કરવા માગતો નથી.

હું કેવળ તેના રહસ્ય પરથી પડદો ઉઠાવવા માગું છું.

તમારા પર થતી ગ્રહોની અસરનો જ્યોતિષ તમને સાચો ખ્યાલ આપી શકે, એ તમને જીવનમાં આવનાર સમસ્યાનો નિર્દેશ કરી શકે, પણ તેનો ઉકેલ કે ઉપાય દર્શાવી શકે નહિ.

ધ્યાન તમને સમસ્યાનો ઉકેલ દર્શાવી શકે.

ધ્યાન એ સૂર્ય, ગ્રહો અને તમને સૌને માર્ગદર્શન આપનાર વૈશ્વિક શક્તિ સાથે જોડનાર એક માર્ગ છે.

વૈશ્વિક શક્તિ સાથે સંવાદિતાથી કામ કરશો તો આ અસરોથી તમને સ્વાભાવિકપણે વધારે સારું રક્ષણ મળશે. જેમ વરસાદમાં બહાર નીકળે તેને શરદી થવાની શક્યતા તો છે જ પણ રૅઈનકોટ પહેરે તો તેને સંરક્ષણ અવશ્ય મળે.

પૂર્ણમાસીના દિવસે શું દરેક વ્યક્તિ પાગલ થાય છે ?

નહિ જ વળી ! જેનું મન અસંતુલિત હોય તેને જ પૂર્ણમાસીનો ચંદ્ર અવળી અસર કરે છે. તમારી મનઃસ્થિતિ સ્થિર હોય તો આવા કોઈ ઘટકો તમને અસર કરતા નથી. ધ્યાન કેવળ આધ્યાત્મિક રીતે જ નહિ, પણ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે તમને મજબૂત બનાવે છે.

ધ્યાનથી તમે જયોતિષવિદ્યાની પેલે પાર જઈ શકો.