Chapter 3

વાહ, હવે મને દેખાય છે !

1 sections

વાહ, હવે મને દેખાય છે !

થી થોડા મહિના પહેલાં એક ભાઈ તેમના ચૌદ વર્ષના દીકરાને લઈને મારી પાસે આવ્યા. શાળાના એક વિદ્યાર્થીને તેણે કાચના ટૂકડાથી બુરી રીતે ઈજા પહોંચાડી હતી. તેથી તેને શાળામાંથી બરતરફ કરવામાં આવ્યો હતો.

મેં બાળકને પૃછયું, બેટા, તેં આવું શા માટે કર્યું ? મારી કલ્પનામાં ક્યારેય ન આવે એવો જવાબ તે બાળકે આપ્યો.

તેણે કહ્યું, મને કંટાળો આવતો હતો.

તમે પણ ન કલ્પી શકો !

ચૌદ વર્ષની નાની વયમાં સામાન્ય જીવનમાં પ્રાપ્ત થઈ શકે એ તમામ વસ્તૃથી તે એટલો બધો કંટાળી ગયો હતો કે હવે તેના જીવનમાં એક જ વસ્તુની ખોજ બાકી હતી અને એ હતી હિંસા !

અતિશય કંટાળો એ આધુનિક યુગનો એક વિશિષ્ટ રોગ છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં તો તે 'કંટાળો' શબ્દનો અર્થ સમજતો થઈ જાય છે.

આનો અર્થ શું થાય ? બાળક પાંચેક વર્ષનું થાય એટલામાં તેણે મનગમતાં દરેક કામ કરી લીધાં હોય છે અને દરેક વસ્તુ તેણે જોઈ લીધી હોય છે !

હતાશા, દોડધામ અને તણાવની સાથે કંટાળો આપણી આધુનિક જીવનશૈલીની જ દેન છે. આ વિશિષ્ટ લક્ષણ શહેરના શ્રીમંતોમાં અને બુદ્ધિમાનોમાં ખાસ જોવા મળે દે.

મેં તે છોકરાને પૂછયૂં, તને કંટાળો કેમ આવ્યો ? તને કંટાળો કેમ આવી શકે ? જીવનની ઉપેક્ષા કરવાની અપૂર્વ ક્ષમતા હોય તેને જ કંટાળો આવી શકે. કંટાળો મનુષ્યને બેશુદ્ધ કરનારી (એનેસ્થેટિક) દવા છે, જે સૂંઘવાથી જીવન પ્રત્યે મનુષ્ય જડ કે સંવેદનશન્ય થઈ જાય છે.

વાહ, હવે મને દેખાય છે !

સૃષ્ટિ તમને જીવનથી ધબકતી લાગશે. જો તમે આંખ ખોલીને જોશો તો ! તમે ક્યારેય નોંધ્યું છે કે અત્યંત જોખમકારક ક્ષણે સમય થંભી જત્તો હોય તેવું લાગે છે ?

ધારો કે તમે પડી ગયા હો કે મોટર અકસ્માત થયો હોય. આવા અતીતના કોઈ પ્રસંગને યાદ કરો તો જરૂર લાગશે કે તે વખતે સમય કેટલો ધીમી ગતિએ પસાર થતો હતો. તેનું કારણ એ કે તે સમયે મનની તમામ વૃત્તિઓ તેમાં સંપર્ણપણે પરોવાઈ ગઈ હતી ! એનો અર્થ એ કે તે સમયે તમે સો ટકા જાગ્રત હતા - એ ક્ષણના સંપૂર્ણ જાણકાર હતા. અને એ જ ક્ષણે તમે ખરેખર જીવ્યા હતા એમ કહેવાય. આ જ રીતે મન સંપર્ણપણે જાગ્રત કે ખુલ્લું હોય ત્યારે એમ લાગશે કે દરેક ક્ષણે કંઈક નવું, કંઈક તાજગીપૂર્ણ અને કંઈક રસપ્રદ બની રહ્યું છે. બાકી તો આપણને સામાન્ય જીવનક્રમમાં ખબર પણ પડતી નથી કે દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા વર્ષોમાં પસાર થતા જાય છે. અલબત્ત અઠવાડિયાના અંતે રજા ગાળવા બહારગામ જાઓ એ બે દિવસ કાયમ માટે લંબાય છે એમ લાગે છે ! આ રીતે દરેક ક્ષણને સંપર્ણપણે જીવીએ તો જીવનમાંથી રસને પૂરેપૂરો નિચોવીને માણી શકીએ. પરંતુ આજે તો આપણે રસને જ રેંકી દઈએ છીએ. જીવનમાં દરેક બિંદુને, દરેક ક્ષણને કેમ માણવી એની આપણને ગતાગમ જ નથી.

સત્ય એ છે કે જીવનને જેમ છે તેમ જોવાનું આપણે ભૂલી ગયા છીએ. આપણી આસપાસની દરેક વસ્તુને આપણી અંગત ઇચ્છાઓ, આદતો અને ભયના રંગીન કાચમાંથી જોઈએ છીએ. આજે ક્વોન્ટમ ફિઝિક્સ એટલી હદે જઈને કહે છે કે જેને આપણે સત્ય કહીએ છીએ એ કેવળ મનઘડત વાત છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓ તેને માયા કે ભ્રમ કહે છે. માયા એટલે લોભ અને ભયથી થતું વાસ્તવિકતાનું ધુંધળું દર્શન.

આપણા સમયમાં બીજી પણ એક આનંદમારક વસ્તુ છે : બૌદ્ધિકજ્ઞાન આપણું જીવન વધુ પડતું બુદ્ધિપરાયણ થઈ ગયું છે. આપણે બુદ્ધિથી વધારે પડતું અને અનુભવથી બહુ ઓછું જીવીએ છીએ. ધ્યાનપૂર્વક જોશો તો ખ્યાલ આવશે કે અતિ બુદ્ધિશાળી લોકો જીવનમાં બહુ જલદીથી કંટાળી જતા હોય છે અથવા એમ કહી શકીએ કે જ્ઞાનથી એ લોકો એટલા અંધ બની જાય છે કે દરેક વસ્તુને માણવાને બદલે તેમાંથી સિદ્ધાંત તારવવાનો જ પ્રયાસ કરતા હોય છે. આ રીતે જ્ઞાન જીવનને હંમેશાં જાણકારી અને અપેક્ષાના ડબ્બામાં જડબેસલાક બંધ કરી દે છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે જે જોવા ધારીએ તે જ આપણે જોઈએ છીએ. પછી જીવન આટલું બધું કંટાળાજનક લાગે તેમાં નવાઈ શી ?

હું અહીં જ્ઞાનને વખોડવા માગતો નથી. રોજિંદા જીવનને આગળ વધારવા માટે જ્ઞાન આવશ્યક છે. વળી કંટાળો આવે તેમાં પણ કશું જ ખોટું નથી. ક્યારેક કંટાળો આવે એ તદ્દન સામાન્ય વાત છે. મેં આગળ કહ્યું તે પ્રમાણે કંટાળો એ શ્રેષ્ઠતર બુદ્ધિની નિશાની છે. તમે કંટાળેલી ભેંસ ક્યારેય જોઈ છે ? તેથી કંટાળો આવે તો મનમાં અપરાધભાવ ન લાવશો !

હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે જ્ઞાનને જાણકારીનો કે ઇન્દ્રિયજન્ય જ્ઞાનનો પર્યાય માનશો નહિ. બૌદ્ધિક અભિગમ તમને જીવનના રોજબરોજનાં આશ્ચર્યો પ્રતિ અંધ ન બનાવી દે તેનો ખાસ ખ્યાલ રાખજો.

પ્રત્યેક ક્ષણ સભાનતાથી જીવો. એનો અર્થ એ નથી કે જીવનમાં કાંઈક વિશિષ્ટ કરવાની જરૂર છે. જીવનમાં કોઈ અકસ્માત થાય કે જીવનની કદર કરવા માટે લાંબો સમય રજા લઈ બહારગામ જવું પડે તેની પણ કોઈ જરૂર નથી.

એકદમ સ્પષ્ટ રહો. જવા માટે એવી કોઈ અગમ જગ્યા છે જ નહિ. કરવા માટે એવાં કોઈ વિશિષ્ટ કાર્યો છે જ નહિ. જીવનને કઈ દૃષ્ટિએ જોવું એ તમે પોતે જ પસંદ કરો એની અહીં વાત છે.

મને આ પ્રશ્ન પૂછશો નહિ કે મારું જીવન તદ્દન સામાન્ય છે, એકદમ કંટાળાજનક છે, આવા જીવનમાં તે વળી આશ્ચર્યપૂર્વક નોંધવા જેવું શું હોય ? તમને નવાઈ લાગશે પણ તમારા રોજિંદા જીવનમાં પણ સંપૂર્ણ જાગૃતિ શક્ય છે.

એક લઘુકથા :

એક ડાહ્યા માણસને ગામના રસ્તે જતાં એક વૃદ્ધ સ્ત્રીનો ભેટો થયો. બકરીઓને ચરાવીને તે ઘેર પાછી ફરી રહી હતી. નદીમાંથી ભરેલા પાણીનો ઘડો તેના માથા પર હતો અને તેનું તે સંતુલન જાળવી રહી હતી.

આ વૃદ્ધ સ્ત્રીને સલાહ આપવાનો વિચાર પેલા ડાહ્યા માણસના મનમાં આવ્યો. માજી, સંસારની માયામાં હજી પણ આમ ગૂંથાયેલાં છો ? આ ઉંમરે તો બધાં કામ એકબાજુ મૂકીને મનને પ્રભૂમાં વાળવું જોઈએ !

કોણે કહ્યું મારૂં ધ્યાન પ્રભૂમાં નથી ? પેલી સ્ત્રીએ જવાબ આપ્યો. તમારી સાથે વાત કરતી હોઉં કે બકરીઓ ચરાવતી હોઉં ત્યારે મારું ધ્યાન માથા પર મુકેલા પાણીના ઘડાનું સંતુલન જાળવવા પર હોય છે તેમ ઘરની તમામ ફરજ બજાવું છું ત્યારે મારું ધ્યાન પ્રભૂમાં જ હોય છે.

રોજિંદા જીવનમાં સતત આવી જાગૃતિ રાખીએ તો પ્રત્યેક દિવસ એક નવો ચમત્કાર છે એમ લાગવા માંડશે.

કંટાળો એ નિરુત્સાહની નિશાની નથી. તમે તમારી ક્ષમતા અને શક્તિનો યોગ્ય ઉપયોગ કરતા નથી તેની નિશાની છે. કુદરતે મનુષ્યને અખૂટ શક્તિની ભેટ આપી છે, પણ એ શક્તિનો ઉપયોગ કેમ કરવો તેની આપણને ગતાગમ નથી. એ શક્તિને સુંદર કાર્યોમાં એટલે કે સર્જનાત્મકતામાં, ઉત્પાદનશક્તિમાં, પ્રેમમાં કે જાગૃતિમાં આપણે વાળતા નથી.

શક્તિને યોગ્ય દિશામાં ન વાળવી તે એક પાપ છે. તમારા શરીરની અંદર અખૂટ શક્તિ પરિભ્રમણ કરી રહી છે. તેનો ઉપયોગ નહિ કરો તો આળસ, પ્રમાદ અને તમસમાં પડી જશો. અને છેવટે હતાશા અને કંટાળો આવશે.

આ કંટાળો જ બાળકોને મજાકમાં એકબીજાને હાનિ પહોંચાડવાનું કામ કરવા પ્રેરે છે. થોડી જ વારમાં બાળકો રમકડાંથી કંટાળી જાય છે. બાળકોની જેમ આપણે પણ કાયમ કંટાળેલા હોઈએ છીએ. મનને ગમી જાય એવું કાંઈ નવું આપણે હંમેશાં શોધતા ફરીએ છીએ. આ એક કારણસર કોઈ પણ નવું ઉત્પાદન બજારમાં મુકવામાં આવે તો તેને ખરીદનારા મળી જ રહે છે. લક્ષ્યાંક બજારમાં વર્તમાન વસ્તુઓથી કંટાળેલા લોકોની સંખ્યા કેટલી છે તેના પર નવા ઉત્પાદનની સફળતાને સીધો સંબંધ છે.

કેવળ ચીજવસ્તુઓ સાથે જ નહિ, પરંતુ લોકો સાથે પણ આપણે આવો જ ખિલવાડ કરીએ છીએ. લગભગ દરેક વ્યક્તિની એક સામાન્ય ફરિયાદ હોય છે કે જગતમાં સૌથી વધારે કંટાળાજનક જો કોઈ હોય તો તે છે તેમના મિત્રો અને તેમનો પરિવાર. તેથી નવા મિત્રો, નવો પાડોશ, નવું ક્લબ, નવા પુરુષ / સ્ત્રી મિત્ર તરફ આપણે હંમેશાં વળવું પડે છે. ખાસ કરીને પશ્ચિમના દેશોમાં લોકોને દર ત્રણ મહિને એકાદ વાર કાર અને સ્ત્રીમિત્ર બદલવાની જરૂર જણાય છે !

આપણે પહેલાં આપણી આસપાસની પરિસ્થિતિથી, પછી એકબીજાથી અને છેવટે આપણી જાતથી પણ કંટાળી જઈએ છીએ. સત્ય એ છે કે આપણને આપણી પોતાની જાત એટલી બધી કંટાળાજનક લાગે છે કે ફક્ત પાંચ મિનિટ પણ આપણે આપણી જાત સાથે એકલાં રહી શકતા નથી. આપણે કેટલા બધા અરસિક છીએ એ જાણવા – જોવાનો જાણે આપણને ડર ન લાગતો હોય !

સામાજીકિકરણ એ એક પ્રકારની પલાયનવૃત્તિ છે, પોતાની જાતથી દૂર ભાગવાની એ એક રીત છે.

એક વાત બરાબર સમજો : જીવન કંટાળાજનક નથી પણ મન કંટાળાજનક છે. વિશ્વનું સારું કે ખરાબ પ્રતિબિંબ પાડનાર કેવળ મન છે. તેથી મનરૂપી અરીસા પર ધૂળ બાજી ગઈ હોય તો પછી વિશ્વ સ્વચ્છ અને તાજગીપૂર્ણ ક્યાંથી લાગવાનું ?

તમને જીવન પ્રત્યે લાગણીશૂન્ય કે અસંવેદનશીલ બનાવનાર મન જ છે. મનનો સ્વભાવ એવો છે કે તે કોઈ પણ વસ્તુ સાથે જલદીથી ટેવાઈ જાય અને એક વાર કોઈ પણ વસ્તુથી ટેવાઈ જઈએ તેને જેમ છે તેમ સ્વીકારી લઈએ છીએ. તેથી તમારા જ બાગનાં ફૂલ તમને બીજી વાર દૃષ્ટિ કરવા યોગ્ય ક્યારેય લાગતાં નથી. તમારી પત્ની તમને બહારની સ્ત્રી જેવી રસિક ક્યારેય લાગતી નથી.

તેથી આજે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરો : બાગમાં કે ગલીમાં આંટો મારવા નીકળો અને જુઓ કે તમારા મન આજ સુધી કેટકેટલી વસ્તુઓની નોંધ લેવાનું ચૂકી ગયું હતું ? કેટલા છોડ ખીલવાની તૈયારીમાં છે ? ક્યા રંગો છે ? કેટલાં ઘરના હમણાં રંગરોગાન થયાં છે ? ક્યા અવાજો તમારા કાને અથડાય છે ?

ચાલો ત્યારે દરેક ડગનો ખ્યાલ રાખો.

તમારા ચહેરા પર પડતાં સૂર્યનાં કિરણોનો, તમારી ચામડીને સ્પર્શ કરતાં પવનનો ખ્યાલ રાખો.

સંપૂર્ણ જાગૃતિ સાથે ચાલો.

તો આજ સુધી કેટકેટલી ચીજવસ્તુઓ જોવાનું ચૂકી ગયા હતા એ ખ્યાલ આવશે અને એ જાણીને તમને આશ્ચર્ય થશે. જીવન આવી એક અમૂલી ભેટ છે, પણ તેને અમુક ચોક્કસ રીતે જોવાનો આપણો સ્વભાવ પડી ગયો છે. જીવન નવીન, વૈવિધ્યપૂર્ણ અને પરિવર્તનશીલ છે એ રીતે જોવાની દૃષ્ટિ કેળવશું તો જીવનમાં કંટાળો આવે એ શક્ય જ ક્યાં છે ?

સજાગતા એ ધ્યાનની મહત્ત્વપૂર્ણ ટેકનિક છે.

જ્યારે સજાગતામાં જીવો ત્યારે મનને વાત કરવાની કોઈ પણ તક આપશો નહિ. સંપૂર્ણપણે વર્તમાનમાં પ્રવેશ કરશો તો મન તમારા પર અતીત કે ભાવિનો બોજ લાદી શકશે નહિ.

ન અતીતનાં સંસ્મરણો; ન ભાવિની યોજનાઓ. કેવળ વર્તમાન ક્ષણની જ સંપૂર્ણ સજાગતા. સજાગતાથી જ અ-મનના અનુભવના અતલ ઊંડાણમાં ઊતરી શકાય. સજાગતાથી બોધિજ્ઞાન પ્રાપ્ત થઈ શકે.

એક વાર કોઈએ બુદ્ધને પૂછ્યું,

આપની અપૂર્વ સિદ્ધિ વિશે અમે ખૂબ સાંભળ્યું છે.

વાહ, હવે મને દેખાય છે !

શું આપ ભગવાન છો ?

ના, બુદ્ધે જવાબ આપ્યો.

તો પછી આપ અવતાર છો ?

ના. હું અવતાર પણ નથી.

તો આપ કોણ છો ?

ના.

તો પછી જાદુગર કે કીમિયાગર ?

હું જાગ્રત છું, બુદ્ધે જવાબ આપ્યો.

તો પછી આપ અવતાર (ઇશ્વરના) છો ?

જાગવું એટલે મુક્ત થવું. અજ્ઞાનથી દુ:ખ કે શોકથી અને કંટાળાથી મુક્ત થવું.

જાગૃતિથી તમે તમારા જીવનને નિત્ય એક ચમત્કારરૂપે જોઈ શકશો.

કેવળ જાગૃતિથી તમે તમારા વિશ્વનું સર્વાંગી રૂપાંતર કરી શકશો.

અહોભાવ કે અદ્દભુત આશ્ચર્યની ભાવના અમૂલી છે. જીવનમાં તેને જાળવી રાખજો.