Chapter 14

આટલી બધી ઉતાવળ શાને ?

1 sections

આટલી બધી ઉતાવળ શાને ?

જીવનમાં ધીમાં ડગલાં ભરો.

એક વાર એક સામયિકમાં મેં એક જાહેરખબર જોઈ.

એ જાહેરખબર પેઈન કિલર - માથાના દુખાવા માટેની ગોળી કે એવી કોઈ વસ્તુની હતી :

જાહેરખબરમાં એક આધુનિક યુવતી વિશ્વાસપૂર્વક વાચક સામે સ્મિત કરી રહી હતી. જાહેરખબરમાં લખ્યું હતું :

સવારે ૬.૦૦ વાગ્યે જાગો છો
સવારે ૮.૦૦ વાગ્યે બાળકો સાથે
સવારે ૯.૦૦ વાગ્યે ઑફિસ
સવારે ૧૧.૦૦ વાગ્યે મિટીંગ
બપોરે ૧.૦૦ વાગ્યે વ્યવસાયી લંચ
સાંજે ૬.૦૦ વાગ્યે ટ્રાફિક
સાંજે ૭.૦૦ વાગ્યે ખરીદી
રાત્રે ૮.૦૦ વાગ્યે મહેમાન
રાત્રે ૧૦.૦૦ વાગ્યે (ગોળીનું નામ)

તે યુવતીનું સ્મિત જાણે કહી રહ્યું હતું કે જગતમાં દરરોજ સૂતા પહેલાં માથાના દુખાવા માટે એક ગોળી લેવી એ સ્વાભાવિક ગણાય. આ સંદેશ કેટલી સુંદર રીતેઆપ્યો છે ! આ પ્રકારનું જીવન ક્યાં દોરી જશે ? સવારથી રાત, એક દિવસથી બીજા દિવસ દોડયા કરવાનું ! પછી રોજ માથાનો દુખાવો થાય તેમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી !

અને સૌથી ખરાબ વાત એ છે કે જીવનની આ રફતાર હવે તદ્દન સામાન્ય અને સંપૂર્ણપણે સ્વીકાર્ય થઈ ગઈ છે. જીવનમાં દોડધામ કરવી કે મરણતોલ ઉતાવળ કરવી એ તદ્દન સામાન્ય થઈ ગયું છે.

રસ્તા પર થોડી વાર ઊભા રહો અને સિગ્નલ પાસે ટ્રાફિકનું નિરીક્ષણ કરો.

કોઈ ખાસ કારણ વિના દરેક વ્યક્તિ હૉર્ન મારવામાં વ્યસ્ત છે.

અને જે ક્ષણે લાઈટ બદલાય અને કમનસીબે એકાદ વ્યક્તિ પોતાની ગાડી તરત ચાલુ ન કરી શકે તો આવી જ બને ! સેંકડો લોકો શોર મચાવી તેને રસ્તા પર એકબાજુ તારવી દે.

ઉતાવળ એ આપણા યુગનો એક વિશિષ્ટ રોગ હોય એવું લાગે છે.

કામ વધારે ઝડપથી થઈ શકે એવાં મશીનો રોજ ને રોજ શોધાય છે. સૌથી ઝડપી કમ્પ્યુટરો હર પળે હજારો કામગીરી બજાવે છે.

અવાજની ગતિ કરતાં વધારે ઝડપથી સુપર સૉનિક જેટ આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે.

પૃથ્વી પર ગોઠવેલા સેટલાઈટ દ્વારા સંદેશવ્યવહારનું નૅટવર્ક વિશ્વના દરેક ખંડમાં માહિતી પ્રસારણનું કામ ગજબની ઝડપથી કરે છે.

એ કહે છે : અમારો સંદેશવ્યવહાર વિચારની ગતિએ થાય છે !

પણ આટલી ઉતાવળે આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?

ક્યાં જવા માટે આટલું દોડી રહ્યા છીએ ?

સત્ય એ છે કે ક્યાંક જવા માટે અને ક્યાંકથી ભાગી છૂટવા માટે આપણે દોડીએ છીએ.

લોભ અને ભય આ બે મુખ્ય કારણોથી આપણે ખેંચાયા કરીએ છીએ. લોભ આપણને કહે છે : સમય નથી ! સાંઈઠથી સિત્તેર વર્ષની આયુષ્યમાં કેટલી બધી ઇચ્છઓ પૂરી કરવાની છે ! બની શકે એટલી વધારે વસ્તુ મેળવવાની છે. શક્ય એટલા વધારે અનુભવોનો સ્વાદ માણવાનો છે.

એક પ્રકારના વેરભાવથી જીવન જીવવાનું છે !

જેમ મરણપથારીએ પડેલો દર્દી જીવનના શેષ દિવસોમાં સુખ ભોગવી લેવાનું નક્કી કરે છે તેમ એક સુખથી બીજા સુખની પાછળ આપણે અંત વિનાની દોટ મૂકીએ છીએ.

પ્રસારમાધ્યમના નવા પ્રહારોની રોજ રોજ આપણા પર નવા પ્રહારો થયા કરે છે. કામ પર જાઓ ત્યારે રસ્તા પરની જાહેરખબર વાંચો. તેમાં પણ એ જ વસ્તુ કહેવામાં આવી છે !

ઘેર પાછા આવો, ટીવી ચાલુ કરો અને જાહેરખબર જુઓ.

જાહેરખબરમાં રોજ શું આવે છે ? એ જ વાત !

આ રીતે દિવસમાં કલાકે કહેવામાં આવે છે કે એક નવું કામ, એક નવી ગાડી, એક નવી સ્ત્રીમિત્ર, એક નવું ઘર - તે વિના તમારું જીવન અધૂરું છે. આટલી બધી જરૂરી વસ્તુ મેળવવા માટે સમય ક્યાં છે ? તેથી દોડવાનું શરૂ કરીએ છીએ.

આપણે કમાવું પડે, આપણી જાતને પુરવાર કરવી પડે !

અને સમય એટલો થોડો છે કે આપણે અનેકવિધ જીવન જીવવા પડે છે.

એક દિવસમાં ૭૨ કલાક જેટલું કામ કરવાનો પ્રયાસ કરીએ છીએ જાણે રાત થોડી ને વેશ ઝાઝા !

પણ શરીરની કેટલીક મર્યાદાઓ છે. તેથી એક દિવસમાં કેટલું કામ થઈ શકે ? એક સમયે આપણે એક જ જગ્યા પર હોઈ શકીએ. આપણે કદાચ એકસાથે ઘણાં બધાં કામ કરી શકીએ પણ તેથી વધારે તો નહિ જ.

આથી જીવનનો કેટલોક ભાગ આપણે મગજથી કે મનથી જીવવાનું શરૂ કરીએ છીએ.

આ છે આપણી જીવન જીવવાની અતિ આધુનિક પદ્ધતિ !

મનનો આનંદ એટલે વાસ્તવિક આનંદ વિનાનો આનંદ.

શહેરમાં મોડી રાતે ત્રણ કે ચાર વાગ્યા સુધી ઓફિસમાં કામ કરતાં સૉફટવેર એન્જિનિયર પાસે પર્વતો અને સાગરતટ તેના કમ્પ્યૂટરના ડેસ્કટોપ પર ચિત્રરૂપે હોય છે; વાસ્તવમાં નહિ.

આંફિસમાં બેસીને એ પહાડોનાં સૌંદર્યને નિહાળે છે અને માણે છે, સાગરતટનાં મોજાંને સાંભળવાનો પ્રયત્ન કરે છે.

આને શું કહેવાય .. .. ? એને માટે એક શબ્દ છે .. .. અનેકવિધ કામો.

એન્જિનિયરના મતે એ અનેકવિધ કામો કરી રહ્યો છે. ઑફિસમાં કામ કરતાં એ સાગરતટની મોજ પણ માણે છે. કેવી સ્માર્ટ પસંદગી !

પણ દુખદ સત્ય એ છે કે ડેસ્કટોપ પર ચિત્ર જોવા એનો અર્થ એ કે તે માણસ પાસે રજા લેવાનો સમય જ નથી, કારણ કે તે કામમાં ખૂબ વ્યસ્ત છે, કંપનીના સૌથી નાના પ્રોજેક્ટ મૅનેજર બનવા માટે, ચમત્કારિક રીતે સમય કરતાં ખૂબ વહેલું પ્રમોશન મળે તે માટે તે કામમાં ગળાબૂડ ડૂબેલો છે.

સમય કરતાં વહેલાં કામો પતાવવાનું આપણને ઘેલું લાગ્યું છે.

આજે આપણે છ મહિનાના બાળકને કુદરતી હાજત માટે તાલીમ આપવાનો પ્રયાસ કરીએ છીએ !

આપણાં બાળકો સમય કરતાં જલદી મોટાં થઈ જાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. પણ એ આપણી નરી મૂર્ખતા છે.

જેમ પહેલે જ વર્ષે આંબાના વૃક્ષને ફળ આવે એ અપેક્ષા મૂર્ખાઈ ભરી છે, કારણ કે આ વાત વૃક્ષના સ્વભાવ વિરૂદ્ધની છે.

આપણે આમ શા માટે કરીએ છીએ ?

પહેલાંના જમાનામાં જીવનની તમામ ઇચ્છાઓ સંતોષવા માટે એક આયખું પર્યાપ્ત છે એમ લાગતું હતું.

આખરે માણસને શું જોઈએ ? થોડુંઘણું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તે પિતાના ખેતરમાં ધંધે બેસવાનું ચાલુ કરી દેતો. તે લગ્ન કરતો. બાળકો થતાં, એ જ ગામમાં અને એ જ ઘરમાં આખું જીવન વીતાવતો. તેને ક્યાં ઉતાવળ હતી ?

અત્યારે જીવનમાં જે કાંઈ આપણી સમક્ષ આવે તે પ્રમાણે જીવન જીવીએ એટલી આપણામાં ધીરજ રહી નથી !

થોડાં અઠવાડિયાં પહેલાં એક યુવક મને મળવા આવ્યો. એ ત્રીસેક વર્ષનો હશે. એ ખાનગી કંપનીમાં કામ કરતો હતો.

તેણે મને કહ્યું,

સ્વામીજી, મેં તમામ વ્યવસ્થા કરી નાખી છે.

હું એક નવું ઘર બાંધવાનો છું અને તે માટે મેં પચીસ વર્ષની લૉન લીધી છે. લૉન ભરપાઈ થઈ જશે ત્યાં સુધીમાં મારી દીકરીનાં લગ્ન થઈ જશે અને તે તેના જીવનમાં સ્થિર થઈ જશે (એક નાની છોકરી તેનો હાથ પકડીને ઊભી હતી). મારો દીકરો નોકરીમાં સ્થિર થઈ જશે. (તેની પત્ની શિશુને તેડીને ઊભી હતી) ત્યાં સુધીમાં અત્યારે જે ઘર બાંધું છું તેના ભાવ સારી પેઠે વધી ગયા હશે એટલે એ ઘરને સારા ભાવે વેંચી શકીશ. મારી પત્ની સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેશે તેનાથી થોડો વધારે આર્થિક લાભ થશે. થોડાઘણા પૈસા પૌત્રો માટે રાખીને બાકીના પૈસાનું સારી જગ્યાએ રોકાણ કરીને તમારા આશ્રમમાં સ્થિર થઈશું. સ્વામીજી, અમે અહીં આશ્રમમાં ચોક્કસ આવશું. અમારું જીવન કેવળ આપને માટે છે ! કલ્પના કરો !

મારી સાથેની પાંચ મિનિટની વાતમાં તેણે જીવનનાં પચીસ વર્ષ પૂરાં કરી નાખ્યાં. એ

આટલી બધી ઉતાવળ શાને ?

એ એટલો ઉતાવળમાં હતો કે ભાવિ પચીસ વર્ષનો વિચાર કરીને અને તે માટે યોજનાઓ ઘડીને તેણે પચીસ વર્ષને નિચોવી લીધા હતા. હવે સુકાઈ ગયેલાં છોતરાં જેવું જીવન જીવવા સિવાય બાકી શું રહ્યું હતું ?

અને તે મને કહેતો હતો કે તેના જીવનનો એક માત્ર ધ્યેય કેવળ આધ્યાત્મિકતા છે - સિવાય આ રીતે જીવન જીવવા માટે તેને કર્તવ્ય બજાવવાની ફરજ પડતી હતી.

મને કહો, શું આ આધ્યાત્મિક જીવન જીવવાની રીત છે, જેમાં વર્તમાનને ભવિષ્યમાં ગીરવી મૂકવું પડે ?

લૉન અને ક્રેડિટ કાર્ડ એટલે આવતી કાલના જીવનને આજે જીવી લેવાનો પ્રયાસ કરવાની એક નવી રીત.

જે આપણે આવતી કાલે કમાવાના છીએ એ પૈસાનો ઉપયોગ આપણે આજે કરીએ છીએ !

હજી તો વર્તમાનમાં છીએ પણ આપણા ભવિષ્યને આજે જીવી લેવાનો પ્રયત્ન કરીએ છીએ.

શું એ શક્ય છે ? આ તો સમયનો ઊલટો ક્રમ કહેવાય. એ વિષયમાં આઈન્સ્ટાઈનને રસ પડે. આપણું જીવન ભાવિ તરફ સતત દોડે છે. આપણી પાસે જે કાંઈ ઉપલબ્ધ છે તે ક્યારેય પર્યાપ્ત નથી અને સારું નથી એમ મનમાં લાગ્યા જ કરે છે.

આ આપણા માટે એક નવી વાત છે, ખાસ કરીને પૂર્વના લોકો માટે. સદીઓથી આપણે વર્તમાન જીવનને એક 'વહેતા ઝરણા' ની જેમ જોતા આવ્યા છીએ. પુનર્જન્મનો અને જીવનમૃત્યુના ચક્રનો વિચાર આપણા મનમાં એટલો દઢ થઈ ગયો છે કે લોકો આ જ પ્રમાણે વિચારે છે,

આ જન્મમાં આપણી ઇચ્છાઓ પરિપૂર્ણ ન થાય તો શું થઈ ગયું ? બીજું જીવન તો હંમેશાં આપણી સામે છે જ ને !

વિજ્ઞાન અને ટેકનોલોજીની જેમ ઝડપ એ પણ પશ્ચિમની દેન છે.

તેનું સ્વાભાવિક કારણ એ છે કે પશ્ચિમના લોકો એક કરતાં વધારે જીવનમાં માનતા નથી.

હકીકતમાં ઝડપ એ વિજ્ઞાનની સકારાત્મક શાખાનું નકારાત્મક ખરતું પાન છે.

વિજ્ઞાન આપણને જીવન તેની પરાકાષ્ઠા સુધી જીવી શકીએ તેમાં મદદ કરે છે. ટેકનોલોજી આપણને જીવન પાસેથી સૌથી વધારે મેળવી શકવામાં મદદ કરે છે. મનોવિજ્ઞાનની પરિભાષામાં કહીએ તો વિજ્ઞાન એ આપણી જાતનો બહિર્મુખી ભાગ છે. વિજ્ઞાન એ બહાર સર્પાકારે ઊઘડતી ચેતના છે. જ્ઞાનનો સંચય કરવો. પરિણામ મેળવવાં અને કામ ઝડપથી અને સારી રીતે કરવું એ વિજ્ઞાનનું લક્ષ્ય છે. વિજ્ઞાન વિના આપણે આજે પણ બળદગાડીના યુગમાં જ હોત !

પણ આજે આપણે જોઈએ છીએ કે વિજ્ઞાનનાં પરિણામો આપણને ગાંડી દોડધામ કરવા સુધી લઈ ગયાં છે.

આ સતત દોડધામ એ આપણી અંદર રહેલાં અશાંત મનનું પ્રતિબિંબ છે.

હકીકતમાં આપણી આંતરિક અશાંતિને કારણે આપણને દોડવાની ફરજ પડતી હોય તેવું લાગે છે. કશુંક મહત્ત્વનું ચૂકી ગયા હોઈએ એમ લાગે છે. એ શું છે તેની આપણને ખબર નથી, પણ તેને શોધવા માટે આપણે દોડધામ કરવાની છે.

એક કે બીજા સમયે મહત્ત્વની ટ્રેઈન કે બસ ચૂકી ગયા હો એવું સ્વપ્નું આપણામાંના કેટલાને આવ્યું છે ?

આ એક તદ્દન સામાન્ય સ્વપ્નું છે પણ એ અતિશય મહત્ત્વનું છે.

એ દર્શાવે છે કે મોટા ભાગના લોકો જીવનમાં કશુંક ખોઈ બેઠા છે એવા ડરમાં જીવે છે.

અંદરના ઊંડાણમાં આપણે મહેસૂસ કરીએ છીએ કે આપણે જીવનની ટ્રેઈન કોઈ રીતે ચૂકી ગયા છીએ.

પણ આ કેવી રીતે બન્યું એ આપણે સમજી શકતા નથી !

સ્વપ્નમાં છેક સુધી આપણને ઉતાવળ અને ઉતાવળ છે, સમયપત્રક જોયા કરીએ છીએ. યોજનાઓ ઘડીએ છીએ અને ઉતાવળ કરવા માટે એકબીજા સામે બૂમો પાડીએ છીએ. અંતે સ્ટેશન સુધી પહોંચીએ છીએ ત્યારે ટ્રેઈન છૂટી ગઈ હોય છે. બહુ મોડું થઈ ગયું હોય છે !

આજે પાંચ જુદી જુદી ટ્રેઈનો માટે આપણે એક સાથે બુકિંગ કરાવીએ છીએ – કેટલી બધી આગોતરી યોજનાઓ - છતાં એ બધું કોઈ રીતે છૂટી જતું હોય એમ લાગે છે. આપણા જીવનમાં પણ આમ જ બને છે.

આપણું વર્તન પણ એક બાળક જેવું છે. જુદા જુદા સ્વાદની દસ લોલીપોપ આપીને માત્ર પાંચ મિનિટમાં બધી પૂરી કરવાનું કહીએ ! લાલચથી દસેદસ લોલીપૉપને ચાટી શકીએ પણ એકેયનો સારી રીતે સ્વાદ લેવાનો સમય રહેતો નથી.

એક ક્ષણ માટે પાછા વળો અને ઝીણવટથી તપાસો કે છેલ્લાં પાંચ વર્ષમાં તમે કેવું જીવન જીવ્યા છો ?

ખરેખર જે કામ કરવા માગતા હતા તેને સમયના અભાવે કેટલી વાર છોડી દેવા પડયા ?

શું આ બધી દોડધામ જરૂરી હતી ?

એનો અર્થ એ નથી કે પૂર્વના દેશોમાં એક સામાન્ય પ્રથા છે તે પ્રમાણે ફિલસૂફીના અનાસક્તિભાવે જીવન જીવવું એ જ યોગ્ય છે !

એનો અર્થ એ પણ નથી કે જીવનને મુલતવી રાખવું

કેવળ વર્તમાનમાં જીવવું અને ભવિષ્યની તદ્દન ઉપેક્ષા કરવી એ શક્ય નથી. દરરોજ આપણને કામ હાથ ધરવાનું અને નિર્ણય લેવાનું કહેવામાં આવે છે. ચોક્કસ સીમારેખામાં આપણે જીવવાનું હોય છે. આગળનું વિચારવાનું હોય છે, આપણાં

સ્વપ્નાં પૂરાં કરવાનાં હોય છે.

સાચે જ આવતી કાલ માટે ખરેખર યોજના ઘડવી જ જોઈએ.

પણ વર્તમાનમાં જીવવાનું છે એ ભૂલી નહિ જતા !

હું એમ કહેવા માગું છું કે જાણપણું રાખીને જીવો.

સભાનપણે જીવો.

તમારા જીવનની દરેક પળે હાજર રહેતા શીખો.

જે ક્ષણે કાંઈ પણ કામ કરો તેને સંપૂર્ણપણે મન દઈને કરો.

દરેક કામ પર નજર રાખો.

ભલે એ રોજિંદ્ર કામ હોય પણ પહેલી જ વાર કરતા હો એ રીતે કરો. અલબત્ત એ સહેલું નથી. મોટે ભાગે આપણને રસ ન પડે એવાં કામો આપણે કરવાં પડે છે – જેને આપણે રસપ્રદ કહીએ એવાં નહિ ! સવારે નવ વાગ્યે ચિક્કાર ભીડવાળી બસમાં જવાનું, રાત્રે આઠ વાગ્યે જાહેરખબરમાં દર્શાવેલી સ્ત્રીની જેમ ઘરનાં કામો પૂરાં કરવાનાં. પણ કાંઈ વાંધો નહિ !

જે પણ કરો તે સંપૂર્ણપણે મન દઈને કરો.

મનમાં સ્પષ્ટપણે સમજી રાખો. આ વર્તમાનની વાસ્તવિકતા છે. તેમાંથી ભાગી છટાય નહિ.

તેથી એનો આનંદ લો, ડીશ ધોવાની હોય કે તેના જેવું જ બીજું કોઈ કામ હોય ! પથારીમાં ગાઢ નિદ્રામાં હો ત્યારે તમે ધારો તો પણ બે કલાક માટે દોડીને ભાવિમાં જઈ શકતા નથી માનસિક રીતે એમ થઈ શકે પણ શારીરિક રીતે તો તમે હતા ત્યાંના ત્યાં જ રહેવાના.

લાઓ ત્સુએ 'વેઈ–વૂ–વેઈ' નામનો એક સુંદર શબ્દપ્રયોગ કર્યો છે.

વેઈ-વૂ-વેઈ એટલે કર્મમાં અકર્મ.

ખરેખર એ જીવન જીવવાનો સૌથી આનંદદાયક માર્ગ હોવો જોઈએ !

વેઈ-વૂ-વેઈ એટલે દરેક કર્મમાં રમતાંરમતાં, સહજપણે અને સંપૂર્ણપણે પ્રવેશ કરવો. કર્મને ક્રીડામાં રૂપાંતર કરવાની આ એક સુંદર રીત છે. ક્યારેક વાર ડીશ ધોતાં તમને કંટાળો આવે તો તમારાં બાળકને બોલાવો અને તેને તક આપો.

બાળક એ કામ કેવી રીતે કરે છે તેનું નિરીક્ષણ કરો. તે ડીશ ધોવે છે ત્યારે તેના નાનકડા શરીરના દરેક કોષને કામે લગાડે છે. ડીશ ઉપર ઊઠતા સાબુના ફીણની દરેક ડિઝાઈનનો તે આનંદ લે છે. તેને કામ કરવાની કોઈ જ ઉતાવળ નથી અને આનાથી વિશેષ મહત્ત્વનું કામ તેની પાસે બીજું એકે નથી.

હકીકતમાં જે ક્ષણે બાળક જે કામ કરે છે તે તેના જીવનની સૌથી મહત્ત્વની બાબત હોય છે. આ છે વેઈ-વૂ-વેઈ.

તેથી વર્તમાન સાથેના આપણા આ સતત અસંતોષનું એક મુખ્ય કારણ એ છે કે એક જ આયખામાં બને તેટલું વધારે મેળવી લેવાનો લોભ.એ હંમેશાં આપણને દોડધામ કરાવે છે.

જોકે, લોભ એક માત્ર કારણ નથી ! આપણામાંના મોટા ભાગના લોકોને ક્યાંક અટકવું જોઈએ તે વાતનો ડર લાગતો હોય છે.

જીવનના આ બહારના વહેણને આટલું બધું વળગી રહેવાનું બીજું એક મુખ્ય કારણ ડર છે.

દોડધામ એ પોતાની જાતથી છટકવાનો એક માર્ગ છે.

અટકવું, થોભવું, એક ક્ષણ સ્થિર ઊભા રહેવું એટલે આપણા ગૂઢતમ આત્મા સાથે પ્રત્યક્ષ થવું. અંતરના મૌન અને શાંતિ સાથે મુખોમુખ થવાની આ વાત છે. બહારની દુનિયામાં ચાલતા સતત કોલાહલ સાથે આપણું મન ટેવાઈ ગયું છે. તેથી મૌનનો સાક્ષાત્કાર એક ભયંકર અનુભવ લાગે એ માની શકાય એવી વાત છે.

ગંભીર રીતે વિચાર કરીએ તો આપણામાંના કેટલા લોકોમાં પોતાની જાતનો સામનો કરવાની હિંમત છે ?

અંતદષ્ટિ કરવી એટલે સતત દોડધામ કર્યા પછી આપણે સહેજ પણ ખસ્યા નથી એ સત્ય શોધવાનું જોખમ ખેડવું.

આ એક કારણસર કેટલાય લોકો ધ્યાન કરતાં ડરે છે. તેઓ મારી પાસે આવીને કહે છે, સ્વામીજી, મનમાં શાંતિનો અનુભવ થાય તે માટે મારે શું કરવું જોઈએ ?

જો હું તેમને કોઈ મંદિરની ૧૦૮ પ્રદક્ષિણા કરવાનું કહું તો તેઓ રાજીખુશીથી કરશે. અંતે આ પણ દોડતાં દોડતાં કરવાની જ વાત થઈને ! પરંતુ અરધો કલાક જ તેમને ધ્યાનમાં બેસવાનું કહ્યું તો તેમને ભારે પડી જાય.

ઝેનમાં એક સુંદર ધ્યાનપદ્ધતિ છે, જેનું નામ છે, 'કેવળ બેસીને',

'કેવળ બેસીને' – આ તે કેવું નામ !

આજે ઝેન એક માત્ર ધર્મ છે જે ખરેખર જીવંત છે. દરેક યુગ અને સમયની બદલાતી જરૂરિયાતો પ્રમાણે એ પણ બદલાતો રહે છે.

'કેવળ બેસીને' નામના ધ્યાનમાં લોકોને ખરેખર એ નામ પ્રમાણે જ કરવાનું હોય છે – સ્થિર બેસો અને કાંઈ જ ન કરો.

આમ તો દરેક પ્રકારના ધ્યાનમાં સ્થિર બેસી અને કાંઈ ન કરવા વિશેની વાત જ કહેલી છે, પરંતુ ઝેન ટેકનિક તે જ વાત આપણને જાગ્રતપણે કરવાનું કહે છે.

મોટા ભાગના લોકોને એ જ વાત અતિશય કઠિન લાગે છે. જિંદગી આખી આપણે કેટલી ભયંકર ઝડપથી ચાલતાં હોઈએ છીએ. તેથી અટકવા માટે એથીયે વધારે ભયંકર પુરુષાર્થ કરવો પડે,

કારણ કે અટકવું કે થોભવું એટલે આપણા જીવનને એક નવી દૃષ્ટિથી જોવું. ભૂલી ગયેલા આત્માના ફરી સંપર્કમાં આવવું અને રહેવું.

આપણે શું કરી રહ્યા છીએ અને શા માટે કરી રહ્યા છીએ તેની ઝીણવટથી તપાસ કરવી. (કામ શરૂ કરવા માટેનાં મોટા ભાગનાં કારણો હવે નકામાં છે એવું આપણને જાણવા મળે તોપણ)

આ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી !

યાદ રાખો, સર્વશ્રેષ્ઠ ટ્રાન્સઅૅટલાન્ટિક જહાજો પણ એકધારા ઊડી શકતાં નથી; તેમાં પણ ફરી બળતણ નાખવું પડે છે.

એકધારી દોડધામ એ માનસિક રોગને આમંત્રણ આપવાનો એક નિશ્ચિત માર્ગ છે. અટકવું એ જ ઈલાજની પ્રક્રિયા છે. અટકીએ તો જ તમને તમામ દોડધામનો અર્થ સમજાશે.

આ રમૂજી પ્રયોગ તમારા પરિવાર કે મિત્ર આગળ અજમાવો; એકબીજાને કહો, 'થોભો' !

આ એક સુંદર ટેકનિક છે.

તમે અધવચ્ચે હો અને કોઈ બૂમ પાડીને કહે, 'થોભો' ! ત્યારે તમે અચાનક વર્તમાનમાં પાછા ફેંકાઓ છો.

આમ, દોડધામમાં એક અચાનક વિરામ આવે છે.

તમે જાગૃતિમાં એક છલાંગ ભરો છો; તમે વર્તમાનમાં પુનઃ પ્રવેશ કરો છો !

દુ:ખ શા માટે ?

સ્વામીજી, દુ:ખ એ શું છે ? શું દુ:ખ જીવનમાં આવશ્યક છે ? એક સુંદર બૌદ્ધસૂત્ર છે :

न हि दुःख, न हि कारण, न हि अन्त।

દુઃખ ખરેખર શું છે ?

આપણામાંના મોટા ભાગના લોકો તેમના જીવનમાં ક્યારેક તો દુ:ખમાંથી પસાર થયા જ હોય છે.

ધારો કે હું તમને પૂછું કે દુ:ખી થવાનું તમે શા માટે પસંદ કર્યું ? શું દુ:ખી થવાનું જરૂરી હતું ?

મારો આ પ્રશ્ન તમને ચોક્કસ મૂર્ખાઈભર્યો લાગશે !

સ્વામીજી, કોઈ દુ:ખી થવાનું પસંદ કરે ખરું ? તમે મને એવો વળતો પ્રશ્ન પૂછશો.

દુ:ખ થાય છે, બસ ! એ મારા હાથની વાત નથી.

પણ સત્ય એ છે કે દુ:ખ એ એક વિકલ્પ છે !

દુ:ખ એ જીવનની અવસ્થા નથી; મનની સ્થિતિ છે.

એ એક આંતરીક ઘટના છે; બાહ્ય ઘટના નથી. કેટલીક પરિસ્થિતિમાં તમને દુ:ખ ન થાય એ બનવાજોગ છે.

પરંતુ તમે પરિસ્થિતિને કેવી રીતે લો છો તેના પર એ નિર્ભર કરે છે. તમારું દુ:ખ સાચું નથી એમ કહેવું એ અયોગ્ય અને અસત્ય ઠરશે, કારણ કે તમારી યાતના સાચી અને અનિવારણીય હતી. દુ:ખી ન થવાનો વિકલ્પ તમે તમારી જાતને ક્યારેય આપ્યો જ નહિ, કારણ કે તમને ખબર જ નહોતી કે તેનો વિકલ્પ છે ખરો. પણ હવે આ એક પ્રશ્નને સભાનતાથી વિચારી જુઓ.

તમે ક્યારે દુ:ખી થાઓ છો ?

બીમાર પડો છો ત્યારે ? કે તમારા પાડોશીને ત્યાં નવી કાર આવે છે ત્યારે ? કે બીજાને ખાતર તમારો પ્રેમી કે મિત્ર તમને છોડી દે ત્યારે ?

ધારો કે તમે એક વાર મનમાં ગાંઠ વાળી કે કોઈ પણ જાતના ગુસ્સા કે ખીજ વિના મારે આ તમામ ઘટનાઓને સ્વીકારી લેવી છે તો પછી તમને દુ:ખ લાગશે ?

તમારા પાડોશીએ નવી ગાડી લીધી એ વાત દુ:ખદાયક નથી.

કોઈ નિકટની વ્યક્તિ વિદાય લે એ પળ ખરેખર દુઃખદાયક છે અને એ પ્રસંગને તમે ટાળી ન શકો.

પરંતુ એ ક્ષણનો સ્વીકાર કરીને તમે તમારા દુ:ખને ઓછું જરૂર કરી શકો. દુ:ખ એ હંમેશાં હંમેશાં વર્તમાનના વિરોધમાંથી જન્મે છે, માટે તમે યાતનાનો વિરોધ કરવાનો મૂકી દેશો તો યાતના નાશ પામી જશે !

એક માણસ બીજા માળની બારીએથી પડી ગયો અને ચમત્કારિક રીતે બચી ગયો. હૉસ્પિટલમાં તેને જોવા તેનો એક મિત્ર આવ્યો. શું પડવાથી બહ્યું ? મિત્રે વિનમ્રતાથી પૂછ્યું. અરે, પડવામાં કાંઈ જ પીડા નથી થઈ; પીડા તો જમીનનો સ્પર્શ થતાં થઈ, પેલાએ જવાબમાં કહ્યું.

જ્યાં સુધી તમે વહેતાં પ્રવાહમાં રહો ત્યાં સુધી તમને દુ:ખ નથી, સહેજે દુઃખ નથી. જે ક્ષણે તમે તમારા વિચારોને અને ધારણાઓને જીવનના માર્ગમાં વહેતાં મુકશો એટલે એ વહેણમાં અવરોધો ઊભા થશે તેમ તમે દુ:ખમાંથી છટકવા માટે બચાવનો પ્રયત્ન કરશો તો તમે એ દુ:ખની ઘટના કરતાં પણ વધારે દુખી થશો.

મૃત્યુનો જ દાખલો લો ! મૃત્યુ એક ઘટના તરીકે તમને એક જ વાર દુ:ખ પહોંચાડે છે પણ મૃત્યુનો ભય આખી જિંદગી તમારો પીછો કરે છે. મૃત્યુથી સતત ભાગવાનો પ્રયત્ન તમને મૃત્યુ કરતાં પણ વધારે દુ:ખી કરે છે. દુ:ખ ભાગ્યેજ અકસ્માત કે જીવલેણ રોગ જેવી બહુ મોટી ઘટનાથી ઉત્પન્ન થાય છે. જીવનમાં મોટા ભાગનાં દુ:ખો રોજરોજના નાનામોટા ઝઘડા અને સંઘર્ષમાંથી જન્મે છે.

દુ:ખ શા માટે ?

કેટલાંય ઘરોમાં ત્રીસત્રીસ વર્ષનાં લગ્ન પછી પણ પતિ અને પત્ની એ જ નાનીમોટી વાત પર દરરોજ ઝઘડતા જોવા મળે છે ! નથી તેઓ પોતાનું વર્તન બદલી શકતાં કે નથી તેઓ એકબીજાનાં વર્તનને સાંખી કે સ્વીકારી શકતાં. આનું જ નામ છે સંસાર. તમારી પોતાની રહેણીકરણી તમને કેટલું દુ:ખ આપે છે તે તમે જાણતા નથી કે તમે તેને વશમાં રાખી શકતા નથી.

ભાવનાત્મક રીતે બીજા લોકો પાસેથી કે બાહ્ય પ્રસંગોમાં વધારે પડતી અપેક્ષા રાખવાથી દુ:ખ થાય છે, પણ બીજા પર તમારો અંકુશ કેટલો ?

તમે જ તમારા પ્રેરણાસ્રોત બનો. તમારાં સુખને બીજાને ત્યાં ગીરવી ન મૂકો. એક વાત યાદ રાખો કે તમારા પોતાના સુખ માટે તમે જ સો ટકા જવાબદાર છો. તમારી મૂક સંમતિ વિના કોઈ વ્યક્તિ કે વસ્તુ તમને દુખી કરી શકે નહિ ! તમને પ્રેરણા આપવા માટે આ કેવળ ઠાલા શબ્દો નથી. આ એક સીધુંસાદું સત્ય છે.

તમારા પોતાના અનુભવોને જોવાની આદત પાડવાનો પ્રયત્ન કરો. અમુક પરિસ્થિતિમાં તમને કોણ દુખી કરે છે અને તે બાબતે તમે કાંઈ કરી શકો છો ? જો કરી શકતા હો તો કરો.

જો પરિસ્થિતિ તમારી અંકુશ બહાર હોય તો આ બેમાંથી કોઈ એક પ્રતિક્રિયા આપી શકો. (અ.) તમારી જાતને દુ:ખી થવા દો. (બ.) પરિસ્થિતિને સ્વીકારી તમારા જીવન સાથે સાનુકુળ થઈ જાઓ.

પસંદગી તમારી છે !

એક નાનકડી વાર્તા :

શ્રી રામકૃષ્ણ જીવનનાં અંતિમ વર્ષોમાં કૅન્સરથી પીડાતા હતા. તેમ છતાં તેમનું સામાન્ય જીવન યથાવત હતું શારીરિક દૃષ્ટિએ રોગ સાથે રોજની લડત હતી પણ ગુરુના અંતરમાં શાંતિ હતી.

એક દિવસ એક શિષ્યે તેમને લાગણીથી પૂછ્યું,

આ રીતે તમારા ચહેરા પર સ્મિત કેવી રીતે આવી શકે છે ? આટલાં બધાં દુ:ખને તમે કઈ રીતે સહન કરી શકો છો ? કેવું દુ:ખ ? શ્રી રામકુષ્ણે તેને વળતો પ્રશ્ન પૂછયો. દુ:ખ છે પણ દુ:ખનું અનુસંધાન નથી; દુ:ખની પીડા નથી. દુ:ખમુક્ત હોવું એનો અર્થ દુ:ખ છે જ નહિ એમ નથી. આજ સુધી કૅન્સર માટે, ભખમરા માટે કે ફર્નિચર સાથે તમારો અંગઠો ન અથડાય એ માટે કોઈ ઉપાય શોધાયો નથી. દુ:ખની તમારા પર અસર ન થવા દેવી કે દુ:ખને કોઈ પ્રતિભાવ ન આપવો એમાં સ્વતંત્રતા રહેલી છે.

તમે મને પૂછો છો – શું દુ:ખ જરૂરી છે ?

હા, અમુક રીતે.

કારણ કે જીવનવિકાસ માટે દ્દઃખ એક અસરકારક ઉદ્દીપકનું કામ કરે છે. જેમ છોડ ઊગે કે ખીલે તે પહેલાં બીજમાંથી ફણગો ફટે છે તેમ તીવ્ર દુ:ખ તમારા અહંકારને છિશ્વભિત્ર કરી નાખે છે અને ઇશ્વર સમક્ષ તમને ખુલ્લા મૂકી દે છે. ચીલાચાલુ વિચારો છિશ્વભિન્ન થઈ જાય પછી વસ્તુને યથાવતા જોવાનું તમે શરૂ કરો છો; વસ્તુને તેના સાચા સ્વરૂપમાં જોવાની શરૂઆત કરો છો.

દુઃખ દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ છે. દ્દઃખ તમારો ઉપયોગ કરે તે પહેલાં દ્દઃખનો ઉપયોગ કેમ કરવો તેમાં સાચી પરિપક્વતા રહેલી છે.

એક નાનકડી વાર્તા :

એક જ્ઞાની અને એક સામાન્ય માણસ અમાસના અંધારામાં રસ્તો કાપી રહ્યા હતા. અચાનક આકાશમાં વીજળીનો ઝબકાર થયો.

પેલો સામાન્ય માણસ તો ભયથી ધ્રૂજવા માંડયો.

આંધી ! તેનું મન અસમંજસમાં પડી ગયું. આગળ ચાલું કે આંધી શમી જાય ત્યાં સુધી સલામત જગ્યા શોધી રોકાઈ જઉં ? તેને મનમાં વિચાર આવ્યો કે હૂં આજે

બહાર ન નીકળ્યો હોત તો સારૂં થાત. પોતાને મૂર્ખ અને કમનસીબ કહીને શાપ વરસાવા લાગ્યો. બીજા શબ્દોમાં કહેવું હોય તો એ દૃ:ખમાં માથાબડ ડુબી ગયો ! બીજી બાજુ જ્ઞાનીએ વીજળીના ઝબકારમાં રસ્તાને સ્પષ્ટ રીતે જોઈ લીધો. હવે તેને ખાતરી થઈ ગઈ કે તે યોગ્ય દિશામાં જ આગળ વધી રહ્યો છે. આ મદદ માટે તેણે વીજળીનો આભાર માન્યો, કારણ કે તે વીજળીના પ્રકાશમાં માર્ગને સારી રીતે જોઈ શક્યો અને તે માર્ગે આગળ ચાલી શક્યો.

દુ:ખ પણ વીજળીના ઝબકાર જેવું જ છે. તેના અસ્તિત્ત્વ પર તમારો કોઈ અંક્શ નથી પણ તેનાથી દુ:ખી થવું કે તેમાંથી કંઈક શીખવું એ તમારા પર નિર્ભર છે.

તમે દઃખને માણો છો ?

દ:ખની પાછળ એક અત્યંત ઊંડું રહસ્ય છપાયેલું છે : તમે દ્દઃખને માણી શકો છો. માંદા પડવું એ પણ સુખનું કારણ બની શકે. જો માંદગી દ્વારા તમે શરીરની કાળજી અને ધ્યાન લેતાં થાઓ તો !

એક નાનકડી વાર્તા :

એક માણસ એક બહુ મોટી કંપનીમાં કામ કરતો હતો. દરરોજ બપોરના ભોજન માટે તે એક જ વાનગી લઈ આવતો. દરરોજ તે ફરિયાદ કરતો કે આ વાનગી તેને સહેજ પણ ભાવતી નથી. તેના મિત્રો તેની સાથે આ વાનગી દરરોજ ખાતા હતા. રોજ તેની ફરિયાદ સાંભળી તેના દ્રુઃખ પર દયા ખાઈને તેના મિત્રોએ આખરે તેને સલાહ આપી કે તારી ભાવતી વાનગી બનાવે એમ તારી પત્નીને કેમ નથી કહેતો ? આ વાનગી તને નથી ભાવતી તેની જાણ તારી પત્નીને નથી ?

શું, પત્ની ? તે માણસે આશ્ચર્યથી જવાબ આપ્યો.

હું તો કુંવારો છું અને મારું ખાવાનું હું પોતે જ બનાવું છું આવી કેટલીય ફરિયાદો તમે સૂક્ષ્મ રીતે કર્યા કરતા હો છો. એની ખબર તમને ક્યારેય હોય છે ? અન્યની સહાનુભૂતિ મેળવવા તમે જાણીબુઝીને તમારાં માટે દુઃખ ઊભૂં કરો છો. દા. ત. કોઈની સાથે ઝઘડો થયો હોય ત્યારે તેનો બદલો લેવા તમે જમ્યા વગર ચાલી નીકળો છો.

તમારી જાતનું પરીક્ષણ કરો. શા માટે પોતાને કે બીજાને દુ:ખ આપવામાં તમને આનંદ આવે છે ?

શું દ્દ્રઃખ આપ્યા વિના આનંદ મેળવવાનો બીજો કોઈ રસ્તો જ નથી ? તમારી જરૂરિયાતને સંતોષવા કોઈ સકારાત્મક માર્ગ છે ? હોય તો જાણી રાખો – આ છે પ્રથમ પગલં

'અહીં' અને 'વર્તમાન' એ બંનેનો સંપૂર્ણપણે સ્વીકાર આ છે બીજું પગલું સ્વીકાર સાથે જાગૃતિ. – દુ:ખમાંથી બહાર નીકળવાનો આ જ એક માર્ગ છે. તમારી પરિસ્થિતિનો સ્વીકાર કરવા માટે કોઈ પગલાં લેવાની જરૂર જ નથી એમ હું કહેવા નથી માગતો.

જરૂરી તમામ પગલાં લો પણ પરિસ્થિતિને તમારા પર હાવી થવા ન દો. પ્રતિક્રિયા નહિ - ફક્ત ક્રિયા જં.

જીવનનો મૂળ સ્રોત એક જ છે ? આપણે સૌ ગૂઢ રીતે એકબીજાથી જોડાયેલા છીએ ?