તમારો મંત્ર કયો છે ?
તમારો મંત્ર કયો છે ?
શબ્દાતીત શક્તિ
પ્રશ્ન : સ્વામીજી, મંત્રમાં ખરેખર શક્તિ રહેલી છે ?
જવાબ : હા. મંત્ર (પવિત્ર નામજાપ) માં અદ્દભુત શક્તિ રહેલી છે, પણ લોકો વિચારે છે એવી નહિ.
મંત્ર શક્તિશાળી છે. તેનું કારણ એ નથી કે જ્ઞાન અને શક્તિના દેવને રીઝવી તેમની પાસેથી અનુગ્રહ પ્રાપ્ત કરી શકો.
મંત્ર અસરકારક છે, કારણ કે તેમાં ધ્વનિના ક્રમની કાળજીપૂર્વક ગોઠવણી છે – અને ધ્વનિ એ ઉર્જાનું એક શક્તિશાળી રૂપ છે.
આપણે જુદા જુદા અવાજો સાંભળીએ છીએ. એ વાસ્તવમાં અલગ અલગ સમયાંતરે આવતાં સ્પંદનો છે. આપણા કાન આ સ્પંદનોને પકડે છે અને મગજ તેનું ધ્વનિમાં રૂપાંતર કરે છે.
જ્યારે ધ્વનિનાં મોજાં નિયત ક્રમમાં એકબીજાને અનુસરે ત્યારે સંવાદિતાનું નિર્માણ થાય છે અને તેને આપણે સંગીત કહીએ છીએ, પણ ધ્વનિનાં મોજાંની એક અનિયમિત પૅટર્ન થાય તો તેને આપણે 'ઘોંઘાટ' કહીએ છીએ.
શબ્દો એ કેવળ અવાજ જ છે પણ તેને આપણે અર્થ આપ્યો છે. ઉર્જાના સ્તરે તે હજી પણ તરંગ કે સ્પંદન તરીકે જ કામ કરે છે. રંગની જેમ, વિવિધ સ્પંદનો પણ તમારામાં વિવિધ શારીરિક અને ભાવનાત્મક પ્રતિક્રિયા ઉત્પન્ન કરી શકે છે, કારણ કે ધ્વનિમાં પ્રતિઘોષનો ગુણ રહેલો છે.
અમૂક સમયાવધિમાં પૂનરાવર્તિત થતાં અવાજનાં મોજાં મગજનાં મોજાંને મળે છે ત્યારે બંનેનું જોડાણ સંવાદી કે અસંવાદી અસર ઊભી કરી શકે છે અથવા એ જોડાણ મગજના જુદા જુદા જુદા વિસ્તારને કાર્યાન્વિત કરે છે કે તેને નિદ્રામાં મૂકી દે છે (નિષ્ક્રિય કરી મૂકે છે). આને લીધે શારીરિક કે ભાવનાત્મક બંને પ્રકારની અસર તમારા પર પડે છે.
તમે જાણો છો, જાપાનના સમરાઈ યોદ્ધાઓ આવી અસર ઊભી કરવા માટે 'રણહાક' અથવા કિઆઈનો ઉપયોગ કરે છે.
એક નાનકડી ચાવીમાં આ અવાજ ઉત્પન્ન કરવામાં આવે તો ધમનીના બીપીને ઓછું કરવાની અને દર્દમાં આંશિક લકવાની તત્કાળ અસર ઉત્પન્ન કરવાની તેમાં શક્તિ રહેલી છે. તે સાથે મગજના 'ભય' વિસ્તારને કાર્યાન્વિત કરી તે દુશ્મનના મનમાં રઘવાટ ઊભો કરે છે.
એકદમ સ્પષ્ટ રહો : શબ્દો કેવળ શબ્દો જ નથી. શબ્દો એ ધ્વનિશક્તિનું મૂર્ત સ્વરૂપ છે.
મંત્ર આ સિદ્ધાંત પર જ કામ કરે છે.
જો વિદ્યાર્થી સરસ્વતીસ્તોત્રનો નિયમિત પાઠ કરે તો તે સારી રીતે અભ્યાસ કરી શકે છે એમ કહેવાય છે, પણ શા માટે ? શું સાક્ષાત્ સરસ્વતી (વિદ્યાદેવી) વિદ્યાર્થી સમક્ષ પ્રગટ થઈ પરીક્ષામાં પાસ થવાનું વરદાન આપે તે માટે ?
હકીકત એ છે કે સરસ્વતીસ્તોત્રમાં બીજમંત્ર (પવિત્ર મંત્ર) છે. તેનો સતત જાપ કરવામાં આવે તો મગજનો જે વિસ્તાર સ્મરણશક્તિ અને એકાગ્રતાનું નિયંત્રણ કરે છે તે ઉદ્દીપ્ત થાય છે એવું પુરવાર થયું છે. તેથી આ મંત્રનો જાપ જાણે મગજના એ વિસ્તારને જોશ અને ગરમાટો આપવા માટે કસરત ન હોય ! તેથી સ્વાભાવિક છે કે વિદ્યાર્થી પુસ્તક હાથમાં લે તે પહેલાં જો આ મંત્રજાપ કરે તો તે વધારે સારી એકાગ્રતા રાખી પાઠને વધારે સારી રીતે યાદ રાખી શકે.
અનેન્ય ભક્તો ક્યારેક એવો દાવો કરે છે કે યોગ્ય મંત્રનો જાપ કરી તેઓ અમુક દેવને સાક્ષાત્ પ્રગટ કરી શકે છે.
અગ્નિને અર્ધ્ય આપી હું મહાયાગ કે હોમ કરું છું ત્યારે મને પણ ઘણીવાર આવો અનુભવ થયો છે.
વિધિપૂર્વક મંત્રોચ્ચારથી પવિત્ર અગ્નિદેવને આહ્યાન કરું ત્યારે યજ્ઞમાંથી સાક્ષાત્ અગ્નિદેવ પ્રગટ થાય છે.
આ તમને કદાચ ચમત્કાર જેવું લાગશે પણ તેની પાછળ એક સબળ વૈજ્ઞાનિક કારણ રહેલું છે.
તમે ટોનોસ્કોપ વિશે સાંભળ્યું છે ?
વીસમી સદીના ઉત્તરાર્ધમાં હૅન્સ જેશ્વી નામના સ્વિટ્ઝરલેન્ડના એક પ્રયોગકારે ટોનોસ્કોપ નામના એક ઉપકરણની શોધ કરી. આ ઉપકરણ ધ્વનિને ગ્રાફિક ડિઝાઈનમાં કે આકારમાં પરિવર્તિત કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ આ ઉપકરણની અંદર જે શબ્દો બોલે તેનું એક ચિત્ર તે શબ્દોના ધ્વનિના આધારે નિર્માણ કરી શકે છે !
પ્રયોગકારોએ ટોનોસ્કોપની ચકાસણી કરી તો તેઓ નવાઈ પામી ગયા. તેમણે જોયું કે એક વ્યક્તિએ ટોનોસ્કોપમાં 'ઓહંહહ' એવો અવાજ કર્યો તો તેમાંથી એક સંપૂર્ણ વર્તુળ - 'o' જેવું ચિત્ર - 'ઓ' બહાર પડયું.
'ઓહંહહ' ના ધ્વનિથી જે સ્પંદનો ઊભાં થયાં તેની ગ્રાફિક ડિઝાઈનમાં રજુઆત કરી તો વર્તૃળ આકાર બન્યો, જે આપણે 'ઓ' અક્ષર લેખિત ભાષામાં વાપરીએ છીએ તેના જેવા હતો.
એનો એવો અર્થ થાય કે ધ્વનિ અને ધ્વનિનો આકાર એ બંને વચ્ચે એક ચોક્કસ સંબંધ છે. વિવિધ સ્પંદનો આપણી આંખ સમક્ષ અમુક રૂપે પ્રગટ થાય છે. હોમ કરતી વખતે અમુક મંત્રનો જાપ કરીએ ત્યારે અગ્નિમાં એક સ્પંદન ઊભું થાય છે અને તે મોજાં જેવો આકાર પકડે છે. આ આકારમાંથી પ્રાચીન હિંદુ ઋષિઓએ દેવનું અંદાજે ચિત્ર દોર્યું. તેથી સ્વાભાવિક છે કે ધ્વનિની એ જ શ્રેણીનો સંપૂર્ણપણે જાપ કોઈ કરે તો એક જ પ્રકારનું સ્પંદન તે ઊભું કરી શકે અંતે એક જ પ્રકારના રૂપ કે દેવતાનું અગ્નિમાં દર્શન થાય છે. કેટલી સરળ વાત !
મંત્ર આપણા પર અનેક સૂક્ષ્મ રીતે કામ કરે છે અને તેની આપણને જાણ પણ હોતી નથી. શક્તિના સ્તરે, મંત્ર 'ઉદ્દીપક' અથવા 'વિશુદ્ધક' તરીકે કામ કરે છે. આ વિચાર સમજવામાં થોડો અઘરો છે પણ મારા અનુભવ પરથી તમને કહી શકું કે એ વાત સાચી છે.
તમારા તંત્રમાં ત્રણ પ્રકારની શક્તિ રહેલી છે : ઇચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિ. ઇચ્છાશક્તિ એ 'પાયાની ધાતુ' છે. શુદ્ધિકરણની પ્રક્રિયા દ્વારા તેમાંથી બીજી બે શક્તિનું નિર્માણ થઈ શકે છે.
તમારી શક્તિ (તમારું શક્તિક્ષેત્ર) માં મંત્રનાં સ્પંદનોનો ઉમેરો કરો તો તે શુદ્ધિકરણની પ્રક્રિયાથી ઇચ્છાશક્તિનું જ્ઞાનશક્તિમાં પરિવર્તન કરી શકે છે. મંત્ર શબ્દના બે અર્થ છે :
મન્ - ત્ર: મન્ એટલે માનવજાતિ, ત્ર એટલે જે માર્ગ દર્શાવે છે તે. તેથી મંત્ર એટલે જે માનવજાતિને માર્ગ દર્શાવે છે તે.
મનુ - ત્ર : મનુનો બીજો અર્થ છે મન અને ત્રનો અર્થ છે કે જે માર્ગ દર્શાવે છે તે. તેથી મનમાંથી બહાર નીકળવાનો જે માર્ગ દર્શાવે છે તે મંત્ર અથવા જે તમને મનમાંથી બહાર કાઢે તે મંત્ર.
જેમ કાચી સામગ્રીને શુદ્ધ કરવા તેના પર તેજાબ રેડવામાં આવે છે તેમ જીવનમાં સતત મંત્રજાપનો ઉમેરો કરવાથી તે ૨૨ કૅરેટનું સોનું બને છે. અને જો આ મંત્રજાપની પ્રક્રિયા સતત ચાલુ રાખો તો અંતે જીવન ૨૪ કૅરેટનું શુદ્ધ સોનું બનશે. મારા મતે અધ્યાત્મ જીવન એ સાચું જીવન છે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે મંત્ર અસરકારક ટેકનિક છે.
જોકે, અધ્યાત્મજીવનમાં આપણે મંત્રનો ઉપયોગ કરતા જ નથી.
ધાર્મિક કે અધાર્મિક, આધ્યાત્મિક કે ભૌતિક લોકો પણ મંત્રજાપ તો કરતાં જ હોય છે. આપણા રોજબરોજના જીવનમાં કોઈ ને કોઈ મંત્રનો ઉપયોગ આપણે જાણ્યેઅજાણ્યે કરતા જ હોઈએ છીએ.
એ જરૂરી નથી કે મંત્ર સંસ્કૃત ભાષામાં હોવો જોઈએ ! એમ પણ વિચારતા નહિ કે મંત્ર એટલે 'ઓમ નમ : શિવાય' કે 'હરિ ઓમુ નમો : નારાયણ.' આજે તો સૌ અંગ્રેજી મંત્રો બોલે છે. દા. ત. હું જીતીશ જ ! મારી વાત સામી વ્યક્તિને ગળે ઉતારીને જ જંપીશ. મને પ્રેમ કરવા માટે હું તેને ફરજ પાડીશ જ ! આ મંત્રો ધ્વનિમાંથી શક્તિ નથી મેળવતા, પણ તમે જ આ મંત્રોમાં શક્તિ પૂરો છો.
પરંતુ મંત્રમાં રહેલી શક્તિનો તમને ખ્યાલ જ નથી.
એક લઘુ કથા :
એક વાર પૂર્વના એક લોકપ્રિય વક્તા 'મંત્રનું મહત્ત્વ' એ વિષય પર પશ્ચિમમાં પોતાનું વક્તવ્ય આપતા હતા. એક માણસ ઊભો થયો અને તેમને પડકાર કર્યો, હું આ બકવાસમાં માનતો નથી. શબ્દાવલીના રટણની આપણા પર અસર થતી હશે ? શું આપણે એટલા મૂર્ખ છીએ ?
વક્તાએ તેના પર વેધક દષ્ટિ કરી અને ત્રાડ પાડી, ચૂપ બેસ, મૂર્ખ, ગમાર ! મને પડકારવાની તારી આ હિંમત !
પ્રશ્ન પૂછનાર એકદમ ક્રોધે ભરાયો. ક્રોધથી તેનું શરીર કાંપવા લાગ્યું. પોલીસને ફરિયાદ કરીશ એવી ધમકી આપીને તે વક્તા પર ગાળો વરસાવા માંડયો વગેરે વગેરે.
જેવું તેનું બોલવાનું પૂરું થયું એટલે વક્તા ખડખડાટ હસી પડયા અને બોલ્યા, જો ભાઈ, એક અપરિચિત વ્યક્તિના બેચાર શબ્દોની તારા જાગ્રત મન પર આટલી ઘાતક અસર થઈ શકે તોપછી સકારાત્મક સૂત્રોનું જાગ્રતપણે સતત રટણ કરવામાં આવે તો તેની અચેતન મન પર અસર થઈ શકે એ વાતમાં શંકા શાને ? જે શબ્દોનું તમે સતત રટણ કરો, જે સંદેશ તમે અચેતન મનને આપ્યા કરો એ તમારા માટે મંત્ર બની રહેશે.
જે શબ્દોનું રટણ કરો એ બની જશે તમારો મંત્ર ! હકીકતમાં જીવનમાં કાંઈક પ્રાપ્ત કરો છો તે આ જ રીતે હોય છે. જીવનમાં ઇચ્છા સૌ પ્રથમ એક સંકલ્પ કે મંત્રરૂપે પ્રગટ થાય છે. સતત પ્રયત્નથી તમે એ ઇચ્છાને વાસ્તવિકતામાં પલટો છો.
પરંત એકદમ સ્પષ્ટ રહો : જો મંત્ર અજ્ઞાત હશે તો પરિણામ પણ અજ્ઞાત હશે; તમારા નિયંત્રણમાં નહિ. મંત્રનો જાપ જાગ્રતપણે કરશો કે તમારી શક્તિને કોઈ ઉદ્દેશ્ય તરફ વાળશો તો પરિણામ તમારી ઇચ્છા મુજબનું હશે.
મંત્ર જ્ઞાત છે કે અજ્ઞાત એ કેમ જાણી શકાય ?
રોજિંદા જીવનમાં કયાં પરિબળો તમારું વહન કરે છે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરો. તમે જાણો છો કે એ કયાં પરિબળો છે અને એ તમારાં કર્મો પર કેવી રીતે અસર કરે છે ?
તમે જ્ઞાતપણે કોઈ માર્ગને અનુસરો છો ?
તમે સ્પષ્ટ છો ? શા માટે ?
જો તમારો મંત્ર અજ્ઞાત હોય એટલે કે સમજ્યા વિના કેવળ આદત પ્રમાણે કરતા હો તો પરિણામ પર તમારું નિયંત્રણ નહિ હોય. આ અજ્ઞાત નૈસર્ગિક પ્રેરણા તમને જ્યાં દોરી જાય ત્યાં તમારું જીવન ઘસડાતું જશે. મંત્રનો જાપ જ્ઞાતપણે કરવાનું નક્કી કરો તો ગાડી તમે ચલાવશો. પણ મંત્રને તમારું રટણ કરવા દેશો કે અજ્ઞાત પ્રક્રિયાને તમારી અંદર ચાલવા દેશો અને તમારા કર્મોનું નિયંત્રણ કરવા દેશો તો ગાડી તમને ચલાવશે !
તમે ગાડી ચલાવતા હો તો તમને ખબર હોવાની કે તમે ક્યાં જઈ રહ્યા છો પણ ગાડી તમને ચલાવતી હશે તો તમે ક્યાં પહોંચશો તેનો તમને ખ્યાલ પણ નહિ રહે !
તેથી તમારા મનને ચેતનાથી ભરી દો.
સ્પષ્ટતા અને પ્રતિબદ્ધતા સાથે તમારો મંત્ર પસંદ કરો. માર્ગ અને મુકામ બંને સ્પષ્ટ બની જશે.
નૃત્ય કરતાં કરતાં તમારા મુકામ સુધી પહોંચી જશો.