Chapter 11

કહો નહિ, મહેસૂસ કરો

1 sections

કહો નહિ, મહેસૂસ કરો

મારો આભાર ! આ શબ્દપ્રયોગ તમે જિંદગી આખી કરો છો. બાળપણથી જ તમારો આભાર એમ કહેવાનું તમને શીખવવામાં આવ્યું છે. સમય જતાં બાળક પુખ્તવયનું થાય છે. પછી આ શબ્દપ્રયોગ તેના જીવનનો એક ભાગ બની જાય છે.

એક વ્યવસાયી ઢબે આ શબ્દનો આપણે યંત્રવત્ પ્રયોગ કરીએ છીએ. તમારો આભાર એ શબ્દોમાં કૃતજ્ઞતાની અપેક્ષિત લાગણી આપણને ભાગ્યે જ જોવા મળે છે.

વાસ્તવમાં આપણું આખું જીવન કૃતજ્ઞતાની વિરુદ્ધની લાગણી પર એટલે કે અપેક્ષા પર નિર્ભર છે.

સંબંધોમાં આપણે પ્રેમની અપેક્ષા રાખીએ છીએ. લોકોનું ધ્યાન આપણા તરફ કેન્દ્રિત થાય એવી સમાજ પાસે આપણે અપેક્ષા રાખીએ છીએ. આપણે વધુ ને વધુ સારો દેખાવ કરીએ એવી પોતાનીં પાસે પણ અપેક્ષા રાખીએ છીએ. જગતની કોઈ વ્યક્તિ આપણને ક્યારેય આપી ન શકે એવી દરેક વસ્તુની માગણી આપણે પરમાત્મા પાસે કરીએ છીએ.

આપણી પાસે જે કાંઈ છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કર્યા વિના આપણે હંમેશાં માગતાં જ રહીએ છીએ.

કૃતજ્ઞતા એ તમારા પર લાદેલી કોઈ નૈતિકતા નથી.

એ તમારા પોતાના સુખ માટે એક મૂળભૂત સિદ્ધાંત છે.

જ્યાં સુધી માગ્યા કરશો ત્યાં સૂધી તમે બાહ્ય પ્રસંગોના નિયંત્રણ હેઠળ રહેશો. કૃતજ્ઞતાપૂર્વક જીવશો તો કોઈ પણ પદાર્થ કે વ્યક્તિ તમારા સુખને સ્પર્શ નહિ કરી શકે.

અપેક્ષા સાથે જીવશો તો અપેક્ષાઓ અને તેની પૂર્તિ એ બંને વચ્ચે જરૂર મોટી ખાઈ ઊભી થશે. એક ઇચ્છા સંતોષાશે એટલામાં બીજી દસ ઇચ્છાઓ ઉછળીને બહાર આવશે.

અલબત્ત, દરેકના જીવનમાં ઉતારચડાવ આવતાં જ હોય છે. કેટલીય ઇચ્છાઓ હંમેશાં અતૃપ્ત રહેતી હોય છે અને એ સ્વાભાવિક છે. સવાલ એ છે કે પ્યાલો અધુરો છે કે ભરેલો છે ? એને કેવી રીતે જોવો એ તમારી પસંદગીનો વિષય છે.

તમારી પાસે જે નથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરશો તો જીવનમાં ખાલીપો લાગશે. 'મને જોઈએ છે…' આ શબ્દો બ્લૅક હોલ જેવા છે. એ તમારી પાસેની તમામ વસ્તુને ગળી જશે અને અંતે રહેશે ખાલીપો.

એક વાર એક માણસ રમણ મહર્ષિ પાસે આવ્યો અને કહ્યું,

ભગવન, મને શાંતિ જોઈએ છે !

રમણે જવાબ આપ્યો. તારા પોતાના વાક્યમાંથી 'મને' શબ્દ કાઢી નાખ, 'જોઈએ છે' શબ્દોને દૂર કર. પછી જે બાકી રહેશે તે છે શાંતિ !

અહમને દૂર કરો, અપેક્ષાને તિલાંજલી આપો – અને શાંતિ તમારી પાસે જ છે. તમે શિવ અને બ્રહ્મકપાલની વાર્તા સાંભળી છે. આ બ્રહ્મકપાલ આપણા સૌની અંદર રહેલો છે. એ આપણા અહમ્ સિવાય બીજું કાંઈ નથી. અહમ્ એવું છે કે જે દરેક વસ્તુને ગળી જાય છે.

અત્યારે તમને જે વસ્તુની ઇચ્છા થાય છે તેનો વિચાર કરો અને તેની એક યાદી તૈયાર કરો.

હવે તમારી પાસે જે વસ્તુ છે તેની એક યાદી બનાવો. કઈ યાદીથી તમને ખૂશી થાય છે અને કઈ યાદી તમને વ્યથિત કરી મૂકે છે ?

જવાબ સ્પષ્ટ છે.

તો કહો, તમારે કઈ યાદી પર ધ્યાન આપવું જોઈએ ?

પોતાના સુખને જાળવી રાખવાની સમજણ દરેક જીવંત વસ્તુમાં હોય છે. તોપછી

આભાર નહિ !

આપણી પાસે કેમ ન હોય ?

તમારા જીવનનો આધાર કેવળ માગણી પર હોય કે કૃતજ્ઞતાની લાગણી પર હોય એવું ઇચ્છો છો ? એ તમારા પર નિર્ભર કરે છે.

વિશ્વમાં બે પ્રકારના ધર્મ છે : પ્રાર્થના પર આધારિત અને કૃતજ્ઞતા પર આધારિત. બહજનસમાજ પ્રાર્થનાધર્મને અનુસરે છે. કૃતજ્ઞતાનો ધર્મ અમુક ચુનંદા વ્યક્તિ જ અનુસરી શકે છે.

પ્રાર્થનામાં યાચના અને અપેક્ષાનો ભાવ હોય છે અને કૃતજ્ઞતામાં અધ્યાત્મભાવ હોય છે.

સૂફી અને હસીડી સંપ્રદાયનો પણ આ જ સિદ્ધાંત છે. કૃતજ્ઞતાપૂર્વક જીવન જીવવું એ એક કળા છે. એ દરેક વસ્તુને પવિત્ર બનાવી દે છે. સૂફીઓ અને બાઉલો ઇશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ગાન કરે છે અને નૃત્ય કરે છે. ગાયન અને નૃત્ય એ પ્રાર્થનાના જ રૂપ છે.

કૃતજ્ઞતા દર્શાવવી એનો અર્થ પૂજામાં કલાકો ગાળવા એવો નથી. કેવળ પ્રસન્ન રહો. જીવન ઇશ્વરની દેન છે એ વાતનું જાણપણું રાખો. આટલું પૂરતું છે. કૃતજ્ઞતા દર્શાવવી એ ફરજ કે વિધિ બની ગઈ છે. તેથી સાચી કૃત્તજ્ઞતા કેવી હોય તે આપણે ખરેખર ભૂલી ગયા છીએ. જિંદગી આખી તમને એક વાત શીખવવામાં આવી છે કે તમારા માતાપિતાના, તમારા શિક્ષકોના, મિત્રોના અને અપરિચિતોના આભારી રહો. આ એક આદત બની ગઈ છે. કૃતજ્ઞતાની સાચી લાગણી જાગે ત્યારે જ એ બંને વચ્ચેનો બહુ મોટો તફાવત સમજાય ! કૃતજ્ઞતા એ આનંદ અને અનુકંપામાંથી ઊઠતાં મોજાં છે. એ તમારા હૃદયમાંથી તમારી જાણ વિના વહે છે; તમે એને અટકાવી પણ શકતાં નથી !

આપણે કૃતજ્ઞતાની મીઠાશ માણી નથી. ઇશ્વર પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવો ત્યારે પરિતૃપ્તિની અદ્દભુત લાગણીનો અનુભવ થશે.

એક નાની વાર્તા :

સૂફી ગુરુ જુનૈદ દરરોજ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા ઈશ્વરને પાંચ વાર પ્રાર્થના કરતા. એક વાર જુનૈદ અને તેમના શિષ્યો જે ગામમાં કોઈ જ સૂફી ધર્મમાં માનતું નહોતું ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પહેલા ગામમાં લોકોએ તેમને ભિક્ષા આપવાની ના પાડી દીધી. આથી તે દિવસે તેમને ભૂખ્યા રહેવું પડ્યું. બીજે દિવસે પણ એમ જ બન્યું. ત્રીજે દિવસે જે ગામમાંથી પસાર થયા ત્યાં લોકોમાં તેમને માટે એટલા વેર અને વિરોધ હતા કે લાકડી અને પથ્થર મારીમારીને તેમને કાઢી મૂક્યા. તે રાત્રે રોજની જેમ જુનૈદે ઘંટણિયે પડી ઇશ્વરને પ્રાર્થના કરી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી. આ જોઈએ તેમના કેટલાક શિષ્યો ગુસ્સે થઈ ગયા.

ગુરુજી, ત્રણ દિવસથી આપણે ખાધાપીધા વગર ભૂખે મરીએ છીએ. વળી આજે તો ગામના લોકોએ આપણને કૂતરાની જેમ હાંકી કાઢ્યા. શું એ માટે તમે ઇશ્વરનો આભાર માનો છો ? શિષ્યોએ ગુરુને પ્રશ્ન પૂછ્યો.

જુનૈદે જવાબ આપ્યો. કોઈ ખાસ કારણસર મેં ક્યારેય ઇશ્વરનો આભાર માન્યો નથી. કોઈ કારણસર હું ક્યારેય આભારવશ થયો નથી. તોપછી આજે હું આભારની લાગણી દર્શાવવાનું શા માટે બંધ કરું ? કૃતજ્ઞતાની લાગણી માટે મને કારણ કે નિમિત્તની જરૂર નથી. મારામાં કૃતજ્ઞતાનું ઝરણું આપોઆપ વહે છે.

જીવન એ ઇશ્વર પાસેથી મળેલી અમૂલી ભેટ છે. કૃતજ્ઞ થવા માટે જીવન એ જ પર્યાપ્ત કારણ છે. ઇશ્વર આપણા પર મહેર વર્ષાવે છે ! સૂર્યપ્રકાશ, ફળ, તમારું શરીર, તમારું જીવન – આમાનીં એક પણ વસ્તુ માટે તમે ક્યારેય માગણી કરી હતી ?

જીવન આપવાને લાયક બનવા માટે તમે ક્યારેય કઠોર પરિશ્રમ કર્યો હતો ? કોઈ એમ કહી શકશે કે ઇશ્વરના રસોડામાં કે બાગમાં થોડો સમય તેણે મહેનત કરી છે. તેથી ઇશ્વરે તેને આ જીવન બક્ષ્યું છે ? ના.

આભાર નહિ !

જીવન આપણને કેવળ ભેટરૂપે મળ્યું છે.

તેથી જ આપણે તેનું મૂલ્ય ઓછું આંકીએ છીએ, તેથી જ આપણે જીવનને હળવાશથી લઈએ છીએ.

શરૂઆતમાં બધા જ ધર્મોએ અને સંસ્કૃતિઓએ જીવન પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવી જોઈએ એ વાત પર ભાર મૂક્યો હતો, પણ ધીરેધીરે એ વાતને આપણે ભૂલી ગયા. ભારતમાં એક સૂત્ર છે : અન્નમ બ્રહ્મ (અન્ન દેવ છે.) ખ્રિસ્તીઓ અને યહૂદીઓ દરેક વખતે ભોજનની પહેલાં 'કૂપા' એમ બોલે છે, પણ ખરેખર કેટલી વાર કૃતજ્ઞતાની લાગણી આપણે મનમાં અનુભવીએ છીએ ? મોટે ભાગે આદતને કારણે આ શબ્દો બોલી નાખીએ છીએ.

મારા એક શિષ્યે મને આ સત્ય વાર્તા કહી હતી : આ વાત ખરેખર તેના જીવનમાં બની હતી. રોજ બપોરે જમવાના સમયે તે ઓફિસમાંથી પત્નીનો ફોન કરતો. છેલ્લે ફોન મૂકતાં પહેલાં તે હંમેશાં તેની પત્નીને કહેતો, હું તને ચાહું છું.

એક દિવસ બરાબર જમવાના સમયે તેના માલિકનો ફોન આવ્યો. ફોન પર વાત પૂરી થઈ અને રોજની ટેવ પ્રમાણે કાંઈ પણ વિચાર્યા વિના તે બોલી પડયો, હું તને ચાહું છું. !! કમનસીબે એની માલિક એ સ્ત્રી હતી.

પછી શું બન્યું હશે તે તમે કલ્પી શકશો.

શબ્દના અર્થનું અનુસંધાન કર્યા વિના કેવળ આદત પ્રમાણે જ કામ કરો તો આવું જ બને. જેમ પ્રેમની લાગણી વિના 'હું તને ચાહું છું' એ શબ્દો કહેવાની એક ટેવ પડી ગઈ હતી તેમ કૃતજ્ઞતાની સાચી લાગણી વિના આપણે પણ તમારો આભાર એમ કહીએ છીએ.

તંત્રવિજ્ઞાનમાં પ્રેમ કરતાં પહેલાં બે વ્યક્તિ એકબીજાની પૂજા કરે છે ! કારણ કે બે દિવ્ય શક્તિના મિલનમાં તેઓ પ્રવેશવાના છે. બંને આદર અને કૃતજ્ઞતાથી એકબીજાનું સ્વાગત કરે છે.

મૈથુન, પ્રેમ અને કરુણા વચ્ચે તફાવત છે. આ હકીકત સંબંધને લાગુ પડે છે અને

જીવન પ્રત્યે તમારૂં વલણ કેવું છે તેનું મૂલ્યાંકન પણ કરે છે.

આપ-લેના સંબંધમાં એકબીજા માટે આદર ન હોય અને કેવળ અપેક્ષાની જ ભાવના હોય તો તમારો જીવન સાથેનો સંબંધ મૈથુન જેવો ગણાય. એ ક્ષણજીવી આનંદ આપે પણ દીર્ઘકાલીન હતાશામાં જરૂર પરિણમવાનો.

આપ-લેની સંબંધમાં અપેક્ષાની સાથે આદરભાવ ભળે તો તેને પ્રેમ કહેવાય. આપણામાંના મોટા ભાગના લોકો આ રીતે જીવે છે. આપણે જીવનનો આદર કરીએ છીએ પણ આપણને જે જોઈએ છે તે જીવન પાસેથી ન મળે તો આપણને ઠેસ પહોંચે છે.

કરુણામાં કોઈ જ અપેક્ષા હોતી નથી - મુક્તમને અને રાજીખુશીથી કેવળ આપવાનું. કોઈ કદર કરશે કે નહિ તેનો સહેજ પણ વિચાર કર્યા વિના ફળ ચોમેર સુગંધ ફેલાવે છે તેમ કોઈ કદર કરે કે ન કરે એના વિચાર વિના કરુણાના પ્રવાહમાંથી પ્રેમનું ઝરણું વહે છે.

પરંતુ એમ ન વિચારશો કે અપેક્ષા વગર આપો તો તેનું તમને કાંઈ જ વળતર નહિ મળે ! વાત એનાથી વિપરીત છે. કૃતજ્ઞભાવે જીવન જીવશો તો જીવન તમને ધન્ય કરી દેશે.

કરુણામાં, તમે જે કાંઈ આપો તેનો સામી વ્યક્તિ સ્વીકાર કરે, સહભાગી થવામાં મદદ કરે અને પ્રેમનો બોજ હળવો કરે તે માટે તમે કૃતજ્ઞ થઈ જાઓ છો. આવો વિચાર તમે ક્યારેય કર્યો છે ? તમને કોઈ પ્રેમ ન કરે એ સ્વીકારવું ઘણું અઘરું છે, પણ તમને પ્રેમ કરવા ન દે એ તો તેથીય ખરાબ છે ! કોઈ પ્રેમનો બદલો ન વાળે એ તમે સાંખી શકો, પણ તમારા પ્રેમનો સ્વીકાર જ ન કરે એ તમે સાંખી શકો ? આપણે સૌ આપવા માટે જન્મ્યા છીએ; પણ આપણને તેનો ખ્યાલ જ નથી.

પશ્ચિમમાં કોઈએ ક્યારેય સાંભળ્યો ન હોય એવો એક સુંદર વિચાર આપણી પાસે છે. ભારતમાં આપનાર વ્યક્તિ 'તમારો આભાર' એમ કહે છે ! કારણ કે સામી વ્યક્તિએ તેને કંઈક આપવાની તક આપી, તમે આપેલી વસ્તુ તેણે

સ્વીકારી. ભારતમાં લેવું એ પાપ ગણાય છે; આપવું એ અધિકાર ગણાય છે. તેથી આપનાર વ્યક્તિ લેનારનો તમારા પર અનુગ્રહ કરીને તમારી વસ્તુ સ્વીકારી તે માટે આભાર માને છે, પણ આપવું અને લેવું નિરપેક્ષભાવે થાય તો બંને પવિત્ર કર્મ બને છે. શેક્સપિયરે કરુણા વિશે એક વાત બહુ સુંદર કહી છે : આપનાર અને લેનાર બંને ધન્ય છે.

કૃતજ્ઞતા એ ઇશ્વર સાથે અને વાસ્તવિકતા સાથે જીવંત સંપર્ક રાખવાની એક શ્રેષ્ઠ રીત છે.

જ્યારે કૃતજ્ઞતા સાથે તમે પ્રેમ કરો કે વહો ત્યારે ઈશ્વરની અદ્દભુત શક્તિ તમારામાં વહે છે એવો તમને અનુભવ થશે.

'તમારો આભાર' એમ ન કહો, તમે 'આભાર' બની જાઓ.

કૃતજ્ઞતા ન દર્શાવો, તમે સ્વયં કૃતજ્ઞતા બનો !

આ છે તથાતા – જીવન જે કાંઈ આપે તેનો આદર અને કૃતજ્ઞતા સાથે સ્વીકાર કરવો. કૃતજ્ઞતા એ આજીવન સુખનો સૌથી સરળ ઉપાય છે.

તમારો આભાર !

કર્મનો નિયમ સમજીએ

કર્મ એક પૌર્વાત્ય તાત્ત્વિક વિચાર છે. એ સૌથી વધારે પ્રસિદ્ધ છે, પરંતુ તે વિશેની જાણકારી બહુ અલ્પ છે.

કર્મ શું છે એ વિશે આજે પશ્ચિમમાં પણ લગભગ દરેકને સારો એવો ખ્યાલ છે (કે એમ વિચારે છે).

પણ આ પ્રકરણમાં કર્મ વિશે તાત્ત્વિક વિચારણા આપેલી છે એવી અપેક્ષાથી વાંચશો તો તમે કદાચ નિરાશ થશો !

કર્મ એક કાર્યકારણના નિયમથી વિશેષ કાંઈ નથી. જેમ ગુરત્વાકર્ષણ બળ કે વિદ્યુતબળ એક નિયમ છે તેમ કર્મ પણ પ્રકૃતિનો નિયમ છે.

જો તમે ઈંટ તમારા પગ પર ફેંકશો તો તમને નક્કી ઈજા થવાની. પણ શું તમે એમ વિચારો છો કે આ ઈજા એ ઈંટ ફેંકવા માટેની સજા છે ? ના !

આ કાર્યકારણ સંબંધ છે - સાવ સરળ વાત.

કર્મ પણ આ જ રીતે કામ કરે છે. પૂર્વે અમુક કામો કર્યાં તેનું સ્વાભાવિક પરિણામ એટલે કર્મ. જેમ બાઈબલમાં કહ્યું છે, જેવું વાવો તેવું લણો.

ફરક ફક્ત એટલો જ કે કર્મ એ એક પ્રકારની 'વિલંબિત અસર' છે.

કર્મ પણ જિંદગીના અંત સુધી કામ કરે છે. એનો અર્થ એ કે કારણનું અસ્તિત્ત્વ એક ભવમાં હોય પણ તેનું પરિણામ બીજા ભવમાં કદાચ ભોગવવું પડે. (અહીં એક સ્વાભાવિક પ્રશ્ન ઊઠે છે, શું ખરેખર પુનર્જન્મ હોય છે ? પણ આ પ્રશ્નની ચર્ચા ફરી કોઈ વાર કરીશું ! )

મનુષ્ય હોવાને કારણે પૂર્વ જન્મમાં બનેલાં કારણ આપણને યાદ ન હોય એ

સ્વાભાવિક છે. વળી આપણી દૃષ્ટિ મર્યાદિત હોવાને કારણે આપણે ફક્ત પરિણામને જ જોઈએ છીએ અને તેથી આ શા માટે બન્યું તે સમજી શકતા નથી.

પ્રાચીન સમયથી આપણી સમજણની બહાર હોય એવી કોઈ પણ વસ્તુ બને તો તેને આપણે ઇશ્વરે આપેલી સજા તરીકે ઘટાવીએ છીએ. આજે પણ કેટલીય સંસ્કૃતિઓમાં અતિવૃષ્ટિ અને ધરતીકંપ જેવી કુદરતી આફતોને દેવોએ કોપિત થઈને આપણને આપેલી સજા તરીકે જોઈએ છીએ.

આ રીતે કર્મને આપણે નૈતિક દષ્ટિકોણ આપ્યો છે. પૂર્વ જન્મના 'પાપ' ની સજા તરીકે કર્મનું નિરૂપણ કરવા માટે સમાજ સંપૂર્ણપણે જવાબદાર છે.

આમ જોવા જઈએ તો આ એક મનના સમાધાનની ટેકનિક છે. તમારી કમનસીબી માટે તમારા પોતાનાં જ કુકર્મ (પૂર્વ જન્મનાં) જવાબદાર છે એમ માની લો તો કમનસીબી સહી લેવાનું આસાન બની જાય છે.

પાપ અને સજાનો વિચાર પણ સમાજે જ ઘડયો છે, અમુક અંશે સમાજનું કામકાજ કુશળતાપૂર્વક ચાલે તે માટે. લોકોને સજાનો ડર ન હોય તો સમાજમાં અરાજકતા વ્યાપી જાય અને સમાજનું અધઃપતન થાય.

સત્ય એ છે કે આપણને આપણા પાપ માટે સજા નથી મળતી પણ આપણાં પાપ જ આપણને સજા આપે છે. દરેક પાપકર્મ પોતાની સાથે સજાને લઈને જ આવે છે. આ એક પૅકેજ ડીલ છે !

જેટલી વાર ગુસ્સે થાઓ ત્યારે તમારા શરીરનું નિરીક્ષણ કરો. તમારા નાડીના ધબકારા વધવા માંડે છે. બી.પી. ઊંચું થઈ જાય છે અને શરીરમાં તાણની સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિમાંથી બહાર આવતાં કલાકો વીતી જાય છે. એટલું જ નહિ અંતે મનમાં અપરાધીભાવ પણ જન્મે છે. ગુસ્સે થવા માટે તમને સજા કરવા કોઈ બહારની વ્યક્તિની જરૂર પડતી નથી. તમારો ગુસ્સો જ તમને બરાબર સજા કરે છે. વધારે પડતું પીઓ તો યકૃતના રોગથી પીડાવું પડે. મદ્યપાન માટે સજા કોઈ બહારનું કર્મ એટલે શું ?

પરિબળ નથી કરતું પણ તમારી પીવાની આદત જ તમને સજા કરે છે, જો આને તમે સજા ગણો તો. અલબત્ત ડૉક્ટરની દૃષ્ટિએ આ રોગ એ મદ્યપાનનું જ પરિણામ છે.

કર્મ પણ આ જ રીતે કામ કરે છે પણ કર્મને સમજવામાં વધારે મુશ્કેલી પડે છે. તેનું કારણ એ છે કે કર્મ ઈંટના પડવાની જેમ કેવળ ભૌતિક સ્તરે જ કામ નથી કરતું. વ્યાપક અર્થમાં કર્મ ભૌતિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્તરે કામ કરે છે.

ધારો કે તમે આ એક ભવમાં એકાદ ઇચ્છા પૂરી ન કરી શક્યા અથવા અમુક કામ અધવચ્ચેથી મૂકી દેવાની તમને ફરજ પડી – આ અતૃપ્ત ઇચ્છા કે અધુરું કામ તમારા જીવનમાં એક પ્રકારના ભાવનાત્મક કે ખાલીપાનું નિર્માણ કરે છે. એ ખાલીપો 'ખેંચવાના પરિબળ' (સક્શન ફૉર્સ) તરીકે કામ કરે છે અર્થાત્ એ અતૃપ્ત ઇચ્છા કે અધૂરાં કામને પૂરાં કરવા માટે એ તમને ભાવિ જીવન તરફ ખેંચે છે.

તેથી ભાવનાત્મ અને માનસિક સ્તરે, કર્મ એટલે તમામ અતૃપ્ત ઇચ્છાઓ અને અધુરાં કાર્યોનો સરવાળો - પૂર્વ જન્મનાં બિસ્ત્રાપોટલાં.

અને દરેક જીવનમાં તમે પૂર્વ જન્મનાં કર્મોને ખપાવો છો. એની સાથે હાલ તમારી પાસે બિસ્ત્રાપોટલાં છે તેમાં નવી ઇચ્છાઓ ઉમેરતા જાઓ છો. એ તમારા આગલા જીવનનાં કર્મો બનશે. આ રીતે કર્મ એ અનંત ચક્ર છે.

તોપછી કર્મમાંથી બહાર નીકળવાનો રસ્તો ક્યો ?

જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી તો કર્મમાંથી છૂટકારો નથી, કારણ કે જીવવું એટલે ઇચ્છા હોવી અને આપણે આપણી તમામ ઇચ્છાઓ એક જ ભવમાં પરી કરી શકવાનાં જ નથી.

જોકે, ચેતનાને જાગ્રત કરી કર્મની અસરને સાવ ઓછી કરી નાખવી એ તમારા હાથમાં છે. કર્મનું સાચું સ્વરૂપ અને કર્મની કામ કરવાની રીત આ બંને બરાબર સમજાઈ જાય તો આપણે એમાંથી માર્ગ કાઢી શકીએ.

શ્રી રામકૃષ્ણ પરમહંસ એક સુંદર વાર્તા દ્વારા બૌદ્ધિક સ્પષ્ટતા આપે છે : આ વિષય અંગે વાસ્તવિકતા કે અનુભવ પર આધારિત સ્પષ્ટતા કોઈ પણ વ્યક્તિ તમને આપી શકે નહિ. કેવળ બોધિજ્ઞાનથી આ વિષયનું સમાધાન મળી શકે, પણ એક વાર બોધિજ્ઞાન આવે પછી તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી, કારણ કે બોધિજ્ઞાન શબ્દાતીત છે.

ચાલો ફરી પાછા કર્મની વાર્તા તરફ વળીએ :

લાંબા દોરડાથી થાંભલા સાથે બાંધેલી ગાય જેવી આપણી સૌની સ્થિતિ છે. દોરડાની અંદરના પરિસરમાં ગાય બેસે છે. ઊભી રહે છે. ચરે છે અને જે ગમે તે કરે છે. આપણું પણ એવું જ છે. એક વાત સાચી છે કે કર્મ અમુક પ્રકારના બંધનને નિર્માણ કરે છે, જીવનને અમુક પ્રકારનું માર્ગદર્શન આપે છે અને અમુક રીતે કામ કરવા માટે આપણને ફરજ પાડે છે. આપણી પાસે સ્વતંત્રતા મર્યાદિત પ્રમાણમાં છે; બાકીનું બધું ઇશ્વરના હાથમાં છે. પરંત અહીં રામકૃષ્ણ એક વાત ઉમેરે છે કે જો સ્વતંત્રતાનો આપણે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીએ તો શક્ય છે કે ઇશ્વર આપણા દોરડાને થોડું લાંબુ કરે અથવા એ દોરડામાંથી આપણને મુક્ત પણ કરે. જોકે, બંધનમાં રહેવું છે કે મુક્ત થવા માટે કામ કરવું છે – પસંદગી તમારા હાથમાં છે.

કર્મ અને ધર્મ વચ્ચે ગાઢ સંબંધ છે.

ધર્મ શબ્દ વિશે પણ ઘણી ગેરસમજ રહેલી છે. સામાન્ય રીતે ધર્મનો અર્થ 'કર્તવ્ય' એવો કરવામાં આવે છે પણ એ તદ્દન ખોટું છે. એ ધર્મનું સામાજિક કે નૈતિક અર્થઘટન છે. ધર્મનો સૌથી નજીકનો પર્યાય શબ્દ 'મૂળભૂત સ્વભાવ' એ છે. દા. ત. અગ્નિનો ધર્મ (મૂળભૂત સ્વભાવ) બાળવું એ છે, પાણીનો ધર્મ ભીનું કરવું એ છે. પાણી બાળવાનો પ્રયત્ન કરે તો એ કશુંક અસ્વાભાવિક કે અઘટિત છે. જયાં સુધી ધર્મ પ્રમાણે કામ કરશો તો તમે કર્મને આકર્ષી નહિ શકો. સરળ ભાષામાં કહેવું હોય તો સ્વાભાવિક બનો. તમારા મૂળ સ્વભાવ પ્રમાણે કામ કરો.