KAILASA Library/સચોટ ઉકેલો/પ્રકરણ - ૧૦ આનંદ દર્શનSign in
સચોટ ઉકેલો

પ્રકરણ - ૧૦ આનંદ દર્શન

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

માસ્ટર વૈશ્વિક ચેતના સાથે એકરૂપ હોય છે. એ સાકાર સ્વરૂપે નિરાકાર હોય છે, એ સ્વયં અસ્તિત્વ છે. આનંદ દર્શન દ્વારા, પૂર્ણરૂપે ઊંડા પ્રેમ અને અનુકંપાથી સૌની સમક્ષ એ સ્વયંને પ્રગટ કરે છે, જેથી એનાં દ્વારા બ્રહ્માંડીય જાગ્રતતાની અનુભૂતિ થઈ શકે.

માસ્ટરની કરુણા અને દિવ્ય પ્રેમની લાગણી બધાં જ અતિશય નિકટતાથી અનુભવે છે. માસ્ટર સતત પોતાની આસપાસ એના અસ્તિત્વની શક્તિનો પ્રકાશ ફેલાવ્યા કરે છે. દર્શન સમયે પ્રત્યેકમાં દૈવી શક્તિનું સંક્રમણ કરવા માટે સ્વયંને અપ્રતિમ રૂપે સુલભ બનાવે છે, અને દરેકમાં એવું મૂળ નાંખે છે, જે વિકસીને એની પોતાની એટલેકે અસ્તિત્વની મહેક પ્રસરાવી શકે.

શક્તિને ઝીલવા જો આપણે તૈયાર હોઈએ તો તે આપણી સોંસરવી ઉતરી શકે છે અને આપણું હોવાપણાની ભૂમિકા પર જ પરિવર્તન કરી નાંખે છે. જો આપણે દુન્યવી તર્કના સંકજામાંથી મુક્ત , વિચારો અને શબ્દોથી બંધાયા વગર, આંતરીક રીતે શાંત રહી શકીએ તો, અહીં સર્જાતા મસ્તીના મહાસાગરમાં એક બિંદુ બની શકીએ.

માસ્ટરનો નિઃસહાય કરી દેતો પ્રબળ પ્રેમ પામવા માટે આપણે પક્ષે વિશ્વાસ અને ગ્રહણ કરવાના અભિગમની અપેક્ષા રખાય છે. આ થોડા કલાકો માટે આપણા મનને ફગાવી દઈએ અને તેમણે સર્જેલા ભાવજગતના લયમાં ગરકાવ થઈ જઈએ તો, એનાથી આપણે અસ્તિત્વની સમગ્રતાને અંતઃકરણનાં ઊંડાણથી આદર આપતા હોઈશું.

દર્શનનાં સમય દરમ્યાન કિર્તન (સંગીત) અને નૃત્ય હોય છે.માસ્ટરની ભાવાવેશ ભરી મોજૂદગીથી અને આ સમયગાળામાં અસ્તિત્વ પામતી ઉર્જા આખા માહોલને ઉર્ધ્વગામી (ઉચ્ચ) દિવ્યતામાં પલટી નાંખે છે.એ અસ્તિત્વની પવિત્ર ઉજવણી હોય છે.

દર્શન દરમ્યાન ઉદ્ભવતો આનંદ મનને ઝકઝોરીને આપણને તેનાથી પર લઈ જાય છે અને સમગ્રતાની સાથે ઐક્ય અનુભવવા ઉર્ધ્વગમન કરાવે છે. આપણી જાતને મનના બોજાથી મુક્ત કરીને, કાયમથી જે અનુભૂતિ પામવાની આપણી ઝંખના છે એની અનુભૂતિ કરવા દે છે. તે સાચી અનુભૂતિ કરાવે છે. અસ્તિત્વના આનંદમાં રમમાણ કરી દે છે, જેનો એ અભિન્ન હિસ્સો છે. એક શૂન્યાવકાશ સર્જાય છે. જેમાં મનનો લોપ થઈ જાય છે અને આ ખાલી જગ્યા આખા જીવન માટેના પ્રેમથી ભરાઈ જાય છે.

દર્શન એવો સમય છે જ્યારે સામાજીક, આર્થિક અને અન્ય બધાં જ બંધનો તૂટી જાય છે અને માણસ બીજામાં પણ એવી જ દિવ્યતાનાં દર્શન કરે છે. અને આમ લાગણીઓના બંધનમાંથી મુક્ત થઈને આનંદ અનુભવે છે. તે એવો સમય હોય છે જ્યારે પોતાની અને બીજાઓની બધીજ ઓળખ લુપ્ત થઈ જાય છે. પ્રત્યેક વસ્તુમાં અને પ્રત્યેક વ્યક્તિમાં માત્રને માત્ર આમ ભાવોર્મિનો ઉત્સવ ઉજવાય છે. દરેક જણ અંદરથી પ્રગટતા દૈવી પ્રકાશને ઉજાગર કરે છે.

માસ્ટર દ્વારા કહેવાયેલા બધા શબ્દોને દરેક જણ કોઈપણ સમયે સાંભળી શકે છે. પરંતુ દર્શનનાં સમયે તે બોલ્યા વિના કેવળ આપણને એની પોતાની જાતનાં દર્શન કરાવે છે. પ્રત્યેકને માસ્ટર તરફથી મળેલી આ મહાન અને સીધી ભેટ છે. જો આપણે શાંત અને જાગૃત બની શકીએ તો એને જોઈ શકીએ છીએ. જો આપણે વિચારોમાં અને શબ્દોમાં જકડાઈ જઈએ તો એને ગુમાવી દઈએ છીએ.

જો કે દર્શનનાં દૃશ્યને સ્વીકારીએ કે ફગાવીએ, આપણે એને ગુમાવીએ છીએ. જો એમાંનું કંઈ ન કરીએ, અસંમત કે સંમત થયા વિના, કોઈપણ ચુકાદો આપ્યા વિના, તેને શબ્દસ્થ કર્યા વિના, હકારાત્મક કે નકારાત્મક ભાવ વિના જો એનો દોર પકડી લઈએ; આપણે જો શીખવાનાં મોહ વિના માત્ર પૂરેપૂરું સમજવાની લાગણી ધરાવીએ છીએ, તો આપણે એની અનુભૂતિ કરી શકીએ ! શબ્દોની આપ લે વિના આપણને લાગશે કે આપણી અંદરથી કશુંક પ્રત્યુત્તર પાઠવે છે. લાખો લોકોને માટે દર્શન એ આમૂલ પરિવર્તનનો અનુભવ છે.

આનંદ દર્શનનાં અદ્ભૂત સંસ્મરણોને લોકો દુનિયાભરમાં પોતાની સાથે લઈ જાય છે. લોકોની કેટલીય ખ્વાહિશો, કેટલાય દુઃખદર્દો દર્શન સમયે બહાર લવાયાં છે. દર્દ દૂર થયાનાં ઘણાં પ્રસંગો બને છે, ઘણાંને ઉત્કટ આધ્યાત્મિક અનુભવો થાય છે.

ભિન્ન ભિન્ન લોકો દ્વારા ભિન્ન રીતે ઉર્જાની અનુભૂતિ થાય છે. દર્શન સમયે કોઈપણ અનુભવ માટે ઝંખના રાખવાની જરૂર નથી. જે કંઈ બનવા જઈ રહ્યું છે તેને આપણે થવા દેવાની જરૂર હોય છે. એ પછી આપણે આપણામાં જ દર્શનને જગ્યા કરી આપીએ છીએ. ઉર્જા જ્ઞાન છે અને એ જાણે છે કે એણે શું કરવાનું છે. કોઈ અપેક્ષાની ત્યાં જરૂર નથી. ત્યાં કોઈપણ ઉજાસ કે અવકાશ અથવા શક્તિની કે અન્ય કશી જ લાગણીનાં અનુભવની અપેક્ષા નથી હોતી.

એ સમયે ફક્ત પ્રાર્થનામય ભાવમાં લીન થવું પર્યાપ્ત છે, શબ્દાતીત પણે એ આપણને બદલી નાંખે છે. પ્રાર્થનામય થવાનો અર્થ એ છે કે માત્ર દરેક ચીજ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી અનુભવવી. અલબત્ત માસ્ટરજી હંમેશા કહે છે કે આપણને જે લાગતું હોય તે, દર્શન પછી ઉઠીને જતાં પહેલાં માંગી શકીએ છીએ. તેઓ કહે છે કે આપણે આપણાં મનમાં ઉઠતો કોઈપણ પ્રશ્ન પૂછી શકીએ છીએ, જેનું સમાધાન શોધતા હોઈએ એવી સમસ્યા રજૂ કરી શકીએ છીએ.

દર્શનની આ ક્ષણ આપણને પરમ આનંદમાં તરબોળ કરતી અને દુન્યવી વ્યવહારોથી ખૂબ જ ઉપર હોય છે, કે કંઈ પણ પૂછવાનું સદંતર મુશ્કેલ બની જાય છે. જે ક્ષણે આપણે કંઈક માંગવાની મનોદશામાં હોઈએ છીએ ત્યારે આપણે બધું ચૂકી જઈએ છીએ. કેમકે માંગવા માટે આપણા મનને અંદર આવવું પડે છે અને જ્યારે આપણાં મનનો પ્રવેશ થાય છે. સમગ્ર બાબતને આપણે ગુમાવી દઈએ છીએ.

લોકોનાં એવા અસંખ્ય પ્રસંગો છે જેઓ કહે છે કે તેઓ દર્શન માટે નજદીક જાય છે, ત્યારે તેમનાં દેહની સમસ્યા કે પીડાવાળા ચોક્કસ ભાગ પર એમનો હાથ માત્ર તેઓ મૂકે છે. તેઓ સ્તબ્ધ બની જાય છે. એમનાં કંઈપણ કહ્યા વિના, જે ભાગને સંબોધવાની જરૂર છે તે ચોક્કસ સ્થાન પર તેઓ પોતાનો હાથ મૂકે છે. આપણા પ્રત્યેનાં સ્નેહવશ માસ્ટર આપણાં અણકહ્યા પ્રશ્નોનું નિરાકરણ લાવી દે છે.

દર્શન ટાણે જ્યારે પ્રશ્નો પૂછાય ત્યારે માસ્ટરજી પ્રવાહી કરૂણા અને કાળજીપૂર્વક જવાબ આપે છે. પ્રશ્ન એક હોય તો પણ પ્રત્યેકને તેઓ અલગ ઉત્તર આપે છે પછી એ દરેકને સમજાય છે કે એક એક જણને તે અલગ છે, દરેકનો માર્ગ જુદો છે, દરેક જણ માસ્ટરજી સાથે સ્વતંત્ર રીતે અને મૂળભૂતપણે જોડાયેલો છે. માસ્ટરજી વ્યક્તિના અંતરમાં ડોકિયું કરીને પ્રશ્નકર્તાને ઉત્તર આપે છે, નહીં કે પ્રશ્નને ! પૂર્ણ વિશ્વાસ ધરાવનારને તેઓ કેવળ કહે છે; "હું ધ્યાન રાખીશ..." માસ્ટરજી તરફથી ખાતરીનાં માત્ર એટલા શબ્દો થકી લોકોનાં આવેગો અને હતાશા દૂર થઈ જાય છે.

પેલી થોડીક પળો માટે, જો આપણે આપણી પ્રાર્થના ભૂલી જઈએ અને અસ્તિત્વ પર વિશ્વાસ મૂકીએ તો આપણે એ અનુભવી શકીએ કે થોડીક એવી શ્રધ્ધા, જેવી કે અસ્તિત્વ જાણે છે કે આપણા ભલા માટે શું અને કેટલું પુરતું છે. જો આપણે આવું વલણ અપનાવીએ તો માસ્ટરજી જે આપવા માંગે છે તે ઝીલવા માટે આપણે સમર્થ થઈશું, બીજું કશું નહીં. પ્રત્યેકને અને એકએક માટે એ અદભૂત ક્ષણ હોય છે.

દર્શનનો સમય એ માસ્ટર સાથેનાં સંદેશાની આપ-લે વહાવવાની અદ્ભૂત તક છે. બધાં વ્યાખ્યાનોમાં આપણે વધુ ને વધુ બૌધ્ધિક સ્પષ્ટતા માટે પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખીએ છીએ. આપણે આપણા મન સાથે સંબંધિત પ્રશ્નો કરીએ છીએ. દરેક બેઠકને અંતે આપણે વધુને વધુ શબ્દો ભેગા કરીએ છીએ. અને આપણે થોડા વધુ શબ્દો લઈને પાછા આવીએ છીએ. દર્શનનો સમય આપણી જાત સાથે એકત્વ સાધવાનો સમય છે.

આપણામાં કશીક અનુભૂતિને થવા દેવાની છે. ઓછામાં ઓછું એટલા સમય પૂરતું તો મનને છોડી હ્રદયને સાથ આપવાનો પ્રયત્ન કરવો એ જ સારું છે. આપણાં મન વડે આપણે અસ્તિત્વ સાથે ઐક્ય નહીં સાધી શકીએ. એ કેવળ આપણી જાત કે હૃદય સાથે જ થઈ શકે. કોઈપણ તાદત્મ્ય દિલ કે જાત વડે જ સંભવિત બને. દર્શન સમય એ છે કે જ્યારે માસ્ટર સીધેસીધા આપણી આંખોમાં જુએ છે અને આપણે આપણું પ્રતિબિંબ એમનામાં નિહાળી શકીએ છીએ. તેઓ તેમની દૃષ્ટિ, સ્પર્શ કે આલિંગનથી પીડા દૂર કરે છે. દરેક દર્શન સાથે, આપણે થોડા વધુ વિકસિત થઈને અલગ વ્યક્તિ બનીને પાછા જઈએ છીએ.

દરેક દર્શન ભિન્ન હોય છે. અસ્તિત્વનું, નિસર્ગનું સમગ્ર સૌંદર્ય એવું છે કે તે ક્યારેય પોતાનું પુનરાવર્તન કરતું નથી. તેથી તો કહેવાયું છે કે પરમાત્મા કલાકાર છે, ઈજનેર નહીં. દરેક દર્શન નવાં પરિમાણ, નવી તીવ્રતા અને નવી આતુરતા સાથે નિરાળારૂપે છતું થાય છે.

જ્યાં સુધી પછીનું દર્શન પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી દરેક દર્શન ઉત્કૃષ્ટ જણાય છે.

આનંદ દર્શન વખતે માસ્ટર દ્વારા થતું રૂપાંતર આપણને સીધી જ નિષ્કામ સ્થિતિમાં મૂકી શકે છે. જો આપણે સ્નેહાળ અને સાલસ હોઈશું તો એકથી વધુ રીતે તે આપણને બદલી શકે. કામના રહિત બનાવવાની ભૂમિકા તો સતત બૌદ્ધિક સમજ અને ધ્યાનથી પણ મેળવી શકાય. પરંતુ દર્શન કાળે તો માસ્ટરની કૃપાથી સીધેસીધી જ એવી નિષ્કામ સ્થિતિનું નિર્માણ થઈ જાય છે.

જો આપણે આનંદ અને અહોભાવથી ભરપૂર હોઈએ અને સંપૂર્ણપણે હાજર હોઈએ, તો અસ્તિત્વની શક્તિ આપણને ભેદીને આપણી ઈચ્છાઓની પૂર્તિ કરાવી, તેનાથી ઉપરની વાસનારહિત બનાવતી અવસ્થા સુધી પહોંચાડી શકે છે. પૂર્ણાનંદની અવસ્થામાં હોવું એટલે ચોક્કસ પ્રકારે કશું- ના ઘેલછાની, ના યાચવાની અવસ્થા ! ખાસરૂપે કંઈ ના પામવાની તીવ્ર ઝંખના; કેવળ આવી મનોદશામાં જ આપણે માસ્ટર પ્રતિ ગ્રહણશીલ અને ખુલ્લા થઈએ છીએ. એ માટે આપણે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. આપણે કેવળ આપણા પ્રયાસોને છોડી દેવાનાં હોય છે. બસ આટલું જ. એ પછી શક્તિ પોતે જ તમારી સંભાળ લેશે. તે બાકીનું કાર્ય કરશે. ઉર્જા એટલે પ્રજ્ઞા. જો આપણે તેને કામ કરવા દઈએ તો આ પ્રવાહિત શક્તિ આપણામાંથી વહીને જરૂરી કામ કરી શકે છે.

દર્શનનો મતલબ છે સ્પષ્ટ દૃષ્ટિ મેળવવી, જેનાથી સ્પષ્ટતાનો ચમકારો અનુભવાય અને ધૂંધળાપણા વિના જોઈ શકાય. આપણાં ‘સ્વ’ના સ્તરે તો ઉર્જાને આ વહેતો પ્રવાહ ચમત્કાર સર્જી શકે છે. દર્શન સમયે, જો આપણે પૂરતી જાગૃતિ દાખવીએ તો સર્જાયેલા જોમ વચ્ચે, સંગીત અને નૃત્યની ધમાલ વચ્ચે પણ સૌમ્યતાનું ઝરણું વહેતું રહે છે, જે આખા દશ્યમાં ઝળહળે છે, અસીમ અસ્તિત્વનો વિસ્તાર દર્શાવતી એ ઝલક માત્ર છે. ઘોંઘાટભર્યા વાતાવરણમાં પણ પ્રસરેલી નિઃશબ્દતાનો કેન્દ્રવર્તી સૂર તો આખાય કાર્યક્રમ દરમ્યાન વહેતો રહે છે. એ પછીથી આપણે અસ્તિત્વરૂપે કેન્દ્રસ્થ હોવાનાં વિચારનો મર્મ સમજીશું. કશું જ બાદ કર્યા વિના, તરછોડ્યા વિના બલ્કે એકે એક ચીજ પ્રત્યે અનુકંપા છતાં આખા કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રસ્થાને રહીને પ્રસન્ન ચિત્ત, દૃષ્ટા બનીને રહી શકીએ છીએ.

દરેક દર્શન પછી, પ્રત્યેક સ્પર્શ પછી દરેકની બૌદ્ધિક્તા વધે છે, ઈચ્છાઓ વધુ સ્પષ્ટતા પામે છે અને યોગ્ય રીતે પૂરી થાય છે અથવા સહજભાવે છૂટી જાય છે.

માસ્ટર સમક્ષ આપણે સંપૂર્ણ ખુલ્લા હોઈએ છીએ. એ આપણને આપણા ‘સ્વ’નાં સ્તર પર જુએ છે. કંઈપણ પૂછવાનો પ્રયત્ન નિરર્થક, ખરેખર નિરર્થક છે. કારણ કે એનાથી તો આપણે આપણું ઘોર અજ્ઞાન અને ઘેરી મુંઝવણ પ્રગટ કરતા હોઈશું. આપણે એ બાબતથી અજ્ઞાત છીએ કે આપણને ખરેખર શું જોઈએ છે. એ જાણે છેકે આપણને આગળ ધપાવવા માટે જરૂરી શું કરવાનું છે.

જો આપણે સંગીતને કેવળ આપણાંમાં પ્રવેશવા દઈએ અને એને આનંદપૂર્ણ રીતે પ્રગટ થવા દઈએ; જો આપણે સંપૂર્ણ અને ભાવોન્મષભર્યા બની શકીએ, જો આપણે આપણી જાતને પૂરેપૂરી વીસરી જઈને શક્તિ સાથે તાલ મીલાવીએ તો આપોઆપ આપણા એકત્ર થયેલા શબ્દો અને વિચારો ખાલી થઈ જાય છે. પછી જ્યારે આપણે સમીપ જઈએ ત્યારે આપણી અંદર કેવળ શૂન્યાવકાશ અને મસ્તી હોય છે.

આવી મનોદશામાં, આપણે અંદરથી આપોઆપ શાંત બની જઈએ છીએ, આપણે ગ્રહણશીલ અને પ્રેમાળ હોઈએ છીએ, આપણે માત્ર આંતરિક શાંતિ સાથે ખળખળ વહીએ છીએ. તે પછી એક કિરણની જેમ ઝબકારાની જેમ શક્તિ આપણાંમાં પ્રવેશે છે. આપણી ભીતરમાં પ્રવેશીને છેક બીજા સ્તરે સ્પર્શીને, આપણે જાણીએ પણ નહીં એ રીતે આપણું પરિવર્તન કરી નાંખે છે.

દર્શન સમયે માત્ર હાજર રહીને માસ્ટરનું નિરીક્ષણ કરવું એ સ્વયં ઉચ્ચ કક્ષાનું મેડિટેશન હોય છે એ દરેકનાં જીવનની દુર્લભ તક છે. વધુ વિગતોમાં પડવું મહત્વનું નથી હોતું. લાલસારહિત બનીને પૂરા પ્રેમથી અને કૃતજ્ઞતાથી ફક્ત હાજરી આપવી એટલું પૂરતું છે.

માસ્ટરજીને નિહાળવા એજ એટલું મનોહર, લાવણ્ય સભર અને સદાય મનમોહક હોય છે. પરંતુ દર્શન સમયે તેઓ વધુ એવા દેખાય છે. હજારોની મેદનીમાંથી ઉઠતી અસહ્ય આજીજીઓ અને મૂક સાદ પ્રતિ તેઓ એટલી રસાળતાથી, ખાળી ન શકાય એવી અનુકંપાના મહાસાગરની જેમ પ્રકાશ રેલાવે છે, જે આપણાં અંતરને હચમચાવી દઈ આપણને અસ્તિત્વમાં ઓતપ્રોત થવા પ્રોત્સાહિત કરે છે. દરેક જણ પોતાની ઓળખ ગુમાવીને અસ્તિત્વમાં ઓગળી જાય છે.

બ્રહ્માંડીય શક્તિનો સ્ત્રોત ખુલી જાય છે અને તે માસ્ટરના સ્વરૂપના અણુએ અણુમાંથી વહેતી રહે છે. એમને તે સમયે કેવળ નિહાળવાથી જ એમાં રહેલી દિવ્યતાનાં આછા ચમકારા આપણને જોવા મળે છે. જેટલી વધુ આપણે આપણી જાતને સમગ્ર બાબતમાં ઓગાળી દઈએ; તેટલી એની સાથે વધારે સંવાદિતા અનુભવાય છે અને પછી આપણે વૈશ્વિક શક્તિના પ્રવાહને સ્પર્શવા જાગૃત બની શકીએ છીએ.

આ સમય આપણી કહેવાતી ઓળખને તોડવાનો અને આપણી મિથ્યા સામાજિક ઘરેડોને તોડીને તેને માણવાનો હોય છે. એ સમયે સીટ બેલ્ટ બાંધીને બેસી રેહવાનું નથી હોતું. નહીંતર, શક્તિ નિઃશંકપણે આપણને સ્પર્શ કરશે પણ આપણે એને આવકારવા જેટલા ખુલ્લા નહીં હોઈએ !

આ સમયે માસ્ટરની નિકટ હોવું તે એમનામાં ઓગળવા માટે કારણભૂત થઈ શકે છે; બન્ને જાગ્રતતાઓનું તાદાત્મ્ય રચી શકે છે. જેમ નદી સાગરમાં મળી જાય એમ આપણે માસ્ટર, કે જે મહાસાગર જેવું અસ્તિત્વ છે, સાકાર રૂપે નિરાકાર છે, એવી વૈશ્વિક જાગૃતતા છે તેમાં ભળી જઈએ છીએ. એથી તો દર્શનને અંતે દરેક જણ એટલી હળવાશ અને પુનઃસ્ફૂર્તિનો અનુભવ કરે છે કે કેટલીકવાર તો આવું લાંબા ગાળા સુધી ચાલ્યા કરે છે. છતાં, એ પૂરું થયા પછી દરેક જણ પોતાને ખૂબ તરવરાટવાળું અનુભવે છે. જાગૃતતામાં રૂપાંતરણ માણસને વધુ ઊંચી સ્થિતિમાં ઊંચકી લે છે.

દર્શન સમયે વ્યક્તિ જ્યારે માસ્ટરનાં સાનિધ્યમાં હોય છે ત્યારે અગમ્ય દહેશત, ગુનાહિતભાવ, અભીપ્સાઓ, ગાઢ શાંતિ, આનંદાશ્રુ આ બધું અને બીજું ઘણું બધું સપાટી પર આવે છે. માણસ એના કારણો પણ જાણતો નથી હોતો. કારણ કે આ બધું આપણાં ઉંડાણમાં રહેલા અજાગ્રત થરોમાંથી, માત્ર માસ્ટરની હાજરીથી જ બહાર સપાટી પર આવી જાય છે.

માણસે આવી લાગણીઓને પાછી ખેંચવાની કે એને દબાવી દેવાની જરૂર નથી. માસ્ટરની હાજરીમાં તેને મુક્ત રીતે સપાટી પર આવવા દો. એ સમગ્રપણે બહાર આવી જશે. આપણે જેને શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી એ બધી અંતરના ઊંડાણમાં કોતરાયેલી દમિત યાદો કે જેનાથી આપણે વાકેફ પણ નથી હોતાં, છતાં જે આપણને સતાવે છે, તે લાગણી રૂપે બહાર આવી જશે. ગહેરાઈમાં અંકિત આવી સ્મૃતિઓમાંથી મુક્તિ મેળવવાની ક્યારેક જ મળતી આ તક છે. આ બધી લાગણીઓ જડમૂળમાંથી સાફ થઈ જશે.માસ્ટરની ઉભરાતી અનુકંપા એને નિર્મૂળ કરી દેશે. જો આપણે તક આપીએ તો વર્ષો સુધી રચેલા અને ફરીફરીને દમનમાં રાખેલા માળખાનો ધ્વંસ આ સમય દરમ્યાન થઈ શકે છે.

દર્શન દરમ્યાન જે કંઈ બને છે તે પૂર્ણરૂપમાં બને છે. આપણે હાથથી તાળી વગાડીએ, નાચીએ, હસીએ, રડીએ આ બધું કોઈ તર્ક સાથે કરતા નથી, અંદરથી બસ લાગણીનો અખંડ પ્રવાહ વરસ્યા કરે છે. આંસુ કે હાસ્ય, સુખ કે દુઃખ કોઈ ચોક્કસ કારણે પેદા નથી થતાં, એ તો અંતરમાંથી ઉઠતી ઘેરી લાગણીઓની અભિવ્યક્તિ હોય છે. મનને કારણે ‘સ્વ’ ને વ્યક્ત થવાનો મોકો જ મળતો નથી. બુદ્ધિથી એના પર વારેવારે કાબુ મેળવીને કબજો જમાવાય છે. આ સમયે ‘સ્વ’ પોતાને વ્યક્ત કરે છે અને એ જ્યારે આવું કરે છે, ત્યારે એના પ્રગટીકરણને તર્કના સંબંધોમાં ગોઠવી શકાય એમ નથી હોતું. આમાં શુદ્ધ અસ્તિત્વ વ્યક્ત થાય છે, બસ એટલું જ.

આપણે વિચારીએ છીએ એટલા આપણે અખંડ કે એક સૂત્રી હોતા નથી. ખરેખર તો આપણે એવા ટૂકડા છીએ જે આપણી અંદર પરસ્પર ઝઘડતા રહે છે. જ્યારે એક ક્ષણે આપણને કંઈક જોઈએ, ત્યાં પછીની ક્ષણે વળી બીજુ કંઈક જોઈએ, જ્યાં એક પળે ખાસ લાગણી ઉદ્ભવે ત્યાં પછીની પળે એથી વિરુદ્ધની લાગણી સપાટી પર આવે.આપણે આપણી અંદર અંધાધૂંધી હોવા છતાં બહાર સપાટી પર કદાચ શાંત દેખાતા હોઈશું. દર્શન સમય એવો સમય છે, જ્યારે

આ અંદરના સંઘર્ષને છોડી દઈને માસ્ટરનું શરણ સ્વીકારીને એમને ઉચિત લાગે તે કરવા દેવું જોઈએ. તેઓ આપણને જાણે છે અને આપણે જો ચોક્કસ થઈને જે થાય છે તે થવા દઈએ, તો તેઓ જરૂરી બધુંજ કરશે. દર્શન એવો સમય છે જ્યારે આપણાં બધા જ શિક્ષણને, એકઠા કરેલા બધા ચુકાદાઓ અને આપણી જાત માટેનાં બધા નિર્ણયોને બાજુ પર મૂકી દેવા, અને માસ્ટરના પરિવર્તન કરતા પ્રેમ સમક્ષ જાતને ખુલ્લી મૂકી દેવી.

પ્રત્યેક દર્શન સાથે માસ્ટર આપણી જાતને પ્રકાશિત કરે છે, એમના તરફથી આપણું ખરેખરું રૂપાંતરણ આ સમયે થાય છે. એ અંતિમ ઉત્કૃષ્ટ એવું કંઈક આપણને આપે છે. એમનો પોતાનો પ્રકાશ તેઓ આપણને આપે છે. જો આપણે આવકારીએ તો, આપણને તેઓ પ્રકાશિત કરે છે. જેને આપણે આપણી મશાલ તરીકે જ્યાં જઈએ ત્યાં, જે કરીએ તેમાં, સાથે લઈ જઈ શકીએ. કેવળ એક સ્પર્શ પર્યાપ્ત હોય છે; એ એવો મોકો હોય છે જેને જ્ઞાન વગર જ જાણી શકાય છે અને સમજાવટ વિના અનુભવી શકાય છે.

અને શક્તિ જો આપણાં અંતરના ઊંડાણને સ્પર્શી ગઈ હોય તો, આપણી જિંદગી કાયમ માટે પરિવર્તિત થઈ શકે છે. આપણામાં એવી જગ્યાનું સર્જન થાય છે કે જ્યાં જાગૃતતા દાખલ થઈને આપણી બધી સમસ્યાઓનું સમાધાન કરી દે છે. દિવ્યતાને પામવાનાં અનેક દરવાજા છે. એકવાર તમે અંદર દાખલ થઈ જાવ એટલે અનુભવ તો એક સમાન જ હોય છે. ત્યાં આવેલા બધા કમાડો દર્શન સમયે ઉઘડી જાય છે. ઉચ્ચ કક્ષાની અનુભૂતિ માટેનું એ આમંત્રણ હોય છે. પ્રત્યેકનો દરવાજો અલગ હોય છે, તમે જ્યારે એને શોધી લો છો પછી દરવાજો મહત્વનો નથી રહેતો.

દર્શન દરમ્યાન મુક્ત થતી ઉર્જા એટલી બધી તીવ્ર હોય છે કે વ્યક્તિની ચેતનાને બળવાન બનાવીને સ્વયં સ્ફુરિત માર્ગદર્શન તરફ જવા પ્રેરે છે. આપણી બુદ્ધિને ધારદાર કરીને, બુદ્ધિથી આંતરસુઝ તરફ આપણને તે લઈ જાય છે. આપણે મહદ અંશે આપણા દિમાગનાં ઊંડા અર્ધચેતન મનથી ઘેરાયેલા હોઈએ છીએ જે વારંવાર આપણને યાતનાઓની પરીચિત એવી ઘરેડ તરફ અભાનપણે નિર્ણય લેવા માટે ઘસડી જાય છે.

આંતરસુઝની શક્તિથી, આપણાંજિવનનાં કોઈપણક્ષેત્રમાં નિર્ણય કરવા માટે આવશ્યક એવી આપણી અંદરની સમજશક્તિનો ઉપયોગ કરવાની ક્ષમતા આપણામાં આવી જાય છે. ‘દર્શન’ વખતે પ્રવાહિત થતી ઉર્જા એવી હોય છે કે આ આંતરચેતનાને આપણામાં જગાડી શકે છે.

‘આનંદ દર્શન’ દરમ્યાન જે કંઈ થાય છે તેની ગહનતાને સમજવાનું, આપણને અપાયેલી મહાન ભેટને સમજવાનું આપણું ગજું કદાચ નહીં હોય, પરંતુ આપણે ખુલ્લા મનથી એને સ્વીકારવાને અને તેને માણવા જેટલા નિખાલસ રહેવાનો પ્રયાસ જરૂર કરી શકીએ; પછીનું તો આપોઆપ થઈ જશે.

‘આનંદ દર્શન’નો સમય જ એવો એક સમય છે જ્યારે આપણે માસ્ટરની નિકટ આવી શકીએ છીએ, સ્થુળ સાન્નિધ્ય વડે એમના સ્નેહને અનુભવી શકીએ છીએ; એમનામાંથી ઉર્જાનું થતું અવતરણ સીધેસીધું અનુભવાય છે. ‘દર્શન’, આપણે જે નથી અને આપણામાં જે ભ્રમણા પેદા કરે છે તે બધાંને, આપણી પીડા માટે કારણભૂત બધી જ ઉછીની ઈચ્છાઓને નિર્મૂળ કરી શકે છે. દર્શન સમય એ વૈશ્વિક ચેતના સાથે એકાકાર બનવાનો દિવ્ય આનંદના મહાસાગરમાં ઓગળી જવાનો મહાન અવસર છે.

ઓ દિવ્ય આનંદનાં મહાસાગર !

એષણાઓ અને ભાવનાઓ ઉભરે ને આથમે ભરતીની જેમ,

ઉઠે વિચારો માનસિક વેદનાઓ અથડાય જીવન કિનારે જેમ.

ફરજો, કર્તવ્યો છિન્ન ભિન્ન, જેમ કિનારે તૂટે તરંગો,

દોરતા રહો મને એવા ગહનમાર્ગે જ્યાં ન રહે વધુ તરંગો

હું લડું છું એ લહેરો સાથે, જેવી તે ટકરાય છે મારી આત્મશ્રધ્ધા પર,

દૂરથી વહી આવતી, ભયભીત કરતી ભરતી સામે ઝઝૂમ્યા કરું હું,

ગૂંગળાયા કરું છું હું મોજાઓનાં નિરર્થક બુદબુદા વચ્ચે.
હે આનંદસાગર ! મને સમાવો શૂન્યમાં !
અટક્યા ચરણ કિનારે ચાલવાને પાંગળા,
કેટલાય જન્મો સુધી ઉષાને સંધ્યા તણાં !
સાગરતટે ના સહી શકું આ જીવન
હે આનંદસાગર ! લઈ જાઓ મને આનંદ લયમાં !
લઈ જાવ એવા ગહન ઊંડાણે જેથી બનું હું મુક્ત,
આપના આનંદ પ્રદેશમાં કરાવો મને પ્રવેશ,
બની રહુ એક અંશ આપના અગમ્યનો
હે આનંદસાગર, મદદ કરો મને શૂન્ય બનવા કાજ.
પુનર્જન્મ પામું હું એ સમજણ સાથ
કે હું છું આપનાં અનંતરૂપનો ભાગ,
સદાય હતો, પણ વિસરી ગયો હતો.
પરમાનંદનાં મહાસાગર હું તમ સંગ એકરૂપ !

આપણે માટે આપણે જે છીએ એવું
વિચારીએ છીએ, તે આપણે ખરેખર
નથી એવું નિત્યાનંદા આપણને બતાવે છે.
મનની આંતરિક કાર્યપધ્ધતિ અને
આપણી લાગણીઓ પર તેની અસર
સમજાવે છે. આપણા દોષભાવના, ભય,
લોભ, વિ.નું વિશ્લેષણ કરી તે માત્ર
સમાજનું લાદેલ ભારણ છે તેમ બતાવે છે.
એ સ્પષ્ટ કરે છે કે આપણે સ્વાભાવિક
છીએ અને મન સામાજીક છે. તેઓ
આપણને મનને ઓગાળી સાચી જાતને
શોધવા પ્રેરે છે આપણને સામાજીક
સભાનતામાંથી આધ્યાત્મિક જાગૃતિ તરફ
આગળ વધારે છે.

સચોટ ઉકેલો

(Guaranteed Solutions in Gujarati)

"સચોટ ઉકેલો" પુસ્તકનું ધ્યેય વાસના, ભય, ચિંતા, બીજાનું ધ્યાન ખેંચવાનું જરૂરીયાત, ઈર્ષા, અહમ્ અને અસંતોષ જેવી આપણી લાગણીઓની પ્રચલિત સમજણમાં પાયામાંથી પરિવર્તન લાવવાનું છે. પુસ્તકમાંની માહિતીઓનું સંકલન, સ્વામીજીએ દુનિયાભરમાં આનંદ સ્ફૂરણા પ્રોગ્રામ અને લાઈફ બ્લીસ પ્રોગ્રામ જેવા મેડીટેશન શિબિરોમાં આપેલા વ્યાખ્યાનોમાંથી, કરવામાં આવ્યું છે. તે આપણને આપણા શરીરમાં આવેલા ૭ શક્તિ કેન્દ્રો જેને ચક્રો કહેવામાં આવે છે, તેની ઓળખાણ કરાવે છે. આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો આધાર આ ચક્રોની કામગીરી પર હોય છે. મેડીટેશન શિબિરો આપણી લાગણીઓ અને આ શક્તિ કેન્દ્રો વચ્ચે સીધા સંબંધની સમજણ આપે છે તે આપણને વિસ્તારપૂર્વક સમજણ આપી શીખવે છે કે આપણને શક્તિહિન કરતી આ લાગણીઓ વસ્તુ વગરના પડછાયા સિવાય કશું જ નથી. આપણને ખાત્રી આપવામાં આવે છે કે આ લાગણીઓની શક્તિ જે આપણને હથિયાર તરીકે વાપરે છે તેમાંથી આપણે આપણી જીંદગીને મુક્ત કરી શકીએ છીએ. આ શિબિરો આપણા મનની ત્રિશંકુ જેવી દ્વિધાભરી સ્થિતિ અને હતાશામાંથી આપણની જાતને મુક્ત કરવાની અદ્ભુત તક પૂરી પાડે છે. આપણને "સ્વ"ને બંધનમાં રાખતી માનસિક ગુલામીમાંથી મુક્ત થવાની તક આપે છે. આપણામાં આંતરિક અવકાશ પેદા કરી ખીલવામાં મદદ કરે છે અને આપણા આંતરીક મૂળભૂત "સ્વ" સાથે જોડી આપે છે, જે આપણા શરીર અને મનની ઉપર છે. જે શુધ્ધ અને શાશ્વત દિવ્ય આનંદ છે., નિત્યાનંદ છે. આ શિબિરો ફાઉન્ડેશન દ્વારા તાલીમ પામેલ આચાર્યો દ્વારા વિશ્વભરમાં નિયમિત રીતે યોજાય છે.

સ્વામી નિત્યાનંદનું પુસ્તક "ગેરેંટીડ સોલ્યુસન્સ" અત્યંત બોધપ્રદ છે. તે સાંપ્રત વિશ્વના રોજબરોજના નૈતિક દ્વંદ્વોને શાંતિ, ડહાપણ અને રમુજથી ઉકેલવામાં મદદ કરે છે. ચોક્કસ સવાલોના જવાબરૂપે લખાયેલ આ પુસ્તક સ્વામી નિત્યાનંદના વ્યવહારૂ અભિગમ અને અભિપ્રાય રહિતના વલણથી, સામાન્ય પુસ્તકોથી અલગ તરી આવે છે. વાસના, તણાવ, લગ્ન સંબંધો વિ. વિષયોને શાંત, સંકોચ રહિત, પોતાનું દ્રષ્ટિબિંદુ રમુજી ટુચકા, દ્રષ્ટાંતો વિ.ને ઉપયોગ કરી, વાચકને સમજાવે છે કે આ પ્રશ્નો એ ખરેખર પ્રશ્નો જ નથી અને બતાવે છે કે આનું સમાધાન આપણી સમજણથી જ આવી શકે છે.

નંદિતા અગરવાલ સીનીયર કમીશનીંગ એડીટર, હાર્પર કોલીન્સ

Ebook ISBN: 979-8-88572-125-7 PUBLISHED BY LIFE BLISS FOUNDATION

www.nithyananda.org

Barcode

ISBN 160607064-9 9 781606 070642 M.R.P. in India only : Rs. 225