KAILASA Library/પવનને અંદર આવવા દો! (Pavanane Andar Aavava Do!)/તમારી ફરજ બજાવતા નહિ !Sign in
પવનને અંદર આવવા દો! (Pavanane Andar Aavava Do!)

તમારી ફરજ બજાવતા નહિ !

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

કર્તવ્ય વિરુદ્ધ જવાબદારી

તસવીર

એક પ્રાચીન ભારતીય કથા છે :

એક વાર એક રાજા શિકાર માટે વનમાં જવા નીકળ્યા. અચાનક તેમના કાને વાંસળીના મધુર સ્વરો પડ્યા અને રાજા મંત્રમુગ્ધ થઈ ગયા.

આ સંગીતના સૂર ક્યાંથી આવે છે તે જાણવા રાજા ચાલી નીકળ્યા. એવામાં તેમણે જોયું કે એક માણસ કુટિરની બહાર બેસીને નદી અને પવનને સંભળાવવા માટે વાંસળી વગાડતો હતો.

રાજાએ તે માણસને પ્રશ્ન કર્યો, તું વાંસળી અદ્ભુત વગાડે છે. તને વાંસળી વગાડતાં કોણે શું શીખવ્યું ?

ઓહ, કોઈએ નહિ ! તે માણસે સ્મિત વેરતાં કહ્યું. અહીં બેસું અને પ્રકૃતિનાં અનુપમ દ્રશ્યો નિહાળું એટલે ગીત આપોઆપ સરી પડે છે. નિજાનંદને વ્યક્ત કરવાની મારી આ અનોખી રીત છે.

રાજા પ્રભાવિત થઈ ગયા. તેમના રાજમહેલમાં કોઈ સંગીતકાર આટલું સુંદર વગાડી શકતો નહોતો. રાજાએ નક્કી કર્યું કે આ માણસને મારી સાથે રાજમહેલમાં લઈ જવો એ એક સારો વિચાર કહેવાય.

એ માણસના વિરોધ છતાં રાજા તેને મહેલમાં લઈ આવ્યા. આહ્લાદક સંગીતથી રાજાનું મનોરંજન કરવું એ તેનું અહીં એક માત્ર કર્તવ્ય હતું. રાજવી ઉદ્યાનને બદલે રાજમહેલના એક ઉત્તમ ખંડમાં તેના રહેવાની વ્યવસ્થા કરી.

બીજે દિવસે વહેલી સવારે રાજા ઊઠ્યા અને પેલા માણસને ઉદ્યાનમાં બોલાવ્યો.

ચાલ, એક ગીત સંભળાવ ! રાજાએ આદેશ આપ્યો.

રાજાની આજ્ઞાને માથે ચડાવી તેણે વાંસળીના સૂર છેડવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ તેમાંથી સંગીત વહ્યું જ નહિ !

રાજા સ્તબ્ધ થઈ ગયા.

શું વાત છે ? શું આ રાજવી ઉદ્યાનમાં સૌંદર્યની કમી છે ? શું અહીં તને સંગીતની પ્રેરણા મળતી નથી ? રાજાએ પૂછ્યું.

ના, જહાંપનાહ ! ઉદ્યાન સુંદર છે પણ મારા સંગીત અને ઉદ્યાનની સુંદરતા એ બે વચ્ચે તાલમેલ જામતો નથી, એ માણસે દુખી થઈને કહ્યું.

શા માટે ? રાજાએ પૂછ્યું.

કારણ કે ગઈ કાલે સંગીત નિજાનંદ માટે હતું આજે તે મારું કર્તવ્ય બની ગયું છે !

ફરજ ખરેખર એક આપત્તિજનક શબ્દ છે!

આનંદને દુઃખમાં પલટી નાખવાની આટલી ભયંકર ક્ષમતા બીજા કોઈ શબ્દ પાસે નથી.

ફરજ આજના આપણા યુગનો પ્રાયઃ સૌથી નિંદનીય શબ્દ હશે.

સભ્યતાના ઇતિહાસમાં જોઈએ તો દરેકને પોતાની ફરજ બજાવવાના મહત્વ અંગે એટલું બધું કહેવાયું છે અને લખાયું છે કે હવે એ પૂછવાનો સમય આવ્યો છે : ખરેખર આપણી ફરજ શું છે ?

ફરજ એટલે ખોટા કારણ માટે સાચું કામ કરવું.

મૂલ્યની ભાવના આપણા પર બહારથી લાદવામાં આવે ત્યારે ફરજની શરૂઆત થાય છે. જ્યારે તમે સાચી વસ્તુ આનંદ અને સંતોષના ભાવ વિના કરો છો એમ તમને લાગે તો તેનો સામાન્ય અર્થ એ થાય કે તમે કેવળ ફરજ અદા કરો છો. ‘દરેકે પોતાની ફરજ બજાવવી જોઈએ’ એ વિચારની વિરુદ્ધ દરેક વ્યક્તિ છૂપી રીતે બંડ કરે છે એ નિરપવાદ વાત છે.

પણ ફરજ બેધારી તલવાર છે !

કેવળ ફરજને ખાતર ફરજ અદા કરશો તો અંતે તમને અણગમાની અને નિરાશાની લાગણીનો અનુભવ થશે, પણ જો ફરજ નહિ બજાવો તો તમને અપરાધભાવ થશે! બંને રીતે ફરજ તમને આનંદની કોઈ તક આપતી નથી.

ફરજની જાળમાં આપણે ફસાઈ ગયા છીએ એવું ક્યારે લાગે?

દુઃખદ સત્ય એ છે કે આપણામાંના ઘણાખરા લોકોમાં જીવન પોતાની શરત પ્રમાણે જીવવાની હિંમત જ હોતી નથી. તેથી આપણે સામાજિક, નૈતિક, કાનૂની - આવી કેટલીય સંસ્થાઓનો આશ્રય શોધીએ છીએ. પણ એક વાત આપણે ભૂલી જઈએ છીએ કે જીવનમાં કોઈ જ વસ્તુ મફત મળતી નથી ! બદલામાં આ સંસ્થાઓ આપણા પર ફરજો લાદે છે. આખરે આપણા નિયંત્રણો હંમેશાં બીજાના જ હાથમાં હોય છે ! પણ આપણે એટલી ગાઢ સુષુપ્તિમાં જીવીએ છીએ કે આપણે ફરજની જાળમાં ફસાઈ ગયા છીએ તેની ખબર પણ પડતી નથી.

એક માણસ સંન્યાસ લેવા માટે બુદ્ધ પાસે આવ્યો. બુદ્ધના શિષ્ય બનવાની તેની ઈચ્છા હતી.

બુદ્ધે સ્મિત સાથે તેને કહ્યું, ભલે, હું તારો સ્વીકાર કરીશ પણ એક શરતે. પહેલાં તું તારા મિત્રો અને તારા પરિવારની હત્યા કર અને પછી મારી પાસે આવ.

એ માણસ ડઘાઈ ગયો. બુદ્ધ કહેવા શું માગતા હતા ?

શું બુદ્ધ પેલા માણસને તેના પરિવાર અને મિત્રોની શારીરિક હત્યા કરવાનું કહેવા માગતા હતા?

ના ! તેમનું કહેવાનું તાત્પર્ય એ હતું કે જા. તારી અંદર સમાજના અવાજો રહેલા છે, જે તને સતત સૂચનાઓ આપે છે અને ખલેલ પહોંચાડે છે તેની હત્યા કર. હકીકતમાં નહિ પણ માનસિક રીતે તેમની હત્યા કર. તારા જીવન પર તેની અસર છે તેને તું દૂર કર.

તમારા જીવનને નજીકથી જુઓ.

કેટકેટલા માણસો તમારા મસ્તિષ્કની અંદર બેસીને તમારે શું કરવું, કેમ જીવવું તે વિશે સૂચનાઓ આપતા રહે છે ? કેટલાય માણસો તમને કહે છે કે તમારે માટે શું સાચું છે અને શું ખોટું છે ? તમારા જીવનનું નિયમન કયા લોકો કરે છે ?

તમારા માતાપિતા. તમારા સંતાનો. તમારાં જીવનસાથી. તમારા મિત્રો. અપરિચિતો. સમાજ. કાયદો. નીતિવિષયક તમે જેટલાં પુસ્તકો વાંચ્યાં છે તેનાં તમામ લેખકો, જેટલી કથાઓ સાંભળી છે તેના તમામ કથાકારો !

જગતમાં કેટલાય લોકો એવું કહેનારા છે કે તમારે શેનો ત્યાગ કરવો અને કોને માટે ત્યાગ કરવો : તમારા કુટુંબ માટે, સંતાનો માટે, સમાજ માટે, તમારી માતૃભૂમિ માટે, ફિલસૂફી માટે, ઈશ્વર માટે.. ... ... !

હત્યા કરવી એ મારી ફરજ છે એવું દરેક દેશભક્ત વિચારે છે. પૃથ્વી પરના તમામ યહૂદીઓને મારી નાખવા તેને હિટલર પોતાની પવિત્ર ફરજ ગણતો હતો.

કાંઈ નહિ તો છેવટે યુદ્ધમાં તો લોકો ફરજને ખાતર દુશ્મનોની હત્યા કરતા હોય છે. તમે તમારી જાતને મારો છો !

આ એક પ્રશ્ન તમે તમારી જાતને સભાનપણે પૂછો : હું મારી ફરજ અદા કરું છું તેની પાછળ ખરાં કારણો ક્યાં છે ?

કોઈને રાજી કરવાની ઇચ્છા ?

અમાન્યતાનો / અસ્વીકારનો ડર ?

અપરાધની ભાવના ?

નૈતિક રીતે ચડિયાતા હોવાનું અહમ્ ?

છેલ્લાં પાંચ વરસથી તમે જે ફરજો બજાવી રહ્યા છો તેની એક યાદી તૈયાર કરો. હમણાં જે ફરજો બજાવી રહ્યા છો તેની નીચે નિશાની કરો.

તમારી જાતને પૂછો, શું એ યોગ્ય હતી ? શું ફરજ બજાવવાથી તમને વધારે સંતોષ અને આનંદની લાગણી થઈ હતી ? કે પછી તમારા મનમાં અસ્પષ્ટ અણગમાનો ભાવ જાગ્યો હતો ?

હવે આ કરો. આ મહત્વનું છે.

દરેક વખતે કોઈને માટે કંઈક કરવાથી તમને અતિશય આનંદ થયો હોય તેની એક નોંધ તૈયાર કરો.

એ ક્યા પ્રસંગ હતા ? એ ક્યા લોકો હતા ?

જ્યારે તમે અતિશય નિષ્કામભાવે કોઈ કર્મ કર્યું હોય - જ્યારે તમે સ્વેચ્છાએ તમારા ધ્યાનને તમારા તરફથી બીજા તરફ વાળ્યું હોય એ કયો સમય હતો ? એ કદાચ તમારી પ્રેયસી, તમારા સંતાન કે તમારા શ્રેષ્ઠ મિત્ર પણ હોઈ શકે.

જે કર્મ પ્રેમથી કરવામાં આવે તેમાં ક્યારેય રોષ કે અણગમાની લાગણી હોતી નથી. આ એક નિર્વિવાદ હકીકત છે. તેમાં ફરજનો બોજ પણ હોતો નથી. પ્રેમ એ કર્તવ્યની કેદમાંથી મુક્ત કરવાની ચાવી છે !

આ કોઈ નૈતિક વિધાન નથી.

તમે માનો કે ન માનો, તમે સ્વીકારો કે ન સ્વીકારો પણ આપણે સૌ એકબીજા સાથે ગાઢપણે સંકળાયેલા છીએ.

જેમ પૃથ્વીના પર્યાવરણ તંત્રમાં દરેક જીવંત વસ્તુ (ઓર્ગનીઝમ) ભૌતિક સ્તરે એકબીજાથી જોડાયેલી છે તેમ આપણી જાણકારી વિના આપણે એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છીએ.

આ છે આપણા જીવનની વાસ્તવિકતા.

આ હકીકતને ઓળખવી એ પરિપક્વતાની નિશાની છે.

અન્ય માટે પ્રેમ અનુભવીએ ત્યારે આ છલાંગ સહેજે જ જાગૃતિ તરફ હોય છે. !

લોકો મારી આગળ ફરજ વિશે વાત કરે છે ત્યારે હું તેમને કહું છું,

તમે જે કરી રહ્યા છો તે તો બરાબર છે.

પણ તેની પાછળનું કારણ ખોટું છે !

સભાનતા વિના જીવો પણ આંતઃસ્ફુરણા વિના નહિ.

તમારા ડર પર વિશ્વાસ ન મૂકો. તમારી બુદ્ધિનો વિશ્વાસ કરો. ભય કે અપરાધ વિના પણ તમે યોગ્ય માર્ગે આપોઆપ ટકી રહેશો.

તમે મને કદાચ પૂછશો, હું જેને પ્રેમ કરું છું તેમના પ્રત્યે જ મારી મોટા ભાગની ફરજો હોય છે તેમ છતાં હું આટલી બધી માનસિક તાણ કેમ અનુભવું છું ? કારણ કે રોજિંદા જીવનની ખેંચતાણમાં તમે પ્રેમનું લક્ષ્ય ક્યાંક ખોઈ બેઠા છો ! જવાબદારીની સ્વાભાવિક ભાવના અને કર્તવ્યની બળજબરીપૂર્વકની ભાવના એ બંનેની અદલાબદલી થઈ ગઈ છે.

જવાબદારી અને કર્તવ્ય વચ્ચે બહુ મોટો તફાવત છે.

જવાબદારીનો શાબ્દિક અર્થ છે પ્રતિભાવ આપવાની ક્ષમતા. જવાબદારી એટલે અન્યની જરૂરિયાત પ્રત્યે તત્કાળ પ્રતિભાવ આપવાની ક્ષમતા.

અપરિચિત વ્યક્તિને બચાવવા સળગતા ઘરમાં દોડી જવાની પ્રેરણાને જવાબદારી કહે છે. કર્તવ્યની ભાવનાથી આ કામ સંપન્ન થયું ન હોત !

જવાબદારી પ્રેમમાંથી સહજ સ્ફુરે છે. તમે બીજા કરતાં અલગ નથી એ જાણો એટલે તમારામાં જવાબદારી જન્મે છે.

એ ઊંડી સમજણમાંથી જન્મે છે :

તમે છો, માટે હું છું.

એક વાર જવાબદારીની ભાવના જન્મશે એટલે ફરજ શબ્દ આપોઆપ અદ્રશ્ય થઈ જશે.